Archive

Posts Tagged ‘ટૂંકી વાર્તા’

સાંકડ-મૂકડ

મોટરગાડી  ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો  પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.

રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે  બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ  જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?

નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ  મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંચો કરીને ઊભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.

“રાકેશ, ગાડી ઊભી રાખ.” મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊભી રાખી.

નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યું: “ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડ્યો છે એટલે કહું છું.”

“ગાડીમાં જગ્યા જ નથી.” રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.

“જરા સાંકડમૂકડ બેહાડી દ્યો તો મહેરબાની.”

“આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.” રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.

….. એ ક્ષણે તો મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું  બળદગાડું![માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી.]  આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો  લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે  નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો  અને  એમાં નાગભાઈના પરિવારના સભ્યો બેઠાં હતાં.

માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ માફામાંથી નાગભાઈની બાના  શબ્દો મેં સાંભળ્યા: “અરેરે! આ બળબળતા તાપમાં આ છોકરો શેકાઈ જાશે! એને બિચારાને માફામાં  બેહાડી દે.”

“મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ  છે પણ તમને ફાવશે?” માફામાં  જગ્યા નહોતી એટલે નાગભાઈએ  અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્યું.

“અરે! સાંકડમૂકડ સામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.”

“આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?”  એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો  ઊભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.

વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને….

….. “રાકેશ, ઊભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.” મારાથી કહેવાઈ ગયું.

રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.

ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.

ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડ્યો.

“શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ના થવાય.  તું પણ સુધર્યો નહીં…. ”  રાકેશ બોલ્યે જતો હતો.

…પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.

ચાંદની. 21-12-1984]

[અમારી  એક  વાર્તા વૃંદાવનમાં નિમાણી થઈને બેઠી છે: “લીલા”

અને બીજી મુંબઈની ભીડમાં અટવાઈ ગઈ છે.: “મુંબઈ ” – ખરેખર મુંબઈમાં કોઈ કોઈનું નથી? વાંચો આ વાર્તા. ]

[ વાર્તા બાબત વધારે વાંચો: વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી ]

ચૂલે તપેલી

[ બ્લોગ મિત્રો, ગ્રામ્યસમાજમાં જેને 'બે આંખની શરમ' કહે છે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે  છે. ત્યાં, સંબધો ઘણી વખત કઈ રીતે જળવાતા હોય છે ;  એ હું નહીં કહું ...આ વાર્તા કહેશે.]

“એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી છે.”

“પૈસા લાવ્યાં છો?” મેં પૂછ્યું.

“બાકી રાખવા સે, દીકરા.”

“બાકી? બાકી બાકી કેટલા દિવસ સુધી કરશો? નથી ઉધાર આપવું જાવ.”

‘કાંઈ કારણ પણ?”

“આગળના વીસ રૂપિયા લેણા છે એ ચૂકવવાનું તો નામ નથી લેતાં. રોકડેથી લેવા બીજાની દુકાને જાઓ છો ને ઉધાર લેવા અહીંયા આવો છો ? મારે નથી એવો ધંધો કરવો.એક તો ઉધાર આપવું ને ઉપરથી ઘરાક ખોવું.”

“કોને ન્યાંથી રોકડેથી લાવી વળી? ઈ તો તારા વીસ રૂપિયા નથી દેવાણા એટલે  આજ્યકાલ મગનની દુકાને જાવું પડે સે. ને ન્યાંથીનેય ઉધાર જ  લાવુંસ.”

“તો આજેય જાઓ એને ત્યાં.”

” એની દુકાન બઉ આઘી પડી જાય દીકરા. ઘેર મે’માન બેઠા છે ને સૂલે તપેલી સે. નકર તારી હારે આટલી બધી ધડ્ય નો કરું હો.”

“તમને કહ્યુંને એકવાર કે મારે ઉધાર નથી આપવું. મારે ઈ ધંધોજ નથી કરવો. મણીકાકી. હું આમ ગામલોકોને ક્યાં સુધી  ઉધાર આપ્યાં કરું?  ઉઘરાણી  તો પતતી નથી. મારે તો ગામ મૂકવાનો વારો આવશે.”

“ગામની વાત જાવા દે. તને આ તારી મણીકાકી ઉપર વિશવાસ નથી? “

“નથી નથી ને નથી. એકસો ને એક વાર નથી. હવે કહેવું છે  કૈં? “

“તારો મગજ તો બઉ આકરો ભઈ. કાંઈ વાંધો નઈં. ઘેર મે’માન સે ને સૂલે તપેતી સે. કાંઈક મારગ તો કાઢવો પડશેને?”

“તમારે જેમ કરવું હોય એમ કરો. બાકી હું ઉધાર નહીં આપું. “

“જેવી તારી મરજી.”

મણીકાકી દુકાનનો ઓટલો ઊતરી ગયા. મેં નવલકથાનું વાંચન આગળ વધાર્યું.  પાંચ લીટી પણ નહીં વાંચી હોયને મને થયું કે મણીકાકીને પાછાં બોલાવું. મેં ઊભા થઈને દુકાનની બહાર ડોકું કાઢ્યું .ઊભી બજારે નજર દોડાવી પણ મણીકાકી ક્યાંય નજરે ન ચડ્યાં. ત્રણચાર કૂતરાં અને દસબાર નાના છોકરાંઓ સિવાય આખું ગામ હજી રોંઢો થવાની જાણે રાહ જોતું હતું.

મેં ગાદીતકિયા પર લંબાવ્યું અને નવલકથામાં ડૂબકી મારી. હજુ પૂરો ડૂબું ન ડૂબું ત્યાંતો મણીકાકી પાછાં આવ્યાં અને ઓઢણીથી ઢાંકેલો  અને ખાંડથી ભરેલો વાટકો દેખાડતાં બોલ્યાં: “જો દીકરા.તેં ઉધાર દેવાની ના પાડી તો આ તારી ઘેર જઈને તારી બા પાંહેથી વાટક્યો ખાંડ ઉછીની લઈ આવી. પણ જોઈ એમાં કાંઈ હાલે? ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી સે. તું જ કે હું બીજું  સું કરું? “

હું મણીકાકીને તાત્કાલિક જવાબ આપી ન શક્યો અને મારા જવાબની રાહ જોયા વગર જ તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં.

એમની જીમીનો લફડફફડ અવાજ મારે કાને અથડાતો રહ્યો.

[પ્રગટ: "ચાંદની"  1 -12-1981 ]

વાર્તા અને વાતો

બ્લોગજનો…પવિત્ર શ્રાવણ મુબારક.હવે વાતાવરણ વધારે ભક્તિમય,ઝાલરમય,આરતીમય,સંગીતમય,વ્રતમય,કથામય,પ્રસાદમય,ઉપવાસમય,ફરાળમય…થતું જશે!આમ તોઅષાઢથીજ કુદરતી અને સામાજિક વાતાવરણ બદલાવા લાગે! પણ શ્રાવણમાં તો સપાટો બોલી જાય…જેમ ખાબોચિયાંમાંથી નાની નાની દેડકીઓ બહાર ફરવા નીકળી પડે એમ ચોપડીઓ કે કેસેટ્સમાં પુરાયેલી વ્રત કથાઓ જનસમુદાયમાં ઉમટી પડે! …એક કાળે એક ગરીબ બ્રાહ્મણ હતો…. એક રાજા હતો… એક દુ:ખી   બાઈ હતી… વાર્તા,વાર્તા અને વાર્તા. વાર્તા રે વાર્તા .. ભાભો ઢોર ચારતા!

એ પણ કેવા સંજોગો છે કે  સવારથી જ અમારા મનનો કબજો પણ વાર્તાએ જ લઈ લીધો છે. વાર્તા… ટૂંકી વાર્તા… નવલિકા… જે કહો તે. એ બાબત વિદ્વાન વાર્તાકારોએ ખૂબ કહ્યું છે. ખૂબ ચર્ચાઓ થઈ છે.  જેમ કે:

-વાર્તાની વ્યાખ્યા હોઈ શકે? … વાર્તા કેવી હોવી જોઈએ? કેવડી હોવી જોઈએ? આદિ,મધ્ય,અંત હોવા જોઈએ? કૂતરાની વાંકી પૂછડી જેવો અંત  જરૂરી છે? એ ચરબીવાળી હોઈ શકે કે પાતળી પરમાર જેવી જ હોવી જોઈએ?

-ગીત કે ગઝલમાં જેમ આંગળી મૂકીને કહી શકાય કે અહીં લય કે છંદ તૂટે છે એમ વાર્તા માટે કહી શકાય કે ક્યાં કશું તૂટે કે ખૂટે છે?

-વાર્તાકાર કશું કહેવા માંગતો હોય  કે બોધ આપવા માંગતો હોય એ હંમેશા જરૂરી છે?  વાર્તા પર બોધનો ભાર નખાય?

- વાર્તાના જૂની,નવી કે આધુનિક એવા પ્રકારો પડી  શકાય?

-વાર્તામાં નવું હોવું જ જોઈએ? નવું ક્યાંથી લાવવાનું?  ’મહાભારત ‘ કે અન્ય ગ્રંથોમાં ન હોય એવું વાર્તાનું તત્વ કે બીજ લાવવું શક્ય નથી! તો વાર્તાકાર માટે ‘શું કહેવું ‘ એ સવાલ રહેતો નથી પણ ‘ કેવી રીતે કહેવું’   એ મુખ્ય સવાલ  છે. એ જ એનું મુખ્ય કામ છે?

…… આવા અનેક મુદ્દાઓ છે. બધા વાર્તાકારો આવા મુદ્દાઓને  જાણ્યે અજાણ્યે ધ્યાનમાં રાખતા હશે? વીસેક વર્ષો પહેલાંની વાત જૂદી હતી. સામયિકોના સંપાદકો  પોતાના માપદંડોનું  પાલન ન કરતી વાર્તાઓને બેધડક ‘સાભાર પરત ‘ કરી દેતા હતા.વાચકો પણ એટલા બધા ચકોર હતાં કે  બેઠ્ઠી નકલ તો પકડી પાડે પણ  કોઈ વાર્તામાં થોડોઘણો ફેરફાર સાથેની  બીજી વાર્તા પ્રગટ થઈ હોય તો એ પણ પકડી પાડતા.’ વાર્તાકારે વાર્તાનું બીજ  ફલાણી વાર્તામાંથી ઉપાડ્યું છે’ એવા આક્ષેપો થતા. એ દિવસોમાં મહેનત કરવામાં માનનારા નવોદિત લેખકો સંપાદકને વાર્તા મોકલતા પહેલા ઘણો વિચાર કરતા. ‘સાભાર પરત ‘ ની તૈયારી રાખતા. ખૂબ ખૂબ વાંચતા, શીખતા અને આગળ વધવાની ખેવના રાખતા… છતાંય ભલભલાને આંખે પાણી આવી જતાં.

…. આપણા વિદ્વાન વાર્તાકારોને  પણ કસોટીની એરણે ચઢવું પડતું ! એમની વાર્તાઓના પણ છોતરાં નીકળતાં.સંપાદકે મજબૂરીના કારણે કે શરમે ધરમે જાણીતા વાર્તાકારની નબળી વાર્તા છાપી હોય તો અવલોકનકાર એમને છોડતો નહોતો. નવોદિતો માટે ચઢાન કપરાં  હતા. પણ એમાંથી જે પસાર થયા છે એમનામાં  એક પ્રકારની સ્વ્યં શિસ્ત પણ જોવા મળશે.

તો બ્લોગમિત્રો, આજે બ્લોગજગતમાં શું હાલત છે? જ્યાં કોપી-પેસ્ટ ને કે બેઠ્ઠી નકલની પ્રવૃત્તિને પણ હળવાશથી લેવાતી હોય કે હક માનવામાં આવતો હોય  ત્યાં વાર્તાના તત્વ કે બીજ કે idea ની ચોરી એ ચોરી ગણાય ? ભેળસેળના  જમાનામાં આવી વાતો સાથે કોને નિસ્બત હોય?

હોય! હોય ને હોય ! કોને હોય એની વાત ક્યારેક કરીશું.

જલસા કરો.

વટનો કટકો

કોઈ શેઠ  પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે?  પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા પડાવે અને એ જ પ્રસંગે પાછા પેલા સ્નેહીજનને તાળીઓ પાડવા હાજર રાખે ત્યારે પેલા સ્નેહીજનનાં દિમાગમાં શું ચાલતું હશે?

ચાલો આ તો થઈ મદદની વાત. પણ ….  જવા દો ને … મારે વધારે નથી કહેવું. આ વર્તા  જ કહેશે. વાંચો…..

***********

વટનો  કટકો

“બોલો ભાઈ બોલો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ધરમનાં કામમાં ઢીલ કરશો તો પસ્તાશો.” વાલજીશેઠે ગામલોકોને પાણી ચડાવવાનું શરૂ કર્યું.

વાલજીભાઈનો ગામમાં પહેલાં મોટો ધંધો હતો. પણ ઉધારી ન પતવાને કારણે ધંધો પડી ભાંગ્યો હતો.  હવે તેઓ નાનકડી હાટડીના માલિક હતા. પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! ગામલોકો હજી તેમને વાલજીશેઠ જ કહેતાં. જળઝીલણી અગિયારસના તહેવારે ઠાકોરજીની આરતી ઉતારવાનો બોલ બોલાવવાનું શુભ કાર્ય એમના ભાગે જ આવતું.  હિસાબ- કિતાબના જાણકાર  ખરાને?

કોઈએ સવા રૂપિયાથી શરૂઆત કરી. બીજાએ  પોતાનો બોલ સવા બે રૂપિયાથી બોલાવ્યો. તો ત્રીજાએ સવા પાંચ રૂપિયા કહ્યા!

પણ ત્યાં તો….

“આપણા સવા અગિયાર રૂપિયા.”  અમકુબાપુએ હાથ ઊંચો કરીને હાકલો કર્યો.

“ઠાકોરજીની આરતી ઉતારવાના બોલમાંઅમકુબાપુના સવા અગિયાર રૂપિયા.”  વાલજીશેઠે પણ  પોતાનો હાકલો યથાશક્તિ મોટો  કર્યો.

“આપણા સવા એકવીસ  રૂપિયા”  વાઘજી પટેલ પણ પણ  જાણે જંગના મેદાનમાં  જંપલાવતા હોય એમ બોલ્યા.

“વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા.” વાલજીશેઠ  ગળું ખંખેરતા બોલ્યા.

ગામલોકોના  ડોકાં ઊંચા થઈ ગયાં. “હવે જામશે”  કોઈ બોલ્યું પણ ખરું.

“આપણા સવા એકત્રીસ રૂપિયા”  અમકુબાપુએ ફરી હાથ ઊંચો કર્યો.

“અમકુબાપુના સવા એકત્રીસ રૂપિયા. બોલો ભાઈ બોલો.નાણું મળશે પણ ટાણું નહીં મળે.” વાલજીશેઠ જોર કરીને બોલ્યા.

ગામલોકો વાલજીશેઠ, અમકુબાપુ,વાઘજી પટેલ અને ઠાકોરજી તરફ વારાફરતી જોતાં રહ્યાં અને બોલી વધતી ગઈ.

જેમ જેમ બોલી વધતી ગઈ તેમ તેમ વાલજીશેઠનું ગળું સુકાતું જતું હતું.

“હવે વાલજીશેઠનાં  ગળામાં પહેલાં જેવો રણકો નથી રહ્યો.” કાળીદાસે ટીખળ કરી.

“ક્યાંથી રહે!” દુલાએ મમરો મૂક્યો.

“આપણા સવાસો રૂપિયા” વાઘજી પટેલ બોલ્યા.

“વાઘજી પટેલના સવાસો રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવાસો રૂપિયા” વાલજીશેઠ ફાટતા ગળે બોલ્યા.

“અપણા સવા બસ્સો રૂપિયા” અમકુબાપુ  બંદુકંનો ધડાકો કરતા હોય એમ બોલ્યા.

વાલજીશેઠને તો પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એ તો અમકુબાપુ સામે જોતા જ રહ્યા.

“અટકી  કેમ ગયા શેઠ? આ તો મરદના ખેલ સે. બોલો આપણા સવા બસ્સો રૂપિયા.” અમકુબાપુએ  પોતાની મૂછો પર હાથ ફેરવતા ચોખવટ કરી.

“એ અમકુબાપુના સવા બસ્સો રૂપિયા. ” વાલજીશેઠે પોતાનામાં હતું એટલું જોર રજૂ કરી દીધું.

હવે બધાની નજર વાઘજી પટેલ તરફ ગઈ. પણ…

“ભલે બાપુ લાભ લેતા” એમ કહીને વાઘજી પટેલ બોલી વધારવામાંથી ખસી ગયા.

બીજું તો કોઈ મેદાનમાં હતું નહીં. વાલજીશેઠ  બોલી બોલાવવાના કાર્યક્રમનો અંત લાવતા ઊંચો હાથ કરીને જોર એકઠું કરીને બોલ્યા: “ઠાકોરજીની આરતી ઉતારવાના અમકુબાપુના સવા બસ્સો રૂપિયા એક વાર …. સવા બસ્સો રૂપિયા બે વાર…. સવા બસ્સો રૂપિયા ત્રણ વાર.બોલો શ્રી ગિરિરાજધરણકી જે…”

“જે….”  ગામલોકો ઉમળકાથીજય બોલ્યાં.

….. ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા અમકુબાપુ જ્યારે ઠકોરજીની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે વાલજીશેઠ મનોમન બોલ્યા: “વટનો કટકો…. ગઈ દિવાળી પહેલાંના દોઢસો રૂપિયા બાકી છે એ આપવાનું નામ નથી લેતો ને અહીં સવા બસ્સો દઈને ઠાકોરજીની આરતી ઉતારે છે!!!!”

મુખવટો- યશવંત ઠક્કર

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

જોડકાં જોડો અને કરોડપતિ બનો!

રવિવારની સવાર હતી. રજાનો દિવસ હતો. જશુભાઈના હાથમાં ચાનો કપ હતો. સામે જીતુ હતો.

જીતુએ સવાલ કર્યો: પપ્પા, એક સવાલ પૂછું?

રહેવા દે.તું મારું દિમાગ ખરાબ ના કરીશ.

તમારું દિમાગ ખરાબ જ છે. ઉપયોગ નહીં કરો તો વધારે ખરાબ થશે. માટે મારા સવાલનો જવાબ આપો કે – બાપને શિષ્યનું નામ ફળ્યું નહીં ને બેટાને ગુરુનું નામ ફળ્યું નહીં તો એ બાપ-બેટો કોણ ને એ ગુરુ-શિષ્ય કોણ?

તને ક્યાંથી આવા ઢંગધડા વગરના સવાલો સૂજે છે?

પ્રયત્ન તો કરો. મમ્મીના હાથની ચાનું તો માન રાખો.

મને તારા સવાલમાં કશી ગતાગમ પડતી નથી.

ગતાગમ હું પાડું. જૂઓ. એક બાપ છે. એને એક બેટો છે. સામે એક ગુરુ છે ને એ ગુરુને એક શિષ્ય છે. આટલું બરાબર સમજાયું?

સમજાયુ.

હવે ધ્યાનથી સાંભળો. એ બાપને પનારો પડે છે પેલા શિષ્યનાં નામ સાથે. પણ એમાં એ જોઈએ એવા ફાવતા નથી. એવી જ રીતે એ બેટાને પનારો પડે છે પેલા ગુરુનાં નામ સાથે. પણ એનેય એમાં ખાસ ફાયદો થતો નથી. તો એ બાપ-બેટો કોણ? ને એ ગુરુ-શિષ્ય કોણ?

જશુભાઈ કામે લાગી ગયા. જીતુ રમવા જતો રહ્યો. જમવા ટાણે ફરી ભેગા થયા ત્યારે જીતુએ જવાબ માંગ્યો.

તું મને નિરાંતે ખાવા તો દે.

ખાધાં પછી પણ જશુભાઈ પાસે જવાબ નહોતો! જીતુએ એમની મુશ્કેલી ઓછી કરવા કહ્યું: પપ્પા, એ બાપ-બેટો બંને ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો છે. હવે તો એકદમ આસાન થઈ ગયું.

તું અમિતાભ અને અભિષેકની વાત તો નથી કરતો?

બિલકુલ સહી જવાબ. પણ પપ્પા, હજી ગુરુ-શિષ્યનાં નામ બાકી રહ્યાં. દિમાગ દોડાવો.

નથી દોડતું દીકરા.

જૂઓ.તમારે માટે એક હેલ્પ-લાઈન ખોલી આપું છું. એ ગુરુ-શિષ્ય મહાભારતનાં પાત્રો છે.

મહાભારતમાં તો ગુરુ દ્રોણ હતા

શાબાશ પપ્પા! હવે શિષ્યનું નામ બોલોજી.

અર્જુન?

અર્જુન નહીં. બીજા શિષ્યનું નામ બોલો. બીજો શિષ્ય મારા જેવો હતો. ગુરુના કલાસ ભરે નહીં છતાંય પાસ થાય એવો.અર્જુનને પણ ભારે પડે એવો.

એકલવ્ય?

બિલકુલ સહી જવાબ!

હવે સમજાયુંને કે અમિતાભને કે શિષ્યનું નામ ફળ્યું નહીં ને અભિષેકને ગુરુનું નામ ફળ્યું નહીં.

મને હજી તારી વાતમાં કશી સમજણ પડતી નથી.

મને તમારાં સામાન્ય જ્ઞાન માટે દયા આવે છે પપ્પા. તમને એટલી ખબર નથી કે અમિતાભની ‘એકલવ્ય’ ફિલ્મ ચાલી નહીં ને અભિષેકની ‘ દ્રોણા’ ચાલી નહીં.

ઓહોહોહો!!! તું કેવાં કેવાં જોડકાં જોડે છે? છાનોમનો ભણવાનું કર.

એ.. આવાં જોડકાં જોડીએ ને તો સામાન્ય જ્ઞાન વધે ને ક્યારેક કરોડપતિ થઈ જવાય! પપ્પા, તમે હજી ‘સ્લમ્ડોગ-કરોડપતિ’ જોઈ નથીને? જોઈ નાખો. પછી એ બાબત મારી સાથે ચર્ચા કરજો. આપણે ફરી મળીશું સાંજનાં ભોજન વખતે. ત્યાં સુધી તમે કરો આરામ અને હું જાઉં છું રમવા.

એક ખતરનાક અનુભવ-યશવંત ઠક્કર

એક ખતરનાક અનુભવ

એક ખતરનાક અનુભવ

ગઈકાલે મને એક ખતરનાક અનુભવ થઈ ગયો. જે અહીં રજૂ કર્યા વગર રહી શક્તો નથી….

બન્યું હતું એવું કે હું એક મિત્રને ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ટૂંકા રસ્તે જવાના મોહમાં મારાં જ શહેરની ગલીઓમાં ભૂલો પડી ગયો હતો. એક ગલીમાંથી બીજી ગલીમાં અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ચાલતા ચાલતા હું એક એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નહોતો. એક મોટી દીવાલ હતી. પૂછું કોને? કોઈ કહેતા કોઈ માણસ જ ન જોવા મળ્યો! હું પાછો ફર્યો. અફસોસ તો હતો જ કે ઘણું બધું ચાલ્યા છતાં મુકામે પહોંચાયું નહીં.

હું થોડુંક જ પાછો ફર્યો હોઈશ કે મને એક બીજો રસ્તો દેખાયો. મને લાગ્યું કે ‘આ રસ્તો મને ગલીમાંથી સીધો બહાર લઈ જશે અને હું મુખ્ય રસ્તા પર પહોંચી જઈશ.’ હું એ રસ્તે વળ્યો. ચાલતો જ ગયો ..ચાલતો જ ગયો … અને જ્યારે મને લાગ્યું કે હું ગલીમાંથી બહાર નીકળી ચૂક્યો છું ત્યારે મને થયું કે ‘હાશ! ગલીઓની માયાજાળમાંથી બહાર તો આવ્યો!’

… પણ મારી એ ધારણા ખોટી હતી કારણ કે મેં જોયું કે હું માત્ર ગલીની જ બહાર નહોતો નીકળ્યો પણ સમગ્ર શહેરની બહાર નીકળી ચૂક્યો હતો! મને દૂર દૂર સુધી કોઈ માણસ નજરે પડતું નહોતું! નજરે પડતાં હતાં ખેતરો,વૃક્ષો,ટેકરીઓ અને એક તળાવડી! જે કોઈ થોડાંઘણાં મકાનો નજરે પડતાં હતાં એ સાવ ઉજ્જડ હતાં! એક સડક દેખાતી હતી પણ બિલકુલ અવરજવર વગરની! નર્યું શાંત વાતાવરણ હતું! આમ તો આવું વાતાવરણ મને ગમે પણ આ તો ડરામણું પણ હતું! એટલે મને થયું કે અહીંથી જ મારે પાછું ફરી જવું જોઈએ.

હું પાછો ફરવા જતો હતો ત્યાં જ તો મોટા અવાજમાં સંગીત સંભળાવું શરુ થઈ ગયું. સાથે સાથે ગીત પણ વાગતું હતું! ગીતના શબ્દો તો અત્યારે યાદ નથી પરંતુ ‘કાલા પત્થર’ ફિલ્મનાં પેલાં ગીતનો દાખલો આપી શકું: એક રાસ્તા હૈ જિંદગી જો થંભ ગયે તો કુછ નહીં બસ એવી જ ફિલૉ’સફી, એવા જ શબ્દો, એવી જ ગતિ અને એવી જ મસ્તી! મારું મન પ્રસન્ન થઈ ગયું. એટલી વારમાં તો મેં સડક પરથી એક કાર પસાર થતી જોઈ! એ કાર એક બાવો ચલાવતો હતો. અને ગીત પણ એ કારમાં જ વાગતું હતું! બાવો પણ એ ગીતને દાદ આપતો હોય એમ કાર ચલાવતા ચલાવતા મસ્તીથી પોતાનું માથું ધુણાવતો હતો! આવું દ્શ્ય મેં ક્યારેય જોયું નહોતું! અદભુત…અદભુત … અદભુત !! હું બધું જ ભૂલી ગયો.. ક્યાંથી આવ્યો છું …ક્યાં જવાનો છું …મને કશું જ યાદ નહોતું! ન ભૂતકાળ કે ન ભવિશ્યકાળ! નર્યો વર્તમાનકાળ! એક સડક,એક કાર,એક બાવો અને એક ગીત! હું જાણે વહેતો ચાલ્યો!

…. અને એકદમ જ એ બધું જ જાણે કે ગાયબ થઈ ગયું! કારણ કે હું એક ઊંડા ખાડામાં જઈ પડ્યો હતો! હવે મારા પસ્તાવાનો પાર નહોતો. મનમાં નિર્ણય કરી લીધો કે આ મુસીબતમાંથી હેમખેમ બહાર નીકળી જઈશ તો કયારેય આવું જોખમ નહીં ખેડું. એટલું સારું હતું કે ખાડામાંથી ઉપર ચડી શકાય એવો ઢાળ હતો. હું ધીરે ધીરે ઉપર ચડ્યો ને ખાડામાંથી બહાર નીકળતા પહેલા મેં બહાર દૂર દૂર સુધી નજર કરી. બહાર ખેતરો,વૃક્ષો,ટેકરીઓ,તળાવડી,મકાનો અને સડક એ બધું જ હતું પણ પેલી કાર કે બાવો નહોતા. ગીત કે સંગીતનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. આગળ વધવું કે નહીં એનો વિચાર કરતો હતો ત્યાં જ મારી નજર ખાડાની બહાર નજીકમાં જ એક ચીજ પર પડી અને મારી નવાઈનો પાર ના રહ્યો! મેં લગભગ વીસ ફૂટ જેટલું લાંબું પૂતળું ચત્તુંપાટ પડેલું જોયું! મેં ધ્યાનથી જોયું તો એ જૂના જમાનાના કોઈ વીર યોદ્ધાનું હોય એવું લાગ્યું. મને રસ પડ્યો અને વિશેષ તપાસ કરવાનું મન પણ થયું. પરંતુ આસપાસની જ્ગ્યા પર નજર કરતાં જ મારા હોશકોશ ઊડી ગયા! મને એ જ્ગ્યા કબ્રસ્તાનની હોય એવું જણાયું. મારાં હૃદયના ધબકારા વધી ગયા હતા. મને આગળ વધવું ઠીક ન લાગ્યું . હું ફરીથી ખાડામાં ઉતરી ગયો અને બીજી દિશામાં ઉપર ચડવા લાગ્યો. મારી ગણત્રી એવી હતી કે એ તરફથી જ હું આવ્યો હતો અને હવે એ જ રસ્તે પાછો ફરી જઉં એમાં જ મારી સલામતી છે.

એ ઢાળ આસાનીથી ચડી શકાય એવો હતો. હું હિંમત રાખીને બને એટલી ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. બસ એક વખત બહાર નીકળી જવાય તો પછી શહેરમાં પહોંચતા વાર નહીં લાગે. હું ખાડામાંથી અર્ધે પહોંચ્યો હોઈશને એક ખતરનાક દેખાતો માણસ ખાડાની ધાર ઉપર દેખાયો. એનો પહેરવેષ વિચિત્ર હતો. એ પણ જૂના જમાનાના સૈનિક જેવો જ લાગતો હતો. હું કશું પણ સમજું એ પહેલાં તો એણે ત્રાડ નાખી કે હું કોઈને જીવતા છોડવાનો નથી. અને એ ત્યાંથી મારા તરફ કૂદ્યો!. મને લાગ્યું કે એ મને સાથે લઈને જ નીચે ખાબકશે! પણ એવુ ના થયું! એ મારી એકદમ નજીકથી જ પસાર થઈને નીચે પડ્યો. મેં ઉપર ચડવાની મારી ઝડપ વધારી. મેં ફરીથી એની ત્રાડ સાંભળી: હું કોઈને જ જીવતા છોડવાનો નથી

મને લાગ્યું કે એ મારી પાછળ પાછળ જ ઉપર ચડી રહ્યો છે. મેં પણ ઉપર ચડવાનું ચાલું જ રાખ્યું,. મને ઊંડે ઊંડે પણ આશા હતી કે એક વખત જો હું બહાર નીકળી જઉં પછી મને કોઈની ને કોઈની મદદ મળી રહેશે.સાથે સાથે એ પણ આશંકા તો હતી જ કે એ મને પકડી પાડશે. ને જો એવું થાય તો પછી મારો બચવાનો કોઈ સવાલ જ નહોતો!

પણ હું બચી ગયો. બિલકુલ બચી ગયો. એટલે તો આ વાત લખી રહ્યો છું. એ માણસ મને કશું જ ના કરી શક્યો. કારણ કે એ ખતરનાક માણસ મને કશું પણ કરે એ પહેલાં તો મારી ઊંઘ ઊડી ગઈ હતી અને મારું ખતરનાક સપનું પૂરું થઈ ગયું હતું!

તો આ હતો મારો ખતરનાક અનુભવ!

હજુ મને ઊંઘ નથી આવતી

હજુ મને ઊંઘ નથી આવતી.

આજે કૉલેજમાં ચૂંટણી હતી. કૉલેજમાં પ્રવેશતાની સાથે જ પહેલી મુલાકાત હિતેશની થઈ. હું એને માત્ર નામથી જ ઓળખતો હતો. વિદ્યાર્થી કાર્યકર તરીકે હિતેશ વિદ્યાર્થી આલમમાં તેમજ પ્રોફેસરોમાં પ્રિય હતો. એની સાથેની આ મારી પહેલી મુલાકાત હતી.

હલો પાર્ટનર. વોટિન્ગ કર્યું કે બાકી છે?

બાકી છે.

જૂઓ મિત્ર. મારે આપને થોડી વિનંતી કરવાની છે. આપ જાણતા હશો જ કે હું જી,એસ.ની ચૂંટણીમાં ઊભો છું. મારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ માત્ર બે ઉમેદવારો વચ્ચેનો જંગ નથી પરંતુ સિદ્ધાંત અને પૈસા વચ્ચેનો જંગ છે. અમે કામ કરીને તમારા દિલ જીતવા માંગીએ છીએ. જ્યારે સામેવાળા પૈસા આપીને આપ સૌને ખરીદવા માંગે છે. માટે આત્માને પૂછીને ….

હિતેશનું છેલ્લું વાક્ય પૂરું થાય એ પહેલા જ જિતેન આવી પહોંચ્યો. મારો હાથ ખેંચીને એ મને દૂર લઈ ગયો.

અરે યાર! એની સાથે શું મંડાઈ ગયો હતો? જા પહેલાં મત નાખી આવ. પછી આપણા તરફથી ચા નાસ્તો કરીને સરઘસની તૈયારીમાં લાગી જા. વાતાવરણ આપણી ફેવરમાં છે.

જિતેન જી.એસ. માટેનો બીજો ઉમેદવાર હતો. પૈસાદાર પિતાનો પૂત્ર હોવાથી એણે ચૂંટણીમાં બેફામ પૈસા વાપર્યા હતા. લગભગ બધા જ વિદ્યાર્થીઓ એને ઓળખતા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ સાથે એ અંગત પરિચય કરી ચૂક્યો હતો. બધાને માટે પૈસા પણ ખૂબ જ વાપરતો. અઠવાડિયા પહેલાં જ હું એના પરિચયમાં આવ્યો હતો.

હિતેશને પડતો મૂકીને હું જિતેન સાથે ચાલ્યો. મેં એક નજર હિતેશની સામે નાંખી. એના ચહેરા પર વિષાદની કાળી છાયા પથરાઈ ચૂકી હતી.

મતપત્રકમાં મને હિતેશનો ગમગીન ચહેરો દેખાયો. એની વાત સાચી હતી. જિતેનનો વિદ્યાર્થી પ્રવૃત્તિમાં કશો ફાળો નહોતો જ્યારે હિતેશની કાર્યકર તરીકેની કારકિર્દી ઉજ્જવળ હતી. જિતેનને યેનકેન પ્રકારે ચૂંટાઈને જી.એસ. થવામાં જ રસ હતો. એ માટે પૈસા ખર્ચવામાં એણે પાછું વળીને જોયું નહોતું.

મેં મત આપી દીધો.

***********

ચૂંટણીમાં જિતેન વિજયી થયો. ફક્ત એક મતથી. પૈસાના જોરે મત ખરીદવા છતાં એ એકજ મત વધારે મેળવી શક્યો.

જિતેનનું જોરદાર વિજય સરઘસ નીકળ્યું. કંકુ ને ગુલાલ ઉડ્યાં. ‘ હિતેશ હાય હાય’ અને ‘જિતેનકે નામપે રામધૂન લાગે’ જેવાં સૂત્રો પોકારાયાં.

***************

રાત્રિના બે વાગ્યા છે પણ મને ઊંઘ નથી આવતી.ગુલાલથી રંગાયેલો જિતેનનો ચહેરો નજરે તરવરે છે , સૂત્રોના ભણકારા વાગે છે અને તરત જ નજરે તરવરે છે હિતેશનો ગમગીન ચહેરો. હારવા છતાં એણે જિતેનને અભિનંદન આપ્યાં હતાં. એટલું જ નહીં પોતાના ખભા પર બેસડીને એણે જિતેનને ફેરવ્યો હતો.

હિતેશ ખરેખર લાયક ઉમેદવાર હતો છતાં પણ એ હારી ગયો હતો અને એ પણ ફક્ત એક જ મતથી. આજે કશું ક ખોટું કર્યાનો મને અફસોસ થતો હતો. કાશ મેં હિતેશને મત આપ્યો હોત તો!

હજુ મને ઊંઘ નથી આવતી!!!

[પ્રગટ -'આરામ' June 1978]

શેરબજારમાં ગ્યાતા જશુભાઈ

ગુલાબી તેજીના દિવસો હતા. જશુભાઈને મિત્રોએ આગ્રહ કર્યો કે રોકો રોકો ને રોકો.

જશુભાઈએ પૂછ્યું: શું રોકું?

જવાબ મળ્યો કે : પૈસા રોકો.

જશુભાઈ:પણ ક્યાંથી કાઢું?

જવાબ મળ્યો: બચત કરો. ઉછીના લો. વ્યાજે લો. ચોરી કરો. ડાકા ડાલો. પણ રોકો રોકો ને રોકો.

જશુભાઈ: પણ ક્યાં રોકું?

જવાબ મળ્યો: શેર બજારમાં.

જશુભાઈ તૈયાર થઈ ગયા. હાલો મારેય શેર બજારના ચાળે ચડવું છે. ચડાવો મને.

જવાબ  મળ્યો: એમ ન ચડાય.આ લો અમારા ઓળખીતા સલાહકારનું વિઝિટિંગ કાર્ડ. એ તમને મદદ કરશે. જરૂરી ખાતું ખોલાવશે.

જશુભાઈએ વિઝિટિંગ કાર્ડ લીધુ. વાંચ્યું.

રોકડિયા સલાહ કેન્દ્ર

આપના નાણાં + અમારી સલાહ  = આપ શ્રી કરોડપતિ.

સલાહકાર: રાજુ રોકડિયા

ડબ્બાગલીનાં નાકે. જોખમીનગર.


જશુભાઈએ પહોંચ્યા રાજુ રોકડિયાને ત્યાં. રોકડિયાએ ફોર્મ ભરાવ્યું. ફોટા,જરૂરી પુરાવા અને ખર્ચ પેટે રોકડા પાંચસો રૂપિયા લઈને આવવા કહ્યું. પણ જશુભાઈ જેનું નામ. વિશેષ વિચારવું એ એમનું કામ. વિચાર કરવામાં કલાકો ગયા…. દિવસો ગયા… અરે મહિનાઓ ગયા. ને જ્યારે ફરીથી ડબ્બાગલીનાં નાકે પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં ભયંકર પરિવર્તન જોયું.


જશુભાઈએ જોયું કે રાજુ રોકડિયાના સલાહ કેન્દ્રની બહાર- રોકડિયા દાબેલી કેન્દ્ર નું બોર્ડ લટકતું હતું. તેઓ અચકાતા અચકાતા અંદર ગયા ને જોયું તો રાજુ રોકડિયા દાબેલી બનાવી બનાવીને લોકોંને ખવડાવતો હતો. જ્યાં પહેલાં લાખો ને કરોડોની વાતો થતી હતી ત્યાં હવે પાંચ પાંચ રૂપિયામાં દાબેલી વેચાતી હતી.


બોલો કેટલી આપું? રાજુ રોકડિયાએ જશુભાઈને પૂછ્યું.

હું તો રોકાણ  કરવા આવ્યો છું.

અરે સાહેબ. તમે મોડા પડ્યા છો. તેજી તો ગઈ. ભયંકર મંદી આવી ગઈ. મેં તો મંદીને લીધે સલાહ કેન્દ્ર બંધ કરી દીધું છે. છતાંય સલાહ આપું છું કે મૂડી સાચવીને બેસી રહો. તમે  નસીબદાર કે બચી ગયા. હવે દાબેલી ખાઓ ને મંદીમાં જલસા કરો.

પણ  તમે દાબેલી ?

રોટલા કાઢવા માટે ગમે તે ધંધો કરવો પડે. મહેનત કરવામાં  શરમ ન રખાય. લો કરો ટેસ્ટ. રોકડિયાએ  જશુભાઈને એક દાબેલી ધરી.

ના મને નહીં ફાવે.

તો ઘરે લઈ જાઓ. આપણા તરફથી. બોલો..કેટલી બાંધું?

બે


રોકડિયાએ બે દાબેલી બાંધીને જશુભાઈના હાથમાં મૂકી. જશુભાઈએ રોકડિયાને દસ રૂપિયા પરાણે આપ્યા ને  નવા ધંધા માટે શુભેચ્છા પાઠવી.

નયનાબેનને  અને જીતુને દાબેલી બહુ ભાવી. જીતુ તો તાળીઓ પાડીને ગાવા લાગ્યો:

શેરબજારમાં  ગ્યાતા જશુભાઈ

દાબેલી લઈ ઘેર આવ્યા રે લોલ…..