Tag Archive | નાટક

ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે... ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય-3

મિત્રો ,રંગલી ચાલી ભૂવાને આંગણે એ ખેલના પહેલાં બે દૃશ્યો આપે જોયાં. હવે રજૂ થાય છે

 રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય -3

ભૂવો:  [ખોપરી હાથમાં રાખીને ગીત ગાય છે. ]  યે દોસ્તી હમ નહીં છોડેંગે છોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે..

રંગલો:  ઓ ભૂવાશ્રી. શાંતિ રાખો. હમણા ઇન્સપેક્ટર  સાહેબ આવશે એટલે ખબર પડશે કે તમારો અને આ તમારી વહાલી ખોપરીનો સાથ કેટલો ટકે છે!

ભૂવો :[મોટેથી ગાય ] જનમ જનમ કા સાથ હૈ નિભાને કો સો સો બાર હમને જનમ લિયે ..

[જાડિયાપાડિયા જગ્ગુ જમાદારનો પ્રવેશ]

જગ્ગુ જમાદાર : કોણ છે ભાઈ આ કોણ વારેવારે જનમ લેવાના ચાળે ચડ્યો  છે?

ભૂવો:  હું છું ભમ્મરિયો ભૂવો. મા ચકરડી માતાનો ભગત. પણ તમે કોણ છો ?

 જગ્ગુ  જમાદાર :  હું છું આ નગરનો જગ્ગુ જમાદાર. [ગબ્બરસિંગની અદામાં ]  યહાંસે સો સો કોસ દૂર જ કોઈ બચ્ચા ખાનેસે ઇન્કાર કરતા હૈ તબ મા કહતી હૈ કિ ખાલે બેટા નહીં તો જગ્ગુ જમાદાર ખા જાયેગા…  

ભૂવો: વાહ ભાઈ વાહ! ખમણ ખમણ પે લિખા ખાનેવાલે કા નામ! જગ્ગુજી  પહેલાં તો  આ મા ધમા ચકરડીના દર્શન કરો. મા હાજરાહજૂર છે. ને ખમણનો પ્રસાદ ગ્રહણ કરો. પછી કામકાજની વાત! 

જગ્ગુ  જમાદાર : [ ચકરડી માતાજીને  દંડવત પ્રણામ કરીને ] મારી મા આ ભૂવાને ફળી એવી જ મને ફળજો. [ ખમણના પ્રસાદની આખી થાળી લઈને ખતાં ખાતાં] વાત એમ કે ને કે મારા સાહેબ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ  છે. અને એ એવા તો કડક છે કે પોતે ખાતા નથી અને કોઈને ખાવા દેતા નથી.  એ આવી જાય તે પહેલાં આ જેટલું ખવાયું તેટલું ખાઈ લીધું ને ભાઈ ભમ્મરિયા લે આનું પડીકું વાળી દે એટલે મારા ઘરવાળાને પણ પ્રસાદનો લાભ મળે. 

[ઇંન્સપેક્ટર નરેન્દ્રસિહનો પ્રવેશ]

નરેન્દ્રસિંહ આ શું કરી રહ્યા છો જમાદાર મારી ગેરહાજરીમાં ખાવાનું પતાવી દીધું? 

જગ્ગુ જમાદાર:  ના સાહેબ ના આ તો ચકરડી માતાનો પ્રસાદ  છે.  આ રહ્યાં માતાજી. દર્શન કરો અને પ્રસાદ લો. 

[નરેન્દ્રસિંહ દૂરથી જ માતાજીને પગે લાગે. ] 

રંગલી: સાહેબ. અહીં  માતાજીના નામે ધતિંગ ચાલે છે. આ ધતિંગ બંધ કરવા માટે જ અમે તમને ફરિયાદ કરી છે.  

નરેન્દ્રસિંહ:  આપનો પરિચય? 

રંગલી:  હું છું  ભવાઈના કાર્યક્રમો દ્વારા  સામાજિક જાગ્રુત્તિના કામો કરતી રંગલી અને આ છે મારો રંગલો.

નરેન્દ્રસિંહ: [હાથ જોડીને]  આપને મળીને આનંદ થયો.  

રંગલી: સાહેબ કોઈ શાસ્ત્રમાં આ  ધમા ચકરડી માતાજીનો ઉલ્લેખ નથી. આ માતાજી તો આ ભૂવાની પોતાની કલ્પના છે.  જેના નામે ભોળા લોકો લૂંટાય છે માટે એ દૂર થવા જ જોઈએ. 

ભૂવો:  આ દેશમાં  એવા કેટલાય દેવદેવીઓ  છે કે જેનો  ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. અને એવા દેવદેવીઓના મંદિરો જો આ સાહેબ હટાવવા જાય તો આ દેશની સરકાર હટી જાય શું કહો છો સાહેબ. 

નરેન્દ્રસિંહ: વાત તો મુદ્દાની છે ભાઈ. આ દેશમાં રસ્તા વચ્ચે રાતોરાત ઊભું કરાયેલું એકાદ નાનકડું દેરું  પણ હટાવી નથી શકાતું. પછી ભલે એના લીધે ગમેતેટલી અગવડ થાય. આસ્થાની સામે વ્યવસ્થાએ નમવું પડે છે. 

રંગલો: પણ સાહેબ આ ભૂવો આ માતાજીના નામે લોકોને લૂંટે છે. 

ભૂવો:  હું કોઈને લૂંટતો નથી. લોકો શ્રદ્ધાથી પૈસા ધરે છે. 

રંગલી: સાહેબ. આ ભૂવાભાઈ લોકોને કેવી કેવી લાલચો આપે છે! આ યાદી   જુઓ. 

નરેન્દ્રસિંહ:  [યાદી  વાંચીને]  આ તો રીતસર અંધશ્રદ્ધાનો  ફેલાવો છે.   

ભૂવો :સાહેબ. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ! જેના લીધે  કોઈ દુ:ખીના મનમાં આશા જાગે તો એમાં ખોટું શું છે? બધેથી નિરાશ થયેલાં લોકો અહીં આવે  છે અને અહીં આવ્યા પછી એમનામાં પોતાનાં દુખદર્દ દૂર થશે એવા હકારાત્મક ભાવો જાગે તો એમાં બીજાંને શા માટે વાંધો હોવો જોઈએ?

રંગલી:  વાહ હકારાત્મક ભાવો! એ હકારાત્મક ભાવોનું આયુષ્ય  કેટલું ? એવી ખોટી આશાઓ બંધાવવાનો શો અર્થ છે? 

ભૂવો: રંગલીબેન કેટલીક વખત  દાકતરો પોતે જાણતા હોય કે દર્દીને સારું નથી જ થવાનું છતાં એના પરિવારને ચોખ્ખું નથી કહેતા. સારું થશે એવું કહેતા રહે છે અને  સારવાર ચાલું જ રાખે છે. પૈસા પણ  કમાય છે. તો એનો શો અર્થ? 

રંગલી:  એ લોકો જે કાંઈ કરે છે તે વિજ્ઞાનના સહારે કરે  છે. દવા આપે છે તમારી જેમ તાવીજ અને ભસ્મ નથી આપતા 

ભૂવો:  જે દવાથી સારું ન જ થવાનું  હોય તે દવા અને ભસ્મમાં શો ફેર? જે બાટલા ચડાવવા છતાં દર્દી  મરવાનો જ હોય તે બાટલા અને તાવીજ વચ્ચે શો ફેર? મારીબેન. આ દાક્તરો  પણ ઘણી વખત ખોટી આશાઓ જ બંધાવતા જ હોય છે ને અને એ પણ તમને પૈસેટકે ખાલી કરીને. જ્યારે હું તો કોઈને હાર્ટએટેક આવે એવું બિલ  ફટકારતો નથી. લોકોને જે આપવું હોય તે પ્રેમથી આપે છે.  આ તો માતાજીનો દરબાર છે મારીબેન. જે થાય તે પ્રેમથી થાય છે. 

નરેન્દ્રસિંહ : તમે લોકો એ  તો જાણે ચર્ચાસભા ચાલુ કરી દીધી.  અવી ચર્ચાનો અંત આવે નહીં. મારે બીજાં ઘણાં કામ છે. ભૂવાભાઈ.  તમે તમારો આ ધંધો અત્યારથી જ બંધ કરી દો. નહીં કરો તો મારે કાયદેસર પગલાં ભરવા પડશે.

ભૂવો : પણ મેં કયા કાયદાનો ભંગ કર્યો છે? 

રંગલો:  આ માતાજીનું મંદિર કોની રજાથી બાંધ્યું છે? 

ભૂવો: મંદિરો બાંધબા માટે વળી રજા લેવી પડે? લોકો તો વગર રજાએ પોતાનાંબંગલા બાંધી દે છે અને ભગવાનના નાનકડા ઘર માટે વળી રજા લેવાની ? 

રંગલી: અને તાવીજનું વેચાણ કરો છો તે કાયદાનો ભંગ નથી? 

ભૂવો: દુનિયામાં હજારો  ઘરેણાંની ચીજો વેચાય છે. લોકો પહેરે છે. એ ગુનો નથી તો આ તાવીજ  તો  હું એ લોકોને મફતમાં આપું છું.  એ પહેરાવવૌં કે પહેરવું કઈ રીતે ગુનો બને?  આ તો તમે લોકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધની વાતો કરો છે.

રંગલો :અને આ તમારો પાવડર!  આ પાવડરને તો અત્યારે જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલવો જોઈએ.

ભૂવો: મોકલો ખુશીથી મોકલો એમાં કશું જ વાંધાજનક જણાય તો હું જેલમાં જવા તૈયાર છું

નરેન્દ્રસિંહ: આટલો બધો આત્મવિશ્વાસ  ભારે પડી જશે ભાઈ ભૂવા.

ભૂવો :  સાહેબ.  આત્મવિશ્વાસનું કારણ એ જ છે કે આ પાવડર તો મોંઘામાં  મોંઘી ચોકલેટનો  પાવડર છે.  જેને દૂધ સાથે પીવાથી કોઈપણ માણસને સારી સારી લાગણીનો  અનુભવ થાય. અમાંકયા કાયદાનો ભંગ થયો? 

રંગલી: પણ તમે તો  આ પાવડર રંગલાને  રાત્રે બાર વાગે  ચાંદ તારાની સાક્ષીએ પીવડવાવાનું  કહ્યું હતું . આવી અંધશ્રદ્ધા વધારનારી સલાહ આપવાનું કારણ ખરું? 

ભૂવો: અરે મારી બહેન.  આ રંગલો કમ્પ્યુટરથી અળગો થાય  અને ખુલ્લાં આકાશનું  તેમ જ હરીભરી કુદરતનું મહત્વ સમજે  તે માટેનો મારો એ પ્રયાસ માત્ર હતો.  એ બહાને જો રંગલાને  માનસિક શાંતિ મળે એ જ મારો આશય હતો! 

નરેન્દ્રસિંહ : મને તો તમે ભેદભરમથી ભરેલા માણસ લાગો છો. તમારા બધા ખુલાસા પરથી તો એવું લાગે છે  જાણે તમે આ દુનિયાનાં મૂળિયાં ચાવી ગયા છો. મારો તમારી સાથે પનારો પડી ચૂક્યો હોય એવું લાગે છે!  બીજી બધી વાતો જવા દો અને મને તમારા ઓળખાણના પુરાવા આપો. 

ભૂવો:કેવા પુરાવા ?

નરેન્દ્રસિંહ: કાયદેસરના પુરાવા. જેનાથી  સાબિત થાય કે તમે આ જગતમાં ક્યારે પ્રગટ થયા! તમારું અસલ નામ કયું? તમારો અભ્યાસ કેટલો ? 

ભૂવો : [હસીને]  મારી પાસે તો એવા કોઈ પુરાવા નથી.

નરેન્દ્રસિંહ : પણ મારી પાસે આ દંડો છે.  [દંડો ઉગામે ]   

ભૂવો: રહેવા દો રહેવા દો સાહેબ.  એની જરૂર નથી. આ લો મારું ઓળખપત્ર.[ટેબલમાંથી ઓળખપત્ર કાઢે] 

નરેન્દ્રસિંહ: [વાંચે ] મૌલિક એમ.  કોટેચા માનસિક રોગોના નિષ્ણાત. [યાદ કરીને] મૌલિક કોટેચા કરીને એક છોકરો તો   તો મારી સાથે કોલેજમાં હતો. કદાચ એણે સાયકૉલોજી.. શું તમે પોતે તો મૌલિક …  

ભૂવો : [ હસતાં હસતાં તેમ જ ટોપી  અને કોટ ઉતારતાં ઉતારતાં] હા હું જ છું એ  મૌલિક કોટેચા.  શ્રીમાન નરેન્દ્રસિંહ  આપણે કોલેજનાપહેલાં વર્ષમાં સાથે હતા. પછી અલગ થયા.

[બંને મિત્રો ભેટે ]

રંગલો: એટલે તમે ભૂવા નથી?

ભૂવો: ભૂવો છું પણ ભણેલો અને એનાથી વિશેષ ગણેલો!

રંગલી:ભણેલા ગણેલા થઈને આવી ભૂવાગીરી કરવાનું કારણ?

ભૂવો: માત્રને માત્ર અભ્યાસ માટે! હું આજના જમાનાના માણસોની નવી નવી માનસિક નબળાઈઓ માટેનું સંશોધન કરવા માંગું છું. એ માટે મને ભૂવો બનવાનું જ ઠીક લાગ્યું! ભૂવા પાસે લોકો પોતાની તકલીફ  છૂપાવે નહીં!

નરેન્દ્રસિંહ:  વાહ! રીસર્ચ કરવાની જબરી  મૌલિક રીત અપનાવી છે!

રંગલી:  રીત ગમે તેવી મૌલિક હોય પણ ગલત છે. સાધ્ય ગમે તેટલું  શુદ્ધ હોય પણ જો સાધન શુદ્ધ ન હોય તો એનાથી સમાજને  ખોટા સંદેશા જવાનો સંભવ છે.  મારું માનવું છે કે આ ભૂવા કાર્યાલય બંધ થવું જ જોઈએ. 

નરેન્દ્રસિંહ :બહેનની વાત સાચી છે. મિત્ર મૌલિક કોટેચા.  આજ કામ તમે એક  ડૉક્ટર  તરીકે કરી શકો છો.  તમારે આ કાર્યાલય બંધ કરવું જ પડશે.  ઉતારો આ પાટિયું.

ભૂવો:પાટિયું ઉતારવાની જરૂર નથી. માત્ર ફેરવવાની જરૂર છે. ને એ કામ રંગલો અને રંગલીના હાથે જ થાય તો મને ગમશે.  આવો.. 

[રંગલો અને રંગલી કાર્યાલયનું પાટિયું ઉલટાવે છે  અને પાછળનું લખાણ સહુ એક સાથે વાંચે છે. ] 

ચારે જણાં: [ મોટેથી]  ડૉક્ટર   મૌલિક કોટેચા માનસિક રોગોના નિષ્ણાત . 

રંગલી: પણ ભૂવાજી અરે! ડોક્ટર સાહેબ્ તમે મારા રંગલાના કાનમાં કયા મંત્રો ફૂંક્યા હતા એ તો કહો.

ભૂવો:  એ તો  રંગલાભાઈ જ કહેશે. એ મંત્રો સહુએ ધ્યાનમાં રાખવા જેવા છે!

રંગલો :તો સાંભળો એ મંત્રો. … ઇંટરનેટ આપણા માટે છે.. આપણે ઇંટરનેટ માટે નથી….. બ્લોગ મગજને રાહત આપવા માટે છે…  મગજને ત્રાસ આપવા માટે નથી! …. કમ્પ્યૂટરના ચોકઠા સિવાયની પણ દુનિયા છે જેનાથી સાવ અળગા થવાની જરૂર નથી.

[સમાપ્ત]  

રંગલી ચાલી ભૂવાને આંગણે [દૃશ્ય-2]

ચકરડી માતાજીનો પ્રસાદ. ઉતાવળમાં ધાણાકોપરું છંટાયા નથી તો ક્ષમા કરજો.

[બોર્ડ લાગેલું છે:  ભમ્મરિયા ડોટ કોમ.  બીજા બોર્ડ પર મોટા અક્ષરોમાં લખ્યું છે: મા ધમા ચકરડીની જય હો.  ત્રીજું  બોર્ડ છે. જેમાં ભમ્મરિયા ભૂવા દ્વારા અપાતી સેવાઓની યાદી લખેલી છે.  

એક ખૂણામાં મા ધમા ચકરડીનું  મંદિર છે.  જેમાં ચકરડી રૂપે મા બિરાજ્યા છે. ગોળ ગોળ ચકરડીની વચ્ચે ચકરડી માતાજીનું મુખ શોભી રહ્યું છે. માતાજીની આગળ  વિવિધ પ્રસાદ જેવા કે;  ગોટા, બટાકાવડા, ખમણ , ઇદડા,કચોરી વગેરેની થાળીઓ છે.  એક ટોપલીમાં લોકોએ ધરેલા રૂપિયા છે.  વીજળીના દીવાઓ ઝગમગી રહ્યા છે.  

કાર્યાલયના પ્રવેશદ્વારની સામે જ ભૂવાનું સ્થાન છે.  જે પોતે એક હરતીફરતી ખુરશી પર બિરાજમાન છે. જેની સામે એક મોટું સુંદર ટેબલ છે. ટેબલ પર વિવિધ પ્રકારના રંગબેરંગી ગોળાઓ છે.  દૂરબીન જેવું એક મોટું ભૂંગળું પડ્યું છે. વિવિધ  ખોપરીઓ પડેલી  છે. એ સિવાય વિવિધ સામગ્રીઓ; જેવી કે: માદળિયાં,પાવડર,પડીકીઓ વગેરેથી ભરેલી કાચની બરણીઓ પડેલી છે. પીણાઓથી ભરેલી બોટલ્સ છે.  ખાલી પ્યાલાઓ  છે.  

ભૂવાની પાછળની  તેમજ આસપાસની દીવાલો પર  વિવિધ માહાનુભાવોની તસવીરો છે. જેવી કે: ઉઘાડી છાતીએ ઊભેલો સલમાનખાન, સિક્સર ફટકારતો ધોની, મુંઝાયેલી મુદ્રામાં મનમોહનસિંહજી, શેરબજારના ચાર્ટની આગળ ઊભેલા મુકેશ અંબાણી, ટીવી  સિરિયલની વિવિધ વહુઓની સાથે ઊભેલી  રાજસ્થાની મા... 

ભમ્મરિયો ભૂવો  પોતે કાળા કોટ અને કાળી  ટોપીમાં છે. તેના ગળામાં મોબાઇલ્સની  માળા છે.  આછી આછી દાઢી  છે.  કાળાં ગોગલ્સ પહેર્યા છે.

 તે  એક ખોપરીની હાથમાં રાખીને ગીત ગાતો હોય છે...  ]

ભૂવો: [ખોપરીને હાથમાં રાખીને ઊભો થઈને ગાતાં ગાતાં નાચે છે ] મેરે દિલમેં આજ ક્યા હૈ.. તુ કહે તો મૈ બતા દું.. તેરી ઝૂલ્ફ મૈ સવાંરું .. તેરી માંગ મૈ સજા દું...

[રંગલી અને રંગલાનો પ્રવેશ]

રંગલી:  જય ચકરડી માતા. [બોર્ડ વાંચે] 

ભમ્મરિયા ડોટ કોમ.  વાહ!!! શું નામ રાખ્યુ છે!

(આગળ વાંચે)

ભમ્મરિયા ડોટ કોમ તરફથી અમે નીચે મુજબની સેવાઓ પૂરી પાડીએ છીએ….

- કોઈપણનાં  શરીરમાં પ્રેવેશેલાં ભૂત, ડાકણ કે શાકણને ઊભી પૂંછડીએ ભગાડીએ  છીએ.

- મૂઠ કે ચોટમાંથી કાયમી મુક્તિ અપાવીએ છીએ.

- ઘરમાં થતાં કજિયા કંકાસનો કાયમી ઉકેલ લાવી દઈએ છીએ. અમારો પ્રયાસ ઝગડાનાં મૂળ સુધી પહોંચવાનો હોય છે.

- અમે વ્યસનોનો વળગાડ દૂર કરવા માટેની વિધિ કરીએ છીએ.

- આપનો ધંધો ચાલતો ન હોય કે આપને નોકરી મળતી ન હોય તો અમે એનો ઈલાજ કરીએ છીએ.

- અમે પ્રેમીપંખીડાઓને પ્રેમમાં સરળતા મળે તે માટેની જરૂરી તાંત્રિક વીધી પણ કરીએ છીએ.

- આ અને એવી અનેક સેવાઓ  અમે શ્રી ચકરડી માતાની કૃપાથી અને સમાજની ભલાઈ માટે પૂરી પાડીએ છીએ.

જય શ્રી મા ધમાચકરડી. 

ભમ્મરિયો:  [નજીક આવીને] ભમ્મરિયા ડોટ કોમ તરફથી હું ભમ્મરિયો ભૂવો આપનું  હાર્દિક સ્વાગત કરું છું.  પ્રથમ તો  આ ચકરડી માતાના દર્શન કરો. પ્રસાદ આરોગો અને પછી મારી સમક્ષ પધારો.   

[ભૂવો પોતાના સ્થાને બિરાજે છે. રંગલી ચકરડી માતાના દર્શન કરીને પ્રણામ કરે છે. તે રંગલાને પણ પગે ચકરડી માતાને  લગાડે છે. પ્રસાદરૂપે એક એક કચોરી ખાય છે.પાણી પીએ છે અને ભૂવાની સામે જાય છે.]

રંગલી: ભૂવાજી.  હું ખૂબ દુ:ખી થઈ ગઈ છું.

ભૂવો: એવા તે કેવાં દુ:ખ પડ્યા છે?  

રંગલી:  જુઓને આ મારા રંગલાને  કાંઈક થઈ ગયું છે. પહેલાં તો હસતો ને ખેલતો હતો. હવે તો સાવ બદલાઈ ગયો છે. 

[ભૂવો મોટું ભૂંગળું લઈને એમાંથી નજર કરીને રંગલાને તપાસે છે.] 

ભૂવો: આને તો વળગાડ છે. 

રંગલી: શું કહો છો? વળગાડ ? 

ભૂવો: હા. આને ભૂત વળગ્યું છે.

રંગલી: ભૂતને વળી ભૂત વળગે ખરું?

ભૂવો: આ ભૂત જેવુંતેવું નથી.  આને કાઢવું ભારે પડે! [ રંગલાનું ડાચું પકડીને]  કોણ છે તું?  તને શું જોઈએ છે? 

રંગલો: [ ખૂબ જ ધીમે ધીમે બબડતો હોય તેમ]   કમ્પ્યૂટર ...ઇંટરનેટ…  બ્લોગ.. ફેસબૂક.. ટવીટર .. મને આપો.. મને આપો… [દાંત ભીંસીને મોટેથી ]  મનેઆપો..હુ… .હુ…. … હુ….

[રંગલો , રામ ગોપાલ વર્માના ભૂત  ફિલ્મમાં નાયિકા કરતી હતી તેવું વર્તનકરે.. રંગલી અને ભૂવો એને પકડી રાખે. ભૂવો  બરણીમાંથી પાવડરની એક પડીકી કાઢે પાણીમાં નાંખે રંગલાને પીવડાવી દે. રંગલો શાંત થાય.] 

ભૂવો:  અચ્છા. તો વાત આમ છે! તમારા રંગલાને નેટિયો  ભૂત વળગ્યો છે!  

રંગલી: એવા ભૂત હોય ખરા? 

ભૂવો: આ તમે તમારી સગી આંખે તો જોઈ રહ્યાં છો! વલે આને એકાદ ભૂત નથી વળગ્યું! ભૂતનું આખું ખાનદાન વળગ્યું છે. 

રંગલી: કોને ખબર ક્યા કાળ ચોઘડિયે અમારા ઘરમાં કમ્પ્યૂટર આવ્યું છે! શરૂઆતમાં તો બધું સારું લાગ્યું પણ પછી તો રંગલો જાણે કે આ મલકનો માનવી મટીને  કોઈ બીજા મલકનો માનવી બનતો ચાલ્યો… ન કામકાજમાં ધ્યાન દે ન વહેવારમાં ધ્યાન દે. ન  સગાવહાલામાં ભળે. ન પાડોશીને બોલાવે.  હવે તો મૂવો ક્યારેક ક્યારેક મનેય નથી ઓળખતો. એને તો બસ ભલો પોતે ને ભલું કમ્પ્યૂટર.  છેવટે  મેં તો કમ્પ્યૂટરને  પોટલામાં બાંધીને માળિયે મૂકી દીધું. તો જુઓને એની આ દશા થઈ.

[રંગલો જાણે કે તેની સામે કમ્પ્યૂટર હોય અને પોતે ટાઈપ કરતો હોય તેવું વર્તન કરે.  ઘડીમાં હસે તો ઘડીમાં આંખો કાઢે! વારેવારે હાથની મુઠ્ઠીઓ વાળે અને બબડે.] 

  ભૂવો: શું કહેવું છે તારે?  મોટેથી બોલ. 

રંગલો:  [ઊભો થઈએને... મોટેથી...મુઠ્ઠીવાળીને ..] મારું કહેવાનું એ છે કે, હું મારા બ્લોગ પર જે લખવું હોય તે લખું.એમાં બીજાંને શું લેવાદેવા? મારે મારા બ્લોગ પર જેવાં મંતવ્યો આપવા હોય તેવાં આપું. એ મારા અધિકારની વાત છે.  એ અધિકાર ભોગવતાં  મને કોઈ નહીં રોકી શકે.  [ ધ્રુજે.. ધૂણે... આમથી તેમ ભાગમભાગી કરે]

[રંગલી અને ભૂવો એને પકડી રાખે તો રંગલો વધારે જોર કરે.]

રંગલી: શાંત થા મારા રોયા શાંત થા.  શુંકામે તારી જાતને દુ:ખી કરે છે ને મનેય દુ:ખી કરે છે? 

રંગલો:  હુ….. હુ… નેટ… નેટ…. [એના શ્વાસોશ્વાસ વધી જાય .. હાંફી જાય... થાકી જાય... ઢળી પડે.] 

ભૂવો:  આ તમારો રંગલો ભૂતઅડ્ડા ડોટ કોમ થઈ ગયો છે.  એ અડ્ડો  તોડવો પડશે. 

[ભૂવો રંગલાને હાથે તાવીજ બાંધે. એક બરણીમાંથી  દસ પડીકીઓ કાઢે અને રંગલીને આપે. ] 

ભૂવો: રોજ રાતે બાર વાગે  રંગલાને ઘરના ધાબે લઈ જઈને ચાંદતારાની સાક્ષીએ એક પડીકીનો પાવડર દૂધમાં ભેળવીને પીવડાવી દેવો.

[ભૂવો રંગલાને દૂર લઈ જાય અને કાનમાં  મંત્ર ફૂંકતો હોય તેમ કશુ કહે.  રંગલો હા પાડતો હોય તેમ ડોકું હલાવે.]

 ભૂવો: જુઓ, ભૂત લોઠકું છે. એને કાઢવામાં વાર લાગશે. પણ નીકળશે જરૂર. તમારે વારંવાર આ કાર્યાલયની મુલાકાત લેવી પડશે.

રંગલી: વાંધો નહીં ભૂવાજી. તમારો ચાર્જ બોલો.

ભૂવો: ચાર્જ હું કોઈની પાસેથી લેતો નથી. તમારી ઇચ્છા મુજબ માતાજીને જે ધરવું હોય તે ધરી દો.

રંગલી: કેમ એવું. વાયા વાયા પૈસા લો છો એના કરતાં સીધેસીધા લોને.

 ભૂવો: આ પ્રવૃત્તિ હું પૈસા માટે નથી કરતો. આ તો એક જાતની સેવા છે.

 રંગલો: મેવા ખાતરની સેવા! ભૂવાજી, તમારો આ ખેલ અમને સમજાઈ ગયો છે.

ભૂવો: એટલે? તને કોઈ જાતની બીમારી નથી?

રંગલો: [હસીને] બીમારી કેવી ને વાત કેવી? આ તો તમારા  ગોરખધંધા ના ખેલ  જોવાનું નાટક હતું!

 ભૂવો: ક્યા ગોરખધંધાની વાત કરે છે ભાઈ તું?

રંગલો : આ માતાજી, આ રૂપિયા, આ  તાવીજ, આ ભસ્મ… આ બધું ગોરખધંધા નથી તો શું છે?

રંગલી: ભૂવાજી, ભોળા લોકોને છેરવાનો તમારો આ ખેલ નથી તો બીજું શું છે? આ તો એક પ્રકારનો ગુનો છે. તમારી જેવાને તો જેલભેગા જ કરવા જોઈએ. 

ભૂવો: હું  કોઈને જબરજસ્તી કરતો નથી. લોકો પોતાની મરજીથી આવે છે. મારી પાસેથી સારવાર લે છે અને પોતાની મરજી મુજબ માતાજી સમક્ષ પૈસાધરી જાય છે. આમાં કોઈ કહેતા કોઈ ગુનો બનતો નથી.

રંગલી: ગુનો બને છે  કે નહીં એ તો હમણાં પોલીસ આવશે એટલે ખબર  પડી જશે. રંગલા, ઇન્સપેક્ટર  નરેન્દ્રસિંહને ફોન કર અને બોલાવ અહીયા.

રંગલો: [ગજવામાંથી મોબાઈલ  કાઢીને ફોન લગાડે] હલો…કોણ? ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ ? હું રંગલો  ભમ્મરિયા ડોટ કોમના કાર્યાલય પરથી બોલું છું. …..સાહેબ, આ કોઈ સામાજિક સેવાનું ધામ નથી પણ લોકોને બાટલીમાં ઉતારીને બૂચ મારવાનું ધામ છે… તમે આવો તો બધો ખ્યાલ આવી જશે… આવો છોને?

રંગલી:  શું કહ્યું સાહેબે?

રંગલો: ઇન્સપેક્ટર  નરેન્દ્રસિંહ આવે છે. [ભૂવાને] અબ આયેગા ખેલકા મજા!

[દ્ર્સ્ય-2 પૂરું]

 [અંતિમ દૃશ્ય નંબર -3 માટે આહ જોવા વિનંતી] 

રંગલી ને રંગલો મંચ પર આવી પહોંચ્યાં ને શરૂ થયું ગીત

મિત્રો, આ પહેલાં અમે જણાવી ગયા છીએ કે:  ખેલ તૈયાર નહોતો અને સૂત્રધારે ખેલ શરૂ કર્યાની જાહેરાત કરી દીધી! અને ખેલ શરૂ પણ થઈ ગયો! ચાલો, એક નજર એ  ઉતાવળે શરૂ થઈ ગયેલા ખેલ  પર નાંખી દઈએ….

સૂત્રધાર: આજના ખેલના માનવંતા દર્શકો.  આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું.  વહાલા દર્શકો, મારું અહીં ઉપસ્થિત હોવું આપ સહુને કદાચ નહીં ગમ્યું હોય. કારણ કે , આપની આંખો રંગલા અને રંગલીને જોવા આતુર છે.  આપને એમ હશે કે, હમં જ રંગલો અને રંગલી આવશે અને તા થૈયા થૈયા ને તા થૈ કરીને એમના રંગે સહુને રંગી દેશે. પરંતુ ક્ષમા કરજો દર્શકો.  અજના ખેલની શરૂઆત  રંગલો અને રંગલી તા થૈયા થૈયા ને તા થૈ થી કરી શકે તેમ નથી.  વાત એમ છે કે,રંગલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને એના કારણે રંગલી પણ રંગમાં નથી.  બંને જણાં મુસીબતથી એવાં તો ઘેરાયેલાં છે કે, કોઈને માનવામાં જ ન આવે કે  ખરેખર આ  એ જ રંગલો અને રંગલી છે જેના દર્શન માત્રથી આપણે ખુશ થઈ જતાં હતાં. પરંતુ આજની એમની  એમની હાલત વિષે વધારે તો શું કહું? લો ,આ રંગલી અને રંગલો આ તરફ જ આવી રહ્યાં છે.

વહાલા દર્શકો,  થોડી વારમાં જ આપ સહુ જોઈ શકશો કે, રંગલી અને રંગલાના મોઢા પર નૂર નથી રહ્યું! રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે! એના ખભે હાથ મૂકીને રંગલો જાણે કે પરાણે પરાણે પોતાની જાતને ઘસડી રહ્યો  છે! આવું કદી બની શકે ખરું? બીજાને રાજી રાજી કરીને ઉદાસીમાંથી બહાર કાઢનારાં  પોતે જ ઉદાસીના ઘૂનામાં ડૂબકા મારે? જિંદગી છે! એ જેટલા રંગ બતાવે એટલા ઓછા!

ચાલો , હું રજા લઉં.  રંગલી અને રંગલો આવી ગયાં છે. હવે મારે કશું કહેવાનું રહેતું નથી. આપ સહુ જોઈ લો એમની હાલત!                                                                                                                                                  ****************************************************************************************************

મિત્રો,  સૂત્રધાર મંચ છોડવાની તૈયારીમાં હતો.  રંગલી અને રંગલો ખૂબ જ ધીમે ધીમે મંચ તરફ આવી રહ્યાં હતાં. આમ તો ચિંતાનો કોઈ સવાલ નહોતો. કારણ કે,રંગલી અને રંગલો ગમે તેવી પરિસ્થિતિને સંભાળી લે તેમ હતાં. પરંતુ અમારા મનમાં એક વિચાર રમવા લાગ્યો હતો કે, આ દૃશ્યને વધારે અસરકારક બનાવવું જોઈએ! અમે ગજવામાંથી એક પેન કાઢી અને નીચે પડેલા એક રફ કાગળ પર ઉતાવળે ઉતાવળે કેટલીક પંક્તિઓ,  જે મનમાં રમતી હતી તે લખી કાઢી. એમ માનોને કે , ગીત જેવું કશું લખી કાઢ્યું…

અમે દર્શકગણમાંથી બીનાબહેન, મીતાબહેન, સ્નેહાબહેન, પીંકીબહેન, હિરલબહેન  અને બીજી એકાદ બે બહેનોને બોલાવીને કહ્યું કે: તમારે જલ્દી જલ્દી મંચની પાછળ જઈને એક ગીત ગાવાનું છે!

“કેવું ગીત? ” એ લોકોને તો  અણધારી આફત આવી પડી હોય તેમ લાગ્યું.

અમે કહ્યું: નાનકડું ગીત છે. લગ્નગીત જેવું છે. તમે લોકોએ .. નાણાવટીરે સાજન બેઠું માંડવે .. એ ગીત તો સાંભળ્યું હશે.

“હોવે. એ ગીત તો મને આખું આવડે છે. ” એક અજાણ્યા બહેન બોલ્યા અને ગાવા લાગ્યા…

નાણાંવટી રે સાજન બેઠું માંડવે                

            લાખોપતિ રે સાજન બેઠું માંડવે

            જેવા ભરી સભાના રાજા

            એવા વરરાજાના દાદા

           નાણાંવટી રે સાજન બેઠું માંડવે     

                     લાખોપતિ રે સાજન બેઠું માંડવે  … 

અમે કહ્યું કે: બહેન, બસ કરો. આ આખું ગીત અહીં અત્યારે ગાવાની જરૂર નથી. આવું જ એક ગીત આ અમે લખ્યું છે તે  ગીત મંચની પાછળ જઈને આવાજ ઢાળમાં ગાવાનું છે.  વળી થોડા કરુણ સ્વરમાં અને સ્લો મોશનમાં ગાવાનું છે. ઉતાવળે લખ્યું છે તો તમારાથી બને તે રીતે ઢાળ બેસાડી દેજો.

“તમે ચિંતા કર્યા વગર ખેલ જૂઓ. લાવો ગીત. આવા તો કઈંક ખેલ અમે ખેલી નાંખ્યા છે.” એવું બોલીને એ બહેને અમારા હાથમાંથી કાગળ ખૂંચવી લીધો. બીજી બહેનોને સાથે લઈને તેઓ  મંચની પાછળ દોડી ગયા.

આ બાજુ મંચ પર રંગલી અને રંગલો આવી પહોંચ્યાં.  રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી હતી. તેના ચહેરા પર નૂર નહોતું. રંગલો રંગલીનો ખભો પકડીને ચાલતો હતો. તે બાઘા જેવો લાગતો હતો, વારંવાર પોતાનું ડોકું હલાવતો  હતો અને કશું બબડ્યા કરતો હતો.

તેઓ મંચ પર થોડુંક જ ચાલ્યાં હશે ત્યાંતો મંચની પાછળથી ગીત શરૂ થયું….

તો મિત્રો, દૃશ્ય કાંઈક આવું છે! .. રંગલી અને રંગલો ખૂબ જ ધીમે ધીમે મંચ પર ડગલાં ભરી રહ્યાં છે.  રંગલી ઉદાસ છે.  રંગલો બાઘો થઈ ગયો છે. .. ને ગીત ગવાય છે!

કેવું ગીત?

રાહ જુઓ.

બ્લોગની ચરબી ઉતારવાની કળા

ખાટીમીઠી ચેતવણી: અત્રે બ્લોગની ચરબી ઉતારવાની વાત છે. બ્લોગરની નહીં. માટે ગેરસમજ  ન કરવા વિનંતી.

આજકાલ માનવદેહ પરથી ચરબી ઉતારવાનો ધંધો ધમધોકાર ચાલે છે. કિલોમોઢે વજન ઉતારી આપવાની લાલચો અપાય છે. બાબા અને સ્વામીજીઓ પણ પાપ ઓછું કરવાનાં ઉપાયો બતાવવાના બદલે વજન ઓછું કરવાના ઉપાયો જોરશોરથી બતાવે છે.

પણ  બ્લોગાચાર્યને અફસોસ એ વાતનો છે કે: બ્લોગસમાજમાં ચરબીથી લથપથ બ્લોગદેહો બાબત જરૂરી જાગૃતિ આવી નથી. પરિણામે ઘણા બ્લોગદેહો અનેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે.

બ્લોગાચાર્યનું માનવું છે કે:  આ સમસ્યાનો પાયો બ્લોગજન્મથી જ નંખાય જાય છે! બ્લોગજગતમાં  એક ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે, જેમ બ્લોગ જાડો તેમ તે તંદુરસ્ત!!!!  પરિણામે બ્લોગ ઉછેર જ અયોગ્ય રીતે થાય છે. જેમ દરેક માબાપને પોતાનાં પોયરામાં કાનુડાના જ દર્શન થતા હોય છે તેમ દરેક બ્લોગજન્મદાતાને પોતાનો બ્લોગ  સર્વશ્રેષ્ઠ જણાતો હોય છે. વળી તેઓ પોતાના બ્લોગના પ્રેમમાં અંધ બનીને બ્લોગને  વધું પડતા લાડ લડાવીને તેમજ  વધું પડતો આહાર આપીને જાડાપાડા બનાવવામાં કોઈએ કસર છોડતા નથી. પછી જયારે પોતાના બ્લોગની કમરને બ્લોગથીમ સાંકડું પડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે.

જેમ માનવદેહ પરથી ચરબી ઉતારવા માટે ખૂબ જ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે તેમ બ્લોગદેહની ચરબી ઉતારવા માટે પણ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. અન્યથા બ્લોગ ઊલમાંથી ચૂલમાં પડી શકે છે.  જલ્દબાજી કે અણઘડ ઉપાયોથી અવળાં પરિણામો આવવાની સંભાવના છે.

મિત્રો, બ્લોગજગત માટે  ભલે આ સમસ્યા નવી હોય પરંતુ ગુજરાતી સાહિત્ય આ સમસ્યામાંથી પસાર થઈ ચૂક્યું છે.  નવલકથાઓ ચાર ચાર ભાગમાં લખાતી હતી. અમે પણ શરૂઆતમાં પુસ્તકાલયમાંથી જાડીપાડી ચોપડીઓ જ ઉઠાવતા હતા. અઠવાડિયું નિરાંતા!!! નવલિકાના દેહ બાબત તો રીતસરનું આંદોલન જ  શરૂ થયું હતું. ઝીરો ફીગરની નવલિકાનાં ઉપાયો પણ વિચારાયા હતા. એમાં બન્યું એવું કે , નવલિકામાંથી ઘટના રૂપી ચરબી ઓછી કરવાના ધમપછાડામાં કેટલાક વાર્તાકારો નવલિકાના દેહમાં ચિત્રવિચિત્ર પદાર્થો ભરવા લાગ્યા. એનાલીધે નવલિકા એક મુસીબતમાંથી છૂટીને બીજીમાં ફસાઈ. હવે તો નવલિકા બાપડી કઢંગો દેહ લઈને  ગુજરાતી છાપાઓમાં હાડહાડ થાવા ક્યારેક ક્યારેક નીકળી પડે છે.

ગુજરાતી સાહિત્યને જે અગવડતાઓ પડી તે બ્લોગજગતને નહિ પડે કારણ કે, બ્લોગજગત પાસે બ્લોગની ચરબી ઓછી કરવા  માટેના સંપાદનનાં આગવા સાધનો છે! બ્લોગવગા ઓપરેશનનાં ઓરડા છે!!! .. પણ, ઓપરેશનથી બ્લોગની ચરબી ઓછી કરવામાં કુશળતા હોવી જોઈએ.  નહિ તો બ્લોગની ચામડી લબડી પડે અને બ્લોગનો પાતળો દેહ વિચિત્ર લાગે!!

બ્લોગાચાર્યના જણાવ્યા મુજબ એવા ઘણા ઉપાયો છે જે સરળ અને નુકસાન ન કરે તેવા છે. બ્લોગરસોડામાં જ ઘણી ચીજો એવી છે કે જે બ્લોગને આરોગ્યમય રાખે છે.

મિત્રો, હવે આ લખાણ બંધ કરવું પડશે કારણ કે, આ પોસ્ટનું પેટ વધવા લાગ્યું છે !!!

પણ ભૂલતા નહિ. બ્લોગની ચરબી ઓછી કરવાના ઉપાયો જરૂરથી જણાવશો. આંગળી દર્શાવ્યાનું પૂણ્ય મળશે!!!!

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી

[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતા અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ.  આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]

રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો નહીં પા…ર

પણ  મારી વહાલી વહાલી વહાલી … રંગલીને આવતા  લાગી વાર.

હે… ભોજન વગર જોર..  જેમ અંગમાં આવે નઈં

એમ રંગલી વગર આ રંગલો…  રંગમાં આવે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

[રંગલીનો પ્રવેશ]

રંગલી— હે… શ્રાવણ સરીખો મહિનો ને રંગલાને ચડે જો..ર.

રખડવા નીકળી પડે.. જાણે હરાયું ઢોર.

હે.. રખડી રખડીને થાકે  પણ વારતા  મળે નઈં

કેમેય કરીને આ રંગલાની જાતરા  ફળે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો— [ગળગળો થઈને]રંગલી. તું જ આવું બોલે તો પછી આ બ્લોગજગતમાં રહ્યું શું? નથી ગઝલ  લખાતી… નથી ગીત લખાતાં… લેખમાં ઘોબો પડ્યો…લઘુકથામાં લોચો પડ્યો. મારે લખવું શું? મને થયું કે વારતા લખવી સહેલી છે. નગરમાં ફરીએ… આંખકાન ઉઘાડા રાખીએ ને વારતા  ગોતીએ. ક્યાંય નજરે ચડે તો પકડીને પૂરી દઈએ બ્લોગની પોસ્ટમાં. ને પછી તો કૉમેન્ટ  ઉપર કૉમેન્ટ! … વાહ વારતા  વાહ! વાહ રંગલાભાઈની વારતા! યુ આર એ ગ્રેટ રાઈટર! … રંગલાભાઈ આવી જ વારતાઓ  લખતા રહો… લખતા રહો…. લખતા રહો…

રંગલી— એ એ રંગલા. ધોળે દહાડે સપનાં જોવાનું છોડ અને વાસ્તવિકતાનો સ્વીકાર કર કે વારતા  રચવી સહેલી નથી.

રંગલો— એમાં શું ધાડ મારવાની? આ લખાય જ છેને ઢગલાબંધ વારતાઓ! જે કાંઈ વારતાલાયક બનાવ નજરે પડ્યો એ ઉપાડી લેવાનો… એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો… એમાં હાસ્ય,વ્યંગ,કરુણા,વીરતા વગેરેના રસ ઉમેરવાના… સંવાદો વડે વલોવવાનો..આથો આવ્યા ભેગો  પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા  તૈયાર! બોલો  લોકપ્રિય વાર્તાકાર રંગલાભાઈની  જે…

રંગલી— જો એવું જ હોય તો તમારી વારતા  વાંચે કોણ? છાપાં જ ન વાંચે? છાપાંવાળાં પણ  હવેતો કોઈપણ ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને?ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!

રંગલો— તો  વારતા   કઈ રીતે પીરસાય એ કહેને?

રંગલી— ભલભાલા વાર્તાકાર નમ્રતાથી એમજ કહેતા હોય છે કે “અમે સારી વારતા  રચવાના  પ્રયાસો કરતાં રહીએ છીએ” તો વારતા  બાબત કહેવાનું મારું ગજું કેટલું?

રંગલો— સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા  બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. બોલ રંગલી બોલ. વારતા  કેવી હોય અને કેવી ન હોય એ બાબત બોલ.

રંગલી— બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.

રંગલો—- [કૂદકો મારીને] પાંચકંડાં???? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ  કર.. ઝટ કર… મારાથી નથી રહેવાતું!.. હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી … પરભુજીના ટાંટિયે વળગી જાવી…

રંગલી— તો થઈ જાય આજે અસરના ઓટલેથી વારતા  બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત…

[રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]

રંગલી— હે ક્યાં ગઈ વારતા…  ને ક્યાં ગયા ભાભા?

રૂડી રૂપાળી વારતાને … આ કોણ પહેરાવે  ગાભા!

રંગલો—માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે વારતાનાં  લખનારાં… મળે છે અને…ક

વારતાના ઘડનારાં… સોએ મળે એક .

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે હૈયામાં ન હોય હે…ત  તો વારતા મળે નઈં

ભટકી ભટકીને થાકી જા..વ પણ જાત્રા ફળે નઈં.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે …પ્રેમ કર્યો થાતો  નથી … થઈ જાય છે જે..મ

વગર ગોત્યે  વારતા … મળી જાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… શ્વાસ પછી શ્વા…સ  લેવાય છે જે… મ

વારતામાં વા…ત  કહેવાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ઘટનાઓ ગોઠવી દીધે … વારતા જામે નઈં

તરસ્યા રહી જાય  ભાવકો… વારતા પામે નઈં

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે નાજુક નમણી વારતા..  એને હોવો ઘટે શણગા…ર.

જો રાખ્યો નો હોય વિવે..ક  તો એનોય લાગે ભા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…  શણગારના ભારથી… વારતા વાંકી  વળી જા…ય.

પોતાનાં જ જુલમ કરે… તો કોને  કહેવા જા..ય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાંબી લાંબી વારતા…ને અંતનું નઈં ના..મ

માંડ  માંડ  અરધે પોગ્યા… સાંભર્યા શ્રી રા..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાગણીના લપેડા… ને રજૂઆતમાં નઈં ધડો..

વારતાનાં  ખોળિયાંમાં…  ક્યાંથી પેઠો સડો.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… રૂડાં ને રૂપાળાં… હોય પાત્રોનાં ના…મ.

ચાંપલું ચાંપલું બોલવું… એ જ  એનું  કા…મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…સોનાની થાળીમાં….. જેમ લોઢાની મે…ખ

જરૂર વગરની કોઈ વાતનો …એમ  વારતામાં ઉલ્લેખ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…ટૂંકી હોય કે લાંબી હો…ય  વારતા મજાની હો..ય

દોટ વાર્તાકારની … પોતાનાં ગજાની હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..  વહેતી નદી જેવા …વારતામાં વળાંક  હો..ય

રંગના કુંડા નઈં…  છાંટા જરાક હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..વાચકો પર છોડવી પડે… સમજવા જેવી વા…ત

ચતુર હશે તે પારખી જશે… શબ્દો કેરી ભા…ત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… મૂકે પણ વાગે નઈં…. વારતાને અંતે ચો…ટ

વાર્તાકાર  છેવટે … ખાય છે મોટી ખો..ટ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય  કો…ડ

એણે પાડવો પડે … જાતસંગાથે  તો…ડ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી

હે…આલિયો લખેને .. માલિયો વખાણે…

મલક શું કહે છે.. એ ઉપરવાળો જાણે.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ચા કરતા કીટલી…  ગરમ હમેશા  હો..ય

લેખક કરતા વાચક… નરમ ક્યાંથી હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. સમજાવી શકાય નઈં …વારતા ઘડવાની   રી..ત

શીખનારા શીખી જશે…જેને  હશે  વારતાથી પ્રીત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… વારતા પણ છે મજાનો.. સાહિત્યનો પ્રકા..ર

બ્લોગજનો તમે આપજો… એને અઢળક પ્યા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. રંગલો રંગલી વિનવે …રાખજો એટલું  યા..દ

વારતા વાંચ્યા પછી … વળતો દેજો સા..દ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

[પાંચકડાં બાબત વિશેષ માહિતી : http://www.readgujarati.com/sahitya/?p=3834 ]

રંગલીનું ડિપ્રેશન

હે બ્લોગજનો  અસર ના ઓટલે ફરીથી  આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા મને ખૂબ ખૂબ હરખ થાય છે. અહીંયા રંગલો અને રંગલી નોખા  નોખા ખેલ રજૂ કરીને આપ સૌને રાજી  કરે છે. જૂઓને    બ્લોગજગત,નો સનેડો સાંભળીને બધાં ને કેવી મજા પડી ગઈ હતી?  રંગલો અને રંગલી પણ બરાબરનાં ખીલ્યાં હતાં. પણ આજે કશુંક થયું હોય એવું લાગે છે. રંગલી જોઈએ એવા રંગમાં નથી લાગતી. એકદમ ઉદાસ થઈને બેઠી છે અને  રંગલો એને રંગમાં લાવવા મથી રહ્યો છે.   ચાલો આપણે જોઈએ કે શું થઈ રહ્યું છે!!!

———————————————————————————————————————————————————————————–

રંગલો— એ એ એ રંગલી…  બેસણાંમાં બેઠી હોય એમ સોગિયું મોં કરીને કાં બેઠી છો?  અસરના ઓટલે આમ બેસાય?

રંગલી— શું કરું? મને લાગે છે કે હું ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ છું. તને ખબર નહીં હોય કે એ કેવી ખતરનાક સમસ્યા છે?

રંગલો— સમસ્યા તેં હાથે કરીનેજ ઊભી કરી છે.  મેં તને ના પાડી હતી કે  બ્લોગજગતનાં ખેતરમાં પડ્યું પાથર્યું નો રહેવાય. એકાદ આંટો મારીને ઘરભેગું થવાય. બ્લોગજગત આપણાં માટે છે,આપણે બ્લોગજગત માટે નથી. પણ મારી વાત માને કોણ? બાકી  ડિપ્રેશન તારાંથી બાર ગાઉ છેટું રહે હો રંગલી. એટલે ઈ ફિકર તો રહેવા જ દેજે.

રંગલી— પણ તું જ કહે રંગલા.  બ્લોગજગતમાં જેને જેમ ફાવે એમ લખે ને કોઈનું  રૂંવાડું પણ ના ફરકે એ ચિંતાનો વિષય  નથી? રોજ ઉઠીને  નવા નવા બ્લોગ! નહીં નામનાં ઠેકાણાં. નહીં ભાષાનાં ઠેકાણાં. નહીં વ્યાકરણનાં ઠેકાણાં. એમને કોઈ કહેતા કોઈ રોકનાર કે ટોકનાર નથી? હું એમ પૂછું છું કે ક્યાં ગયા એ વિદ્વાન તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ,અને  વિવેચક્શ્રીઓ?

રંગલો— એ..  ઈ  બધાય શ્રીઓ  છે ને  છાપખાનાંની એમની ઓફિસો છોડી છોડીને હાલતાં હાલતાં આપણા આ ઇન્ટરનેટના બ્લોગગજગત બાજુ આવવા નીકળ્યા છે. અહીં પોગતા વાર લાગશે ત્યાં સુધી તારા મગજને ટાઢું રાખ.  મારી સાત ખોટની રંગલી…. તને કાંઈ થઈ જાશે તો મારું કોણ?

રંગલી— પણ રંગલા… આ કાંઈ રીત છે? કોઈ ઢંગધડાં વગરનાં લખાણો લખે ને કહે કે  આ  મારી ગઝલો, આ મારી વાર્તાઓ, આ મારું ચિંતન તો આપણે માની લેવાનું?

રંગલો— નો માનવું  હોય તો નહીં માનવાનું.  એમાં ક્યાં કોઈ  તને ફાંસીએ ચડાવી દેવાનું છે.?

રંગલી— પણ   એ લોકો પોતાની જાતને ગઝલકાર કે વાર્તાકાર કે ચિંતક માનતા હોય તો એમને માનવા દેવાના?

રંગલો—ભલેને માને. આપણને વાંધો શા માટે  હોવો જોઈએ?  કોઈ પોતાની જાતને રાજા ભોજ માનતો હોય તોય આપણે એ બાબતમાં  શું કરી શકવાનાં? રંગલી,  હું  જાણું  છું કે  તારાંમાં બુદ્ધિનો જેટલો જથ્થો છે એટલો મારાંમાં નથી. છતાંય તને સમજાવવાનો  પ્રયાસ કરું છું જો તું મને રજા આપતી હોય તો!

રંગલી— આપી. રજા આપી. રંગલા, મને ખબર છે કે તું  ભલે બહારથી ગબલો દેખાતો હો પણ આજકાલ સમજણના ખજાનાની ચાવી હાથમાં  રાખીને ફરે છે. ચાલ ખોલી નાખ તારો ખજાનો.

રંગલો— તો સાંભળ. ઘણાં ગામ કે નગરની બહાર એકાદ ‘મફતિયા પરા’ તરીકે ઓળખાતો વિસ્તાર હોય છે. ત્યાં લોકો મફતમાં મળેલા પ્લોટમાં પોતપોતાની રીતે મકાનો બાંધીને રહે છે. બરાબર?

રંગલી— બરાબર.

રંગલો— આ ‘મફતિયા પરા’નો  મુખ્ય હેતુ લોકોને આશરો આપીને સુખી કરવાનો તેમજ પ્રગતિ  કરાવવાનો હોય છે. બરાબર?

રંગલી— બરાબર. પણ એને ને  બ્લોગજગતને શું લાગેવળગે?

રંગલો— આ બ્લોગજગત એક જાતનું મફતિયું પરું છે. મફતમાં મળેલી જગ્યામાં લોકો જાતજાતના બ્લોગ બનાવે છે. પોતાના વિચારો જણાવે છે ને હળવાં થાય છે. હળવાં થાવું એ બ્લોગજગતની મુલાકાતનો  મુખ્ય હેતુ છે.  હવે જો  તું ધરમની ગાયના દાંત જોવા બેસીશ તો તારી પાસે દુ:ખી થવા સિવાય  બીજો કોઈ વિકલ્પ નથી. સમજી? કે પછી વિશેષ પ્રયાસ કરું?

રંગલી— મતલબ કે  કોઈ ફાવે એમ કૂદકા મારે ને કહે કે     ‘ અમે સરસ મજાના ગરબા  ગાઈએ    છીએ  ’   તો   આપણે એમની વાત માની લેવાની.

રંગલો—  આપણે નો માનવી હોય તો નહીં માનવાની. પણ કોઈ માનતું હોય તો માનવા દેવાનું. તેં ગરબાની વાત કાઢી છે તો હું તને નવરાત્રીનો જ દાખલો આપું.  કાઠિયાવાડનાં નાનાં નાનાં ગામોમાં વીસત્રીસ જણાં જે રીતે રાસ- ગરબી લે એમાં સુર,લય અને તાલ એ ત્રણેયની જાળવણી થાય. અરે ચાંદાનાં અજવાળે બહેનો ભેગી થઈને વગર માઈકે ગરબો ગાય તો  આપણને હટવાનું મન નો થાય.

રંગલી— એ તો ભૂલ્યું ભુલાય એમ નથી.

રંગલો— હવે વડોદરાની વાત કરું તો દુનિયાભરમાં વડોદરાની નવરાત્રી વખણાય છે.  પણ  જે કાઠિયાવાડનાં નાનાં ગામમાં શક્ય છે એ અહીંયા શક્ય નથી.  અહીં  પંદરવીસ  જણાંનું મંડળ   માઈકના સહારે વગાડે અને ગવડાવે  અને એકસાથે પાંચ સાત હજાર લોકો એના તાલે  ગરબામાં  ઘૂમે  ને ઝૂમે.

રંગલી— તારી વાત સાચી પણ  એને  ને બ્લોગજગતને શું  લાગેવળગે?

રંગલો— મારી વાત તો પૂરી સાંભળ. હવે હું  મુંબઈની નવરાત્રીની વાત કરું.

રંગલી— મુંબઈની તો વાત જ ના કરતો.

રંગલો— કેમ?  તને મુંબઈની એલર્જી છે?

રંગલી— અરે રંગલા.  એ લોકો નવરાત્રીમાં ગરબા કરે છે  કે ભાંગડા? ડાન્સ  કરે છે કે ગાંડા કાઢે છે ? મને તો ખશી ખબર જ નથી પડતી.

રંગલો— એ લોકો ઊભાં  ઊભાં  હાથ પગ હલાવીને ખુશ થાય તોય ઘણું છે. આખા વરસના થાક્યા પાક્યા એ બહાને હળવા તો થાય છે!  બ્લોગજગત એ મુંબઈનું ગરબા-ગ્રાઉન્ડ છે જ્યાં લોકો હળવાં થાવા આવે છે.

રંગલી— તું તો જ્યાં હોય ત્યાં હળવા થાવાની જ વાત લાવી દે છે.

રંગલો— જો રંગલી. કોઈ હલકું થાતું હોય તો એનો વિરોધ હોઈ શકે પણ  કોઈ હળવું થાતું હોય તો થાવા દેવું. આપણે જ લોકોને હળવાં  નથી કરતા?

રંગલી— આપણો તો એ જ  ધરમ છે. લોકોને ખુશ કરવાં.

રંગલો—પણ  તું જ જો આમ પોસ્ટ વગરના બ્લોગ જેવી થઈને બેસી જાય તો આપણો ધરમ કેવી રીતે સચવાય?

રંગલી— તારી વાત  વિચારવા જેવી તો છે હો રંગલા. [રંગલી કપાળે આંગળી રાખીને વિચાર કરે]

રંગલો— વિચારીને બેસી નથી રહેવાનું.

રંગલી— મને કશી સમજ નથી પડતી રંગલા. મને લાગે છે કે  મારાં મનમાં જે તોફાન ઊઠ્યું છે તેમાં મારો સુંદર મજાનો બ્લોગ  ડૂબી  જશે.

રંગલો—  હું તારા બ્લોગને નહીં બૂડવા દઉં રંગલી . ધ્યાનથી સાંભળ…

[ રંગલો, પાપ તારું પરકાશ જાડેજા ... એ  રાગથી ભજન શરુ કરે છે અને રંગલી પણ  સાથ દે છે.]

[રંગલો---]  રંગ તારો પરકાશ  રંગલી … ધરમ તારો સંભાળ રે….

તારા  બ્લોગને બૂડવા નઈં દઉં…  તારા બ્લોગને બૂડવા નઈં દઉં  રંગલી રે…

એમ રંગલો કહે છે જી….હેજીરે…. એમ રંગલો કહે છે જી…

[રંગલી---] હે……કાઢી શબ્દોની ધાર  રંગલારાજા… કાઢી શબ્દોની ધારરે…

મેં તો સાતવીસું  ગીતડાં વાઢિયાં…. મેં તો વાંધા ને  વચકાં  કાઢિયાં

રંગલારે…. એમ રંગલી કહે છે જી…. હેજીરે…  એમ રંગલી કહે છે જી.

[રંગલો---]  રંગ  તારો પરકાશ રંગલી…ધરમ તારો સંભાળરે ..

[રંગલી---] હે……… દીધા આકરા પ્રતિભાવ રંગલારાજા….. દીધા કડવા પ્રતિભાવરે…

મેં તો નવાં નવલાંને નાથિયાં  ..મેં તો અઘરા દાખલા આપિયા

રંગલારે…. એમ રંગલી કહે છે જી…. હેજીરે…. એમ રંગલી કહે છે જી.

[રંગલો----] રંગ તારો પરકાશ રંગલી …. ધરમ તારો સંભાળરે…

[રંગલી---] હે…… જેટલું ખેતરમાં ઘાસ રંગલારાજા….. જેટલું ખેતરમાં ઘાસરે….

એટલા  કકળાટ મેં કર્યા … હેજી  એવા ઉકળાટ  મેં કર્યા

રંગલારે…. એમ રંગલી કહે છે જી… હેજીરે… એમ રંગલી કહે છે જી.

[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી… ધરમ તારો સંભાળરે…

[રંગલી---] હે….. મને દીધો મારો રંગ રંગલારાજા…. દીધો પાછો ઉમંગરે….

મારી હતાશા દૂર કરી તેં … મારી નિરાશા દૂર કરી તેં

રંગલારે…. એમ રંગલી કહે છે જી… હેજીરે… એમ રંગલી કહે છે જી.

[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી… ધરમ તારો સંભાળરે…

રંગલી—[ખુશ થઈને]  વાહ રંગલા, વાહ. આજે તો તેં  ખરેખર રંગ રાખ્યો.   હું મારગ ભૂલી ગઈ હતી પણ તેં મને સાચા રસ્તે લાવીને મૂકી દીધી. રંગલા તેં તો ગજબનું કામ કરી નાખ્યું છે.  હું તો એમ કહીશ કે તેં તો  મને ઝળહળતાં સત્યનાં દર્શન કરાવ્યાં છે .

રંગલો— લે કર વાત! મેં એવું મોટું કામ કરી નાખ્યું છે?  તો એક કામ તું પણ કર રંગલી. જાહેર હિતને ખાતર એ સત્યને પ્રગટ કર. પ્રગટ કર. પ્રગટ કર.

રંગલી— સાંભળ  રંગલા અને સાંભળો બ્લોગજનો… પ્રિન્ટ મીડિયાના ભવ્ય ભૂતકાળને યાદ કરીકરીને દુ:ખી થાવાનો કોઈ અર્થ નથી. ત્યાં બિલોરી કાચ લઈને બેસનારા સંપાદક્શ્રીઓ શુદ્ધિકરણની  પ્રક્રિયા કરતા હતા. બ્લોગજગતની આઝાદીમાં એ સો ટકા સંભવ નથી.

રંગલો— કારણ કે  બ્લોગજગત એ માત્ર લેખકો કે કવિઓ માટે જ નથી.પણ એ  તમામ લોકો માટેનું માધ્યમ છે . બ્લોગજગત એ લોકો માટે આશિર્વાદરૂપ છે કે જેઓ પોતાનાં હૈયાંમાં રહેલી વાતો કે વિચારો બીજાં સાથે વહેંચવા માંગે છે. એમની રજૂઆતમાં કોઈને મર્યાદાઓ જણાય પણ એ મર્યાદાઓ દૂર થઈ શકે છે. હું તો એમ કહેવા માંગું છું મારાં વાલીડાઓ કે બ્લોગજગતને મંજિલ માનીને બેસી જશો તો અબખે થઈ જશો પણ રસ્તો માનીને સફર કરશો તો નવું નવું જોવા મળશે.

રંગલી— અને એ વાત પણ એટલીજ સાચી છે કે  જો બ્લોગજગતમાં ભાષાનું જતન થશે, છંદોનું પાલન થશે, અલંકારોનો યોગ્ય થશે અને રજૂઆતની નવી નવી રીતરસમો નો ઉપયોગ થશે તો  સોનામાં સુગંધ ભળવા જેવું થશે. બ્લોગજગતમાં તમે જ તમારા સંપાદક થઈ શકો તો એનાં જેવું એકેય નહીં.

રંગલો— પ્રિન્ટમીડિયામાં કાંઈ બધુ જ રૂડું રૂપાળું નથી. ત્યાં તમારી રચના મોકલો પછી  ’હરિ ઇચ્છા બળવાન’ એમ માનીને સંપાદકશ્રીના જવાબની રાહ જોઈને બેસી રહેવાનું.  તપાસ કરવાની મનાઈ! પૂછપરછ  કરવાની મનાઈ!!

રંગલી— ત્યાં ધૂણી ધખાવીને બેઠેલા જૂના જોગીઓના કારણે  નવાં નવાંને તો  આસન પાથરવાની જગ્યા પણ મળવી હોય તો મળે. કેટલાંય તો જિંદગીભર રાહ જોતાં જ રહી જાય છે.

રંગલો— જ્યારે બ્લોગજગતમાં તો  એક બટન દાબીને તમે તમારી  રચના દુનિયાભરમાં વહેતી કરી શકો છો. અને એટલીજ ઝડપથી વળતા પ્રતિભાવો મેળવી શકો છો.

રંગલી— એના કારણે તમને જે આનંદ મળે છે… જે સંતોષ મળે છે … એનું મૂલ્ય રૂપિયા પૈસામાં મપાય એમ નથી.

રંગલો— આ તો દરિયો વલોવવા જેવી વાત છે મારા વાલીડાં. એમાંથી અમૃત નીકળે અને ઝેર પણ નીકળે. શું લેવું એ તમારા હાથની વાત છે.

રંગલી— ને ઝેર પચાવવાની તાકાત હોય તો  જ મોઢે માંડજો નહીં તો છેટાં રહેવામાં જ મજા છે.

રંગલો— હવે બસ કર રંગલી.  બોધપાઠ બહુ થઈ ગયા. આપણે જ બધું કહી દેશું તો ઓલ્યા વિદ્વાનશ્રીઓ શું કરશે?

રંગલી— હા એ વાત પણ  સાચી. તો જતાં જતાં સાંભળો છેલ્લી વાત…

બંને—  બ્લોગજગતના ઘાટ પર રોજે રોજનો મેળો

કોઈ જમાવે અડ્ડો ને કોઈ મારે ફેરો

કોઈને વળગ્યું ગીત તો કોઈને વાર્તા વળગી ગઈ…

કોઈને વળગી ફિકર તો કોઈને મસ્તી વળગી ગઈ …

તા  થૈયા થૈયા ને તા થૈ.

અસર ના ઓટલે ફરીથી પધારજો ]

રંગલાનું ગીતગુંજન— યશવંત ઠક્કર

હે ગુણીજનો… હે બ્લોગજનો…અસર ના ઓટલે આપ સૌને ફરીથી આવકારતા આનંદ અનુભવું છું. આજકાલ આપણે સૌ રંગલા રંગલીની ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. જે આપ સૌને ખૂબ જ પસંદ પડ્યા. હવે આજે રજૂ થશે એક નવો ખેલ જેનું નામ છે:  “રંગલાનું ગીત ગુંજન”

વાત જાણે એમ છે કે રંગલીની સલાહ મુજબ રંગલો નવો બ્લોગ બનાવે છે જેમાં તે પોતાની મૌલિક રચનાઓ મૂકવા માંગે છે. પણ ગઝલ રચનામાં ધારી સફળતા ન મળવાથી હવે તે ગીત રચના માટે ધમપછાડા કરે છે. આવો જોઈએ કે શું થઈ રહ્યું છે!!!

[ખેલ શરુ ]

[રંગલો ચિત્ર વિચિત્ર હાવભાવ સાથે ગીત ગાય છે અને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]

રંગલો—
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા ….

રંગલી— હે ભગવાન. હે તેત્રીસ કરોડ દેવતા. મારી રક્ષા કરો. રક્ષા કરો. રક્ષા કરો.

રંગલી— એ એ એ … રંગલી .. એવાં તે કેવાં દુ:ખ તૂટી પડ્યાં છે કે આમ મોટી ભગતડી થઈને તેત્રીસ કરોડ દેવતાને કાલાવાલા કરવા બેઠી છે. હું દેવાધીદેવ રંગલો તને નજરે નથી પડતો?

રંગલી— તું જ તો છો મારાં દુ:ખનું મૂળ! મારા રોયા!

રંગલો— [ગળગળો થઈને] લે.. મેં વળી શું કર્યું? તને વેણ કવેણ કહ્યાં? તારા બ્લોગ પર આવીને આડી અવળી કૉમેંટ કરી?

રંગલી— અરે આ તારું હથોડા ગીત મારાથી સહન નથી થાતું.

રંગલો— મારા ઊર્મિગીતને તું હથોડા ગીત કહે છે? તારી આ મજાલ? આ માત્ર મારું જ નહીં પણ સમગ્ર કવિ સમુદાયનું અપમાન છે.

રંગલી— રંગલા તું નહીં માને! તારું આ ગીત સાંભળું છું ત્યારે મારાં માથે હથોડા પડતા હોય એવું લાગે છે.

રંગલો— કેમ? ગીતમાં કાંઈ વાંધાજનક છે? તારી લાગણીને ઘોબો પડે એવું છે?

રંગલી— મારાં મગજમાં ઘોબા પડી ગયા છે. હવે દયા કર.

રંગલો— એમ નહીં. મારાં ગીત બાબત મારી સાથે ગંભીર ચર્ચા કર.

રંગલી— ગંભીર ચર્ચા કરવા જેવું ગીત હોવું જોઈએને? મેં તને કહ્યું હતું ને કે ગીત રચવામાં ઉતાવળ ન કરતો. સારો વિષય પકડજે.. અર્થ પકડજે… ભાવ પકડજે… બરાબર લય પકડજે…

રંગલો—- આ બધુંય એક જ પાંજરામાં પકડાઈ જાય એવું પાંજરું વડોદરાની નવાબજારમાં મળે છે? હું સો બસો ખર્ચી નાંખું એવો છું. હા… મને પૈસાની નથી પડી. પણ તું આમ મારા કવિત્વનું અપમાન કરે એ ગુજરાતી સાહિત્યનાં ભવિષ્ય માટે ઠીક નથી.

રંગલી—- હવે રહેવા દે. ગુજરાતી સાહિત્યની ચિંતા કરવાવાળા એક એકનું માથું ભાંગે એવા બેઠા છે. તું તારું કર. જેનો કશો અર્થ હોય એવું ગીત લખ. પછી મારી સાથે વાત કર.

રંગલો— હવે તું ધ્યાન દઈને આ ગીત ફરીથી સાંભળ.

ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા …..

રંગલી— મને તો આમાં કશું પલ્લે પડતું નથી.

રંગલો— જો તને સમજાવું.

રંગલી— ટૂંકમા સમજાવજે. હું લાંબી ચર્ચા સહન કરી શકું એમ નથી.

રંગલો— લાંબી ચર્ચાની જરૂર જ નથી રંગલી. આ એકદમ સરળ અને સહજ ગીત છે. ગામને પાદર ભેંસો જે પોદળા મૂકે છે એનું ખાતર થઈને ખેતરમાં પથરાય છે. જેના લીધે ખૂબ જ બાજરો પાકે છે અને એ બાજરાથી ખેડૂતની કોઠીઓ ભરાય છે. આ સંદેશો લઈને આવ્યું છે મારું આ ગીત. તને સમજાય છે એ સંદેશો?

રંગલી—- [પેટ પકડીને હસે] આ તો ઉખાણાં ગીત જેવું થયું.

રંગલો— એનો પ્રકાર નક્કી કરવાનું કામ તારું. આ તો પ્રથમ પંક્તિ છે. આખું ગીત તૈયાર થશે ત્યારે જોજેને તું જ એ ગીત માથે મૂકીને નાચવાની છો.

રંગલી— પણ મને એ નથી સમજાતું કે ગીતો મોટાભાગે ગામડાંનાંજ કેમ? શહેરનાં કેમ નહીં?

રંગલો— લે અવાજ કરની… આ રહ્યું શહેરનું ગીત! સાંભળ…
શાકની લારીએ હાલની સખી રીંગણાં વીણવા જઈએ ભીડા તોડવા જઈએ…

રંગલી—- એ એ એ રંગલા. આવું તે કાંઈ ગીત હોય?

રંગલો— હોઈ શકે. કેમ હોઈ શકે એ સમજવા માટે પહેલાં મારા સવાલનો જવાબ આપ કે શાકની લારીએ તમે સરખી સાહેલીઓ શાક લેવા ટોળે વળો છો કે નહીં?

રંગલી— હા. વળીએ છીએ.

રંગલો—લારીને ઘેરી વળ્યા પછી રીંગણાં કે બીજાં શાક વીણી વીણીને લો છો કે નહીં? વળી ભીંડા કૂણા છે કે નહીં એ જોવા માટે ભીંડાની સીંગો તોડી તોડીને લો છો કે નહીં?

રંગલી— અરે! અમે શાક લઈએ ત્યારે તું અમને આટલાં બધાં ધ્યાનથી જૂએ છે?

રંગલો— જોવું તો પડેને? ગીતકાર બનવું હોય તો અવલોકન તો કરવું પડેને? આ ગીતની રચના તો મેં ઊંડાં અવલોકન બાદ કરી છે.

રંગલી—એમ? તો તું હવે અવલોકનના ચાળે ચડ્યો છે?

રંગલો— હા. ધ્યાનથી સાંભળ મારું અવલોકન. શાક લેતી વખતે તમે લોકો શાકવાળા સાથે વજન અને ભાવ બાબત રકજક ન કરો તો તમને તમારું શાક લેવું એળે ગયું લાગે. શાક્વાળો એક બટાકું પલ્લામાંથી ઓછું કરે તો તમે ફરીથી પલ્લામાં નાંખો. એ ફરીથી ઓછું કરે તો તમે સીધું થેલીમાં પધરાવો. સાથે છોકરું હોય તો એના હાથમાં ટમેટું પકડાવી દો. પૈસા આપતી વખતે એકાદ રૂપિયો બાકી રાખવાનો! મસાલો મફત માંગવાનો. ના આપે તો છેવટે લીમડો તો લેવાનોજ!

રંગલી— વાહ રંગલા વાહ! આ વિષય પર તો તારે પી.એચ. ડી. કરવા જેવું છે.

રંગલો— એ પણ થશે. તારાં માર્ગદર્શન હેઠળ. પણ મારું આજનું ગીતગુંજન કેવું લાગ્યું? સાચુ કહેજે.

રંગલી— સાચુ કહીશ તો તારી લાગણી દુભાશે.

રંગલો— નહીં દુભાય. એ એટલી બધી દુભાઈ ગઈ છે કે હવે એમાં દુભાવા જેવું કશું જ રહ્યું નથી! માટે તારે જે કહેવું હોય તે બેધડક કહી દે.

રંગલી— તો સાંભળ. ગીત લખવાની હમણાં ઉતાવળ કરવા જેવી નથી. જૂનાં અને નવાં ગીતો ધ્યાનથી સાંભળ. નેટ પર અનેક સુંદર સુંદર ગીતો વાંચવા અને સાંભળવા મળશે. એની ખૂબીઓ પકડજે અને પછી ગીત રચવાના પ્રયાસ કરજે.

રંગલો—પણ મારા બ્લોગનું શું? દુકાન ખોલી નાખી છે તો માલ તો ભરવો પડશેને?

રંગલી— જો રંગલા. તારે માલ જેવો તેવો નથી ભરવાનો. બરાબરને?

રંગલો— હા બરાબર.

રંગલી— તો ધીરજ રાખ. અને હવે મને રજા આપ તો હું જાઉં.

રંગલો— ક્યાં જાવું છે એ તો કહો. ગોરી… ?

રંગલી— એ રસોડામાં જાવું છે. ચા બનાવવા. તારાં ગીતો સાંભળીને મગજને ભારે શ્રમ પડ્યો છે.

રંગલો— તેં તો સાંભળ્યાં ને આટલો શ્રમ પડ્યો પણ મેં તો આ ગીતો બનાવ્યાં છે. મને કેટલો શ્રમ પડ્યો હશે? મારે ચા નહીં પીવી હોય?

રંગલી— પીજેને. કોણ ના પાડે છે? હું કાંઈ એકલી પીવાની છું?

રંગલો—તો બરાબર. હવે આ બ્લોગમિત્રોની રજા લેતા પહેલા થોડું નાચી લઈએ…

બંને–

દિવસો ખૂટશે વરસો ખૂટશે જિંદગી ખૂટશે સઈ

મારીતારી આખોમાથી સપનાં ખૂટશે નઈં

આંસુ ખૂટશે મુસ્કાન ખૂટશે શ્વાસો ખૂટશે સઈ

મારાતારા ભવની આ ભવાઈ ખૂટશે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ

એ આવજો … બ્લોગમિત્રો … સુંદર સુંદર બ્લોગ બનાવજો ને અમને યાદ કરજો.

હાલો ઝટ હાલો…
[આવજો ... અસરના ઓટલે ફરીથી પધારજો]

રંગલાનું ગાલગાગા — યશવંત ઠક્કર

હે બ્લોગજનો… હે ગુણીજનો. અસર ના ઓટલે આપ સૌને આવકારતા હરખ અનુભવું  છું. આપ સૌ જાણો છો કે આજકાલ રંગલો ને  રંગલી આપણાં મહેમાન છે. આપ સૌનાં મનોરંજન માટે અહીંયા જાતજાતના ખેલ થાય  છે. આ બધા ખેલ કલ્પના પર આધારિત છે. કોઈ  કહેતા કોઈ વ્યક્તિ, વર્ગ  કે સમુદાયે  આ બધા ખેલ કે ખેલનો કોઈ ભાગ પોતાને  લાગુ પડે છે એવું માની લેવાની ઉતાવળ કરવી નહીં. ગેરસમજને દૂર રાખશો ને  મલકવાની ભાવના રાખશો તો સૌને મજા આવશે.  એવી મારી બે  હાથ  જોડીને વિનંતી છે.

હવે આજના ખેલની વાત કરું તો ખેલનું નામછે: છે:  “ રંગલાનું ગાલગાગા”  વાત એમ છે કે મિત્રો , કે  રંગલી  સલાહ મુજબ રંગલો પોતાનો જામેલો બ્લોગ બંધ કરીને નવો બ્લોગ શરુ કરે છે. આ બ્લોગમાં  તે  માત્ર પોતાની જ મૌલિક રચનાઓ મૂકવાનું નક્કી કરે છે. ને જૂઓ શું થઈ રહ્યું છે!!!

[ખેલ શરુ]

[રંગલો આમથી તેમ ચક્કર મારે છે ને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]

રંગલો— ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આજ તારું હાલ તારું  ગામ છોડું  પ્રેમથી …… આજ તારો હાથ છોડું  આમ છોડું પ્રેમથી

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

રંગલી— એ… રંગલા …મહેરબાની કરીને શાંત થા.. શાંત થા… તને થયું છે શું? આ તેં શાંની લવારી માંડી છે?

રંગલો— લે .. તને નથી ખબર? આજથી જાતે જ  જ ગઝલ બનાવું છું.

રંગલી— શું કહ્યું? ફરી બોલ તો.

રંગલો— એ..  બીજા પર આધારિત ન રહેતા હું જાતેજ ગઝલ બનાવું છું. માય ઓવન પ્રૉડક્ટ ….. એ પણ છંદમાં …   ગાલગાગા ગાલગાગા  ગાલગાગા ગાલગા

રંગલી— [ખડખડાડાટ હસીને]  અલા… ગઝલ તે કાંઈ બનાવવાની ચીજ છે? એ કાંઈ ખમણ  ઢોકળાં કે દાળવડાં કે ભજિયાં છે તે બનાવવા નીકળ્યો છે? એ તો થઈ જતી હોય છે આપોઆપ… જેમ આપણી વચ્ચે  થઈ ગયો હતો પ્રે….મ.  આપોઆપ! એકદમ સહજતાથી!

રંગલો— પ્રેમ આપોઆપ થઈ ગયો હતો ઈ વાત સાચી. પણ એને સફળ  બનાવવા કેટલાં કેટલાં વાનાં કરવાં .પડ્યાં હતાં . એ  હું  ભૂલ્યો નથી હો . તને આપવા માટે એક વખત તો એક ગુલાબના પૂરા સો રૂપિયા ચૂકવ્યા હતા. કહેતી હો તો  સાબિતી માટે હિસાબની જૂની ડાયરી પેશ કરું.

રંગલી—કોઈ જરૂર નથી.માની લીધું.

રંગલો—ત્યારે પછી. પ્રયત્નો તો કરવા જ પડેને?  સુતેલા સિંહનાં મોઢાંમાં કાંઈ ભજિયાં પ્રવેશ કરતાં  નથી.

રંગલી—બકા, ભજિયાં નહીં. હરણાં. સુતેલા સિંહનાં મોઢાંમાં હરણાં પ્રવેશ કરતાં નથી.

રંગલો— એમજ બોલવાનો હતો.પણ તેં  હમણાં જ ભજિયાંનું નામ લીધું ને મારાં  મગજમાં ભજિયાં ઘુસી ગયાં. આજે હવે ભજિયાં ખાવાં  જ પડશે.

રંગલી— તારાં  મગજમાં ક્યારે શું ઘુસી જાય એનું ઠેકાણું નથી.

રંગલો— રંગલી…. આ તારાં લીધે જ  મારું મગજ ખરાબ થઈ ગયું છે.

રંગલી — લે.કર વાત! તારું મગજ તો પહેલેથી જ ખરાબ હતું. મારું નામ શું કામ લે છે?

રંગલો— [રડવા જેવો થઈને] રંગલી… કેવો મજાનો મારો હર્યો ભર્યો બ્લોગ હતો! નાનામોટા કવિઓની ગઝલું ને ગીતડાં એમાં ગોઠવતોતો. મુલાકાતીઓ આવતાતાં ને ખુશ થાતાતાં ને જાતાં જાતાં કોઈના હૃદયમાં રામ વસે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી  કોમેંટું દેતા જાતાતા. એ બંધ કરીને તેં મને મોલિક રચનાઓ રચવાના ચાળે ચડાવ્યો.

રંગલી— મોલિક નહીં.મૌલિક … બોલ, મૌલિક .

રંગલો —એ   જે હોય તે.   પણ  સાવ ખોટો નિર્ણય લેવાઈ ગયો છે . પાંચ માણહને પૂછવા જેવું હતું.  ત્રણ  દીથી મથું છું પણ એક ગઝલ નથી બનતી.

રંગલી— એમ નિરાશ થવાની જરૂર નથી. બકા.. તારામાં કવિપણું હશે તો જરૂર  બહાર આવશે.જેમ પાતાળ  ફોડીને પાણી બહાર આવે છે એમ.

રંગલો—  પણ નથી આવતું એનું શું?

રંગલી— હવે તને ખબર પડીને કે એક કવિતા કે ગઝલ લખવી કેટલી અઘરી છે?  જો રંગલા, કવિ બનવા માટેની પહેલી શરત એ છે કે તમને વ્યથા  થવી જોઈએ. તને  થાય છે?

રંગલો—વ્યથા એટલે શું?

રંગલી— વ્યથા એટલે પીડા. બોલ તને કોઈ જાતની પીડા  થાય છે?

રંગલો— મારી ઉપરની આ  દાઢ  બે દિવસથી સબાકા મારે છે.

રંગલી— એવી પીડાની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું  છું કે તારી અંદરથી કોઈ અવાજ આવે છે?

રંગલો— અવાજની  વાત કરતી હો તો કાલ આખો દી પેટમાંથી  ગુડુડુડુનો અવાજ આવતોતો.

રંગલી— એ તો મારા હાથની દાળઢોકળી ખાવામાં તેં મર્યાદા ન રાખી એનું પરિણામ. પણ હું એવા અવાજની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું છું  કે તારાં હૃદયમાંથી કશો અવાજ આવે છે?

રંગલો— મારા કાન કરતાં તારા કાન સરવા છે. તને સંભળાય છે? એવું હોય તો લે મારું હૃદય આ રહ્યું હાજર! એના પર  કાન  માંડી જો.

રંગલી— ઓ કૉપિસમ્રાટ.  તેં તો હદ કરી નાંખી.  મારે તને કેમ સમજાવવો કે ગઝલ લખવી એ વાહ વાહ કરવા જેવું સહેલું કામ નથી. એને માટે હૃદયમાંથી આહ નીકળવી જોઈએ. તને પીડાનો  તીવ્ર અનુભવ થવો  જોઈએ.

રંગલો —એ થાય છે એની ખબર કેમ પડે?  જેમ કે મેલેરિયા થાય ત્યારે ઠંડી વાય ને તાવ આવે. આમાંય એવું કાંઈક થતું હશેને?

રંગલી—હે ભગવાન.આ રંગલાને મારે કેમ સમજાવવો?

રંગલો — રંગલાકો સમજાના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ.

રંગલી— એક છેલ્લો પ્રયત્ન કરી જોઉં.  ધ્યાન દઈને સાંભળ રંગલા.  જાણે કે આપણાં હૃદયમાં ટાંકણી ઘોંચાયને લોહીના ફુવારા ઊડે ને આપણાથી એક તીવ્ર ચીસ પાડી દેવાય. એ ચીસ એ જ ગઝલ!

રંગલો— [મજાકભર્યું  હસીને]  હવે તો તું હદ કરે છે હો રંગલી. હું તને એમ કહું છું કે કોઈ માણસનાં હૃદયમાંથી લોહીના ફુવારા ઊડે પછી  એ બચે જ શાનો?  પછી ગાલગાગા નો સવાલ જ ક્યાં રહ્યો?  પછી તો એક જ વાત રહે.  રામ બોલો ભાઈ રામ!  રામ બોલો ભાઈ રામ! કે વહેલું આવે અંતિમ ધામ.

રંગલી —એ આતો એક ઉદાહરણ છે ..  એને ઉદાહરણ તરીકે લે .. હવે હું તને બે હાથ જોડીને અરજ ગુજારું છું કે…

રંગલો— એ એ એ રંગલી. એમ સાવ નાખી દેવા જેવી વાત ન કર.  તું મને અરજ કરે તો મને મરવા જેવું લાગે.  હુકમ કર મારી રાણી, મને હુકમ કર.

રંગલી— તો  સાંભળ  રંગલા. મારો તને હુકમ છે કે આ ગઝલ-રચનાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ  રાખ. ખૂબ અભ્યાસ કર. તું નસીબદાર છે કે તને આ ઇંટરનેટના જમાનામાં  જ્ન્મ મળ્યો છે.  પહેલાં આવું નહોતું. કેટલાય ઉગતા કવિઓ માહિતી  અને માર્ગદર્શનના અભાવે  મુરઝાઈ જતા હતા. આજે  નેટ પર ગઝલ કે કવિતાની સમજ આપતી સામગ્રી તારી રાહ જોઈ રહી છે.  ગઝલ માટે ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા  એક જ છંદ નથી. બીજા અનેક છે. એની પણ જાણકારી મેળવ.  વળી ..  નવા અને જૂના અનેક કવિઓની રચનાઓ  તું મધુર સગીત સાથે સાંભળી શકે છે. આ બધાંનો તું પણ લાભ લે રંગલા.  લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો .. એ કહેવતની જેમ ઉતાવળો ન થા. ધીરે ધીરે તારા પંથે આગળ વધ.  તારું  કલ્યાણ  થશે.

રંગલો— [ગળગળો થઈને] કલ્યાણ  તો થાવાનું હશે  ત્યારે થાશે પણ  એની પહેલા મારે આ અતિ વિકટ રસ્તો પસાર કરવો પડશે એમ તારું કહેવાનું છે. હું બરાબર સમજ્યો છું ને મારી રાણી?

રંગલી— એકદમ બરાબર સમજ્યો છે મારા રાજ્જા.  કઠોર પરિશ્રનો કોઈ વિકલ્પ નથી.

રંગલો— છે .મારી રંગલી, છે.  જો તું રજા આપે તો…

રંગલી— મને ખબર છે કે તું શું કહેવા  માગે છે.  તારે ફરીથી કૉપિપેસ્ટ ના  સહેલા રસ્તે જવું છે ને?

રંગલો— રંગલી,તારી વાત સમજાવવા માંટે  તેં  મને બહુ ઉદાહરણ આપ્યાં છે. હવે  મારી વાત સમાજાવવા માટે એક ઉદાહરણ હું તને આપું.

રંગલી—ઈર્શાદ.

રંગલો— જો આપણાં આ વડોદરા શહેરમાં ફરસાણના શો રૂમ જેવી કેટલીય સુંદર મજાની દુકાનો છે કે નહીં?

રંગલી— છે ને.

રંગલો— એ દુકાનોમાં અનેક જાતનાં  ફરસાણનાં તૈયાર પેકેટો  મળે છે. એમાં સોલાપુરી ચેવડો મળે.. લીલો ચેવડો મળે… એમાં ભાદરણના મગ મળે…

રંગલી— [ચૂપ]

રંગલો— હોકારો તો દે મારી રંગલી. તારાં મોઢાંમાં ભાદરણનાં મગ ભર્યાં છે? હા  એટલું તો બોલ.

રંગલી— હા મળે.

રંગલો— એમાં ભાવનગરી ગાંઠિયા મળે.

રંગલી— મળે.

રંગલો— એમાં મુંબઈનું ટમટમ મળે.

રંગલી— મળે.

રંગલો— એમાં લીંબુ મરીની સેવ મળે.

રંગલી—મળે.

રંગલો— લે વડોદરાની ભાખરવડી તો ભૂલી જ ગયો. સરસ મજાની અમેરિકા ને લંડન સુધી જાય એવી ભાખરવાડી મળે.

રંગલી— એ રંગલા. આ શું  નવો ધંધો માંડ્યો છે? વડોદરાની દુકાનોમાં બસ્સો જાતનાં ફરસાણ મળે એટલે મારે  બસ્સો હોકારા ભણવાના? જે કહેવું હોય એ ટુંકમાં  કહેતા નથી આવડતું?

રંગલો— ટુંકમાં કહેવાય એવી વાત હોત તો કહી ન દીધી હોત? મને વિચાર વિસ્તાર કરવાના શોખ  થાય છે?  જા નથી કાહેવું કશું.

રંગલી— એ … રંગલા રાજા. રિસાઈ ગયો? આટલી અમથી વાતમાં?

રંગલો— [ગળગળો થઈને] તને તો ખબર છે ને રંગલી…  કે હું અતિશય લાગણીશીલ વ્યક્તિ છું. મારી લાગણી દુભાતા વાર નથી લાગતી.

રંગલી— હશે રંગલાજી. હશે. મારી ભૂલ થઈ ગઈ. આપની લાગણી દુભવવા બદલ હું આપની ક્ષમા યાચુ છું.

રંગલો— રહેવા દે. સારી નથી લાગતી. સાહિત્યકારોની જબાન છોડીને તારી જબાનમાં  સીધી વાત કર.

રંગલી— સીધી વાત તો તારે કરવાની છે. તારી  વાત વડોદરાની ફરસાણની દુકાને અટકી ગઈ છે.

રંગલો— તો સાંભળ આગળ. ફરસાણની દુકાનમાં ઘરાક આવે. જેનાં પેકેટ  જોઈતા હોય એ લઈ લે ને પૈસા ચૂકવી ને થાય હાલતા. દુકાનદારને કોઈ જાતની મગજમારી ખરી? ચેવડો બનાવવાની કે ભાખરવડી બનાવવાની? બનાવનારાં બનાવે. વેચનારાં  વેચે. ખાનારાં  ખાય. એમાં કોઈનો ગરાસ શાંને લુંટાય?

રંગલી— તારો ઈરાદો શો છે? સાફસાફ બોલ.

રંગલો— સાફસાફ કહું તો રંગલી, મને  હું  ગઝલ રચનાના પંથે આગળ નહીં વધી શકું. તૈયાર ગઝલો લઈને મારા  બ્લોગમાં મૂકવા દે. હું કવિઓના નામ લખીશ. બસ.હવે તું રાજી?

રંગલી— મને રાજી કરવાનો એક જ રસ્તો છે. મૌલિક રચના. તારે જાતે જ રચના કરવાની છે. ભલે આભ તૂટી પડે કે ધરતી ફાટી પડે.

રંગલો— મારી નાંખ્યા. આના કરતાતો દાબેલી બનાવવી  સારી.   ગઝ… લ… ગઝલ …[ગાય]  ગઝલ  બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ કાહેકો યે ગઝલ બનાઈ..

રંગલી— એમ હિંમત હારી જવાની જરૂર નથી. ગઝલ અઘરી લાગતી હોય તો સાહિત્યના બીજા અનેક પ્રકારો છે. જેવા કે ગીત ..

રંગલો— હા હા હા. ગીત બનાવવું મને ફાવશે. એમાં તો છંદની દાદાગીરી નહીં નડેને?

રંગલી—  જે નડવાનું હશે એ નડશે પણ  હવે તારી પાસે  આગળ  વધવા સિવાય કોઈ રસ્તો નથી.

રંગલો— આજે તો ભૂખ લાગી છે એટલે આગળ નહીં વધાય.

રંગલી— આપણને  કોઈ ઉતાવળ  નથી. ધીરજનાં ફળ મીઠાં.

રંગલો— પણ મને તો તીખાં તીખાં ભજિયાં ખાવાનું મન થયું છે.

રંગલી — તો હું શું કરું?

રંગલો— બનાવ્ય. મરચાનાં  બનાવ્ય. ટમેટાંનાં બનાવ્ય. કેળાનાં બનાવ્ય.

રંગલી— એટલે અત્યારે હું તારા માટે ભજિયાં બનાવવા બેસું?

રંગલો—મારા માટે નહીં.આપણા માટે.

રંગલી— કેમ? તૈયાર નથી લવાતાં?

રંગલો— તૈયારમાં મજા ન આવે.

રગલી— ગઝલ તૈયાર ચાલે. ભજિયાં તૈયાર ન ચાલે. વાહ રંગલા વાહ .તારી બે મોઢાંની વાત નહીં ચાલે.

રંગલો— મેં તારી વાત માનીને? હવે તું મારી વાત માન.

રંગલી— સારું. તો થેલી લઈને જા. મરચાં … ટમેટાં … કેળાં… કારેલાં … જેનાં ભજિયાં ખાવાં હોય એ બધું   લઈ આવ.

રંગલો- પણ એની પહેલાં થઈ જાય … તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલી— તો ચાલ  …

અમે રંગલો રંગલીરે ભાઈ ઇન્ટરનેટે  પહોંચ્યાં

ઇંટરનેટના  આંગણે અમને સૌએ પ્રેમથી પોંખ્યાં

જ્યાં  જ્યાં કર્યા ખેલ   ત્યાંથી ચિંતા ભાગી ગઈ

ચિંતા ભાગી ગઈ  ચિંતા ભાગી ગઈ

ને કરો હવે …  તા થૈયા થૈયા ને તા થૈ.

એ હાલો… હાલો..

[આજનો ખેલ પૂરો કાલે   અસર ના ઓટલે  વહેલાસર પધારજો. એ આવજો ]

COPY PASTE…COPY PASTE

[પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય]

રંગલો—-

કૉપિ પેસ્ટ … કૉપિ પેસ્ટ    કૉપિ પેસ્ટ…  કૉપિ પેસ્ટ

ધંધો આ છે કેવો બેસ્ટ … કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

ફ્રોમ ઈસ્ટ કે ફ્રોમ વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

એનર્જી કરવી શાને વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

કોનાં એગ્ઝ  ને કોનો નેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

છપ્પનની રાખવી ચેસ્ટ……. કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ


રંગલી—- એ રંગલા. તને પગે લાગું. તારું  આ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ બંધ કર. જ્યારથી તેં બ્લોગ ચાલુ કર્યો છે ત્યારથી તને કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટનું ભૂત વળગ્યું છે.

રંગલો—- એ ભૂતના કારણે તો  મારો બ્લોગ  જામી ગયો છે રંગલી. હજારોએ મુલાકાત લીધી. પ્રતિભાવોનો પાર નથી. તેં અને મેં સાથે બ્લોગ શરુ કર્યા હતા. આજે તું ક્યાં ને હું ક્યાં? આજે મારો બ્લોગ નંબર વન છે.

રંગલી— હવે મૂછો છે નહીં ને  વળ દેવા રહેવા દે. ને આ  કૉપિ પેસ્ટ ના ધંધા બંધ કર.

રંગલો— મને એજ નથી સમજાતું કે  કૉપિ પેસ્ટની સગવડતાનો લાભ લોકોને આપવામાં વાંધો શો છે?

રંગલી—- જો તને સમજ પાડું. રંગલા, હું તારા માટે રસોઇ   ન બનાવું અને આપણા પાડોશી નીતાબેનની રસોઇ  લાવીને તારા ભાણાંમાં મૂકું એ બરાબર કહેવાય?

રંગલો— મને શો વાંધો હોય? મારે તો ખાવા સાથે કામ. આમેય તારાં કરતાં આપણી તમામ પાડોશણોની રસોઇ  સારી હોય છે.

રંગલી— જા તારી સાથે વાત જ નથી કરવી.

રંગલો— અરે રંગલી. હું તો મજાક કરતો હતો. બાબા માફ કર દે.

રંગલી— મારો કહેવાનો મતલબ એ છે કે હું તને બીજાની રસોઇ  જમાડતી હોઉં  ત્યારે મારે તને કહેવું જોઈએ કે આ રસોઇ  ફલાણા બેનની છે.

રંગલો— કેમ? એવો કાયદો છે?

રંગલી— બધી બાબતોમાં કાયદા નથી હોતા. રંગલા, એ મારી નૈતિક ફરજ છે.

રંગલા – તો બજાવ તારી નૈતિક ફરજ. મને કોઈ ફરક નથી પડતો. ને રહી બ્લોગની વાત. તો સમજી લે કે વાચકોને કોઈ ફરક નથી પડતો. એને વાંચવા સાથે મતલબ છે.લખનાર સાથે નહીં.

રંગલી— અરે પણ જેણે મહેનત કરીને પોતાનું લખાણ તૈયાર કર્યું હોય એના નામનો ઉલ્લેખ તો કરવો જોઈએ કે નહીં?

રંગલો— કોઈ જરૂર નથી. એણે રેઢી મૂકી તો મેં ઉઠાવીને? એ એના મનમાં સાચવીને બેઠો હોત તો હું . કૉપિ પેસ્ટ કરવાનો હતો? ચાલ જવાબ દે.

રંગલી— રંગલા. બીજાની રચના આપણા બ્લોગ પર મૂકીએ ત્યારે એના નામનો ઉલ્લેખ  ન કરીએ  તો એ બેઈમાની  કહેવાય.

રંગલો — [ગીત ગાય] ના ઇજ્જતકી ચિંતા ના ફિકર કોઈ અપમાનકી

જય બોલો બેઈમાનકી .. જય બોલો.

રંગલી — એટલે તેં લાજ શરમ સાવ નેવે મૂકી છે એમને? તો કર તારે જેમ કરવું હોય એમ. હું આ ચાલી.

રંગલા— એ.. એ… એ.. રંગલી. ઊભી રહે.. ઊભી રહે. ઈન્ટરનેટનો  બ્લોગ તો આજ છે ને કાલ નથી. તું તો મારો જીવતો ને જાગતો … હરતો ને ફરતો… બ્લોગ છે.

રંગલી— ઊભી રહું. પણ એક શરતે. આજથી કૉપિ પેસ્ટ બંધ.

રંગલા— – થોડી દયા ખા.રંગલી. વરસોની આદત એમ એક ધડાકે કેમ છુટે?  ને કૉપિ પેસ્ટ તો કેટલાંય કરે છે. તું મને એકલાને જ ભાળી ગઈ  છે.

રંગલી— જે લોકો એવું કરે છે એ બધાં જ તારા જેવું નથી કરતા. એ લોકો જ્યાંથી કૉપિ પેસ્ટ કર્યું હોય એનો ઉલ્લેખ કરે છે. જેણે મહેનત કરીને પોસ્ટ તૈયાર કરેલ હોય એ વ્યક્તિને જશ આપે છે. સમજ્યો?

રંગલો— સમજ્યો મારી મા સમજ્યો. હવેથી કૉપિ પેસ્ટ કરીશ ત્યારે જે તે લેખક કે કવિનું નામ લખીશ. ભલે એ પણ બિચારો રાજી થતો. ને મને યાદ કરતો.

રંગલી— એમ માત્ર નામ લખ્યે નહીં ચાલે.રંગલા, એની લિંક પણ આપવી જોઈએ.

રંગલો—આ તારી દાદાગીરી છે.રંગલી.

રંગલી- આ દાદાગીરી નથી. ઈમાનદારી છે.

રંગલો— એટલે કે હું બેઠો બેઠો બીજાની ઘરાકી વધારું?

રંગલી—એમાં તારી પણ કિંમત વધશે.

રગલો— ચાલો.જેવો રંગલીનો હુકમ.

રંગલી— અને સાંભળ. હજી એક વાત..

રંગલો— હવે આવતા અંક માટે કશું રહેવા દેવું છે કે નહીં?

રંગલી—ચાલ. આટલી વાત યાદ રાખજે.પછી જોજે ને તારા બ્લોગના વખાણ  હું પણ કરીશ.

રંગલો—કેવા વખાણ કરીશ?

રગલી— એ તો ત્યારે તું જોઈ લેજેને.

રંગલો— આવું ના કરને રંગલી. એક જલક તો દેખાડ.

રંગલી— તો સાંભળ રંગલા.

રંગલાનો બ્લોગ જામ્યો રે રાજાના કુંવર.

હાલોને કોમેન્ટ કરીએ રે રાજાના કુંવર.

બ્લોગનું મજાનું થીમ રે રાજાના કુંવર.

મજાની રંગલાની રીત રે રાજાના કુંવર.

રંગલો— અરે અટકી કેમ ગઈ રંગલી?

રંગલી— કેમ? આવતા અંક માટે બાકી નથી રાખવું?

રંગલો—-અરે રંગલી,શું કહું?  તું જો આવી રીતે જ નાચતી રહે ને તો તો હું  યુગો ના યુગો સુધી આમ જ તને જોયા કરું હોં.

રંગલી– હવે જા  જા  હરખપદુડા.  તું  નવરો છે . હું નહીં.  મારે તો બ્લોગ લખવો છે.

રંગલો— તો  મારેય  કૉપિ પેસ્ટ  કરવો  જ  છે  ને? પણ  નામ ઠામ  સા થે હો.

રંગલી— હવે   તે  મુદ્દાની વાત કરી. ચાલ  હવે જાતાં  જાતાં તા થૈયા થૈયા ને તા થૈ કરી નાખીએ .તો જરા બ્લોગ મિત્રોને સારું લાગે.

રંગલો– સૌથી વધારે તો એ.. પેલાં પિન્કીબેનને   સારું  લાગશે.

[બંને જણાં  નાચે અને ગાય]

કૉપિ  પેસ્ટના  કરવાવાળા  કરજો  એટલું  કામ

કરજો  એટલું  કામ  કરજો  એટલું   કામ

જે ના જેના  લીધા  લેખ  લખજો  એનું  નામ

લખજો  એ નું નામ  લખજો  એનું  ઠામ

ઉપરથી વાલીડાં મારાં કરજો એને સલામ

તા થૈયા થૈયા ને તા થૈ …

એ  હાલો…હાલો…

[બંને જણાં    અસર ના  મુલાકાતીઓની   વિદાય લે ]