મિત્રો ,રંગલી ચાલી ભૂવાને આંગણે એ ખેલના પહેલાં બે દૃશ્યો આપે જોયાં. હવે રજૂ થાય છે
રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય -3
ભૂવો: [ખોપરી હાથમાં રાખીને ગીત ગાય છે. ] યે દોસ્તી હમ નહીં છોડેંગે છોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે..
રંગલો: ઓ ભૂવાશ્રી. શાંતિ રાખો. હમણા ઇન્સપેક્ટર સાહેબ આવશે એટલે ખબર પડશે કે તમારો અને આ તમારી વહાલી ખોપરીનો સાથ કેટલો ટકે છે!
ભૂવો :[મોટેથી ગાય ] જનમ જનમ કા સાથ હૈ નિભાને કો સો સો બાર હમને જનમ લિયે ..
[જાડિયાપાડિયા જગ્ગુ જમાદારનો પ્રવેશ]
જગ્ગુ જમાદાર : કોણ છે ભાઈ આ કોણ વારેવારે જનમ લેવાના ચાળે ચડ્યો છે?
ભૂવો: હું છું ભમ્મરિયો ભૂવો. મા ચકરડી માતાનો ભગત. પણ તમે કોણ છો ?
જગ્ગુ જમાદાર : હું છું આ નગરનો જગ્ગુ જમાદાર. [ગબ્બરસિંગની અદામાં ] યહાંસે સો સો કોસ દૂર જ કોઈ બચ્ચા ખાનેસે ઇન્કાર કરતા હૈ તબ મા કહતી હૈ કિ ખાલે બેટા નહીં તો જગ્ગુ જમાદાર ખા જાયેગા…
ભૂવો: વાહ ભાઈ વાહ! ખમણ ખમણ પે લિખા ખાનેવાલે કા નામ! જગ્ગુજી પહેલાં તો આ મા ધમા ચકરડીના દર્શન કરો. મા હાજરાહજૂર છે. ને ખમણનો પ્રસાદ ગ્રહણ કરો. પછી કામકાજની વાત!
જગ્ગુ જમાદાર : [ ચકરડી માતાજીને દંડવત પ્રણામ કરીને ] મારી મા આ ભૂવાને ફળી એવી જ મને ફળજો. [ ખમણના પ્રસાદની આખી થાળી લઈને ખતાં ખાતાં] વાત એમ કે ને કે મારા સાહેબ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ છે. અને એ એવા તો કડક છે કે પોતે ખાતા નથી અને કોઈને ખાવા દેતા નથી. એ આવી જાય તે પહેલાં આ જેટલું ખવાયું તેટલું ખાઈ લીધું ને ભાઈ ભમ્મરિયા લે આનું પડીકું વાળી દે એટલે મારા ઘરવાળાને પણ પ્રસાદનો લાભ મળે.
[ઇંન્સપેક્ટર નરેન્દ્રસિહનો પ્રવેશ]
નરેન્દ્રસિંહ આ શું કરી રહ્યા છો જમાદાર મારી ગેરહાજરીમાં ખાવાનું પતાવી દીધું?
જગ્ગુ જમાદાર: ના સાહેબ ના આ તો ચકરડી માતાનો પ્રસાદ છે. આ રહ્યાં માતાજી. દર્શન કરો અને પ્રસાદ લો.
[નરેન્દ્રસિંહ દૂરથી જ માતાજીને પગે લાગે. ]
રંગલી: સાહેબ. અહીં માતાજીના નામે ધતિંગ ચાલે છે. આ ધતિંગ બંધ કરવા માટે જ અમે તમને ફરિયાદ કરી છે.
નરેન્દ્રસિંહ: આપનો પરિચય?
રંગલી: હું છું ભવાઈના કાર્યક્રમો દ્વારા સામાજિક જાગ્રુત્તિના કામો કરતી રંગલી અને આ છે મારો રંગલો.
નરેન્દ્રસિંહ: [હાથ જોડીને] આપને મળીને આનંદ થયો.
રંગલી: સાહેબ કોઈ શાસ્ત્રમાં આ ધમા ચકરડી માતાજીનો ઉલ્લેખ નથી. આ માતાજી તો આ ભૂવાની પોતાની કલ્પના છે. જેના નામે ભોળા લોકો લૂંટાય છે માટે એ દૂર થવા જ જોઈએ.
ભૂવો: આ દેશમાં એવા કેટલાય દેવદેવીઓ છે કે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. અને એવા દેવદેવીઓના મંદિરો જો આ સાહેબ હટાવવા જાય તો આ દેશની સરકાર હટી જાય શું કહો છો સાહેબ.
નરેન્દ્રસિંહ: વાત તો મુદ્દાની છે ભાઈ. આ દેશમાં રસ્તા વચ્ચે રાતોરાત ઊભું કરાયેલું એકાદ નાનકડું દેરું પણ હટાવી નથી શકાતું. પછી ભલે એના લીધે ગમેતેટલી અગવડ થાય. આસ્થાની સામે વ્યવસ્થાએ નમવું પડે છે.
રંગલો: પણ સાહેબ આ ભૂવો આ માતાજીના નામે લોકોને લૂંટે છે.
ભૂવો: હું કોઈને લૂંટતો નથી. લોકો શ્રદ્ધાથી પૈસા ધરે છે.
રંગલી: સાહેબ. આ ભૂવાભાઈ લોકોને કેવી કેવી લાલચો આપે છે! આ યાદી જુઓ.
નરેન્દ્રસિંહ: [યાદી વાંચીને] આ તો રીતસર અંધશ્રદ્ધાનો ફેલાવો છે.
ભૂવો :સાહેબ. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ! જેના લીધે કોઈ દુ:ખીના મનમાં આશા જાગે તો એમાં ખોટું શું છે? બધેથી નિરાશ થયેલાં લોકો અહીં આવે છે અને અહીં આવ્યા પછી એમનામાં પોતાનાં દુખદર્દ દૂર થશે એવા હકારાત્મક ભાવો જાગે તો એમાં બીજાંને શા માટે વાંધો હોવો જોઈએ?
રંગલી: વાહ હકારાત્મક ભાવો! એ હકારાત્મક ભાવોનું આયુષ્ય કેટલું ? એવી ખોટી આશાઓ બંધાવવાનો શો અર્થ છે?
ભૂવો: રંગલીબેન કેટલીક વખત દાકતરો પોતે જાણતા હોય કે દર્દીને સારું નથી જ થવાનું છતાં એના પરિવારને ચોખ્ખું નથી કહેતા. સારું થશે એવું કહેતા રહે છે અને સારવાર ચાલું જ રાખે છે. પૈસા પણ કમાય છે. તો એનો શો અર્થ?
રંગલી: એ લોકો જે કાંઈ કરે છે તે વિજ્ઞાનના સહારે કરે છે. દવા આપે છે તમારી જેમ તાવીજ અને ભસ્મ નથી આપતા
ભૂવો: જે દવાથી સારું ન જ થવાનું હોય તે દવા અને ભસ્મમાં શો ફેર? જે બાટલા ચડાવવા છતાં દર્દી મરવાનો જ હોય તે બાટલા અને તાવીજ વચ્ચે શો ફેર? મારીબેન. આ દાક્તરો પણ ઘણી વખત ખોટી આશાઓ જ બંધાવતા જ હોય છે ને અને એ પણ તમને પૈસેટકે ખાલી કરીને. જ્યારે હું તો કોઈને હાર્ટએટેક આવે એવું બિલ ફટકારતો નથી. લોકોને જે આપવું હોય તે પ્રેમથી આપે છે. આ તો માતાજીનો દરબાર છે મારીબેન. જે થાય તે પ્રેમથી થાય છે.
નરેન્દ્રસિંહ : તમે લોકો એ તો જાણે ચર્ચાસભા ચાલુ કરી દીધી. અવી ચર્ચાનો અંત આવે નહીં. મારે બીજાં ઘણાં કામ છે. ભૂવાભાઈ. તમે તમારો આ ધંધો અત્યારથી જ બંધ કરી દો. નહીં કરો તો મારે કાયદેસર પગલાં ભરવા પડશે.
ભૂવો : પણ મેં કયા કાયદાનો ભંગ કર્યો છે?
રંગલો: આ માતાજીનું મંદિર કોની રજાથી બાંધ્યું છે?
ભૂવો: મંદિરો બાંધબા માટે વળી રજા લેવી પડે? લોકો તો વગર રજાએ પોતાનાંબંગલા બાંધી દે છે અને ભગવાનના નાનકડા ઘર માટે વળી રજા લેવાની ?
રંગલી: અને તાવીજનું વેચાણ કરો છો તે કાયદાનો ભંગ નથી?
ભૂવો: દુનિયામાં હજારો ઘરેણાંની ચીજો વેચાય છે. લોકો પહેરે છે. એ ગુનો નથી તો આ તાવીજ તો હું એ લોકોને મફતમાં આપું છું. એ પહેરાવવૌં કે પહેરવું કઈ રીતે ગુનો બને? આ તો તમે લોકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધની વાતો કરો છે.
રંગલો :અને આ તમારો પાવડર! આ પાવડરને તો અત્યારે જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલવો જોઈએ.
ભૂવો: મોકલો ખુશીથી મોકલો એમાં કશું જ વાંધાજનક જણાય તો હું જેલમાં જવા તૈયાર છું
નરેન્દ્રસિંહ: આટલો બધો આત્મવિશ્વાસ ભારે પડી જશે ભાઈ ભૂવા.
ભૂવો : સાહેબ. આત્મવિશ્વાસનું કારણ એ જ છે કે આ પાવડર તો મોંઘામાં મોંઘી ચોકલેટનો પાવડર છે. જેને દૂધ સાથે પીવાથી કોઈપણ માણસને સારી સારી લાગણીનો અનુભવ થાય. અમાંકયા કાયદાનો ભંગ થયો?
રંગલી: પણ તમે તો આ પાવડર રંગલાને રાત્રે બાર વાગે ચાંદ તારાની સાક્ષીએ પીવડવાવાનું કહ્યું હતું . આવી અંધશ્રદ્ધા વધારનારી સલાહ આપવાનું કારણ ખરું?
ભૂવો: અરે મારી બહેન. આ રંગલો કમ્પ્યુટરથી અળગો થાય અને ખુલ્લાં આકાશનું તેમ જ હરીભરી કુદરતનું મહત્વ સમજે તે માટેનો મારો એ પ્રયાસ માત્ર હતો. એ બહાને જો રંગલાને માનસિક શાંતિ મળે એ જ મારો આશય હતો!
નરેન્દ્રસિંહ : મને તો તમે ભેદભરમથી ભરેલા માણસ લાગો છો. તમારા બધા ખુલાસા પરથી તો એવું લાગે છે જાણે તમે આ દુનિયાનાં મૂળિયાં ચાવી ગયા છો. મારો તમારી સાથે પનારો પડી ચૂક્યો હોય એવું લાગે છે! બીજી બધી વાતો જવા દો અને મને તમારા ઓળખાણના પુરાવા આપો.
ભૂવો:કેવા પુરાવા ?
નરેન્દ્રસિંહ: કાયદેસરના પુરાવા. જેનાથી સાબિત થાય કે તમે આ જગતમાં ક્યારે પ્રગટ થયા! તમારું અસલ નામ કયું? તમારો અભ્યાસ કેટલો ?
ભૂવો : [હસીને] મારી પાસે તો એવા કોઈ પુરાવા નથી.
નરેન્દ્રસિંહ : પણ મારી પાસે આ દંડો છે. [દંડો ઉગામે ]
ભૂવો: રહેવા દો રહેવા દો સાહેબ. એની જરૂર નથી. આ લો મારું ઓળખપત્ર.[ટેબલમાંથી ઓળખપત્ર કાઢે]
નરેન્દ્રસિંહ: [વાંચે ] મૌલિક એમ. કોટેચા માનસિક રોગોના નિષ્ણાત. [યાદ કરીને] મૌલિક કોટેચા કરીને એક છોકરો તો તો મારી સાથે કોલેજમાં હતો. કદાચ એણે સાયકૉલોજી.. શું તમે પોતે તો મૌલિક …
ભૂવો : [ હસતાં હસતાં તેમ જ ટોપી અને કોટ ઉતારતાં ઉતારતાં] હા હું જ છું એ મૌલિક કોટેચા. શ્રીમાન નરેન્દ્રસિંહ આપણે કોલેજનાપહેલાં વર્ષમાં સાથે હતા. પછી અલગ થયા.
[બંને મિત્રો ભેટે ]
રંગલો: એટલે તમે ભૂવા નથી?
ભૂવો: ભૂવો છું પણ ભણેલો અને એનાથી વિશેષ ગણેલો!
રંગલી:ભણેલા ગણેલા થઈને આવી ભૂવાગીરી કરવાનું કારણ?
ભૂવો: માત્રને માત્ર અભ્યાસ માટે! હું આજના જમાનાના માણસોની નવી નવી માનસિક નબળાઈઓ માટેનું સંશોધન કરવા માંગું છું. એ માટે મને ભૂવો બનવાનું જ ઠીક લાગ્યું! ભૂવા પાસે લોકો પોતાની તકલીફ છૂપાવે નહીં!
નરેન્દ્રસિંહ: વાહ! રીસર્ચ કરવાની જબરી મૌલિક રીત અપનાવી છે!
રંગલી: રીત ગમે તેવી મૌલિક હોય પણ ગલત છે. સાધ્ય ગમે તેટલું શુદ્ધ હોય પણ જો સાધન શુદ્ધ ન હોય તો એનાથી સમાજને ખોટા સંદેશા જવાનો સંભવ છે. મારું માનવું છે કે આ ભૂવા કાર્યાલય બંધ થવું જ જોઈએ.
નરેન્દ્રસિંહ :બહેનની વાત સાચી છે. મિત્ર મૌલિક કોટેચા. આજ કામ તમે એક ડૉક્ટર તરીકે કરી શકો છો. તમારે આ કાર્યાલય બંધ કરવું જ પડશે. ઉતારો આ પાટિયું.
ભૂવો:પાટિયું ઉતારવાની જરૂર નથી. માત્ર ફેરવવાની જરૂર છે. ને એ કામ રંગલો અને રંગલીના હાથે જ થાય તો મને ગમશે. આવો..
[રંગલો અને રંગલી કાર્યાલયનું પાટિયું ઉલટાવે છે અને પાછળનું લખાણ સહુ એક સાથે વાંચે છે. ]
ચારે જણાં: [ મોટેથી] ડૉક્ટર મૌલિક કોટેચા માનસિક રોગોના નિષ્ણાત .
રંગલી: પણ ભૂવાજી અરે! ડોક્ટર સાહેબ્ તમે મારા રંગલાના કાનમાં કયા મંત્રો ફૂંક્યા હતા એ તો કહો.
ભૂવો: એ તો રંગલાભાઈ જ કહેશે. એ મંત્રો સહુએ ધ્યાનમાં રાખવા જેવા છે!
રંગલો :તો સાંભળો એ મંત્રો. … ઇંટરનેટ આપણા માટે છે.. આપણે ઇંટરનેટ માટે નથી….. બ્લોગ મગજને રાહત આપવા માટે છે… મગજને ત્રાસ આપવા માટે નથી! …. કમ્પ્યૂટરના ચોકઠા સિવાયની પણ દુનિયા છે જેનાથી સાવ અળગા થવાની જરૂર નથી.
[સમાપ્ત]
Like this:
13 bloggers like this post.