મંગલ મંગલ

 

અમુક પ્રસંગે લોકો પોતાના હરખને કાબુમાં રાખી શકતાં નથી. પ્રસંગ પ્રમાણે હરખાવું એ સ્વાભાવિક પણ  છે. એ વખતે ભવિષ્ય વિષે જો વધુ વિચાર કરવામાં આવે તો કદાચ હરખ ઓછો પણ થઈ જાય. પણ  એવું મોટાભાગે કોઈ કરતું નથી. અને કરે તો પણ પોતાની લાગણીનું જાહેર પ્રદર્શન કરવાને બદલે સમસમીને બેસી રહે છે. કારણ  કે હરખપદુડાઓની બહુમતી સામે બાપડો ચિંતક ઝાઝું જોર કરી શકે નહીં.

દાખલા તરીકે કોઈનો લગ્નપ્રસંગ. આ પ્રસંગે શું કરવાનું હોય? બનીઠનીને નાચવાનું હોય , ગાવાનું હોય કે સારું સારું ખાવાનું હોય. શુભેચ્છાઓ વ્યક્ત કરવાની હોય કે આશીર્વાદ આપવાના હોય. પણ  એ બધું    સો ટકા હરખથી. અરે ગોર મહારાજની જ વાત કરો ને. એ પણ વર-વધૂના સાહસ પાછળ રહેલા જોખમને જાણતો હોવા છતા ગંભીરમાં ગંભીર પ્રતિજ્ઞાઓ પણ હળવાશથી લેવડાવી દે છે. બાકી એને તો ખબર જ હોય છે કે આવી તો કેટલીય પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ અને તૂટી યે ગઈ!    રોતલીયું મોંઢુ કરીને એવું નથી કહેતો કે – અત્યારે ભલે બધુ મંગલ  મંગલ  હોય પણ ભવિષ્યમાં તમારાં ઘરમાં રોજ ઊઠીને દંગલ દંગલ થઈ શકે છે માટે એ બાબતનો પણ  વિચાર કરો તો સારું.

ને ઘણે  ઠેકાણે લગ્નપ્રસંગમાં હસ્તમેળાપની મુખ્ય વિધિનું તો ખૂબ જ ઝડપથી પોટલું વાળી દેવાતું હોય છે  પણ વરઘોડા જેવી પેટાવિધિ  એટલી બધી લાંબી ચાલતી હોય છે કે લગ્નનું મુહૂર્ત પણ ચાલ્યું જાય!!  એ મુહૂર્ત જે  મુહૂર્ત કઢાવવા કાજે કેટલીયે માથાકૂટ થઈ હોય છે.  પણ  કયાં  વડીલમાં એવી તકાત છે કે જુવાનિયાને કહી શકે કે  હે નવયુવાનો , આટલો બધો હરખ વધારે પડતો છે કારણ કે લગ્ન એ મંજિલ નથી પરંતુ નવા સાહસની શરૂઆત છે ને  વિકરાળ વાસ્તવિક્તા  તો આગળ મોં ફાડીને ઊભી છે .  આવું થોડુંઘણું ડહાપણ  કરનારા વડીલો હતા પણ એ વાત ભૂતકાળની થઈ ગઈ. હવે તો વડીલોએ પણ  નાચવું પડે છે. પછી ભલે એના માટે કલાસ કરવા પડે!

ને એકબીજાંને ભેટી ભેટીને અમને તો જોતાંતા એવાં જ  નવાં સગાં મળ્યાંએવા તકિયા કલામ પઢતાં  હરખઘેલાંને કોઈ કહેતું નથી કે જેને તમે નવાં સગાં માની રહ્યાં છો એ જ તમારાં નવાં દુશ્મન હોઈ શકે. બની શકે કે ફોટામાં ય તમે એકબીજાંને જોવાનું પસંદ  નહીં કરો.  

પણ શુભ પ્રસંગે તો એક જ વાત હોય. હરખ હરખ ને હરખ!!! આજનો લહાવો લઈ લેવાની વાત હોય છે અને નહીં કે આવતી કાલની વાસ્તવિક્તાની. દરેક ક્ષેત્ર માટે આ વાત લાગુ પડે છે.

ગુજરાતમાં નેનો પ્રોજેક્ટના આગમનને શુભ પ્રસંગની માફક  સૌએ હોંશે હોંશે વધાવ્યો છે એમાં પણ ઘણાંને વધારે પડતું લાગ્યું  હશે. પણ સારાં સગાં  મળ્યાં  છે એમ માનીને સનેડો જરા લાંબો થયો હોય તો એ સ્વાભવિક છે. પણ ખરી કસોટી હવે છે કારણ કે અત્યાર સુધી જે થયું એ તો લગ્નપ્રસંગ જેવું હતું. મીઠી જીભ અપાણી, ગોળ ધાણા વહેંચાયા,વિવાહ થયા ને મંગલ ગીતો ગવાયાં ને વચનો અપાયાં. હવે શું?

હવે પરણી પાટી ઘેર લાવ્યા લાખ લાડી લાવ્યા … દીએ રહેજો ડેલામાં ને રાતે ભરજો પાણી.   

ખરો ખેલ હવે છે. માન્યું હોય એવું ને એટલું ન પણ બને. ડગલે ને પગલે મન મોટું રાખવું પડે.  કશું મેળવવા કાજે કશું જતું પણ કરવું પડે. કોઈ કહેશે કે ‘ઈડરિયો ગઢ જીત્યાં’  તો કોઈ કહેશે કે ‘ગઢ કેવો ને વાત કેવી? આ તો તમાચો મારી ને ગાલ રાતો રાખવાની વાત છે’ કજિયા માટેનાં સો કારણો હાજર હશે ને સંપ ને સહકારની ભાવના ગેરહાજર હશે!  એ……. ….જાગતાં રહેજો .

 

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.