Tag Archive | સરકારી બ્લોગખાતું

સરકારી બ્લોગખાતાએ આવતી કાલે રજા જાહેર કરી

મિત્રો,

ધારો કે: સરકારી બ્લોગખાતા જેવું કોઈ ખાતું હોય  અને તે, આવતી કાલે ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચના કારણે રજા જાહેર કરે તો એની જાહેરાત આવી હોય!

બ્લોગલેખન કાર્યાલય

જાહેર બ્લોગખાતું

બ્લોગભવન.  બ્લોગનગર.

તા.29-03-2011

આથી અમારા માનવંતા વાચકોને જણાવવાનું કે, આવતી કાલે ભારત -પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની સેમિફાઈનલ મેચ હોવાથી  અમારા કાર્યાલયમાં બ્લોગલેખકો ફરજ પર આવે તેવી શક્યતા નહિવત છે.  જો કર્મચારીઓ જ ગેરહાજર હોય તો અધિકારી ગણ કોના પર અધિકાર જમાવે? આથી અધિકારી ગણ પણ હાજર રહેશે નહીં.  આ ઉપરાંત વાચનલાભાર્થીઓ પણ બ્લોગકાર્યાલયની મુલાકાતે આવે એવી શક્યતા ઓછી છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને બ્લોગખાતા તરફથી આવતી કાલે તા. 30-03- 2011ના રોજ  રજા જાહેર કરી છે.

આવતીકાલે આપ સહુ મેચનો  પૂરો આનંદ માણશો એવી આશા છે.

-હુકમથી,

બ્લોગાધિકારી.

વ્યાજબી શબ્દ વાપરવા બદલ હપ્તાકરનો વાજબી ખુલાસો

મિત્રો,

આપણે  જાણ્યે અજાણ્યે આપણી ભાષામાં ઘણા શબ્દો ખોટી રીતે ઉપયોગમાં લેતાં હોઈએ છીએ. વળી એ શબ્દ જ આપણે વારંવાર વાંચતાંકે સાંભળતાં હોઈએ છીએ.એટલેએ જ શબ્દનો  વપરાશ વધતો જાય છે. વ્યાજબી શબ્દનું  પણ એવું જ છે. એવા બીજા પણ ઘણા શબ્દો છે જે ખોટા હોવા છતાં આપણી ભાષામાં દાખલ થઈ ગયા છે. જનતા જનાર્દન મહાન છે!.શ્રી ચંન્દ્રકાંત બક્ષીએ પોતાના  એક લેખમાં આવા કેટલાક  શબ્દો તરફ ધ્યાન દોર્યું છે. એ લેખની લિંક મળશે તો જરૂર રજૂ કરીશું.

પરંતુ સરકારી બ્લોગલેખક  હરેશ હપ્તાકરની સમસ્યા જુદી જ છે. જે તેમણે પોતાના ખુલાસામાં રજૂ કરી છે.  આ રહ્યો એ ખુલાસો:

પ્રેષક: હરેશ હપ્તાકર

બ્લોગલેખક.  બ્લોગનંબર- 42424

બ્લોગલેખન  કાર્યાલય.

બ્લોગભવન. તા.  07-03 11

પ્રતિ શ્રી,

બ્લોગાધિકારીશ્રી,

બ્લોગભવન.

વિષય: બ્લોગલેખનમાં વ્યાજબી શબ્દનો પ્રયોગ કરવા બાબત.

માનનીય બ્લોગાધિકારીશ્રી,

આપના તા.  04-03-11ના પત્રના અનુસંધાનમાં જણાવવાનુ કે, આપણી ભાષામાં ખરો શબ્દ વાજબી જ છે અને વ્યાજબી નથી જેને મને જાણ હોવા છતાં મારાથી શરતચૂક થઈ ગઈ છે. જેને માટે આજકાલની મારી માનસિક હાલત જવાબદાર છે. સર,મારે આ મહિને ઘણા હપતા ભરવાના છે. નવા ટીવી નો હપતો ભરવાનો છે. મોટરસાયકલનો  હપતો  બી ભરવાનો છે. ફ્રીજનો હપતો બી ભરવાનો છે.  મકાનની લોનનો હપ્તો બી ભરવાનો છે. વળી ઘરની લોનનો વ્યાજદર વધ્યો  હોવાથી તફાવતનું વ્યાજ બી ભરવાનું છે. આ વ્યાજ ભરવાનું ભૂલાઈ ન જાય તે માટે મારા મનમાં સતત  વ્યાજ બી ભરવાનું છે… વ્યાજ બી ભરવાનું છે એવું  રટણ ચાલતું જ હતું. જેના પરિણામે ભૂલથી  બ્લોગલેખક દરમ્યાન વાજબીના બદલે વ્યાજબી શબ્દનો પ્રયોગ થઈ ગયો છે.

મેં આ ભૂલ જાણીજોઈને નથી કરી કે ભાષા તરફ બેદરકારી દાખવીને નથી કરી.  ફરીથી આવી ભૂલ ન થાય તે માટે હું પૂરતી કાળજી રાખીશ.

તો શરતચૂકથી થયેલી આ  ભૂલ બદલ મને માફ કરશો એવી મારી વિનંતી છે.

- આપની ક્ષમા ચાહતો,

હરેશ હપ્તાકર.

તા.ક. -મિત્રો,  હરેશ હપતાકરનો ખુલાસો માન્ય રાખીને તેમને ખાતા તરફથી માફી આપવામાં આવી છે.  જેથી તેઓ હોળીધૂળેટીનો તહેવાર આનંદથી માણી શકશે.

ચાલો ,અમે  બી આ તહેવાર આનંદથી ઉજવીએ.

તમારે બી  રંગવાનું હશે. રંગાવાનું  બી હશે. ખાવાનું હશે. પીવાનું બી… ના!ના!અને ના!

જલસા કરજો. :)

સરકારી બ્લોગલેખક સામે એક સુજ્ઞ વાચકની ગંભીર ફરિયાદ

મિત્રો,

બ્લોગલેખન પ્રવૃત્તિ જો સરકારી ખાતા દ્વારા ચાલતી હોય તો કેવી કેવી શક્યાતાઓ  રહેલી છે એ અંગે અમારું મનોમંથન  હજી ચાલુ જ છે. શક્યતાના આ સાગરમાંથી અવનવાં મોતીઓ મેળવીને અમે આપની સમક્ષ રજૂ કર્યાં. લો  જુઓ  એક વધારે મોતી:

એક બ્લોગલેખક હરેશ હપ્તાકર પોતાના બ્લોગમાં વાજબી શબ્દની જગ્યાએ વ્યાજબી શબ્દનો વારંવાર પ્રયોગ કરતા હતા. જેનાથી અકળાઈને એક સુજ્ઞ વાચક શ્રી સૂક્ષ્મકરે બ્લોગખાતાના અધિકારીને એ મતલબની ગંભીર ફરિયાદ કરી કે ગુજરાતી ભાષામાં વ્યાજબી શબ્દ જ નથી અને ખરો શબ્દ વાજબી છે.

પહેલાં તો બ્લોગ અધિકારીશ્રીને આ ફરિયાદ ખોટી લાગી કારણ કે તેઓ પોતે જ વ્યાજબી શબ્દ હોવાનું માનતા હતા.પરંતુ તેમને એકાએક, ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગત્યનું પદ શોભાવી રહેલા પોતાના એક મિત્રની યાદ આવી ગઈ. તેમણે એ મિત્રનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, ફરિયાદીની વાત સાચી છે. પરિણામે તે બ્લોગાધિકારીએ હરેશ હપ્તાકર પાસેથી યોગ્ય ખુલાસો માંગ્યો.

મિત્રો,  છાપાંના પાનેપાને અને ભલભલાનાં લખાણોમાં દર્શન દેતા આ વ્યાજબી શબ્દના પ્રયોગ બદલ બ્લોગલેખક હરેશ હપ્તાકરે  કરેલ ખુલાસો ખૂબ જ રસપ્રદ  છે. મૂલ્યવાન મોતી સમાન છે.

જેને નિહાળવા કાજે આપે રાહ જોવી  રહી. :)

સરકારી બ્લોગખાતામાં રજા માટેની અરજીઓ

મિત્રો,

અમારા આગળના લેખમાં અમે  કલ્પના કરી હતી કે અમને વિચાર એવો આવે છે કે- આ સમગ્ર બ્લોગલેખનની પ્રવૃત્તિનું સંચાલન  જો કોઈ સરકારી ઑફિસની રીતે ચાલતું હોય તો? મતલબ કે, બ્લોગ લખનારાઓને બ્લોગલેખક તરીકે [વગર પગારે ] નોકરીએ રાખવામાં આવતા હોય તો?

આ વિચાર આપ સૌ મિત્રોને અનેક શક્યતાઓથી ભરપૂર લાગ્યો હશે જ.  શક્યતાઓના એ સાગરમાંથી થોડાં મોતી અત્રે રજૂ કરીએ છીએ.

મોતી નંબર: એક

બ્લોગલેખિકા જાગૃતિ જાગરણિયાની પોતાની રચનાના બદલે બીજાની રચના મૂકવા માટે રજા માંગતી અરજી:

પ્રષેક:  જાગૃતિ જાગરણિયા

સીનિઅર બ્લોગલેખિકા  બ્લોગર નંબર: 4353

બ્લોગલેખન કાર્યાલય  બ્લોગનગર

તા. 15-03-11

પ્રતિ શ્રી,

બ્લોગ સુપરવાઈઝર

બ્લોગલેખન કાર્યાલય , બ્લોગનગર.

વિષય: મારા બ્લોગમાં અન્યના બ્લોગની રચના મૂકવા બાબત.

માનનીય  સુપરવાઈઝરશ્રી,

સવિનય વિનંતિ સાથ જણાવવાનું કે ગઈ કાલે રાતે મારો નાનો કીકલો કજિયે  ચડ્યો હોવાથી  મારે આખી રાતનું જાગરણ થયેલ છે. જેના લીધે આજની મારી માનસિક હાલત બરાબર ન હોવાથી મારી પોતાની રચના બ્લોગમાં મૂકી શકું તેમ નથી. તો આપ શ્રી મને બીજા બ્લોગરના બ્લોગમાંથી એક રચના મારા બ્લોગમાં મૂકવા માટે રજા આપશોજી.

હું જે રચના મૂકવા માંગું છું તે સૂઈ જા મારા કાનજી કાળા રે બાઘડા બોલે છે એક હાલરડું છે. જેના મૂળ કવિ બાબત ક્યાંય ઉલ્લેખ નથી. પરંતુ આ રચના બ્લોગલેખક શ્રી પરશોત્તમ પુરાણીના બ્લોગ જૂનું એટલું સોનું માંથી લેવા માંગું છું.  તે માટે મેં એમની સુંદર શબ્દોમાં પ્રશંસા કરી છે તેમ જ તેમની રજા પણ મેળવી છે.

આપ શ્રી મને આ માટે જરૂર પરવાનગી આપશો એવી આશા છે.

- જાગૃતિ જાગરણિયાના જય બ્લોગાભારત.

મોતી નંબર: બે

બ્લોગલેખક પલટ પ્રવાસિયાની  બ્લોગલેખનમાંથી  નવ  દિવસ માટે મુક્તિ મેળવવા માટેની અરજી:

પ્રેષક:  પલટ પ્રવાસિયા

મદદનીશ બ્લોગાધિકારી

બ્લોગ ભોંયરું , બ્લોગનગર

તા. 10-01 -11

પ્રતિ શ્રી,

મુખ્ય બ્લોગાધિકારીશ્રી,

બ્લોગનગર.

વિશય: અનિવાર્ય સંજોગોને કારણે નવ   દિવસ માટે ફરજમાંથી મુક્તિ મેળવવા બાબત.

માનનીય મુખ્ય બ્લોગાધિકારીશ્રી,

સવિનય વિનંતી સાથ જણાવવાનું કે  મારા સસરા જે  એક મહિના પહેલાં અવસાન પામ્યા હતા તેમની વરસી તા. 17-01 -11 ના રોજ હોવાથી મારે તે દિવસે રાજકોટ મુકામે હાજરી આપવાની છે. ત્યારબાદ તા. 18-01-11 ના રોજ મારા પિત્રાઈ ભાઈના દીકરાની સગાઈ હોવાથી મારે  સુરત મુકામે હાજરી આપવાની છે. ત્યારબાદ તા. 20-01- 11 ના રોજ મારા મામાની દીકરીના શુભ લગ્ન હોવાથી મારે ગોથાપુર મુકામે હાજરી આપવાની છે. ત્યારબાદ તા.21થી તા. 25 સુધી મારે પૂજ્ય ગરબડદાસ મહારાજની “ભેદી નાદ શ્રવણ ”  શિબિરમાં હાજરી આપવાની છે. તો આવા અનિવાર્ય સંજોગોના કારણે હું બ્લોગલેખન કાર્યાલયમાં મારી ફરજ પર આવી શકું તેમ નથી. તો મને તા. 17-01 11 થી તા. 25-01 11 સુધી રજા આપવા કૃપા કરશોજી. હું તા. 16-01 11  રવિવારના રોજ મારી અઠવાડિક રજા ભોગવીશ તેમ જ તા. 26-01 11 રોજ રાષ્ટ્રીય રજા ભોગવીશ. અને તા. 27-01 -11 ના રોજ મારી  ફરજ પર હાજર થઈશ. તો આપશ્રીને મારી રજા મંજૂર કરવા નમ્ર વિનંતિ છે.

- આપનો આજ્ઞાકિંત ,

પલટ પ્રવાસિયાના જય બ્લોગાભારત.

મોતી નંબર :ત્રણ

ધીરજ ધ્રૂજારિયાએ  પોતાની તબિયત બરાબર ન  હોવાથી માંદગીની રજા માટેની અરજી સાથે જોડેલું વૈદરાજ શ્રી અટલદાસ ઓસડિયાનું પ્રમાણપત્ર:

આથી હું વૈદરાજ અટલદાસ ઓસડિયા બ્લોગલેખક ધીરજ ધ્રૂજારિયાના આરોગ્યની કાળજીપૂર્વક તપાસ કરીને જણાવું છું કે તેઓ  શીતજ્વરથી પીડિત છે. આથી તેઓ થરથર કાંપી રહ્યા છે. આ સંજોગોમાં તેઓ બ્લોગલેખન કરે તો અન્યને પણ ધ્રૂજારી છૂટે તેવું  લખાણ લખે તેવી સંભાવના છે. આથી તેઓ  તા. 07-03-11 થી તા. 11-03 -11 એમ પાંચ દિવસો સુધી બ્લોગલેખન ન કરે તેમાં જ તેમના  અને વાચકોના આરોગ્યની ભલાઈ  છે.

-  અ.ઓ.900090

… શક્યતાઓના આ સાગરમાં તો આવાં અનેક મોતીઓ છે. અમે ફરી ડૂબકી મારી રહ્યા છીએ. બીંજાં મોતીઓ મળે એટલે અમે હાજર થઈશું. તમે ક્યાંય ન જતા. કિનારે જ રહેજો.

આમે આ ગયા ને આ આવ્યા!

બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં

મિત્રો,  પહેલાં સારી વાત કરી લઈએ.

હું યશવંત ઠક્કર આપ સૌને હોળી- ધૂળેટીના શુભ પર્વ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.  આપ સૌ આ તહેવાર રંગેચંગે ઉજવશો એવી મારી લાગણી છે.

હવે  બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લેવાની નરસી વાત.  મિત્રો, હોળી-ધૂળેટીનો તહેવાર આપ સૌને રંગવા માટે આવીને ઊભો રહ્યો છે તેવા સમયે કોઈ બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લેવાની વાતથી કદાચ તમને આઘાત લાગશે. અમને પણ આ વાત ઠીક નથી લાગતી પરંતુ જે હકીકત છે તે અમારે જણાવવી જ રહી.

હકીકત એ છે કે:  તમામ બ્લોગલેખકો પોતાની મરજીથી યોગ્ય જણાય તે રીતે બ્લોગલેખનનું કામ કરે છે.  એના પર કોઈ અધિકારીનો કાબુ હોતો નથી.  એ વાત અલગ છે કે, બ્લોગલેખકો એકબીજાના લખાણમાંથી વાંધાવચકા કાઢીને સાહેબગીરી કરી લે છે.

પરંતુ અમને વિચાર એવો આવે છે કે: આ સમગ્ર બ્લોગલેખનની પ્રવૃત્તિનું સંચાલન  જો કોઈ સરકારી ઑફિસની રીતે ચાલતું હોય તો? મતલબ કે, બ્લોગ લખનારાઓને બ્લોગલેખક તરીકે [વગર પગારે ] નોકરીએ રાખવામાં આવતા હોય તો?

તો તે માટે પ્રથમ તો વિવિધ માધ્યમો દ્વારા બ્લોગલેખકોની ભરતી માટે જાહેરાત થાય. ભરતી માટે આવેલા ઉમેદવારોની પહેલાંતો લેખિત પરીક્ષા લેવાય. આ પરીક્ષા પાસ કરવા માટેના કલાસ પણ ચાલતા હોય.  બજારોમાં “બ્લોગલેખનની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરો” એવાં પુસ્તકો પણ વેચાતાં હોય. કોઈક વખત પેપર ફૂટી પણ જાય. લેખિત પરીક્ષામાં મૌલિક ફકરા લેખન, પ્રતિભાવ પ્રદાન, વાચકો ખેંચવાની રીત, પોસ્ટ મરામતની રીતો વગેરે વિષયો પર સવાલો પૂછાય.

લેખિત પરીક્ષા પાસ કરનારાઓની પ્રાયોગિક  પરીક્ષા લેવાય. જેમાં પોસ્ટ વાંચીને ત્વરિત પ્રતિભાવ આપવાની ક્ષમતા તપાસાય.  યોગ્ય શીર્ષક આપવાનું કહેવામાં આવે. ગઝલ અને ગીત વચ્ચેનો તફાવત પૂછાય.

બ્લોગલેખક તરીકે પસંદગી પામનારાઓ વળી પેંડા પણ વહેંચે. કોઈ  દેવ દર્શન કરીને  તો કોઈ  બ્લોગનારાયણનું પૂજન કરીને બ્લોગલેખક તરીકેની કારકિર્દી શરૂ કરે.

ને પછી જોવા મળે  સરકારી બ્લોગખાતાની ઑફિસનું ખરું વાતાવરણ.

બ્લોગલેખકે રોજ સમયસર પોતાનાં  મૌલિક લખાણો મૂકવાનું ફરજિયાત હોય. એ ન મૂકી શકાય તેમ હોય તો તેપોતાના બ્લોગ સુપરવાઈઝરને અરજી કરીને બ્લોગલેખનમાંથી વધુમાં વધું ત્રણ દિવસો માટે મુક્તિ મેળવી શકે.  ત્રણથી વધારે દિવસો માટે મુક્તિ જોઈતી હોય તો  અગાઉથી એ માટેનું જરૂરી ફોર્મ ભરીને તેમ જ ખાસ કારાણ દર્શાવીને અરજી કરી શકે. જે બ્લોગ સુપ્રવાઈઝર મંજૂર કરે તો જ મુક્તિ મળે. બીમારીના કારણસર પણ બ્લોગલેખક બ્લોગલેખનમાંથી મુક્તિ મેળવી શકે. પણ તે માટે દાક્તર કે વૈદનું પ્રમાણપત્ર જરૂરી ગણાય.

વળી  કોઈ કારણસર બ્લોગલેખક મૌલિક લખાણ ન મૂકી શકે તેમ હોય તો તે  બ્લોગસુપરવાઈઝરને કારણ જણાવીને મહિનામાં નકી કરેલી સંખ્યામાં જ બીજા બ્લોગલેખકોનાં લખાણો મૂકી શકે.  તે માટે બ્લોગલેખકે જરૂરી ધારાધોરણોનું પાલન કરવું પડે. જેમ કે: મૂળ બ્લોગલેખકની પ્રશંસા કરવી પડે. તેમ જ તેની સંમતિ મેળવવી પડે.  લિન્ક આપવી પડે. વગેરે વગેરે…

બ્લોગસુપરવાઈઝર પાસે લોગબૂક હોય. જેમાં તે પોતાના હાથ નીચેના બ્લોગલેખકોના કામ બાબતની  એન્ટ્રી પાડે. કોઈ બ્લોગલેખક સીધો ન ચાલતો હોય તો મેમો આપે.ત્રણ મેમા થાય એટલે નાયબ બ્લોગાધિકારીને જાણ કરે. નાયબ બ્લોગાધિકારી બ્લોગલેખક પાસે ખુલાસો માંગે. જે ખુલાસો યોગ્ય ન લાગે તો મુખ્ય બ્લોગાધિકારીને જાણ કરવામાં આવે.  મુખ્ય બ્લોગાધિકારી જે તે બ્લોગલેખકને ચાર્જશીટ આપે.

પછી  યુનિયનવાળા વચ્ચે પડે.  બ્લોગજગતમાં હડતાલ પડે. કોંગેસ કે ભાજપ પણ વચ્ચે પડે. સમાધાન થાય. ન થઈ શકે તો બ્લોગલેખક પર કાયદેસરનાં પગલાં લઈને તેને  તેના બ્લોગલેખક તરીકેના પદ પરથી દૂર પણ કરવામાં આવે.

અમુક વર્ષોની નોકરી પછી બ્લોગલેખકને બ્લોગ સુપરવાઈઝર તરીકેનું પ્રમોશન મળે. જેમાં ક્યારેક લાગવગ થઈ હોવાના આક્ષેપો પણ થાય.

વળી બ્લોગવાચકો તરફથી અવારનવાર બ્લોગલેખકો માટે  ફરિયાદો પણ થાય. જેની ફાઈલો બને.  બ્લોગલેખકો પાસે ખુલાસા મંગાય.

બ્લોગલેખકો અને વાચકો વચ્ચેની તકરારોના નિવારણ માટેને બ્લોગ-અદાલતો ભરાય.

મિત્રો, જો બ્લોગલેખનની પ્રવૃત્તિ સરકારી ઘારાઘોરણે ચાલતી હોય તો શું શું થાય એનું સંપૂર્ણ વર્ણન તો દેવી શારદા પણ  ન કરી શકે તો અમારું તો શું ગજુ?

છતાંય થોડા નમૂના રજૂ કરીશું.

રાહ  જોવા વિનંતિ.