[મંચ પર આવીને સૂત્રધાર ખેલ શરૂ થયાની જાહેરાત કરે છે.]
સૂત્રધાર: આજના ખેલના માનવંતા દર્શકો. આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા દર્શકો,મારું અહીં ઉપસ્થિત હોવું આપ સહુને કદાચ નહીં ગમ્યું હોય. કારણ કે,આપની આંખો રંગલા અને રંગલીને જોવા આતુર છે. આપને એમ હશેકે, હમણાં જ રંગલો અને રંગલી આવશે અને તા થૈયા થૈયા ને તા થૈ કરીને એમના રંગે સહુને રંગી દેશે. પરંતુ ક્ષમા કરજો દર્શકો. આજના ખેલની શરૂઆત રંગલો અને રંગલી તા થૈયા થૈયા ને તા થૈ થી કરી શકે તેમ નથી. વાત એમ છે કે,રંગલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને એના કારણે રંગલી પણ રંગમાં નથી. બંને જણાં મુસીબતથી એવાં તો ઘેરાયેલાં છે કે, કોઈને માનવામાં જ ન આવે કે ખરેખર આ એ જ રંગલો અને રંગલી છે કે જેના દર્શન માત્રથી આપણે ખુશ થઈ જતાં હતાં. આજની એમની એમની હાલત વિષે વધારે તો શું કહું? લો, આ રંગલી અને રંગલો આ તરફ જ આવી રહ્યાં છે.
વહાલા દર્શકો, થોડી વારમાં જ આપ સહુ જોઈ શકશો કે, રંગલી અને રંગલાના મોઢા પર નૂર નથી રહ્યું! રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે! એના ખભે હાથ મૂકીને રંગલો જાણે કે પરાણે પરાણે પોતાની જાતને ઘસડી રહ્યો છે! આવું કદી બની શકે ખરું? બીજાને રાજી રાજી કરીને ઉદાસીમાંથી બહાર કાઢનારાં પોતે જ ઉદાસીના ઘૂનામાં ડૂબકા મારે? જિંદગી છે! એ જેટલા રંગ બતાવે એટલા ઓછા!
ચાલો , હું રજા લઉં. રંગલી અને રંગલો આવી ગયાં છે. હવે મારે કશું કહેવાનું રહેતું નથી. આપ સહુ જોઈ લો એમની હાલત!
[ મંચ પર રંગલી અને રંગલો આવી પહોંચે છે. રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે. રંગલો રંગલીનો ખભો પકડીને ચાલે છે. તે બાઘા જેવો લાગે છે. વારંવાર પોતાનું ડોકું હલાવે છે અને કશું બબડ્યા કરે છે. તેઓ મંચ પર થોડુંક જ ચાલે છે ત્યાંતો મંચની પાછળથી ગીત શરૂ થાય છે. ]
[ગીત:]
રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે… [2]
રંગલી રંગની વેરનારી … રંગલી જંગની છેડનારી… રંગલી ચાલી રે ભૂવાને આંગણે…. [2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે…..
રંગલી સાચાને તારનારી…રંગલી ખોટાને વારનારી… રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે….
રંગલી રંગેસંગે ઝૂમનારી..રંગલી ગરબે ગરબે ઘૂમનારી..રંગલી ચાલી રે ભૂવાને આંગણે..[2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે….
રંગલી રંગલા કેરી રાણી…શાને કાજે ઝંખવાણી….રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે…..
રંગલી કિયા તે દુ:ખની મારી..ચાલી નીકળી પરબારી..રંગલી ચાલી રે ભૂવાને આંગણે..[2]
ચાલી ચાલી રે ભૂવાને આંગણે…
રંગલી ચાલી રે ભૂવાને આંગણે…
રંગલી ચાલી રે ભૂવાને આંગણે…
રંગલી ચાલી રે ભૂવાને આંગણે…
[ રંગલી ચાલી ભૂવાને આંગણે .. દૃશ્ય-1 પૂરું થાય છે]
************************************* *********************************
મિત્રો, રંગલી ચાલી ભૂવાને આંગણે … એ ખેલનું પહેલું દૃશ્ય આપની સમક્ષ રજૂ થયું. આપ સહુને ગમ્યું હશે. આપને રંગલીના વ્યક્તિત્વનો પરિચય કરાવતું અને એની વર્તમાન દશાનો ચિતાર આપતું ગીત પણ ગમ્યું હશે.
હવે પછી રજૂ થશે દૃશ્ય-2. જે દૃશ્ય દ્વારા ભૂવાનું કાર્યાલય અને ભૂવો રજુ થશે. અને રજૂ થશે રંગલીના દુ:ખનું કારણ! પરંતુ એ માટે રાહ જોવી પડશે. તો રાહ જુઓ અને કલ્પના કરો કે, કેવું હશે ભૂવાનું કાર્યાલય? કેવો હશે ભૂવો? શું હશે રંગલીના દુ:ખનું કારણ? ફરી મળીએ … ]

