comments માં કાગડા ઊડે email માં ઢગલો

જગલો માથે હાથ દઈને બેસી ગયો.

“ કાં સું થયું?” ભગલાએ પૂછ્યું.

“ આ હિસાબ સમજાતો નથી.” જગલો ગળગળો થઈ ગયો.

“ સેનો હિસાબ વળી?”

“ આ જોને comments માં કાગડા ઊડેસ ને email માં ઢગલો થ્યોસ.”

“ તું સું કેવા માંગેસ ઈ મને હજી નથી સમજાતું.”

“એ.. આ બ્લોગની વાત કરુંસ. કાલ્યનોજ દાખલો દઉં  તો મારા બ્લોગની મુલાકાત લીધી પૂરાં દસ જણાંએ.”

“ લે દસ કાંઈ ઓછાં પડેસ?’

“ વાત તો પૂરી સાંભળ્ય. દસમાંથી  comment  લખી એકે.”

“ એક તો એક. આવીને. આપણું એમાં કાઈ ગ્યું? બિલકુલ  નો હોત તો?  આપણે સવળો અરથ લેવાનો.”

” તારે મારી વાત પૂરી સાંભળવીસ કે નહીં? ”

“સંભળાવને કોણ ના પડેસ?”

“ હું એમ કઉંસ કે મારા બ્લોગની મુલાકાત લીધી ફક્ત દસ જણાંએ એનો મને કોઈ વાંધો  નથી. Comment લખી એકે જ. એનોય મને વાંધો નથી. પણ પોતાના બ્લોગની મુલાકાત લેવા માટે email થી આમંત્રણ મોક્લ્યાં છે વીસ જણાંએ. આ હળાહળ અન્યાય  નથી?”

“  લે કર વાત. એમાં અન્યાય કેવો? તારો ગામ આખામાં કોઈ ભાવ પૂછતું નથી ને વીસ વીસ આમંત્રણ મળે એ તો હરખાવા જેવી વાત છે.”

“તું સમજ્યો નહીં. હું એમ કેવા માંગુસ કે ઓછાંમાં ઓછાં દસ જણાં એવાં છે કે જેણે મારા બ્લોગની મુલાકાત લીધી નથી પણ પોતાના બ્લોગની મુલાકાત લેવા માટે મને આમંત્રણ ઠપકાર્યાં છે. આવું હાલે કાંઈ? આ તો કાલ્યનો દાખલો છે રોજનો હિસાબ માંડું તો આંકડો મોટો થાય છે.”

“ હું તો એમ માનુંસ કે આમંત્રણને માન આપવું જોઈએ.”

”  અરે મારા ભગાભાઈ. હું તો વગર આમંત્રણે જુદા જુદા બ્લોગની મુલાકાત લઉં જ છું. સારું લાગે તો બે શબ્દો લખું પણ છું. પણ..”

“ મતલબ કે એક તરફી વેવારની વાત થઈ.”

“  હવે તું સમજ્યો.  આ તો એવું થયું કે ઈ  આપણાં કાચાંપાકાં ઘર સામું  જૂએ નહીં ને એની ઘેર બોલાવ્યા કરે. એટલા બધા email  આવે છે કે સું કરવું એની સમજણ પડતી નથી. કાંઈ રસ્તો નથી સૂજતો.”

“ વીજળીના ચમકારે Delete કરી નખાય જગાભાઈ.”

” જીવ નથી હાલતો. ભગાભાઈ.”

“તો તારી પીડા તું ભોગવ. હું તો આ હાલ્યો.”

ભગો ગયો. ખૂબ વિચારના અંતે જગાના અત્મામાંથી અવાજ આવ્યો.

એણે mouse પર હાથ મૂક્યો.

Advertisements

10 thoughts on “comments માં કાગડા ઊડે email માં ઢગલો

 1. અલ્યા ભાઈ ભગ કાંઈ ઈમ અમથો ગળગળો થઈ ગ્યો ઓઈ એવ મને તો નથ લાગતું ! એ હાવ હાસો સે ! આંઈ નો વેવારેય ગુજરાતી સાહિત્ય જગમાં હાલે ઈવો જ સે !?

  અંતે આતમાનો અવાજ હાંભરવો !!

 2. પાડ માનો કે બ્લોગ એ ગુજરાતી સાહિત્ય નથી – નહિતર દીપડા જેવા વિવેચકો (કે બબૂચકો) તૂટી પડત અને બધા ઉગતા બ્લોગરોનું ગળું (કોપી-પેસ્ટર્સ નહી..) રૂંધી નાખત…

 3. કાર્તિકભાઈની વાત સાથે હું પણ સુર પુરાવુ છું. ખૂબ કહી ! બ્લોગ ઉપર નિજાનંદ માટે લખવાનુ રાખો અને કોમેંટ આવે કે ના અવે તેની ચિંતા નહી કરવાની. અંગત આત્મ સંતોષ મળે અને આપણાં વિચારો વ્યકત થાય અને મનમાં જ ના રહે તે માટે આ બ્લોગની સગવડતા ઉભી કરી તે માટે વ્રર્ડ પ્રેસનો આભાર માનો !

  સ-સ્નેહ
  અરવિંદ

  • આ એક હાસ્ય પ્રસંગ છે જેમાં માનવ સ્વભાવ પર વ્યંગભર્યો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરેલો છે. તે માટે બ્લોગખનનો વિષય પકડ્યો છે.ને બ્લોગ લખનારની મનોદશાને ધ્યાનમાં લીધી છે. ખાસ તો જેના બ્લોગ પોતે વાચતો નથી તેને જ આમંત્રણ આપે છે એ બ્લોગરની વિચારસરણી પર નિશાન તાક્યું છે. મજા માણવાની મુખ્ય વાત ત્યાંજ છે. રચનાને માણવાની વાત પણ ત્યાંજ છે. માનવજીવનમાં પણ ડગલે ને પગલે આવી વિચારસરણી જોવા મળતી હોય છે.
   કમલેશભાઈએ આ વાતને પકડીને “હું બાવો ને મંગળદાસની વિચારચરણી” પર પ્રકાશ ફેંકવા માટે ગુજરાતી સાહિત્યજગતનો દાખલો આપ્યો છે. જેના પરથી કાર્તિકભાઈએ વિવેચકોની ખબર લીધી છે.
   બ્લોગજગતમાં દીપડા જેવા વિવેચકો નથી એ બહુ આનંદની વાત છે પણ એના વિકલ્પમાં દરેક બ્લોગરમાં પોતાનામાં પણ સમજદાર પ્રાણી જેવો સામાન્ય માણસ હોય તો પણ ઘણો ફેર પડે. જો કે કોઈને એ પણ જરૂરી ન લાગે! બ્લોગશાહીમાં કોઈને એવી ફરજ પાડી પણ ન શકાય!!!

 4. 🙂 🙂 🙂
  આ અમારે હમણાં માંડવી ઉપડી તંયે ય આવો જ તાલ હતો ! પોતાને ખેતરે માંડવી વીણવા આવવાનાં દશ જણાનાં કહેણ આવે ને આપણે માંડવી ઉપડે તંયે માંડ પાંચ આવે. ઈયે પાછા ઓલા દશ માંયલા તો નઈ જ !!
  એમાંથીએ ચાર તો ખાલી ચા-પાણીનો ટેસડો જ કરે (Like !) એકાદો વળી બચાડો થોડીઘણી વીણવા લાગે ! (Comment !)

  (બ્લોગ)સંસાર છે, હાયલા કરે ! ભગો હાસું બોઇલો…Delete કરો !

  • આમ તો આ ગતકડું બ્લોગલેખનની શરૂઆત કરેલી તે વખતનું છે. ત્યારે એવો તાલ જોવા મળ્યો હતો કે: હું તારું વાંચું કે ન વાંચું પણ તું મારું ધરાર વંચ! 🙂
   વહેવારમાં તો આ મુદ્દા ખાસ જોવાય છે કે:
   -આપણે ત્યાં એ આવ્યા હતાં કે નહિ?
   -આવ્યા હતાં તો કેટલાં આવ્યા હતાં?
   -શું ઓછું કરી ગયાં હતાં?
   -શું વધારો કરી ગયાં હતાં?
   – હવે બોલો આપણે શું કરવું છે?

   • યશવંતભાઈ,
    બીજું પાસું ઊજળું છે. તમારા બ્લૉગ પર જે લોકો આવે છે તેમાંથી ઘણાખરા કોમેન્ટ લખ્યા વિના જાય છે, ઘણાખરા ’લાઇક’ કર્યા વિના જાય છે. પરંતુ વોટિંગ કરવાનું આવ્યું ત્યારે એમણે તમને પહેલો નંબર અપાવ્યો! કોણ છે, આ લોકો…કેટલા છે આ લોકો? તમે જાણી શક્યા છો? નહીં જ!! તમે માત્ર એટલું જ જાણી શક્યા કે અમુક દસ તમને આમંત્રણ તો આપે છે પણ પોતે નથી આવતા. બીજી બાજુ એવા ઘણા છે, જે માત્ર બ્લૉગ વાંચે છે, એમનો પોતાનો બ્લોગ પણ નથી!
    મુ.શ્રી અરવિંદભાઈ આત્મસંતોષની વાત કરે છે, પણ દુનિયા જે્ટલી અંદર હશે, એટલી જ બહાર છે. બ્લૉગ દ્વારા અથવા કોઈ પણ રીતે આપણે આપણી અંદરની દુનિયા બીજા સામે પ્રગટ કરીએ છીએ. એ જોનાર કોઈ જ ન હોય તો આત્મસંતોષ મળી જાય એ મને શક્ય નથી લાગતું. મુ. શ્રી અરર્વિંદભાઈના તો વાચકો છે, પણ જેને વાચકો ન મળતા હોય એ જો આત્મસંતોષની વાત કરે તો હું એને દ્રાક્ષ ખાટી હોવાનો કેસ માનીશ.

    • આ ગતકડું મજાકની મનોદશામાં જ મુકાયેલું છે. આમાં મારી પોતાની કોઈ ફરિયાદ નથી. બ્લોગનારાયાણની કૃપાથી બ્લોગપૂરતું મળી રહે છે! 🙂
     કેટલીક વખત તો એવું બન્યું છે કે: કોઈ અજાણ્યા વાચકમિત્રના એકાદ પ્રતિભાવથી પણ મને બ્લોગલેખન ચાલુ રાખવાનું બળ મળ્યું હોય. આવું એક નહિ અનેક વખત બન્યું છે.
     વહેવાર તો વધાર્યો વધે ને ઘટાડ્યો ઘટે! આપણે પણ ક્યાં બધે પહોંચી શકીએ છીએ? 🙂
     બ્લોગ્સ સ્પર્ધામાં પ્રથમ નંબર નથી પરંતુ એકથી દસમાં સમાવેશ થયેલ છે જે મારી ધારણા બહારની વાત છે. વાચકોએ મને બ્લોગલેખન જાળવી રાખવાનું બહાનું પૂરું પાડ્યું છે.
     બાકી, ઘરાકી ન હોય તો હાટડી ચાલુ રાખવામાં મજા નહી. કમસે કમ કોઈ ભાવ પૂછવાવાળું તો આવવું જ જોઈએ! 🙂

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.