ખેંચાખેંચી

વરસાદ ખેંચાયો છે. તો મણસો પણ ખેંચાયા છે.કોઈ મોંઘવારીથી ખેંચાયાં છે તો કોઈ મૉલથી. ક્યાંક સંસદસભ્યોની ખેંચાખેંચી ચાલે છે.સરકાર ખેંચશે કે ખેરવાશે? થાક્યોપાક્યો મજૂર સરકારની ફિકર કર્યા વગર ઊંઘ ખેંચે છે. એવું ન કરે તો કાલે એ ખેંચાય જાય.ખાધા વગર કેટલું ખેંચી શકાય?

ટીવી સીરિઅલ ખેંચાતી જ જાય… ખેંચાતી જ જાય… જ્યાં સુધી પ્રેક્ષકો ખેંચાતા રહે ત્યાં સુધી. રીપોર્ટરો સમાચારમાં ગરમી લાવવા તસ્વીરો ખેંચતા જ રહે…   ખેંચતા જ રહે…   જ્યાં સુધી એમના કૅમેરા ખેંચાય ન જાય ત્યાં સુધી. ને સમાચાર આપનારા ગળુ ખેંચીખેંચીને એકની એક ઘટનાને ખેંચતા જ રહે ….ખેંચતા જ રહે ….બીજી ઘટના ખેંચી ન લાવી શકાય ત્યાં સુધી.

બે હૈયાં વચ્ચેનું ચુંબકીય ખેંચાણ! નવલકથાકારોએ આ ખેંચાણ ખાતે કેટલીય ચોપડીઓ ખેંચી કાઢી હશે! એક જમાનો હતો કે જ્યારે પુસ્તકાલયોમાં યુવાન હૈયાંઓની પણ આવન-જાવન રહેતી. મનપંસદ નવલકથા મેળવવા માટે ખેંચાખેંચી થતી. શમ્મા અને પરવાના વચ્ચેનું ખેંચાણ! શાયરોએ આ ખેંચાણ ખાતે કેટલીય શાયરીઓ ગળાં ખેંચીખેંચીને રજૂ કરી હશે! કેટલાંક ચલચિત્રો પણ બન્યાં. ક્યાંય એવી કાનુની ચેતવણી વાંચી છે કે – શમ્મા અને પરવાના વચ્ચેનાં ખેંચાણનું કારણ વિજ્ઞાનિક છે. કોઈ હૈયાંઓએ એકબીજાં તરફ ખેંચાતાં પહેલા દિમાગનો ઉપયોગ કરવો.! અજવાળાં પાથરવાનાં સાધનો ભલે બદલાયાં પણ લાગણી પાથરવાનાં પ્રતીકો હજુ પણ અડીખમ છે. શમ્મા હજુ પણ બળે છે!

નદી અને સાગર વચ્ચેનું ખેંચાણ…સાગર અને ચંદ્ર વચ્ચેનું ખેંચાણ..ભમરા અને ફૂલ વચ્ચેનું ખેંચાણ. આ ખેંચાણનું શું કહેવું! આવું જ એક પ્રકારનું ખેંચાણ છે આપણી અને સાહિત્ય વચ્ચેનું. રોજીરોટી માટેની દોડધામ મોટાભાગનાં લોકોનો સમય ખેંચી લેતી હોવાં છતાં આપણને સાહિત્ય તરફ ખેંચાવું ગમે છે. મોટાભાગે કોઈ પણ જાતનો આર્થિક ફાયદો ન હોવાં છતાં પણ. જ્યાં સમયની ખેંચાખેંચી સૌથી વધારે હશે એવા અમેરિકા કે અન્ય પ્રદેશમાં રહેતી કોઈ વ્યક્તિ શા માટે ગુજરાતીમાં બ્લોગ લખવા ખેંચાય છે! પોતાની ભાષામાં પ્રગટ થતાં સાહિત્ય તરફનાં આ ખેંચાણને જેટલું બિરદાવીએ એટલું ઓછું. ને આ વાત આ દેશનાં કોઈ પણખૂણામાં રહેતાં ગુજરાતીને પણ એટલીજ લાગુ પડે છે. કારણ કે સમયની ખેંચાખેંચી નામની બીમારીએ આપણને પણ એની ઝપટમાં ખેંચી જ લીધાં છે. છતાંય આપણે ગુજરાતી બ્લોગની દુનીયા તરફ ખેંચાવાનું પંસદ કરીએ છીએ. નોકરી-ધંધાથી થાકેલાં-પાકેલાં હોવાં છતાં પણ! રાહત માટેનાં બીજાં માધ્યમો હોવાં છતાં પણ!

સાહિત્ય તરફનું…ભાષા તરફનું ….બ્લોગ તરફનું આ ખેંચાણ અમર રહો… અમર રહો.

  1. November 22, 2008 at 10:15 am | #1

    ખેચાણ એટલે આમ તો વળગણ જ ને ? જિંદગીમાં કંઇક તો વળગણ જોઇએ જ અને આ વળગણનો કોઇ વૈજ્ઞાનીક નિયમ આજ સુધી નથી શોધાયો !ન શોધાય તો જ સારુ, જિંદગીની મજા જ એમાં છે. આ વળગણ એટલે દોસ્તો,પ્રિયજનો, પોતાનું ગામ,તરતા શિખ્યા હોય તે ધરો,કૂવો કે તળાવ અને આખો ભૂતકાળ.

    સરસ મજા આવી.

  2. August 21, 2009 at 7:18 am | #2

    ભમરા અને ફૂલ વચ્ચેનું ખેંચાણ…જિંદગીની મજા જ તો ખેચાણ ને વળગણ જ માં હિસ્સો બનીને આનંદ લઈ શકીએ…વાહ…..સરસ.. હાર્દીક અભીનંદન……અભિનંદન અને શુભેચ્છાઓ

    ભલેને ઓછુંવધતું ગુજરાતી આવડતું હશે.;)

  1. No trackbacks yet.