મિત્રો,
જેઓ શહેરની મંડી-બજારમાં જતાં હોય છે તેઓ જાણતાં જ હોય છે કે, ઠોસા એ મફતમાં મળતી વાનગી છે. જે ન ભાવતી હોવા છતાં ખાવી પડે છે! વળી, લોકો પોતે ઠોસા ખાય છે અને બીજાંને ખવડાવે પણ છે. એ રીતે જોઈએ તો આ અરસપરસ અને આપોઆપ થતી સામુહિક ક્રિયા છે. શરૂઆતમાં થોડી અઘરી લાગે છે પરંતુ વારંવારની મંડીની મુલાકાતથી તે આવડી જાય છે.
ભીડમાં મોટું મન રાખીને આપણે ઠોસા ખાઈએ છીએ અને મારીએ પણ છીએ. પરંતુ ઠોસાના કારણે વાતવાતમાં ઝઘડા કે મારામારી નથી કરતાં. એકાદ ઠોસો કાઈને કે મારીને આપણે આગળ વધી જઈએ છીએ.જેને ઠોસા મંજૂર નથી હોતા તેઓ એવી જગ્યાએ જવાનું ટાળે છે. જેઓ ઠોસા જીરવી નથી શકતાં તેઓ ઠોસાબાજી છોડીને મુક્કાબાજી પર પણ આવી જાય છે.
વિવિધ પ્રકારની સોશિયલ વેબસાઈટ્સ પરપણ ક્યાંક ક્યાંક ઠોસાબજાર જેવું વાતાવરણ જોવાં મળે છે. લોકો વાતવાતમાં ઠોસા મારતાં જણાય છે. મંતવ્યોના ઠોસા! પરંતુ ત્યાં સદેહે મુક્કાબાજી પર આવવાની સંભાવના નથી હોતી તે સમગ્ર સમાજ માટે એક મોટી રાહત છે.

[તસવીર: http://benisawesome.net/2009/10/page/2/]
સોશિયલ વેબસાઈટ્સ પર કોઈ પણ નબળું સબળું માણસ મંતવ્યનો ઠોસો મારી શકે છે. તે માટે એનો દેહ તાકાતવાન હોવો જરૂરી નથી. વળી, એ ઠોસો શારીરિક રીતે નબળા કે સબળા ગમે તે માણસને વાગી શકે છે. આ પ્રક્રિયામાં ઠોસો મારનારની ઈચ્છાની સાથેસાથે ઠોસો ખાનારની ઈચ્છા જ વધારે ભાગ ભજવે છે.
એક ઉદાહરણ લઈએ.
ધાર્મિક વિધિઓમાં ન માનનાર, સમાજ સુધારણા માટેના પોતાના લેખમાં એવું મંતવ્ય આપે કે: “ટીલાંટપકાંમાં રચ્યાંપચ્યાં રહેનારી ધરમની પૂછડીઓને ઊંચકીને દરિયામાં ફેંકી દેવી જોઈએ.” આવું મંતવ્ય આપનારમા ભલે પાંચ કિલો વજન પણ ઊંચકવાની ત્રેવડ ન હોય! પરંતુ તે આવું સાહસિક મંતવ્ય આપી શકે છે. કારણ કે આ લોકશાહીમાં સહુને અભિવ્યક્તિનો અધિકાર છે. તેની અભિવ્યક્તિને વાસ્તવિકતા સાથે કેટલું અંતર છે તે માપવામાં આવતું નથી. આમ આ મંતવ્ય આપનારે હવામાં એક ઠોસો માર્યો છે એમ કહી શકાય. હવામાં ઠોસા મારવાનો વ્યાયામ કરનારને રોકી ન શકાય.
હવે જુઓ રમત! આ મંતવ્યથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. લાગણી દુભાવી એ આપણો મોટો સામાજિક રોગ છે. તે અતિશય ચેપી પણ છે. જેની લાગણી દુભાણી હોય તેને કોઈએ હવામાં વીંઝેલો ઠોસો વાગ્યો છે એમ કહી શકાય.
કોઈએ હવામાં વીંઝેલો મંતવ્યનો ઠોસો જેને સ્વેચ્છાએ વાગે છે તે જો એ ઠોસાને જીરવી શકે વાત આગળ વધતી નથી .પરંતુ જો તેનાથી ઠોસો જીરવાતો નથી તો તે સામો ઠોસો મારે છે.મંતવ્યનો ઠોસો! તે સામે પ્રતિભાવ દ્વારા મંતવ્યનો વળતો ઠોસો મારે છે કે: “TILATAPKA KARNARAOE TILATAPKA TAMARE KAPALE TO NATHI KARIYANE? TO PACHHI BALATARA SHANE KARO CHHO? KOINI DHARMIK LAGANI DUBHAVAVAAO HAK TAMNE KONE APYO CHHE? “
આ થયો વળતો ઠોસો! વિદેશી પ્લેટમાં દેશી ઠોસો!
હવે જો મૂળ ઠોસો મારનાર વળતો ઠોસો ખાઈને ખાતું સરભર થઈ ગયું એમ માનીને આગળ વધે તો કોઈ સવાલ નથી. પરંતુ મોટાભાગે તેમ થતું નથી. પહેલાં તો તેણે હવામાં જ ઠોસો માર્યો હતો પણ હવે તો તેને ઠોસો ખાનાર પ્રાપ્ત થઈ ગયો હોવાથી ખાસ તેને જ વળતો ઠોસો મારે છે.કે: મારી દીવાલ પર ગમે તે લખવાનો મને હક છે. કડવું સત્ય સહન ન થતું હોય તો આ તરફ આવવું જ નહિ. અહીં તો તેજાબમાં બોલાયેલા શબ્દો પ્રગટ થાય છે! દાઝી જશો.
ત્યાં તો બેની લડાઈમાં કોઈ ત્રીજો કૂદી પડે! તે પણ પ્રતિભાવ દ્વારા મૂળ ઠોસો મારનારને ટેકો જાહેર કરતો હોય તેવો પોતાનો આગવો ઠોસો વીંઝે કે:તમારું લખાણ જોરદાર છે. વીર નર્મદ પછી આવું લખાણ કોઈએ લખ્યું નથી. પણ મારું માનવું છે કે આ ટીલાંટપકાં કરનારાઓ કદી સુધારવાનાં નથી. તેમની અક્કલ ઘાસ ચરવા ગઈ છે.
બસ પતી ગયું. વળતો ઠોસો હાજર: TAMARI PASE KETALI AKKAL CHHE TE TAMARA LAKHAN PARTHI JANAY AVE CHHE. TAME TAMARA SANSAKARONU PRADARSHAN KARI RAHYA CHHO.
પછી તો ઠોસાયુદ્ધ એવું તો જામે કે મૂળ વાત કે વિચાર બિચારો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી નીકળે! ને રહી જાય માત્ર ઠોસા, ઠોસા ને ઠોસા!!
મિત્રો, તમે પણ ક્યારેક ને ક્યારેક મંતવ્યોના ઠોસા ખાધા હશે કે ખવડાવ્યા હશે, જો બની શકે તો આપના અનુભવો જણાવશો તો અમારાં ઠોસાજ્ઞાનમાં વધારો થશે.
આવજો અને નવાં વર્ષની પાર્ટીમાં યથાશક્તિ જલસા કરજો.
![ધોધ -જામવાળા [ગીર]](http://asaryc.files.wordpress.com/2011/10/img_1011.jpg?w=300&h=200)
