[આગોતરા જામીન: અમે આ અહેવાલ વાસંતી વાયરાની અસર હેઠળ રંગીન મનોદશામાં તૈયાર કરેલો છે! કોઈ મિત્રને ખોટું લાગે તો અમારી પાસે એક જ જવાબહશે કે: બૂરા મત માનો ભાઈ, હોલી હૈ.]
બ્લોગજગતમાં અનેરી ચહલપહલ શરૂ થઈ ગઈ. વાત એમ હતી કે વિવિધ બ્લોગલેખકોના આગ્રહથી વૈદરાજ શ્રી બ્લોગાચાર્ય પધારવાના હતા અને તેઓ બ્લોગની નાડી તપાસી ને યોગ્ય ઔષધ વિના મૂલ્યે આપવાના હતા. આ અનેરી તકનો લાભ લેવા કેટલાય બ્લોગલેખકો પોતપોતાના બ્લોગને આંગળીએ વળગાડીને લાઈનમાં ઊભા રહી ગયા હતા.
યશવંત ઠક્કર પણ પોતાના બ્લોગ અસરિયા કહેતા અસર ને લઈને સહુથી પહેલા ઊભા રહી ગયા હતા. એમને એમનો બ્લોગ ગાંઠતો નહોતો! વારેવારે આંગળી છોડાવીને ભાગી જતો હતો.એ ઘડીમાં ઘડીમાં શાહરૂખખાનની વાત કરતો હતો તો તો બીજી જ ઘડીએ વિચિત્ર કહેવાય એવાં ભજન ગાતો હતો! બધાં હસતાં હતાં એમ એમ એ વધારે ને વધારે ચગતો જતો હતો. યશવંત ઠક્કરને ઘણું નીચાજોયું થતું હતું પણ શું કરી શકે? એક બે વખત ઠપકો આપ્યો તો એ ભાગી જવાની વાત કરવા લાગ્યો!.
… ને બ્લોગાચાર્ય આરોગ્યખંડમાં પધાર્યા. યશવંત ઠક્કર પોતાના અસરને ઢસરડીને અંદર લઈ ગયા. એમણે ફરિયાદ શરૂ કરી દીધી: “વૈદરાજ,આનો કશો ઇલાજ કરો. મનમાં આવે તે બોલ બોલ કરે છે. ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે. ભાતભાતના ગાંડા કાઢે છે. બધાંને હસવાનું થાય છે ને આ ભાઈ ચગતા જાય છે.”
“એમાં વાંધો શો છે? ” વૈદરાજ બોલ્યા.” બીજાને હસાવે છે ને રડાવતો નથીને? “
“પણ એની હદ હોવી જોઈએને? બધું રીતે સારું લાગેને?”
” એ તો ભાઈ , જેવો તમારો ઉછેર!. “
વૈદરાજે અસરિયાની નાડી પર હાથ મૂક્યો. માથા પર હાથ દબાવ્યો.તો અસરે પણ વૈદરાજની નાડી પર પોતાનો હાથ મૂક્યો અને વૈદરાજનું માથું દબાવ્યું. યશવંત ઠક્કરે એની સામે આંખો કાઢી પણ અસર પર એની કોઈ અસર થઈ નહીં.
” થોડોક કલ્પના પ્રકોપ થયો છે. આખું માથું કલ્પનાઓથી ફાટ ફાટ થાય છે. પણ ચિંતા જેવું નથી. ” વૈદરાજ બોલ્યા.
“પણ મારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે. એના લીધે કોઈની ફરિયાદ આવે તો મને તો મરવા જેવું થાય!. “
“એવું કાંઈ ન થાય.ભલા માણસ,આ જમાનામાં તો બધા બ્લોગ એવા જ હોય. આ કલ્પનાશામક ચૂર્ણ આપું છું. કલાકે કલાકે એને ઠંડા જળ સાથે પીવડાવતા રહેજો. ધીરે ધીરે સુધારો જણાશે. “
“પણ આવું થવાનું કારણ? “
” પ્રકૃતિ. બીજું કશું નહીં. એમાં તાત્કાલિક ફેર પાડવાના ધમપછાડા કરવાના નહીં.”
યશવંત ઠક્કર પોતાના બ્લોગને લઈને બહાર નીકળ્યા અને વારો આવ્યો રાઉલજીનો.
ધગધગતા “કુરુક્ષેત્ર” ને લઈને રાઉઅલજી વૈદરાજ ની સામે બેઠા. બોલ્યા:”વૈદરાજ, આ મારા બ્લોગ નું શરીર ચોવીસે કલાક અને બારે મહિના ગરમ રહે છે. તમે હાથ લગાડો તો ખ્યાલ આવશે. ”
વૈદરાજે કુરુક્ષેત્રને તપાસ્યો ને કહ્યું કે: “આક્રોશજન્ય બીમારીમાં આવું થાય. બ્લોગ હંમેશા ફાટ ફાટ થતો હોય, એની આંખોમાં હંમેશા લાલાશ રહેતી હોય અને વાણીમાં પણ ગરમાવો હોય! ”
” એનું કારણ ? ”
“અસમતોલ આહાર. તમે એને આક્રોશી પદાર્થો વધારે ખવડાવ્યા છે. એનો પ્રકોપ થયો છે. એનું શમન કરવું પડે. આ લલિત ઘનવટીની ડબ્બી આપું છું. એમાંથી રોજ સવાર .બપોર અને સાંજ બબ્બે ગોળીઓ આપજો. આજુબાજુમાપણ કોઈ કવિ કે શાયર રહેતા હોય તો એની પાસે રોજ એકાદ કલાક બેસાડજો. જેને લીધે એનામાં લલિત ભાવ જાગશે. થોડા દિવસો સુધી ઐતિહાસિક વાતાવરણથી દૂર રાખશો એટલે જરૂર ફેરપડશે. ”
“પણ પછી ઊલમાંથી ચૂલમાં પડવા જેવું નહીં થાયને? એ ગીતડાં ગાતો નહીં થઈ જાયને? મને એ નહીં પોસાય. જો એવું જ થવાનું હોય તો આ લઈ લો તમારી દવા પાછી.”
“બાપુ, તમે આકરા ન થાવ. એવું કશું જ નહીં થાય. એની ગરમ પ્રકૃતિ તો જળવાઈ જ રહેશે. આ તો જરા કોઠો ઠંડો કરવાની વાત છે. ”
” તો ઠીક” કહીને રાઉલજી કુરુક્ષેત્રને લઈને બહાર નીકળ્યા.
… ને વિનયભાઈ પોતાના બ્લોગ funngyan.com [ફનગ્યાનને] લઈને અંદર ગયા.
ફનગ્યાનના હાથમાં રમકડાની ગન હતી અને તે વારેવારે એનાથી નિશાન તાકતો હતો! અંદર જઈને તે દવાખાનામાં ખાંખાખોળા કરવા લાગ્યો.વૈદરાજના ટેબલ પર એક ચબરખી પડી હતી જેમાં એક શાયરી લખેલી હતી.
” આ શાયરી કોણે લખી છે? ” ફનગ્યાને પૂછ્યું.
“મેં હમણા જ લખી છે. કેવી લાગી? ”
“જૂઠું ન બોલો. આ શાયરી મેં વર્ષો પહેલાં વાંચેલી છે. તમે કેવી રીતે લખી હોય?”
“અરે દોસ્ત, હું ભૂલી ગયો.આ શાયરી તો મેં મારા મોબાઈલના મેસેજબોક્ષમાંથી જોઈને લખી છે. એ ક્યા શાયરે લખી છે એની મને નથી ખબર. ”
“ખબર ન હોય તો એની નીચે “અજ્ઞાત” લખો. જે સારું લાગે તે તમારા નામે ચડાવી દેવાની ટેવ સારી નથી “
વૈદરાજે આનાકાની કરી પણ ફનગ્યાને પીછો છોડ્યો નહીં એટલે છેવટે એમણે પેલી શાયરીની નીચે “અજ્ઞાત’ લખ્યું .
“ વિનયભાઈ, આ તે તમારો બ્લોગ છે કે જાસૂસ? ”
“શું કરું?આનો કશો ઇલાજ કરો. એને નકલખોરી સિવાય બીજું કશું ધ્યાનમાં જ નથી આવતું! ઘણાં બ્લોગલેખકોની આંખે ચડી ગયો છે!”
” પણ એમાં ખોટું શું છે? આપણા સમાજમાં પોલિસખાતાની જરૂર કેમ છે? એટલા માટે છે કે સમાજમાં ચોરી કે ઉઠાતંરીના કિસ્સા અવારનવાર બને છે. બ્લોગજગતમાં પણ જાણ્યે અજાણ્યે અન્યની રચનાઓ પોતાના નામે મૂકનારા બ્લોગધારીઓનો તોટો નથી. શહેરમાં પોતાની ગાયોને છૂટી મૂકનારા માલધારીઓ જેવા જ આ બ્લોગધારીઓ છે. એ લોકોમાં તમારા આ બ્લોગ દ્વારા પર થોડોઘણી સમજ આવતી હોય તો એ સારું જ છે ને? ”
“પણ આ બીજાંની આંખે ચડવાના ધંધા ક્યાં સુધી? “
“જૂઓ ભાઈ, દરેક બ્લોગજન એવું જ વિચારે કે હું ચૂપ જ રહું , અળખામણો ન થાઉં કે જેમ ચાલતું હોય તેમ ચાલવા દઉં તો પછીઆ સુંદર મજાના બ્લોગજગતની દશા કેવી થાય? એમાં ને ચોરબજારમાં કશો ફેર રહે ખરો? ”
” પણ તોય કશી દવા આપો. એ ગીત કે ગઝલ બોલતો થાય એવું કરો. ”
વૈદરાજ ખડખડાટ હસ્યા. ” હવે આની તાસીર ન બદલાય! પણ એક કામ કરો. એને ખાંખાખોળા તો કરવા જ દો.એમ કરીને નવા નવા ઉત્સાહી બ્લોગલેખકોને પ્રકાશમાં લાવવા દો. એમને મદદરૂપ થવા દો. જૂના, જાણીતા અને કહેવાતા વિદ્વાન લેખકોનું એંઠું ચાટનારાં અને ચટાવનારાં તો આ બ્લોગજગતમાં બહુ છે. હરાયા ઢોરની જેમ એની એ જ રચનાઓ બ્લોગજગતમાં શીંગડાં ઉછાળતી ઘૂમી રહી છે. એની પૂજા કરનારા ભલે કરતાં.પણ તમારો ફનગ્યાન જો નવા બ્લોગરની રચાનાઓને નકલખોરીથી બચાવશે અને એને પોતાની ઓળખાણ મળે એવું કરશે તો બ્લોગજગત માટે સારું કામ કર્યું કહેવાશે. ફનગ્યાન , નવા બ્લોગલેખકોને બ્લોગરચનામં કોઈ તકલીફો પડતી હોય તો એને સહાય કરશે તો જરૂર એ હકારાત્મક પ્રવૃત્તિ કહેવાશે. બ્લોગજગતમાં તાજગીને અને નવીનતાની જરૂર છે. બાકી ,તમારો આ ફનગ્યાન ગીત કે ગઝલ બોલતો થાય એવી કોઈ દવા નથી. અને એ એવું કરે એ જરૂરી હોવાનું હું માનતો પણ નથી. માટે એને ખુશીથી ખાંખાખોળા કરવા દો. એને નવરો ન પડાવા દેતા. ”
વિનયભાઈ અને વૈદરાજની મુલાકાત લાંબી ચાલત પણ બહાર લાઈનમાં ઊભેલા બ્લોગલેખકો અધીરા થયા હોવાથી, વૈદરાજ પાસેથી ફરી મળવાના વચન સાથે વિનયભાઈ પોતાના ફનગ્યાનને લઈને બહાર નીકળ્યા અને હેમંત
વૈદરાજને નમસ્કાર કરીને હેમંતભાઈએ “હેમક્કાવ્યો”ને ટેબલ પર સૂવડાવી દીધો અને ચિંતા વ્યક્ત કરી. ” વૈદરાજ, આ મારો બ્લોગ ઊંઘ્યા જ કરે છે. ઊઠવાનું નામ નથી લેતો. “
” કયારથી આવું થયું છે?”
” બે મહિના થવા આવ્યા. જૂઓને, એની નોંધ “કવિતા’ અને “દિવ્યભાસ્કરે” લીધી ત્યારપછી જ આવો થઈ ગયો છે. મોટાભાગે સૂનમૂન જ પડ્યો રહે છે. એ વધારે પડતી ખુશીને લીધે એવો થઈ ગયો હશે? “
“બની શકે.” વૈદરાજે ‘હેમકાવ્યો” ને તપાસ્યો અને આગળ બોલ્યા:” આનો કોઠો તો ઘણો જ તેજ છે. ભલભલી વાહ વાહ કે ટીકાને પચાવી શકે એવો છે.”
” તો પછી શું થયું હશે? એને હજી ઘણી જ મંઝિલ કાપવાની છે. આમ અત્યારથી જ આળસુ થઈને પડ્યો રહે એ બરાબર તો નથીને? “
“ચિંતાનું કોઈ કારણ નથી. હેમંતભાઈ,તમારો બ્લોગ પહેલીથી જ ઓછું બોલનારો,પણ જ્યારે બોલે ત્યારે ભલભલાનું ધ્યાન ખેંચાય એવું બોલનારો છે. એમાંય થોડાક મોટા માણસોનું ધ્યાન ખેંચ્યા પછી એ હવે પોતાની જવાબદારી વધી ગઈ હોવા નું માનવા લાગ્યો હોય એવું બની શકે છે. એના લીધે એ નિષ્ક્રિય થઈ ગયો હોય એવું લાગે છે. એને થોડોક સક્રિય કરવો પડે! “
“કોઈ દવા?”
“આ ‘ સક્રિયતા લેપ’ આપું છું. એના કપાળે રોજ રાતે લગાડજો. સવારે ઊઠશે ત્યારે એક નવી ગઝલ લઈને ઊઠશે.
“રોજ એક ગઝલ? મારો બ્લોગ રોજ ઊઠીને ગઝલ રજૂ કરે એ મને ન પોસાય! એની ગુણવતાને અસર ન થવી જોઈએ. ”
“નહીં થાય. જે રચનાઓ એના મનમાં એકઠી થઈ ગઈ છે એ બધી પ્રગટ થઈ જશે ત્યારપછી બધું જ રાબેતા મુજબ થઈ જશે.”
વૈદરાજનો આભાર માનીને હેમંતભાઈ બહાર નીકળ્યા એટલે વારો આવ્યો પંચમ શુક્લનો. પોતાના બ્લોગ પ્રત્યાયન ને લઈને તેઓ વૈદરાજની સામે બેઠા.
“તમારા બ્લોગનું કપાળ તો ઝઝગારા મારે છે. ભારે તેજસ્વી બ્લોગ છે.” વૈદરાજ બોલ્યા.
એટલામામાં પ્રત્યાયનનું ધ્યાન એક લાકડી તરફ ગયું.એ મોટે મોટેથી બોલવા લાગ્યો:”બડીકો!બડીકો!” લાકડીનીબાજુમાં એક પથ્થર હતો.એ જોઈને પ્રત્યાયન ખુશ થઈને બોલવા લાગ્યો કે: “પાણકો!પાણકો!”
“જોયું વૈદરાજ, એ ગીત અને ગઝલમાં એવા એવા જૂના શબ્દો બોલે છે કે લોકોને શબ્દકોષનો સહારો લેવો પડે છે.”
“ભલા માણસ. તમારે તો રાજી થવું જોઈએ. આપણી ભાષાના ભુલાયેલા શબ્દોને વીણી વીણીને રજૂ કરે છે. એ પણ સાહિત્યમાં!”
“પણ એનો અતિરેક તો સારો નહીંને? મને અતિરેક થવાની બીક લાગે છે? ”
વૈદરાજે પ્રત્યાયનની નાડી પર હાથ મૂક્યો. “ધબકારા એકદમ લયબદ્ધ છે. શંકાને કોઈ સ્થાન નથી. “ તેઓ બોલ્યા.
“કોઈ સારવારની જરૂર? ”
“મને તો જરૂર લાગતી નથી.એની ક્યારેય કોઈ ફરિયાદ આવી છે? ”
“ફરિયાદ તો નથી આવી. પણ કદાચ આવે તો?”
” આવે ત્યારની વાત ત્યારે. અત્યારે તો મને દવા આપવા જેવું લાગતું નથી. ”
“દવા નહીં. ઔષધ કહેવાય. “ પ્રત્યાયન બોલ્યો.
“જોયું એનું ડહાપણ! ” પંચમજી બોલ્યા.
” અમારા જેવાના કાન પકડે એવો છે. પંચમજી. આની સારવાર ન હોય! ‘ વૈદરાજ હસતા હસતાબોલ્યા.
… અને પંચમજી હસતા હસતા બહાર નીકળ્યા.
મિત્રો, અમે આટલો અહેવાલ આપીને અટકી એ છીએ. અમરે બ્લોગલેખન કરવાનું હોવાથી અમે વધારે વખત બ્લોગલેખનના દવાખાને રોકાયા નહોતા. પણ અમે એટલું જરૂર કહીશું કે સહુ બ્લોગલેખકોએ પોતાના બ્લોગની તબિયત મફતમાં બતાવવાનો આ મોકો જતો કરવા જેવો નથી!!
આવજો અને જલસા કરજો.
Like this:
Like Loading...