
[તસવીર: http://www.tarladalal.com/Tasty-Punjabi-Samosa-12348r]
રવિવારના છાપામાં પ્રથમ પાને મુખ્ય સમાચાર તો “સીટ સમક્ષ મોદીનું મેરેથોન સીટીંગ ” એવા છે. પરંતુ એક નાનકડા સમાચારે અમારા રીપોર્ટર મિત્ર શ્રી કરસનદાસ કચોરીવાલાને દોડતા કરી દીધા. તે સમાચાર આ મુજબના છે:
__________________________________________________________________________________
રાહુલે ‘રામ ભરોસે’ સમોસાની લહેજત માણી
[પી.ટી.આઈ.] અમેઠી તા.27
અમેઠીના જૈસ બજારના રામ ભરોસે સમોસાની દુકાન પર આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઓચિંતા મહેમાન બન્યાં હતાં.
નજીકથી પસાર થતાં રાહુલ ગાંધી ગરમાગરમ સમોસાનો સ્વાદ ચાખ્યા વિના રહી શક્યા નહોતા. અમેઠીના ગૌરીગંજ ખાતે કાર્યકરોની બેઠક પૂર્ણ થયા બાદ બપોરે તિલોઈ જતી વેળાએ રાહુલનો કાફલો જૈસ બજારમાંથી પસાર થયો હતો. આ સમયે રસ્તાની બાજુમાં ‘રામ ભરોસે’ માં તળાતા સમોસા રાહુલની નજરે પડ્યા હતાં. રાહુલ ગાંધીએ તરત જ કાર રોકાવી દીધી અને અર્ધો ડઝન સમોસા અને બ્રેડ પકોડા મંગાવ્યા હતાં અને તેના નાણાં પણ ચૂકવી આપ્યા હતાં.
——————————————————————————————————————————–
શ્રી કચોરીવાલાએ આ સમાચાર બાબતે સમાજના વિવિધ અગ્રગણીઓની મુલાકાત લીધી. વિવિધ લોકોના પ્રતિભાવ અત્રે રજૂ કરીએ છીએ.
[1] કોંગ્રેસી કાર્યકર શ્રી કનક કાપડિયા:
કરસનદાસ: કનક ભાઈ, રાહુલભાઈએ રામ ભરોસે સમોસાં ખાધાં એ બાબતે આપનું મંતવ્ય જણાવશો.
કનક કાપડિયા: દેશના વડાપ્રધાન સમોસા ખાય એનાથી મોટી આનંદની વાત કઈ હોઈ શકે? આ વાત દેશના યુવાનોને એક જોરદાર સંદેશો મળશે.
કરસનદાસ : આપની ભૂલ થાય છે. રાહુલભાઈ દેશના વડાપ્રધાન નથી.
કનક કાપડિયા: [અકળાઈને} નથી તો થશે. ભાવિ વડાપ્રધાન ખરા કે નહીં? એમને કોઈ રોકી નહીં શકે. નરેન્દ્ર મોદી પણ નહીં.
ત્યારબાદ કનક કાપડિયા મોદીના કારનામાં ગણાવવા લાગ્યા. આથી કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
[2] શ્રી ભગુભાઈ ભાજપવાલા:
ભગુભાઈએ છાપાનો ઘા કરતાં જણાવ્યું હતું કે: આ બધી સ્ટંટબાજી છે. દેશના લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયાં છે ત્યારે એમના રાહુલભઈને સમોસાં ખાવાનું મન થાય છે. સામાન્ય માણસ આજે એક સમોસું ખાતાં સો વખત વિચાર કરે છે ત્યારે રાહુલભાઈ અર્ધો ડઝન સમોસા ખાય છે! એ પણ રામ ભરોસે! આ દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે એનાથી મોટું પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે? વળી પાછા છાપાવાળા લખે છે કે રાહુલે પૈસા ચૂક્વ્યા. કેમ? નવાઈ કરી? આ દેશના લાખો લોકો વસ્તુ ખરીદીને પૈસા ચૂકવે છેને? છાપોને એ બધા સમાચાર!
ત્યારબાદ ભગુભાઈ “કોંગી ઇઝ ઢોંગી’ ના વિષય પર ચડી જવાથી કરસનદાસ ત્યાંથી પણ સરક સરક સરકી ગયા.
[3] વજુભાઈ વકીલ :
વજુભાઈ વકીલે બળાપો કાઢ્યો કે: છાપામાં આવેલી તમામ વાતો આ દેશની પ્રજા સાચી માની લે છે. શંકા થાય તો કેસ કરતા નથી. અમે વકીલો શા કામના છીએ? કરોને કેસ! અમે સાબિત કરી દઈએ કે: રાહુલે સમોસાં નથી ખાધા કે ખાધાં છે. અમે તો બંને બાબતો માટે તૈયાર છીએ! અમને કેસ આપો. બાકી બધી વાતો જવા દો! કાયદાની વાત કરો. પુરાવા લાવો! અરે! લોકોને માહિતી માંગવાનો અધિકાર છે! પણ કોણ માહિતી માંગે છે કે: રાહુલે ખરેખર સમોસાં ખાધાં કે નહીં? ખાધાં તો કેટલાં ખાધાં? કઈ સાઈજનાં ખાધાં? સમોસાં તેલમાં તળેલાં હતાં કે ઘીમાં? સમોસાંના કેટલા પૈસા આપ્યા? આ આકસ્મિક ઘટના હતી કે પૂર્વયોજિત?
ત્યારબાદ વજુભાઈ કાયદાની વિવિધ કલમોનો પાઠ કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
[4] મનુભાઈ મૅનેજમેન્ટવાળા :
વિદ્યાર્થીઓને મૅનેજમેન્ટના ફંડા ભણાવતા મનુભાઈનું કહેવું છે કે: આ બનાવ એક કેસસ્ટડી તરીકે સ્થાન પામે એમ છે. રાહુલ ગાંધી મત-બજારમાં પોતાની નેતા તરીકેની બ્રાન્ડને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ ઘણા વખતથી તનતોડ મહેનત કરી રહ્યા છે. તેઓ કોઈ વખત લારી પરની ચા પીવે છે તો કોઈ વખત ઝૂંપડીમાં પ્રવેશ કરી જાય છે. મોટાના પગમાં પડે છે તો નાનાંને રમાડે છે! કોઈપણ નેતાએ આવા ફંડા ધ્યાનમાં રાખવા જરૂરી છે.
વળી રામ ભરોસે સમોસાવાળાને પણ પોતાના સમોસાંની એક બ્રાન્ડ બનાવીને માર્કેટમાં પોઝિશન ઊભી કરવાની તક મળી છે. આ તકનો તેણે બને તેટલો લાભ ઉઠાવવો જોઈએ. રાહુલજીની પસંદને દેશની પસંદ બનાવી દેવી જોઈએ.
ત્યારબાદ મનુભાઈ મનેજમેન્ટના અવનવા ફંડાની ફેકમફેંકી કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
[5] વૈદ શ્રી કડવાણીશંકર:
લોકોએ એ વાત ખાસ સમજવાની છે કે: સમોસામાં બટકાનો વપરાશ થાય છે જે વાયુવર્ધક છે. આવા પદાર્થોના અતિસેવનના કારણે માણસ શારિરિક અને માનસિક વિકૃતિનો ભોગ થઈ શકે છે. રાહુલભાઈએ જો ખરેખર અર્ધો ડઝન સમોસાં ખાધાં હશે તો અવશ્ય તેમના શરીરે પ્રતિક્રિયા આપી જ હશે. એ બાબતના સમાચાર જો બહાર આવે તો જરૂર દેશની પ્રજાને આરોગ્ય બાબત અગત્યની માહિતી મળે. જો દેશના લોકો રાહુલભાઈની માફક સમોસાનું અતિસેવન કરવા લાગે તો લાંબેગાળે દેશના પર્યાવરણ પર પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે!
ત્યારબાદ કડવાણી શંકર વાયુપ્રકૃતિ બાબત વિશેષ ઉદાહરણો આપવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
[6] શર્માજી સમોસાવાળા:
શર્માજી એ જણાવ્યું કે રાહુલજીના આ પગલાથી દેશભરના સમોસાવાળાઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા છે. આ ઘટના જેવી તેવી નથી. તમે નહીં માનો. અમે સમોસા પ્રચારક મંડળની સ્થાપના પણ કરી દીધી છે. મને એ મંડળનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. અમારું સૂત્ર છે કે: “જુવાન હોય કે ડોસા … સહુ ખાય સમોસા”
અમે આવતી ચૂંટણીમાં જરૂર રાહુલજીને મદદ કરીશું. દેશનો સમોસા ઉદ્યોગ ઝડપથી આગળ વધે તે માટે અમે સરકાર પાસે મોટા પેકેજની માંગણી પણ કરીશું.
ત્યારબાદ શર્માજી સમોસાચાળીસાનું પઠન કરવા લાગ્યા એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
[7] ઉમંગી ઊંઝાવાળા :
ઉમંગી ઊંઝાવાલાએ કરસનદાસને જણાવ્યું હતું કે: રાહુલ વિવિધ પ્રદેશમાં જાય છે ત્યારે ત્યાંની વાનગીને ન્યાય આપે છે એ સારી વાત છે. તેઓ જ્યારે ઊંઝા આવશે ત્યારે અમે પણ એમને અમારી વાનગી ચખાડીશું.
કરસનદાસે જ્યારે પૂછ્યું કે : શું તમે તેઅમને ઊંઝા જોડણી ચખાડશો?
ત્યારે ઉમંગભાઈએ અકળાઈને કહ્યું હતું કે: તમને લોકોને ઊંઝા જોડણી સિવાય કશું જ દેખાતું નથી?
કરસનદાસે કહ્યું કે : મારો ઇરાદો એવો નથી.પણ તમે રાહુલજીનું સ્વાગત શાનાથી કરશો?
ઉમંગભાઈએ ઉમંગથી કહ્યું હતું કે: કેમ ? મારી પાસે ઇસબગુલ નથી? મોટો કારોબાર કરીએ છીએ તે કેમ ભૂલી જાઓ છો? અલકમલકનો આચોકૂચો ખાધાપછી રાહુલજીને પણ ઇસબગુલના સેવનથી કેટલી રાહત થશે એનો વિચાર કેમ નથી કરતા?
ત્યારબાદ ઉમંગભાઈએ ઇસબગુલના કારોબારની કથા શરૂ કરી એટલે કરસનદાસ ત્યાંથી સરક સરક સરકી ગયા.
કરસનદાસ થાક્યાપાક્યા “અસર”ના ઓટલે આવ્યા અને અમને કહેવા લાગ્યા કે: આ દુનિયામાં બધા પોતપોતાની પપૂડી વગાડે છે! કાશ ! અમારી કચોરીની કદર કોઈ નેતા કરે અને કચોરીનો ધંધો ઊંચકાઈ જાય તો આ રીપોર્ટિંગની માથાકૂટ મટી જાય !!!
Like this:
Be the first to like this post.