બ્લોગજગતમા એક બકરીબહેન રહેતાં હતાં. તેઓ બકરી સ્પીકિંગ નામે એક બ્લોગ ચલાવતા હતાં. એક દિવસ બ્લોગના પ્રતિભાવના ખાનામાં એક વરુભાઈ આવી ચડ્યા. વરુભાઈએ પ્રતિભાવમાં લખ્યું કે: એય બકરી, તું તારા બ્લોગમાં કેમ બહુ ટેટે કરે છે? બ્લોગજગતમાં રહેવું છે કે નહી?
બકરીબહેને પૂરી નમ્રતાથી જવાબ આપ્યો કે: વરુભાઈ, આપની કશી ગેરસમજ થતી લાગે છે. હું મારા બ્લોગમાં ટેટે નથી કરતી. બલ્કે બેં..બેં કરું છું.
વરુભાઈ: હવે રહેવા દે. રહેવા દે. મને ખબર છે કે તું બેંબેં કરવાના બહાને મારી બેઇજ્જતી કરે છે.
બકરીબહેન: મેં તો ક્યારેય મારા બ્લોગ પર તમારું નામ પણ નથી લીધું. તમારા એક વડવાએ પાણી પીવાના ઝઘડામાં મારા એક વડવાનો ભોગ લઈ લીધો ત્યારથી અમારો સમગ્ર બકરીસમાજ તમારું નામ લેવાનું પણ ટાળે છે. મારા બ્લોગ પર પણ હું તમારું નામ ન લેવાય તેની પૂરતી કાળજી રાખું છું.
વરુભાઈ: એટલે કે તું મને ટાળવા માંગે છે? એક મામૂલી બકરી થઈને મારા અસ્તિત્વને નકારે છે?
બકરીબહેન: ના વરુભાઈ ના. તમે કૃપા કરીને એવું તારણ ન કાઢશો. આ તો આપણી વચ્ચે ગેરસમજ ન થાય અને ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે જ હું સાવચેતી રાખું છું.
વરુભાઈ: તારો બકવાસ બંધ કર. મને ખબર છે કે, તું તારા બ્લોગમાં મારી વગોવણી કરે છે.
બકરીબહેન: હું તો વગડામાં ફરનારી. મને કુદરતનું સૌંદર્ય ખૂબ જ સ્પર્શી જાય છે. એટલે હું તો મારા બ્લોગ પર માત્રને માત્ર ઊર્મિગીતો જ મુકું છું. જેમાં તમારું નામ લેવાનો પ્રશ્ન જ નથી હોતો. મેં ક્યારેય મારા બ્લોગ પર તમારું નામ નથી લીધું. મારી વાત પર વિશ્વાસ કરો.તમે મને જો સાબિતી આપશો તો હું મારો બ્લોગ વિના વિલંબે બંધ કરી દઈશ.
વરુભાઈ: તે બ્લોગ પર મારું નામ નહી લીધું હોય તો ઓરકૂટ પર લીધું હશે!
બકરીબહેન: ઓરકૂટ પર તો મેં મારું ખાતું પણ નથી ખોલાવ્યું! હું ખાતું ખોલાવવાનો વિચાર કરતી હતી ત્યાં તો મને જાણ થઈ કે, ઓરકુટનાં પાણી ઓસરવા લાગ્યાં છે. એટલે માંડી વાળ્યું.
વરુભાઈ; ચાલ ઓરકુટને માર ગોળી! તે ટ્વિટર પર મારું નામ લીધું હશે!
બકરીબહેન: ટ્વિટરની ટેકરી તો હું ક્યારેય ચડી નથી. એ મને હમેશા ખૂબ ઊંચી લાગી છે!
વરુભાઈ: તો ફેસબૂક પર તો મારું નામ ચોક્કસ લીધું હશે!
બકરીબહેન: નાં રે નાં! ફેસબૂક પર તો ખાલી ટાઈમ પાસ કરવા ખાતું ખોલાવ્યું છે. બીજાના વિવાદો વાંચીને નિર્મળ આનંદ પ્રાપ્ત થાય તે માટે! મેં તો ક્યારેય એના પર એકાદ શાયરી પણ નથી મૂકી.
વરુભાઈ: તે મારું નામ લીધું જ છે. હા, યાદ આવ્યું. તે Google+ પર તો મારું નામ લીધું જ છે.
બકરીબહેન: એ વળી નવું સાંભળ્યું.
વરુભાઈ: તો શું તું હજી Google+ ની સભ્ય નથી થઈ?
બકરીબહેન: નામ જ આજે સાંભળ્યુંને! શું તમે એમાં સભ્ય છો?
વરુભાઈ: હા. છું. અને તું પણ થઈ જા. હું તને મારા સર્કલમાં રાખીશ.
બકરીબહેન: તમારા સર્કલમાં ? ના ભાઈ ના! તમારા સર્કલમાં તમે મને જીવતી રહેવા દો ખરા?
વરુભાઈ: અરે એક વખત મારા સર્કલમાં આવા તો ખરી! તારો બ્લોગ ઊંચકાઈ ન જાય તો મને કહેજે.
બકરીબહેન: પણ મને તો ખબર જ નથી કે એના સભ્ય કેમ બનાય?
વરુભાઈ: હું છું ને? ચાલ અત્યારેજ તને બધું શીખવાડી દઉં.
… પછી તો વરુભાઈએ બકરીબહેનને તાત્કાલિક Google+ના સભ્ય બનાવ્યાં. પોતાનાં સર્કલમાં રાખ્યા. બકરીબહેને પણ વરુભાઈને પોતાના સર્કલમાં રાખ્યા. આ રીતે વરુભાઈ તરફથી બકરીબહેનને સલામતી મળી તો બકરીબહેન તરફથી વિશાળ બકરીસમાજ તેમ જ ઘેટાંસમાજનો લાભ વરુભાઈને મળ્યો.
અંતે સહુ સારાં વાનાં થયાં.
****************************************************************
મિત્રો, વધેલી ટાઢી રોટલીમાં છાશ અને મરચું અને લસણ ઉમેરીને જેમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય તેમ જૂની વાર્તામાંથી નવી વાર્તા બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. અમારો આ પ્રયાસ તમને ગમ્યો હશે.
પરંતુ તમારે આવી અનેક વાર્તાઓ વાંચવી હોય તો બ્લોગમિત્ર સાક્ષર ઠક્કરના બ્લોગ હું સાક્ષરની મુલાકાત લેવી જ રહી.
વળી વરુભાઈના જ નહી પણ માણસ સહીત અન્ય પ્રાણીઓના બદલાતા માનસિક વલણમાં કેવા પ્રકારના દિમાગી રસાયણો ભાગ ભજવે છે તેને લગતી અભ્યાસપૂર્ણ વાતો જાણવી હોય તો અન્ય એક બ્લોગમિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોગ “કુરુક્ષેત્ર” ની નિયમિત મુલાકાત લેવી જ રહી.
અને જો તમને વરુભાઈ અને બકરીબહેનના બદલાયેલાં વલણ પાછળ મેનેજમેન્ટ અને માર્કેટિંગ ફંડા કામ કરી ગયાં હોય, એવું જણાતું હોય તો : આવા અનેક ફંડાની વાતી બ્લોગમિત્ર મુર્તજા પટેલના બ્લોગ ઇન્ટરનેટ પર વેપાર માં વાંચવા મળશે.
બાકી અમે તો આ અસરના ઓટલે બેઠાં જ છીએ…
Like this:
13 bloggers like this post.