Tag Archive | જીતુ અને જશુભાઈ

જાગું તો મારી પથારી લાજે …

જશુભાઈની આંખો ખુલી ગઈ.  એમને સવાર થઈ ગઈ હોવાનું ભાન થયું.  

પથારીમાં પડ્યા પડ્યા જ એમણે જીતુને બૂમ પાડી.  ”જીતુ.. ઊભો થા ઊભો.  સવાર પડી ગઈ.” 

કોઈ જવાબ ન મળતાં એમણે ફરી બૂમ પાડી: “અલ્યા, ઊભો થાને.  કહું છે એ સંભળાતું નથી? આ સૂરજ ક્યાં પોગવા આવ્યો? ને તું હજી ઘારોટે છે?” 

કોઈ જ પ્રકારનાં પ્રત્યાઘાત ન મળતાં જશુભાઈનો અવાજ મોટો થઈ ગયો. ” અલ્યા મૂરખ, આ દુનિયા આખી જાગી ગાઈને તું હજી ઊંઘે છે? ડફોળ, તું કયારે સુધારવાનો છે? આટલી આટલી બૂમો પાડવાનો મને શોખ થાય છે?” 

છતાંય કોઈ જ જવાબ ન મળતાં એમણે  ફરીથી બૂમ પાડી: ” અલ્યા કયારે જાગીશ? આ જોતો નથી? બહાર કેટલું અજવાળું અજવાળું છે? મૂરખ..” 

ને નયના બહેન આવી પહોંચ્યાં. “કેમ બૂમો પાડો છો?” એમણે ઉચ્ચ અવાજે પૂછ્યું. 

“જીતુને જગાડું છું. આ સવાર થઈ ગઈ છે.” 

“સવાર તો ક્યારની થઈ ગઈ છે. તમને હવે ખબર પડી? ને રહી વાત જીતુની. તો સાંભળી લો કે- જીતુ ક્યારનો જાગી ગયો છે ને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે મેદાનમાં પહોંચી ગયો છે.  ને તમે પોતે હવે જાગો તો મને કામની સૂઝ પડે.” 

“હુ તો જાગી જ ગયો છુને?’ 

“આ પથારીમાં પડ્યા પડ્યા બૂમો પાડવાને  તમે જાગવું કહો છો? તમારી બૂમો સાંભળીને આજુબાજુના લોકો દોડીને આવ્યા’તા. એમને લાગ્યું કે -તમને કશી તકલીફ થઈ.” 

“શું વાત કરે છે? પછી તેં શું કહ્યું?” 

“મારે તો બાંધી મુઠ્ઠી લાખની રાખવી પડેને? કહી દીધું કે- એ તો ક્રાંતિકારી કાવ્યોનું પઠન કરે છે. પણ, મારો તમને  સવાલ એ છે કે:આવું હોય જાગવાનું?” 

ને પછી તો નયના બહેને સુરતી મરચાં જેવા જે જે  સવાલો કર્યાં એના જવાબો આપવાને બદલે જશુભાઈને પથારીમાંથી ઊભા થઈને બ્રશ મોઢામાં નાખવું જ ઠીક લાગ્યું. 

****************** 

મિત્રો, આ જાગવું કેટલું છેતરામણું છે!  ક્યારેક ક્યારેક આપણને એમ  થાય છે કે -આપણે જ જાગી ગયાં ને બીજાં ઊંઘે છે! ને આપણને એમ પણ થાય કે- આ અજવાળું અજવાળું માત્રને માત્ર આપણને જ દેખાય છે! 

સાલું, આ આપણું જાગવું એ જશુભાઈના જાગવા જેવું તો નહિ હોયને? 

આજનું લંગર:

'I'm sorry to wake you, Mr. Jennings, but it's time for your sleeping pills.' by LeRoux, Lash

http://www.cartoonstock.com/cartoonview.asp?start=&search=main&catref=llen10&MA_Artist=LeRoux%2C+Lash&MA_Category=&ANDkeyword=&ORkeyword=&TITLEkeyword=&NEGATIVEkeyword=

ફાફડા બુલા રહા હૈ… જલેબી બુલા રહી હૈ

Preview Image

http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_266207.html

-જીતુ ચા પીવા ચાલ. નયનાબહેને બૂમ પાડી.

ચાનો કાર્યક્રમ મોડે સુધી ચાલતો હોવાથી જશુભાઈનો કચકચનો કાર્યક્રમ શરૂ થયો.

ફાગણ આયો… ફાગણ આવ્યો…

ગાતાં ગાતાં જીતુએ   ટેબલ તરફ  તરફ ગતિ કરી.

- હુ…  જશુભાઈએ હુંકારો કર્યો:   લોકો પણ અક્કલ વગરનાં થઈ ગયાં છે. નવરાત્રીના ગરબામાં ફાગણના ગીતો ગાય છે.

-પપ્પા… શાંતી ધારણ કરો.  અક્કલના સથવારે  એન્જોય  કરવાનું બધાંને ન ફાવે. ગરબામાં જ્યારે આ ગીત  ગવાય છે ત્યારે નવરાત્રીની મસ્તીમાં ફાગણની મસ્તી પણ ભળી જાય છે . મતલબ કે: મસ્તીના ડબલ ધમાકા!

- પણ વાસ્તવિકતાનો  તો વિચાર કરવો  જોઈએને? ક્યાં આ આસો મહિનો ને ક્યાં ફાગણ ફોરમતો?

- વાસ્તવિકતાની વાત કરતા હો તો આ આસો મહિનામાં ખોપરી ફાડી નાખે તેવો તાપ નથી? કુદરત જો વાસ્તવિકતાનો વિચાર નથી કરતી તો આપણે તો પામર મનુષ્ય!

- તોય જ્યારે જે ગવાતું હોય તે ગવાય.

-તમારી આ જ તકલીફ છે. દરેક બાબતમાં વાંધા અરજી! આ પહેલાં જ તમને વાંધો હતો કે: નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી… એ ગરબામાં તર્કદોષ છે!

- તે છે જ ને? નાળિયેરી દરિયાકિનારે હોય. નદીકિનારે નહીં.

-  પપ્પા.  નાળિયેરી ધાબા પર હોય તો તમને શું વાંધો છે? ગરબે ઘૂમનારા જો આવા વિચારો કરવા રહે તો નાચીકૂદી ન શકે અને અકાળે ઘરડાં થઈ જાય!શોલે  બધાંને ગમ્યુંતું. પણ તમને શોલેમાં બતાવેલી પાણીની ટાંકી સામે વાંધો પડ્યોતો.

-તો તું જ કહેને. શોલેમાં પાણી ટાંકીનો ઉપયોગ શું હતો? ગામમાં લાઈટ તો હતી નહીં. પેલી રાધા તો ફાનસ પેટાવતીતી ને બુજાવતીતી.  આવડી ઊંચી ટાંકીમાં પાણી કેવી રીતે ચડતુતું ?એ વાતનો ખુલાસો નથી. વળી ગામમાં ક્યાંય નળ પણ નહોતા.. ટાંકી કોને કામ લાગી?

-ટાંકી વીરુને કામ લાગીતીને? ટાંકીનો ખર્ચો વસૂલ  થયોને? ને  તમે  પોઝિટિવ થઈને વિચારી શકો કે રામગઢનો વિકાસ કૂદકે ને ભૂસકે થઈ રહ્યોતો એટલે પાણી પહેલાં પાળને બદલે   ટાંકી બંધાઈ ગઈ હતી.

-હવે  બાપદીકરો ચર્ચા છોડો અને ચાના કપ પકડો….  નયનાબહેને  જાહેરાત કરી.

-ચાલો  પપ્પા.  …   જીતુએ જશુભાઈને આગ્રહ કરો.

-મારે  ચા ફરીવાર નથી પીવી.

-અરે મજા આવશે. ફાફડા ને જલેબી પણ લઈ આવ્યો છું.

ફાફડાનું નામ સાંભળતાં જ જશુભાઈ તીવ્ર  ઝડપથી ઊભા થઈને ટેબલ પર ગોઠવાઈ ગયા.

મિત્રો, માફ કરજો. અમારે આ વાત અહીં જ પૂરી કરવી પડશે.

કારણ?

સમજી જાઓને.  અમારે પણ  તીવ્ર ઝડપથી ઊભું થવું પડશે…

ફાફડા બુલા રહા હૈ. જલેબી બુલા રહી હૈ.

આવજો .. જલસા કરજો …

સહુને દશેરાના શુભ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગગા ટકાના સગા

 

 

જશુભાઈને ત્યાં કાઠિયાવાડથી એના ફોઈના દીકરાનો દીકરો રાજુ મહેમાન થઈને આવ્યો.  જશુભાઈને મન તો જાણે આખો મલક પધાર્યો! બંને અલકમલકની વાતોએ ચડ્યા. જશુભાઈએ કેટલાયને યાદ કરી કરીને એમનાં ખબરઅંતર  પૂછ્યાં. રસોડામાં નયનાબેન રસોઈ તૈયાર કરવા લાગ્યાં.

….ને જીતુ આવ્યો. એણે રાજુભાઈને પ્રણામ  કરીને ‘જય શ્રી ક્રૃષ્ણ’  કહ્યાં.

“ગગા  તું  પગે તો લાગ્યો પણ મને ઓળખ્યો  કે એમનમ જ ?” રાજુએ જીતુની ઉલટતપાસ શરૂ કરી.

“હું સમજ્યા વગર કોઈના પગમાં પડતો જ નથી. તમે મારા પપ્પાના ફોઈના દીકરાના દીકરા એટલે કે એમના ભત્રીજા અને મારા મોટાભાઈ થાઓ. બોલો મેં કશું ખોટું કહ્યું?” જીતુએ અણીદાર  સવાલ કર્યો.

“એકદમ બરાબર હો. કહેવું પડે! ઘરના સંસ્કાર દેખાઈ  આવે છે!”

“સંસ્કાર આપનાર કોણ? આ મારા પૂજ્ય પિતાશ્રી જશુભાઈ.” જીતુએ  જશુભાઈનો વાંહો થાબડતા કહ્યું.

“હું વડોદરામાં બધાં સગાવહાલાંને ત્યાં જઈને આવ્યો છું. પણ કોઈના ગગા મને ઓળખતા નથી. એક તું જ ભાયડો નીકળ્યો.”  રાજુએ પોતાનું અવલોકન પ્રગટ કર્યું.

“એ બધા ગગા તમને ન ઓળખે . એ બધા ગગા  ટકાના સગા છે!.”  જીતુએ રહસ્ય ઊભું કરતા કહ્યું.

“ગગા  ટકાના સગા? ” રાજુએ જિજ્ઞાસા દર્શાવી.

“સાંભળો રાજુભાઈ. તમને વિસ્તારથી સમાજાવું. એ બધા ગગા નાના હતા ત્યારથીજ એમના દિમાગ પર  પરિક્ષામાં ટકા લાવવાનું દબાણ ઊભું થયેલું છે. એમના માબાપ તરફથી એ માટે એમને ખાસ છૂટછાટ પ્રાપ્ત થયેલી છે. જેવી કે :ઘરનાં કામ નહીં કરવાં. એને જે જોઈએ  તે આપવું.  ગગાઓ  વધું વાંચી શકે તે માટે શાંતી અને સગવડતાઓથી  ભરપૂર જગ્યા પૂરી પાડવી. તેમજ નાનામોટા  પ્રસંગો અને સગાવહાલાંથી દૂર રાખવા.”

“એમનું ભણતર ન બગડે એટલે. સારું ભણે તો લાઈન સારી પકડાયને? ” રાજુભાઈ પોતાની સમજદારી દાખવી.

“હવે જો લાઈન સારી પકડવી હોય તો સગાવહાલા તો કામ લાગવાના નથી. કામ લાગે ટકા. ને એમાંય જો ગગા બોર્ડની પરિક્ષા આપવાના હોય તો તો માબાપ તરફથી સખત સૂચના આપી દેવાય છે કે : “આ વરસ ટકા સિવાય કોઈ બાબતનો વિચાર  પણ કરવાનો નથી.”

“સાલુ ટકાની બોલબાલા બહુ વધી ગઈ છે. અમારે ત્યાં પણ આ જ રામાયણ છે.”

“પણ અમારા ઘરમાં એ રામાયણ નથી.”

“એમ?”

“હા એમ.કારણ કે  મેં મારા મમ્મી-પપ્પાને ચોખ્ખું કહી દીધું છે કે: “મને મારી જવાબદારીનું ભાન છે.  હું ભણવામાં ધ્યાન રાખીશ અને મારી તાકાત  પ્રમાણે ટકા લાવીશ. માટે મને ટકા બાબત વારંવાર દબાણ કરીને ઘરનું  વાતાવરણ ગરમ કરવું નહીં.  ચાલો. હું  મારું લેશન પતાવું છું.”  જીતુ પોતાની આગવી અદાથી બોલ્યો અને ઝડપથી  જવા લાગ્યો.

રાજુ તો જોઈ જ રહ્યો.

“અને હા પપ્પા. જમતી વખતે મને બોલાવજો. આપણે બધાં સાથે જ જમીશું. મને એકલો ન પાડતા” જીતુએ જતાં જતાં પોતાની મરજી જાહેર કરી.

…. રાજુને જશુભાઈએ આગ્રહ કરીને રોક્યો. રાજુએ બે  દિવસ રોકાઈને વડોદરા છોડ્યું. પણ એક  નવી કહેવત એનાં મનમાં ઘર કરી ગઈ:

ગગા ટકાના સગા !

જોડકાં જોડો અને કરોડપતિ બનો!

Cartoon Clipart

તસવીર: http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_266207.html

રવિવારની સવાર હતી. રજાનો દિવસ હતો. જશુભાઈના હાથમાં ચાનો કપ હતો. સામે જીતુ હતો.

જીતુએ સવાલ કર્યો: પપ્પા, એક સવાલ પૂછું?

રહેવા દે.તું મારું દિમાગ ખરાબ ના કરીશ.

તમારું દિમાગ ખરાબ જ છે. ઉપયોગ નહીં કરો તો વધારે ખરાબ થશે. માટે મારા સવાલનો જવાબ આપો કે – બાપને શિષ્યનું નામ ફળ્યું નહીં ને બેટાને ગુરુનું નામ ફળ્યું નહીં તો એ બાપ-બેટો કોણ ને એ ગુરુ-શિષ્ય કોણ?

તને ક્યાંથી આવા ઢંગધડા વગરના સવાલો સૂજે છે?

પ્રયત્ન તો કરો. મમ્મીના હાથની ચાનું તો માન રાખો.

મને તારા સવાલમાં કશી ગતાગમ પડતી નથી.

ગતાગમ હું પાડું. જૂઓ. એક બાપ છે. એને એક બેટો છે. સામે એક ગુરુ છે ને એ ગુરુને એક શિષ્ય છે. આટલું બરાબર સમજાયું?

સમજાયુ.

હવે ધ્યાનથી સાંભળો. એ બાપને પનારો પડે છે પેલા શિષ્યનાં નામસાથે. પણ એમાં એ જોઈએ એવા ફાવતા નથી. એવી જ રીતે એ બેટાને પનારો પડે છે પેલા ગુરુનાં નામ સાથે. પણ એનેય એમાં ખાસ ફાયદો થતો નથી. તો એ બાપ-બેટો કોણ? ને એ ગુરુ-શિષ્ય કોણ?

જશુભાઈ કામે લાગી ગયા. જીતુ રમવા જતો રહ્યો. જમવા ટાણે ફરી ભેગા થયા ત્યારે જીતુએ જવાબ માંગ્યો.

તું મને નિરાંતે ખાવા તો દે.

ખાધાં પછી પણ જશુભાઈ પાસે જવાબ નહોતો! જીતુએ એમની મુશ્કેલી ઓછી કરવા કહ્યું: પપ્પા, એ બાપ-બેટો બંને ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો છે. હવે તો એકદમ આસાન થઈ ગયું.

તું અમિતાભ અને અભિષેકની વાત તો નથી કરતો?

બિલકુલ સહી જવાબ. પણ પપ્પા, હજી ગુરુ-શિષ્યનાં નામ બાકી રહ્યાં. દિમાગ દોડાવો.

નથી દોડતું દીકરા.

જૂઓ.તમારે માટે એક હેલ્પ-લાઈન ખોલી આપું છું. એ ગુરુ-શિષ્ય મહાભારતનાં પાત્રો છે.

મહાભારતમાં તો ગુરુ દ્રોણ હતા

શાબાશ પપ્પા! હવે શિષ્યનું નામ બોલોજી.

અર્જુન?

અર્જુન નહીં. બીજા શિષ્યનું નામ બોલો. બીજો શિષ્ય મારા જેવો હતો. ગુરુના કલાસ ભરે નહીં છતાંય પાસ થાય એવો.અર્જુનને પણ ભારે પડે એવો.

એકલવ્ય?

બિલકુલ સહી જવાબ!

હવે સમજાયુંને કે અમિતાભને કે શિષ્યનું નામ ફળ્યું નહીં ને અભિષેકને ગુરુનું નામ ફળ્યું નહીં.

મને હજી તારી વાતમાં કશી સમજણ પડતી નથી.

મને તમારાં સામાન્ય જ્ઞાન માટે દયા આવે છે પપ્પા. તમને એટલી ખબર નથી કે અમિતાભની ‘એકલવ્ય’ ફિલ્મ ચાલી નહીં ને અભિષેકની ‘ દ્રોણા’ ચાલી નહીં.

ઓહોહોહો!!! તું કેવાં કેવાં જોડકાં જોડે છે? છાનોમનો ભણવાનું કર.

એ.. આવાં જોડકાં જોડીએ ને તો સામાન્ય જ્ઞાન વધે ને ક્યારેક કરોડપતિ થઈ જવાય! પપ્પા, તમે હજી ‘સ્લમ્ડોગ-કરોડપતિ’ જોઈ નથીને? જોઈ નાખો. પછી એ બાબત મારી સાથે ચર્ચા કરજો. આપણે ફરી મળીશું સાંજનાં ભોજન વખતે. ત્યાં સુધી તમે કરો આરામ અને હું જાઉં છું રમવા.

તમને ગજની-કટ કેવી લાગી?

એ…. હું ગજનીનાં દર્શનાર્થે જાઉં છું. કહીને જાઉં છું જેથી પાછળથી વિવાદ ન થાય. જીતુએ ઉચ્ચ કક્ષાની ભાષામાં એના પપ્પાને જણાવ્યું.

ગજનીનાં? જશુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

હા.ગજની જોવા જાઉં છું અને એ પણ આઈનોક્સમાં

આઈનોક્સમાં? જશુભાઈની આંખો વધારે  પહોળી થઈ ગઈ.

ભયભીત થવાની જરૂર નથી. હું સ્વખર્ચે  નથી જતો.

તો?

મને મારા મિત્ર નંદુના પપ્પા બતાવે છે.

કઈ ખુશીમાં?

વાત જાણે એમ છે કે નંદુને એની શાળામાં મારા પ્રિય લેખક  વિષે બોલવાનું હતું. એને તો કોઈ લેખક વિષે કશી ખબર જ નહોતી એટલે  એણે મારી મદદ માંગી અને મેં  કરી. પરિણામે એનો પહેલો નંબર આવ્યો. એટલે એના પપ્પા ખુશ થઈને અમને બંનેને ગજની જોવા લઈ જાય છે.

શું વાત કરે છે તું? તું વળી લેખકો વિષે જાણતો થઈ ગયો? ક્યા લેખક વિષે તેં તૈયાર કરાવ્યું હતું એ તો કહે.

ગુજરાતના લોકપ્રિય લેખક શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા.

ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા? એ તો મારા મામા થાય.

તો હું ક્યાં ના પાડું છું?

પણ એ તો સાવરકુંડલાની શાક માર્કેટમાં શાકભાજી વેચે છે

તો હું ક્યાં ના પાડું છું.?

પણ એ લેખક નથી.

શો ફરક પડે છે પપ્પા! નંદુની શાળામાં બધાંએ માની લીધું કે  શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા નામના લોકપ્રિય લેખક છે. એમણે વીસ નવલકથાઓ લખી છે. દસવાર્તાસંગ્રહો ને પાંચ કાવ્યસંગ્રહો બહાર પાડ્યા છે.. એમને કુલ સાત એવોર્ડ મળ્યા છે ને  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  એમનું સન્માન પણ થયું છે. બધું જ માની લીધું.

આટલું  હળાહળ જૂઠાણું ચલાવતાં તમને શરમ ન આવી?

એ લોકોને સાંભળતાં શરમ ન આવી એનું શું?

પણ તું આવાં ગતકડાં ચલાવતાં શીખ્યો ક્યાંથી?

એ… આપણાં આંખકાન ખુલ્લાં રાખીને જીવીએ તો બધું આવડી જાય. હવે હું જઈ શકું?

જા દીકરા જા. તને રોકવાવાળો હું કોણ?

આભાર.પપ્પા આ આમિરખાનની ગજની-કટ ગજબની છે નહીં? તમને એ કેવી લાગે છે?

મને તો એ… વિચાર કરીને જશુભાઈએ જવાબ આપ્યો કે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી લાગે છે.

સપનું

જો આપ નવું ઘર ખરીદવાનું વિચારતા હો તો આપનું એ સપનું પૂરું થવાની તૈયારીમાં છે.

ટીવીના પરદા પરની મીઠડી નારીના મીઠડા શબ્દો જશુભાઈના કાને પડ્યા ને જશુભાઈએ ટીવીનો અવાજ વધાર્યો.

હાલમાં મંદીનાં કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયાના સમાચાર છે. જેને નવું મકાન ખરીદવું હોય એમણે હવે રાહ જોવાની જરૂર નથી. મીઠડી મોટાં મોટાં શહેરોના અલગ અલગ વિસ્તારો બતાવતી ગઈ અને કિંમત બોલતી જ ગઈ. જશુભાઈ ફાટી આંખે જોતા જ રહ્યા અને ફાટ્યા કાને સાંભળતા જ રહ્યા…. એક કરોડની કિંમતનો આ ભવ્ય ફ્લૅટ હવે આપને ફક્ત એંસી લાખમાં મળી શકે છે……પંચાશી લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત સિત્તેર લાખમાં મળી શકે છે. અને જો આપના બજેટ પ્રમાણે આ કિંમત વધારે લાગતી હોય તો નિરાશ થવાની જરૂર નથી. સાઈઠ લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત પચાસ લાખમાં મળી શકે છે. તો મોડું શાં માટે? જલ્દી કરો અને આપનાં સપનાં સાકાર કરો….

જશુભાઈની મનગમતી વાત સાંભળવાની ઇચ્છા પૂરી થાય એ પહેલાં તો સમાચાર પૂરાં થયાં. મીઠડી પરદા પરથી જતી રહી ને જશુભાઈથી હાથ પછાડીને બૂમ પડાઈ ગઈ. કે એ… હાલી શું નીકળી છો?

બૂમ સાંભળીને નયનાબેન હાંફળાંફાંફળાં દોડીને આવ્યાં. શું થયું…?

જશુભાઈએ જવાબ આપ્યો કે મને તો એમ કે પાંચ દસ લાખની વાત કરશે પણ મારી બેટી પચાસ  લાખે આવીને તો અટકી ગઈ.

શેરબજારમાં ગ્યાતા જશુભાઈ

ગુલાબી તેજીના દિવસો હતા. જશુભાઈને મિત્રોએ આગ્રહ કર્યો કે રોકો રોકો ને રોકો.

જશુભાઈએ પૂછ્યું: શું રોકું?

જવાબ મળ્યો કે : પૈસા રોકો.

જશુભાઈ:પણ ક્યાંથી કાઢું?

જવાબ મળ્યો: બચત કરો. ઉછીના લો. વ્યાજે લો. ચોરી કરો. ડાકા ડાલો.પણ રોકો રોકો ને રોકો.

જશુભાઈ: પણ ક્યાં રોકું?

જવાબ મળ્યો: શેર બજારમાં.

જશુભાઈ તૈયાર થઈ ગયા. હાલો મારેય શેર બજારના ચાળે ચડવું છે. ચડાવો મને.

જવાબ  મળ્યો: એમ ન ચડાય.આ લો અમારા ઓળખીતા સલાહકારનું વિઝિટિંગ કાર્ડ. એ તમને મદદ કરશે. જરૂરી ખાતું ખોલાવશે.

જશુભાઈએ વિઝિટિંગ કાર્ડ લીધુ. વાંચ્યું.

રોકડિયા સલાહ કેન્દ્ર

આપના નાણાં + અમારી સલાહ  = આપ શ્રી કરોડપતિ.

સલાહકાર: રાજુ રોકડિયા

ડબ્બાગલીનાં નાકે. જોખમીનગર.


જશુભાઈએ પહોંચ્યા રાજુ રોકડિયાને ત્યાં. રોકડિયાએ ફોર્મ ભરાવ્યું. ફોટા,જરૂરી પુરાવા અને ખર્ચ પેટે રોકડા પાંચસો રૂપિયા લઈને આવવા કહ્યું. પણ જશુભાઈ જેનું નામ. વિશેષ વિચારવું એ એમનું કામ. વિચાર કરવામાં કલાકો ગયા…. દિવસો ગયા… અરે મહિનાઓ ગયા. ને જ્યારે ફરીથી ડબ્બાગલીનાં નાકે પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં ભયંકર પરિવર્તન જોયું.


જશુભાઈએ જોયું કે રાજુ રોકડિયાના સલાહ કેન્દ્રની બહાર- રોકડિયા દાબેલી કેન્દ્ર નું બોર્ડ લટકતું હતું. તેઓ અચકાતા અચકાતા અંદર ગયા ને જોયું તો રાજુ રોકડિયા દાબેલી બનાવી બનાવીને લોકોંને ખવડાવતો હતો. જ્યાં પહેલાં લાખો ને કરોડોની વાતો થતી હતી ત્યાં હવે પાંચ પાંચ રૂપિયામાં દાબેલી વેચાતી હતી.


બોલો કેટલી આપું? રાજુ રોકડિયાએ જશુભાઈને પૂછ્યું.

હું તો રોકાણ  કરવા આવ્યો છું.

અરે સાહેબ. તમે મોડા પડ્યા છો. તેજી તો ગઈ. ભયંકર મંદી આવી ગઈ. મેં તો મંદીને લીધે સલાહ કેન્દ્ર બંધ કરી દીધું છે. છતાંય સલાહ આપું છું કે મૂડી સાચવીને બેસી રહો. તમે  નસીબદાર કે બચી ગયા. હવે દાબેલી ખાઓ ને મંદીમાં જલસા કરો.

પણ  તમે દાબેલી ?

રોટલા કાઢવા માટે ગમે તે ધંધો કરવો પડે. મહેનત કરવામાં  શરમ ન રખાય. લો કરો ટેસ્ટ. રોકડિયાએ  જશુભાઈને એક દાબેલી ધરી.

ના મને નહીં ફાવે.

તો ઘરે લઈ જાઓ. આપણા તરફથી. બોલો..કેટલી બાંધું?

બે


રોકડિયાએ બે દાબેલી બાંધીને જશુભાઈના હાથમાં મૂકી. જશુભાઈએ રોકડિયાને દસ રૂપિયા પરાણે આપ્યા ને  નવા ધંધા માટે શુભેચ્છા પાઠવી.

નયનાબેનને  અને જીતુને દાબેલી બહુ ભાવી. જીતુ તો તાળીઓ પાડીને ગાવા લાગ્યો:

શેરબજારમાં  ગ્યાતા જશુભાઈ

દાબેલી લઈ ઘેર આવ્યા રે લોલ…..


નવા વરસની પાર્ટી

વાત કરીએ જશુભાઈનાં બેસતાં વર્ષની. નયાનાબેનની મનાઈ હોવા છતાં જશુભાઈ અમુક વાક્યો બોલ્યા વગર રહી ન શક્યા. આ રહ્યા એ વાક્યો…..

  -એ.. અમે તો બેસતાં વરસની વહેલી સવારે ભળકડે અમારા કાકાને પગે લાગવા પહોંચી જતાતા. અત્યારે તો કોઈની ઘેર સવારે નવ વાગ્યે જઈએ તો  ડોહા ડગલાં સિવાય  બધાં ઘારોટતાં હોય.

-છોકરાઓને  વાંકા વળવાનું તો  આવડતું જ  નથી.  પણ ‘ જય શ્રી કૃષ્ણ’ બોલે તોય બસ.

    - તૈયાર ચેવડો ને તૈયાર મીઠાઈ  મૂકી દે. ખાવ ને થાવ હાલતાં. શુકનનો એકાદ ઘૂઘરો તો   જાતે બનાવે.

- બપોર સુધીમાં તો અમે અર્ધાં  સગાંવહાલાંને પતાવી દેતાતા. બાકી રહેલાં બપોર પછી.આજની જેવાં બહાનાં નહોતાં.

- કોઈને આવવા જવાનો સમય ક્યાં છે?  જોને સગાંવહાલાંના નામ પર કાગડા ઊડે  છે.

-તહેવાર જેવું રહ્યું છે જ ક્યાં? ખર્ચાનો પાર નહીં  પણ મજાનું નામ નહીં.

         સાંજે જીતુ  બહાર જવા તૈયાર થયો. મમ્મી મારું ખાવાનું ન બનાવતી. અમારા ભાઈબંધોની આજે પાર્ટી છે.

   સારું. નયનાબેને રાજીખુશીથી રજા આપી દીધી.

   પણ જશુભાઈએ વાંધો ઉઠાવ્યો. ઊગીને ઊભા થયા છો ને પાર્ટી?  નથી જવાનું.  પાર્ટીના પૈસા કોણ અનિલ અંબાણી આપશે.?

      તમે ચિંતા ન કરો. બંદોબસ્ત થઈ ગયો છે.  જીતુએ કોલર ઊંચા કરીને કહ્યું.  

  અરે પણ કેવી રીતે?

  એ બાબતમાં તમે મમ્મી સાથે વાત કરી લો તો સારું.  હું જાઉં છું. આઈ હેવ નો ટાઈમ.

જીતુ ઝડપથી બહાર નીકળી ગયો.  જશુભાઈ ઊંચાનીચા થઈ ગયા.

આ છોકરો અત્યારથી મારું માનતો નથી મોટો થઈને શું કરશે?  કઈ હોટેલમાં  પાર્ટી રાખી છે?  તને ખબર છે?

શાની હોટેલ ફોટેલ ? બિચારા દર વખતની જેમ ચાઈનિજ ખાવા લારી પર ગયા છે. પૈસા વધશે તો આઈસક્રીમેય  ખાશે.  નહીં તો બરફના ગોળા ખાશે.  વરસમાં એકાદ વખત તો જાય કે નહીં?

પણ  પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરશે?

આપણે સવારે એના હાથમાં દસ દસ રૂપિયા મૂક્યા હતાને? એ જ બંદોબસ્ત!    

જશુભાઈ ચૂપ જ નહીં શાંત થઈ ગયા.  થોડીવાર પછી એ પણ બહાર જવા માટે તૈયાર થઈ ગયા.

કેમ તમે વળી ક્યાં ઉપડ્યા?  નયનાબેને પૂછ્યું.

હું જાઉં.એટલા પૈસા કદાસ ઓછા પડશે. એ લોકો ભેગા થાય તો બીજા પાંચદસ રૂપિયા આપતો આવું.

ચિંતા ન કરો. રક્ષાબંધન વખતે મારા ભાઈએ આપ્યા હતા એમાંથી એમાંથી બીજા દસ રૂપિયા આપ્યા છે.  વધે તો પાછા લાવવાનું કહ્યું છે.   

સારું કર્યું.  જશુભાઈ પાછા બેસી ગયા.

પાર્ટી પતાવીને જીતુ આવ્યો ને નયનાબેનના હાથમાં દસ રૂપિયા મૂકીને બોલ્યો. લે મમ્મી આની જરૂર પડી નથી. તને કામ લાગશે.

નયનાબેને જશુભાઈની સામે જોયું.  જશુભાઈ પોતાની ભીની આંખો છુપાવવા માટે દીવાની જ્યોત તરફ  જોવા લાગ્યા.

મોબાઈલ માનવશરીરનું મુખ્ય અંગ કહેવાય?

જીતુએ ફરી લોચો માર્યો. સાહેબે પૂછ્યું કે માનવશરીરનાં મુખ્ય અંગો જણાવો તો જીતુએ જવાબ આપ્યો કે – આંખ,કાન,નાક,હાથ,પગ,મોબાઈલ વગેરે વગેરે … બસ. છેલ્લું અંગ સાહેબને  ઠીક ન લાગ્યું.

    ડફોળ. તેઓશ્રી તાડુક્યા. અંગો શરીર સાથે ચોંટેલાં હોય. મોબાઈલ માણસના શરીર સાથે ચોંટેલો હોય છે ?

   હોય જ છે ને. છાપાંમાં  પણ આવે છે કે મોટા ભાગના માણસો મોબાઈલ સાથે ચોંટેલા રહે છે. વાત તો એક જ થઈને?

    તમને અહીંયા કોર્સ પ્રમાણે જે ભણાવવામાં આવે છે એ જ ભણવાનું. સમજ્યો? છાપાની વાત નહીં કરવાની. આ ભણવાની ચોપડીઓ પસ્તી માટે કાઢી છે?

સાહેબ. તમે જ તો કહ્યું હતું કે છાપું વાંચવાથી સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે.  એટલે હું રોજ છાપું વાંચું છું.

સાહેબને લાગ્યું કે આ છોકરો દર વખતની જેમ આ વખતે પણ પોતાનું મગજ ફેરવી નાખશે એટલે એમણે જીતુની ડાયરીમાં નોંધ કરી નાંખી કે આ છોકરો અવળું અવળું વિચારતો હોવાથી વાલીએ શાળામાં આવીને વર્ગશિક્ષકને મળી જવું.

  નોંધ વાંચ્યા પછી જશુભાઈએ એક મહત્વનો નિર્ણય લીધો કે હવેથી જીતુને છાપાં થી દૂર રાખવો.

નસીબદાર જશુભાઈ

જશુભાઈ તો પહેલેથી જ ભાષણના ભૂખ્યા. એમાંય  જો મંત્રીશ્રી ઢીલારામ પોતે જ બોલવાના હોય તો પછી જશુભાઈ ઝાલ્યા રહે?

જશુભાઈ એ પણ જાણતા હતા કે ઢીલારામ ભાષણમાં કાંઈ ધડાકા ને ભડાકા નહોતા કરવાના. હજુ થોડા વખત પહેલાં જ ઢીલારામે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે – ત્રાસવાદીઓ હજુ વધું આધુનિક ધડાકા કરશે પણ પ્રજાએ ડરવાની જરૂર નથી. પ્રજાએ તો વધું આધુનિક રીતે અને વધું ઝડપથી મરવાની તૈયારી રાખવાની છે જેથી ત્રાસવાદીઓ થાકીને લોથપોથ થઈ જશે ને છેવટે ઢળી પડશે.

જશુભાઈને એમ કે ભાષણમાં ઢીલારામ આવું કાંઈક ગાંડુંઘેલું બોલશે તો લોકો હુરિયો બોલાવશે તો મજા પડશે.

પણ બન્યું સાવ ઉલટું. ઢીલારામ તો કાંઈ છાતી કાઢીને બોલ્યા છે! – પ્યારા દેશવાસીઓ. આપણી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે એટલે હવે અમારી પાસે એક જ રસ્તો છે કે ત્રાસવાદીઓ સાતમાં પાતાળમાં છુપાયા હોય તો ત્યાંથી પણ બહાર કાઢી કાઢીને એને મારવા. કાયદા મારફત કામ ચલાવવાનો કે એમને જેલમાં નાખવાનો કે એમને પાલવવાનો સવાલ જ નથી. આ આપણો દેશ છે, કાંઈ રેઢું ખેતર નથી કે મન ફાવે એમ  બદમાશો  ઘૂસણખોરી કરે ને એને કોઈ રોકનાર ન હોય! પ્રજાએ અમને શાં માટે સત્તા પર બેસડ્યા છે ? પોતાની રક્ષા ખાતર કે મોત ખાતર! પ્રજા બેમોત મરતી હોય ને અમે મિડિયાવાળા સામે નામર્દોની માફક ઊભા રહીને ચાંપલાં ચાંપલાં નિવેદનો કરીએ? હરગીજ નહીં. હવે તો એક જ વાત. ત્રાસવાદી દેખાયો નથી કે માર્યો નથી! અમારી સત્તા રહેવી હોય તો રહે નહીં તો જાય ઊંડી ભાડમાં. પણ હવે દેશ ઊંડી ભાડમાં જાય એ ધંધો કરવો નથી……

જશુભાઈ તો જોઈ જ રહ્યા! આ ઢીલારામને આજે થયું છે શું? ક્યાં  રોજનો પોદળા જેવો ઢીલોઢફ ઢીલારામ ને ક્યાં આજનો છાતી ઠોકી ઠોકીને ગર્જના કરતો, હાકલા ને પડકારા કરતો ને ધગધગતા લાવારસ જેવો ઢીલારામ. એણે લગાવી તો નહીં હોય?

જે હોય તે. પણ ચાલું ભાષણમાં જ  લોકોએ ઉત્સાહમાં આવીને  તાળીઓથી ઢીલારામને વધાવી લીધા. જશુભાઈ પણ એમાં જોડાઈ ગયા. પછી તો નારા ચાલુ થઈ ગયા:

દેખો દેખો કૌન આયા? શેર આયા શેર આયા.

ઝીંદાબાદ ઝીંદાબાદ …. ઢીલારામ ઝીંદાબાદ.

આવો માહોલ હોય ને જશુભાઈને તાન ન ચડે એવું બને જ નહીંને?  એ પણ ઉછળી ઉછળીને  માંડ્યા નારો લગાવવા. ઝીંદાબાદ ઝીંદાબાદ …. ઢીલારામ ઝીંદાબાદ.

ને…………… જશુભાઈ આવ્યા પલંગમાંથી હેઠા.

આંખો ખૂલી ગઈ ને જોયું તો સામે જીતુ તાળીઓ પાડી પાડીને ચિલ્લાતો હતો કે- મમ્મી મમ્મી જોતો ખરી. પપ્પાને ભૂત વળગ્યું

જશુભાઈને  ભાન થયું કે આતો નર્યું સપનું હતું!!! તેઓની નિરાશાનો પાર ના રહ્યો.

પણ છેવટે એમણે મન મનાવ્યું. મંત્રીશ્રી  ઢીલારામને  સપનાંમાં તો ગર્જના કરતા જોયા! એવાં ય નસીબ ક્યાંથી?