Tag Archive | બાપુનો ડાયરો

ધિંગાણાં

[ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે. બે જ જણનો  ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.]

એલા ભગા.. એક વાત કેદુની મનમાં રમેછ.

તે મૂકોની વહેતી. વાર કેટલી? 

હું એમ કઉ છું કે આ ઘણાંય કમ્પ્યુટર કમ્પ્યુટર કરેછ તે ઈ કેવું હોય? તે જોયુંછ કોઈ દી? 

જોયું તો નથી  બાપુ. પણ સાંભળ્યું છે કે આ આપડા ટીવી જેવું જ ડબલું હોય. પણ એની માલીપા મલકનાં મલક ભર્યાં હોય. 

ઈ તો મને ય ખબર છે. પણ મલકનાં મલક એમ કાઈ રેઢાં નથી પડ્યાં! ઈ હાટુ એમાં ઇન્ટરનેટેય હોવું જોઈ. 

ઈ નથી ખબર.  ખોટું શું કેવું. 

પણ મને ખબર છે ને.  આપડે ઈ કમ્પ્યુટર લેવું છે. ને ઈન્ટરનેટ સોતું લેવું છે. તારે તપાસ કરવાની છે કે કેટલો ખરચ થાય. 

તપાસ કરવામાં વાર કેટલી? બે દીમા તમને જવાબ દઉ.

ક્યાં તપાસ કરીશ?

એની ચિંતા  તમારે નઈ કરવાની. તમારું કામ થઈ જાશે. ઈ પાકું. પણ બાપુ આ જાતી  જિંદગીએ વળી તમને આ નવાં નવાં રમકડે રમવાનું મન થયું? 

એલા રમવાની વાત નથી. ધિગાણાં કરવાની વાત છે! 

એનાથી વળી ધિગાણાં થાય? 

થાય તે કેવાં થાય? જોયા જેવાં થાય! 

પણ બાપુ. તમે થાય એટલાં ધિંગાણાં કરી લીધાં. હવે ધિંગાણાં કરવાની તમારી ઉમર નથી. 

એલા ભગા. હું જે ધિંગાણાંની વાત કરું છું એમાં ઉમરનો કોઈ બાદ નથી. 

પણ તલવાર તો હોવી જોઈએને? સાત ખોટની હતી ઈ યે વેચી દીધી છે. 

અરે ગાંડા. આ ધિંગાણાંમાં તલવારની જરૂર નો પડે. આ ધિંગાણાં લડી લડીને નો થાય. લખી લખીને થાય! 

આ વળી નવી વાત! પણ લખશે કોણ? તમને લખતાં આવડશે? 

ભગા. આપડે ધારીએ તો હંધુય આવડે. એમાં તો પાછું એવું હોય કે આપડે બટન દબાવીએ ને ઈ જ ઘડીએ  લખાઈ જાય. ને જેની ઉપર ઘા કરવો હોય એની ઉપર ઈ જ ઘડીએ ઘા થઈ જાય!

આ નવો ખેલ!

આપડે હવે ઈ ખેલ ખેલવાના છે. જિંદગીમાં કોઈ અબળખા બાકી નો રેવી જોઈ.

ઈ વાત સાચી. કોઈ અબળખા બાકી રહી જાય તો વળી ભૂત બનવાનો વારો આવે.

ને ઈ આપડે  થાવા નથી દેવું. સમજ્યોને?  

સમજી ગ્યો બાપુ. બે દીમા તમને આંકડો કઈ દઉ   લ્યો ઈ વાત પર આ બીજી બીડી સળગાવો. 

[બાપુએ અને ભગાએ ફરીથી બીડીઓ સળગાવી અને તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે કાઈ!]

તે હેં બાપુ આ અમરસિંહને અમિતાભ હારે બાટી ગ્યું?

બાપુની ડેલી છે ને બાપુ છે ને ભગો છે. ખોટ હતી માત્ર વાતના વિષયની!! .. ને ભગાએ એ ખોટ પૂરી કરી. બિલાડી ઊંદરને પકડી પાડે એમ એણે  એક વિષયને પકડી પાડ્યો!!

“તે હેં બાપુ, આ અમરસિંહને અમિતાભ હારે બાટી ગ્યું? સાપામાં આવ્યું સે.”    {બાટી જવું = બગડી જવું. જેવી રીતે કોઈ ચીજ બગડે એમ સંબધ પણ બગડેને?}

“સાપાની વાત સો ટકા હાસી ક્યારેય નો માનવી.”

“પણ બાપુ, વાતમાં કાંઈક તો દમ હશેને? સાપામાં તો લખ્યું સે કે અમરસિંહ દુ:ખીના દાળિયા થઈ ગ્યા સે ને કે સે કે બસ્સન હવે એનો ભાવ નથી પૂસતો. બાકી હોય એમ શાયરી પણ ઠપકારી સે”

ભગાએ છાપાનો એક ટુકડો કાઢ્યો ને બાપુને શાયરી વાંચી બતાવી..

તુમ્હે ગૈરો સે  કબ ફુરસદ , હમ અપને ગમ સે કબ ખાલી,

ચલો અબ હો ચુકા મિલના , ના તુમ ખાલી, ના હમ ખાલી.

“આમાં એવું સે ભગા કે કોઈ માણહ હારે તમારે ગમે તેટલા સારા સંબધ હોય પણ ઈ માણહ કાયમ માટે તો તમારા કહ્યામાં નો રેને? અમિતાભ જેટલું ખેંચાવાય એટલું ખેંચાયો હવે કેટલો લાંબો થાય? એક તો પહેલેથી જ લાંબો સે!”

“પણ બાપુ, અત્યાર હુધી તો બેય વસ્સે કેવો મનમેળ! બસ્સનને ન્યાં ગમે ઈ પ્રસંગ હોય અમરસિંહની પધરામણી તો  ગણપતિનીય પહેલા  થઈ જાતી!! ને હવે ના તુમ ખાલી ને  ના હમ ખાલી?”

“જો ભગા, બીજાની વાત જાવાદે. આપણા બેની જ વાત કર્ય. આપણે વરહોથી લેણાદેવી જળવાઈ રઈ સે.કેમ?”

“તમે જ કઈ દ્યોની બાપુ. આવી ઊંચા માઈલી વાતમાં હું સું કઉં?”

“ભગા.. સંબંધમાં મન મોટા રાખવા પડે! તારે ને મારે સંબંધ સે.પણ મેં તને કોઈ દી કીધું કે તું આપાભાઈની હારે સંબધ નો રાખતો. આપાભાઈ હારે  મારે મનમેળ પેલેથી જ ઓસો. પણ એમાં તારે સું? મારથી તને એમ કેમ કહેવાય કે ,તુંય આપાભાઈ હારે નો બોલતો.”

“હાસી વાત સે. મારે તો બાપુ બધાયને હાસવવા પડે! ક્યારે કોનો ખપ પડે ઈ થોડું કેવાય સે?”

“પણ મેં તને ક્યારેય દબાણ કર્યુંસ કે તું હું કઉં એમ જ કર્ય? હા. ટાઈમ મળે ત્યારે તું આવતો જા તો મને જરા સારું લાગે. બાકી એક માણહ તરીકે તારું સ્વતંત્ર અસ્તિત્વ ખરું કે નઈં?”

“ઈ તો સે જ ને બાપુ. મને  મારી રીતે વરતવાની સૂટ તો હોવી જ જોઈને?”

“ને હું તને બંધનમાં રાખું તો કેટલો વખત રાખી સકું? ક્યારેક તો એનો અંત આવેને ?તને જ મારાથી અબખો આવે કે નઈં?”

“પણ  આમાં તો એવું સે બાપુ કે પેલા અમરસિંહને મુલાયમસિંહ  હારે ઘર જેવો સંબંધ હતો. હવે નથી રહ્યો ત્યારે બસ્સન પણ મુલાયમસિંહ હારે એક  ઝાટકે બગાડી નાંખે ઈ વાત તો વધારે પડતી કેવાય.”

“ને બસ્સન  જ નઈં પણ એના ઘરવાળા ને એના દીકરાવહુ બધાંય પોતાના કહ્યા પ્રમાણે કરે ઈ વાત તો ઠીક નો જ કેવાય. ભલે કોઈ બાબતમાં મદદ કરી હસે પણ એનો અરથ એતો નઈને કે કાયમ માટે ઈ તમારો ગુલામ થઈને રે.”

“તો હવે બસ્સનનું સું થાહે?”

“બસ્સનને વળી સું થાય? એને તો આવું કોઠે પડી ગ્યું સે.  ઈ તો અગ્નિપથ અગ્નિપથ કરતો હાલ્યો જાહે. ઈ કોઈનો અટકાવ્યો  અટકવાનો સે?”

“ને હવે તો મોદી હારેય સારા સંબધ સે. પણ હેં બાપુ, આ મોદી હારે સંબંધ બાંધવામાં એને  અમરસિંહની જરૂર નો પડી! મને તો લાગેસ કે, અમરસિંહને ઈ વાત જ કઠતી હશે.”

“ભગા. આ સંબંધો તો જિંદગી જીવવાનાં બાનાં સે. સૌ સૌના મતલબથી સંબધ બાંધ ને તોડે!”

“પણ  બાપુ. આ અમરસિંહ હવે ઢીલો તો પડ્યો  સે નઈ તો આવી દાજિયા તેલ જેવી શાયરી નો ઠપકારે! ઈ તો કેવો ગુલાબી તબિયતનો  માણહ  હતો!”

“ભગા, એકસરખા દિવસો કોઈના જાતા નથી! આ જ ડેલીમાં એક જમાનામાં માણહો માતા નોતા. બાપુ… બાપુ.. થાતુંતું. અરે! ક્યાંક્યાંથી માણહો ડાયરામાં આવતાતા! મલક મલકની સિગરેટો  પીવડાવતાતા! ને આજ? આ બાપુને બીડીનાય ફાંફા?”

“બાપુ તમે એમ ગળગળા નો થાવ. મેં ક્યારેય તમને બીડી વગરના રેવા દીધા સે?”

“પણ આજનું સું? આ તલપ લાગીસ એનું કાંઈ થાહે?”

“નઈ કેમ થાય? આ ભગા પર તમને ભરોસો નથી? લો આ રહી બીડીની જૂડી!”

ભગાએ ખીસામાંથી બીડીની જૂડી કાઢી.

વાદળને જોઈને ખેડૂ હરખાય એમ બીડીની જૂડી જોઈને બાપુ હરખાયા.

“એલા ભગા. આજ આખી જૂડીનો મેળ ક્યાંથી પાડ્યો?”

“ઉપરવાળો સૌનું ધ્યાન રાખે સે ને બાપુ. ગામના ચોકમાં  આ બીડીની જાહેરાત કરવા એક ગાડી આવીસ. ટેસ્ટ કરવા હાટુ  મફતમાં મળી ગઈ!”

“તું જો નો હોત તો મારું સું થાત?”  બાપુ બોલ્યા.

… ને પછી બાપુએ અને ભગાએ બીડીઓ જગાવી…. ને પછી તો તગતગતી બીડીઓના અજવાળે ડાયરો જામ્યો છે કાંઈ!!!!!!!

નસીબદાર બાપુ

[ભગાની રાહમાં બાપુ ઊંચાનીચા થઈ રહ્યા છે. ભોજન માટે ભૂખ્યો તડપે, વિકેટ માટે બોલર તડપે, મુશાયરામાં પોતાના વારા માટે કવિ તડપે ...એમ ભગા માટે બાપુ તડપી રહ્યા છે.વારેવારે ડેલીએ જઈને દૂર દૂર નજર નાખે છે.પણ ભગો નજરે પડતો નથી. થાક્યાપાક્યા બાપુ  ખાટલે બેસી જાય છે.બીડીની શોધ માટે  બાપુનો હાથ  ખીસામાં પ્રવેશે છે અને ભોંઠો પડીને પાછો ફરે છે. બાપુને લાગી આવે છે... અને ત્યાંતો બાપુને કાને મનગમતા શબ્દો નગારે ઘા પડતા હોય એમ પડે છે: "બાપુ રામરામ". ભગાને જોઈને બાપુ હરખના માર્યા ઊભા થઈ જાય છે ....અને પછી શું થાય છે "બાપુના ડાયરા"માં ? વાંચો આપના સગા પરદે! ]

બાપુ— રામરામ  ભગા. બે દિથી દેખાણો નઈં. તબિયત તો ઠીક સે ને?

ભગો— તબિયત તો ઠીક સે પણ દોડધામ થઈ ગઈ.

બાપુ— કાં? કાંઈ નવાજૂની થઈ?

ભગો— નવાજૂની તો હવે થાહે. આપાભાઈ એની હોટલમાં વડાપાંઉ સાલું કરવાના સે.

બાપુ—ઈ તો ધંધો લઈને બેઠો સે એટલે જેટલું નો બનાવે એટલું ઓસું. પણ ઈમાં તારે કેટલા ટકા?

ભગો— બાપુ તમે વાત તો પૂરી સાંભળો.

બાપુ— લે સંભળાવ્ય તું તારે. તારો વારો પેલાં. મારી હરખની વાત ભલે બાકી રહી.

ભગો— લે. એમ ક્યોની. તમારે હરખની વાત કેવી સે. તમે ક્યો બસ.

બાપુ— ના ના.એમ ઉતાવળે મજા નો આવે. તું તારી વાત પૂરી કર્ય.

ભગો— મારી વાત તો એવી સે કે વડાપાંઉ કેમ બનાવાય એની રીત જાણવા આપાભાઈની હારે જૂનાગઢ જાવું પડ્યું. ધંધાની વાત કોઈ બહાર પાડે નઈં. એટલે કોઈ ઘરનો માણહ ગોતવો પડેને?

બાપુ— જૂનાગઢમાં વળી કોણ ઘરનું મળ્યું?

ભગો— સે ને.. આપણા ગામનો જ જણ. જગુભાઈનો રમેશ. એને ધંધો તો ખમણનો સે પણ બધી જાણકારી સે. હવે એ પોતે આવશે ને  વડાપાઉંનો ધંધો સાલું કરાવી દેશે. એટલે આપાભાઈનું કામ થઈ ગ્યું સમજો. હવે કયો તમારી વાત.

બાપુ—મારી વાત તો એવી સે ને કે તું સાંભળીશ તો તનેય થાહે કે બાપુ કેવા નસીબદાર!

ભગો— કઈ નખોને બાપુ. હવે મારાથી નથી રેવાતું.

બાપુ— એ વાત જાણે એમ સે કે મેં કાલ્ય અડદની દાળ ખાધી. ને એ પણ પૂરા ત્રણ તાંહળા ભરીને. બે તાંહળા રોટલા હારે અને એક તાંહળો તો એમનમ ઘટઘટાવી ગ્યો.

ભગો— સું વાત કરો સો બાપુ? ત્રણ તાંહળા ભરીને દાળ? ખાવ મારા સમ.

બાપુ— તારા સમ ભગા.તારી હારે ખોટી વાત કરી સે કોઈ દી?

ભગો— આંય તો એક સમસી દાળના ફાંફા સે. ગામમાં કોઈને ન્યાં કઠોળનો દાણોય બસ્યો નથી. દુકાનવાળા કે સે કે રોકડેથી લાવીને ઉધાર દઈ એના કરતા અમે જ નો ખાઈ?

બાપુ—ખરી વાત સે.  સો રૂપિયા દેતાય આપણાં ગામમાંથી એક કિલો દાળ લાવી દે. તું કે ઈ ઈનામ દઉં.

ભગો— નો મળે નો. તમે નસીબદાર તો ખરાજ. પણ બાપુ તમે મને  બરક્યો નઈં? હું ય થોડોક તો લાભ લેતને?

બાપુ— એલા તને બરકવાનો જ હતો. કોઈ સોકરું દેખાય  ઈ હાટું  એંઠા મોઢે ડેલીએ પણ આવ્યોતો.પણ  ત્યાં તો…

ભગો— સું થયું ? કેમ અટકી ગ્યા? દાળ ખૂટી ગઈતી?

બાપુ—તારા નસીબ જ ખૂટી ગ્યાંતાં  ભગા.

ભગો—પણ સું  થ્યું ઈ તો કો.

બાપુ— એ તને બરકવામાટે કોઈને મોકલું ઈ પેલાં તો ગધ્યની આંખ્યું જ ઊઘડી ગઈ.

ભગો— એટલે તમે સું કેવા માંગો સો બાપુ?

બાપુ— તું સમજદાર સો.સમજી જાને.

ભગો— સમજ્યો બાપુ સમજ્યો. તમે ત્રણ તાંહળા ભરીને દાળ ખાધી તો ખરી. પણ સપનામાં!

બાપુ— હા ભગા હા.પણ હવે જે કાંઈ  સારું થાય ઈ બધુંય સપનાંમાં જ ! ધીંગાણું તો કે સપનામાં! ઘોડા ખેલવવાના તો કે સપનામાં!  બાકી રહ્યુંતું તે આ દાળરોટલાય સપનાંમાં ખાવાનો વારો આવ્યો!

ભગો— [નિસાસો ખાઈને] સપનાંમાંય દાળ ક્યાંથી બાપું?

બાપુ— [મૂછે વળ દઈને] ઈ નસીબમાં હોય એને જ એવાં સપનાં આવે.

ભગો— પણ બાપુ હવે ફરીથી એવું સપનું આવે તો મને બરકવામાં વાર નો લગાડતા.

બાપુ— નો લગાડું નો.

ભગો— પાક્કું?

બાપુ— પાક્કું ટમેટા જેવું.[ બાપુએ હાથ ધર્યોને ભગાએ તાળી દીધી] લે ઈ વાત પર બીડી હોય તો કાઢ્ય.

ભગો— હોયજને. આપાભાઈએ બીડીની  આખી જૂડી લઈ  દીધીતી.

[પછી તો તગતગતી બીડીઓના સહારે ડાયરો જામે છે. બાપુ હાથ ધરે તો ભગો તાળી દે અને ભગો હાથ ધરે તો બાપુ તાળી દે. આમ બે જ જણનો ડાયરો જામે છે!]

હવે ભલો હું ને ભલું આ ગામ

[ચાર મહિનાથી ભગો બાપુની ડેલીએ આવ્યો નહોતો. કારણ કે ભગો અમદાવાદ નસીબ અજમાવવા ગયો હતો. અમદાવાદથી પાછા આવ્યા પછી ભગો બાપુની ડેલીએ પહોંચે છે. ને પછી ફરીથી ડાયરો કેવો જામે છે એ જાણવા માટે વાંચો.... ]

ભગો—- એ રામ રામ બાપુ.

બાપુ— રામરામ. કોણ ભગો કે?  [હરખના માર્યા ઊભા થઈ જાય]

ભગો— ભગો જ હોય ને? બીજું કોણ હોય?

બાપુ— ઘણા વખતે  દેખાયો. આવ્ય આવ્ય. એલા,તને તો અમદાવાદ બઉ માફક આવી ગ્યું?

[બંને બેઠક જમાવે]

ભગો— માફક તો ઠીક. પણ હવે એક વખત ગ્યા એટલે ટકવુ તો પડેને? ચાર મઈના જેવું થ્યું.

બાપુ—ચાર  મઈના કે ચાર ચાર  જુગ! ભગા તારા વગર હું તો સાવ એકલો પડી ગ્યોતો! સાલું… આખો ડેલો ખાવા દોડે!

ભગો— હવે નઈ દોડે. હું આવી ગ્યોને?

ભગો— પણ તું તો પાસો જાવાનોને?

ભગો— હવે જાય ઈ બીજા. હવે ભલો હું ને ભલું આ ગામ!

બાપુ— કેમ કામ નો ફાવ્યું?

ભગો—- ફાવીને તો એવું સે ને કે શેરનાં માણહ બઉ સુવાળા! આંયા  આપણાં ગામમાં દાઢી કરતાં કરતાં મારાથી કેટલાયને વાગી જાય, અરે લોહી નીકળી જાય પણ મરદના દીકરા કોઈ ઊંહકારો ન કરે!

બાપુ— ન્યાં તો ઊંસાનીસા થઈ જાતા હશે?

ભગો—  પોતે તો થાય પણ આખી દુકાન ઊંસી લે! વાત જ જાવા દ્યો! એક નનકડી ફોડકી સોલાઈ જાય તો ય મારો વાંક કાઢે!

બાપુ—કટિંગ ઉપર હાથ અજમાવ્યોતો કે નઈં.

ભગો— અજમાવ્યોતો પણ ઈની વાત કરવા જેવી નથી.

બાપુ—કાં કાંઈ તકલીફ જેવું થ્યુંતું?

ભગો—શેઠે મને એક  સિત્તેર વરહના  ડોહાની કટિંગ કરવાનું કહ્યું. એ બાને હાથ બેહે!

બાપુ— હાસી વાત સે. ડોહા ડગલાને વાળ  ઓછા હોય અને  સાદાઈ પણ  હોય એટલે વાંધો નઈ આવે ઈ ગણતરી હોયને?

ભગો— પણ અમારી ઈ ગણતરી ખોટી પડી! મેં હાઈકલાસ વાળ કાપી દીધા તોય ડોહાએ રાડારાડ કરી મૂકી! સો માણહ ભેગું કરી દીધું! બસ એકજ વાત કરે કે મારી ઈસ્ટાઈલ બગાડી નાખી!

બાપુ— સિત્તેર વરહના ડોહા જો ઈસ્ટાઈલની વાત કરતા હોય તો ઓલ્યા જુવાનિયા તો સું નઈં કરતા હોય!

ભગો— જુવાનિયાની તો  વાત જ નો કરતા. ફેશન વાંહે એવા ગાંડા કે મોં માગ્યા દામ દેવા તૈયાર!

બાપુ— પણ તું ટકી ગ્યો હોત તો વહેલો મોડો આગળ આવી જાત!

ભગો—- આપણું કામ નઈં બાપું. ઈ પરજાના  નખરા આપણાથી નો વેઠાય! કટમાં કે મૂછમાં  એક દોરાવાનોય  ફેર નો હલાવે. મારી આંખે તો બેતાળા!

બાપુ—- હાસી વાત સે. આપણાં ગામમાં તો  તુ તારાં  મનનો રાજા! જેવા વાળ કાપવા હોય એવા કાપ્ય! ને જેવી દાઢી કરવી હોય એવી કર્ય. કોઈ કેતા કોઈ બોલવાવાળું નઈ. તારા બાપાને આ ગામે હાસવી લીધો ને તનેય હાસવી લેશે.

ભગો— એમાં તો ક્યાં કાંઈ કેવાપણું સે. પણ આતો સગાવાલાનું કેવું હતું કે શેરમાં આવો તો ઉધ્ધાર થઈ જાહે. એટલે નસીબ અજમાવી લીધાં.

બાપુ— જો ભગા. આપણો ઉધ્ધાર થવાનો હતો એટલો થઈ ગ્યો. હવે ભગવાન હાજાનરવા રાખે ઈ સિવાય આપણાં જીવનમાં કોઈ લાલસા  હોવી નો જોઈ.

ભગો— એટલે જ નક્કી કર્યું સે કે હવે  જીવવું તોય આંયા અને મરવું તોય આંયા.

બાપુ— [ખુશ થઈને] પાકું?

ભગો— એકદમ પાકે પાયે.બાપુ…

બાપુ— તો દે તાલી.

ભગો— આ દીધી.

બાપુ— લે ઈ વાત પર લગાડ્ય બીડી.

[પછી તો તગતગતી બીડીઓના સહારે ડાયરો જામે છે. બાપુ હાથ ધરે તો ભગો તાળી દે અને ભગો હાથ ધરે તો બાપુ તાળી દે. આમ બે જ જણનો ડાયરો જામે છે!]

હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

 

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

ભગો: હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

બાપુ: કેમ એવું પુસવું પડે સે?

ભગો: આજે સે ને એનું નામ સાપામાં આવ્યુ સે.

બાપુ: એનું નામ સાપામાં નો આવ્યું હોય એવો એકેય દી ગ્યો સે ખરો?

ભગો: પણ બાપુ .. સમાચાર એવા સે કે ઈ ઊભો રેવાનો સે.

બાપુ: ઊભો રેહે તો થાકી જાહે. આમેય હાજોમાંદો તો રે સે.

ભગો: એમ વાત નથી બાપુ.

ભગો: તો કેમ સે ? મોઢામાંથી ફાટ્યની.

ભગો: ઈ કદાસને સૂંટણીમાં ઊભો રે એવા ખબર સે.

બાપુ: તો તો પાકે પાયે ભેખડે ભરાહે.

ભગો: મને એમજ લાગે સે. હાર્યા વગર નો રે. એક વખત સૂંટાણોતો પણ રાજીનામું દેવું પડ્યુંતુ કે નઈ?

બાપુ: હાસી વાત સે. એણે બઉગુણા જેવા મોટા નેતાને હરાવ્યોતો. પણ પસી રાજકારણમાં એને ફાવ્યું નઈ.

ભગો: એટલેજ કઉ સું કે હવે ફરીથી નો સૂંટાય. હારી જ જાય.

બાપુ: હારે તો નઈ. ફિલમની લાઈનનું ગલુડિયું ઊભું રે ને તો એય સૂંટાય જાય.

ભગો: તો પસી બાપુ ભેખડે ભરાવાની વાત ક્યાંથી આવી?

બાપુ: તુ હમજ્યો નઈ. રાજકારણના ખેલ ખેલવાનું એનું ગજુ નથી. એટલે ઈ ઊભો જ નો રે.

ભગો: પણ ઓલ્યો જાદુગર ઊભો કરી દે તો?

બાપુ: ક્યો જાદુગર?

ભગો: અમરસિંહ .બીજો કોણ?

બાપુ: તો કેવાય નઈ. ઈ ભલભલા ખેલ પાડી દે એવો સે. એ આજકાલ્ય માથા ગોતતો ફરે સે.

ભગો: અમરસિંહ વળી એને મોટોભાઈ ગણે સે. મોટાભાઈ મોટાભાઈ કરીને શરમમાં નાખી દેહે.

બાપુ: બસ્સને શરમ રાખ્યા વગર ના પાડી દેવી જોઈએ. અરે ભાઈ એને આખી દુનિયા એક કલાકાર તરીકે પૂજા કરે સે. એણે વળી કોઈ પક્ષમાં ભળવું જ સું કામ જોઈ?

ભગો: એના ઘરવાળા ઓલ્યા જયાબેન કેવા વાતવાતમાં ભેખડે ભરાય જાય સે.

બાપુ: એણે ય રાજકારણથી સેટા રેવું જોઈ. પણ નથી રઈ હક્તા. રાજકારણના રંગ જ એવા સે.

ભગો: તો અમિતાભ બસ્સનન હવે જાતી જિંદગીએ ઈ રંગે રંગાહે?

બાપુ: મારું માનવું સે કે નઈ રંગાય. પણ જો ભૂલેસૂકેય રંગાહે તો…

ભગો: તો?

બાપુ: તો ભેખડે ભરાહે.

પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.

અમરસિંહ મોટો જાદુગર છે.

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.


ભગો: બાપુ આ અમરસિંહ કોણ સે? રાજા સે?

બાપુ: ગાંડા હવે રાજા કેવા ને વાત કેવી? હા, હવે તો નેતા એ જ રાજા.

અમરસિંહ મોટો નેતા સે. કેમ પૂસવું પડ્યું?


ભગો: ઈ તો જરાક ડાગલા જેવો લાગેસ એટલે.


બાપુ: ઈ ડાગલા જેવો ભલે દેખાય પણ સે ખેપાન માણહ હો. જાદુગર સે જાદુગર!


ભગો: એમ?


બાપુ: હા. તને ખબર સે ને કે વચ્યમાં દિલ્લીની સરકાર જાવા બેઠીતી. તઈં આ અમરસિંહે જ બસાવી લીધી. એણે જઈને સોનિયાબાઈને જઈને કઈ દીધું કે બેન ગભરાતાં નહીં. હું સરકારની પડખે સું.


ભગો: પણ જઈં હોય તઈં દાંત જ કાઢતો હોય એટલે મને એમ કે ડાગલો સે.


બાપુ: ઈ દાંત કાઢે ને કઢાવે પણ વખત આવ્યે એવો ખેલ કરે ને કે તમને એમ લાગે કે આતો જાદુગર જ કહેવાય!


ભગો: જબરો કેવાય!


બાપુ: જબરો તે કેવો! ઓલ્યા બસ્સનને ઓળખ્ય કે નઈં?


ભગો: અમિતાભ બસ્સનને? એને તો ગામનું ગલુડિયુંય ઓળખે.


બાપુ: ઈ બસ્સન કોઈને ગાંઠે એવો નથી.પણ આ જાદુગરને પૂસીને પાણી પીવે.


ભગો: હા ઈ હાસુ. એની જોડ્ય ખરી. આપણને એમ થાય કે આ મેળ કેમનો જામે?


બાપુ: પણ ઈ આ જાદુગરનું કામ.


ભગો: હમણા તો ઓલ્યો ખલનાયક પણ એનામાં ભળ્યો સે?


બાપુ: તુ કોની વાત કરેસ?


ભગો: ઓલ્યો.. વચ્યમાં જેલમાં હતોને એની. ઈયે ફિલમમાં કામ કરેસ.


બાપુ: સંજયદત્ત. એલા ઈયે મોટો કલાકાર સે. ખલનાયક તો ઈની ફિલમ હતી. હા.જરા સંગતફેર થ્યોતો એટલે વગોવાય ગ્યોતો. બાકી સે મોટો કલાકાર. એલા ઓલ્યા સુનિલદત્તનો દીકરો. બાપેય કલાકાર ને દીકરોય કલાકાર!


ભગો: તે કલાકારીગરી સોડીને રાજકારણના રવાડે?


બાપુ: જો ભગા. આમાં એવી વાત સે ને કે કલાકારને રાજકારણનો ઓથ મળે ને રાજકારણવાળાને એક માથુ મળે સૂંટણીમાં સૂંટાય એવું. બાકી કેટલાય ફિલમવાળા નેતા બનવા નીકળે સે ને ઈ બધાં સું ઉકાળે સે ઈ આપણે ક્યાં નથી જાણતા?


ભગો: સો વાતની એક વાત. આ ખેલ બધો જાદુગર અમરસિંહનો.


બાપુ: હવે તુ હમજ્યો કે અમરસિંહ એટલે….

. ભગો: અમરસિંહ એટલે મોટો જાદુગર.


પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.


મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા!

 

ગામ છે. ડેલી છે.બાપુ છે. ભગો છે. ને ડાયરો છે. બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

બોલ્ય ભગા. નવાજૂની સું સે?

નવાજૂની તો થાતાં થાતાં રઈ ગઈ બાપુ.

એવું વળી સું થ્યું?

કેમ! તમે ટીવીમાં નો જોયું? નરેન્દ્ર મોદી ઘોડે ચડ્યાતા ઈ.

જોયુંને. ઘોડે કૂદ્યો ઈયે જોયું. ઘોડાની વાત નીકળતા બાપુ રંગમાં આવી ગયા.

કૂદ્યો પણ પાસલા પગે કૂદ્યો. મોદી પડ્યા નઈં. પડ્યા હોત તો નવાજૂની થઈ જાત!

કેમ? તારે મોદીને પસાડવાતા?

એને પસાડવા તો ભલભલાએ ખેલ ખેલી જોયા. પણ કોઈનો ગજ વાગ્યો નઈં. એમાં આપડી તો વાત જ ક્યાં રઈ?

એલા. સૂંટણી વખતે તો એવું લાગતુંતું કે આ વખતે આ માણહ ગ્યો ગોથાં ખાતો. પણ થ્યું ઊંધું.

આ વખતે પણ એવું જ થ્યું ને બાપુ. ઘોડો કૂદ્યો તઈં તો ઘણાને તો એમ જ થ્યું કે મોદીસાબ્ય આઘડી આળગોટિયું ખાઈ જાહે પણ એવું કાંઈં થ્યું નઈં એટલે ઘણાંની તો મનની મનમાં રઈ ગઈ હશે હોં

અને પાસા કેવાવાળા તો એવું કે સે કે ઈ ઘોડો નોતો પણ ગધેડો હતો નકર પાસલા પગે નો કૂદે.

ઈ તો એવું જ કે ને. મોદી પડ્યા નહીં એટલે કાઈંક તો તારણ કાઢવું પડેને?

અને જો મોદી પડ્યા હોત તો?

તો ઘોડો હાસો. ભગાએ હાથ ધર્યો ને બાપુએ તાળી દીધી.

મોદીને પાડ્યા નહીં એટલે ઈ ઘોડો મટી ગ્યો ?બાપુ બોલ્યા.

હા.તો ઈ ગધેડો. મોદીને પાડે ઈ ઘોડા નો પાડે ઈ ગધેડા

એલા ભગા આ તો કહેવત જેવું થઈ ગ્યું. ફરીથી બોલ્ય તો.

મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા.”!

વાહ ભગા વાહ. મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા. એલા આ તો કહેવત જ થઈ ગઈ.બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.

આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.

બાપુનો ડાયરો

બાપુનો ડાયરો…

ગામ છે. ડેલી છે. બાપુ છે. બધુંય છે પણ ડાયરો નથી. બાપુ ખાટલામાં બેઠા છે ને સામે ટીવી છે. હવે બાપુ માટે જે કાંઈ છે એ ટીવીમાં છે. ડાયરો તો કે ટીવીમાં! ધીંગાણું તો કે ટીવીમાં! હણહણતા ઘોડા ને તલવારોની રમઝટ તો કે ટીવીમાં. બાપુ ઝાંખુંપાંખું જૂએ છે ને વખત ગુજારે છે. ન રહેવાય ત્યારે બોખાં મોં એ વાણી વદે છે કે: આ તો મન મનાવવાની વાત સે બાકી અસલ ધીંગાણાં ને અસલ ડાયરા જે અમે  ભાળ્યાં સે ઈ આ નવી પ્રજા કે દી ભાળવાની?

બાપુ કંટાળે છે ને ધ્રુજતા હાથે રીમોટ પકડે છે ને ટીવી બંધ કરે છે. બાપુ બબડે છે: ગોલકીનું! કયુંનું બકબક કરે સે. થાકતું ય નથ્ય! બાપુ વાંકા વાંકા ડેલીએ જઈને ઊભા રહે છે. આંખો ઝીણી કરીને નેજવાંને સહારે નજર નાંખે છે. કોઈક આવતું દેખાયું.બાપુ વિચારે છે કે ‘ભગો હોય તો સારું’.. ને એ ભગો જ નીકળ્યો! બાપુના હરખનો પાર ન રહ્યો.

આવ્ય.ભગા આવ્ય. બઉ દી એ દેખાણો?

ટાઈમની મારામારી બઉ રે સે બાપુ.

તારે વળી સું મોટા કારોબાર ફાટ્યા જાય સે. બાપુ ખાટલામાં બિરાજતા બોલ્યા. સામે ખાલી ખુરશી પર બેઠક લેતા ભગાએ જવાબ આપ્યો કે આજકાલ્ય આપાભાઈને ન્યાં રોજ્ય જાવું પડે સે.” “કેમ? આપો કાંઈ નવાજૂની કરે સે?

ગામના બસટેંડે મોટી હોટલ ખોલવાના સે. એની તૈયારી હાલે સે.બાપુ.

હવે આપણાં ગામને પાદર હોટલ હાલતી હશે!

તયેં તમે ભૂલો સો બાપુ. ગામનું પાદર હવે પાદર નથી રયું. નવી સડક બન્યાં પસી તો રોનક બદલાઈ ગઈ સે બાપુ. હવે તો વાહનોની રમઝટ બોલે સે ને મલક મલકનું લોક ગામ પાહેંથી નીકળે સે.

એમ? તો તો એક દી નજર નાખવા જાવું પડશે.

જાઈ એક દી.

બાપુને ક્યારની બીડીની તલપ લાગી હતી. એલા ભગા. એ બધી વાત તો ઠીક પણ બીડીનું સું?

ગાએ ખીસાંમાંથી એક બીડી કાઢી ને બાપુને દીધી. લ્યો ઠપકારો બાપુ. તમારી હાટું હાચવીને લાવ્યો સું.

એક જ સે. તારું સું થાહે?

સેને બીજી. ભગાએ બીજી બીડી કાઢી.

તો ઠીક્ય! બાકી એકલાં પીવામાં ટેસડો નો આવે. હાલ્ય હવે ઝટ જેગવ. મારાથી રેવાતું નથ્ય.

છી તો ભગાએ બાપુને બીડી સળગાવી દીધી ને પોતે પણ સળગાવી.

ને ફરી ડાયરો જામે છે. બે જ જણાનો ડાયરો! બાપુ બોલે તો ભગો હોકારો દે ને ભગો બોલે તો બાપુ હોકારો દે!! અલકમલકની વાતો નીકળે છે ને બાપુને સારું લાગે છે. બાપુ જૂની વાતો કાઢે તો ભગો નવી કાઢે. ને પછી બેઉનો મેળ બેસાડે છે.

મ ને આમ બપોર થાય છે. ભગાને ભૂખ લાગે છે. બાપુ હું હવે રજા લઉં?

બેહની હવે . જવાય સે.

બાપુ. સૂરજ માથે આવ્યો. રોટલાભેગો થાઉંને?

ઈ વાત હાસી. પણ આવતો રેજે. તારાં વગર મારો દી નથી જાતો.

આ ટીવી હામે બેહી જાતા હો  તો?

એલા. ટીવી હામે બેહી બેહીને કેટલું બેહાય? હાસુ કે જે ભગા. તને મારા હમ સે. આ ટીવી કાંઈ માણહની હાર્યે આવે? આ તારી બે વાત મેં હાંભળી ને મારી બે વાત તેં હાંભળી. તો જીવને હારું લાગ્યું કે નહીં?

ઈં તો સે જ ને. ટીવી કાંઈ આપડું થોડું હાંભળે સ! એનું જ ઝૂડ્ય ઝૂડ્ય કર્યે રાખે.

તો પસી? માણહ ઈ માણહ ને ટીવી એ ટીવી. ઠીક સે. કોઈ નો હોય તઈં ટેકો રે બાકી અસલ એ અસલ ને નકલ ઈ નકલ.

ગો જાય છે ને બાપુ એકલા પડે છે. ખાવા માટે ઠકરાણા સાદ પાડે એની રાહ જૂએ છે ને ખીલા હામે તાકી રહે છે. એ જ ખીલે જે ખીલે માણકી ઘોડી ઊભી ઊભી ક્યારેક ડેલીની શોભા વધારતી હતી!

[ તો આ છે બાપુનો ડાયરો... ને આગળ  ઉપર પણ ચાલતો રહેશે. જો હોકારા મળતા રહેશે તો!!]

[પ્રેરણા: રમેશ પારેખના બાપુ કાવ્યો]