મિત્રો,
જમાનો પરિવર્તનશીલ છે. જૂનું જાય છે ભાગ્યું અને નવું આવે છે ધસમસ ધસમસ! કાલે ઓરકુટ હતું તો આજે ફેસબુક છે. ફેસબુક પર કોઈના કારોબાર ધમધોકાર ચાલે છે તો કોઈ [ મારા જેવો] રોજનું રોજ કમાઈને ખાય છે! ધારો કે કોઈપણ કારણસર ફેસબુકનો સૂરજ પણ અસ્તાચળે જાય ત્યારે -જેનો ફેસબુક પર એક જમાનો હતો એ પોતાની આત્મકથામાં શું કહે- એ માટે થોડું ભેજાફ્રાય કર્યું છે. પ્રસ્તુત છે આપની સેવામાં….
એક બરબાદ ફેસબુકીની આત્મકથા
હુ ફેસબુક સંસ્કૃતિના અવશેષરૂપી કેટલાંક ખંડેરો વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મેં ખૂબ જ કરુણાભર્યો અવાજ સાંભળ્યો: એ ભાઈ, અરે ઓ ભલાં માણસ .. ઊભો તો રહેં.. . અરે ભાગે છે કેમ? હુ ક્યાં સોનાચાંદી માંગુ છું? હુ ક્યાં રૂપિયા- પૈસા માંગુ છું? એક Comment માંગુ છું. અરે! Comment ન દેવી હોય તો વાંધો નહિ. એક Like તો કરતો જા. ભગવાન તારું ભલું કરશે.
મને દયા આવી ગઈ. હુ એ બોલનારની પાસે ગયો. ત્યાં થોડાક Likeના ટુકડા વેરવિખેર પડ્યા હતા. મેં એણે વ્યવસ્થિત ગોઠવીને એના ઠોસર્યામાં મૂક્યા. એ ખૂબ જ ખૂશ થયો. મને આશીર્વાદ આપ્યાં કે: તારા ભંડાર Commentsથી ભર્યાં રહેશે. તારા Like દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધશે.
હુ ત્યાંથી રવાના થતો હતો ત્યારે એણે મને ખૂબ જ દર્દભર્યા અવાજે કહ્યું કે: હેં ભલાં માણસ, આવ્યો છે તો મારી કહાની નહિ સાંભળે? મારા જેવાં પર એટલી દયા નહિ કરે?
મને દયા આવી ગઈ. એણે એની ફેસબુકિયા જિંદગીની કહાની શરૂ કરી:
ભાઈ, આ જે ખંડેર વચ્ચે હુ મારા દુખના દિવસો પસાર કરું છું ત્યાં એક જમાનામાં હર્યોભર્યો ફેસબુક નામે પ્રદેશ હતો. ને જે કાટમાળના ઢગલા પર આપણે અત્યારે બેઠા છીએ ત્યાં મારાં ફેસબુકિયા કિલ્લાની દીવાલ હતી. એ દીવાલ જે દીવાલ સદાય મારા મિત્રોની વાહવાહથી ભરી ભરી રહેતી હતી. અરે, તું નહિ માને! હુ સવારે ઊઠીને બ્રશ કરતો કરતો જ્યાં ફેસબુકના કિલ્લા તરફ નજર નાખતો ત્યાં તો કિલ્લાની Wall પરથી એકસામટા અવાજો આવતાં હતા કે: Good Morning! : Good Morning!
મને થતું કે:અરેરે! આ લોકો રાત્રે ઘેર પણ નહિ ગયા હોય! આખી Wall પર ઠેકઠેકાણે મિત્રો અડીંગો જમાવીને બેઠા હોય. કોઈ લટકતા હોય! કોઈ આડા થઈને પડ્યા હોય! કોઈ વળી પોતાની વાત કહેતાં હોય! કોઈ ગાતા હોય! કોઈ નવીનવી અને ભાતભાતની તસવીરો Wall પર લગાડતા હોય!
અરે! બેત્રણ દિવસ બહાર જઈને આવું તો Wall પર કેટલીય Tags લટકતી હોય! એટલી બધી Tags કે મને મારાં ફેસબુકિયા કિલ્લાની દિવાલ પણ ન દેખાય!
મને ક્યારેય એકલવાયું નહોતું લાગતું. દીવસમાં વારેવારે Wall પરથી હાકલા સંભળાતા રહેતા કે: ચા પીધી કે? ખાધું કે? શું ખાધું?
કોઈના હાકલાનો હુ જવાબ આપું તો એ રાજી થઈને Wall પર જ ડાન્સ કરવા લાગે! મને સાલી બીક લાગતી કે- આ ખાબકે નહિ તો સારું!
આ તને સામે જે મોટા ઓરડા જેવું દેખાય છે ને એ ઓરડામાં મારી અને મારા મિત્રોની પાર વગરની તસવીરો હતી. એની બાજુમાં એક મોટો ખંડ હતો. જેમાં મારાં અને મિત્રોનાં લખાણો નું રોજ રોજ પ્રદર્શન થતું ક્યાં ક્યાંથી લોકો એ લખાણો વાંચવા આવતા. વાંચીને રાજી થતા. જતા જતા મને મિત્ર બનાવવાની રીક્વેસ્ટ કરતા. મારું મિત્રવર્તુળ વિશાળ હતું. જાણે એક મોટું લશ્કર!
હા લશ્કર જ! કારણ કે ક્યારેક ક્યારેક ફેસબુકના દેશમાં ધીંગાણાં પણ થઈ જતાં. હુ અને મારાં મિત્રો જી જાનથી લડતા અને આક્રમણખોરોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેતા.
જેમ જેમ મારી કીર્તિ ફેલાતી ગઈ તેમ તેમ મારાં કિલ્લાની Wall પર ભીડ વધતી ગઈ. ક્યારેક ક્યારેક અંદરોઅંદર પણ અથડામણો થતી. કેટલાક હિતશત્રુઓ પણ મિત્રોના સ્વાંગમાં આવીને વાતાવરણ બગાડી જતા. મારે ખૂબ ધ્યાન રાખવું પડતું.
મોડી રાત સુધી Postsની આવનજાવન રહેતી. ગાડીમોઢે Posts ઉતરતી. હુ મારી એક Post લઈને બહાર નીકળતો ત્યાં તો એને જોવાં માટે પડાપડી થઈ જતી. મૂકું ન મૂકું ત્યાં તો કેટલાય લોકો એને Share કરવા માટે લઈને ભાગતા. વખાણ અને ટીકાઓનો ઢગલો થઈ જતો. કેટલીય ટીકાઓ બિચારી દબાઈ જતી અને બૂમો પાડતી કે: બચાવો… બચાવો…
મારે ઘણી વખત કહેવું પડતું કે: ભાઈ, બધાં અહીં ધામો ન નાખો. બીજે જાવ જ્યાં કાગડા ઊડે છે! પણ મારી વાત કોણ માને?
પણ કહેવાય છે ને કે: એકસરખા દિવસો કોઈના જતા નથી. દરેક સારી વાતનો પણ અંત હોય છે. સર્જન પછી વિસર્જન હોય છે. સમય જતાં ફેસબુકની જાહોજલાલી ઓછી થતી ગઈ. લોકો પોતાના કિલ્લાઓને તાળાં મારીમારીને બીજા પ્રદેશમાં જતા રહ્યા. મને પ્રદેશ સાથે એવી દગાબાજી કરવી ઠીક ન લાગી. હુ પડ્યો રહ્યો! પણ, મારો કારોબાર પણ ઘટવા લાગ્યો. પરિણામે ફેસબુકીયા કિલ્લાની જાળવણી ન થઈ શકી! ધીરે ધીરે એના કાંગરા ખારવા લાગ્યા! ને એક દિવસ…
એ માણસ આગળ બોલી ન શક્યો…
થોડી વાર પછી એણે એક મોટો નિસાસો મને કહ્યું: ભાઈ, એ જાહોજલાલીના દિવસો યાદ કરીકરીને દિવસો પસાર કરું છું. જ્યાં એક વખત મિત્રોનાં નામ પણ યાદ નહોતાં રહેતાં ત્યાં આજે સમ ખાવાય એકાદ મિત્ર પણ નથી! સમય સમયની વાત છે! સમય બડા બલવાન … નહિ ફેસબુક બલવાન!
મારાથી એનું દુઃખ જોવાતું નહોતું એટલે થોડું આશ્વાસન આપીને હુ ત્યાંથી ઝડપથી ભાગ્યો. કારણ કે -અંધારું થવા લાગ્યું હતું અને વાતાવરણ ભયંકર થતું જતું હતું.
જતાં જતાં મારા કાને આ શબ્દો સંભળાયા…
Postના પરવાના ગયા
Friends દીવાના ગયા..
સમયે ફેરવ્યું પડખું તો
Facebookના જમાના ગયા!!


