કટોકટીના ચમકારા

જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’.  આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં  છું. ‘કટોકટી’ નથીને એટલે!

‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી ગુજરાતમાં છે. અને ગુજરાત એ વખતે પણ અનોખું જ હતું! દેશભરમાં  મોટાભાગે કોંગ્રેસ અને એથીય વિશેષ  શ્રીમતી ઈંદિરા ગાંધીની બોલબાલા જ્યારે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર! શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એથી કરીને ‘કટોકટી’નો તાપ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછો લાગતો હતો. પણ લાગતો હતો ખરો! આ રહ્યા અમે અનુભવેલા ‘ કટોકટીના ચમકારા’.

* જે લારી પર અમે મિત્રો રોજ ગોલ્ડન ચા પીતા હતા એ લારીવાળાએ આપેલી ચામાં અમને મજા ન આવી. અમે કહ્યું :’યાર, આ કેવી ચા બનાવી છે?’

‘પચીસ પૈસામાં તો એવીજ આવેને?’ ચા વાળાએ કહ્યું.

‘અરે પચાસ પૈસા લેજે.પણ  ચા સારી બનાવ.’ એક મિત્રે કહ્યું.

‘ધીરે બોલો. અને ચા તો આવી જ મળશે ને પચીસ પૈસામાં જ મળશે.  સરકારે જનતા ચાના ભાવ બાંધેલા છે. વધારે ભાવ લઈને મારે મિસામાં નથી જવું.’ ચા વાળાએ પોતાની મજબૂરી બતાવી.

* એ બખતે અમરેલીમાં D.S.P. તરીકે કુમારસાહેબની બોલબાલા! ધારે તે કરી શકે. રોજ રોજ એમના પરાક્રમોની સાચીખોટી વાતો સાંભળવા મળે.

–  એ વખતે યુવાનોમાં બચ્ચનિયા   લાંબા વાળની ફેશન. પણ  કુમારસાહેબને એ પસંદ નહીં. કહેવાતું હતું કે તેઓ પોતાની જીપમાં એક “કેશ કલાકાર”ને  સાથે જ રાખતા! જે કોઈ લાંબાવાળ વાળો નજરે ચડ્યો નથી કે એને મૂંડ્યો નથી! ઘણા યુવાનોએ કકળતી આંતરડીએ પોતાના વાળ સ્વેચ્છાએ કપાવી નાખ્યા હતા. તો કેટલાક પોતાના લાંબાવાળ  સાથે બહાર નીકળતા તો  લપાતા છુપાતા અને કુમારસાહેબની નજરે ન ચડી જવાય એવી તકેદારી સાથે નીકળતા હતા.

– કુમાર સાહેબની નજરે રાત્રે બાર પછી કોઈ નજરે ચડ્યો કે આવી બને! ખુલાસા કરવા પડે! ફિલ્મ જોવા ગયા હોય એણે ટિકિટનું અડધિયું બતાવવું પડે!! ફેંકી દીધું હોય તો ફિલ્મની વાર્તા કહેવી પડે!!!

–  ચાર  જણા  ઊભા હોય ને પાંચમો આવે તો  તરત 144ની કલમનો ભંગ થયાની બીક લાગે.  ઘરાકી ન હોય ત્યારે પણ  દુકાનદારોને  દુકાનની બહાર   ભેગા થઈને ગપ્પા  મારવાની મનાઈ!

– કોઈપણ ચીજના ભાવ કરતાં એક પૈસો  પણ વધારે લેનાર  દુકાનદારને એક જ વાક્ય કહેવાનું  કે ‘કુમાર સાહેબ આટલાંમાં જ છે.’

– સરઘસ કાઢવાનો તો કોઈને  વિચાર સરખો ન આવે. પણ  હા, કુમાર સાહેબ   અવરનવાર  એકાદ ‘દાદા’ને  પકડીને એનાં ગળામાં ‘હું ગામનો દાદો છું’ એવું લખાણ લખેલું પાટિયું લટકાવતા અને ગામમાં ફેરવતા.

-જન્માષ્ટમીનો તહેવાર તો  તીનપત્તીનો તહેવાર! પણ કુમારસાહેબની ધાકે જુગાર પર મનેકમને કાપ મુકાયેલો! રાત્રે બાર વાગે  ભાવિક ભક્તોએ જેટલા ભાવથી કાનુડાનાં દર્શન કર્યાં એથી પણ વિશેષ ભાવથી કુમારસાહેબના દર્શન કર્યાં. કાનુડો મંદિરમાં હતો.અને કુમારસાહેબ મંદિરની બહાર વ્યવ્સ્થા જાળવવા માટે  હતા.

-એક દિવસ કુમારસાહેબ સૌની દેખતા અમરેલીથી બહાર જવા નીકળ્યા. જુગારપ્રેમીઓને ફાવતું  મળી ગયું. બેઠક જમાવી.પણ કુમારસાહેબ રાત્રે બે વાગ્યે ત્રાટક્યા!  બીજે દિવસે પોલિસસ્ટેશને વીસબાવીસ જુગારપ્રેમીઓને જોવા માટે દસ હજાર જેટલાં લોકોનું ટોળું હતું! અને  ટોળાનો એક નારો હતો કે “કુમારસાહેબ ઝીંદાબાદ!”

* હવે ચા કરતાં કીટલી કેટલી ગરમ રહેતી એ બાબતનો  એક ચમકારો! રાતના  બાર પછીનો સમય હતો. બે પોલિસવાળાએ એક ગરીબ માણસને રોક્યો અને પૂછપરછ કરી.

પેલા માણસે જવાબ આપ્યો કે: ‘કામ પરથી આવું છું. ‘

‘અત્યારે શાનું કામ? દારૂ પીધો  છે? લથડિયાં કેમ ખાય છે?’

‘થાકેલો છું એટલે. દારૂ નથી પીધો. ‘

‘ચાલ સો રૂપિયા આપી દે.નહીં તો કેસ કરવો પડશે.’

પેલા માણસે હાથ જોડ્યા. કાલવાલા કર્યાં કે :’એટલા બધા પૈસા નથી. ગરીબ માણસ છું.’

પોલિસે એનાં ગજવાં તપાસ્યાં. વીસ રૂપિયા નીકળ્યા. જે લઈ લીધા અને જવા દીધો.

* કટોકટીનો વિરોધ કરવા માટે   ધારાસભ્ય શ્રી નરસિંહદાસ ગોંધીયાની આગેવાની હેઠળ રેલી નીકળેલી જેમાં  ફક્ત પાંચસાત યુવાનો જોડાયા હતા. નારો હતો: ‘કટોકટી દૂર કરો… દૂર કરો.’ કરો.. જોનારાને લાગતું  હતું  કે  હવે આ લોકોનો વારો પડી જશે!

*કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયમાં ઈંદિરા ગાંધીએ જાહેર કરેલો વીસ મુદ્દાનો કાર્યક્રમ તાત્કાલિક  ઘુસ મારી ગયો હતો અને સાથે સાથે સંજય ગાંધીના બીજા બેચાર મુદ્દાનો કાર્યક્રમ  પણ . પણ અમરેલીની કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી પુરોહિત સાહેબ બેધડક થઈને તમામે તમામ મુદ્દાઓના છોતરાં કાઢતાં હતા. સાહસ કરનારા પણ હતા.

* ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, મોંઘવારી ,લાગવગશાહી, અવ્યવ્સ્થા  દૂર થાય તો કોને ન ગમે?  પણ એની જ સામે  આવાં જ દુષણો ધરાવતો બીજો વર્ગ  ઊભો થાય એ કોને ગમે?  સુક્કાં પાછળ ઢગલેઢગલું  લીલું બળવાની વાત કોને ગમે? છાપાં પણ કશું સાચું ન કહી શકે એ કોને ગમે? અને  પોતાની જીભને  સતત કાબુમાં રાખવાનું કોને ગમે?

એટલે જ છેવટે  કટોકટીને જાકારો મળ્યો.  જો કે  કટોકટીમાં જેલમાં ગયેલા કેટલાક  નાનામોટા  નેતાઓને પછીથી મહેલમાં રહેવાનાં નસીબ પણ પ્રાપ્ત થયાં. સમય સમયની વાત છે!!!

Advertisements

10 thoughts on “કટોકટીના ચમકારા

 1. આજે સ્વતંત્રતાના જમાનામાં ‘કટોકટી’ને યાદ કરનારા બહુ જ ઓછા છે ત્યારે તમે ‘કટોકટી’ને યાદ કરી એટલું જ નહીં, પોતાના અનુભવો વર્ણવ્યા જે તમામ મજેદાર હતા. કુમારસાહેબ જેવા સાહેબો હોય તો ખરેખર આ દેશનો ઉદ્ધાર થઈ જાય!

 2. ઘણી યાદો તાજી થઈ ગઈ. આભાર ..
  પણ કટોક્ટી પછી જે દુર્ગતિ થઈ, તે જોતાં એ બીજા દસ વરસ ટકી હોત તો, પ્રજામાં થોડી ઘણી શિસ્ત કાયમી બની હોત – એમ લાગે છે.
  અમેરિકા, યુરોપમાં પળાતી સામાજિક શિસ્ત કાયદાના કડક અમલને કારણે છે.
  ———-
  તાત્કાલીક કે તાત્કાલિક?

 3. કટોકટીના કેટલાંક ફાયદાઓ પણ હતા.
  આપણો દેશ અને દેશવાસીઓને શિસ્ત શિખવવા સોટીની જરૂર છે! ગાડીઓ સમયસર દોડતી હતી. માનનિય સુરેશભાઈએ જે કહ્યું છે એ સમજવા જેવું છે. હું જ્યારે અહિંથી દેશ ગયો ત્યારે રેલ્વે પ્લેટફોર્મ પર મારી નાની દીકરીએ ચિપ્સ ખાધા પછી પુછ્યું કે ડેડી ગાર્બેજ ક્યાં નાંખુ?
  ત્યારે મારી આંખ ભીની થઈ ગયેલ કારણ કે આખું પ્લેટફોર્મ જ ગાર્બેજકેન જેવું હતું! અને ગાર્બેજ કેનનો ક્યાંય પત્તો ન્હોતો.
  સામાન્ય શિસ્ત માટે કેટલી રાહ જોવી પડશે કોણ જાણે.
  આપણા ભુતપુર્વ પ્રધાન લાલુજીને પાન ખાયને રસ્તા પર પિચકારી મારતા ટીવી પર જોયા છે. અને સ્વ. દેવીલાલનો રોડ પર લઘુશંકા કરતો ફોટો પણ છપાયો હતો.
  આ માટે હજુ કેટલી રાહ જોવી પડશે?
  મેરા ભારત મહાન…

 4. Please don’t appreciate Emergency, If they, means congress find people appreciate Emergency then they again think to apply Raven raj rules. If Congress want to install Rahul Gandhi as Prime Minister than they have to think for Emergency door. Emergency will kill your creativeness and Azadi. You may be right in writing that those who are in Jail during emergency, are in Mahal to day. But overall we can say we are not fit for complete Emergency and complete democracy. Emergency rules should be imposed on Government employees ,Industrialist and on politician…

  • અમે બંને તરફનું માત્ર એક ચિત્ર રજૂ કર્યું છે. કટોકટીની તરફેણ નથી કરી. પણ એ શા માટે તરફેણને લાયક નથી એ વાત કહેવાનો પ્રયાસ કર્યો છે. આપ પણ આ બાબત વધારે વાત કરશો તો મિત્રોને પણ ખ્યાલ આવશે અને અમને પણ વિશેષ જાણકારી મળશે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.