Archive

Posts Tagged ‘કથા’

સાંકડ-મૂકડ

મોટરગાડી  ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો  પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.

રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે  બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ  જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?

નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ  મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંચો કરીને ઊભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.

“રાકેશ, ગાડી ઊભી રાખ.” મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊભી રાખી.

નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યું: “ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડ્યો છે એટલે કહું છું.”

“ગાડીમાં જગ્યા જ નથી.” રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.

“જરા સાંકડમૂકડ બેહાડી દ્યો તો મહેરબાની.”

“આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.” રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.

….. એ ક્ષણે તો મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું  બળદગાડું![માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી.]  આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો  લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે  નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો  અને  એમાં નાગભાઈના પરિવારના સભ્યો બેઠાં હતાં.

માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ માફામાંથી નાગભાઈની બાના  શબ્દો મેં સાંભળ્યા: “અરેરે! આ બળબળતા તાપમાં આ છોકરો શેકાઈ જાશે! એને બિચારાને માફામાં  બેહાડી દે.”

“મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ  છે પણ તમને ફાવશે?” માફામાં  જગ્યા નહોતી એટલે નાગભાઈએ  અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્યું.

“અરે! સાંકડમૂકડ સામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.”

“આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?”  એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો  ઊભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.

વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને….

….. “રાકેશ, ઊભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.” મારાથી કહેવાઈ ગયું.

રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.

ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.

ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડ્યો.

“શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ના થવાય.  તું પણ સુધર્યો નહીં…. ”  રાકેશ બોલ્યે જતો હતો.

…પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.

ચાંદની. 21-12-1984]

[અમારી  એક  વાર્તા વૃંદાવનમાં નિમાણી થઈને બેઠી છે: “લીલા”

અને બીજી મુંબઈની ભીડમાં અટવાઈ ગઈ છે.: “મુંબઈ ” – ખરેખર મુંબઈમાં કોઈ કોઈનું નથી? વાંચો આ વાર્તા. ]

[ વાર્તા બાબત વધારે વાંચો: વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી ]

ચૂલે તપેલી

[ બ્લોગ મિત્રો, ગ્રામ્યસમાજમાં જેને 'બે આંખની શરમ' કહે છે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે  છે. ત્યાં, સંબધો ઘણી વખત કઈ રીતે જળવાતા હોય છે ;  એ હું નહીં કહું ...આ વાર્તા કહેશે.]

“એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી છે.”

“પૈસા લાવ્યાં છો?” મેં પૂછ્યું.

“બાકી રાખવા સે, દીકરા.”

“બાકી? બાકી બાકી કેટલા દિવસ સુધી કરશો? નથી ઉધાર આપવું જાવ.”

‘કાંઈ કારણ પણ?”

“આગળના વીસ રૂપિયા લેણા છે એ ચૂકવવાનું તો નામ નથી લેતાં. રોકડેથી લેવા બીજાની દુકાને જાઓ છો ને ઉધાર લેવા અહીંયા આવો છો ? મારે નથી એવો ધંધો કરવો.એક તો ઉધાર આપવું ને ઉપરથી ઘરાક ખોવું.”

“કોને ન્યાંથી રોકડેથી લાવી વળી? ઈ તો તારા વીસ રૂપિયા નથી દેવાણા એટલે  આજ્યકાલ મગનની દુકાને જાવું પડે સે. ને ન્યાંથીનેય ઉધાર જ  લાવુંસ.”

“તો આજેય જાઓ એને ત્યાં.”

” એની દુકાન બઉ આઘી પડી જાય દીકરા. ઘેર મે’માન બેઠા છે ને સૂલે તપેલી સે. નકર તારી હારે આટલી બધી ધડ્ય નો કરું હો.”

“તમને કહ્યુંને એકવાર કે મારે ઉધાર નથી આપવું. મારે ઈ ધંધોજ નથી કરવો. મણીકાકી. હું આમ ગામલોકોને ક્યાં સુધી  ઉધાર આપ્યાં કરું?  ઉઘરાણી  તો પતતી નથી. મારે તો ગામ મૂકવાનો વારો આવશે.”

“ગામની વાત જાવા દે. તને આ તારી મણીકાકી ઉપર વિશવાસ નથી? “

“નથી નથી ને નથી. એકસો ને એક વાર નથી. હવે કહેવું છે  કૈં? “

“તારો મગજ તો બઉ આકરો ભઈ. કાંઈ વાંધો નઈં. ઘેર મે’માન સે ને સૂલે તપેતી સે. કાંઈક મારગ તો કાઢવો પડશેને?”

“તમારે જેમ કરવું હોય એમ કરો. બાકી હું ઉધાર નહીં આપું. “

“જેવી તારી મરજી.”

મણીકાકી દુકાનનો ઓટલો ઊતરી ગયા. મેં નવલકથાનું વાંચન આગળ વધાર્યું.  પાંચ લીટી પણ નહીં વાંચી હોયને મને થયું કે મણીકાકીને પાછાં બોલાવું. મેં ઊભા થઈને દુકાનની બહાર ડોકું કાઢ્યું .ઊભી બજારે નજર દોડાવી પણ મણીકાકી ક્યાંય નજરે ન ચડ્યાં. ત્રણચાર કૂતરાં અને દસબાર નાના છોકરાંઓ સિવાય આખું ગામ હજી રોંઢો થવાની જાણે રાહ જોતું હતું.

મેં ગાદીતકિયા પર લંબાવ્યું અને નવલકથામાં ડૂબકી મારી. હજુ પૂરો ડૂબું ન ડૂબું ત્યાંતો મણીકાકી પાછાં આવ્યાં અને ઓઢણીથી ઢાંકેલો  અને ખાંડથી ભરેલો વાટકો દેખાડતાં બોલ્યાં: “જો દીકરા.તેં ઉધાર દેવાની ના પાડી તો આ તારી ઘેર જઈને તારી બા પાંહેથી વાટક્યો ખાંડ ઉછીની લઈ આવી. પણ જોઈ એમાં કાંઈ હાલે? ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી સે. તું જ કે હું બીજું  સું કરું? “

હું મણીકાકીને તાત્કાલિક જવાબ આપી ન શક્યો અને મારા જવાબની રાહ જોયા વગર જ તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં.

એમની જીમીનો લફડફફડ અવાજ મારે કાને અથડાતો રહ્યો.

[પ્રગટ: "ચાંદની"  1 -12-1981 ]

તરસ

ઘણાંને આ ઉનાળો લપળા મહેમાન જેવો લાગતો હશે કે જે જવાનું નામ નથી લેતો! બેગ બિસ્તરા તૈયાર કરે ને પછી પાછો રોકાઈ જાય. થોડા દિવસો પહેલાં તો વાદળાં થયાં હતાં. વીજળી પણ! અરે છાંટા  પણ ! પણ પછી આગળ કશું જ નહીં.  ફરી એજ હઠીલા જોગી  જેવો ઉનાળો.  ધોધમાર તાપ વરસાવતો  ઉનાળો.

મને યાદ આવે છે આવા જ  ઉનાળામાં એક દિવસે મેં  અનુભવેલી તરસ.

ત્યારે હું પાંચમું ધોરણ ભણતો હતો. અમારાં નાનીધારી ગામમાં ફક્ત ચાર ધોરણ  સુધીની જ  શાળા હતી. આગળ ભણવા માટે ઈંગોરાળા જવું પડતું હતું. નાનીધારી અને ઈંગોરાળા વચ્ચેનો એ દોઢ ગાઉ [ ત્રણ માઈલ]નો રસ્તો આજે પણ એવો ને એવો જ યાદ આવે છે. વાંકોચૂકો અને ધૂળિયો . ક્યાંક ખૂલ્લો તો ક્યાંક કાંટાળા થોરથી બંધ. અમે ચાર છોકરાઓ ખભે  થેલા[દફતર] લઈને નીકળી પડતા. હું,નાથો,કાળીદાસ અને બાલો. રસ્તામાં અમે  અમારી રીતે જુદાં જુદાં મથકો નક્કી કર્યાં હતાં જેથી રસ્તો લાંબો ન લાગે. આ મથકો આ પ્રમાણે હતાં: નાનીધારી છોડીએ એટલે પહેલું મથક પાદરડી. પછી  મોટી નેળડી, ટાંકરિયો ટીંબો, નાની નેળડી, રૂડા પટેલનું ખેતર, શેઢો,વડલી-લીંબડી, આંધારિયો કેડો, ખાડો, ચાર બાવળિયા અને  વીસાવદરિયો નદી. ક્યારેક દોડીએ પણ ખરા. વાતો કરીએ,દુહા લલકારીએ, હાકલા ને પડકારા કરતા જઈએ ને રસ્તો કાપી નાખીએ.

તે દિવસે શનિવાર હતો. શાળાનો સમય સવારે સાતથી બારનો હતો. તે દિવસે મારા જોડીદારો આવ્યા નહોતા. હું એકલો જ હતો. શાળા  છૂટી એટલે  મેં ગામની વાટ પકડી. થોડે ગયો ને તરસ લાગી.  એ વખતમાં વોટરબેગનું નામ પણ સાંભળ્યું નહોતું. પ્લાસ્ટિકની બોટલો પેદા થઈ નહોતી. ગામના લોકો કોઈ કોઈ વાર કૂંજાનો કે ઢોચકાનો ઉપયોગ કરે. પણ મોટાભાગે તો તરસ સહન કરી લેતા.  હું પણ એવું જ કરતો. પણ તે દિવસે કોને ખબર મને ક્યા ભવની તરસ લાગી!  સહન ન થઈ શકે એવી!હવે શું કરવું? ઈંગોરાળા તરફ પાછો ફરું? ના,ના.એવું કરાય?  વીસાવદરિયામાં તો પાણી હતું નહીં. ઠેઠ ઈંગોરાળા ગામ સુધી પાછું જવું પડે.પણ તો પછી  આ જે રસ્તો કાપ્યો એનું શું?

હું આગળ વધતો ગયો. પણ જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ તરસ પણ વધતી ગઈ. રસ્તો જાણે કે  તણાઈ તણાઈને લાંબો થતો જતો  હતો!! ખૂટતો જ નહોતો. રસ્તામાં પરબ નહોતી. વાડી નહોતી. ખેતર હતાં પણ ખેતરમાં કોઈ માણસ નહોતા.  પાણીનાં ઢોચકાં  નહોતાં. ક્યાંય ભીનાશનું નામ નહોતું.  દૂર દૂર સુધી  નર્યો  વગડો. સમાધી ચડાવીને બેઠેલા બાવા જેવો! અને  માથા ઉપર  હતો  તરસમાં વધારો કરતો સૂરજ. મૂછે વળ દઈ દઈને વટ મારતા  ગામના દરબાર જેવો વાયડો !!!

તરસ તો ઘણી વખત લાગી હતી.પણ  આવી  તરસ તો ક્યારેય નહીં. એમ લાગતું હતું  કે બસ… આ છેલ્લું ડગલું. હવે નહીં ચલાય. પણ હું ડગલાં ભરતો રહ્યો.  ભરતો જ રહ્યો ને નાનીધારી ગામ  દેખાયું.  ગામ દેખાયું ને જોર ચડ્યું તો વહેલો આવ્યો ગામનો  કૂવો.

કૂવે  બપોરના વખતે ઘણી વખત કોઈ  પનિહારી પાણી ભરવા આવી હોય તો પાણી પીવડાવે. ક્યારેક પનિહારી ન હોય પણ કોઈની ડોલ ને દોરડું પડ્યાં હોય તો અમે જાતે કૂવામાંથી પાણી ખેંચીનેપી લેતા. પણ મારાં નસીબે તે દિવસે ન તો પનિહારી હતી કે નતો ડોલ ને દોરડું હતાં. મેં કૂવામાં નજર નાખી તો આંખો ઠારે એવું પાણી હતું. પણ મારે તો મારું ગળું ઠારવું હતું. ત્યાં ઊભા રહેવાનો કોઈ મતલબ નહોતો. નિરાશ થઈને હું કૂવા કાંઠેથી પાછો ફરતો હતો ને મારું ધ્યાન પાણીથી ભરેલાં નાનકડાં ખાબોચિયા તરફ ગયું. પનિહારીઓથી પાણી ભરતી વખતે  ઢોળાયેલાં પાણીથી  ખાબોચિયું ભરેલું હતું.

ખાબોચિયામાં પાણી ડહોળું હતું. સામાન્ય સંજોગોમાં ન પીવાય! પણ મને થયું કે થોડુંક  પી નાખું . તરસ છીપાશે. પાછો મનમાં સવાલ થયો કે ગમે તેવી તરસ હોય પણ આવું ડહોળું પાણી પીવાય? મારી અને મારી તરસ વચ્ચે જાણે કે  વિવાદ મંડાયો.  પણ મારી તરસ જીતી ગઈ. મેં દફતર મૂક્યું બાજુ પર ને ગોઠણીયાભર બેસીને પાણીનો ખોબો ભર્યો. મન ‘ના… ના’ કરતું રહ્યું ને મેં  ખોબો મોંઢે માંડી દીધો.

પણ પાણી જીભને અડીને ગળા સુધી પહોંચ્યું કે તરત મેં કોગળો કરી નાખ્યો.  હા,મારો સ્વાર્થ પૂરો થઈ ગયો હતો. મારી જીભ અને ગળાને જરૂરી ભીનાશ મળી ગઈ હતી.

પછી તો ખભે લીધું દફતર ને ફરી ભર્યાં ડગલાં ને વહેલું આવ્યું ઘર!.

મુખવટો- યશવંત ઠક્કર

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

[તસવીર :Google Immage પરથી]

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

ભગો: હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

બાપુ: કેમ એવું પુસવું પડે સે?

ભગો: આજે સે ને એનું નામ સાપામાં આવ્યુ સે.

બાપુ: એનું નામ સાપામાં નો આવ્યું હોય એવો એકેય દી ગ્યો સે ખરો?

ભગો: પણ બાપુ .. સમાચાર એવા સે કે ઈ ઊભો રેવાનો સે.

બાપુ: ઊભો રેહે તો થાકી જાહે. આમેય હાજોમાંદો તો રે સે.

ભગો: એમ વાત નથી બાપુ.

ભગો: તો કેમ સે ? મોઢામાંથી ફાટ્યની.

ભગો: ઈ કદાસને સૂંટણીમાં ઊભો રે એવા ખબર સે.

બાપુ: તો તો પાકે પાયે ભેખડે ભરાહે.

ભગો: મને એમજ લાગે સે. હાર્યા વગર નો રે. એક વખત સૂંટાણોતો પણ રાજીનામું દેવું પડ્યુંતુ કે નઈ?

બાપુ: હાસી વાત સે. એણે બઉગુણા જેવા મોટા નેતાને હરાવ્યોતો. પણ પસી રાજકારણમાં એને ફાવ્યું નઈ.

ભગો: એટલેજ કઉ સું કે હવે ફરીથી નો સૂંટાય. હારી જ જાય.

બાપુ: હારે તો નઈ. ફિલમની લાઈનનું ગલુડિયું ઊભું રે ને તો એય સૂંટાય જાય.

ભગો: તો પસી બાપુ ભેખડે ભરાવાની વાત ક્યાંથી આવી?

બાપુ: તુ હમજ્યો નઈ. રાજકારણના ખેલ ખેલવાનું એનું ગજુ નથી. એટલે ઈ ઊભો જ નો રે.

ભગો: પણ ઓલ્યો જાદુગર ઊભો કરી દે તો?

બાપુ: ક્યો જાદુગર?

ભગો: અમરસિંહ .બીજો કોણ?

બાપુ: તો કેવાય નઈ. ઈ ભલભલા ખેલ પાડી દે એવો સે. એ આજકાલ્ય માથા ગોતતો ફરે સે.

ભગો: અમરસિંહ વળી એને મોટોભાઈ ગણે સે. મોટાભાઈ મોટાભાઈ કરીને શરમમાં નાખી દેહે.

બાપુ: બસ્સને શરમ રાખ્યા વગર ના પાડી દેવી જોઈએ. અરે ભાઈ એને આખી દુનિયા એક કલાકાર તરીકે પૂજા કરે સે. એણે વળી કોઈ પક્ષમાં ભળવું જ સું કામ જોઈ?

ભગો: એના ઘરવાળા ઓલ્યા જયાબેન કેવા વાતવાતમાં ભેખડે ભરાય જાય સે.

બાપુ: એણે ય રાજકારણથી સેટા રેવું જોઈ. પણ નથી રઈ હક્તા. રાજકારણના રંગ જ એવા સે.

ભગો: તો અમિતાભ બસ્સનન હવે જાતી જિંદગીએ ઈ રંગે રંગાહે?

બાપુ: મારું માનવું સે કે નઈ રંગાય. પણ જો ભૂલેસૂકેય રંગાહે તો…

ભગો: તો?

બાપુ: તો ભેખડે ભરાહે.

પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.

અમરસિંહ મોટો જાદુગર છે.

[તસવીર :Google Immage પરથી]

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.


ભગો: બાપુ આ અમરસિંહ કોણ સે? રાજા સે?

બાપુ: ગાંડા હવે રાજા કેવા ને વાત કેવી? હા, હવે તો નેતા એ જ રાજા.

અમરસિંહ મોટો નેતા સે. કેમ પૂસવું પડ્યું?


ભગો: ઈ તો જરાક ડાગલા જેવો લાગેસ એટલે.


બાપુ: ઈ ડાગલા જેવો ભલે દેખાય પણ સે ખેપાન માણહ હો. જાદુગર સે જાદુગર!


ભગો: એમ?


બાપુ: હા. તને ખબર સે ને કે વચ્યમાં દિલ્લીની સરકાર જાવા બેઠીતી. તઈં આ અમરસિંહે જ બસાવી લીધી. એણે જઈને સોનિયાબાઈને જઈને કઈ દીધું કે બેન ગભરાતાં નહીં. હું સરકારની પડખે સું.


ભગો: પણ જઈં હોય તઈં દાંત જ કાઢતો હોય એટલે મને એમ કે ડાગલો સે.


બાપુ: ઈ દાંત કાઢે ને કઢાવે પણ વખત આવ્યે એવો ખેલ કરે ને કે તમને એમ લાગે કે આતો જાદુગર જ કહેવાય!


ભગો: જબરો કેવાય!


બાપુ: જબરો તે કેવો! ઓલ્યા બસ્સનને ઓળખ્ય કે નઈં?


ભગો: અમિતાભ બસ્સનને? એને તો ગામનું ગલુડિયુંય ઓળખે.


બાપુ: ઈ બસ્સન કોઈને ગાંઠે એવો નથી.પણ આ જાદુગરને પૂસીને પાણી પીવે.


ભગો: હા ઈ હાસુ. એની જોડ્ય ખરી. આપણને એમ થાય કે આ મેળ કેમનો જામે?


બાપુ: પણ ઈ આ જાદુગરનું કામ.


ભગો: હમણા તો ઓલ્યો ખલનાયક પણ એનામાં ભળ્યો સે?


બાપુ: તુ કોની વાત કરેસ?


ભગો: ઓલ્યો.. વચ્યમાં જેલમાં હતોને એની. ઈયે ફિલમમાં કામ કરેસ.


બાપુ: સંજયદત્ત. એલા ઈયે મોટો કલાકાર સે. ખલનાયક તો ઈની ફિલમ હતી. હા.જરા સંગતફેર થ્યોતો એટલે વગોવાય ગ્યોતો. બાકી સે મોટો કલાકાર. એલા ઓલ્યા સુનિલદત્તનો દીકરો. બાપેય કલાકાર ને દીકરોય કલાકાર!


ભગો: તે કલાકારીગરી સોડીને રાજકારણના રવાડે?


બાપુ: જો ભગા. આમાં એવી વાત સે ને કે કલાકારને રાજકારણનો ઓથ મળે ને રાજકારણવાળાને એક માથુ મળે સૂંટણીમાં સૂંટાય એવું. બાકી કેટલાય ફિલમવાળા નેતા બનવા નીકળે સે ને ઈ બધાં સું ઉકાળે સે ઈ આપણે ક્યાં નથી જાણતા?


ભગો: સો વાતની એક વાત. આ ખેલ બધો જાદુગર અમરસિંહનો.


બાપુ: હવે તુ હમજ્યો કે અમરસિંહ એટલે….

. ભગો: અમરસિંહ એટલે મોટો જાદુગર.


પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.


બાપુનો ડાયરો

બાપુનો ડાયરો…

ગામ છે. ડેલી છે. બાપુ છે. બધુંય છે પણ ડાયરો નથી. બાપુ ખાટલામાં બેઠા છે ને સામે ટીવી છે. હવે બાપુ માટે જે કાંઈ છે એ ટીવીમાં છે. ડાયરો તો કે ટીવીમાં! ધીંગાણું તો કે ટીવીમાં! હણહણતા ઘોડા ને તલવારોની રમઝટ તો કે ટીવીમાં. બાપુ ઝાંખુંપાંખું જૂએ છે ને વખત ગુજારે છે. ન રહેવાય ત્યારે બોખાં મોં એ વાણી વદે છે કે: આ તો મન મનાવવાની વાત સે બાકી અસલ ધીંગાણાં ને અસલ ડાયરા જે અમે  ભાળ્યાં સે ઈ આ નવી પ્રજા કે દી ભાળવાની?

બાપુ કંટાળે છે ને ધ્રુજતા હાથે રીમોટ પકડે છે ને ટીવી બંધ કરે છે. બાપુ બબડે છે: ગોલકીનું! કયુંનું બકબક કરે સે. થાકતું ય નથ્ય! બાપુ વાંકા વાંકા ડેલીએ જઈને ઊભા રહે છે. આંખો ઝીણી કરીને નેજવાંને સહારે નજર નાંખે છે. કોઈક આવતું દેખાયું.બાપુ વિચારે છે કે ‘ભગો હોય તો સારું’.. ને એ ભગો જ નીકળ્યો! બાપુના હરખનો પાર ન રહ્યો.

આવ્ય.ભગા આવ્ય. બઉ દી એ દેખાણો?

ટાઈમની મારામારી બઉ રે સે બાપુ.

તારે વળી સું મોટા કારોબાર ફાટ્યા જાય સે. બાપુ ખાટલામાં બિરાજતા બોલ્યા. સામે ખાલી ખુરશી પર બેઠક લેતા ભગાએ જવાબ આપ્યો કે આજકાલ્ય આપાભાઈને ન્યાં રોજ્ય જાવું પડે સે.” “કેમ? આપો કાંઈ નવાજૂની કરે સે?

ગામના બસટેંડે મોટી હોટલ ખોલવાના સે. એની તૈયારી હાલે સે.બાપુ.

હવે આપણાં ગામને પાદર હોટલ હાલતી હશે!

તયેં તમે ભૂલો સો બાપુ. ગામનું પાદર હવે પાદર નથી રયું. નવી સડક બન્યાં પસી તો રોનક બદલાઈ ગઈ સે બાપુ. હવે તો વાહનોની રમઝટ બોલે સે ને મલક મલકનું લોક ગામ પાહેંથી નીકળે સે.

એમ? તો તો એક દી નજર નાખવા જાવું પડશે.

જાઈ એક દી.

બાપુને ક્યારની બીડીની તલપ લાગી હતી. એલા ભગા. એ બધી વાત તો ઠીક પણ બીડીનું સું?

ગાએ ખીસાંમાંથી એક બીડી કાઢી ને બાપુને દીધી. લ્યો ઠપકારો બાપુ. તમારી હાટું હાચવીને લાવ્યો સું.

એક જ સે. તારું સું થાહે?

સેને બીજી. ભગાએ બીજી બીડી કાઢી.

તો ઠીક્ય! બાકી એકલાં પીવામાં ટેસડો નો આવે. હાલ્ય હવે ઝટ જેગવ. મારાથી રેવાતું નથ્ય.

છી તો ભગાએ બાપુને બીડી સળગાવી દીધી ને પોતે પણ સળગાવી.

ને ફરી ડાયરો જામે છે. બે જ જણાનો ડાયરો! બાપુ બોલે તો ભગો હોકારો દે ને ભગો બોલે તો બાપુ હોકારો દે!! અલકમલકની વાતો નીકળે છે ને બાપુને સારું લાગે છે. બાપુ જૂની વાતો કાઢે તો ભગો નવી કાઢે. ને પછી બેઉનો મેળ બેસાડે છે.

મ ને આમ બપોર થાય છે. ભગાને ભૂખ લાગે છે. બાપુ હું હવે રજા લઉં?

બેહની હવે . જવાય સે.

બાપુ. સૂરજ માથે આવ્યો. રોટલાભેગો થાઉંને?

ઈ વાત હાસી. પણ આવતો રેજે. તારાં વગર મારો દી નથી જાતો.

આ ટીવી હામે બેહી જાતા હો  તો?

એલા. ટીવી હામે બેહી બેહીને કેટલું બેહાય? હાસુ કે જે ભગા. તને મારા હમ સે. આ ટીવી કાંઈ માણહની હાર્યે આવે? આ તારી બે વાત મેં હાંભળી ને મારી બે વાત તેં હાંભળી. તો જીવને હારું લાગ્યું કે નહીં?

ઈં તો સે જ ને. ટીવી કાંઈ આપડું થોડું હાંભળે સ! એનું જ ઝૂડ્ય ઝૂડ્ય કર્યે રાખે.

તો પસી? માણહ ઈ માણહ ને ટીવી એ ટીવી. ઠીક સે. કોઈ નો હોય તઈં ટેકો રે બાકી અસલ એ અસલ ને નકલ ઈ નકલ.

ગો જાય છે ને બાપુ એકલા પડે છે. ખાવા માટે ઠકરાણા સાદ પાડે એની રાહ જૂએ છે ને ખીલા હામે તાકી રહે છે. એ જ ખીલે જે ખીલે માણકી ઘોડી ઊભી ઊભી ક્યારેક ડેલીની શોભા વધારતી હતી!

[ તો આ છે બાપુનો ડાયરો... ને આગળ  ઉપર પણ ચાલતો રહેશે. જો હોકારા મળતા રહેશે તો!!]

[પ્રેરણા: રમેશ પારેખના બાપુ કાવ્યો]

તમને ગજની-કટ કેવી લાગી?

એ…. હું ગજનીનાં દર્શનાર્થે જાઉં છું. કહીને જાઉં છું જેથી પાછળથી વિવાદ ન થાય. જીતુએ ઉચ્ચ કક્ષાની ભાષામાં એના પપ્પાને જણાવ્યું.

ગજનીનાં? જશુભાઈની આંખો પહોળી થઈ ગઈ.

હા.ગજની જોવા જાઉં છું અને એ પણ આઈનોક્સમાં

આઈનોક્સમાં? જશુભાઈની આંખો વધારે  પહોળી થઈ ગઈ.

ભયભીત થવાની જરૂર નથી. હું સ્વખર્ચે  નથી જતો.

તો?

મને મારા મિત્ર નંદુના પપ્પા બતાવે છે.

કઈ ખુશીમાં?

વાત જાણે એમ છે કે નંદુને એની શાળામાં મારા પ્રિય લેખક  વિષે બોલવાનું હતું. એને તો કોઈ લેખક વિષે કશી ખબર જ નહોતી એટલે  એણે મારી મદદ માંગી અને મેં  કરી. પરિણામે એનો પહેલો નંબર આવ્યો. એટલે એના પપ્પા ખુશ થઈને અમને બંનેને ગજની જોવા લઈ જાય છે.

શું વાત કરે છે તું? તું વળી લેખકો વિષે જાણતો થઈ ગયો? ક્યા લેખક વિષે તેં તૈયાર કરાવ્યું હતું એ તો કહે.

ગુજરાતના લોકપ્રિય લેખક શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા.

ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા? એ તો મારા મામા થાય.

તો હું ક્યાં ના પાડું છું?

પણ એ તો સાવરકુંડલાની શાક માર્કેટમાં શાકભાજી વેચે છે

તો હું ક્યાં ના પાડું છું.?

પણ એ લેખક નથી.

શો ફરક પડે છે પપ્પા! નંદુની શાળામાં બધાંએ માની લીધું કે  શ્રી ટપુભાઈ પોપટભાઈ જોબનપૂત્રા નામના લોકપ્રિય લેખક છે. એમણે વીસ નવલકથાઓ લખી છે. દસવાર્તાસંગ્રહો ને પાંચ કાવ્યસંગ્રહો બહાર પાડ્યા છે.. એમને કુલ સાત એવોર્ડ મળ્યા છે ને  શ્રી નરેન્દ્ર મોદી દ્વારા  એમનું સન્માન પણ થયું છે. બધું જ માની લીધું.

આટલું  હળાહળ જૂઠાણું ચલાવતાં તમને શરમ ન આવી?

એ લોકોને સાંભળતાં શરમ ન આવી એનું શું?

પણ તું આવાં ગતકડાં ચલાવતાં શીખ્યો ક્યાંથી?

એ… આપણાં આંખકાન ખુલ્લાં રાખીને જીવીએ તો બધું આવડી જાય. હવે હું જઈ શકું?

જા દીકરા જા. તને રોકવાવાળો હું કોણ?

આભાર.પપ્પા આ આમિરખાનની ગજની-કટ ગજબની છે નહીં? તમને એ કેવી લાગે છે?

મને તો એ… વિચાર કરીને જશુભાઈએ જવાબ આપ્યો કે ભારત-પાકિસ્તાનની સરહદ જેવી લાગે છે.

ચાલ, જિંદગી જીવી લઈએ

ચાલ, જિંદગી જીવી લઈએ.

માણસ સાજોસમો હોય  છતાંય દુ:ખી રહેતો હોય કારણ તો કે મહત્વકાંક્ષાઓ! સપનાં! પૂર્ણ થાય એવાં કે ન થાય એવાં. સાજાસમો  જો દુ:ખી રહેતો હોય તો માંદાની તો વાત જ શી કરવી?

 ધારો કે એક યુવાન છે. નોકરી એનું સપનું છે, નથી મળતી. એ ઉદાસ થઈને દરિયા કિનારે જઈને બેઠો છે. એનાં મનમાં એક જ રટણ છે કે નોકરી ક્યારે મળશે?  નોકરી ક્યારે મળશે?  સામે અદભુત દ્શ્ય છે ..ઉછળતો સાગર છે! મોજાંઓની આવન જાવન છે! સંધ્યાના રંગો છે! હોડીઓનાં ટપકાં છે! પણ એ યુવાન એ દ્શ્યને માણી નથી શકતો. એક પણ પૈસાનો ખર્ચ નથી છતાં પણ એ લાભ નથી લઈ શક્તો. કારણ  કે એનું મન નોકરીની જીદે ચડ્યું છે. એની તો એક જ દલીલ છે કે નોકરી ના મળે ત્યાં સુધી આ બધું નકામું. નોકરી મળી જાય પછી તો આ બધું જ મન ભરી ને માણું

 

  બસ આ તો જ એની જિંદગીમાં નાની મોટી ખુશીઓની આગળ દીવાલ બનીને ઊભો છે. હવે આનો રસ્તો ક્યો? અને બીજી વાત. ધારો કે એને નોકરી મળી ગઈ તો પણ આ  વીતેલી સાંજ એને ફરીથી મળવાની છે ખરી? અરે નોકરી મળ્યા પછી એવું પણ બને કે એ આવું જ દ્શ્ય  જોવા કાજે ફરીથી સાગર કિનારે ન પણ આવી શકે. જિંદગીની દોડધામમાં એવો તો અટવાય જાય કે એને સાગર કિનારે આવવાનો સમય જ ન મળે! ત્યારે એનું મન બીજી જીદે ચડ્યું હશે કે  સાગર  કિનારે એ જ જગ્યાએ બેસીને,  જે ક્યારેક નહોતું માણી શકાયું  એ દ્શ્યને માણવું તો  છે પણ  સમય મળે તો.  લો કરો વાત! ‘તો’ની આ બીજી દીવાલ ઊભી જ છે! .. અને કદાચ એવું પણ બને કે એને સાગર કિનારે જવાનો ક્યારેક સમય મળે પણ….પણ ત્યારે એની પાસે યૌવન ન રહ્યું  હોય!!!  એના પગમાં રેતમાં ચાલવાની તાકાત ન રહી હોય!  એની આંખોમાં હોડીઓનાં ટપકાં જોવાનું તેજ જ ન રહ્યું હોય! તો હવે કદાચ  એ એવી દલીલ કરશે કે આ બધું માણવું છે પણ બીજો જન્મ મળે તો!  જે ક્યારેક નોકરી માંગતો હતો  એ હવે બીજી જિંદગી માંગે છે!!!

આ તો એક દાખલો છે પણ આપણે બધાં જ અનેક ‘તો’ ના શિકાર નથી? સહેલાઈથી માણી શકાય એવી ખુશીઓ માણતાં નથી ને ‘તો’ની પેલી દીવાલો તોડવાની મજૂરી જ કર્યા કરીએ  છીએ.

 મહત્વક્ષાઓ હોવી જોઈએ…સપનાં હોવાં જોઈએ..એક નહીં અનેક હોવા જોઈએ. એની યાદી હોવી જોઈએ.  એની ના નથી.  પરંતુ વર્તમાનની નાનીમોટી ખુશીઓ માણવાનું છોડીને જો જો કોઈ માણસ  માત્ર હે… મારાં સપનાં અધુરાં રહ્યાં .. અરેરે!  સપનાં અધુરાં રહ્યાં”  નાં રોદણાં  રડ્યા કરતો હોય તો એ માણસને કોઈપણ જાતના ડૉકટર, સંત કે સ્વામીજી પાસે લઈ જવાને બદલે સીધો ચાલ, જિંદગી જીવી લઈએ નાટક જોવા લઈ જવો જોઈએ.

                                    *************

‘પ્રેમ’ એક મધ્યમ વર્ગનો માણસ છે જે વ્યવસાયે વકીલ છે. એ કોઈપણ સંજોગોમાં જિંદગીની નાનીમોટી ખુશીઓ માણવામાં માને છે. એનાં સપનાં છે પણ પોતાનાં છે. આગવાં છે. એ સપનાં રેડીમઈડ નથી. ખુશ થવા કાજે એને વાતવાતમાં ‘તો’ ની દીવાલો નડતી નથી. એને ખુશ થવા કાજે હંમેશા મોટી મોટી હોટેલો કે પાર્ટીઓ જરૂરી લાગતી નથી. એ ફેરિયા પાસેથી ખરીદેલી પાંચ-દસ રૂપિયાની ખારીસિંગ ખાઈને પણ ખુશ થઈ શકે છે. એને માટે  ટપાલી કે ચોકીદાર જેવા સમાજમાં સામાન્ય ગણાતા માણસોની ખુશી પણ મહત્વની છે. એનું વ્યક્તિત્વ એને મળેલા  સંસ્કાર સાથે ને સમાજ સાથે જોડાયેલું  છે જેનો  એની પત્ની ‘ગીતા’ નાં વ્યક્તિત્વ સાથે મેળ મળતો  નથી. આથી બંને  જુદાં પડે છે. એમનો નાનકડો દીકરો ‘બંટી’  વારાફરતી બંનેની સાથે રહે એવું કાનૂની રીતે નક્કી થાય છે.

 ‘બંટી’ ને મમ્મી-પપ્પા બંને વહાલાં છે. એ તો ઈચ્છે છે કે ત્રણેય જણાં એક છત નીચે ખુશ ખુશ થઈને જીવીએ. પણ એ શક્ય નથી બનતું એવા સંજોગોમાં એને પપ્પા સાથે રહેવું વધારે ગમે છે. એ માટે ‘પ્રેમ’ નાં વ્યક્તિત્વ સિવાય બીજું પણ એક કારણ છે. એ કારણ છે ‘પ્રેમ’ નાં મગજની બીમારી!  જે એને ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલી રહી છે. બસ. આ જાણ્યાં પછી તો ‘બંટી’નું એક જ લક્ષ રહે છે કે ‘પપ્પાને હમેશાં ખુશ રાખવા. પછી ભલે એ માટે ગમે તેટલું જૂઠું બોલવું પડે કે ગમે તેટલાં નખરાં કે તોફાન કરવાં પડે! …. અને પછી શરુ થાય છે એક અનોખી રમત!  બાપે બેટો બનવાની રમત અને બેટાએ બાપ બનવાની રમત! અને આ રમતમાં એમને સાથ આપે છે ‘પેમ’ની  બેન ‘મંદા  અને બનેવી ‘જેસલભા’ અને પારૂલ નામની એક યુવતી.  .

 ‘મંદા’ અને ‘જેસલભા’ કાઠિયાવાડના તડ ને ફડ કરવાવાવાળા માણસોનાં પ્રતીક છે. બોલવાચાલવામાં દેશી લાગતાં બંને જણાં મનનાં સાફ છે.  પારૂલ ‘પ્રેમ’ની અસીલ  છે પણ ‘બંટી’ ની એનાથી  મોટી ઉંમરની મિત્ર બની જાય છે.

 આ બધાંથી દૂર રહેલી અને ‘પ્રેમ’ ની બીમારીથી અજાણ ‘ગીતા’ બાળકનો કબજો પોતાને મળે એવી જીદ સાથે  કાનૂની દાવપેચની રમત રમ્યા કરે છે. એની મહત્વકાંક્ષાઓ અને અહમના કારણે એ  પરેશાન થતી રહે છે. પણ ના, ‘ગીતા’નાં વ્યક્તિત્વનું આ તો માત્ર એક જ પાસું છે. એનાં સમગ્ર વ્યક્તિત્વનો પરિચય આપવા માટે નાટકની સમગ્ર કથા કહી નાંખવી પડે જે ઠીક લાગતું નથી.

 માનવીય સંબંધોના આટાપાટાની હૃદયસ્પર્શી રમતને માણવા કાજે આખું નાટક જોવું જ રહ્યું!!!

                                     ***********

                     બરફની જેમ ખુદમાંજ ધીરે ધીરે ઓગળી જઈએ……

 

ચાલ, જિંદગી જીવી લઈએ.

 

જીતુ,જશુભાઈ અને છાપું

જીતુને જ્યારે એના શિક્ષકે પૂછ્યું કે કૂવો લોકોને કઈ રીતે ઉપયોગી છે ત્યારે એણે જવાબ આપ્યો કે કૂવો લોકોને પડવા માટે ઉપયોગી છે.

તને આવું કોણે કહ્યું?

છાપામાં આવે છે. મારા પપ્પા મોટેથી વાંચતા હોય ત્યારે હું સાંભળું છું. જીતુએ હોંશે હોંશે જવબ આપ્યો.

પરિણામે જીતુને સજા થઈ કે કૂવો લોકોને પાણી પૂરું પાડે છે. એવું વીસ વખત લખી લાવવું.

જીતુએ એ પ્રમાણે કર્યું તેથી એને એ વાત મોંઢે તો થઈ ગઈ પરંતુ એને એ વાત સમજાણી નહીં કે લોકોને પાણી તો નળ પૂરું પાડે છે પછી કૂવાના વખાણ શાનાં!

પપ્પા…તમે ક્યારેય કૂવો જોયો છે? જીતુએ તે જ દિવસે તેના પપ્પાને સવાલ કર્યો.

કેમ આવો સવાલ કરે છે? જશુભાઈને ખ્યાલ આવી ગયો કે જીતુએ સ્કૂલમાં કોઈ નવો લોચો માર્યો લાગે છે.

જીતુએ પોતાને થયેલી સજાની વાત કરી ને ખાતરી કરવા બીજા સવાલો કર્યા કે

પપ્પા..સાચુ શું છે?કૂવો ખરેખર લોકોને પાણી પૂરું પાડે છે કે પછી પડવા માટે ઉપયોગી છે?

બાપબેટા વચ્ચે લાંબી ચર્ચાને અંતે સાર એ નીકળ્યો કે જીતુની ગેરસમજનું કારણ છાપામાં આવતા સમાચાર છે. અત્યાર સુધી સાક્ષીભાવે સમગ્ર ઘટનાને નિહાળી રહેલાં નયનાબેનથી હવે ન રહેવાયું.

તેમણે હવે જશુભાઈ પર શાબ્દિક આક્રમણ કર્યું. મેં તમને કેટલીવાર કહ્યું છે કે છોકરાની સાંભળતાં મોટેથી છાપું ના વાંચો.પણ તમે માનતા જ નથી. જોયું ? શું પરિણામ આવ્યું?

હું તો એનાં જ્ઞાનમાં વધારો થાય એ માટે એવું કરું છું.

એનાં અજ્ઞાનમાં વધારો થાય છે એનું શું?

જીતુને આર્દશ વિદ્યાર્થી કઈ રીતે બનાવી શકાય એ બાબત પતિ-પત્ની વચ્ચે રકઝક શરુ થઈ…જીતુ સમગ્ર તકલીફનાં મૂળ સમાં છાપાં ફેંદવા લાગ્યો.

થોડી વારમાં તે એક જૂનું છાપું લઈને આવ્યો. નયનાબેન સમજદારી દાખવીને ઘરકામમાં લાગી ગયાં.

પપ્પા.. જૂઓ આ રહ્યા એ સમાચાર. તમે આ જ સમાચાર વાંચ્યા હતા કે લોકો ઘેટાની જેમ કૂવામાં પડવા દોડ્યાં. જીતુ જાણે કોઈ મોટું રહસ્ય શોધી કાઢ્યું હોય એમ બોલ્યો.

સમાચાર ચમત્કારના હતા. ચમત્કાર એ હતો કે કોઈ ઝાડનાં થડ પર ભગવાનનું રૂપ દેખાવાંની વાત ફેલાણી હતી જેના કારણે લોકો ઝાડનાં દર્શન કરવા તેમ જ પૂજા કરવા દોડ્યા હતાં. છાપાંમાં ચમત્કારના સમાચાર અને ફોટાઓ પાનાં ભરીભરીને હતાં. ચમત્કાર થયો છે અને નથી થયો એવી બેઉ તરફની માન્યતાઓ છાપાંમાં છપાઈ હતી. જેમાં સમાચારનું એક મથાળું એવું હતું કે –ચમત્કાર થયો હોવાનું માનીને લોકો ઘેટાની જેમ કૂવામાં પડવા દોડ્યાં. જશુભાઈએ એ મથાળું મોટેથી વાંચ્યું હતું અને જીતુએ એ ધ્યાનથી સાંભળ્યું હતું ને એણે માની લીધું હતું કે કૂવો ઢગાલાબંધ લોકોને પડવા માટે ઉપયોગી થતો હોય છે. એ જ્ઞાન તેણે શિક્ષક સમક્ષ રજૂ કર્યું હતું ને પરિણામે એને સજા ભોગવવી પડી.

જશુભાઈએ જીતુને સમજાવ્યો કે કેવી રીતે એક ઘેટું કૂવામાં પડે તો તેની પાછળ બીજા ઘેટાં પણ કૂવામાં પડતાં હોય છે.

પણ લોકો દોડ્યાતાંને? એમાં ઘેટાંને વચ્ચે લાવવાની શી જરૂર? જીતુને છાપાંમાં લખેલી વાત સમજાણી નહીં.

અરે ગાંડા. ઘેટાં જેવાં લોકો દોડ્યાં એમ માનવાનું.

એકેય ઘેટું ન દોડ્યું હોય તો પણ?

હા.તો પણ. માણસની ઘેટા સાથે સરખામણી કરી છે કે જો એક ઘેટું કૂવામાં પડે તો પાછળનાં બીજાં ઘેટાં પણ એની પાછળ પાછળ કૂવામાં પડે છે એવી જ રીતે એક માણસ ચમત્કાર થયો હોવાનું માનીને ઝાડની પૂજા કરવા દોડે છે તો બીજા લોકો પણ દોડે છે. સમજ્યો?વાક્ય પૂરું કરતા કરતા તો જશુભાઈ હાંફી ગયા.

પણ ક્યાં દોડે છે એ તો કહો.

ઝાડની પૂજા કરવા. જશુભાઈનું મગજ હવે તપવા માંડ્યું.

પણ છાપાંમાં તો લોકો કૂવામાં પડવા દોડ્યાં એવું લખ્યું છે ને?

એ તો એવું લખે.

પણ છાપાવાળાએ કૂવાને વચ્ચે લાવવાની જરૂર ખરી?

અરે મારા દીકરા. છાપું એમ કહેવા માંગે છે કે જેવી રીતે સૌથી આગળ ચાલતું એક ઘેટું જો કૂવામાં પડે તો એની પાછળ પાછળ આવતાં બીજાં બધાં ઘેટાં પણ કૂવામાં પડે છે એ જ રીતે એક માણસ ચમત્કાર થયો હોવાનું માનીને ઝાડની પૂજા કરવા દોડે તો એની પાછળ પાછળ બીજાં લોકો પણ ઝાડની પૂજા કરવા દોડ્યાં.. જશુભાઈને હવે પાણી પીવું પડ્યું.

જીતુ વિચારમાં પડ્યો.

મેં કહ્યું એ સમજાયું. જશુભાઈએ ખાત્રી કરવા પૂછ્યું.

પણ પપ્પા … ખરેખર જો એવી રીતે ઘેટાં કૂવામાં પડતાં હોય તો તો કેટલાં બધાં ઘેટાં પડી જતાં હશે! નહીં?

હા જશુભાઈ હવે વાતનો અંત લાવવા માંગતા હતા.

તો ઘેટાં કૂવામાં પડ્યાં એવા સમાચાર તો તમે ક્યારેય વાંચતા નથી!

આવે તો વાંચુને?

એવા સમાચાર કેમ આવતા નથી?

ઘેટાં કૂવામાં પડે તો આવેને?

ઘેટાં કૂવામાં ના પડતાં હોય તો એવી વાત લખવી જ શા માટે જોઈએ? એ મને કહો.

તું મહેરબાની કરીને રમવા જા. જશુભાઈ હવે ગુસ્સે થઈ ગયા.

જીતુ રમવા ગયો પણ જતા જતા બબડતો ગયો કે – આવા ગપોડી છાપાં કોણ વાંચે!

….પણ જશુભાઈને જીતુની વાતમાં દમ લાગ્યો. લેખકો તો મગજના ફરેલા હોય એટલે વિચિત્ર વિચિત્ર લખે પણ છાપાંવાળાએ એવા ચાળા કરવાની શી જરૂર? છાપાની ભાષા બાબતનું જશુભાઈનું ચિંતન શરુ થયું. … લોકો તો ઘેટાં જેવાં! …વરસાદ તો મુસળધાર! માનવનો તો મહેરામણ! … વીજળી તો છાશવારે રીસાય! અધિકારીઓનાં આંખમીંછામણાં.! ….

તે દિવસથી જશુભાઈએ મોટેથી છાપું વાંચવું બંધ કર્યું. જીતુનાં ભવિષ્યને ખાતર!!!