જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’. આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં છું. ‘કટોકટી’ નથીને એટલે!
‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી ગુજરાતમાં છે. અને ગુજરાત એ વખતે પણ અનોખું જ હતું! દેશભરમાં મોટાભાગે કોંગ્રેસ અને એથીય વિશેષ શ્રીમતી ઈંદિરા ગાંધીની બોલબાલા જ્યારે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર! શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એથી કરીને ‘કટોકટી’નો તાપ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછો લાગતો હતો. પણ લાગતો હતો ખરો! આ રહ્યા અમે અનુભવેલા ‘ કટોકટીના ચમકારા’.
* જે લારી પર અમે મિત્રો રોજ ગોલ્ડન ચા પીતા હતા એ લારીવાળાએ આપેલી ચામાં અમને મજા ન આવી. અમે કહ્યું :’યાર, આ કેવી ચા બનાવી છે?’
‘પચીસ પૈસામાં તો એવીજ આવેને?’ ચા વાળાએ કહ્યું.
‘અરે પચાસ પૈસા લેજે.પણ ચા સારી બનાવ.’ એક મિત્રે કહ્યું.
‘ધીરે બોલો. અને ચા તો આવી જ મળશે ને પચીસ પૈસામાં જ મળશે. સરકારે જનતા ચાના ભાવ બાંધેલા છે. વધારે ભાવ લઈને મારે મિસામાં નથી જવું.’ ચા વાળાએ પોતાની મજબૂરી બતાવી.
* એ બખતે અમરેલીમાં D.S.P. તરીકે કુમારસાહેબની બોલબાલા! ધારે તે કરી શકે. રોજ રોજ એમના પરાક્રમોની સાચીખોટી વાતો સાંભળવા મળે.
- એ વખતે યુવાનોમાં બચ્ચનિયા લાંબા વાળની ફેશન. પણ કુમારસાહેબને એ પસંદ નહીં. કહેવાતું હતું કે તેઓ પોતાની જીપમાં એક “કેશ કલાકાર”ને સાથે જ રાખતા! જે કોઈ લાંબાવાળ વાળો નજરે ચડ્યો નથી કે એને મૂંડ્યો નથી! ઘણા યુવાનોએ કકળતી આંતરડીએ પોતાના વાળ સ્વેચ્છાએ કપાવી નાખ્યા હતા. તો કેટલાક પોતાના લાંબાવાળ સાથે બહાર નીકળતા તો લપાતા છુપાતા અને કુમારસાહેબની નજરે ન ચડી જવાય એવી તકેદારી સાથે નીકળતા હતા.
- કુમાર સાહેબની નજરે રાત્રે બાર પછી કોઈ નજરે ચડ્યો કે આવી બને! ખુલાસા કરવા પડે! ફિલ્મ જોવા ગયા હોય એણે ટિકિટનું અડધિયું બતાવવું પડે!! ફેંકી દીધું હોય તો ફિલ્મની વાર્તા કહેવી પડે!!!
- ચાર જણા ઊભા હોય ને પાંચમો આવે તો તરત 144ની કલમનો ભંગ થયાની બીક લાગે. ઘરાકી ન હોય ત્યારે પણ દુકાનદારોને દુકાનની બહાર ભેગા થઈને ગપ્પા મારવાની મનાઈ!
- કોઈપણ ચીજના ભાવ કરતાં એક પૈસો પણ વધારે લેનાર દુકાનદારને એક જ વાક્ય કહેવાનું કે ‘કુમાર સાહેબ આટલાંમાં જ છે.’
- સરઘસ કાઢવાનો તો કોઈને વિચાર સરખો ન આવે. પણ હા, કુમાર સાહેબ અવરનવાર એકાદ ‘દાદા’ને પકડીને એનાં ગળામાં ‘હું ગામનો દાદો છું’ એવું લખાણ લખેલું પાટિયું લટકાવતા અને ગામમાં ફેરવતા.
-જન્માષ્ટમીનો તહેવાર તો તીનપત્તીનો તહેવાર! પણ કુમારસાહેબની ધાકે જુગાર પર મનેકમને કાપ મુકાયેલો! રાત્રે બાર વાગે ભાવિક ભક્તોએ જેટલા ભાવથી કાનુડાનાં દર્શન કર્યાં એથી પણ વિશેષ ભાવથી કુમારસાહેબના દર્શન કર્યાં. કાનુડો મંદિરમાં હતો.અને કુમારસાહેબ મંદિરની બહાર વ્યવ્સ્થા જાળવવા માટે હતા.
-એક દિવસ કુમારસાહેબ સૌની દેખતા અમરેલીથી બહાર જવા નીકળ્યા. જુગારપ્રેમીઓને ફાવતું મળી ગયું. બેઠક જમાવી.પણ કુમારસાહેબ રાત્રે બે વાગ્યે ત્રાટક્યા! બીજે દિવસે પોલિસસ્ટેશને વીસબાવીસ જુગારપ્રેમીઓને જોવા માટે દસ હજાર જેટલાં લોકોનું ટોળું હતું! અને ટોળાનો એક નારો હતો કે “કુમારસાહેબ ઝીંદાબાદ!”
* હવે ચા કરતાં કીટલી કેટલી ગરમ રહેતી એ બાબતનો એક ચમકારો! રાતના બાર પછીનો સમય હતો. બે પોલિસવાળાએ એક ગરીબ માણસને રોક્યો અને પૂછપરસ કરી.
પેલા માણસે જવાબ આપ્યો કે: ‘કામ પરથી આવું છું. ‘
‘અત્યારે શાનું કામ? દારૂ પીધો છે? લથડિયાં કેમ ખાય છે?’
‘થાકેલો છું એટલે. દારૂ નથી પીધો. ‘
‘ચાલ સો રૂપિયા આપી દે.નહીં તો કેસ કરવો પડશે.’
પેલા માણસે હાથ જોડ્યા. કાલવાલા કર્યાં કે :’એટલા બધા પૈસા નથી. ગરીબ માણસ છું.’
પોલિસે એનાં ગજવાં તપાસ્યાં. વીસ રૂપિયા નીકળ્યા. જે લઈ લીધા અને જવા દીધો.
* કટોકટીનો વિરોધ કરવા માટે ધારાસભ્ય શ્રી નરસિંહદાસ ગોંધીયાની આગેવાની હેઠળ રેલી નીકળેલી જેમાં ફક્ત પાંચસાત યુવાનો જોડાયા હતા. નારો હતો: ‘કટોકટી દૂર કરો… દૂર કરો.’ કરો.. જોનારાને લાગતું હતું કે હવે આ લોકોનો વારો પડી જશે!
*કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયમાં ઈંદિરા ગાંધીએ જાહેર કરેલો વીસ મુદ્દાનો કાર્યક્રમ તાત્કાલિક ઘુસ મારી ગયો હતો અને સાથે સાથે સંજય ગાંધીના બીજા બેચાર મુદ્દાનો કાર્યક્રમ પણ . પણ અમરેલીની કોમર્સ કોલેજના પ્રાધ્યાપક શ્રી પુરોહિત સાહેબ બેધડક થઈને તમામે તમામ મુદ્દાઓના છોતરાં કાઢતાં હતા. સાહસ કરનારા પણ હતા.
* ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, મોંઘવારી ,લાગવગશાહી, અવ્યવ્સ્થા દૂર થાય તો કોને ન ગમે? પણ એની જ સામે આવાં જ દુષણો ધરાવતો બીજો વર્ગ ઊભો થાય એ કોને ગમે? સુક્કાં પાછળ ઢગલેઢગલું લીલું બળવાની વાત કોને ગમે? છાપાં પણ કશું સાચું ન કહી શકે એ કોને ગમે? અને પોતાની જીભને સતત કાબુમાં રાખવાનું કોને ગમે?
એટલે જ છેવટે કટોકટીને જાકારો મળ્યો. જો કે કટોકટીમાં જેલમાં ગયેલા કેટલાક નાનામોટા નેતાઓને પછીથી મહેલમાં રહેવાનાં નસીબ પણ પ્રાપ્ત થયાં. સમય સમયની વાત છે!!!
વળતા પડકારા