Archive

Posts Tagged ‘કવિતા’

નામ તારું લજવાય જશુભા..

[યાદ કરો જેસલ તોરલનું ભજન : પાપ તારું પરકાશ જાડેજા]

નામ  તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…

તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…

એમ મોદી કહે છે જી … હે જી રે… એમ મોદી કહે છે જી…

હે… જેના કીધાં વખાણ મોદીભાઈ… આડવાણીએ કીધાં વખાણ રે..

એવા ઝીણાને મેં વખાણિયા.. ડાયા ને ડમરા જાણિયા …

મોદીરે… એમ જશુભા કહે છે જી … હે જી રે ..એમ જશુભા કહે છે જી…   નામ તારું લજવાય …

.

હે… એનું વધશે વેચાણ મોદીભાઈ … ચોપડીનું વધશે વેચાણરે…

આઘે આઘેથી ઓરડર આવિયા … અમે તો એમાં ફાવિયા…

મોદીરે…એમ જશુભા કહે છે જી… હે જી રે …એમ જશુભા કહે છે જી…  નામ તારું  લજવાય..

.

હે… દીધા ઇન્ટરવ્યુ અપાર મોદીભાઈ.. ઇન્ટરવ્યુ દીધા અપારરે..

અમે આંખ્યુંમાં આંસુ લાવિયાં… આખા મલકને બતાવિયાં…

મોદીરે… એમ જશુભા કહે છે જી… હે જી રે એમ જશુભા કહે છે જી…

.

નામ   તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…

તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…

એમ મોદી કહે છે જી ..હે જી રે એમ મોદી કહે છે જી…

હે જી રે એમ મોદી કહે છે જી…

બ્લોગજગતનો સનેડો — યશવંત ઠક્કર

હે બ્લોગજનો, હે ગુણીજનો. અસર ના   ઓટલે આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું.  આ પહેલાં રંગલા અને રંગલીએ અહીંથી ત્રણ ખેલ રજૂ કર્યા. પણ આજે રંગલો અને રંગલી ભવાઈ રજૂ કરવાની ના પાડે છે. મેં એમને કહ્યું કે “આવું ના કરશો. બ્લોગજનો અસરના ઓટલેથી નારાજ થઈને પાછાં જશે.” તો એ લોકો કહે કે -  નારાજ કરવાની વાત જ કેવી? અમારે તો આજે બ્લોગજગતનો સનેડો ગાવો છે ને સૌને રાજી રાજી કરવાં છે.- તો  આજે રંગલા અને રંગલી પાસેથી સાંભળો બ્લોગજગતનો સનેડો અને થાઓ રાજી રાજી.

[રંગલો અને રંગલી  બંને જણાં  નાચી નાચીને  સનેડો ગાય છે.]

હે સનેડો સનેડો…. રંગબેરંગી સનેડો…

હે સનેડો સનેડો….. બ્લોગજગતનો સનેડો ….

હે સનેડો સનેડો…. થીમથીમનો સનેડો….

હે સનેડો સનેડો… ડોટ કોમનો સનેડો…

હે… બ્લોગજગતનાં ખેતરે … મબલખ વાવણી થા……ય
આ બાજુ વાવ્યું નથી… ને ઓલી બાજુ કાપણી થાયરે.. સનેડો સનેડો …

હે… કોઈને ભાવે રસગુલ્લા ….. ને કોઈને ચોળા… ફળી…
કોઈને ફાવે પોચું પોચું ….. ને કોઈને તડાફડીરે … સનેડો સનેડો …

હે…. શિયાળે ચા ભલી….. ને ઉનાળે સરબત ખા……..સ
ચોમાસે કડવાણી ભલી …. ઓલી બ્લોગવાણી બારેમાસરે … સનેડો સનેડો…

હે… શિયાળે તડકો ભલો…. ને ઉનાળે છાંયાનો સહવા……સ
ચોમાસે છતરું ભલું…. ઓલ્યું બ્લોગિયું બારેમાસરે… સનેડો સનેડો…

હે…. સત્યનારાયણની હોય કથા…. ને મફત મળે પરસા…દ
એમ ગઝલુંનાં ગાડાં ભરાય ….. ને ગીતોનો થાય વરસાદરે… સનેડો સનેડો

હે… કોઈ લાવે ગતકડું….. ને કોઈ ગીતા….ને વે….દ
જેવી જેની મરજી….. અહીં નથી કોઈ વાતનો ભેદરે… સનેડો સનેડો

હે… ગઝલુંનાં વાચનાર ઘણાં….. ને લાંબી વારતાનો કોઈ પૂછે નહીં ભા…. વ
નવલકથાનું જ્યાં નામ પડે…. ત્યાં ચડી જાય ટાઢિયો તાવરે… સનેડો સનેડો…

હે…. બ્લોગજગતનાં ખેતરે…. લાગણીયું વરસે અપા…..ર
કોઈ વરસાવે વહાલપ ઘણું…. ને કોઈ વરસાવે ખારરે… સનેડો સનેડો….

હે…. કોઈએ પાથર્યા પથારા ….. ને કોઈએ માંડી હા……ટ
ઓલ્યા જુવાનિયા તડાફડી કરે……ને ઓલ્યા કાકાઓ કરે કકળાટરે … સનેડો સનેડો

હે…. બ્લોગજગત શોભી રહ્યું …. બહેનો થકી વિશે…..ષ
અવસરે આવીને ઊભી રહે…. હોય દેશ કે વિદેશરે… સનેડો સનેડો

હે… ઉંમર થઈ તો શું થયું……. ઓલી દાદીઓના ઉમંગનો નહીં પા….ર
નીત નીત નવી વાનગીઓ મૂકે … આ તો રોજનો જમણવારરે… સનેડો સનેડો

હે…. કલમથી કાગળ લખા….ય. પણ બ્લોગ લખ્યા ન જા…..ય
કી બોર્ડની વાટે જાતાં ….અજાણી આંગળીઓ ગોથાં ખાયરે… સનેડો સનેડો …

હે… ટેકનિકના જાણકાર ઘણાં…..લાવે નવું નવું રો…..જ
રંગબેરંગી પાણીથી …. એના ભર્યા ભર્યા રાખે હોજરે…. સનેડો સનેડો…

હે…. વાટકીના વહેવાર જેવો….. કૉમેન્ટનોય વહેવા….ર
લેતીદેતીમાં જે સમજે … એનો અટકે નહીં તહેવારરે… સનેડો સનેડો…

હે… સાસરિયા સૌ ટોળે વળ્યાં ….જોવા વહુનું આણું… અપા….ર
હરખઘેલી વહુએ …… એના બ્લોગ બતાવ્યા બારરે … સનેડો સનેડો…

હે… બ્લોગઘેલી વહુએ ……. સાસુમાને દીધો આદે….શ
હું બ્લોગ લખવા બેઠી છું …. મને બોલાવશો નહીં લવલેશરે…. સનેડો સનેડો…

હે ઉછળતી ને કૂદતી કન્યા…. કરે બ્લોગનું તોરણ તૈયા…. ર
તોરણ પાછળથી ડોકિયાં  કરે…. ઓલ્યો સપનાંનો રાજકુમારરે… સનેડો સનેડો …

હે… કોઈ ગુજરાતમાં વસ્યું ….. ને કોઈ ગુજરાત બહા….ર
કોઈ દરિયાપાર ગયું …… સૌને ગુજરાતી ગમે અપારરે… સનેડો સનેડો…

હે… દરિયાપાર જઈને જે વસ્યાં … એને હૈયે વતનની યા…દ
બ્લોગના ટેકરે ટેકરેથી….. એણે ગુજરાતીમાં દીધા સાદરે… સનેડો સનેડો ..

હે…ધગધગતાં લોહીમાં…. ધગધગતો ભાષા.. પ્રે…મ
એ ધગધગતું લોહી…… ‘માવડી’ ને રાખશે હેમખેમરે…. સનેડો સનેડો…

હે…. રંગલોને રંગલી વિનવે …… રાખજો મોટું મ….. ન
હસતાં ને ખેલતાં રહેજો….. ને ભાષાનું કરજો જતનરે…. સનેડો સનેડો…

હે…. બ્લોગજનો તમે સહું…. હૈયે રાખજો હે…..ત
રંગલો રંગલી મર્યાં નથી …. કે નથી થયાં પ્રેતરે… સનેડો સનેડો

હે… રંગલો કહે રંગલીને ….. આ સનેડાનો અંત આવે નહીં…..
આજે રજા લઈ લઈએ…. કરીને તા થૈયા થૈયા ને તા થૈ રે… સનેડો સનેડો…

હે સનેડો સનેડો હે સનેડો સનેડો હે સનેડો સનેડો

રંગ બેરંગી સનેડો ….

બ્લોગે બ્લોગનો સનેડો….

થીમે થીમનો સનેડો…

ડોટ કોમનો સનેડો …..

સનેડો ……. સનેડો ……………………..

[આવજો અસર ના ઓટલો ફરીથી પધારજો.]

આ નવું શું થાય છે ટોળે વળો

નગર તસવીર:ધવલ ઠક્કર

નગર તસવીર: ધવલ ઠક્કર લેખ:યશવંત ઠક્કર

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.

[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.

[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.

[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી.  પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.

[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.

[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.

… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ  આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.

કારણ કે મને લાગે છે કે…

- હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.

-શહેરમાં  હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક  ઘાસનાં તરણાં નસીબમાં છે.

- શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!

- જો શહેરમાં ગજી પણ  કેટલીક જગ્યાએ  ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં  થવું પડે.

- છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે.  પણ આજની નારી જ્યારે તમામ  ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :

ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ

લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ    [રમેશ પારેખ નાં ગીતમાંથી]

એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે.  બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ  જોવા મળી શકે છે.

… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન  ઉપર જણાવેલી તકલીફો ના  પ્રભાવ  હેઠળ સો  એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો  અ- કવી કેવી રચના કરે.

એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.

ટોળે વળો

આ નવું શું થાય છે  ટોળે વળો.

એક માણસ જાય છે  ટોળે વળો.

ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં

ગાય તરણાં ખાય છે ટોળે વળો.

સાવ અસલી એક પક્ષી જોઈ લો

ગીત મીઠાં ગાય છે ટોળે વળો.

ના ધુમાડાનું  નથી નામો નિશાન

વાયુ ચોખ્ખો  વાય છે ટોળે વળો.

માનવામાં આવશે એ  વાત  કે

છોકરી શરમાય છે ટોળે વળો.

મા તે મા ને બીજાં વગડાના વા… યશવંત ઠક્કર

મા તે મા બીજા વગડાના વા

મા તે મા. તસવીરકાર:ધવલ ઠક્કર કવિતા:યશવંત ઠક્કર

મા તે મા ને બીજાં વગડાના વા

મા જેવી મા બીજી લેવા તો જા .


થકવી નાંખે એવો સંસાર છે આ

માના ખોળામાં પોરો થોડો ખા.


જ્યારે જ્યારે હૈયે વાગે છે ઘા

ત્યારે ત્યારે સાંભરતી કેવી મા!


છે સૌને મોટા થાવા બાબત હા

માતાને ભૂલી જાવા બાબત ના.


મોટો થઈને પણ હળવો હળવો થા

મા ગાતી’તી એ ગીતો તું પણ ગા.

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં… ગરમીમાં ઠંડીનો એહસાસ! — યશવંત ઠક્કર

શિયાળો ઓણસાલ ઓછો રોકાયો હોય એવું લાગે છે. આજકાલ વધતું જતું તાપમાન સમાચાર અંને ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે શહેરના રાજમાર્ગ પર ભાગતા માણસને રોકીને પૂછ્યું હોય કે ભલા માણસ તને ફાગણ ફોરમતો આયોની ખબર પડી? તો કશો જવાબ આપ્યા વગર ચહેરા પર 42 ડીગ્રી તાપમાનનો આંક બતાબતો ભાગી જાય એવી શક્યતા વધારે છે. પણ આજ માણસ આપણને નવરાત્રિના તહેવાર વખતે ‘ફાગણ ફોરમતો આયો’ ગીત પર ઝૂમતો દેખાય તો આંચકો ન ખાવો. આતો Airconditioned Hotel માં બેસીને રોટલો અને અડદની દાળ ખાવાની મજા માણવાની વાત છે!!

પરંતુ એક કવિને આવા જ દિવસોમાં અમરેલીમાં જિંદગીની દોડધામ વચ્ચે પણ એક મજાનું ગીત સૂજ્યું. કવિ નામે રમેશ પારેખ અને ગીત આ રહ્યું……..

તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

બળતે બપોરે ભીનો પગરવ સુણીને

કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં

ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં

કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિતા ધોધમાર સામસામે આપણે ઊભા રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ

અને હું રે વેરાઈ જઉં રાનમાં

મારી હથેળીમાં ય એવી રેખાઓ

જેવી રેખા છે ખાખરાનાં પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું

હવે આંખોને કેમરે ભુલાવવું

********

*માત્ર ને માત્ર એક પ્રશંશક તરીકે કેટલાક ચમકારા રજૂ કરવાનું મન થાય છે

*આંખોને શું નથી ભુલાતું?: કોઈનું આગમન.

*કોઈનાં આગમનનો સમય : ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં.

*આગમન કેવુ? : પહેલા વરસાદ સમું.

*પગરવ કેવો?: ભીનો ને વળી એવો કે જેને સાંભળીને કળી શકાયો.

*આવનારને શાની તકલીફ લેવી ન પડી?: બારણું ખખડાવવાની કે ‘ ડોર-બેલ’ વગાડવાની.

*વાદળાં શેનાં અંધાર્યાં? : ચારે આંખોનાં.

*ક્યા મોર બોલ્યા?: શમણે આવેલ.

*શેનું પૂર આવ્યું?: ઓચિતા ધોધમાર સામસામે બેઉનું ઊભા રહ્યાંનું.

*ફળિયે ઝાડ કેવું?: પલાશફૂલ નીતરતું.

*ક્યાં વેરાઈ જવાની વાત ?: રાનમાં.

*હથેળીમાં રેખઓ કેવી?: જેવી રેખા છે ખાખરાનાં પાનમાં.

*છાંયડાં કેવી રીતે ઊછેરી શકાય?: લીંબોળી વાવીને.

*મૂંઝવણ શાની થાય છે?: ચોમાસું વાવવાની.

*અરે યાર … આવું તો બધા બહુંને થયું હશે પણ આવું ગીત લખ્યું કેટલાયે?: માત્ર રમેશભાઈએ.

*આ ગીત કેવું લાગે છે?: ગરમીમાં ઠંડીનો એહસાસ કરાવે એવું!

અહીં સૌને ઉદાસીની મહાઆદત પડી ગઈ છે.

અહીં લોકો નથી હસતાં મહામંદી નડી ગઈ છે.

અહીં સૌને ઉદાસીની મહાઆદત પડી ગઈ છે.

જવા દો ને, અમે પ્યાલા ભરીને ભાંગ પીધી છે

અમારે શું? અમોને તો મહામસ્તી ચડી ગઈ છે.

નગર મધ્યે અમે ચાલ્યા અમે દોડ્યા અમે કૂદ્યા

કરીએ શું? અમોમાંથી શરમ થોડી દડી ગઈ છે.

હવે સગપણ તણાં બંધન રતીભર પણ નથી નડતાં

નથી પરવા હવે સગપણ તણી સાંકળ સડી ગઈ છે.

જમાનાના હવે ઝાલ્યા અમે યારો નહીં રહીએ

ખુશી કેરા ખજાનાની હવે ચાવી જડી ગઈ છે.

વિગતનાં નામે નરી વાર્તાઓ

વિગતનાં નામે નરી વાર્તાઓ

સમાચારોમાં ભરી વાર્તાઓ.

 

કહેવાવાળો હતો રાજા તો

સભામાં સાચી ઠરી વાર્તાઓ.


અદાલત મધ્યે વકીલો સૌએ

ખુલાસારૂપે કરી વાર્તાઓ.


દુકાનદારે જ્યાં કરી ઉઘરાણી

કથાકારે ત્યાં ધરી વાર્તાઓ.


થયાં તોફાનો અને અફવા થઈ

નગર આખામાં ફરી વાર્તાઓ.      

વાંચો તો ખરાં, ટૂંકમાં પતી જશે, નહીં લંબાવું

[1]

તારીખિયાંના

ભારથી થાકી ગઈ

રની ભીંત.

[2]

ભૂખી ગાવડી

કાગળમાં શોધે છે

વનસ્પતિને.

[3]

ઠોકર થઈ

મારો જ પડછાયો

ને વાગ્યો રે!

[4]

ગોઠવી છે મેં

સંબંધોની ચોપાટ

હારવા કાજે.

[5]

ખાબોચિયાંને

લેચી ઉલેચીને

થાકી જવાયું. 

આજ તડકો મોકલું છું એ તરફ …

તડકો dsc06031

તસવીર:ધવલ ઠક્કર

આજ તડકો મોકલું છું એ તરફ

સાવ નરવો મોકલું છું એ તરફ.

રાખજે મુઠ્ઠી ઉઘાડી આજ તું

ભાગ ગમતો મોકલું છું એ તરફ.

સ્વાદ ચાખ્યા બાદનું આ કામ છે

માન, હલવો મોકલું છું એ તરફ.

માપ બાબત ના ફિકર કરવી ઘટે

એક સરખો મોકલું છું એ તરફ.

કાલ ઝાકળ મોકલ્યું’તું પ્રેમથી

આજ તડકો મોકલું છું એ તરફ.

 

નીકળે…..

 

એક તિખારો રાખમાંથી નીકળે

વાત એવી વાતમાંથી નીકળે.


 

કાન ચમકી  જાય  શેરીઓ તણા

કોણ   એવું    ગામમાંથી નીકળે.


 

એમની  આંખો  સુધી પહોંચી જવા

સ્વપ્ન મારી આંખમાંથી નીકળે.


 

કાળજી તો ખૂબ રાખું છું છતાં

બે’ક શબ્દો દાઢમાંથી નીકળે.


 

એક છેલ્લો દાવ અજમાવી લઉં

નાવ જો તોફાનમાંથી નીકળે.


 

    ફૂલછાબ: 22-10-80