Archive

Posts Tagged ‘કટાક્ષ’

કૂવાનાં દેડકાંનું ભજન

[ બાપુ અને ભગો બેઠા છે. પણ બાપુને કેમેય કરીને ઠીક નથી લાગતું.  ને ભગો સવાલ કરે છે ... ]

ભગો— કેમ બાપુ? આજે તમને  શાનું  અહક  સે? શરીર  ઠીક સે ને?

બાપુ— શરીર તો ઠીક સે . પણ મનને નિરાંત નથી.

ભગો— મનની નિરાંત જો દુકાને મળતી હોય તો આઘડી લઈ આવું બાપુ.

બાપુ—- ઈ તો માથાકૂટ્ય સે. મનની નિરાંત વેસાણ નથી મળતી.

ભગો— ને મળતી હોય તોય બાપુ, આપણે ક્યાં ખરીદવાનો  વેંત સે?

બાપુ— ઈ વાતેય તેં લાખ રૂપિયાની કરી.

ભગો— પણ બાપુ, એવું કેવાય સે કે ભજનથી મનને  નિરાંત મળે સે.

બાપુ— તે હાસીજ વાત સેને!

ભગો — તો વાર કેટલી? થાવા દઈએ ભજન.

બાપુ— પણ કયું ભજન?

ભગો— ઓલ્યું કૂવાનાં દેડકાંવાળું.  સહેલું ને સટ્ટ.

બાપુ— હા… ઈ ભજન તો મને પ્રાણથી પણ પ્યારું.  લે ત્યારે કાઢ્ય ઓલી પેટીમાંથી મંજીરા ને તબલાં.

[ ભગો  પેટીમાંથી મંજીરા ને તબલાં કાઢે છે ... ને શરૂ કરે છે કૂવાના દેડકાંનું ભજન. તો બ્લોગજનો, તમે પણ માણો એ ભજન ]

હે… કૂવામાં દેડકાં કૂદે

હે… કૂવામાં દેડકાં કૂદે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

આરે કૂવાનો નાનો વિસ્તાર છે

આરે કૂવાનો નાનો વિસ્તાર છે

તોયે દેડકાંને લાગે અપાર છે

તોયે દેડકાંને લાગે અપાર છે

હે….સાગરખેડુની જેમ ઘૂમે [ઘૂમે ... ઘૂમે ... ઘૂમે બાપલા ઘૂમે ]

હે… સાગરખેડૂની  જેમ ઘૂમે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

હે…. કૂવામાં દેડકાં કૂદે

હે… કૂવામાં દેડકાં કૂદે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

આરે કૂવાની બા’ર શું થાય છે

આરે કૂવાની બા’ર શું થાય છે

બા’ર શું થાય છે જોવા કોણ જાય છે

બા’ર શું થાય છે જોવા કોણ જાય છે

હે… થોડું કૂદેને ઝાઝું ફૂલે [ફૂલે... ફૂલે....ફૂલે બાપલા ફૂલે]

હે… થોડું કૂદેને ઝાઝું ફૂલે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

હે…. કૂવામાં દેડકાં કૂદે

હે… કૂવામાં દેડકાં કૂદે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

કૂવાનાં દેડકાં કૂવામાં રાજી

કૂવાનાં દેડકાં કૂવામાં રાજી

દેડકાં જો રાજી તો શું કરે કાજી

દેડકાં જો રાજી તો શું કરે કાજી

હે… કાજીને કોઈ ના પૂછે  [ના પૂછે બા... પ  કોઈ ના  પૂછે]

હે… કાજીને કોઈ ના પૂછે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

હે…. કૂવામાં દેડકાં કૂદે

હે… કૂવામાં દેડકાં કૂદે

ને દેડકાં ડ્રાઉં ડ્રાંઉ કરે…. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે.

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

બ્લોગજગતની  ”મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.

[ સ્પષ્ટ સૂચના: અમારા આ  બ્લોગ પરથી કોઈપણ  લખાણની  નકલ [COPY PASTE ] કરવી નહીં. ]

અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,

પ્રતિભાવદાતાઓ,

તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.

આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!

નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો હોય! નાયકનાં ધ્યાનમાં આવે… એ ખલનાયકને પકડી પાડે. ખલનાયકને  COPY PASTE કરેલું લખાણ હટાવવું પડે.. નાયિકા નાયકનો આભાર માને… “ આપકા બહોત બહોત શુક્રિયા”

તો જવાબમાં  નાયક કહેતો હોય કે: “ઈસમેં શુક્રિયાકી ક્યા બાત હૈ? યે તો મેરા ફર્જ થા.”

… ને પછી  શરુ થાય પ્રણયગીત…

આજકાલ તેરેમેરે બ્લોગકે ચર્ચે હર જબાન પર

સબકો માલૂમ  હૈ ઔર સબકો ખબર હો ગઈ…

[ તો ક્યા?]

[મ્યુઝિક: ટૂં.... ટૂટૂટૂ..  ટૂં.... ટૂટૂટૂ  ટૂં.... ટૂટૂટૂ...]

મિત્રો, જૂની ફિલ્મ્સનાં પ્રણયગીતો ની બોલબાલા હતી. આજે પણ  છે. પણ એ વખતે બ્લોગજગત નહોતું! જો હોત જરૂર એને ફિલ્મ્સમાં સ્થાન મળ્યું હોત! તો ફિલ્મનાં  નાયક નાયિકા કેવા કેવા ગીતો ગાતાં હોત! અમે  એ બાબતની કલ્પનાઓ કરી છે અને અત્રે ગીતોની યાદી મૂકી છે. દ્શ્યોની  કલ્પનાઓ તમારા પર છોડીએ છીએ. તો માણો, બ્લોગજગતનાં પ્રણયગીતો….

[1]મેરે બ્લોગપે કૉમેન્ટ રાની, તું ને દિયા  શુક્રિયા …  શુક્રિયા

મેરે પ્યાસે બ્લોગકો પાની, તું ને દિયા શુક્રિયાં … શુક્રિયા.

[2] મૈ તેરે બ્લોગપે ઠહર ના જાઉં કહીં, મુજસે કૉમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર

મૈ તેરે બ્લોગકી ગઝલ ગાઉં ન કહીં, મુજસે મોમેન્ટ ચુરાનેકી કોશિશ ના કર.

[3] યે રેશમી ગઝલે .. યે સરબતી બાતેં

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી…

ઇન્હે પઢકર કૉપી કર રહે હૈ સભી..

[4]  કોરા કાગજ થા બ્લોગ મેરા..

બસ ગયા ઇસમેં  ગીત  તેરા…

બ્લોગપે પોસ્ટ રખનેસે પહલે…. મુજે તેરી  કૉમેન્ટ્સ  મિલનેસે પહલે..

કહાં થી યે બાતેં.. ઐસી રાતેં .. યે મુલાકાતેં…

સૂના  આંગન થા બ્લોગ મેરા… બસ ગયા ઇસમેં  થીમ તેરા…

[5]  અઈં અઈં યા કરું મૈ ક્યા સૂકૂ સૂકૂ

ખો ગયા બ્લોગ મેરા સૂકૂ સૂકૂ…

[6] સદા ઠુશ રહે  તુ  કૉપી કરનેવાલે..

દુઆ  કર રહેં હૈં બ્લોગ લિખનેવાલે..

[7] સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે મુજે છોડકે

ઓ બ્લોગર મેરે યારા… યે વાદા નિભાના

ભૂખે મર જાના, મગર ખાના નહીં…

સેવખમની સેવખમની ખાના નહીં…મુજે છોડકે.. મુજે છોડકે.

[8]  હો… ગતકડા જાનકર તુમતો મેરા બ્લોગ છોડ જાતે હો.

મુજે ઈસ હાલમેં કિસકે સહારે છોડ જાતે હો.

[9] હમારે બ્લોગ કોઈ આયેગા

કૉમેન્ટકી દોરસે બંધ જાયેગા..

હો.. આયેગા આયેગા આયેગા….

[10] કહાં ચલ દિયે.. ઈધર તો આઓ

મેરે બ્લોગકો, ના  ઠુકરાઓ..

ભોલે બ્લોગર, માન ભી જાઓ … મન ભી જાઓ.

[11] જાનેવાલે કભી નહીં આતે… જાનેવાલોકી યાદ આતી હૈ

બ્લોગ એક મંદિર હૈ… બ્લોગ એક મંદિર હૈ,,,,

[12] મેરે બ્લોગકી ગંગા ઔર તેરે બ્લોગકી જમુના

કા  બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ  નહીં?

કા બોલ રાધા બોલ બ્લોગિન્ગ હોગા કિ નહીં.

[13] મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા …

કવિઓકે દેશ મુજે બ્લોગર લેકે આ ગયા

સબ જો લાયે ગઝલ.. બ્લોગર હઝલ  લેકે આ ગયા

મૈ હો ગઈ બદનામ, મુજે બ્લોગર મિલ ગયા

મૈ કા કરું રામ મુજે બ્લોગર મિલ ગયા

હાય હાય બ્લોગર મિલ  ગયા ..  હાય હાય બ્લોગર મિલ  ગયા

[14] બદલ ગયા થી…મ,  હો ગયા કામ

જાને દો જાના હૈ

અભી અભી તો આઈ હો, અભી અભી તો  જાના હૈ…

[15] યે મેરે દિલ કહીં ઓર ચલ

ઇસ બ્લોગસે દિલ ભર ગયા

ઢૂંઢ લે બ્લોગ કોઈ ઔર નયા

યે તો  પૂરા  કૉપી-પેસ્ટ હો ગયા ..

[16] કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

પહલે બ્લોગકી પહલી કૉમેન્ટ  સાજનકો  દે આ

કૉમેન્ટ જા જા જા …  કૉમેન્ટ જા જા જા .

[17] હમ દોનો દો પ્રેમી  બ્લોગિન્ગ છોડ ચલે

બ્લોગિન્ગ કી હર સારી રસમેં તોડ ચલે.

[એ બાબુ,,, કહાં ચલે? ‘દિવ્ય ભાસ્કર’ ચલે યા ‘સંદેશ’ ચલે?]

[18] આજ કી રાત મેરે બ્લોગસે કૉપી કર લે

કલ તેરી મેહફિલસે બ્લોગર ચલા જાયેગા..

જોક  રહ જાયેગી

જોકર ચલા જાયેગા.

[19] ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો …  બ્લોગ નહીં ચુરાના સનમ

બદલકે થીમ અપને  બ્લોગકા.. બદલ નહીં જાના સનમ

[20] ઓ  હસીના ગઝલોવાલી જાને જહાં .. ઢૂંઢતી હૈ બ્લોગ આગે કિસકા નિશાન

બ્લોગ બ્લોગ એ શમા ફિરતી હો કહાં?

બ્લોગ અન્જાના  ઢૂંઢતી હું… ગીત મસ્તાના ઢૂંઢતી હું…

મેરે બ્લોગમેં જો બસે વો ખજાના ઢૂંઢતી હું.

[મ્યુઝિક: ઠેન્ટેન  ઠેન્ટેન  ઠેન્ટેન...]

[21]  બ્લોગર હૈ હમ બ્લોગરકો ન ઘર ચાહિયે .. ન ઘર ચાહિયે

ગઝલોસે ભરા એક બ્લોગ ચાહિયે… એક બ્લોગ ચાહિયે.

[23] એક થા બ્લોગર ઔર એક થી બ્લોગર

દોનો કમ્પ્યુટરમેં  રહતે થે

યે કહાની બિલકુલ સચ્ચી હૈ

મેરે ટીચર  મુજકો કહતે થે.

[24] બદનપે લેપટોપ લપેટે હુએ

ઓ જાને તમન્ના કિધર જા રહી હો

જરા પાસ આઓ તો

બ્લોગ ખિલ જાયે…

[25] મૈ તેરી પોસ્ટ હું તુ મેરા બ્લોગર હૈ

બ્લોગગ્રંથ કે પન્નો પર અપના નામ તો જોકર હૈ…

[26] ક્યા ગીત લિખતી હો અચ્છી ગઝલ લિખતી હો

કુછ ભી કહો કહતે રહો ..

મુજે  અચ્છા લગતા હૈ

બ્લોગિન્ગકા હર સપના અબ સચ્ચા લગતા હૈ.

[27] પોસ્ટ પોસ્ટ ના રહી બ્લોગ બ્લોગ ના રહા

એ બ્લોગિન્ગ હમે તેરા એતબાર ના રહા ..એતબાર ના રહા.

[28]  લિખે જો ગીત તુને વો તેરે બ્લોગ મેં

હજારો રંગકે મસાલે બન ગયે

સવેરા જબ હુઆ તો  હલ્દી   બન ગયે

જો રાત આઈ તો મિર્ચી બન ગયે.

[28] દિલરુબા મૈને ..તેરે બ્લોગપે ક્યા ક્યા ન કિયા..

પ્રતિભાવ દિયા… પ્રતિઘાત લિયા

પ્રતિભાવ દિયા…પ્રતિઘાત લિયા

[29] દર્દે બ્લોગ બઢતા જાયે… સારી સારી રાત નીંદ ન આયે

દે કૉમેન્ટ કોઈ ઐસી કિ ચેન આ જાયે.

[30] લિખે જો બ્લોગ તો પોસ્ટ ચુરાયે

ના લિખે તો મર જાયે

હમેં  ક્યા હો ગયા હૈ … હમેં ક્યા હો ગયા હૈ?

[31] શબ્દો મેં ઘોલા જાયે થોડાસા કબાબ

ઉસમેં ફિર મિલાઈ જાયે થોડીસી શરાબ

હોગા જો  લોચા યું  તૈયાર

વો બ્લોગ હૈ….

[32] હો તુમ મુજે યું ભૂલા ન  પાઓગે .. હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

જબ કભી ભી પઢોગે બ્લોગ મેરે

સર પકડકે તુમ ભી બૈઠ જાઓગે… હો તુમ મુજે યું ભૂલા ન પાઓગે.

[33] ચલતે ચલતે મેરા યે બ્લોગ યાદ રખના

કભી અલવિદા ના કહના … કભી અલવિદા ના કહના .

હાય હાય આ મજબૂરી

એક નાનકડો છોકરો હતો.ઘરના આંગણે રમતો હતો.એટલામાં ત્યાંથી એક ગાય નીકળી. ગાયને જોઈને છોકરો હરખાઈ ગયો.
“મમ્મી…મમ્મી …. ગાય.. ગાય… ગાય…” તેણે માને બૂમ પાડી.
મા દોડીને આવી. છોકરાનો હાથ પકડીને તે ગુસ્સે થઈને બોલી: “ તને કેટલી વખત કહ્યું કે એને ગાય નહીં કહેવાનું. COW કહેવાનું. COW. શું કહેવાનું?”
“COW” છોકરો પરાણે પરાણે બોલ્યો.
મા કામે વળગી ગઈ. છોકરો ચૂપ થઈને બેસી ગયો. .
મજબૂર મા છોકરાના હરખમાં વધારો ન કરી શકી. નહીં તો તે કહી શકી હોત કે: “ હા બેટા, કેવી મજાની ગાય છે! તને ખબર છે ને કે ગાય આપણને દૂધ આપે છે. દૂધમાંથી દહીં થાય. દહીંમાંથી છાશ થાય…..”
મા ઘીના લાડવા સુધીની વાત કહી શકી હોત! વળી આગળ કહી શકી હોત કે “ગાયો કાનુડાને બહુ વહાલી હતી. કાનુડો ગાયોને ચારવા જંગલમાં જતો હતો …” મા દીકરાને એ પણ શીખવાડી શકી હોત કે ..
“કાળી ધોળી રાતી ગાય, પીવે પાણી ચરવા જાય …”
ને છેલ્લે એ કહી શકી હોત કે: “જો બેટા, આપણી ગુજરાતી ભાષામાં આપણે એને ગાય કહીએ છીએ. પણ અંગ્રેજીમાં એને COW કહેવાય.”
આ રીતે COW પણ રહેત અને ગાય પણ રહેત.
પણ માએ COWને અપનાવવાની લાયમાં ગાયને હાંકી કાઢી.
મા એ જ નહીં; આપણે બધાંએ ગાયને એવી તો હાંકી કાઢી છે કે હવે એ પાછી આવતી જ નથી.

હાય હાય આ મજબૂરી!!!

રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.

કોઈને વળી એમ થાય Read more…

COPY PASTE કી પાઠશાલા

હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. અમારા વહાલા વાચકોને કદાચ એમ થશે કે આ ઓટલાધારીને બીજું કશું સૂજતું નથી?  હરીફરીને લે મારા દેવનું નામ! આપની વાત સાચી છે કે બીજું પણ દુનિયામાં ઘણું ઘણું થાય છે…

सिर्फ कॉपी पेस्ट ही नहीं है … और भी गम है दुनियामें.

હવે આપ સૌ મારી વાત સાંભળશો? આ  COPY PASTE ના વિષય સાથે અમારે ઘર જેવો સંબધ થઈ ગયો છે.  ‘મારો પ્રિય વિષય’  એ બાબત નિબંધ લખવાનો આવે તો અમે આંખો મીંચીને COPY PASTE નો વિષય પસંદ કરીએ. તમને થશે કે એવું કેમ?… તો એના જવાબમાં વાત થોડી લાંબી થશે તો વાંધો નથીને?

સાંભળો. અમે અમારો આ અસર ઓટલો શરૂ કર્યા પછી એક વખત બ્લોગજગતમાં ચક્કર મારવા નીકળ્યા ત્યારે અમારાં ધ્યાનમાં આવ્યું કે કેટલાક બ્લોગ્સ પર અમારી જ રચનાઓ ગોઠવીને મૂકવામાં આવી  હતી!!.

અમને થયું કે”આવું કેમ?” અમને પૂછ્યા-કારવ્યા વગર જ અમારી રચનાઓ લઈને હેંડતા થનારને જરાય શરમ ન આવી? પ્રશંસાના બે શબ્દો પણ  બોલવાના નહીં?  “આ ગમે છે માટે લઉં  છું”  એટલું પણ  કહેવાનું નહીં?

અમે એમને કહ્યુઅં કે “ભાઈઓ  આતો અમારી રચનાઓ છે. અમને પૂછ્યા વગર તમે લઈ લીધી છે એ બરાબર નથી. માટે એ રચનાઓ હટાવી લો અથવા તો અમારી  link  આપો.”

તો એ બધા અમારી મજાક ઉડાડવા લાગ્યા અને ઉપરથી અમારો વાંક કાઢવા લાગ્યા કે “તમે તમારા બ્લોગ પર જમાદારને કેમ નથી બેસાડ્યો? નવા નવા લાગો છો?”

આટલું ઓછું હોય એમ એમના ટેકેદારો પણ દોડીને આવ્યા અને બધાય પોતાની કમર લચકાવી લચકાવીને  પોતાના બ્લોગ્સ  હલાવી હલાવીને “રંગ દે નકલચી” ફિલ્મનું ગીત ગાવા લાગ્યા: ગીત તો તમે લોકોએ સાંભળ્યું જ હશે? પેલું જાણીતું ગીત:

ना कोइ लिखनेवाला

ना कोइ सीखनेवाला

हर कोइ है यहां…

COPY PASTE करनेवाला

अपनी तो पाठशाला

अपनी तो पाठशाला

अपनी तो पाठशाला…

અમને થયું કે “અરેરે! આ બ્લોગજગતમાં કોઈ જમાદાર નથી કે જે આ છાકટા થયેલાઓના બ્લોગ પર  બે ચાર દંડા ફટકારે!”

હતાશ  થઈને અમે ત્યાંથી ચાલી નીકળ્યા.અમને થયું કે:

“ये लूंटफाट ये लडाइ मेरे काम की नहीं मेरे काम की नहीं… “

મિત્રો, પારકા પરદેશમાં  લૂંટાઈ ગયેલો માણસ નિરાશ થઈને એકાદ  જગ્યાએ બેસી જાય એમ અમે બ્લોગજગતના એક બાંકડે બેસી ગયા. અમને નવલકથાકાર  શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથાનો નાયક સરસ્વતીચંદ્ર  સાંભર્યો! અમને એનું રુદન પણ સાંભર્યું:  “સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?”

… અને ભગવાનને કરવું છે ને ત્યાંથી એ જ વખતે રંગલો અને રંગલી નીકળ્યા! અમારા પર એમની નજર પડી. અમને ઓળખી ગયાં કારણ કે અમે એ લોકોને એક વખત ખેલ કરવા માટે અસરના ઓટલે બોલાવ્યાં હતાં.

“અરે! ઓટલાધારી તમે? કેમ આમ નિમાણા થઈને બેઠા છો?” એ લોકોએ અમને પૂછ્યું.

અમે અમારી આપવીતી કહી. રંગલાએ ગુસ્સે થઈને બાંયો ચડાવી. પણ રંગલીએ વાર્યો. એણે કહ્યું “કળા એ આપણું હથિયાર છે. શબ્દો એ આપણાં શસ્ત્રો છે. આપણે એ રીતે કહીશું કે સમજનારા સમજી જશે ને બાકીનાને મજા પડશે. લડવું ઝગડવું એ આપણું કામ નહીં. આપણે કાલથી જ અસરના ઓટલે ખેલ નાંખીએ”

મિત્રો, આ રીતે જે ખેલ નખાયો તે ખેલ હતો :

COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર

May 6, 2009

પછી તો ખેલ પર ખેલ. .. અને અમારે ઓટલે ભીડ વધવા માંડી. આપ સહુએ અમને પ્રોત્સાહન આપ્યું. પણ સાચુ કહો કે COPY PASTE નો વિષય અમને ફળ્યો કે નહીં? જે વિષય અમને ફળ્યો હોય એ વિષય સાથે અમારાથી ગદ્દારી કરાય? ના.ના. તમે એમ “જવાદો… જવા દો” ન કરો. ન્યાયની વાત કરો. અમારાથી આ વિષયને પડતો મૂકાય?

અમે આ વિષયને પડતો મૂકી પણ દેત. જો અમારી રચનાઓ અમારી રજા વગર પોતાના બ્લોગમાં મૂકનારાઓએ એ પ્રવૃત્તિ બંધ કરી હોત. પણ એ લોકોય શું કરે? કોઈ પોતાનો ધંધો તો બંધ ન  કરેને?  गंदा है फिर भी धंधा है.

અમે ક્યારેય COPY PASTE બાબત લખવાનું બંધ ન કરીએ એ માટેની સતત પ્રેરણા આપતા એ પ્રેરણામૂર્તિઓનો વિશેષ પરિચય આપવાનું અમે બાકી રાખીએ છીએ.

આ લેખ તમને લોકોને લાંબો લાગ્યો? અરેરે!

ये तो सिर्फ प्रोमो है .. पिक्चर अभी बाकी है, मेरे दोस्त!

ને હવે શું બાકી રહ્યું? સૂચના આપવી પડશે? આપી દઈએ ત્યારે.

એ આ ગમ્મતલેખ છે. સહુએ પોતપોતાની જ પાઘડી પહેરવી. રેઢી પડી હોય તોય કોઈએ  બંધબેસતી પાઘડી પહેરવી નહીં. કારણ કે…

કારણ કે …

કારણ કે …

કારણ કે …

કારણ કે …

પાઘડીમાં કીડીઓ છે!!!!!

અનોખા મહારાજશ્રીની પધરામણી

દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….

પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે ગઈ દિવાળીએ આપ સૌને કરાવી ચૂક્યા છીએ…

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

જોરદાર તાળીઓથી આપણે એમનું  સ્વાગત કરીશું. પણ હા! કોઈએ પણ મહારાજ શ્રીને પગે લાગવાનું નથી. કારણ કે કોઈ પગમાં પડે એ આ મહારાજશ્રીને જરાય  પસંદ નથી. પૈસા તો કોઈ ધરતાં જ નહીં!!!!!! તો પધારી રહ્યા છે વર્તમાન સમયમાં તદ્દન નવી વિચારસરણીના પ્રણેતા એવા અનોખા  શ્રી ચિત્તભ્રમજી મહારાજ.

જય હો… જય હો… જય હો… ચિત્તભ્રમજી મહારાજનો જય હો!!!

[ શ્રી ચિત્તભ્રમજી મહારાજનું પ્રવચન:]

વિવિધરંગી મિજાજ ધરાવતા બ્લોગજનો. આપ સૌને દિવાળીની નાની નાની અનેક ખુશાલીઓ મુબારક હો. આપમાંથી ઘણાંને પ્રશ્ન થયો હશે કે આ સૂરસૂરિયાવાદ ક્યાંથી ટપકી પડ્યો ? તો સૂરસૂરિયાવાદના પ્રાગટ્યની કથા કાંઈક આવી છે…

એક સમયે હું એક ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિવાળી જેવા તહેવારના દિવસો હતા. એક બાળક  ફટાકડાના ટોટા ફોડી રહ્યો હતો. જેમાંથી કેટલાક ટોટા બિલકુલ ફૂટતાં જ નહોતા. તો  કેટલાક ફૂટવાને બદલે માત્ર સૂરસૂરિયાં થઈ જતા હતા. આ કારણેથી બાળકના પિતા ફટાકડાના પૈસા વ્યર્થ ગયાની ભાવનાથી અત્યંત દુ:ખી થઈ રહ્યા હતા. પરંતુ પેલો બાળક તો સૂરસૂરિયાંનો પણ આનંદ માણી રહ્યો હતો. અરે એતો મોટે મોટેથી બોલતો હતો કે ટોટા ફૂટવાને બદલે સૂરસૂરિયું થાય તો વધારે સારું! બાળકના માટે જાણે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો  ભેદ ઓગળી ગયો હતો. બસ.બ્લોગજનો.. આ ક્ષણે જ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ સૂરસૂરિયાવાદ!

હે બ્લોગજનો. હું એમ કહેવા માંગું છું કે ફટાકડા ન ફૂટવા છતાં જેમ બાળક દુ:ખી થવાના બદલે સૂરસૂરિયાનો આનંદ માણી શકે છે  તેમ આપ સૌએ પણ  નિષ્ફળતામાંથી  આનંદ માણતાં શીખવું જોઈએ.  જે  ધાર્યું હોય તે ન બને ત્યારે જે બને એનાથી પણ કશા પણ પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ  ખુશ થવું જોઈએ.

આપ સૌ પણ સૂરસૂરિયાવાદને સમજવાનો અને અપનાવવાની ભવાના રાખશો એવી આશા સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખુશ રહેજો અને જીવનના ધમપછાડામાંથી આનંદ મેળવજો.

આવો આપણે હવે એ  મેદાન તરફ ગતિ કરીએ જ્યાં કેટલાક બાળકો સૂરસૂરિયાંનો આનંદ માણી રહ્યાં છે. આપણે પણ એવો જ આનંદ માણીશું. ગઈ દિવાળીએ મારી લૂંગીમાં સૂરસૂરિયું પેસી ગયું હતું એટલે આ વખતે હું પેન્ટ  પહેરીને આવ્યો છું.

[મિત્રો... શ્રી ચિત્તભ્રમજી મહારજનાં સાનિધ્યમાં સૂરસૂરિયાંનો આનંદ માણ્યા બાદ આપણે ફરી મળીશું. અસરના ઓટલે  અન્ય પાત્રો આપને મળવા આતુર છે.]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય

મિત્રો. આજે અમે એક ખેલ રજૂ કરી રહ્યા છીએ. એ પહેલાં કેટલીક ચોખવટ  કરવી જરૂરી લાગે છે. આ ખેલ માત્ર ગમ્મત કાજે છે. એ દ્વારા કોઈ જાતના પ્રચારનો ઇરાદો નથી. જોડણીની વાત આવે એટલે સાર્થ કે ઊંઝાનો વાદ વિવાદ આવે. અમે કબૂલ  કરીએ છીએ કે અમારી જોડણી અને વ્યાકરણ કાચાં છે. પણ  અમને સાર્થમાં જોડણી કરવી ગમે છે. કેમ ગમે છે એનો અમારી પાસે જવાબ નથી. સાચી જોડણી માટે મહેનત કરવાનું અમને ગમે છે. કોઈ ભૂલ કાઢે કે માર્ગદર્શન આપે તો આભાર સાથે અમને સ્વીકારવાનું ગમે છે. અમે એ પણ જાણીએ છીએ કે જો અમને સમયસર માર્ગદર્શન કે જુગલકિશોરભાઈ જેવા ગુરુ મળ્યાં હોત કે પછી એ મેળવવાના અમે પૂરતા પ્રયાસો કર્યા હોત તો અમારા નામે વીસથી પચીસ ચોપડીઓ હોત! વળી અમે એ પણ કહેવા માંગીએ છીએ કે અમને  જાત જાતનું લખવું ગમે છે એટલે અમે લખીએ છીએ. અમે ખુશ થઈએ છીએ ને અન્યને ખુશ કરવા મથીએ છીએ. પણ જોડણી બાબતના વિવાદમાં અમે કશું કહેવા માંગતા નથી કારણ કે અમે ભાષાવિજ્ઞાન બાબત જરાપણ જ્ઞાન ધરાવતા નથી. જોડણી બાબતમાં કોઈ અમારા મતથી જુદો મત ધરાવતું હોય તો એ એમના હકની વાત છે.

અમને અવનવી કલ્પનાઓ કરવાનું ગમે છે. આ ખેલ એવી કલ્પનાઓનું જ પરિણામ છે. વાસ્તવ જગત સાથે એને કોઈ સંબધ નથી. આપ સૌ  પણ એને એક મનોરંજન માનીને  માણશો અને આનંદ પામશો એવો અમારો આગ્રહ છે. તો માણો આજનો ખેલ…

જોડણી જોડું તો છૂટી છૂટી જાય….

[પરદો ખૂલે છે]

[રંગલી કશું લખતાં લખતાં ગીત ગાય છે]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

ના નારે રહેવાય ના નારે સહેવાય ના કોઈને કહેવાય હાય હાય

જોડણી જોડું તો છૂટી છૂટી જાય.

[રંગલો] એ શુ કો છો ગોરી?  કાઈ  બહુ હેરાન થઈ ગ્યા છોને?  પણ ઈ તો ક્યો કે તમે કીયા તે ગામના ગોરી? ને કઈ જોડણીને જોડવાવાળા?

[રંગલી ઊભી થઈને ગરબો  ગાય]

અમે ગાંધી તે નગરનાં  ગોરી રાજ અચકો મચકો કારેલી

અમે સાર્થમાં જોડણી કરીએ રાજ અચકો મચકો કારેલી

અમે સઘળું કરીએ જોડણીને કાજ અચકો મચકો કારેલી

અમે જાળવી જાળવીને  રાખીએ લાજ અચકો મચકો કારેલી …

[રંગલો] એ લાજ  શરમને મૂકો તડકે ને તમ તમારે હાલ્યા આવો.. ગોરી.. .જેવી આવડે એવી જોડણી લઈને હાલ્યા આવો…તમને કોઈ કહેતા કોઈ રોકશે કે ટોકશે નઈ.. હવે તો.. [ગીત ગાય...]

જોડણી છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

ઓલી હૃસ્વઇ રિસાય ઓલ્યુ દીર્ઘઉ  ગભરાય

ઓલ્યુ અનુસ્વાર ગોથે ગોથા ખાય

જોડણી છુટે તો ભલે છુટી  જાય … જોડણી છુટે તો ભલે છુટી જાય.

[રંગલી ગાય]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

ના નારે રહેવાય ના નારે સહેવાય ના કોઈને કહેવાય હાય હાય

જોડણી જોડું તો છૂટી છૂટી જાય.

[સંગીત... તડાકા ને ભડાકા]

[રંગલી ગાય]

ઓ…રે. ઓ… રે આ તો રોજની થઈ તકરા…ર  હાય હાય હાય હાય વારંવાર વારંવાર

[રંગલો ગાય]

ઓ…રે ઓ…રે. ઓલ્યા ઉંઝાના વાયરા વા..ય વાય વાય વાય આકરા  વાય

[રંગલી ગાય]

ના નારે સહેવાય  એવી લાગેરે લ્હાય

ના નારે સહેવાય  એવી લાગેરે લ્હાય

મારાં લમણામાં  કાંઈ કાંઈ થાય …

જોડણી જોડું તો છૂટી છૂટી  જાય … જોડણી જોડું તો છૂટી છૂટી  જાય

[રગલો ગાય]

જોડણી છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

જેવુ જેવુ બોલાય એવુ એવુ લખાય

જેવુ જેવુ લખાય એવુ એવુ છપાય

એ… બધુય સહેલુ સહેલુ થઈ જાય

જોડણી  છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

[રંગલી] જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

[રંગલો] જોડણી  છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય…….જાય…જાય… જાય…. જાય….

[ગીત પૂરું થાય]

[રગલી ગુસ્સામાં] મારા રોયા! તું મને પટાવવા આવ્યો છો?

[રંગલો] લો કરો વાત! આ પટાવવાની વાત લાગે છે? આ તો તમે હેરાન થતા હતા તે મને થયુ કે લાવ મદદ કરુ. પણ આ તો ધરમ કરતા ધાડ પડી!

[રંગલી] હવે જા જા ધરમની પૂંછડી.

[રંગલો] નહી જાઉ તો તમે શુ કરી લેવાના છો?

[રંગલી] એ આ દીર્ઘ ઊ છૂટું મારીશને તો તારા લમણે મોટું અનુસ્વાર થઈ જાશે. સમજ્યો?

[રંગલી] તે અમેય કાંઈ બધા હથીયાર વેચી નથી ખાધા. અમારી પાસેય દીર્ઘ ઈ છે. અને નાનુ નાનુ તોય દાતરડા જેવુ હૃસ્વ ઉ છે. આ તો ઠીક છે ભાર ન લાગે એટલે અમુકને હારે નથી ફેરવતા.

[રંગલી] તારે લડવું છે તો હાલ્યો આવ્ય.

[રંગલો] હાલી આવ્ય. તું ય મારો ઝપાટો જોઈ લે!

[બંને સામસામાં સ્વરોના ઘા કરે]

[સૂત્રધાર હાંફળો ફાંફળો પ્રવેશ કરે. બંનેને છૂટાં પાડતાં]

[સૂત્રધાર] બસ કરો. બસ કરો. આ ખેલ બંધ કરો. એ ભાઈ રંગલા. એ રંગલીબોન. તમને મારા સમ છે જો આ ખેલ બંધ ન કરો તો! અરે જોડણીનો ખેલ કરવો હતો તો મને પૂછવું તો હતું! આવો જોખમી ખેલ કરાય? અહીં હમણાં શબ્દોના છરા ઉછળશે તો? તર્કની તલવારો ખેંચાતાં વાર નહીં લાગે! આ મહેનત કરીને સજાવેલો ઓટલો હતો ન હતો થઈ જશે. એનો તો વિચાર કરો. જાઓ. પરદા પાછળ જતાં રહો.

[પ્રેક્ષકોને હાથ જોડીને] માફ કરજો. આ ખેલ અહીં પૂરો થાય છે. પણ તમે જે કાંઈ જોયું કે સાંભળ્યું  હોય એ ભૂલી જજો. બીજો ખેલ થાય ત્યારે જરૂરથી પધારજો. પણ અત્યારે સાજાસમાં ઘરભેગાં થાવ. એ આવજો. જલસા કરજો.

[ધીમું ધીમું સંગીત વાગે છે.  સૂત્રધાર સ્ટેજ પરથી અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે સ્વરો એકઠાં કરે છે.  ને પરદો પડે છે.]

નામ તારું લજવાય જશુભા..

[યાદ કરો જેસલ તોરલનું ભજન : પાપ તારું પરકાશ જાડેજા]

નામ  તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…

તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…

એમ મોદી કહે છે જી … હે જી રે… એમ મોદી કહે છે જી…

હે… જેના કીધાં વખાણ મોદીભાઈ… આડવાણીએ કીધાં વખાણ રે..

એવા ઝીણાને મેં વખાણિયા.. ડાયા ને ડમરા જાણિયા …

મોદીરે… એમ જશુભા કહે છે જી … હે જી રે ..એમ જશુભા કહે છે જી…   નામ તારું લજવાય …

.

હે… એનું વધશે વેચાણ મોદીભાઈ … ચોપડીનું વધશે વેચાણરે…

આઘે આઘેથી ઓરડર આવિયા … અમે તો એમાં ફાવિયા…

મોદીરે…એમ જશુભા કહે છે જી… હે જી રે …એમ જશુભા કહે છે જી…  નામ તારું  લજવાય..

.

હે… દીધા ઇન્ટરવ્યુ અપાર મોદીભાઈ.. ઇન્ટરવ્યુ દીધા અપારરે..

અમે આંખ્યુંમાં આંસુ લાવિયાં… આખા મલકને બતાવિયાં…

મોદીરે… એમ જશુભા કહે છે જી… હે જી રે એમ જશુભા કહે છે જી…

.

નામ   તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…

તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…

એમ મોદી કહે છે જી ..હે જી રે એમ મોદી કહે છે જી…

હે જી રે એમ મોદી કહે છે જી…

જુગારકણિકાઓ

બ્લોગજનો. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગઈ સાલ અમે આ દિવસે એક ગીત રજૂ કર્યું હતું.

એક જુગારીનું ગીત

આજે અમે રજૂ કરીએ છીએ પરમ પૂજ્ય શ્રી ચિત્તભ્રમજી મહારાજની જુગારવાણી.

* જેણે બાવન પત્તા સાથે  પ્રિત બાંધી છે એ જ આ જગતમાં સાચો પ્રેમી છે. કારણ કે પોતાની પ્રિતને ખાતર  એ બરબાદ થવામાં પણ પાછી પાની કરતો નથી. પરિવારના સુખના ભોગે પણ  એ પ્રિત નિભાવે છે.

* જુગારીથી મોટો કોઈ આશાવાદી નથી. બાજી પછી બાજી હારતો જાય પણ આશા છોડતો નથી. આવા આશાવાદીઓએ શું શું દાવમાં લગાડ્યું  હતું એ બાબતનો ઇતિહાસ સાક્ષી છે.

*જુગારીની એકાગ્રતાને  સમજો. જુગાર રમતી વખતે એનું ચિત્ત માત્રને માત્ર બાજીમાં પરોવાયેલું હોય છે. સમયનું કે સ્થળનું એને ભાન નથી રહેતું.  એને આ સમયે આહાર,નિંદ્રા,ભય કે મૈથુન સતાવતા નથી.  આ પણ  સમાધીનો એક પ્રકાર છે.

*જુગારી જુગાર રમતી વખતે  સંસારિક ચિંતાઓથી મુક્ત રહે છે.  પરિવારમાં માંદગી, વીમાના હપ્તા,વીજળીનું બિલ,બાળકોની ફી …વગેરે બાબતો એને એ વખતે સ્પર્શ કરતી નથી. એને તો એક જ લગની કે એક મોટી બાજી લાગી જાય.

* જુગારીના પરિવારને પૈસાનો મોહ રહેતો નથી કારણ કે સૌ જાણે છે કે એ તો આવે છે ને જાય છે.

*જુગારીની પત્નીને ઘરેણાંનો મોહ હોતો નથી. પતિ કદાચ નવાં ઘરેણાં લાવી દે તો પણ એ સ્થિતિપ્રજ્ઞ રહે છે કારણ કે એ જાણે જ છે  કે આ સુખ તો અલ્પ સમયનું છે. પતિને એની જરૂર પડવાની જ છે.

* જુગારીને સમજનો ડર લાગતો નથી. જુગાર રમવા માટે એ ગમે ત્યાંથી અને ગમે તે રસ્તે પૈસા મેળવવાની આદત કેળવી લે છે.

*જુગારી  મોડી રાત સુધી અવરજવર કરતો હોવાથી ચોકીદારની જરૂર રહેતી નથી. જુગારીને પોતાને પણ ચોરી થઈ જવાનો ભય રહેતો નથી.

*જુગારી પાસે કોઈ ઉછીના પૈસા માગતું નથી. સોનાની જાળ કોણ પાણીમાં નાખે?

*જુગારીના વહીવટ પર કોઈને ભરોસો હોતો નથી. આથી જુગારીને કોઈ જવાબદારી સોંપતું નથી.

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

October 28, 2008


પ્રાયમસ યુગ

હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં  જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને  વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ  કૌતૂહલપૂર્વક દોટ   મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો

ઘણાં મૂઢ આત્માઓ કશોપણ  સાર ગ્રહણ કરવાના બદલે દુ:ખી થયા હશે કે એકવીસમી સદીમાં આ વીસમી સદીનો ઉપાડો શાંને માટે? પરંતુ  જે  ભાગ્યશાળીઓને અમારા આત્મા જેવો આત્મા પ્રાપ્ત થયો હશે એમણે જરૂર સેવખમણીમાંથી દ્રાક્ષના દાણા  તારવવા જેવો સાર તારવ્યો હશે. કશો વાંધો નહીં. આ રહો તમારાં સૌના  માટે દ્રાક્ષના દાણા સમાન  મીઠો સાર…

*  પ્રથમ તો પ્રાયમસના  અવાજની વાત કરીએ તો  એ અવાજથી ગુણીજનો દુ:ખી થવાના બદલે પ્રસન્નતાનો અનુભવ કરે છે. અહાહા!!! કેવો એકધારો એકધારો નવી ઉર્જા પૂરી પાડતો એ પ્રાયમસ-નાદ! જાણે એકધારો એકધારો વરસતો વરસાદ! જાણે એકધારો એકધારો ખાબકતો ધોધ! જાણે એકધારા  એકધારા ઓમના નાદ સાથે ભક્તોને યોગા શિખવાડતા બાબા રામદેવ!!! ચંચળ ચિત્તને એકાગ્ર કરવાની પ્રેરણા આપતું આવું સાધન હવે ક્યાં વારંવાર જોવા મળવાનું છે? માટે  આજે દર્શનનો લહાવો લઈ લો … કાલ કોણે દીઠી છે!!!

* ઘણાંને એમ થાય કે આતો  જૂના  જમાનાનું સાધન! એનાં દર્શન શાંને? પણ ભાઈ, તમે જૂના કિલ્લાઓ કે ખંડેરો જોવા માટે રૂપિયા ખર્ચીને જાઓ છો કે નહીં? આતો ઘેર બેઠાં ગંગા. એનાં દર્શન કરીને કલ્પના કરો… ગુણીજનો જરા મગજને તસ્દી આપીને કલ્પના કરો કે કેવો હશે એ પ્રાયમસ-યુગ!   જ્યારે ઘેર ઘેર પ્રાયમસનો નાદ ગુંજતો હતો. એ પ્રાયમસ આધુનિકતાનું પ્રતિક ગણાતું હતું.  મધ્યમ વર્ગની નારી હોંશે હોંશે નવા પ્રાયમસની ખરીદી કરાવતી હતી. પ્રાયમસનો અવાજ સાંભળીને  સમજદાર પતિદેવો પથારીનો ત્યાગ કરતા હતા. પ્રાયમસના અવાજ પરથી પાડોશીઓ પણ ધારણા બાંધી શક્તાં હતાં કે કોને ત્યાં ક્યારે ચા બને છે ને ક્યારે રસોઈ બને છે! માતા બાળકને પંપાળી પંપાળીને લેસન કરાવે એમ  એ જમાનામાં નારી પ્રાયમસ પાસેથી કામ લેતી હતી. જરૂર પડે  પતિદેવને  પણ હાકલ કરતી હતી કે : “હજી સુધી પથારીમાં શું પડ્યા છો? ઊભા થાઓ અને આ પ્રાયમસ પેટાવી દો તો ખરા બહાદુર જાણું.” હા.નવલકથાઓમાં,વાર્તાઓમાં,,હાસ્યકથાઓમાં કે લલિત નિબંધોમાં પ્રાયમસનો ઉલ્લેખ થતો હતો. એક આખો યુગ પોતાની ટાંકીમાં સમાવીને એ પ્રાયમસ આજે ઘરના માળિયામાં ઉપેક્ષાનો ભાર સહન કરતો પડી રહે છે અને ટાઢી સાતમના દિવસે એક દિવસ માટે સાફ સફાઈ પામે છે ત્યારે એ શું કહેવા માંગે છે એ જાણવા માટે યોગ્ય કાન  અને મગજ હોવાં જોઈએ અને વિશેષ તો સમય હોવો જોઈએ જે આજકાલ કોઈની પાસે નથી! એટલે જ તો વદનારા વદી નાખે છે કે:

” છોડ આ પ્રાયમસની માથાકૂટ [orkut ની માસિયાઈ બેન!] તારે રિવાજ પાળવો  હોય તો પાળ. હું તો   ચા બહાર પી લઈશ અને જમવાનું  પણ બહાર જમી લઈશ.”

*પ્રાયમસ તમને પરિવર્તનને પચાવવાની સમજ આપે છે. સૌ સૌનો એક જમાનો હોય છે. એકસરખા દિવસો કોઈના હોતા નથી. એક જમાનામાં સૌની  જઠરપૂર્તીનો આધાર જે પ્રાયમસ પર હતો એ પ્રાયમસ પોતાની જરૂરિયાત ગુમાવ્યા પછી જેમ એકબાજુ  પડ્યો રહે છે એમ સૌએ એવી જ તૈયારી રાખવાની જોઈએ. જેથી કરીને વ્યથિત થવાનો વારો ન આવે!!.

*ઘરમાં એક દિવસ માટે પણ પ્રાયમસ પેટાવવો હોય તો તમારી કસોટી થઈ જાય છે તો વિચાર કરો કે એક આખી પેઢીની નારી  રોજ રોજ એ આગનાં રમકડાં સાથે રમતી હતી!!! આજે પણ  પ્રાયમસથી દાઝવાના બનાવો છાપાંમાં આવતા રહે છે. પેટાવવો એ પણ એક કળા હતી. જેમ ઘોડો પોતાના માલિકના સ્પર્શને ઓળખી જાય અને એને જ વફાદાર રહે એમ પ્રાયમસ પણ પોતાની માલિકણને ઓળખતો હતો! અને એને જ વફાદાર રહેતો હતો. અને ક્યારેક તો એને પણ  પરેશાન કરતો હતો. આવું થાય ત્યારે પાડોશીઓ પણ સલાહ આપવા દોડી આવતાં હતાં કે “આમ કરો અથાવા તો તેમ કરો.”  એક કે બે પૈસાની પિન વાંકે પણ ઘણાંની સવાર બગડતી હતી. પિન ઉછીની માગવાનો રિવાજ હતો. “પિન મારો ” એ મુહાવરો કદાચ પ્રાયમસ-યુગની દેન  હશે.

* અને છેલ્લે આ ટાઢું ખાવાની વાત.  એક દિવસ ટાઢું ખાવાનો વારો આવે છે તો  આપણાથી સહન નથી  થતું તો વિચાર કરો કે કેટલાંય લોકો ટાઢું કે લૂખુંસૂકું  ખાઈને ચલાવી લેતાં હશે. એમની તકલીફનો અહેસાસ થશે તો પણ ટાઢી સાતમ કરી લેખે લાગશે. અરે આપણાંમાંથીજ કેટલાંયના માબાપે  કદાચ રોજ રોજ લૂખું સૂકું ખાઈને આપણને ઉછેર્યાં હશેને? ટાઢી સાતમ કદાચ એમણે વેઠેલાં દુ:ખોને યાદ કરવાનું બહાનું તો નહીં હોય!

*ખેર ટાઢું ખાધું હોય કે ન ખાધું હોય પણ મગજને હંમેશા ટાઢું રાખજો અને સાચવજો.

જન્માષ્ટમી અને સ્વાતંત્ર્યદિનનાં  શુભ પર્વ કાજે ખૂબ ખૂબ શુભેછાઓ. આવજો. … અને જલસા કરજો.