નેતાઓ અને નવરસ

મિત્રો, 

GGN  દ્વારા યોજાયેલી વ્યંગલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલી મારી આ રચના રજૂ કરતાં આનંદ અનુભવું છું.  

નેતાઓ અને નવરસ 

જો થોડીઘણી પણ કલાત્મક નજરથી જોવામાં આવે તો માલુમ પડશે કે,  જેમ કલાકારો પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે એમ નેતાઓ પણ પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે. કઈ રીતે?  .

[૧] શૃંગાર રસ: નેતાઓનાં શરીર પર જેટલી ચરબી ભરી હોય છે એથી વધારે એમના મનમાં શૃંગાર રસ ભર્યો હોય છે. તેઓ શહેરની સડકોને હીરોઈનના ગાલ જેવી બનાવી દેવાનાં વચનો આપે છે. મોટી ઉમરના કેટલાક નેતાઓ યુવાનોને પણ પ્રેરણા આપે એવાં પ્રેમસંબંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે.

[૨] હાસ્ય રસ: દેશના નેતાઓ પ્રજાને ગેસના બાટલા પૂરા પાડવામાં ભલે મર્યાદા બાંધતા હોય પરંતુ, પ્રજાને હાસ્યરસ પૂરો પાડવામાં જરા પણ કસર છોડતા નથી. એ નેતાઓના દર્શન માત્રથી લોકોને હસવું આવી જાય છે. લોકોને સો ટકા ખાતરી હોય છે કે, આ નેતાઓ જરૂર હાસ્યાસ્પદ નિવેદનો કરશે.   

[૩] કરુણ રસ: જ્યારે જ્યારે નેતાઓથી ખુરશીનો વિરહ સહન થતો નથી ત્યારે ત્યારે એમના જીવનમાં કરુણ સ્થિતિનું સર્જન થાય છે. ખુરશી પ્રાપ્ત થાય એ માટે તેઓ એક પક્ષથી બીજા પક્ષમાં અને બીજા પક્ષથી ત્રીજા પક્ષમાં ભટકે છે. એ જોઈને આપણને લયલા માટે ભટકતા મજનુની વાત યાદ આવી જાય છે. 

[૪] રૌદ્ર રસ: કેટલાક નેતાઓ સદાય રૌદ્ર રૂપમાં જ જોવા મળતા હોય છે. એ લોકો ભાષણ કરતા હોય તો પણ એમ લાગે કે જાણે તોપના ગોળા છોડી રહ્યા હોય. પોતે પ્રેસ-કોન્ફરસ બોલાવે અનેપછી પ્રશ્ન પૂછનાર પ્રેસ-રિપૉર્ટરને જ  તતડાવી નાખે. એવા પણ નેતાઓ આપણને જોવા મળે છે કે, જેઓથી રૌદ્રરસ ન જીરવાતા જાહેરમાં બંદૂકમાંથી ભડાકા કરવા લાગે!

[૫] વીર રસ: આપણે સંસદમાં કાગળોથી માંડીને એકબીજાનાં કપડાં ફાડી નાખતા નેતાઓને જોયા છે. દુશ્મન-દેશ  તરફ મોરચો લઈ જતા હોય એમ અધ્યક્ષશ્રી તરફ ધસી જતા નેતાઓને જોયા છે. આ વીર રસનાં ઉદાહરણો છે. મોટાભાગના નેતાઓ ચૂંટણીસભાઓમાં વીર રસનું ભરપૂર પ્રદર્શન કરતા હોય છે. ચૂંટણી એ નેતાઓ માટે વીર રસના પ્રદર્શનની ઋતુ છે. 

[૬] ભયાનક રસ: કેટલાક નેતાઓ પ્રજા વચ્ચે આવે છે ત્યારે ભયનાં કારણો લઈને આવતા હોય છે. એમનો વિરોધ થાય, કાળા વાવટા દેખાડાય, પોલીસ દ્વારા લાઠીચાર્જ થાય .. આ બધા ભયાનક રસનાં ઉદાહરણો છે. કેટલાક નેતાઓનો આ સહુથી પ્રિય રસ છે. એમની કારકિર્દી જ ભયની, ભય દ્વારા અને ભય માટે જ હોય છે. ભય થકી જ તેઓ, લોકો પાસેથી મત અને પ્રિત બંને મેળવે છે.  

[૭] બીભત્સ રસ: એક નેતા બીજા નેતા પર આક્ષેપો  કરતી વખતે પોતાના નિવેદનોમાં ક્યારેક ક્યારેક બીભત્સ રસનો છંટકાવ કરી નાખે છે. અને જો બહુ ઉહાપોહ થાય તો પોતાનો બચાવ કરતા કહે છે કે, ‘મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે’

[૮] અદ્ભુતરસ: નેતાઓની સંપતિમાં ઝડપથી થતો વધારો  પ્રજાને અદ્ભત લાગે છે. નેતાઓ પ્રજાને જે રીતે ખોટાં વચનો આપે છે અને અવનવાં સપનાં દેખાડે છે એ અદ્ભુત રસનાં ઉદાહરણો છે. એકબીજા સામે ભયંકર આક્ષેપો કરનારા નેતાઓ વખત આવ્યે અદ્ભુત રીતે સંપી પણ જાય છે. .

[૯]  શાંત રસ: આમ તો નેતાઓ  હોય ત્યાં શાંતરસ સંભવ નથી. પરંતુ, ક્યારેક ક્યારેક નેતાઓ અને શાંતિ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસદમાં નિદ્રા દ્વારા શાંતરસ માણતા નેતાઓને આપણે જોયા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગમે તેટલો વધારો થવા છતાં શાંતરસનું પ્રદર્શન કરતા પ્રધાનો પણ આપણે જોયા છે.

આમ નવ નવ રસના સહારે વારંવાર રંગ બદલતા નેતાઓ પ્રજાની જે સેવા કરે છે એની આપણે જરૂર કદર કરવી જોઈએ.    

[સમાપ્ત] 

આપણા નેતાઓ, નિવેદનો અને અર્થઘટનો!

હે ભારત દેશના નવરંગી નેતાઓ , 

દેશના એક સામાન્ય નાગરિક તરીકે શું કહું તમને? નમસ્કાર? દેશનો સામાન્ય માણસ તમને દિલથી નમસ્કાર કરે એ વાત તો તમને પણ માનવામાં નહિ જ આવતી હોય.  આપણે એમાં નથી પડવું.  વખત આવ્યે સહુ એકબીજાને નમસ્કાર કરતા જ હોય છે.  જેમ કે, ચૂંટણી વખતે તમે લોકો પ્રજાને નમસ્કાર કરો છો અને ચૂંટણી પછી પ્રજા તમને અને તમારા લાગતાવળગતાને.

આજે તમને લોકોને આ દેશની પ્રજા વતી મારો એક પ્રશ્ન છે કે, શું તમે લોકો નિવેદન કર્યા વગર ન જીવી શકો? શું હવા, પાણી અને ખોરાક પછી નિવેદન એ તમારી ચોથી મૂળભૂત જરૂરિયાત છે?  શું એ કુદરતી હાજત છે કે જેને રોકી ન શકાય? અને, એવાં તે કેવાં નિવેદનો કે જેના પર વિવાદ જ થાય? 

એક સામાન્ય પ્રક્રિયા થઇ ગઈ છે કે, કોઈ નેતા પહેલાં એવું  નિવેદન કરે કે જે બળતા પદાર્થ જેવું હોય. પછી મીડિયા એ બળતાં પદાર્થમાં ઘી રેડવાની પોતાની ફરજ બજાવે.  પછી તમારા જ વર્ગના તમારા વિરોધીઓ  એનો  વિરોધ કરે. એ વિરોધમાં જાહેર જગ્યાઓ પર પૂતળાં બળે અને આગ લગાડાય. એ આગ પર તમે લોકો તમારાં રાજકીય પરોઠાં શેકો . અને, પ્રજાજનો કે જેના ચૂલાઓને તમે આગથી વંચિત કરી દીધા છે એ તમારા આ રસોઈ શો જોઈને જીવ બાળે! 

પછી, તમારાં નિવેદનો બદલ તમારા વિરોધીઓ દ્વારા તમારા પર આક્રમણ થાય, તમારાં રાજીનામાં મંગાય, તમારી બચાવફોજ દ્વારા તમારો બચાવ થાય,  આગળપાછળના  હિસાબો  ચૂકતે થાય, મીડિયામાં એની ચર્ચાઓ થાય, ચર્ચાઓમાં બીજા અનેક વિવાદાસ્પદ નિવેદનો થાય અને છેવટે  બાર વરસે મનમોહન બોલતા હોય એવું એક નિવેદન થાય કે,  ”મારા નિવેદનનું ખોટું અર્થઘટન  કરવામાં આવ્યું છે.  એને  તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.”  એ તો  હોના હી થા!   

એકાદ વખત આવું થાય એ માની શકાય. પરંતુ, વારંવાર અને લગાતાર? તમારાં નિવેદનો એવાં કેવાં કે જેનાં અર્થઘટન કરવા પડે! એનો કોઈ સારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવોને.  અરે, હવે તો  લેખકો અને કથાકારો પણ સુધારી ગયા છે. એ લોકો પણ અર્થઘટન કરવી પડે એવી ભાષા વાપરતા નથી. સામાન્ય માણસને સમજમાં આવે એવી ભાષા વાપરે છે. એ લોકોને પણ સમજાયું છે કે. આજના માણસ પાસે શબ્દકોશમાં જોવાનો પણ સમય નથી. અને તમારાં નિવેદનોનું અર્થઘટન કરવું પડે? એવાં નિવેદનો કરોને કે સામાન્ય માણસ તો શું પણ તમારા વિરોધીઓ પણ અવળું અર્થઘટન ન કરી શકે.  પરંતુ, તમારે એવું કરવું નથી. 

તમે નેતા છો તો નેતા તરીકે ન રહી શકો? તમે પ્રજાનાં કામ કરો એટલે તમારી ફરજ પૂરી. કોણ તમને પૂછે છે કે, ઝીણા માણસ તરીકે કેવા હતા? છોડોને એ વાત.   પાકિસ્તાનના અત્યારના નેતાઓ કેવા છે એ ખોંખારો ખાઈને કહોને.  વિવેકાનંદજી વિષે જાણકારી આપનારા આ દેશમાં અનેક યોગ્ય વક્તાઓ છે. એમના પર વિશ્વાસ રાખોને. દાઉદનો પૂરેપૂરો પરિચય આપનારી ફિલ્મો પણ બની ગઈ છે! તમારે એ બાબતમાં કષ્ટ ઉઠાવવાની જરૂર જ નથી. કોઈ તમને એ લોકોની બુદ્ધિમત્તા વિષે પૂછવાનું નથી.  હા, તમારી માલમત્તા વિષે સવાલો થશે. એ સવાલોના સાચા જવાબો તૈયાર રાખો.  પરંતુ, એ ક્યા સહેલું છે!

ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ કર્યા વગર તમારાથી રહેવાતું નથી. રામ, સીતા, રાવણ, કુંભકર્ણ, અર્જુન, દુર્યોધન, દ્રૌપદી, શિખંડી, બાબર, શિવાજી, ચંગીઝખાન … તમે ક્યારે કોને તમારી જબાન પર લાવી દો એ નક્કી નહિ.  તમે તો નિર્દોષ પશુપંખીઓને પણ નથી છોડતા.  તમારા વિરોધીઓની સરખામણી વાંદરા, કૂતરા, ગધેડા, કાગડા, ઘૂવડ વગેરે સાથે  કરવાની તમારી આદત હવે પ્રજાથી છાની નથી રહી. પ્રજા, તમે કહો એને વાનર અને તમે કહો એને સિંહ માની લેશે? પ્રજાને ખબર નથી કે સિંહ કેવો હોય? સપનાંમાંય ગર્જના ન કરી શકતો હોય એને પ્રજાએ સિંહ માની લેવાનો? ઉપમા આપો તો વાજબી આપો. ટાઢા પહોરની ઉપમા નહિ આપો.  ઉપમા અલંકારો વાપરવાના આટલા બધા કોડ હોય તો તમારે કવિ કે લેખક જ બનવું’તુને. નેતા શા માટે બન્યા? નેતા બન્યા છો તો નેતાની રીતે રહોને. કેટલાક નેતાઓ  ટીવીના પરદે ચર્ચા કરતા હોય છે એ દૃશ્ય  જો શેરીના કૂતરાઓ જુએને તો એ લોકો પણ ભસવાની બાબતમાં તમારી સમક્ષ હાર માની લે! મદારી જેમ બાળકોને, સાપ અને નોળિયાની લડાઈ બતાવતો હોય એમ  ટીવી એન્કર દર્શકોને તમારી લડાઈ બતાવે છે. તમારા કર્કશ અવાજમાંથતી ચર્ચા એ શેરીમાં થતા ઝઘડા  જેવી હોય છે. જેનું સમાપન ટીવી એન્કર, સમયનો  હવાલો આપીને કરીને કરે છે.  સાર એવો નીકળે છે કે, આ દેશના નેતાઓને  તંદુરસ્ત ચર્ચા કરતા આવડતી નથી.

ચર્ચાઓ કેવી હોય એનું ઉદાહરણ અમેરિકાના નેતાઓએ હાલમાં જ પૂરું પાડ્યું છે. એકબીજા તરફ માનભર્યું વર્તન,મુદ્દાસર વાત, સમસ્યાઓ વિષે વાત કરતી વખતે ધાર્મિક કે ઐતિહાસિક પાત્રોને વચ્ચે લાવવાના નહિ, નિર્દોષ પશુપંખીઓને ઝપાટામાં લેવાના નહિ, હારજીત થયા પછી પણ અરસપરસ વચ્ચે સૌમ્ય વ્યવહાર, દેશના હિત માટે સહકાર આપવાનું વચન … આ બધું તમને કશી અસર નથી કરતું? 

 દેશહિતના કર્યો કરવામાં ભાગ લઈ રહ્યા છો.  તમે કોઈ વકતૃત્વસ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા. રામે સીતાને અન્યાય કર્યો હતો  કે નહિ, એવા મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે અને થતી રહેશે. સામાન્ય માણસ પણ  યોગ્ય મંચ પર આવા મુદ્દાઓ માટે પોતાનો અભિપ્રાય ખૂલ્લા મનથી આપી શકે છે.  તમે જે મંચ પર બિરાજમાન છો એ મંચ દેશની વર્તમાન પ્રજાની  ચિંતા કરવા માટેનો મંચ છે.  ભૂતપૂર્વ પ્રજાની ચિંતા કરવા માટે નહિ. એ ચિંતા કરવાવાળા બીજાં ઘણાં છે. દેશની પ્રજાને અત્યારે જે અન્યાય થતો હોય એ માટે તમે ગુસ્સો કરો તો  પ્રજા પણ તમારાં ગુસ્સાને દાદ આપવા તૈયાર છે.  પરંતુ, તમારી દલીલશક્તિ ખોટા માર્ગે વેડફાય છે ત્યારે એમ થાય છે કે,  સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે? ..’

તમારી ફરજ એ છે કે, પ્રજાને જીવન જરૂરી પદાર્થો જેવા કે, શાકભાજી, અનાજ, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે સહેલાઈથી અને વાજબી ભાવે પ્રાપ્ત થાય. પરંતુ, એ બધા પદાર્થોને નજરઅંદાઝ  કરીને તમે ક્યારેક ક્યારેક પ્રેમ-પદાર્થ વિષે નિવેદનો કરવા લાગો છો ત્યારે પ્રજાને લાગે છે કે, આ તે નેતાઓ છે કે વરણાગી વાલમાઓ છે! બરાબર છે કે: પ્રેમ, પ્રિયતમા, પત્ની વગેરે દરેકના જીવનના યથાશક્તિ ભાગ ભજવતાં જ હોય છે.  પરંતુ, ક્યા નેતાની પ્રિયતમા કે પત્ની કેવી છે એની સાથે પ્રજાને શું મતલબ?  અને, કોઈ નેતાને એની પ્રિયતમા કે પત્ની  સાથેનો સંબંધ  કેવો રંગીન છે એનાથી શું લાગેવળગે? તમે તો રંગીન તબિયતના હો એનાથી પ્રજાનો શો દહાડો વળે?  પ્રજાનાં જીવનમાં રંગીનતા જળવાઈ રહે એવાં કામ કરી બતાવો તો પ્રજા પણ રાધાકૃષ્ણના ગીતોની જેમ તમારાં સ્નેહગીતો ગાશે! નવી-જૂની પ્રિયતમા કે નવી-જુની પત્ની, આ બધું શું છે? તમે દેશ ચલાવી રહ્યા છો કે હિન્દી ટીવી-સિરિઅલ ચલાવી રહ્યા છો? પરંતુ, પ્રેમ પ્રકરણોની બાબતમાં તો કેટલાક નેતાઓએ તો અભિનેતાઓને પણ પાછળ રાખી દીધા છે.  નેતાઓની લવસ્ટોરીના અનેક એપિસોડ થાય એટલો મસાલો કેટલાક નેતાઓએ પૂરો પાડ્યો છે. 

તમારા કોઈ નેતાને જમવા માટેનું ૮૦૦૦ રૂપિયાનું ભાણું મોંઘુ નથી લાગતું! કોઈ રીપોર્ટર એને મોંઘુ કહે તો નેતા ગુસ્સામાં પોતાની છાતી કૂટે અને એ મતલબનો બળાપો કાઢે કે,  ’મોંઘવારી છે તો અમારે મોજમજા નહિ કરવાની?’ કરો. મોજમજા કરો. તમારા દિવસો છે. પણ, વાજબી મોજમજા કરો.  પ્રજાને પણ મોજમજા કરવા જેવું રહેવા દ્યો. વીસ રૂપિયાની પાણીની બોટલ પીનારને ૯૦૦ રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો ન લાગવો જોઈએ, એ વાત માની લઈએ. પણ બાપલા, વાત માત્ર પાણીની બોટલ કે ગેસ સિલિન્ડર પૂરતી નથી.  જીવન જરૂરિયાતની તમામ ચીજો માટેની પણ છે.  તર્કનાં તીર  વિરોધીઓ કે મીડિયાના કાળજે વાગે કે ન વાગે પણ, પ્રજાને કાળજે વાગે છે.  ચલાવો  ના  નિવેદનો  સે બાણ રે…

મંદિર અને મસ્જિદનું રાજકારણ ખૂબ ખેલાયું.  હવે તમે લોકો મંદિર અને મૂતરડીના પ્રાસ બેસાડવાના ચાળે ચડ્યા છો.  મૂતરડીની ગંદકી તમારા નાક સુધી પહોંચી ખરી! એક ઉપાય છે.  તમારાથી મોંઘવારી દૂર નથી થતી તો તમને લોકોએ FDIનો સહારો લેવાનું  ઠીક લાગ્યું છે. હવે તમને FDIમાં જાદુની છડીનાં દર્શન થવા લાગ્યાં છે.  તો એ જાદુઈ છડીનો ઉપયોગ મૂતરડી ક્ષેત્રે ન કરી શકાય? આ ક્ષેત્ર માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તમારા નિવેદનોનો ઉપયોગ થઈ શકે એમ છે.  વિચાર કરો.  એ કેવું મજાનું દૃશ્ય હોય કે, હાલની ગંધાતી મૂતરડીઓની જગ્યાએ દસ દસ માળની વોલમાર્ટની અદ્યતન મૂતરડીઓ  હોય! અને, આ દેશના નાગરિકો સરકતી સીડી પર એક તરફથી સવાર થઈને મૂત્ર વિસર્જન કરીને બીજી તરફથી પ્રસન્ન  ચહેરે નીચે ઉતારતા  હોય! મૂતરડી ક્ષેત્રે FDI આવશે તો એની વિરોધ કરવા કોઈ પરંપરાવાદી નહિ આવે એની ખાતરી રાખજો.  

નેતા ક્યારેક ક્યારેક હાસ્યકલાકારનો રોલ ભજવવા લાગે છે.  સંસદમાં પણ પોતાના નિવેદન મારફતે હાસ્યનાં મોજા ફેલાવે છે! ચૂંટણીમાં કેટકેટલો  ખર્ચ થયા પછી તમે લોકો સંસદમાં પહોંચો છો. તમારે ત્યાં જઈને જો હાસ્યનાં મોજાં જ ફેલાવવા હોય તો આ દેશના હાસ્યકલાકારો શાકામના? તમે લોકો ત્રાસવાદીઓને ફટકારી નથી શકતા અને સંસદમાં શાયરીઓ ફટકારો છો! દેશમાં શાયરો ઓછા છે? બરાબર છે કે, ક્યારેક હસીમજાક થાય. ક્યારેક શેરશાયરી પણ  થાય. પરંતુ, એ તમારો મુખ્ય વ્યવસાય નથી. 

તમે લોકો જ્યારે મંથન કરવાનો કાર્યક્રમ રાખો ત્યારે  નિવેદનો માટેનું મંથન કરજો.  આગ લાગે ત્યારે કૂવો ખોદાવો હોય એમ તમે લોકો ચૂંટણી આવે ત્યારે મંથન કરવા માટે ભેગા થાવ છો.  સારી વાત છે. બાકી, દેશનો સાંમાન્ય નાગરિક તો બિચારો રોજેરોજ ઘર ચલાવવા માટે કે વ્યવહારો સાચવવા માટે  મંથન કરતો જ હોય છે.  તમે લોકો  પહેલાંવગર મંથને દેશ ચલાવો  છો અને પછી મંથન કરવા બેસો છો. ગમે તેટલાં મંથન કરજો.  પણ, નિવેદનો માટે ખાસ મંથન કરજો.  બને તો એના પર કાપ મૂકજો.  વર્ષનાં છ નિવેદનો બહુ થઈ ગયાં. જો તમે માનતા હો કે પ્રજાને રાહત ભાવના માત્ર  છ ગેસ- બાટલાથી  ચાલશે; તો તમારે એ વાત પણ માનવી જોઈએ કે પ્રજાને તમારા નિવેદનો વગર પણ ચાલશે.  

નિવેદનોથી  પ્રજાના હૈયામાં આગ લાગે છે. ચૂલામાં નહિ. 

કમસેકમ,  દિવાળીના આ શુભ તહેવારો દરમ્યાન તમારા તરફથી કોઈ આડાઅવળાં નિવેદનો નહિ થાય એવી અમર આશા સાથે પૂરું કરું છું. 

લિ.  દેશનો  મતદાતા + કરદાતા.   

હેં પપ્પા, તમારા જમાનામાં છોકરીઓ સાવ ગાંડી હતી?

[જશુભાઈ ટીવી જુએ છે.  ટીવીમાં સ્વ. રાજેશખન્નાનાં સંભારણાંનો કાર્યક્રમ ચાલે છે.  ચિ. જીતુનો પ્રવેશ થાય છે.] 

જીતુ : પપ્પા,  તમને નથી લાગતું કે આ વધારે પડતું થઇ રહ્યું છે.

જશુભાઈ: તું શું કહેવા માંગે છે? 

જીતુ:  હું એમ કહેવા માંગુ છું કે ખન્નાજી ગુજરી ગયા એને સવા મહિના ઉપર થઈ ગયું છે.  મમ્મી તો કહેતી’તી કે , હવે તો લોકો  સવા મહિનો થાય એટલે શોક ભાંગીને  કામે લાગી જાય છે.  આ ટીવી વાળા ખાલી ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢવાનો ધંધો કરતાં હોય એમ હજી રાજેશખન્નાને બતાવ્યા કરે છે. 

જશુભાઈ:  તને શું ખબર પડે રાજેશખન્ના કોણ હતો? 

જીતુ:  ગેરસમજ ન કરતા..  હું એ  જાણું છું કે એ તમારા જમાનાનો હીરો હતો.  તમે એની ફિલ્મો જોઈને  સ્ટાઈલ શીખ્યા. ખુશ રહેતાં શીખ્યા.  એની ટીકા કરીને હું તમારી લાગણી દુભાવવા નથી માંગતો.  એની  કેટલીક ફિલ્મો તો જોવા જેવી હતી.  પણ… 

જશુભાઈ: અરે! રાજેશખન્નાની ફિલ્મો જોવાની જે મજા હતી એની તો શી વાત કરવી? તું નહિ માને…

જીતુ: મને બધી ખબર છે.  તમે કલાકો લાઈનમાં ઊભા રહેતા હતા.  ધક્કામુકી સહન કરીને ટિકિટ લેતા હતા.  એ બધું રિપીટ ન કરતા.  મારું કહેવાનું એમ છે કે,  હવે ટીવીવાળાએ બહુ ખેંચવા જેવું નથી.  ક્યારેક તો ખન્નાના નામે ગપ્પાં  મારે છે. એના લીધે ખન્નાનું ખરાબ દેખાય છે. 

જશુભાઈ:  ભાઈ તમારી જનરેશને એનો માભો જોયો નથી એટલે શું કહેવું? 

જીતુ:  ટીવીવાળાએ એના માભાની બધી વાતો   કહી દીધી છે.  પણ, એક વાત  તો એવી છે  કે , એની સફેદ ગાડીને છોકરીઓ બકા ભરી ભરીને લાલ કરી નાખતી હતી.  તે હેં  પપ્પા,  તમારા જમાનાની છોકરીઓ  સાવ ગાંડી હતી? 

જશુભાઈ: અરે ગાંડા, રાજેશખન્નાને ચાહવાનો  એવો ક્રેઝ હતો.   

જીતુ: ખન્નાને ચાહતા હોય તો  ખન્નાને બકા ભરે એ વાત બરાબર. પણ,  ગાડી તી નિર્જીવ વસ્તુ કહેવાય.  એને લાગણીનો અનુભવ ન થાય.  એના કરતાં તો ખન્નાનો ડ્રાઈવર કે વોચમેન વાજબી ન કહેવાય? 

જશુભાઈ: આ તારો વિષય નથી.  મહેરબાની કરીને મારું માથું ન ખા.  તમારા જનરેશનને એ જમાનાની ખબર ન પડે. 

જીતુ: તમારા જમાના કરતાં અમારો જમાનો નહિ સારો?  અમારા જનરેશનની છોકરીઓને એટલું તો ભાન પડે છે કે મોટરગાડીને બકા ભરવાથી હોઠને નુકસાન થાય.  અરે! છોકરીઓ તો  ચામડીની રક્ષા કરવા માટે મોઢું ઢાંકીને બહાર નીકળે છે.  તમારા જમાનાની છોકરીઓ ને એટલી ખબર નહોતી કે ગાડી પર જંતુઓ  ચોંટ્યાં હોય! 

જશુભાઈ: મેં કહ્યું ને કે તું મારું મગજ ન ફેરવ. મને શાંતિથી ટીવી જોવા દે.  

જીતુ: પણ પપ્પા,  તમે રાજેશખન્નાની વાતોમાં એક વહેવારની વાત તો ભૂલી ગયા લાગો છો.

જશુભાઈ: કઈ વાત?

જીતુ: કેમ?  તમારા કાકાની દીકરીના સસરાના ભાઈનું આજે બેસણું છે. તમારે જવાનું નથી? 

જશુભાઈ: અરે યાર! સારું કર્યું  તેં યાદ કરાવ્યું. હું તો ભૂલી જ ગયો’તો. મોટો લોચો વાગી જાત. 

જીતું: એટલે જ કહું છું કે, ટીવીમાં બહુ સમાચારો જોયા ન કરો.  નહિ તો આવા અનેક લોચા પડ્યા કરશે.  સારું, તમે બેસણામાં જઈને આવો. હું એક ઉદ્ઘાટનમાં જી આવું. 

જશુભાઈ: ઉદ્ઘાટન? કોને ત્યાં? 

જીતુ: મારો એક ભાઈબંધ આજે ફેસબુકમાં ખાતું ખોલવાનો છે.  

જશુભાઈ: ઘેર વહેલો આવજે. 

જીતુ:  તમેય વહેલા આવજો.  બેસણું પૂરું થયા પછી મારીતારી કરવા રોકાતા નહિ.  

**************************************************** 

સરકાર તરફથી મળશે મોબાઈલ[કાંડ]

ગરીબીરેખાની નીચેના લોકોને સરકાર  મફત મોબાઈલ આપશે.  વિપક્ષને,  સરકાર આ રીતે પણ રાજ્યસભા મેમ્બર ” રેખા”ની પ્રસિદ્ધિનો લાભ લઇ રહી હોવાનું લાગે તો નવાઈ નહિ.  અત્યાર સુધીનો ઇતિહાસ બોલે છે કે, યોજના હોય ત્યાં ગોટાળો પણ હોય! જેમ કે, ચારા ગોટાળો, આદર્શ ગોટાળો, જમીન ગોટાળો.  મોટા પાયા પર મોબાઈલની વહેંચણી થશે એટલે ગોટાળો પણ થશે જ.  નહિ થાય તો એ,  વહેંચણી કરનાઓ માટે મોટા દુર્ભાગ્યની વાત હશે. કરનારાએ  તો   હિસાબ  પણ કરી નાખ્યો હશે કે, આ યોજનાને લીધે પોતાનાં ભાગે કેટલા આવશે.  અર્થાત, દેશની જનતાએ એક નવા કાંડ  માટે તૈયારી રાખવી પડશે.  મીડિયાએ તો  ”મોબાઈલ કાંડ”   બહાર પાડવા માટેની તૈયારી પણ  આજથી જ શરૂ કરી દીધી હશે.  

 સરકાર જ જો  ”હર હાથ મેં મોબાઈલ”ની યોજના લાવતી હોય તો પછી હવે વાહન ચલાવતી વખતે એક હાથમાં મોબાઈલ હોવો એ કાયદાનો ભંગ નહિ ગણાય? કે પછી  એક હાથમાં  મોબાઈલ ન હોવો એ કાયદાનો  ભંગ ગણાશે?

વીજળી નથી ત્યાં મોબાઈલ ચાર્જ કેવી રીતે થશે? તો એ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સરકાર તરફથી કમિટી બનાવી શકાય. જેમાં પક્ષના સત્તાવિહોણા લોકોનો સમાવેશ કરી શકાય.  

મોબાઈલ માટે ઘણા ટાવર ઊભા કરવા પડશે.   પરિણામે એકાદ   ” ટાવર કૌભાંડ”  પણ ઊભું થવાની શક્યતા ખરી.   આ  કૌભાંડના કારણે કેટલાકના બેસી ગયેલા ધંધા ઊભા પણ થઇ જશે.  સરકારે આ બધાં હકારાત્મક પાસાંઓનો વિચાર કર્યો જ હશે.  તો જ આવો મોટો નિર્ણય લેવાયો  હોયને? 

વિરોધ પક્ષો આક્ષેપ કરશે કે, આ નિર્ણય વોટબેંકને મજબૂત કરવા માટે  માટે કરાયો છે.  સરકાર કહેશે કે:”‘ દેશની બીજો બેન્કો નબળી પડી છે એ હાલતમાં  બેંક મજબૂત થાય  તો એમાં ખોટું શું છે?” 

દેશના વડાપ્રધાનને જો પૂછવામાં આવે કે , ”જનતાને બીજું કશું નહીને  મોબાઈલ જ શા માટે આપશો?” તો વડાપ્રધાનનો  ઇશારા દ્વારા   જવાબ હોઈ શકે કે:  “હું તો નથી બોલતો પણ લોકોને તો બોલવા દો.” 

જે લોકોને મોબાઈલ નથી મળવાનો એમણે નિરાશ થવાની જરૂર નથી.  ચૂંટણીને હજી વાર છે. ત્યાં સુધીમાં એમને ખૂશ કરવા માટે કશું પણ આપવાની જાહેરાત થઈ શકે.  

*****************

બ્રેકિંગ ન્યૂઝ  એ છે કે: 

જન્માષ્ટમી નજીક છે પણ ગોપાલ{કાંડા} ગૂમ છે!  

‘સત્યમેવા જયતે’ ડૉક્ટર, જન્મનો પણ સાક્ષી, મરણનો પણ સાક્ષી!

એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાય પાસ સર્જરી વગેરે શબ્દો હવે આપણે ત્યાં એવા તે ગૌરવથી બોલાય છે જાણે કે એ બધા કોઈ હોલીવુડ અભિનેત્રીઓનાં નામ હોય! મારા એક પાડોશી કપૂરસાહેબે  જ્યારે મને એવું કહ્યું હતું કે. ‘મેં બાય પાસ સર્જરી કરાવી.’ ત્યારે હુ ઘડીભર તો એનાં ચહેરા તરફ જોઈ રહ્યો હતો! કારણ કે, એમણે એવા વટથી એ વાત કરી હતી જાણે કે.એમણે પાંચ તોલા સોનાનો ચેન કરાવ્યો હોય! એ જ ઘડીએ મેં મારી જાતને ઠપકો આપ્યો હતો કે: ‘ક્યાં આ કપૂરસાહેબ જે બાય પાસ સર્જરીની વાત હોંશે હોંશે  કહે છે અને કયા તું? જે મેલેરિયાના નામ માત્રથી ધ્રુજવા લાગે છે!‘

એક ગીત છે કે: મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર  લી… ‘પૉઝિટિવ થિન્કિંગ’થી છલકાતા લોકો આરોગ્યની બાબતમાં પણ આ જ ગીત અમલમાં મૂકે છે અને ડાયાબિટિશ તેમ જ બ્લડપ્રેશર જેવી બીમારીઓને દોસ્તની જેમ સાચવે છે. એ દોસ્તી ડૉક્ટરની તોડાવી પણ તૂટતી નથી. ડૉક્ટર પરેજી પાળવાની સલાહ આપે તો વળતી દલીલ કરે કે: ‘તમે શું કામના? પરેજી પાળીને રોગ મટાડવો હોત તો તમારી પાસે શા માટે આવત?’   

પરંતુ, તમામ દર્દી આવા હકારાત્મક વલણ ધરાવતા નથી હો. કેટલાક તો બીમારીના નામ માત્રથી ધ્રુજવા લાગે છે. કારણે કે, બીમારી આવે છે ત્યારે માત્ર દર્દ લઈને નથી આવતી. એની પાછળ પાછળ [ક્યારેક તો આગળ આગળ] સારવારનું બિલ લઈને આવે છે. બીમારને ધ્રુજાવવા માટે બીમારી જેટલો ભાગ ભજવે છે એટલો જ કે એથી વધારે ભાગ આ સારવારનું બિલ ભજવે છે. અને આ બિલ જ ક્યારેક તો નવી બીમારી લઈને આવે છે. જેમ દહેજમાં એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે તેમ સારવારમાં પણ કેટલીક વખત એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે! એ ક્યાં જઈને અટકશે એની કોઈને ખબર પડતી નથી.   

જે દર્દી સ્વજનો માટે પતિ,પત્ની, ભાઈ,બહેન,કાકા,મામા.. વગેરેમાંથી કાંઈપણ હોય; ડૉક્ટરની નજરે તો એ માત્ર દર્દી જ હોય છે. એ બાબતમાં કોઈને વાંધો પણ ન હોવો જોઈએ. વાંધો ત્યારે હોઈ શકે કે જ્યારે ડૉક્ટરની નજરે દર્દી, પોતાની કમાણી માટેનો કાચો માલ હોય! કેટલાક, કેટલાક, કેટલાક ડૉક્ટર્સ પોતાની કમાણી માટે દર્દીને જરૂર વગરના ખર્ચામાં ઉતારે છે એ રહસ્ય લોકો નહોતા જાણતા એવું નથી. પરંતુ, આમિરખાને એ સમસ્યા પર પોતાની મહોર મારી છે એટલે હવે એ સમસ્યાને માન્યતા મળી કહેવાય. હવે સરકાર પણ આ બાબતમાં જાગશે! સરકારને પણ દરેક સમસ્યા બાબતમાં આમિરખાન દ્વારા જાગવું ગમતું હોય એવું લાગે છે! બાકી, સરકારને જગાડવા માટે તો કેટલાય લોકો મહેનત કરતા હતા.  પણ જોઈએ એવી નહોતી જાગતી.  એક કવિતા યાદ આવે છે: ‘એ કોણ છે જે જાગ્યો.. જેણે સહુને જગાડ્યાં..

આમ તો, બીજા લોકો દ્વારા લુંટાવું એ આપણા સંસ્કાર છે. આપણને કેટલાક વેપારીઓ, બિલ્ડરો, સરકારી અધિકારીઓ, ગોર મહારાજાઓ, દલાલો વગેરે લૂંટે છે. પણ, કોઈ ડૉક્ટર લૂંટે તો આપણને વિશેષ લાગી આવે છે. કારણ કે મામલો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પરંતુ, આપણે પાયાની એ વાત એ ભૂલી જઈએ છીએ કે,આપણી મોટાભાગની બીમારીઓનું સર્જન કોઈ ડૉક્ટર દ્વારા નથી થતું. એ સર્જન તો મોટાભાગે આપણું પોતાનું મૌલિક સર્જન હોય છે! એક સર્જક તરીકે આપણને કોઈ બંધનો નડતાં નથી અને ગમતાં પણ નથી. એટલે તો આપણે નકલી મિનરલ વોટરથી માંડીને તે નકલી ધી આરોગી જઈએ છીએ. આપને મોઢાના એવા મોળાં છીએ કે પાણીપૂરીના ખૂમચાવાળાને આપણે એવું નથી પૂછતા કે, ‘ભાઈ, તું પાણી કઈ ટાંકીમાંથી લાવ્યો? એમાં દળનું તત્વ કેટલું? એમાં TDS કેટલા?’ ત્યાં તો ‘આવવા દે.. આવવા દે.’ કરીએ છીએ! હવે, પરિણામે જે આવી જાય છે એને કાઢનાર ડૉક્ટર તરફ આપણે શંકાની નજરે કઈ રીતે જોઈ શકીએ? પાણીપૂરી તરફ શંકાની નજરે નહી જોવાનું, ભુસાભજિયાં તરફ શંકાની નજરે નહિ જોવાનું અને  દવાને શંકાની નજરે જોવાની? યે કૈસે હોગા યાર?

વળી, ડૉક્ટરને પણ ઓછી બબાલ નથી હોતી! પૈસા અને ભેજું ખર્ચ્યાં પછી ડૉક્ટર થવાતું હોય છે. એ રીતે ડૉક્ટર થયા પછી કદર ન થાય તો અપસેટ થઈ જવાય. એટલે જ, ઘણા ડૉક્ટર્સ આમિરખાનના, ડૉક્ટર્સને લગતા એપિસોડથી અપસેટ થઈ ગયા છે. પરંતુ, આમિરખાને તમામ ડૉક્ટર્સને બેઈમાન નથી કહ્યા. માટે સહુ ડૉક્ટર્સ ભાઈઓએ મન મોટું રાખવું જોઈએ. અપસેટ ન થવું જોઈએ. એમનું કામ જવાબદારીવાળું છે. એમણે કાંઈ બોલીને છૂટી નથી જવાનું. અપસેટ થવાથી કદાચ લોચો વાગી જાય તો…

ડૉક્ટર પણ લાગણીશીલ હોય છે. કેટલાય ડૉક્ટર્સ કવિતાઓ અને ગઝલો લખે છે! આપણને એમ થાય કે, કવિ જ થવું હતું તો ડૉક્ટર શું કામ થયા? પરંતુ, એમનાથી નહિ રહેવાતું હોય ત્યારેને? એમની નજરે પણ   દિલ એ માત્ર એક અવયવ નહિ હોય, એક એવુ મલ્ટિપ્લેક્સ સ્થાન હશે કે જ્યાં મોરલા ટહુકા કરી શકે, હેતની હેલી વરસી શકે અને ભયંકર જ્વાળામુખી પણ ભભૂકી શકે!  

તો આપણે ઈચ્છીએ કે, તમામ ડૉક્ટર્સના દિલમાં મોરલા ટહુકા કરતા રહે અને હેતની હેલીઓ વરસતી રહે. પણ, એમના દિલમાં ક્યારેય જ્વાળામુખી ન ભભૂકે.

યાર! આપણા સ્વાર્થની વાત છે!

  

‘સત્યમેવ જયતે’ NO બેન્ડ બાજા બારાત!

 

આમિરખાનનું કહેવું છે કે, ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમનો હેતુ માત્ર તમાશો કરવાનો નથી; પરંતુ એવી વાતો રજૂ કરવાનો છે કે જે વાતો લોકોના દિલને સ્પર્શી જાય. એ વાતો લોકોના દિલને સ્પર્શે પણ છે. અને સ્પર્શ્યા પછી ઉખડી પણ જાય છે! જેવી જેના દિલની સપાટી! ગુંદર ગમે તેટલો સારો હોય પણ જે તે સપાટી પર પણ આધાર રહેને?

દહેજના બિહામણા રૂપથી આપણે પરિચિત તો હતા જ. આમિરખાને વધારે પાકો પરિચય કરાવ્યો.  દહેજરૂપી મોટા રાક્ષસનો પરિચય તો કરાવ્યો પણ સાથેસાથે કેટલાક પેટા-રાક્ષસોનો પણ પરિચય કરાવ્યો. એ પેટા-રાક્ષસોમાનો એક રાક્ષસ તે ‘ધામધૂમથી લગ્ન.’

આમિરખાને બહુ જ અસરકારક રીતે એ સમજાવ્યું કે, લગ્ન ખર્ચાળ હોય એ વાત ધ્યાનમાં રાખવાને બદલે લગ્ન ટકાઉ હોય એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આ તબક્કે વિરોધનું બ્યૂગલ વાગવાની શક્યતા છે કે, ‘જેના પોતાનાંના જ લગ્ન ટકાઉ નહોતાં એ બીજાને ટકાઉ લગ્નની સલાહ કેવી રીતે આપી શકે?’ પરંતુ, આપણે અનેક વખત સાંભળ્યું છે કે, ‘ગુરુ કહે તેમ કરાય, કરે તેમ નહિ.’ જેને પણ આમિરખાનની વાતમાં દમ લાગતો હોય એણે આમિરખાનનાં ‘ડબલમેરેજ’વાળી વાતને ધક્કો મારવો જ રહ્યો.

જેને ત્યાં લગ્નપ્રસંગ હોય એ; બેન્ડ,બાજા અને બારાતના જોરે કમર હલાવી હલાવીને નાચી તો લે પણ બીજે દિવસેથી એ જ કમર તૂટવાની અસર જણાવા લાગે! ‘હલાવી કમર લાખની… બીજે દહાડે રાખની!’ જેનામાં ત્રેવડ હોય એ ભલેને જલસા કરે અને કરાવે. પણ, દેખાદેખીમાં ‘દેવું કરીને પણ ધામધૂમ કરવી’ એ સૂત્રમાં માનનારને માટે આમિરખાનની સલાહ ખોટી તો નથી જ. વળી, એક એવા ગામની વાત પણ કરવામાં આવી કે જે ગામમાં વર્ષોથી બેન્ડ,બાજા અને બારાત વગર લગ્નપ્રસંગો  ઉકેલાય છે!

વિચાર કરો કે, આમિરખાનની વાત ખરેખર લોકોનાં દિલને જડબેસલાક ચોંટી જાય, લોકો સાદાં લગ્ન તરફ વળી જાય અને સમગ્ર દેશમાં ‘નો બેન્ડ,નો બાજા, નો બારાત’ એ સૂત્ર સફળ થાય તો સમગ્ર દેશમાં કેવાં કેવાં દૃશ્યો જોવા મળે? આવો આપણે એવાં કેટલાંક સંભવિત દૃશ્યો પર નજર કરીએ…

[૧] મોટા પાર્ટીપ્લોટ:  મોટા પાર્ટીપ્લોટના માલિકો ઘરાકની રાહમાં ઝોકાં ખાય છે. રડ્યોખડ્યો એક ઘરાક આવે છે જે કહે છે કે: ભાઈ, આપણે ‘સત્યમેવ જયતે’ ટાઈપના લગ્ન કરવાં છે. જરાય ધામધૂમ નથી કરવાની. તમારો પાર્ટીપ્લોટ તો બહુ મોટો છે. અમારે એટલી બધી જગ્યાની જરૂર નથી. આપણે તો એક નાનકડો અને સાદો મંડપ નાખવાનો છે. અને, પચાસેક માણસો જમે એટલી જ જગ્યા જોઈશે. બોલો શું ચાર્જ છે? અને એમાં કોઈ સ્કિમ હોય તો બોલો.

[૨] કેટરિંગ: કેટરિંગના ધંધામાં મોટા ધંધાવાળાની વાત લાગી ગઈ છે. પરંતુ, નાના ધંધાવાળા ખૂશ છે. એ લોકોની ‘આમિર-પ્લેટ’ની બોલબાલા છે. ‘આમિર-પ્લેટ’ માં માત્ર છસાત વાનગીઓ હોય અને એ પણ સસ્તી અને સાદી! નો ફાસ્ટ ફૂડ! નો આઇસક્રીમ! નો સરબત! બીજું કશું જ નહિ. જેણે એવું બધું ખાવુંપીવું હોય એ બહાર જઈને રોકડેથી લઈ શકે.  

[૩] ફરાસખાનું: મોટા ફરાસખાનાવાળાં છ મહિનામાં બાર મહિનાનું કમાઈ લેતા’તા એ દિવસો ભૂતકાળની વાત થઈ ગઈ છે! ‘નાનો મંડપ..ચાલે મારા ભાઈ’ એ વિચારસરણી સહુને માફક આવી ગઈ છે. ફરાસખાનાવાળા વધારાનો માલસામાન હરાજીથી વેચી રહ્યા છે.  

[૪] ડેકોરેશન:  ડેકોરેશન કેવું ને વાત કેવી? ઘરમાં પડી હોય એ ચાઈનાની સીરિઈઝથી લોકોનું કામ ચાલી જાય છે. તોરણો માટે આસોપાલવનાં પાનને બદલે શેરીના લીમડાનાં પાનનો ઉપયોગ થાય છે. આવાં તોરણો ‘આયુર્વેદિક તોરણો’ તરીકે ઓળખાય છે!  

[૫] લગ્નગીતો: લગન્ગીતો ગાનારાંને હવે કોઈ જ બોલાવતું નથી. એને બદલે સ્વરચિત ગીત-ગઝલ ગાનારા કવિઓ સસ્તામાં મળી રહે છે.

[૬] બેન્ડવાજાં : લગ્નમાં બેન્ડવાજાં અને ડીજેની હાજરી કશે જ જણાતી નથી.  બેન્ડવાજાંને ધૂળ ચડી ગઈ છે. કેટલાંકમા તો ઊંદરડીઓ બચ્ચાં મૂકે છે! બેન્ડવાજાં અને ડીજેની સેવા આપનારાઓ આમિરખાન વિરોધી મોરચા કાઢી રહ્યા છે અને આમીરખાનના ઘર સામે ઊભા રહીને ‘રાજા હિન્દુસ્તાની’નાં ગીતો વગાડી રહ્યા છે. તેમજ ‘નથિંગ ઇઝ વેલ’ નાં નારા પોકારી રહ્યા છે.

[૭] વરઘોડા: વરઘોડાનો રિવાજ હવે નથી. વરરાજા  અને જાનૈયાઓ રોજ ઓફિસ કે કામધંધે જતાં હોય એમ બાઈક કે સ્કુટર પર માંડવે પહોંચી જાય છે. નજીક હોય તો ચાલતાં પણ પહોંચી જાય છે! માંડવે પહોંચીને વરરાજા કન્યાના બાપને મિસ-કોલ કરે છે એટલે એ લોકો સ્વાગત માટે આવી જાય છે! વરઘોડાના કારણે ટ્રાફિક જામ થવાના બનાવો હવે બનતા નથી.  

[૮] કપડાં અને ઘરેણાં : લગ્ન પ્રસંગે નવાં કપડાં પહેરવા જરૂરી નથી.સોનાનાં ઘરેણાં પહેરાનાર જૂનવાણી ગણાય છે.  બગડેલાં કમ્પ્યુટર અને કીબોર્ડમાંથી બનાવેલાં સસ્તાં ઘરેણાની બોલબાલા છે.  બ્યુટીપાર્લરની જરૂર પડતી નથી. જેવું આવડે એવું જાતે જ તૈયાર થવાનો જમાનો આવી ગયો છે.      

[૮] ફટાકડા : લગ્નપ્રસંગે બોમ્બ તો શું કોઈ ચકલીટોટા પણ નથી ફોડતું. પરિણામે પ્રદૂષણની માત્રા ઓછી થઈ ગઈ છે.  ઓઝોન વાયુનું પાતળું થઈ ગયેલી પડ ફરીથી જાડું થયું હોવાની ચર્ચાઓ ટીવી-ચેનલ્સ પર થવા લાગી છે.

[૯] વિડિયો-ફોટોગ્રાફી: લગ્નપ્રસંગે વિડિયો કે ફોટોગ્રાફી માટે હવે લોકો પૈસા ખર્ચતા નથી. પરણનારનું ફેસબુક પર ખાતું હોય તો એના લગ્નનો વિડિયો  ઉતારવાની તેમજ ફોટા પાડવાની અને ફેસબુક પર તુરત જ મૂકી દેવાની સેવા ફેસબુક દ્વારા જ મફતમાં પૂરી પાડવામાં આવે છે!

મિત્રો, યાદી લાંબી થઈ શકે. જો ખરેખર સાદાઈથી લગ્નો થવા લાગે તો એની સારી અને નરસી, આડી અને   ઊભી અસરો વિષે તમે ધારણાઓ બાંધી શકો છો. એક તરફ પેટ્રોલ અને વીજળીની બચત થાય તો બીજી તરફ સરકારની તિજોરીમાં ઠલવાતા ટેક્ષ ઓછા થાય. એક તરફ માધ્યમ અને ગરીબ વર્ગોની બચતથી બેન્કો ઉભરાવા લાગે તો બીજી તરફ વરઘોડામાં માથે બત્તી લઈને ચાલનારી મહિલાઓથી માંડીને વાસણો ધોનારી મહિલાઓની બેકારીનો પ્રશ્ન ઊભો થાય. એનાં પર પાછું રાજકારણ ખેલાય! ટીવી-ચેનલ્સવાળા નેતાઓને પૂછવા લાગે કે: ‘લગ્ન ધામધૂમથી કે સાદાઈથી? તમારું સ્ટેન્ડ જણાવો.’  લોકપાલ બિલ વિષે પણ ગોળ ગોળ વાત કરનારા નેતાઓ કેવા જવાબો આપે એની કલ્પના તમે કરો. બધું અમારે જ કરવાનું?

આવજો… 

‘સત્યમેવ જયતે’ … કુંવારા કરે કકળાટ!

આમિરખાનના ટીવી શો સત્યમેવ જયતે રજૂ થતાંની સાથે જ સત્યની સાથે સાથે આમિરખાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. આ શો ચાલશે, ચાલશે અને ચાલ્યા જ કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે, ‘શોસમસ્યા પર આધારિત છે અને સમસ્યાઓનો આપણે ત્યાં પાર નથી. અરે! ટીવી પર તો સાસુ-વહુની કાલ્પનિક સમસ્યાઓ  પરની સિરિઅલ્સ જો વર્ષો સુધી ચાલતી હોય તો આ તો નરી વાસ્તવિક સમસ્યાઓ પરનો શોછે.

બેટી બચાવોનો સંદેશો આપતો પહેલો જ એપિસોડ રજૂ થયાં પછી ઘણા લોકોનું માનવું છે કે આવો શોવહેલાં રજૂ  થવા જેવો હતો. ખાસ કરીને જે લોકો કન્યાના અભાવે કુંવારાપણું ભોગવી રહ્યા છે એ લોકો. આમિરખાને કુંવારાઓની ટોળી બતાવીને એમની સમસ્યા પર સમાજનું ધ્યાન દોર્યું એ સારી વાત છે. પરંતુ, એ લોકોની સમસ્યા માટે પોતે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજું કશું  કરવા માટે અસમર્થ હોવાનું કહી દીધું! એ વાત કુંવારાઓને જરૂર ખટકી હશે.

શોજોયા પછી કુવારાઓને તો થતું હશે કે:-

-જો આવો શોવીસપચીસ વર્ષો પહેલાં રજૂ થયો હોત તો કદાચ કન્યાઓનો અભાવ અમને આટલો બધો નડત નહિ! પરંતુ, ટીવી પર તો સાસુ,વહુ, નણંદો, દેરાણીઓ, જેઠાણીઓ વગેરેથી હર્યાંભર્યાં પરિવારો બતાવીને અમારા જીવ બાળવા સિવાય આ ટીવી ઉદ્યોગે કશું જ કર્યું નહિ.

-હવે બેટી બચાવોઝુંબેશના કારણે તો જે ફાયદો થશે એ ફાયદો તો પચીસત્રીસ વર્ષો પછીના કુંવારાઓને થશે. અમારી તો જે વાટ લાગવાની હતી એ તો લાગી ગઈને? કારણ કે આજે જે બેટી બચશે એ લગ્નલાયક થશે ત્યારે તો અમે કબરલાયકથઈ ગયા હોઈશું.

-લગ્નબજારમાં છોકરાઓની માંગના પ્રમાણમાં કન્યાઓનો પૂરવઠો ઓછો છે એ વાત બરાબર છે. પરંતુ, આમિરખાને એ વાત પણ સમજવી જોઈએ કે- એ માર્યાદિત પુરવઠામાં અમારે લાયક કન્યાઓ છે જે બહુ ભાવ ખાય છે! એ કન્યાઓ બત્રીસલક્ષણાની રાહમાં છે. વેલ સેટેડનું રટણ છોડતી નથી અને પોતે પણ સેટ થતી નથી. એમને સમજાવવી જોઈએ કે- જોબનિયું આજે આવ્યું ને કાલ  જાશે… જો આમિરખાન સ્ટેજ પર આ ગીત ગવડાવીને કુંવારીકાઓને સમજાવે તો જરૂર અસર થાય. કારણ કે એનું કામ પરફેક્ટ છે. એણે માત્ર કુંવારાઓની ટોળી બતાવી. કુંવારીઓની નહિ. યાર,આ તો એકતરફી વાત થઈ.

- ફિલ્મીદુનિયાના ઘણા લોકો એકથી વધારે વખત પરણવાનું સુખ પામ્યા છે. આમીરખાન પોતે પણ એ બાબતમાં નસીબદાર છે. અમને એક વખત પણ પરણવાના ફાંફા છે તો આમિરખાને અમને કશુક શીખવવું જોઈએ.

- આ શોરજૂ થયા પછી ઠેર ઠેર બેટી બચાવવા માટે જાગૃતિ આવવા લાગી છે. પણ, અમારુ કુંવારાપણું નાશ પામે એ માટે કશી જ કાર્યવાહી  થતી નથી.

- અમે આશા રાખીએ છીએ કે આ બાબતમાં પણ આમીરખાન કશું કરે. જરૂર પડે તો બીજો શોશરૂ કરે. જેનું નામ હોય… અભી શાદી કરતે…

જાગું તો મારી પથારી લાજે …

જશુભાઈની આંખો ખુલી ગઈ.  એમને સવાર થઈ ગઈ હોવાનું ભાન થયું.  

પથારીમાં પડ્યા પડ્યા જ એમણે જીતુને બૂમ પાડી.  ”જીતુ.. ઊભો થા ઊભો.  સવાર પડી ગઈ.” 

કોઈ જવાબ ન મળતાં એમણે ફરી બૂમ પાડી: “અલ્યા, ઊભો થાને.  કહું છે એ સંભળાતું નથી? આ સૂરજ ક્યાં પોગવા આવ્યો? ને તું હજી ઘારોટે છે?” 

કોઈ જ પ્રકારનાં પ્રત્યાઘાત ન મળતાં જશુભાઈનો અવાજ મોટો થઈ ગયો. ” અલ્યા મૂરખ, આ દુનિયા આખી જાગી ગાઈને તું હજી ઊંઘે છે? ડફોળ, તું કયારે સુધારવાનો છે? આટલી આટલી બૂમો પાડવાનો મને શોખ થાય છે?” 

છતાંય કોઈ જ જવાબ ન મળતાં એમણે  ફરીથી બૂમ પાડી: ” અલ્યા કયારે જાગીશ? આ જોતો નથી? બહાર કેટલું અજવાળું અજવાળું છે? મૂરખ..” 

ને નયના બહેન આવી પહોંચ્યાં. “કેમ બૂમો પાડો છો?” એમણે ઉચ્ચ અવાજે પૂછ્યું. 

“જીતુને જગાડું છું. આ સવાર થઈ ગઈ છે.” 

“સવાર તો ક્યારની થઈ ગઈ છે. તમને હવે ખબર પડી? ને રહી વાત જીતુની. તો સાંભળી લો કે- જીતુ ક્યારનો જાગી ગયો છે ને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે મેદાનમાં પહોંચી ગયો છે.  ને તમે પોતે હવે જાગો તો મને કામની સૂઝ પડે.” 

“હુ તો જાગી જ ગયો છુને?’ 

“આ પથારીમાં પડ્યા પડ્યા બૂમો પાડવાને  તમે જાગવું કહો છો? તમારી બૂમો સાંભળીને આજુબાજુના લોકો દોડીને આવ્યા’તા. એમને લાગ્યું કે -તમને કશી તકલીફ થઈ.” 

“શું વાત કરે છે? પછી તેં શું કહ્યું?” 

“મારે તો બાંધી મુઠ્ઠી લાખની રાખવી પડેને? કહી દીધું કે- એ તો ક્રાંતિકારી કાવ્યોનું પઠન કરે છે. પણ, મારો તમને  સવાલ એ છે કે:આવું હોય જાગવાનું?” 

ને પછી તો નયના બહેને સુરતી મરચાં જેવા જે જે  સવાલો કર્યાં એના જવાબો આપવાને બદલે જશુભાઈને પથારીમાંથી ઊભા થઈને બ્રશ મોઢામાં નાખવું જ ઠીક લાગ્યું. 

****************** 

મિત્રો, આ જાગવું કેટલું છેતરામણું છે!  ક્યારેક ક્યારેક આપણને એમ  થાય છે કે -આપણે જ જાગી ગયાં ને બીજાં ઊંઘે છે! ને આપણને એમ પણ થાય કે- આ અજવાળું અજવાળું માત્રને માત્ર આપણને જ દેખાય છે! 

સાલું, આ આપણું જાગવું એ જશુભાઈના જાગવા જેવું તો નહિ હોયને? 

આજનું લંગર:

'I'm sorry to wake you, Mr. Jennings, but it's time for your sleeping pills.' by LeRoux, Lash

http://www.cartoonstock.com/cartoonview.asp?start=&search=main&catref=llen10&MA_Artist=LeRoux%2C+Lash&MA_Category=&ANDkeyword=&ORkeyword=&TITLEkeyword=&NEGATIVEkeyword=

ગોદડાંખેંચ

મિત્રો,

આજના વખતમાં લગ્નપ્રસંગ ઉકેલવાનું કામ મોંઘુ પડતું હશે પરંતુ પહેલાંના પ્રમાણમાં સરળ જરૂર થઈ ગયું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે: “પહેલાંના લગ્નપ્રસંગોમાં આવતી હતી એવી મજા હવેના પ્રસંગોમાં આવતી નથી. ત્યારે સગવડો ઓછી હતી, સાધનો ઓછાં હતાં,વાનગીઓ પણ ઓછી હતી. પણ તોય મજા આવતી હતી.”

આવું કહેનારાં અમુક અંશે સાચાં હોય તો પણ જો તેઓ સાચા દિલથી એ વખતની હાડમારીઓ યાદ કરે તો જરૂર કબૂલ કરે કે: ” જેને ત્યાં પ્રસંગ હોય એની એવી તો કસોટી થઈ જતી હતી કે પોતાને તો પ્રસંગનો આનંદ માણવાને બદલે સતત ચિંતામાં રહેવું પડતું હતું.”

તે વખતમાં પૈસા ખર્ચવા છતાં સગવડો પ્રાપ્ત થતી નહોતી. આમતેમથી બધું ભેગું કરવું પડતું હતું. બીજાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. જેને ત્યાં પ્રસંગ હોય એણે વાતવાતમાં જેનેતેને નમવું પડતું હતું. દીકરીના બાપની દશા તો ઘણી વખત કફોડી થઈ જતી હતી. જાનૈયાઓને  સાચવવા એ ગબ્બરસિંગના માણસોને સાચવવા જેવી કપરી આફત હતી!

આજે તો દીકરીના માબાપ સવારે લગ્નસ્થળે જાય અને દીકરીને વળાવ્યા પછી રાત્રે ઘેર આવીને રોજિંદી ટીવી સિરિઅલ આરામથી જોઈ શકે એવો સતયુગ આવ્યો છે! દીકરીને પરણાવનાર માબાપે લગ્નસ્થળે દીકરી સિવાય માત્ર પૈસા જ લઈ જવા પડે છે!

એક જૂનો શિયાળો યાદ આવે છે. મારા એક મિત્રની બહેનના લગ્ન હતા.  એ લગ્નપ્રસંગમાં અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા છતાય ખૂબ  મજા આવી હતી.

જાનને આખો દિવસ સાચવી. રાત્રે ફેરા ફરવાનો મુખ્ય કાર્યક્રમ પૂરો થયો. જાનની વિદાય બીજાં દિવસે હતી. સહુ જાનૈયાઓ કાજે અમે પથારીઓ તૈયાર રાખી હતી. પરંતુ કેટલાક જાનૈયાઓ અમારી તૈયારી પર પથારી ફેરવતા હોય તેમ એકએક ગોદડું ઓઢવાને બદલે બબ્બે ઠપકારીને પોઢી ગયા.

જાનૈયાઓના પ્રમાણમાં ગોદડાં ખૂટ્યાં. તાત્કાલિક વાડીનો સ્ટોર ખોલાવીને ગોદડાંનો પૂરવઠો હતો એટલો બહાર કઢાવ્યો તોય માંગ ઓછી થઈ નહિ!

હવે એક જ રસ્તો હતો. જેણેજેણે બબ્બે ગોદડાં ધારણ કર્યાં હોય તેમને વિનતી કરીને એક એક ગોદડું પાછું લઈને એ ગોદડાં ગોદડાંવિહોણાં હોય તેમને વહેંચવાં.

પરંતુ અમારો એ ઉપાય બહુ કારગત ન નીવડ્યો. અમારી વિનંતીભર્યા શબ્દો બબ્બે ગોદડાં વીંધીને એ લોકોના કાન સુધી પહોંચી ન શક્યા. દ્વિગોદડાંધારી લોકો જાણે પોતે ભર નિદ્રામાં હોય તેમ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહ્યા.

જબાબદાર વડીલ તરફથી અમને આદેશ થયો કે:જ્યાં જ્યાં બે ગોદડાં હોય ત્યાંથી એક ગોદડું ધીરેથી, કોઈની નિદ્રામાં ખલેલ ન પડે તે રીતે સરકાવી લો. અને જરૂરિયાત હોય તેને પૂરાં પાડો.

અમે એમના આદેશનું પૂરી વફાદારીથી પાલન કર્યું. દબાતે પગલે અમે શયનખંડમાં ફરવા લાગ્યા. જ્યાં જ્યાં બે ગોદડાં હતાં ત્યાત્યાથી એક એક ગોદડું સરકાવવાની કામગીરી શરૂ કરી. આ ઉપાય ખૂબ જ કારગત નીવડ્યો. ચારેક ફેરા મરવાના પરિણામે પરિસ્થિતિ ઘણી હળવી થઈ ગઈ.

હવે વધારે ફેરા મારવા જેવું રહ્યું નહોતું! છતાંય છેલ્લી વખત નસીબ અજમાવવાની લાલચે અમે છેલ્લો ફેરો મારવા નીકળ્યા.

હજી તો અમે એકપણ ગોદડું ખેંચ્યું નહોતું ત્યાતો  એક છોકરાનો અવાજ આવ્યો: “કાકા, ચેતજો. આવ્યા છે.”

વાત એમ બનેલી કે અમારી કડક કામગીરીના સાક્ષી જેવા કાકોભાત્રીજો એમ બે જણા જાગતા હતા. એ લોકો વધારાનું ગોદડું ગુમાવવા માંગતા નહોતા. એટલે, અમારા આગમનની જાણ થતાં જ ભત્રીજાએ એનાં કાકાને જાણ કરી કે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

જાણે અમે કોઈ બહારવટિયા હોઇએ એમ અમારાથી ચેતવાની તૈયારી ચાલી રહી હતી.

છોકરાના શબ્દો સાંભળીને અમને એવું તો હસવું આવ્યું કે માંડમાંડ હસવું રાખીને ત્યાંથી ભાગ્યા.

શયનખંડની બહાર નીકળીને મન મૂકીને હસ્યા.

જ્યારેજ્યારે શિયાળો આવે છે અને એની તાકાત બતાવે છે ત્યારેત્યારે મને એ શબ્દો યાદ આવી જાય છે:”કાકા, ચેતજો. આવ્યા છે.”

મિત્રો, સામાજિક પ્રસંગોમાં હિસ્સેદાર બનવું હોય તો ક્યારેક ક્યારેક આવા ગોદડાં ખેંચવાના ધંધા પણ કરવા પડે!

તમે પણ, આવા નહિ તો બીજા પ્રકારના ધંધા કર્યાં જ હશે!

આજનું લંગર :

લંગર પ્રાપ્તિસ્થાન: http://www.cartoonstock.com/directory/h/hogging_the_blanket.asp

માર ખાધો પણ ફોજદાર તો જોયો!

માર  ખાધો પણ ફોજદાર તો જોયો!

મિત્રો, આ કહેવતમાં રહેલું તત્ત્વજ્ઞાન, કાઠીયાવાડી ભાયડાઓની ખૂબીલીટીથી પરિચિત એવા વાંચનયાત્રા ના સંચાલક   અશોકભાઈ મોઢવાડીયા જેવા મિત્રો તુરંત પામી જશે.

વિચાર કરો કે, આ કહેવત કેવી રીતે પ્રચલિત થઇ હશે.  જે જમાનામાં કાઠીયાવાડના ગામડાઓ માં ફોજદારની ગણત્રી દર્શન કરવા યોગ્ય મહાનુભાવ તરીકે થતી હતી તે વખતે કોઈ નસીબદારને આવી તક પ્રાપ્ત થઇ હશે! ને આવી તક સાવ કારણ વગર તો પ્રાપ્ત થાય નહિ! કોઈ ગુનામાં નામ આવ્યું હોય તો જ આવી તક મળે. પછી ભલે શકમંદ તરીકે જ નામ આવ્યું હોય.

અમારા ખાંભા તાલુકાના ફોજદાર ઝાલાસાહેબ હતા. તેમનાં આખા નામની અમને ક્યારેય ખબર પડી નથી. કદાચ તાલુકાની પ્રજામાંથી કોઈને પડી નહોતી.  ઝાલાસાહેબ એટલે ઝાલાસાહેબ. અરે! એ ગયા ને બીજાં ફોજદાર આવ્યા તો લોકો એમ કહેતાં કે હવે નવા ઝાલાસાહેબ આવ્યા.છે. કોલગેટ જેવું! કોલગેટ જેમ એ જમાનામાં ટુથપેસ્ટનો પર્યાય શબ્દ હતો તેમ ઝાલાસાહેબ એ ફોજદારનો પર્યાય શબ્દ હતો!

ઝાલાસાહેબનું વાહન  સાંઢિયો હતું. જેના લીધે તેમને ગામડાંના કાચા રસ્તાઓ પર ફરવાની સરળતા રહેતી. તેમનાં પરાક્રમોની અવનવી વાતો મુગ્ધતાથી સાંભળવાની અમને મજા આવતી.એવું કહેવાતું હતું કે:ઝાલાસાહેબ રાતના સાંઢિયા પર સવાર થઈને ચોરોને પકડવા માટે ખેતરોમાં અને વગડામાં  ફરતા હોય છે.

ઝાલાસાહેબનો વટ એવો હતો કે તેઓ એ દૂરથી આવતા દેખાય તો ગામના ચોકમાં બેઠેલા ભલભલા દરબારો પણ ઊભા થઈ થઈને આડા અવળા થઈ જતા. કોઈને ઘોડાને પાણી પાવાનું યાદ આવી જતું તો કોઈને ઘાસલેટ લાવવાનું યાદ આવી જતું!  

 આવા ફોજદારને નજીકથી જોવાનો લહાવો મળે એ જેવીતેવી વાત નહોતી. એટલે જ કોઈ માર ખાનારે મન મોટું રાખીને કહ્યું હશે કે:ભલે માર ખાધો પણ મે ફોજદાર તો જોયોને? ને એ રીતે કહેવત પડી હશે કે:માર ખાધો પણ ફોજદાર તો જોયો.

અમને પોતાને પણ આ કહેવત ખૂબ જ ગમે છે.  ફોજદારનો માર ખાવો પડે એવા ધંધા તો અમે નથી કરતા. પરંતુ કોઈ પણ કારણસર અમને ત્રાસ થયો હોય કે નુકસાન થયું હોય તો અમે પણ ખુમારીથી કહી દઈએ છીએ કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

જેમ કે, થોડા દિવસો પહેલાં તબિયતને અને એથી વિશેષ ડોક્ટરને વશ થઈને અમારે ICUમાં દાખલ થવું પડેલું. એક રાત અને એક આખો દિવસ અમે તેમાં રહ્યા. કોઈ માણસની ચાલચલગત પર શંકા જાય અને ફોજદાર સાહેબ તેને લોકઅપમાં પૂરી દે તેમ ડોક્ટર સાહેબે અમારા હ્રદયની ચાલચલગત બાબત શંકા કરીને અમને ICUમાં પૂરી દીધા હતા.  સંજોગો જ એવા ઊભાં થયાં હતાં કે અમે ના ન કહી શક્યા.

[તસવીર:http://www.acphospitalist.org/weekly/archives/2009/09/16/index.html]

જો કે અમારા હ્રદયે તેની ચાલચલગત બરાબર હોવાના તમામ પ્રમાણપત્રો પૂરાં પાડ્યાં. જેનાથી સંતોષ થવાથી ડોકટર સાહેબે અમને ICUમાંથી બાઅદબ રિહા કર્યા. સ્પેશ્યલ રૂમમાં એકાદ દિવસ રહીને અમે અમારે ઘર સાભાર પરત થયા. અલબત્ત, ઠરાવેલ મુદ્દત પ્રમાણે અમે ડોક્ટર સાહેબ સમક્ષ હાજરી પુરાવવા જઈએ છીએ.

અમને અને અમારા પરિવારને બેત્રણ  દિવસો માટે તકલીફ પડી. પરંતુ તલવારનો  ઘા સોયથી  વળ્યાનો આનંદ પણ થયો.

હવે સ્વાભાવિક જ છે કે, જે ICU રીટર્ન હોય તેને ત્યાં ખબર કાઢનારાઓનો પ્રવાહ શરૂ થઈ જ જાય. અમે અમારી આદત મુજબ બહુ પ્રચાર નહિ કર્યો હોવા છતાં એવા પ્રવાહનો અમને માર્યાદિત પ્રમાણમાં લાભ પણ મળ્યો. અમને થયું કે :ચાલો. આપણી પણ ખબર લેનારાઓ છે! ડોકટર સાહેબે અમને બેચાર સલાહો આપી હતી પરંતુ ખબર કાઢનારાંઓએ અમને એનાથી પણ વધારે સલાહો આપી.

પરંતુ ICUમાં  જવાનું થયું એ બદલ અમારી દયા ખાનારાઓને અમારો એક જ જવાબ હતો કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

મિત્રો,  તમે પણ આ કહેવતને જીવનમાં ઉતારશો એવી અમારી ભલામણ છે.  જ્યારે પણ અવસર પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય આ કહેવતનો ઉચ્ચાર કરજો કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

તમને અવશ્ય રાહત થશે એની અમે ખાત્રી આપીએ છીએ. 

આવજો અને જલસા કરજો.