અગાઉ એક ગમ્મત-લેખ નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંને કઈ કઈ બાબતોમાં સરખા છે! માં અમે લખેલું કે: અમિતાભ પર તો આરોપ છે કે એણે તો પહેલા મારફાડવાળી ફિલ્મોમાં સચોટ અભિનય કરીને દેશના યુવાનોને બગાડ્યા ને હવે “કભી અલવિદા ના કેહના” અને “ચીની કમ” જેવી ફિલ્મોમાં એવોજ સચોટ અભિનય કરીને દેશના બુઢ્ઢાઓને પણ બગાડે છે.
બુઢ્ઢા હોગા તેરા બાપ ફિલ્મ દ્વારા અમારી આ ગમ્મત વધારે મજબૂત થાય છે.
ફિલ્મ માત્ર મનોરંજન માટે બનેલી છે. અત્રે એ ફિલ્મનું અવલોકન રજૂ કરવાનો ઈરાદો નથી.
ઈરાદો બચ્ચનજીના બુઢાપા વિષે થોડીક વાતો કરવાનો છે.
આમ તો ૧૯૮૦ની આસપાસ જ અમિતાભ બચ્ચનની અભિનય ક્ષમતા માટે શંકા કરનારાઓ ; અમિતાભ બચ્ચન હવે બુઢ્ઢા થઈ ગયા છે. એની ફિલ્મ્સ હવે નહિ ચાલે … એવાં પ્રમાણપત્રો અપાવા લાગ્યાં હતાં. એના વિકલ્પમાં બીજા અર્ધો ડઝન જેટલાં કલાકારોનાં નામ પણ અપાતાં હતાં. પરંતુ એવું બન્યું નહિ. બચ્ચનગાડી ચાલતી જ રહી.
ત્યારબાદ બે દશકા પછી એક સમય એવો આવ્યો કે એની ફિલ્મ્સ ઉપરાઉપરી નિષ્ફળ જવા લાગી. તે માટે ત્યારની નવી પેઢીનાં દર્શકોને જશ આપવામાં આવતો હતો કે, આ નવી પેઢીએ બચ્ચનને ફેંકી દીધા છે!
પૂજા બેદીએ બચ્ચન માટે એ મતલબનું પણ કહેલું કે: હવે અમિતાભ બચ્ચન નહિ ચાલે. એમને ઘરના ખૂણામાં બેસીને પોતાનો ભવ્ય ભૂતકાળને યાદ કરીને સંતોષ માનવો જોઈએ. અભિનયનો મોહ છોડી દેવો જોઈએ.
એ વાતને પણ એક દશકા જેટલો સમય થઈ ગયો છે. છતાં અમિતાભ હજી મનોરંજનનાં મેદાનમાં ઊભા છે અને પૂજા બેદી ક્યાં ખૂણો પાળવા બેઠાં છે એની માહિતી ક્યારેક ક્યારેક જ મળે છે. એમાં એમનોય વાંક નથી. બજારનાં ભલભલા નિષ્ણાતો બચ્ચનના નામ પર ચોકડી મૂકવાની ભૂલ કરી બેઠાં હતાં.
અમારું કહેવાનું એવું નથી કે: બુઢ્ઢાઓએ બચ્ચનવેડા કરવા જોઈએ.
પરંતુ બચ્ચન પાસેથી શીખવા જેવી કેટલીક બાબતો છે:
* પોતાના વ્યવસાય અને કામ પ્રત્યેની લગન.
* પડ્યા પછી પણ ઊભા થવાની કળા.
* શરીર તેમ જ મનને ઉમંગથી ભર્યાં ભર્યાં રાખવાંની રીત. .
*નવી નવી રીતરસમો અપનાવવાની ધગશ. ખાસ કરીને નવી ટેકનોલોજી અપનાવવામાં રસ દાખવવો. એમાં વધતી જતી ઉમરને બાધારૂપ ન માનવી.
*બીમારીનો સામનો કરવાની ક્ષમતા કેળવવી.
*નવી પેઢી સાથેનો સમ્પર્ક જાળવી રાખવાની આવડત.
*બીજાઓને માન આપવાની રીત.
* જે કામ કરવું તે પૂરી નિષ્ઠાથી કરવું.
*વિરોધીઓથી અને વિવાદોથી ગભરાવું નહિ. એમનો સામનો પણ પોતાનું ગૌરવ જળવાય તે રીતે કરવાની રીત.
*જાહેરમાં સંયમ પૂર્વકનું વર્તન.
આ યાદી હજી લાંબી થઈ શકે તેમ છે.
ને બચ્ચનમાં કેટલીક નબળાઈઓ પણ હશે. પરંતુ એમની ખૂબીઓની સામે એમની મર્યાદાઓ ઝાંખી પડી જાય છે.
મિત્રો, બ્લોગલેખન માટે પણ અમિતાભ બચ્ચન ઉદાહરણરૂપ છે.