લેખક, પુસ્તક અને વળતર…

લેખક, પુસ્તક અને વળતર…

નવા લેખક માટે પહેલાં પુસ્તકનું છપાવું એટેલે જાણે કે પહેલાં સંતાનનું અવતરવું! પરંતુ જેમ માબાપ માટે સંતાનના જન્મ પછીની કાર્યવાહી આનંદ આપનારી હોય છે એટલી જ કસોટીથી ભરેલી હોય છે એમ જ લેખક માટે પણ પુસ્તક છપાયા પછીની કાર્યવાહી કસોટીથી ભરેલી હોય છે! નવા લેખક માટે તો મોટા ભાગે પુસ્તક પ્રકાશનના ખર્ચાનો ભાર પોતાના જ ખભે હોય છે. લેખકને જો એ ખર્ચાનું વળતર મેળવવું ન હોય તો કશો સવાલ જ નથી. એ પોતાનાં પુસ્તકો વહેંચીને આનદ માણે. પરંતુ જો એણે વળતર મેળવવું હોય તો એણે પણ થોડાઘણા વેપારી બનવું પડે. વેચાણ પધ્ધતિનાં અવનવા કોઠા વીંધવા પડે. પ્રચાર, વિમોચન, કેફિયત, કાર્યક્રમ, પ્રમુખશ્રી, અતિથિ વિશેષ, અલ્પાહાર, વિક્રેતા, કમિશન, વિવેચન, આસ્વાદ, સંવાદ, વિખવાદ વગેરે વગેરે વગેરે! અને આ બધું કર્યા પછી પણ પરિણામ ધાર્યા મુજબ ન પણ મળે! જેને આ બધું ફાવી જાય એ પોતાનાં પુસ્તકોનું વળતર મેળવતા થઈ જાય છે. વળી, સાહિત્યના કાર્યક્રમોમાં હાજરી, વક્તવ્યો,  નિર્ણાયકપદ, સાહિત્યની સંસ્થાઓમાં હોદ્દા, ઇનામ, પુરસ્કાર, માન, સન્માન, સન્માનપત્રની સાથે મળતી રકમ એ બધું વધારામાં. ઘણી વખત લેખકોએ  આ બધું મેળવવા માટે વિવિધ યુક્તિઓ પણ કરવી પડે. આ રીતે જોઈએ તો લેખકો વચ્ચે અવારનવાર થતી અફડાતફડી પણ વ્યવસાયનો એક ભાગ જ ગણાય. :D   લેખકોએ આ બધું આ બધું કરવામાં ગુણવત્તા  કોરે ન રહી જાય એનું પણ ધ્યાન રાખવું પડે.  ટૂંકમાં સૂતેલા સિંહના મોઢામાં મૃગલાં પ્રવેશ કરતાં નથી.

મારી એક વાર્તા છે: ‘પહેલું પુસ્તક’. વાત એવી છે કે,  એક નવો લેખક બજારમાં પોતાની ચોપડી વેચવા નીકળે છે અને એને પોતે ન ધાર્યો હોય એવો અનુભવ થાય છે.  એમ તો મેં એક નાટક પણ લખ્યું છે: ‘રોકડિયા ચૂકવે ઋણ’. આ નાટકમાં વાત એવી છે કે,  એક લેખક પોતાનાં મિત્રને પોતાનું પુસ્તક ભેટ આપે છે. મિત્રપત્ની ભેટમાં મળેલું આ પુસ્તક પસ્તીવાળાને પધરાવે છે.  પસ્તીવાળા પાસે પહોંચેલું એ પુસ્તક લેખકની જ નજરે ચડે છે. પુસ્તકના પહેલા પાને પોતે કરેલી નોંધ અને પોતાના હસ્તાક્ષાર પણ અડીખમ હોય છે. પરિણામે લેખક, એના મિત્ર અને મિત્રપત્ની વચ્ચે સંવાદોની રમઝટ બોલે છે.

આ બને રચના મોબાઇલ એપ્પ. Logo  પર વિના મૂલ્યે વાંચી શકાય છે.

વિશેષ વાતો ફરી ક્યારેક. અત્યારે જલસા કરો.  :D

સમાજ, વાર્તાઓ અને અસર

http://matrubharti.com/  તેમ જ   http://www.gujaratipride.com/   મોબાઇલ એપ્પ્સ  પર હાલમાં મારી પાંચ વાર્તાઓ  પ્રગટ કરવામાં આવી છે. આ વાર્તાઓ છે: [૧] બાબુ [૨] અસર [૩] જ્ઞાનમંત્ર [૪] શિક્ષા [૫] પરિવર્તન.

ઉપર દર્શાવેલા એપ્પ ફ્ર્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને અનેક પ્રકારનું સાહિત્ય ફ્રીમાં વાંચી શકાય છે.

મારી વાર્તાઓ લગભગ વીસ વર્ષો પહેલાંની હોવા છતાં વાચકોને ગમી છે એટલે એક વાતનો મને આનંદ છે કે  આજના સમયમાં પણ એને માણનારા માણી શકે છે.

આમ તો વાર્તા લખતી વખતે  તો એક સારી વાર્તા લખવાનો ઉદ્દેશ હોય છે. માત્ર  એવો કોઈ ઉદ્દેશ નથી હોતો કે વાર્તા દ્વારા સમાજને કોઈ બોધ કે સંદેશો આપવો. પરંતુ  અનાયાસે એ થઈ જતું હોય છે!

એ રીતે જોઈએ તો આ પાંચેય વાર્તા આજે પણ સમાજની કોઈને કોઈ સમસ્યાને સ્પર્શે છે.  જેમ કે:

બાબુ – બાળ મજૂરી

અસર –  કોમી રમખાણો

જ્ઞાનમંત્ર – વિશ્વાસઘાત

શિક્ષા – બાળ ઉછેર , શિક્ષકનું વર્તન.

પરિવર્તન – ટીવીનું આગમન અને પરિવાર પર અસર.

ટમટમનાં પડીકાં

એન્ડ્રોઇડ અથવા આઈફોન  પર ‘ગુજરાતી પ્રાઇડ’ એપ્પ દ્વારા પ્રકાશિત મારી નવી ઇ-બુક ‘ટમટમનાં પડીકાં’  વાંચી શકશો. પ્રસ્તુત ઈ-બુકમાંથી થોડું લખાણ…

ઘણી વખત એવું બને છે કે હું મારી મસ્તીમાં જતો હોઉં અને સાવ અચાનક સામેથી કોઈ મોટરગાડી ધસમસતી મારી તરફ આવવા લાગે છે! ત્યારે મને એ  ગાડીચાલકના ઇરાદા બાબત ડરામણો વિચાર પણ આવી જાય છે. પણ, પછી જ્યારે એ ગાડીચાલક મારી સાવ નજીક ગાડી ઊભી રાખીને મને કોઈ સોસાયટી બાબત તીવ્ર ગતિથી સવાલ કરે છે અને વળતો જવાબ પણ તીવ્ર ગતિથી  મળે એવા હાવભાવ દાખવે છે ત્યારે હું  ખૂબ જ લાચારી અને પૂરા વિવેક સાથે મારી જાણકારીનો અભાવ પ્રગટ કરું છું. પરંતુ, મને લાગે છે કે- પૂછનાર વ્યક્તિએ થોડી ધીરજ રાખવી જોઈએ. સામેવાળાને યાદ કરવાનો પણ મોકો આપવો જોઈએ. આ તો કોઈને ખબર હોય તો પણ ભૂલી જાય એવી ઉતાવળ કહેવાય. હોય! ઉતાવળ તો સહુને હોય! પણ આટલી બધી ઉતાવળ તો ‘કૌન બનેગા મહા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન પણ નથી દાખવતા! અમિતાભ બચ્ચનને ઝડપથી સાચો જવાબ આપનારને ઇનામ મળે છે જ્યારે રોડ પર સોસાયટી બાબત સાચો જવાબ આપનારને  શું મળે છે? ઘણાના નસીબમાં તો ‘થૅંક યૂ’ પણ નથી હોતું!

મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી.

અન્યાય કે ભ્રષ્ટાચાર હટાવવા માટેનું આંદોલન પૂરજોરમાં હોય ત્યારે સામન્ય જનને એમ લાગતું હોય છે કે – જરૂર પરિવર્તન થશે. અને, પરિવર્તન થાય છે. સત્તા પરિવર્તન થાય છે. વ્યવસ્થા પરિવર્તન લટકતું રહી જાય છે! ફરી પાછું એનું એ જ!

તો શું આંદોલન કરનારા આગેવાનો માત્ર સત્તા મેળવવા ખાત્ર જ અંદોલન કરતા હોય છે? એવું વારંવાર બનતું હોય તો શું આંદોલન ન થવાં જોઈએ? શા માટે ન થવાં જોઈએ? આંદોલનના કારણે કશું સારું થતું જ નથી? કે પછી નજરે પડતું નથી? જનતાની અપેક્ષાઓ વધારે હોય છે કે પછી સત્તાધીશોની દાનત ખરાબ હોય છે?

અંદોલન વખતે ગાંધીજી અને ગાંધીટોપીની બોલબાલા અને અંદોલન પછી પોતાનો મનમાન્યો વાદ અને મનમાની ટોપી?  

પરિવર્તન માટે જનતાની પોતાની પણ જવાબદારી ખરી કે નહિ? માત્ર શાસકોને જ દોષ દેવો વાજબી છે? જનતા શા કારણે વારંવાર વિભાજિત થઈ જાય છે? નેતાઓ ચાલાક છે કે જનતા નબળી છે?

આવા કેટલક સવાલો ઊભા કરીને જવાબો મેળવવાનો પ્રયાસ કરતુ નાટક છે : ‘મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી.’  જે Android કે Android iPhone મોબાઇલ પર વાંચી શકાય છે.

Gujarati Pride Matrubharti પર Android Link :http://goo.gl/Cq1LgQ iPhone Link : http://goo.gl/5ZGSjG

રોકડિયા ચૂકવે ઋણ

મિત્રો, મારાથી અજાણ્યા હોય એવા બે છોકરાઓ પોતાના અવાજની કસોટીમાંથી પસાર થવા માટે તૈયારી કરી રહ્યા હતા. એમના હાથમાં કોઈ નાટકનું લખાણ હતું. એ લોકો સંવાદો બોલતા હતા અને ખુશ થતા હતા. એ લોકો નાટકના લેખકના વખાણ કરતા હતા કે – લેખકે મજા પડે એવું લખ્યું છે. હું થોડે દૂર ઊભો હતો એમની વાતો સાંભળીને જોઈને ખુશ થતો હતો. કારણ કે -એ નાટક નું લખાણ મારું હતું.!
ગોઠવણપૂર્વકની પ્રશંસાથી પણ આનંદ થાય પરંતુ આવી રીતે અજાણ્યા વાચકો દ્વારા ગોઠવણ વગરની અને સાવ અચાનક થતી પ્રશંસા વધુ આનદ આપનારી હોય છે.
મારું એ જૂનું અને નાનકડું નાટક ” રોકડિયા ચૂકવે ઋણ” મોબાઈલ પર ઈ-બૂક રૂપે મૂકવાની તક મળી છે. જે તમારામાંથી ઘણાએ વાંચ્યું હશે. ન વાચ્યું હોય તો વાંચવા વિનંતિ છે.
http://gujaratipride.com/…/Ebook_I…/1422022571_086507200.jpg
‪#‎GujaratiPride‬ ‪#‎ebook‬

‘જાન ભાડે મળશે’ એક વિનોદી નાટક

મિત્રો, કોઈને ધામધૂમથી જાન કાઢવી હોય પણ સંજોગોવશાત જાનૈયા પૂરા ન થતા હોય તો જાન ભાડે મળી ન શકે? મળી શકે! જો બધું ભાડે મળતું હોય તો જાન ભાડે કેમ ન મળે? બદલાતા જમનાનો નવો વ્યવસાય: ‘જાન ભાડે મળશે’ એક વિનોદી નાટક છે. જે ઇ-બુક રૂપે  એન્ડ્રોઈડ અથવા આઇફોન મોબાઈલ પર ‘ગુજરાતી પ્રાઈડ’ એપ્પ દ્વારા વાંચી શકાય છે.

‘આ આવકારો છે’ એક ઇ-બુક

‘આ આવકારો છે’ …

‘આ આવકારો છે’ ચૌદ નવલિકાઓ સાથેની આ મારી ઇ-બુક છે.  જે એન્ડ્રોઈડ અથવા આઈફોન મોબાઈલ પર ‘ગુજરાતી પ્રાઈડ’ એપ્પ દ્વારા વાંચી શકાય છે.

પુસ્તકો છપાવવા કોના માટે સહેલાં અને કોના માટે અઘરાં, છપાયેલાં પુસ્તકોનું વાંચન વધ્યું છે કે ઘટ્યું છે, એ પુસ્તકોનું વેચાણ વધ્યું છે કે ઘટ્યું છે, પ્રકાશકો કોના પુસ્તકો કેવી શરતો સાથે પ્રગટ કરે છે, એક તરફ વાંચન ઘટ્યું હોવાની ફરિયાદો થાય છે તો બીજી તરફ ઢગલાબંધ પુસ્તકો છપાય છે, એ પુસ્તકોમાંથી કેટલાં વેચાય છે અને કેટલાં વહેચાય છે અને કેટલાં પસ્તીમાં જાય છે, જાહેર પુસ્તકાલયોમાં કોનાં પુસ્તકો પહોંચે… આ બાબતે  ઘણી ચર્ચા થઈ શકે. એવી ચર્ચા કરવાનો અહીં ઇરાદો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે પુસ્તકો છપાવવાં એ બધા લેખકો માટે સહેલું નથી. છપાયેલાં પુસ્તકો વેચાય એ માટે લેખકોએ પણ થોડાઘણા વેપારી, પ્રચારક અને જરૂર પડ્યે પ્રપંચક પણ થવું પડે.😀

આ સંજોગોમાં મને મારા માટે ઇ-બુકનું માધ્યમ ઠીક લાગ્યું છે. કારણ કે આ માધ્યમથી વાચકો સુધી પુસ્તક સહેલાઈથી પહોંચાડી શકાય છે. ઇ-બુક પ્રગટ કરવાનું પ્રમાણ વધતું જ જાય છે ત્યારે કેટલાક વિદ્વાનો ઇ-બુકની ગુણવત્તા માટે સવાલો પણ કરે છે. પરંતુ, ગુણવત્તાનો સવાલ તો છપાયેલાં પુસ્તકો માટે પણ હતો અને છે જ.  વાચકો પોતાને સારું લાગે એ મેળવી જ લેશે. આજના દોડધામના જમાનામાં વાચકો માટે ઇ-બુક બધી રીતે લાભકારક છે. ઇ-બુકનું મહત્ત્વ વધ્યું છે અને વધતું જ રહેવાનું છે.  છપાયેલું પુસ્તક વાંચવાનો આનંદ અનેરો હોય છે પરંતુ આજનો વાચક નવા માધ્યમ સાથે સહેલાઈથી તાલ મેળવી શકે છે.

ટૂંકી વાર્તા કે નવલિકાની વાત પર આવું છું. વાર્તાઓ ખૂબ ખૂબ લખાય છે. સહેલો પ્રકાર હોવાનું માનીને પણ લખાય છે. છાપાંમાં સમયસર વાર્તાઓ હાજરી પૂરાવે છે. જાણકારોની ફરિયાદ છે કે ગુજરાતી વાર્તાઓ વેવલાવેડાથી ભરેલી હોય છે. નવા વિષયો પર નવી રીતે ઓછું લખાય છે. વાર્તાઓના બેતાજ બાદશાહો પણ પોતાની વાર્તાઓ શ્રેષ્ઠ હોવાનો દાવો નહોતા કરતા. એ લોકો કહેતા હતા કે- અમે સારી વાર્તાઓ લખવા માટે પ્રયાસો કરતા રહીએ છીએ. તો મારી વાર્તાઓ માટે કહેનારો હું કોણ? હા, સારી વાર્તાઓ  લખાય એ માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને એ લખતી વખતે ઘણો જ આનંદ મળ્યો છે. વાચકો પણ આનંદિત થાય એવી આશા પણ હોય જ.

હાજર સો હથિયાર જેવો મોબાઈલ આપની પાસે હોય તો મારી વાર્તાઓ વાંચવાનું, એ વાંચ્યા પછી એની પ્રશંસા કે ટીકા કરવાનું કામ ઘણું સહેલું છે. યોગ્ય લાગે તે  કરી શકો છો. જલસા કરો.😀