થોડાં દિવસો પહેલાં ‘સપનું’ કટાક્ષ-કથા અહીંથી રજૂ કરેલી. ટીવીના પર્દેથી મીઠડી છોકરીઓ હોમલોન પરનું વ્યાજ ઘટ્યાના સમાચાર ભલે હોંશે હોંશે આપતી હોય પણ વાસ્તવિકતા કઈંક જૂદી જ છે એમ કહેવાનો મતલબ હતો. જરૂરિયાતમંદ લોકોનું સપનું એમ સહેલાઈથી પાર પડે એમ નથી.આજ વાત ‘ગુજરાત સમાચાર’ ની ‘ઝિબ્રા ક્રૉસિંગ’ કૉલમમાં થોડાંમાં ઘણું કહી દેવાની ફાવટ ધરાવતા શ્રી અમ્રુત કનાડાએ ગયા સોમવારે રજૂ કરી છે. ‘વ્યાજ ઘટવાથી મકાનો વેચાશે?’ એવો પ્રશ્ન કરીને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે “ શું ઓછી રકમની હોમ લોનમાં બે અઢી ટકા ઘટવામાત્રથી આમઆદમી મોંઘાદાટ મકાનો ખરીદી શકે એમ છે? અરે વગર વ્યાજે મળે એમ હોય તોય તેને માટે ખાધાખોરાકીની ચીજોમાં કાળઝાળ મોંઘવારી હોવાથી મોંઘીદાટ કિંમતે ઘર બનાવી શકે એમ નથી!…. વ્યાજમાં ડખા દેવાના બદલે અથવા તેની સાથોસાથ આમઆદમીનાં ખિસ્સાંને પોસાય તેવાં મકાનો બાંધવાની યોજનાઓ ઘડાવી જોઈએ. તે દિશામાં કેમ નથી વિચારાતું? વળી ,સ્ટીલ અને સિમેન્ટ સહિત બિલ્ડિંગ મટીરિયલના ભાવ ઘટ્યા છે. છતાં મકાનની મોંઘારત તોડવા બિલ્ડરો તૈયાર ન હોય તો વ્યાજમાં થોડોઘણો ઘટાડો થવાથી ખાસ ફેર પડવાનો નથી. બીજું એ કે મકાનો સમયસર તૈયાર થઈને ખરીદનારને સોંપાઈ જાય તથા બાંધકામ સ્ટાન્ડર્ડ કક્ષાનું જ હોય તેવો લોકોને વિશ્વાસ બંધાય તેવુંય કાંઈક કરવું પડશે. પરંતુ અફસોસ, અનર્થકારી બની બેઠેલી આજની અર્થનીતિમાં આવી આમઆદમીની લાગણી પર સરકાર ધ્યાન આપતી નથી!”
લેખકની ચિંતા વાજબી છે કારણકે મોટાભાગે વાસ્તવિકતા કાંઈક આવી છે:
-છેલ્લા આઠથી દસ મહિનામાંજ મકાનોની કિંમત બમણી થઈ જવા આવી છે.
- નાનાં ટેનામેન્ટ ભૂતકાળની વાત થતાં જાય છે. મોટાભાગે મોંઘા ડુપ્લેક્ષ કે ફ્લૅટ વધારે બંધાય છે.
-બૂકિંગથી માંડીને મકાનની સોંપણી સુધી બિલ્ડરનો જ હાથ ઉપર રહે છે. ખરીદનારે તો એના નચાવ્યા જ નાચવાનું હોય છે.
- રાહ જોઈ જોઈને થાકેલા ખરીદનારે મજબૂરીના કારણે પૂરી સવલત વગર જ મકાનનું પજેશન લઈ લેવું પડે છે. મોંઘા લાઈટબિલ ભરવા પડે છે.
- સ્વતંત્ર મીટર અને લિફ્ટ માટે ઈષ્ટદેવની માનતાઓ માનવી પડે છે. બિલ્ડર તો ક્યાંક બીજે ખેલ નાખીને બેઠો હોય છે.
- બાંધકામની ગુણવત્તા માટે તો આશ્વાસનો તૈયાર જ હશે કે- હવે તો બધું આવું જ રહેવાનું… પહેલાં જેવાં સિમેન્ટ,લોખંડ,ઈંટો,કડિયા,કારીગરો હવે મળતાં નથી.
હશે. એવા બિલ્ડરો પણ હશે કે જેઓ પોતાના વ્યવસાય દ્વારા લોકોની માંગણી ને લાગણી સંતોશતા હશે ને આંતરડી ઠારતા હશે.. પણ માત્ર પૈસા બનાવવા ખાતર જ આ વ્યવસાયમાં કૂદી પડેલાં કેટલાંક લોકોએ સમગ્ર વ્યવસાયને બદનામ કરી મૂક્યો છે એ કડવી છતાં વાસ્તવિકતા છે.
શ્રી અમૃત કનાડાને આમઆદમીની વ્યથાને વાચા આપવા બદલ ધન્યવાદ.
વળતા પડકારા