Google+ પર વરુભાઈના Circleમાં બકરીબહેન!

બ્લોગજગતમા એક બકરીબહેન રહેતાં હતાં. તેઓ બકરી સ્પીકિંગ નામે એક બ્લોગ ચલાવતા હતાં. એક દિવસ બ્લોગના પ્રતિભાવના ખાનામાં એક વરુભાઈ આવી ચડ્યા. વરુભાઈએ પ્રતિભાવમાં લખ્યું કે: એય બકરી, તું તારા બ્લોગમાં કેમ  બહુ ટેટે કરે છે? બ્લોગજગતમાં રહેવું છે કે નહી?

બકરીબહેને પૂરી નમ્રતાથી જવાબ આપ્યો કે: વરુભાઈ, આપની કશી ગેરસમજ થતી લાગે છે.  હું મારા બ્લોગમાં ટેટે નથી કરતી. બલ્કે બેં..બેં  કરું છું.

વરુભાઈ: હવે રહેવા દે. રહેવા દે. મને ખબર છે કે તું બેંબેં કરવાના બહાને મારી બેઇજ્જતી કરે છે.

બકરીબહેન: મેં તો ક્યારેય મારા બ્લોગ પર તમારું નામ પણ નથી લીધું. તમારા એક વડવાએ પાણી પીવાના ઝઘડામાં મારા એક વડવાનો ભોગ લઈ લીધો ત્યારથી અમારો સમગ્ર બકરીસમાજ તમારું નામ લેવાનું પણ ટાળે છે. મારા બ્લોગ પર પણ હું તમારું નામ ન લેવાય તેની પૂરતી કાળજી રાખું છું.

વરુભાઈ: એટલે કે તું મને ટાળવા માંગે છે? એક મામૂલી બકરી થઈને મારા અસ્તિત્વને નકારે છે?

બકરીબહેન: ના વરુભાઈ ના. તમે કૃપા કરીને એવું તારણ ન કાઢશો. આ તો આપણી વચ્ચે ગેરસમજ ન  થાય અને ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે જ હું સાવચેતી રાખું છું.

વરુભાઈ: તારો બકવાસ બંધ કર. મને ખબર છે કે, તું તારા બ્લોગમાં મારી વગોવણી કરે છે.

બકરીબહેન: હું તો વગડામાં ફરનારી. મને કુદરતનું સૌંદર્ય ખૂબ જ સ્પર્શી જાય છે. એટલે હું તો મારા બ્લોગ પર માત્રને માત્ર ઊર્મિગીતો જ મુકું છું. જેમાં તમારું નામ લેવાનો પ્રશ્ન જ નથી હોતો. મેં ક્યારેય મારા બ્લોગ પર તમારું નામ નથી લીધું. મારી વાત પર વિશ્વાસ કરો.તમે મને જો સાબિતી આપશો તો હું મારો બ્લોગ વિના વિલંબે બંધ કરી દઈશ.

વરુભાઈ:  તે બ્લોગ પર મારું નામ નહી લીધું હોય તો ઓરકૂટ પર લીધું હશે!

બકરીબહેન: ઓરકૂટ પર તો મેં મારું ખાતું પણ નથી ખોલાવ્યું! હું ખાતું ખોલાવવાનો વિચાર કરતી હતી ત્યાં તો મને જાણ થઈ કે, ઓરકુટનાં પાણી ઓસરવા લાગ્યાં છે. એટલે માંડી વાળ્યું.

વરુભાઈ; ચાલ  ઓરકુટને માર ગોળી! તે ટ્વિટર પર મારું નામ લીધું હશે!

બકરીબહેન: ટ્વિટરની ટેકરી તો હું ક્યારેય ચડી નથી. એ મને હમેશા ખૂબ ઊંચી લાગી છે!

વરુભાઈ: તો ફેસબૂક પર તો મારું નામ ચોક્કસ  લીધું હશે!

બકરીબહેન: નાં રે નાં! ફેસબૂક પર તો ખાલી ટાઈમ પાસ કરવા ખાતું ખોલાવ્યું છે. બીજાના વિવાદો વાંચીને નિર્મળ આનંદ પ્રાપ્ત થાય તે માટે! મેં તો ક્યારેય એના પર એકાદ શાયરી પણ નથી મૂકી.

વરુભાઈ: તે મારું નામ લીધું જ છે.  હા, યાદ આવ્યું. તે Google+ પર તો મારું નામ લીધું જ  છે.

બકરીબહેન: એ વળી નવું સાંભળ્યું.

વરુભાઈ: તો શું તું હજી Google+ ની સભ્ય નથી થઈ?

બકરીબહેન:  નામ જ આજે સાંભળ્યુંને! શું તમે એમાં સભ્ય છો?

વરુભાઈ: હા. છું. અને તું પણ થઈ જા. હું તને મારા સર્કલમાં રાખીશ.

બકરીબહેન: તમારા સર્કલમાં ? ના ભાઈ ના! તમારા સર્કલમાં તમે મને જીવતી રહેવા દો ખરા?

વરુભાઈ: અરે એક વખત મારા સર્કલમાં આવા તો ખરી! તારો બ્લોગ ઊંચકાઈ ન જાય તો મને કહેજે.

બકરીબહેન: પણ મને તો ખબર જ નથી કે એના સભ્ય કેમ બનાય?

વરુભાઈ: હું છું ને? ચાલ અત્યારેજ તને બધું શીખવાડી દઉં.

… પછી તો વરુભાઈએ બકરીબહેનને તાત્કાલિક Google+ના સભ્ય બનાવ્યાં. પોતાનાં સર્કલમાં રાખ્યા. બકરીબહેને પણ વરુભાઈને પોતાના સર્કલમાં રાખ્યા. આ રીતે વરુભાઈ તરફથી બકરીબહેનને સલામતી મળી તો બકરીબહેન તરફથી વિશાળ બકરીસમાજ  તેમ જ ઘેટાંસમાજનો લાભ વરુભાઈને મળ્યો.

અંતે સહુ સારાં વાનાં થયાં.

****************************************************************

મિત્રો, વધેલી ટાઢી રોટલીમાં છાશ અને મરચું અને લસણ ઉમેરીને જેમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય તેમ  જૂની વાર્તામાંથી નવી વાર્તા બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે. અમારો આ પ્રયાસ તમને ગમ્યો હશે.

પરંતુ તમારે આવી અનેક વાર્તાઓ વાંચવી હોય તો બ્લોગમિત્ર સાક્ષર ઠક્કરના બ્લોગ હું સાક્ષરની મુલાકાત લેવી જ રહી.

વળી વરુભાઈના જ નહી પણ માણસ સહીત અન્ય પ્રાણીઓના બદલાતા  માનસિક વલણમાં કેવા પ્રકારના દિમાગી રસાયણો ભાગ ભજવે છે તેને લગતી અભ્યાસપૂર્ણ  વાતો જાણવી હોય તો અન્ય એક બ્લોગમિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોગ “કુરુક્ષેત્ર” ની નિયમિત મુલાકાત લેવી જ રહી.

અને જો તમને વરુભાઈ અને બકરીબહેનના બદલાયેલાં વલણ પાછળ મેનેજમેન્ટ અને માર્કેટિંગ ફંડા કામ કરી ગયાં હોય, એવું જણાતું હોય તો : આવા અનેક ફંડાની વાતી બ્લોગમિત્ર મુર્તજા પટેલના બ્લોગ  ઇન્ટરનેટ પર વેપાર માં  વાંચવા  મળશે.

બાકી અમે તો આ અસરના ઓટલે બેઠાં જ છીએ…

ચતુર હોય તે જવાબ આપે

[મંદિરના બાંકડાઓ પર વડીલ પરિવારના સભ્યો  વચ્ચેની વાતચીત  ચલી રહી છે... ] 

ભગુભઈ – ચ્યમ રાવજીભાઈ આજે મોડા પડ્યા?

રાવજીભઈ- ઓ ભઈ! જવાદોને વાત! એક પોસ્ટ લખીને પબ્લિશ કરવા જતોતોને એની માને પૈણે સાલી લાઈટ ગૈ! અર્ધો કલાકે આઈ રઈ! એમાં મોડું થઈ જ્યું. 

ભગુભઈ- પોસ્ટ નહોતી કરવી!

રાવજીભઈ- મારો નિયમ છે  કે એક વખત પોસ્ટ લખાઈ ગૈ એટલે એને રાખી નૈ મૂકવાની. એને  હેડતી કરવાની  એટલે  પ્રતિભાવો  આવતા થાયને?

ભગુભઈ-  કેટલા દસ પંદર આયા હશે?

રાવજીભઈ-ઓ ભઈ! દસપંદરની ક્યાં મેથી મારો છો ? રેઢા પડ્યા છે? બધા આપણી જેમ નવરા નોય! હા બે  પ્રતિભાવ આવી જ્યા!

સોમભઈ – એમાં એક તો પેલા  રાધારમણનો હશે?

રાવજીભઈ- હોવે! તમને ચ્યમ ખબર ?

સોમભઈ- ચ્યમ ના હોય!  મને પણ એ ભઈ પ્રતિભાવ આલે છે હો .

રાવજીભઈ- એ રાધારમણ તો જબરા  છે લ્યા! તમે પોસ્ટ મૂકો ન મૂકો ત્યાં તો એનો પ્રતિભાવ આવીને ઊભો જ હોય!

ભગુભઈ- ઝડપી પ્રતિભાવ સેવા!  

રાવજીભઈ-  વાંચ્યા વગર જ પ્રતિભાવ આલે પછી ઝડપી જ હોયને! તમે લખો  કશું ને એ લખે કશું! સાંધાનોય મેળ નૈ!

સોમભઈ – ઓ ભઈ! એવું બધું નૈ જોવાનું !  પ્રતિભાવ આલે છે એ જ ઘણું!  ધરમની ગાયના દાંત નૈ જોવાના! શું કો  છો ભગુભઈ?

ભગુભઈ- આપણે તો પોસ્ટ મૂકીને  છૂટ્ટા! જેને વાંચવું હોય તે વાંચે ને પ્રતિભાવ આલવો હોય તે આલે! આપણે પાછું વળીને એ પોસ્ટ પર જોવાનું જ નૈ!  રોજ નવી ગીલ્લી ને નવો દાવ! મારા બ્લોગ પર જોજો.. એકદમ શાંતિ! ટાંકણી પડે તોય સંભળાય.

સોમભઈ- સંભળાયજને! તમારા બ્લોગ પર તમારી સિવાય કોઈ હોય જ નૈ તો! આ રાવજીભઈના બ્લોગે તો ભાતભાતની ખોપરીઓ સામસામી ભટકાય!

રાવજીભઈ- હોવે! મને તો ખેંચાખેંચી વગર મજા જ નૈ આવે!

સોમભઈ – હવે એમાં એવું થાય છે કે રાવજીભઈની દાઝ ઘણા મારા બ્લોગ પર કાઢે છે! મારા લખાણ  માટે રાવજીભઈએ પ્રતિભાવ આલ્યો હોય તો એની સામે મોરચો મારા બ્લોગ પર મંડાય!  એમાં મેં શું લખ્યું ને કેવું લખ્યું એની વાત તો બાજુ પર રૈ જાય ને સામસામે પથ્થરમારો થતો હોય એમ પ્રતિભાવો ના ઘા થાય! સાલું આપણે દિમાગનું દઈં કરીને પોસ્ટ  મૂકી હોય પણ પ્રતિભાવોમાં  બીજી જ વાતોની મેથી મરાતી હોય!

ભગુભઈ-  બ્લોગમાં પોસ્ટ  મૂકવા ખાતર  દિમાગનું દઈં કરાય જ નૈ .  

સોમભઈ- તો શું કરાય? 

ભગુભઈ- …… …… 

[હે ચતુર વાચકમિત્રો ભગુભઈએ સોમભઈના સવાલમાં માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો કે બ્લોગમાં પોસ્ટ મૂકવા માટે શું કરાય! એ બે શબ્દો ક્યા હશે તે બાબત આપ સહુ જણાવશો તો અમારા આ લેખની શોભામાં અભિવૃદ્ધિ  થશે. ]

એક સફળ પ્રયોગ- વાંદરાનું બ્લોગલેખન!

Monkey ;).

Image via Wikipedia

મિત્રો,  આજનો યુગ સંશોધનનો યુગ છે. અવનવાં  સંશોધનો થયાં કરે છે! નવાં નવાં તારણો આવ્યાં કરે છે! તે માટે વારંવાર જાતજાતના પ્રયોગો થયા કરે છે! ક્યારેક સસલાને ચોકલેટ ખવડાવાય છે ને સાબિત કરાય છે કે ચોકલેટ ખાધાં પછી સસલાની દોડવાની શક્તિમાં વધારો થયો! ક્યારેક  ગલૂડિયાંને મહિનાઓ  સુધી  હિમેશ રેશમિયાનાં ગીતો સંભળાવાય છે ને પછી તારણ કઢાય છે કે:  આના પરિણામે ગલૂડિયાં વહેલાં ભસતાં થયાં! આ પ્રવૃત્તિ પાછળ મોટાં મોટાં ભેજાં કામ કરતાં હોય છે.

આવાં કેટલાક ભેજાઓએ એક વાંદરા દ્વારા  બ્લોગલેખન થઈ શકે કે નહીં તે માટેનો પ્રયોગ શરૂ  કર્યો.  બહુ જ  ઝડપથી  તેમને સારું પરિણામ મળ્યું. તેમને લાગ્યું કે- હવે જાહેરમાં વાંદરા દ્વારા બ્લોગલેખન થાય તો આખું વિશ્વ આપણા પ્રયોગનું સુંદર પરિણામ જોઈ શકે.   તેમણે તારીખ  અને સમય જાહેર કર્યાં.

મીડિયાને જોઈતો મસાલો મળી ગયો! ચર્ચાઓ ચાલુ થઈ ગઈ! ચેનલ્સ પરથી આકર્ષક  શીર્ષકો સાથે કાર્યક્રમો રજૂ થવા લાગ્યા. જેવા કે:

– એક પૂર્વજનું બ્લોગલેખન!

– એક બંદર બ્લોગજગત કે અંદર.

- બંદર કરેગા બ્લોગલેખન.

-લેખકો કી નહીં ચલેગી દાદાગીરી.

- બંદર કરેગા અપને મન કી બાત.

ચેનલ્સ પરથી મેસેજ માટે   દર્શકોને આમંત્રણો અપાયાં. જેમ કે :

– તમને શું લાગે છે? વાંદરો બ્લોગ લખશે? હા  કે ના?..અમને SMS કરો.

— વાંદરો પહેલી પોસ્ટ શાની કરશે?  ગઝલ?  ગીત ? વાર્તા?  પોતાની રોજનીશી ? .. અમને SMS  કરો.

—- તમને શું લાગે છે? માનવ-લેખકો ભૂતકાળની  વાત બની જશે?  હા કે ના? … અમને SMS કરો.

ટીવીના પરદા પરથી એનિમેશન દ્વારા વાંદરાના બ્લોગલેખનની તસવીરોનો ઢગલો થવા લાગ્યો!

પતંગિયાં  જેવી છોકરીઓ  બંદરના મહોરાં પહેરીને  મીઠું મીઠું બકબકવા લાગી!

જો વાંદરા બ્લોગલેખન કરી શકે તો ભવિષ્યમાં  લેખક કે ચિંતક પણ બની શકે  એવી સંભાવનાઓ પ્રગટવા લાગી.  ટીવી સ્ટુડિઓમાં એના એ જ  ખખડી ગયેલા ચિંતકો અને લેખકોની સાથે વાર્તાલાપો થવા લાગ્યા.  તમાચો મારીને ગાલ રાતો રાખતા હોય તેમ તેઓ મને કમને આ નવી ક્રાંતિને આવકારવા લાગ્યા.

બહુ જ ટૂંકા સમયમાં વાંદરાઓ ઓરકુટ અને ફેસબૂક જેવી વેબસાઈટ પર પણ સક્રિય થઈ જશે એવી અપેક્ષાઓ રજૂ થવા લાગી!

ટૂંકમાં મેડિયાની તાકાતના  કારણે  બંદરોત્સવ જેવો માહોલ થઈ ચૂક્યો! દર્શકો પેટ્રોલનો કે અન્ય ચીજોનો ભવવધારો ભૂલી  ગયા! કૌભાંડો  ભૂલી  ગયા!

વિરોધપક્ષોને આ આખી ઘટના પાછળ સત્તાધારી પક્ષનો  હાથ દેખાવા લાગ્યો!

જેને બ્લોગલેખન બાબત કશી જાણકારી નહોતી તેમને પણ ખબર પડવા ગી કે —– બ્લોગ કેમ બનાવાય, કેમ લખાય,  કેવી ચર્ચાઓ થાય અનેર કેવી  જાણકારી વધે ને સૂંઠના ગાંગડે કેવીરીતે ગાંધી થઈ જવાય!

એક વાંદરો બ્લોગ લખે  તો આપણે તો માણસ જેવા માણસ! આપણે પણ કેમ બ્લોગ ન બનાવીએ?એવી પ્રેરણાથી દોરવાઈને માંડ્યા બધાં બ્લોગ બનાવવા! જેને સગવડ નહોતી તેઓ સગાંવહાલાંને ત્યાં પહોંચ્યાં!  સાયબર કેફેમાં ચહલપહલ વધી ગઈ!  સાયબરકેફેની બહાર ભાવવધારાનાં પાટિયાં ઝૂલવાં લાગ્યાં.

યથાશક્તિ બ્લોગદાનનો પ્રવાહ શરૂ થયો! બ્લોગ્સની અંખ્યામાં ભયંકર ઉછાળો આવ્યો.

… અને મિત્રો,  એ  ધન્ય ઘડી  આવી પહોંચી!

એક જાહેર કાર્યક્રમમાં ઇન્ટરનેટના જોડાણ સાથેનું  કમ્પ્યૂટર  મુકાઈ ગયું!

પત્રકારો  અને  તસવીરકારો  સાવધાન થઈ ગયા.  આખરે પોતપોતાની ચેનલના વટનો સવાલ હતો. આ કાર્યક્રમને દર્શકો સમક્ષ  એવી ક્રીતે રજૂ કરવાનો હતો કે દર્શક  ચેનલ બદલવાનું નામ ન લે.

વારતહેવારે હાજર થઈ જવાની કુશળતા ધરાવનારા રાજકીય,સામાજિક તેમ જ ધાર્મિક આગેવાનો આવી  પહોંચ્યા હતા.

ખાસ પસંદ કરાયેલા લોકોને  આ કાર્યક્રમના ભાગીદાર બનાવાયા હતા. જેમાંથી ઘણાંના હાથમાં સ્લોગન લખેલાં પાટિયાં હતા. તો ઘણાંના ચહેરા પર વાનરનાંમહોરાં હતાં.

દર્શકો ટીવી  સામેથી હટવાનું નામ નહોતા લેતા.

છેવટે એ ધન્ય ઘડી પણ આવી પહોંચી.

ને આવી પહોંચ્યા  વાનરશ્રી!

પ્રાણીપ્રેમી મંડળની બહેનોએ વાંદરાની આરતી ઉતારી. તેને  ચમચી ભરીને દહીં ખવડાવ્યું.  વાંદરાની ડોક હારતોરાથી ઢંકાઈ ગઈ.  આ કારણે અકળાયેલા વાંદરાએ હારતોરાને તોડીને પોતાની નારાજગી રજૂ કરી  જેની જાણ સહુ પ્રથમ પોતાના દર્શકો સુધી પહોંચાડી હોવાની શેખી દરેક ચેનલ મારવા લાગી!

વાંદરો કમ્પ્યૂટર તરફ આગળ વધ્યો.  હરખપદુડી જનતા પોકારો કરવા લાગી…

— બંદરજી તૂમ આગે બઢો.. હમ તૂમ્હારે સાથ હૈ.

— બંદર સે જો ટકરાયેગા … સીધા ઉપર જાયેગા.

– બંદરજી  કરેગા  બ્લોગલેખન… આજ દેખેગા ઇંન્સાન.

વાંદરો કમ્પ્યૂટરની સાવ  સામે  પહોંચ્યો.  વિશ્વભરના દર્શકોના દિલની ધડકનો વધી ગઈ! શું થશે?  વાંદર બ્લોગલેખન કરશે કે નહી? કરશે તો કેવું કરશે?

પોસ્ટનું શીર્ષક તો તૈયાર જ હતું.

પ્રથમ ચરણ

વાંદરાએ માત્ર પોસ્ટનું લખાણ લખવાનું હતુ.

.. ને વાંદરાએ આજુબાજુ નજર કરી.  તેને લખવાનો મૂડ આવે તે માટે  ફળોની ટોપલી પણ તૈયાર હતી.

વાંદરો  ફળો  ખાવા લાગ્યો અને ખાતાં ખાતાં  ફળો જનતા તરફ પણ ફેંકવા લાગ્યો.  કોઈ બાપુશ્રીએ ફેંકેલો પ્રસાદ ઝીલતી હોય તેમ હરખઘેલી જનતા પડાપડી કરવા લાગી. જેના કારણે ઘણાં લોકો ભોંયભેગાં થઈ ગયાં.

થોડીવાર માટે અફડાતફડીનો માહોલ થઈ ગયો.

આયોજકોના જીવ અધ્ધર થઈ ગયા.

ત્યાં તો વાંદરો ફરી કમ્પ્યૂટર  તરફ આગળ વધ્યો. હવે  તે  આત્મવિશ્વાસથી ભરપૂર હતો.

તેણે જનતા તરફ જોઈને  પોતાનો હાથ ઊંચો કર્યો.

જનતા ભાવવિભોર થઈ ગઈ!

આયોજકોના જીવમાં જીવ આવ્યો.

વાંદરો કમ્પ્યુટરની સાવ સામે પહોંચ્યો.

કેમેરા સાવધાન થઈ ગયા.

વાંદરાએ  એક નજર પોતાના બ્લોગ પર કરી.

પછી તેણે બીજી  કોઈ વેબસાઈટ ખોલી!

ક્લિક કરીને …

Ctrl + A   કર્યું.

પછી કર્યું… Ctrl + C

ને પછી આવ્યો પોતાના બ્લોગ પર પોસ્ટ કરવા.

પણ એ પોસ્ટ કરતાં પહેલાં તેણે દબંગ સ્ટાઈલથી ડાન્સ કર્યો.  વિશ્વભેરના યુવાનો આ દૃશ્યથી પ્રભાવિત થઈને ઝૂમી ઊઠયા.

ને વાંદરાએ કરી નાંખ્યું  Ctrl + V …

ને ફરીથી જનતા તરફ હાથ હલાવીને સમગ્ર પ્રયોગની સફળતાનો ડંકો વગાડતો હોય તેમ Publish પર  ક્લિક કરી દીધું!

ને દુનિયાભરમાં વાનરશ્રીનો જયજયકાર થઈ ગયો.

આયોજકો એકબીજાને હરખથી ભેટી પડ્યા.

આખરે તેમના થકી જ એક નવા યુગનું મંડાણ થઈ ચૂક્યું હતું.

ને છેલ્લી વાત!….

એ પોસ્ટના લખાણ વાંચવા મટે આયોજકોને પણ માથાકૂટ  કરવી પડી!

ચાઈનીઝ ભાષાના જાણકારોની મદદ લેવી પડી!

હવે માણો અમારું કૉપીપેસ્ટ… http://en.wikipedia.org/wiki/Infinite_monkey_theorem ના સૌજન્યથી તેમજ  બ્લોગમિત્ર પંચમભાઈના સૂચન થકી.

Given enough time, a hypothetical chimpanzeetyping at random would, as part of its output,almost surely produce all of Shakespeare’s plays. Note that a chimpanzee is not a monkey, but anape.
અને આ પણ …
સૌજન્ય - http://www.100monkeys.org/about/

મનમોહનસિંહના સપનામાં સોનિયાજી

દેશ આખાની જવાબદારી માથા પર હોવાથી, આમ તો મનમોહનસિંહજી મોડી રાત સુધી જાગે. પણ એક દિવસ થાક્યાપાક્યા વહેલા સૂઈ ગયા!!

સૂતાની સાથે જ ઊંઘ આવી ગઈ. ઊંઘમાં સપનું આવ્યું ને સપનામાં આવ્યાં સોનિયાજી!!

સોનિયાજી કશું બોલ્યાં પણ મનમોહનસિંહજીને સરખું સંભળાયું કે સમજાયું નહિ.

તેઓ મેડમ.. મેડમ … કરતા રહ્યા ને સપનું ઊડી ગયું! ને ઊડી ગઈ તેમની લાખેણી ઊંઘ!

પછી તો મનમોહનસિંહજીની દશા થઈ  છે કાંઈ !!!! મેડમ શું કહેવા માંગતાં હશે એ ચિંતામાં બાકીની રાત ઊંઘી જ ન શક્યા. મનમાં એક જ રટણ કે: ક્યારે દિવસ ઊગે ને ક્યારે મેડમને મળું? ને પૂછું કે: આપ ક્યા કેહના ચાહતી થી?

જેમતેમ સવાર પડી. ને મુલાકાતનો સમય મેળવીને તેઓ મેડમને ત્યાં હાજર થઈ  ગયા.

“બોલીયે મનમોહનજી. કૈસે આના પડા? ” સોનિયાજીએ પૂછ્યું.

“મેડમ, કાલ રાત આપ મુજે કુછ કેહના ચાહતી થી?”

“હા! હા! મનમોહનજી, મૈ યે કેહના ચાહતી થી કિ :સારે દેશ કી જિમ્મેદારી આપ પર હૈ ઔર આપ ઈતને  જલ્દી કૈસે સો જાતે હો? “

…… મનમોહનસિંહજીની પાસે એક જ જવાબ હતો:  સૉરી મેડમ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

તે હેં બાપુ આ અમરસિંહને અમિતાભ હારે બાટી ગ્યું?

બાપુની ડેલી છે ને બાપુ છે ને ભગો છે. ખોટ હતી માત્ર વાતના વિષયની!! .. ને ભગાએ એ ખોટ પૂરી કરી. બિલાડી ઊંદરને પકડી પાડે એમ એણે  એક વિષયને પકડી પાડ્યો!!

“તે હેં બાપુ, આ અમરસિંહને અમિતાભ હારે બાટી ગ્યું? સાપામાં આવ્યું સે.”    {બાટી જવું = બગડી જવું. જેવી રીતે કોઈ ચીજ બગડે એમ સંબધ પણ બગડેને?}

“સાપાની વાત સો ટકા હાસી ક્યારેય નો માનવી.”

“પણ બાપુ, વાતમાં કાંઈક તો દમ હશેને? સાપામાં તો લખ્યું સે કે અમરસિંહ દુ:ખીના દાળિયા થઈ ગ્યા સે ને કે સે કે બસ્સન હવે એનો ભાવ નથી પૂસતો. બાકી હોય એમ શાયરી પણ ઠપકારી સે”

ભગાએ છાપાનો એક ટુકડો કાઢ્યો ને બાપુને શાયરી વાંચી બતાવી..

તુમ્હે ગૈરો સે  કબ ફુરસદ , હમ અપને ગમ સે કબ ખાલી,

ચલો અબ હો ચુકા મિલના , ના તુમ ખાલી, ના હમ ખાલી.

“આમાં એવું સે ભગા કે કોઈ માણહ હારે તમારે ગમે તેટલા સારા સંબધ હોય પણ ઈ માણહ કાયમ માટે તો તમારા કહ્યામાં નો રેને? અમિતાભ જેટલું ખેંચાવાય એટલું ખેંચાયો હવે કેટલો લાંબો થાય? એક તો પહેલેથી જ લાંબો સે!”

“પણ બાપુ, અત્યાર હુધી તો બેય વસ્સે કેવો મનમેળ! બસ્સનને ન્યાં ગમે ઈ પ્રસંગ હોય અમરસિંહની પધરામણી તો  ગણપતિનીય પહેલા  થઈ જાતી!! ને હવે ના તુમ ખાલી ને  ના હમ ખાલી?”

“જો ભગા, બીજાની વાત જાવાદે. આપણા બેની જ વાત કર્ય. આપણે વરહોથી લેણાદેવી જળવાઈ રઈ સે.કેમ?”

“તમે જ કઈ દ્યોની બાપુ. આવી ઊંચા માઈલી વાતમાં હું સું કઉં?”

“ભગા.. સંબંધમાં મન મોટા રાખવા પડે! તારે ને મારે સંબંધ સે.પણ મેં તને કોઈ દી કીધું કે તું આપાભાઈની હારે સંબધ નો રાખતો. આપાભાઈ હારે  મારે મનમેળ પેલેથી જ ઓસો. પણ એમાં તારે સું? મારથી તને એમ કેમ કહેવાય કે ,તુંય આપાભાઈ હારે નો બોલતો.”

“હાસી વાત સે. મારે તો બાપુ બધાયને હાસવવા પડે! ક્યારે કોનો ખપ પડે ઈ થોડું કેવાય સે?”

“પણ મેં તને ક્યારેય દબાણ કર્યુંસ કે તું હું કઉં એમ જ કર્ય? હા. ટાઈમ મળે ત્યારે તું આવતો જા તો મને જરા સારું લાગે. બાકી એક માણહ તરીકે તારું સ્વતંત્ર અસ્તિત્વ ખરું કે નઈં?”

“ઈ તો સે જ ને બાપુ. મને  મારી રીતે વરતવાની સૂટ તો હોવી જ જોઈને?”

“ને હું તને બંધનમાં રાખું તો કેટલો વખત રાખી સકું? ક્યારેક તો એનો અંત આવેને ?તને જ મારાથી અબખો આવે કે નઈં?”

“પણ  આમાં તો એવું સે બાપુ કે પેલા અમરસિંહને મુલાયમસિંહ  હારે ઘર જેવો સંબંધ હતો. હવે નથી રહ્યો ત્યારે બસ્સન પણ મુલાયમસિંહ હારે એક  ઝાટકે બગાડી નાંખે ઈ વાત તો વધારે પડતી કેવાય.”

“ને બસ્સન  જ નઈં પણ એના ઘરવાળા ને એના દીકરાવહુ બધાંય પોતાના કહ્યા પ્રમાણે કરે ઈ વાત તો ઠીક નો જ કેવાય. ભલે કોઈ બાબતમાં મદદ કરી હસે પણ એનો અરથ એતો નઈને કે કાયમ માટે ઈ તમારો ગુલામ થઈને રે.”

“તો હવે બસ્સનનું સું થાહે?”

“બસ્સનને વળી સું થાય? એને તો આવું કોઠે પડી ગ્યું સે.  ઈ તો અગ્નિપથ અગ્નિપથ કરતો હાલ્યો જાહે. ઈ કોઈનો અટકાવ્યો  અટકવાનો સે?”

“ને હવે તો મોદી હારેય સારા સંબધ સે. પણ હેં બાપુ, આ મોદી હારે સંબંધ બાંધવામાં એને  અમરસિંહની જરૂર નો પડી! મને તો લાગેસ કે, અમરસિંહને ઈ વાત જ કઠતી હશે.”

“ભગા. આ સંબંધો તો જિંદગી જીવવાનાં બાનાં સે. સૌ સૌના મતલબથી સંબધ બાંધ ને તોડે!”

“પણ  બાપુ. આ અમરસિંહ હવે ઢીલો તો પડ્યો  સે નઈ તો આવી દાજિયા તેલ જેવી શાયરી નો ઠપકારે! ઈ તો કેવો ગુલાબી તબિયતનો  માણહ  હતો!”

“ભગા, એકસરખા દિવસો કોઈના જાતા નથી! આ જ ડેલીમાં એક જમાનામાં માણહો માતા નોતા. બાપુ… બાપુ.. થાતુંતું. અરે! ક્યાંક્યાંથી માણહો ડાયરામાં આવતાતા! મલક મલકની સિગરેટો  પીવડાવતાતા! ને આજ? આ બાપુને બીડીનાય ફાંફા?”

“બાપુ તમે એમ ગળગળા નો થાવ. મેં ક્યારેય તમને બીડી વગરના રેવા દીધા સે?”

“પણ આજનું સું? આ તલપ લાગીસ એનું કાંઈ થાહે?”

“નઈ કેમ થાય? આ ભગા પર તમને ભરોસો નથી? લો આ રહી બીડીની જૂડી!”

ભગાએ ખીસામાંથી બીડીની જૂડી કાઢી.

વાદળને જોઈને ખેડૂ હરખાય એમ બીડીની જૂડી જોઈને બાપુ હરખાયા.

“એલા ભગા. આજ આખી જૂડીનો મેળ ક્યાંથી પાડ્યો?”

“ઉપરવાળો સૌનું ધ્યાન રાખે સે ને બાપુ. ગામના ચોકમાં  આ બીડીની જાહેરાત કરવા એક ગાડી આવીસ. ટેસ્ટ કરવા હાટુ  મફતમાં મળી ગઈ!”

“તું જો નો હોત તો મારું સું થાત?”  બાપુ બોલ્યા.

… ને પછી બાપુએ અને ભગાએ બીડીઓ જગાવી…. ને પછી તો તગતગતી બીડીઓના અજવાળે ડાયરો જામ્યો છે કાંઈ!!!!!!!

એક અનોખું વ્યક્તિત્વ:નકલપ્રિયા

હે બ્લોગજનો, અમારા આ ઓટલે આપનું સ્વાગત છે. અમે આગળ વાત કરી હતી કે અમારી કેટલીક પ્રેરણામૂર્તિઓ છે કે જે અમને COPY PASTE બાબત લખવા માટે સતત પ્રેરણા આપતી રહે છે. એમાની કેટલીક પ્રેરણામૂર્તિઓ બાબત અમે અગાઉ વાત કરી છે. આજે અમે એવી જ એક પ્રેરણામૂર્તિનો વ્યક્તિગત પરિચય આપવાનો પ્રયાસ કરીશું.

એ પ્રેરણામૂર્તિનું નામ છે નકલપ્રિયા. કેવું સરસ નામ છે નહીં? એવું જ સરસ તેમનું કામ છે. ખૂબ જ વિશાળ  એમનું દિલ છે.મિત્રો,નકલપ્રિયાનો પરિચય અમને શ્રીચિત્તભ્રમજી મહારાજની શિબિરમાં થયો હતો.જ્યારે એમણે જાણ્યું કે અમે અમારી રચનાઓની COPY PASTE દ્વારા થતી ઉઠાંતરીથી પરેશાન છીએ ત્યારે એમણે મારી તરફ એ રીતે જોયું કે જાણે કોઈ વિશાળકાય પોસ્ટ નાનકડા ગતકડા પર નજર નાખતી હોય! ત્યારબાદ અમારી વચ્ચે થયેલો વાર્તાલાપ અત્રે રજૂ કરું છું.

નકલપ્રિયા ઉવાચ: “નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ જેવા અનેક લોકોની રચના  COPY PASTE થાય છે છતાંય  એ લોકો વાંધો નથી ઉઠાવતાં તો વાંધો ઉઠાવનારા તમે કોણ? બોલો, એ લોકોએ ક્યારેય ફરિયાદ કરી?”

નકલપ્રિયા એટલાં બધાં ઉત્તેજિત હતાં કે અમે કશી દલીલ જ ન કરી શક્યા. અમારે કહેવું પડ્યું કે “ના”

નહીંતો અમારે કહેવું હતું કે એ લોકો સંત હતા એટલે વાંધો ન ઉઠાવે. વળી એ લોકો હયાત પણ નથી એટલે વાંધો ઉઠાવવાનો સવાલ પણ  નથી. ને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આજે હયાત હોત તો આવી જ  રચનાઓ કરત કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

નલકપ્રિયા ઉવાચ: “આજે જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા માટે COPY PASTE દ્વારા મહાયજ્ઞ  ચાલી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓનું  COPY PASTE થઈ રહ્યું છે એ તમે નથી જાણતા? અરે ઘોડા ગધેડાઓનું પણ  COPY PASTE થઈ રહ્યું છે! એ લોકો પણ  COPY PASTE નો વાંધો નથી ઉઠાવતા તો વાંધો ઉઠાવનાર તમે કોણ?અત્યારે હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરવાને બદલે તમે પણ COPY PASTE કરો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.”

અમે નકલપ્રિયાનાં વ્યક્તિત્વ સામે એકદમ વેરવિખેર થઈ ગયા હતા છતાંય  હતી એટલી હિમત એકઠી  કરીને અમે બોલ્યા: : “ અમે COPY PASTEની સગવડતાનો  વિવેક્પૂર્ણ ઉપયોગ કરવામાં માનીએ છીએ. જે લોકો પોતાના બ્લોગમાં અમારી રચનાઓ વગર રજાએ COPY PASTE  કરીને મૂકે છે અને  જે તે બ્લોગની LINK નથી મૂકતા એ  બાબત ઠીક નથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ. પણ આટલી અમસ્તી વાતના જવાબમાં તમે પણ  અન્ય લોકોની  જેમ ભળતી દલીલો કરો છો તે ઠીક નથી. આમાં ઘોડાં ગધેડાં COPY PASTEનો વિરોધ નથી કરતાં એવી વાતો  વચમાં ન લાવો તો સારું.”

નકલપ્રિયા: “મિસ્ટર. તમે એક વાત સમજી લો. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો એક જ ઉપાય છે. અને એ છે COPY PASTE, COPY PASTE અને COPY PASTE. COPY PASTEનુ પણ COPY PASTE.  COPY PASTEના COPY PASTEનુ પણ COPY PASTE.એનું પણ COPY PASTE. બોલો હવે તમારે કશું કહેવુ છે?”

અમે ખૂબ જ નમ્રભાવે કહ્યું કે: “દેવી, અમે અમારા બ્લોગમાં અમારી જાતે તૈયાર કરેલી રચનાઓ જ મૂકીએ છીએ.”

અમારો જવાબ સાંભળીને લાલચોળ ચહેરે નકલપ્રિયાએ કહ્યું: “મૂર્ખાઈની  પણ હદ હોય છે. COPY PASTE નો સહેલો રસ્તો હોવા છતાં જાતે લખવાની જરૂર જ ક્યાં છે? તમે જાતે લખો એટલી વારમાં તો કેટલું બધું COPY PASTE થઈ જાય એનો હિસાબ માંડ્યો છે? આવું કરવા રહેશો તો ગુજરાતી ભાષા બચશે કેવી રીતે?”

અમે કહ્યું: “ COPY PASTE સમજી વિચારીને થવું જોઈએ.  મૂળ લખનારે બ્લોગમાં ખોટું લખ્યું હોય તો એનું COPY PASTE કરવાથી  અર્થનો અનર્થ થઈ જાવાનો ભય રહે છે. જેમ કે  ઘણા COPY PASTE માં જાગને જાદવાને બદલે જાગને જાડવા જ  થઈ ગયું  છે. એને સુધારવાની પણ  તસ્દી લેવામાં આવતી નથી!!”

“તો એમાં તમારું શું ગયું? બધુ એક જ છે. પંતુજીવેડા ન કરો. ભાવને સમજો. શબ્દોને મહત્વ ન આપો. બોલો સામે  સામે શું દેખાય છે?”

“ગલૂડિયું”

“હવે એને હલુરિયુ કહેવાથી કશો ફરક પડશે.”

“નહીં પડે.”

“બોલો હવે સામે શું દેખાય છે?”

“સામે એક મોતરગારી દેખાય છે અને તેમાંથી એક માનસ નીચે  મૂટલે  છે.” અમે કહ્યું.

“ શું બોલો છો?જરા વ્યવસ્થિત બોલો” નકલપ્રિયા ગુંચવાઈ ગયાં.

અમે કહ્યું: “ડેવી, ભાવને સમજો. શબ્ડોને મહટ્વ ન આપો તો સાલું.”

નકલપ્રિયા ખૂબ જ આનંદિત થઈ ગયાં કારણ કે ખ્યાલ આવી ગયો કે અમે એમની શિખામણને માન આપ્યું છે.

“તમારી સમજ શક્તિ સારી છે.”

“અમાલી સમજશક્ટિ જોલડાર છે.”

“હવે જવાબ આપો કે હું કોન છું?” નકલપ્રિયાએ વાત આગળ વધારી.

“તમે સુંડલ મજાના નાડી છો. પણ એ નાડીથી અલગ છો કે જે નાડીના ધબકાલા  વૈદ લોકો તપાસે છે અને ડવા આપે છે. તમે બહુ જ ઉડાર મટવાડી છો કે જેને માતે નલસિંહ મહેટા, સુલડાસ કે સામાન્ય  બ્લોગલ વચે  કોઈ જાટનો ટફાવત નઠી. તમે એવી નાડી છો કે જે ગુજલાટી ભાશાને બચાવવા માતે રાત ડિવસ જોયા વગલ  કૉપિપેસ્ત  કલે છે. ટમે એમ માનો છો કે: એકનું એક લખાણ વાલંવાલ લગાટાર કૉપીપેસ્ટ નહીં કલીએ ટો બિચાલી ગુજરાટી ભાશા ટરફડી ટરફડીને મરી જશે.  તમે એમ માનો છો કે આપલી ભાશાને જીવટી રાખવી હોય તો કોપિ પેસ્ત વગર આડો ઓવાદો નઠી. ટમે એમ માનો છો કે: પોતાના ડિમાગથી બેપાંચ લાઈનો લખવા કલટા કોઈના બ્લોગમાંથી ટોપલા ભરી લેવા એ સહેલો અને સરલ રસ્ટો છે. તમે એમ માનો છો કે રામ અને શ્યામ કે સીટા અને ગીટા એ બઢા જ અડલ બડલ થઈ જાય તો ડુનિયાની માથે કોઈ મોતું આભ તૂતી પલવાનું નઠી. તમે એવી નાડી છો કે જેમને ફાંકો છે કે આવા બ્લોગ બનાવ્યે રાખવાઠી ગુજલાટી ભાષા બચી જશે. .. …”

” ઓહ, મને માફ કરજો. મને એક કામ યાદ આવી ગયું છે. મેં COPY તો કર્યું છે પણ PASTE કરવાનું બાકી રહી ગયું છે. મારે જલ્દીથી જવું પડશે.”

એવું કહીને નકલપ્રિયા ચાલ્યાં ગયાં. પણ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ  અમારા પર છોડી ગયાં. જેની એક ઝલક આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કાશ, અમે એમનું COPY PASTE  કરી લીધું હોત!!!

મોદી તો એક જ હોયને?

બેફામ ઊડાઊડી કરતા શ્રી નરેન્દ્ર મોદીને કાબુમાં રાખવાના હેતુથી અતિ જાગૃત લોકોએ મોદી પોલખોલ મંડળની રચના કરી નાખી. ગામડે ગામડે કાર્યક્રમો ગોઠવ્યા. દરેક ગામમાં સૌથી વધારે ડાહ્યો માણસ હોય તે મોદીની પોલ ખોલે એવું નક્કી થયું.

.. ને શરૂઆત થઈ ટપુભાના ગામથી.  એ બોલવા ઊભા થયા. એમના હાથમાં તાજું જ છાપું  હતું.  એમણે શરૂ કર્યું……

ભાઈઓ અને બેનો… આ મોદી  લાગે છે એટલો સીધો માણસ નથી. એનો ભૂતકાળ સારો નથી. એનો વર્તમાનકાળ સારો નથી.   છાપામાં રોજ ઊઠીને એના પરાક્રોમો આવે છે જે આપ સહુ વાંચતા જ હશો. એણે કરોડો રૂપિયાના ગોટાળા કર્યા છે.  એણે ક્રિકેટની રમતને અભડાવી છે. એના લીધે શરાબને રેલમછેલ થઈ છે. એના લીધે આખી રાત નાચગાન ચાલે છે. એણે આપણા ફિલ્મી કલાકારોને એમની કલા છોડાવીને ક્રિકેટના ધંધે ચડાવી દીધા છે.  એના લીધે લોકો કામધંધો છોડીને ફટકા જોવા બેસી જાય છે. વળી એ ફટકા અગાઉથી નક્કી થયેલા હોય છે. આવા માણસને લીધે આપણો દેશ ખાડે જાય એમ છે. દેશ ખાડે જાય તો આપણું રાજ્ય પણ કેમ બાકી રહે? માટે આપણે આપણા ગુજરાતને બચાવવવું હોય તો મોદીને હટાવ્યા સિવાય છૂટકો નથી.

… ને સભામાં બૂમાબૂમ થઈ ગઈ. અવાજો આવ્યા: “ટપુભા તમે ક્યા મોદીની  પોલ ખોલો છો?”

“મોદી તો એક જ હોયને? નરેન્દ્ર મોદી”

“આ તમે લલિત મોદીનું મહાભારત ખોલ્યું છે.”

“એ વળી ક્યો મોદી?”  ટપુભાએ નવાઈ વ્યક્ત કરી.

“આ બીજો મોદી જાગ્યો છે ને તમને ખબર નથી. છાપાં નથી વાંચતા?”

“ઉપરછલ્લું વાંચું છું.  આ રહ્યું આજનું છાપું.  એમાં  મોટા અક્ષરે લખ્યું છે કે.. મોદી પર મોટા નાણાકીય ગોટાળાના આરોપો”  ટપુભાએ હાથમાં રહેલું છાપું જનતાને બતાવ્યું અને બોલ્યા: “વાંક મારો નથી છાપાનો છે.”

“પણ ટપુભા. આગળ નાના અક્ષરો વાંચો તો ખબર પડેને કે.. આ લલિત મોદીની વાત છે. નરેન્દ્ર મોદીની વાત નથી.”

“નાના અક્ષરો નથી અમારાથી નથી વંચાતા બાપલા. અમને મોદીની પોલ ખોલવા માટે ઊભા કર્યા હતા . અમે ખોલી નાખી. તમારે રોટલાથી કામ છે કે ટપટપથી? અમારું કામ પૂરું થયું. અમે બેસી જઈએ છીએ.”

સભામાં  હો હા થઈ ગઈ.  આયોજકોએ વક્તાશ્રીની સમજફેર થવા બદલ માફી માંગી. માંડમાંડ  મામલો થાળે પડ્યો.

… ખાનગીમાં “મોદી પોલખોલ મંડળની” મીટિંગ થઈ. તમામ વક્તાઓને પણ  હાજર રખાયા.  મોટા પાયે ચર્ચા થઈ તો માલુમ પડ્યું કે , મોટાભગના વક્તાઓએ ટપુભાની જેમ જ તૈયારી કરી છે.

હવે શું કરવું?  .. આવા લોચા ચાલવા ન દેવાય. છેવટે નક્કી થયું કે: તમામ વક્તાઓએ પોલ જરૂર ખોલવાની છે પણ   નરેન્દ્ર મોદીની  પોલ ખોલવાની છે . લલિત મોદીની નહીં.

“એ તો બહુ અઘરું પડે”  અઘરું પેપર નીકળેને વિદ્યાર્થીઓમાં ગણગણાટ  થઈ જાય એવો ગણગાણાટ શરૂ થઈ ગયો.

બધાં મૂંઝાયા. કોઈ રસ્તો નહોતો નીકળતો.

… ને ટપુભાએ જ રસ્તો બતાવ્યો:  એક કામ કરીએ.  આપણા મંડળનું નામ જ ફેરવી નાખીએ. મોદી પોલખોલ મંડળના બદલે લલિત મોદીપોલખોલ મંડળ કરી નાખીએ. એમાં ખાસ તકલીફ પડે એવું નથી. મોદીની આગળ લલિત લખાવી દઈએ.

“બરાબર  છે.  ટપુભાની વાત બરાબર છે. એ જ સીધો રસ્તો છે. આનાથી સારો કોઈ રસ્તો હોઈ જ ન શકે.” મંડળના સભ્યોએ ટપુભાની વાતને એકી અવાજે વધાવી લીધી.

સંપૂર્ણ બહુમતીએ મંડળનું નામ બદલવાનો ઠરાવ પસાર થઈ ગયો. મંડળના હોદ્દેદારોએ  એ જ ઘડીએ મોદીની આગળ લલિત લખાવી દીધું.

.. ને  મંડળના સભ્યો   “વાહ વાહ ” કહીને ટપુભાના બરડે ધબ્બા મારવા લાગ્યા.

પરિણામે ટપુભાને ઝોળીમાં નાખીને એમની ઘેર પહોંચાડવા પડ્યા.

 

એક હતી ઑફિસ

એક હતી ઑફિસ. એમાં  અનેક કારકુનો અને એક સાહેબ. સાહેબ એટલે ભગવાનના માણસ જોઈલો. કોઈ દિવસ ખીજે  પણ નહીં અને કોઈ દિવસ રીઝે પણ નહીં. ઑફિસ એટલે જિલ્લાપંચાયતની ધરમશાળા જ અસલ. બીડી પીવાય.તમાકુ ખવાય. ભજન ગવાય. વારતા પણ કહેવાય ત્યાં વાતો કરવાની કોણ ના પાડે? અને વાતો પણ કેવી? ઘરના માણસ જોડે થઈ શકે એવી નિખાલસ. એવી સીધી. એવી ચોખ્ખી. દંભનો છાંટોય ન મળે.

“વ્યાસ, યાર,થોડા પૈસા હોય તો આપજેને.હમણાં ભયંકર મંદી ચાલે છે.”

“બધાને એવું જ છે ‘લ્યા. જોને બજારમાં પણ ક્યાં ઘરાકી છે? બધા વેપારીઓ ગલ્લા પર બેઠા બેઠા ડોંગરે મહારાજની અમૃતવાણી વાંચે છે.”

“મેં તો બ્રિસ્ટોલ છોડી તીસ નંબર ચાલુ કરી છે.”

“મેં તો બૈરી છોકરાંને મોકલી દીધાં છે મારે સાસરે.”

“હું તો સાઈડબિઝનેસ કરવાનું વિચારી રહ્યો છું.”

“કાપડનો કરજે. મારી સલાહ છે.”

“પણ યાર વ્યાસ,પૈસા આપીશ કે નહીં?”

“પૈસા? પૈસા ક્યાં છે યાર? પૈસા હોય તો  તો રજા મૂકીને બહારગામ ન ગયો હોઉં?”

… આવી ઑફિસ! સાધુમહારાજની ઝટા જેવી. હિપ્પીની કોરી સૂકી આંખ જેવી. ઉનાળાના તડકા જેવી. ઓફિસમાં બધા પોતપોતાની શક્તિ પ્રમાણે કામ કર્યા કરે. આ ઑફિસને  કોઈ પૂછે એને માસ્ટર ભગવાન પૂછે. આ ઓફિસ પર કોઈ કુદૃષ્ટિ કરે એની અર્ધી રાત્રે સ્વપ્નામાં પ્રીતિ ગાંગુલી આવે. વા ફરી ગયા. વાદળ ફરી ગયાં.  બેત્રણ સરકારો ફરી ગઈ. આ ઑફિસના માણસો એવા ને એવા જ રહ્યા. અડીખમ પાળિયા જેવા. એના સાહેબ પણ અડીખમ. ઇજિપ્તના પિરામિડ જેવા. આ ઑફિસમાં યુનિયન હતું. પણ તેણે માત્ર એક પ્રવૃત્તિ કરવાની હતી. દર મહિને બબે રૂપિયા ઉઘરાવી લેવાના. આ ઓફિસમાં એક લાયબ્રેરી હતી પણ તેમાં માત્ર “બાલસંદેશ” અને “રમકડું” આવતાં. લાયબ્રેરીમાં માણસો કરતાં કૂતરાઓની હાજરી વધારે રહેતી.

… અને એક દિવસ ઑફિસમાં ન બનવાનું બની ગયું. વાત એકે એક  ટેબલ પર ફરી વળી.

“સાંભળ્યું છે કે આપણી ઑફિસમાં એક મહિલા પધારે છે?”

“ના બને. અસંભવ. મિસાંડરસ્ટેંડિંગ. મિસ્ટેક ઇન હિયરિંગ.”

“સો ટકા સાચી વાત છે. આવતા સોમવારે રિઝ્યુમ કરે છે.”

“કોણ છે? ક્યાંની છે? કેવી છે?”

“જે હોય તે. આપણે શું?”

“જે હોય તે,એમ નહીં.આપણી ઑફિસમાં મહિલા આવતી હોય એવો આ પ્રથમ બનાવ છે.”

“ખલાસ.હવે નોકરી કરવાની મજા નહીં આવે. છૂટથી બોલાશે નહીં.બગાસા ખવાશે નહીં.”

“અરે! હવે જ લાગશે કે આ ઑફિસ છે. આ જિંદગી છે. જિંદગી જે આજસુધી ચિંતનપ્રધાન નિબંધ જેવી લાગતી હતી તે હવે  ઊર્મિગીત જેવી લાગશે.”

“વાહ!કવિરાજ.તમને તો પ્રેરણા મળશે. કવિતા મળશે.પણ અમારી બેનંબરી જોક્સનું શું?”

“દાટી દો.દફનાવી દો.સુધરી જાઓ. છોકરી આવે છે.”

********************************************************************************************************************************

… અને સોમવારના શુભ દિવસે અગિયાર વાગ્યે કુમારી મીના મુનીમને  આવકારો આપતાં આપતાં ઑફિસના મોંઢામાંથી લાળ પડી ગઈ. વિવેક,સહકાર અને શિસ્તનો મોટો ઢગલો થઈ ગયો. મદદરૂપ થવાની ઇચ્છાઓનો મોટો થપ્પો લાગી ગયો. આ બધાથી ગુંગળાયેલી મીનાએ “પાણી” નું નામ લીધું ત્યાંતો “ડબલ સેવન” હાજર થઈ ગયું.

દિવસો જવા લાગ્યા.  બધા વધું ને વધું સુધરવા લાગ્યા.

હવે ઑફિસના કર્મચારીઓની પત્નીઓ ભેગી  થતી તો આવી વાતો કરતી:

“અલી,તારા ભાઈ પહેલાં અઠવાડિયે કપડાં ધોવા કાઢતા એ હવે રોજ કાઢે છે.”

“અરે, તારા ભાઈ તો રોજ દાઢી કરવા લાગ્યા છે.  ખબર નહીં એમને શું થયું છે?”

“પણ અમારા એ તો હમણાં હમણાં રોજ કોકના ને કોકના નવી નવી ડિઝાઇઅનના બુશકોટ માંગી માંગીને પહેરે છે.”

“કોણ જાણે મારો ઘરવાળોય હમણાં હમણાં સાવ બદલાઈ ગયો છે. મને કહે છે કે:તું મેકસી પહેરતી હો તો. હવે આ જાતી જિંદગીએ સારું લાગે?”

તો ઑફિસના કુંવારાઓની તો વાત જ જવા દો.  સી.એલ. નો રિપોર્ટ બીજા પાસે લખાવનારાઓ હાથમાં ઇંગ્લિશ ચોપડીઓ રાખવા માંડ્યા.  ઑફિસમાં વક્તૃત્વ, વિચારો અને આદર્શોનાં ફીણ ઊડવા લાગ્યાં.

અને આ બધું જોઈને મીના મુનીમ આછું આછું મલકતી તો ઑફિસ ધન્ય ધન્ય થઈ જતી.

સૌથી મોટી અસર થઈ નગરની બજારમાં. તેજી આવી ગઈ. રૂમાલ,નહાવાના સાબુ,અવની બૉલપેન,બૂટ,મોજાં,ગુલાબનાં ફૂલ વગેરેની માંગમાં વધારો થયો. તેલ-અત્તરના વેપારીઓએ તો બહારથી માલ મંગાવવો  પડ્યો.

ઑફિસમાં હવે પહેલા જેવી નિરસ વાતો નહોતી થતી. લાખો અને કરોડોની વાતો થવા લાગી. ઍલિસ્ટર મેક્લીન, જિમિ કાર્ટર, અમિતાભ બચ્ચન, ગાલિબ,કપિલદેવ, આચાર્ય રજનીશ વગેરેની વાતો થવા લાગી. કોણ વધારે સ્માર્ટ છે એ પૂરવાર કરવાની જબરજસ્ત હરીફાઈ જામી.

“મીનાજી, ચા પીશો?”

“મીનાબેન ,હમણાં કયું પિક્ચર જોયું?”

“કેમ આજે મુડલેસ છો? તબિયત તો બરાબર છે ને?”

મીનાની સાથે વાત કરવી એ એક પ્રકારનું ગૌરવ ગણાવા લાગ્યું. પરિણામે એક સવાલ પ્રગટ થયો. એ સવાલ દિવસે ને દિવસે મોટો અને મજબૂત થવા લાગ્યો. એ સવાલે એક દિવસ મહાન રાક્ષસી કદ ધારણ કરી લીધું.

એ સવાલ હતો કે: “મીનાના દિલમાં કોનું સ્થાન છે?”

આ સવલ પર યુનિયનના બે હોદ્દેદારો વચ્ચે ઝગડો થયો અને પરિણામે યુનિયન ભાંગી ગયું. ઑફિસમાં બે ગ્રુપ પડી ગયાં. વિશ્વાસ,એકતા અને ભાઈચારાને બિનજરૂરી પત્રકોની માફક ફાડીને ફેંકી દેવામાં આવ્યાં.

આવા વાતાવરણમાં એક દિવસ મીના મુનીમ ઑફિસમાં આવી જ નહીં.

એ દિવસ તો બધાએ જેમતેમ પસાર કર્યો. … બીજો દિવસ ઊગ્યો. બીજે દિવસે પણ મીના મુનીમ ન આવી. ઑફિસનું રોમ્રોમ પીડાવા લાગ્યું. બધાને મીનાના અવાજના ભણકારા સંભળાતા ને મીનાના ટેબલ પર નજર કરે તો શૂન્યતાનું ભૂત!!!

********************************************************************************************************************************

ત્રીજે દિવસે બધા ભેગા થઈને સાહેબની ચેમ્બરમાં ગયા.

“સાહેબ, મીના મુનીમ?”

“હવે એ નહીં આવે?”

“કેમ સાહેબ?”

“એણે રાજીનામું આપ્યું છે. બોલો ક્યા કારણસર આપ્યું હશે?”

“એનું લગન થવાનું હશે. અથવા તો બીજે સારી નોકરી મળી ગઈ હશે. અથવા તો આ ઑફિસનું વાતાવરણ ગમ્યું નહીં હોય.”

“નહીં. એ નોકરી કરવા આવી જ નહોતી.”

“તો શું કરવા આવી હતી?”

 

“પીએચ.ડી.”

“શું કહો છો?”

“સાચુ કહું છું.  નોકરી તો માત્ર  એનું બહાનું હતું. એ સંશોધન કરવા આવી હતી. સંશોધન કરીને નિબંધ તૈયાર કરતી હતી.”

“પણ  સાહેબ, એ ક્યા વિષય પર નિબંધ તૈયાર કરતી હતી? અમને કહ્યું હોત તો અમે મદદ કરત?”

“અફસોસ ન કરતા. તમે મદદ કરી જ છે. કારણ કે   શોધનિબંધનો વિષય હતો:

“ઑફિસમાં મહિલા કર્મચારીની હાજરીથી પુરુષ કર્મચારીઓ પર થતી અસરો”

“માય ગૉડ, આપણને બધાને પ્રયોગના સાધનો બનાવીને ગઈ!”

તે દિવસે ઑફિસમાં ખગ્રાસ સૂર્યગ્રહણના જેવી અસર વ્યાપી ગઈ.

… તે, આજની ઘડી સુધી હજીય ઓફિસને માથાનો દુખાવો રહ્યા કરે છે!!!!!

[પ્રગટ :  "રંગતરંગ" પહેલી ડિસેમ્બર, 1980]

 

 

 

 

 

રંગલાનું ગીતગુંજન— યશવંત ઠક્કર

હે ગુણીજનો… હે બ્લોગજનો…અસર ના ઓટલે આપ સૌને ફરીથી આવકારતા આનંદ અનુભવું છું. આજકાલ આપણે સૌ રંગલા રંગલીની ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. જે આપ સૌને ખૂબ જ પસંદ પડ્યા. હવે આજે રજૂ થશે એક નવો ખેલ જેનું નામ છે:  “રંગલાનું ગીત ગુંજન”

વાત જાણે એમ છે કે રંગલીની સલાહ મુજબ રંગલો નવો બ્લોગ બનાવે છે જેમાં તે પોતાની મૌલિક રચનાઓ મૂકવા માંગે છે. પણ ગઝલ રચનામાં ધારી સફળતા ન મળવાથી હવે તે ગીત રચના માટે ધમપછાડા કરે છે. આવો જોઈએ કે શું થઈ રહ્યું છે!!!

[ખેલ શરુ ]

[રંગલો ચિત્ર વિચિત્ર હાવભાવ સાથે ગીત ગાય છે અને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]

રંગલો—
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા ….

રંગલી— હે ભગવાન. હે તેત્રીસ કરોડ દેવતા. મારી રક્ષા કરો. રક્ષા કરો. રક્ષા કરો.

રંગલી— એ એ એ … રંગલી .. એવાં તે કેવાં દુ:ખ તૂટી પડ્યાં છે કે આમ મોટી ભગતડી થઈને તેત્રીસ કરોડ દેવતાને કાલાવાલા કરવા બેઠી છે. હું દેવાધીદેવ રંગલો તને નજરે નથી પડતો?

રંગલી— તું જ તો છો મારાં દુ:ખનું મૂળ! મારા રોયા!

રંગલો— [ગળગળો થઈને] લે.. મેં વળી શું કર્યું? તને વેણ કવેણ કહ્યાં? તારા બ્લોગ પર આવીને આડી અવળી કૉમેંટ કરી?

રંગલી— અરે આ તારું હથોડા ગીત મારાથી સહન નથી થાતું.

રંગલો— મારા ઊર્મિગીતને તું હથોડા ગીત કહે છે? તારી આ મજાલ? આ માત્ર મારું જ નહીં પણ સમગ્ર કવિ સમુદાયનું અપમાન છે.

રંગલી— રંગલા તું નહીં માને! તારું આ ગીત સાંભળું છું ત્યારે મારાં માથે હથોડા પડતા હોય એવું લાગે છે.

રંગલો— કેમ? ગીતમાં કાંઈ વાંધાજનક છે? તારી લાગણીને ઘોબો પડે એવું છે?

રંગલી— મારાં મગજમાં ઘોબા પડી ગયા છે. હવે દયા કર.

રંગલો— એમ નહીં. મારાં ગીત બાબત મારી સાથે ગંભીર ચર્ચા કર.

રંગલી— ગંભીર ચર્ચા કરવા જેવું ગીત હોવું જોઈએને? મેં તને કહ્યું હતું ને કે ગીત રચવામાં ઉતાવળ ન કરતો. સારો વિષય પકડજે.. અર્થ પકડજે… ભાવ પકડજે… બરાબર લય પકડજે…

રંગલો—- આ બધુંય એક જ પાંજરામાં પકડાઈ જાય એવું પાંજરું વડોદરાની નવાબજારમાં મળે છે? હું સો બસો ખર્ચી નાંખું એવો છું. હા… મને પૈસાની નથી પડી. પણ તું આમ મારા કવિત્વનું અપમાન કરે એ ગુજરાતી સાહિત્યનાં ભવિષ્ય માટે ઠીક નથી.

રંગલી—- હવે રહેવા દે. ગુજરાતી સાહિત્યની ચિંતા કરવાવાળા એક એકનું માથું ભાંગે એવા બેઠા છે. તું તારું કર. જેનો કશો અર્થ હોય એવું ગીત લખ. પછી મારી સાથે વાત કર.

રંગલો— હવે તું ધ્યાન દઈને આ ગીત ફરીથી સાંભળ.

ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા …..

રંગલી— મને તો આમાં કશું પલ્લે પડતું નથી.

રંગલો— જો તને સમજાવું.

રંગલી— ટૂંકમા સમજાવજે. હું લાંબી ચર્ચા સહન કરી શકું એમ નથી.

રંગલો— લાંબી ચર્ચાની જરૂર જ નથી રંગલી. આ એકદમ સરળ અને સહજ ગીત છે. ગામને પાદર ભેંસો જે પોદળા મૂકે છે એનું ખાતર થઈને ખેતરમાં પથરાય છે. જેના લીધે ખૂબ જ બાજરો પાકે છે અને એ બાજરાથી ખેડૂતની કોઠીઓ ભરાય છે. આ સંદેશો લઈને આવ્યું છે મારું આ ગીત. તને સમજાય છે એ સંદેશો?

રંગલી—- [પેટ પકડીને હસે] આ તો ઉખાણાં ગીત જેવું થયું.

રંગલો— એનો પ્રકાર નક્કી કરવાનું કામ તારું. આ તો પ્રથમ પંક્તિ છે. આખું ગીત તૈયાર થશે ત્યારે જોજેને તું જ એ ગીત માથે મૂકીને નાચવાની છો.

રંગલી— પણ મને એ નથી સમજાતું કે ગીતો મોટાભાગે ગામડાંનાંજ કેમ? શહેરનાં કેમ નહીં?

રંગલો— લે અવાજ કરની… આ રહ્યું શહેરનું ગીત! સાંભળ…
શાકની લારીએ હાલની સખી રીંગણાં વીણવા જઈએ ભીડા તોડવા જઈએ…

રંગલી—- એ એ એ રંગલા. આવું તે કાંઈ ગીત હોય?

રંગલો— હોઈ શકે. કેમ હોઈ શકે એ સમજવા માટે પહેલાં મારા સવાલનો જવાબ આપ કે શાકની લારીએ તમે સરખી સાહેલીઓ શાક લેવા ટોળે વળો છો કે નહીં?

રંગલી— હા. વળીએ છીએ.

રંગલો—લારીને ઘેરી વળ્યા પછી રીંગણાં કે બીજાં શાક વીણી વીણીને લો છો કે નહીં? વળી ભીંડા કૂણા છે કે નહીં એ જોવા માટે ભીંડાની સીંગો તોડી તોડીને લો છો કે નહીં?

રંગલી— અરે! અમે શાક લઈએ ત્યારે તું અમને આટલાં બધાં ધ્યાનથી જૂએ છે?

રંગલો— જોવું તો પડેને? ગીતકાર બનવું હોય તો અવલોકન તો કરવું પડેને? આ ગીતની રચના તો મેં ઊંડાં અવલોકન બાદ કરી છે.

રંગલી—એમ? તો તું હવે અવલોકનના ચાળે ચડ્યો છે?

રંગલો— હા. ધ્યાનથી સાંભળ મારું અવલોકન. શાક લેતી વખતે તમે લોકો શાકવાળા સાથે વજન અને ભાવ બાબત રકજક ન કરો તો તમને તમારું શાક લેવું એળે ગયું લાગે. શાક્વાળો એક બટાકું પલ્લામાંથી ઓછું કરે તો તમે ફરીથી પલ્લામાં નાંખો. એ ફરીથી ઓછું કરે તો તમે સીધું થેલીમાં પધરાવો. સાથે છોકરું હોય તો એના હાથમાં ટમેટું પકડાવી દો. પૈસા આપતી વખતે એકાદ રૂપિયો બાકી રાખવાનો! મસાલો મફત માંગવાનો. ના આપે તો છેવટે લીમડો તો લેવાનોજ!

રંગલી— વાહ રંગલા વાહ! આ વિષય પર તો તારે પી.એચ. ડી. કરવા જેવું છે.

રંગલો— એ પણ થશે. તારાં માર્ગદર્શન હેઠળ. પણ મારું આજનું ગીતગુંજન કેવું લાગ્યું? સાચુ કહેજે.

રંગલી— સાચુ કહીશ તો તારી લાગણી દુભાશે.

રંગલો— નહીં દુભાય. એ એટલી બધી દુભાઈ ગઈ છે કે હવે એમાં દુભાવા જેવું કશું જ રહ્યું નથી! માટે તારે જે કહેવું હોય તે બેધડક કહી દે.

રંગલી— તો સાંભળ. ગીત લખવાની હમણાં ઉતાવળ કરવા જેવી નથી. જૂનાં અને નવાં ગીતો ધ્યાનથી સાંભળ. નેટ પર અનેક સુંદર સુંદર ગીતો વાંચવા અને સાંભળવા મળશે. એની ખૂબીઓ પકડજે અને પછી ગીત રચવાના પ્રયાસ કરજે.

રંગલો—પણ મારા બ્લોગનું શું? દુકાન ખોલી નાખી છે તો માલ તો ભરવો પડશેને?

રંગલી— જો રંગલા. તારે માલ જેવો તેવો નથી ભરવાનો. બરાબરને?

રંગલો— હા બરાબર.

રંગલી— તો ધીરજ રાખ. અને હવે મને રજા આપ તો હું જાઉં.

રંગલો— ક્યાં જાવું છે એ તો કહો. ગોરી… ?

રંગલી— એ રસોડામાં જાવું છે. ચા બનાવવા. તારાં ગીતો સાંભળીને મગજને ભારે શ્રમ પડ્યો છે.

રંગલો— તેં તો સાંભળ્યાં ને આટલો શ્રમ પડ્યો પણ મેં તો આ ગીતો બનાવ્યાં છે. મને કેટલો શ્રમ પડ્યો હશે? મારે ચા નહીં પીવી હોય?

રંગલી— પીજેને. કોણ ના પાડે છે? હું કાંઈ એકલી પીવાની છું?

રંગલો—તો બરાબર. હવે આ બ્લોગમિત્રોની રજા લેતા પહેલા થોડું નાચી લઈએ…

બંને–

દિવસો ખૂટશે વરસો ખૂટશે જિંદગી ખૂટશે સઈ

મારીતારી આખોમાથી સપનાં ખૂટશે નઈં

આંસુ ખૂટશે મુસ્કાન ખૂટશે શ્વાસો ખૂટશે સઈ

મારાતારા ભવની આ ભવાઈ ખૂટશે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ

એ આવજો … બ્લોગમિત્રો … સુંદર સુંદર બ્લોગ બનાવજો ને અમને યાદ કરજો.

હાલો ઝટ હાલો…
[આવજો ... અસરના ઓટલે ફરીથી પધારજો]

રંગલાનું ગાલગાગા — યશવંત ઠક્કર

હે બ્લોગજનો… હે ગુણીજનો. અસર ના ઓટલે આપ સૌને આવકારતા હરખ અનુભવું  છું. આપ સૌ જાણો છો કે આજકાલ રંગલો ને  રંગલી આપણાં મહેમાન છે. આપ સૌનાં મનોરંજન માટે અહીંયા જાતજાતના ખેલ થાય  છે. આ બધા ખેલ કલ્પના પર આધારિત છે. કોઈ  કહેતા કોઈ વ્યક્તિ, વર્ગ  કે સમુદાયે  આ બધા ખેલ કે ખેલનો કોઈ ભાગ પોતાને  લાગુ પડે છે એવું માની લેવાની ઉતાવળ કરવી નહીં. ગેરસમજને દૂર રાખશો ને  મલકવાની ભાવના રાખશો તો સૌને મજા આવશે.  એવી મારી બે  હાથ  જોડીને વિનંતી છે.

હવે આજના ખેલની વાત કરું તો ખેલનું નામછે: છે:  “ રંગલાનું ગાલગાગા”  વાત એમ છે કે મિત્રો , કે  રંગલી  સલાહ મુજબ રંગલો પોતાનો જામેલો બ્લોગ બંધ કરીને નવો બ્લોગ શરુ કરે છે. આ બ્લોગમાં  તે  માત્ર પોતાની જ મૌલિક રચનાઓ મૂકવાનું નક્કી કરે છે. ને જૂઓ શું થઈ રહ્યું છે!!!

[ખેલ શરુ]

[રંગલો આમથી તેમ ચક્કર મારે છે ને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]

રંગલો— ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

આજ તારું હાલ તારું  ગામ છોડું  પ્રેમથી …… આજ તારો હાથ છોડું  આમ છોડું પ્રેમથી

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

રંગલી— એ… રંગલા …મહેરબાની કરીને શાંત થા.. શાંત થા… તને થયું છે શું? આ તેં શાંની લવારી માંડી છે?

રંગલો— લે .. તને નથી ખબર? આજથી જાતે જ  જ ગઝલ બનાવું છું.

રંગલી— શું કહ્યું? ફરી બોલ તો.

રંગલો— એ..  બીજા પર આધારિત ન રહેતા હું જાતેજ ગઝલ બનાવું છું. માય ઓવન પ્રૉડક્ટ ….. એ પણ છંદમાં …   ગાલગાગા ગાલગાગા  ગાલગાગા ગાલગા

રંગલી— [ખડખડાડાટ હસીને]  અલા… ગઝલ તે કાંઈ બનાવવાની ચીજ છે? એ કાંઈ ખમણ  ઢોકળાં કે દાળવડાં કે ભજિયાં છે તે બનાવવા નીકળ્યો છે? એ તો થઈ જતી હોય છે આપોઆપ… જેમ આપણી વચ્ચે  થઈ ગયો હતો પ્રે….મ.  આપોઆપ! એકદમ સહજતાથી!

રંગલો— પ્રેમ આપોઆપ થઈ ગયો હતો ઈ વાત સાચી. પણ એને સફળ  બનાવવા કેટલાં કેટલાં વાનાં કરવાં .પડ્યાં હતાં . એ  હું  ભૂલ્યો નથી હો . તને આપવા માટે એક વખત તો એક ગુલાબના પૂરા સો રૂપિયા ચૂકવ્યા હતા. કહેતી હો તો  સાબિતી માટે હિસાબની જૂની ડાયરી પેશ કરું.

રંગલી—કોઈ જરૂર નથી.માની લીધું.

રંગલો—ત્યારે પછી. પ્રયત્નો તો કરવા જ પડેને?  સુતેલા સિંહનાં મોઢાંમાં કાંઈ ભજિયાં પ્રવેશ કરતાં  નથી.

રંગલી—બકા, ભજિયાં નહીં. હરણાં. સુતેલા સિંહનાં મોઢાંમાં હરણાં પ્રવેશ કરતાં નથી.

રંગલો— એમજ બોલવાનો હતો.પણ તેં  હમણાં જ ભજિયાંનું નામ લીધું ને મારાં  મગજમાં ભજિયાં ઘુસી ગયાં. આજે હવે ભજિયાં ખાવાં  જ પડશે.

રંગલી— તારાં  મગજમાં ક્યારે શું ઘુસી જાય એનું ઠેકાણું નથી.

રંગલો— રંગલી…. આ તારાં લીધે જ  મારું મગજ ખરાબ થઈ ગયું છે.

રંગલી — લે.કર વાત! તારું મગજ તો પહેલેથી જ ખરાબ હતું. મારું નામ શું કામ લે છે?

રંગલો— [રડવા જેવો થઈને] રંગલી… કેવો મજાનો મારો હર્યો ભર્યો બ્લોગ હતો! નાનામોટા કવિઓની ગઝલું ને ગીતડાં એમાં ગોઠવતોતો. મુલાકાતીઓ આવતાતાં ને ખુશ થાતાતાં ને જાતાં જાતાં કોઈના હૃદયમાં રામ વસે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી  કોમેંટું દેતા જાતાતા. એ બંધ કરીને તેં મને મોલિક રચનાઓ રચવાના ચાળે ચડાવ્યો.

રંગલી— મોલિક નહીં.મૌલિક … બોલ, મૌલિક .

રંગલો —એ   જે હોય તે.   પણ  સાવ ખોટો નિર્ણય લેવાઈ ગયો છે . પાંચ માણહને પૂછવા જેવું હતું.  ત્રણ  દીથી મથું છું પણ એક ગઝલ નથી બનતી.

રંગલી— એમ નિરાશ થવાની જરૂર નથી. બકા.. તારામાં કવિપણું હશે તો જરૂર  બહાર આવશે.જેમ પાતાળ  ફોડીને પાણી બહાર આવે છે એમ.

રંગલો—  પણ નથી આવતું એનું શું?

રંગલી— હવે તને ખબર પડીને કે એક કવિતા કે ગઝલ લખવી કેટલી અઘરી છે?  જો રંગલા, કવિ બનવા માટેની પહેલી શરત એ છે કે તમને વ્યથા  થવી જોઈએ. તને  થાય છે?

રંગલો—વ્યથા એટલે શું?

રંગલી— વ્યથા એટલે પીડા. બોલ તને કોઈ જાતની પીડા  થાય છે?

રંગલો— મારી ઉપરની આ  દાઢ  બે દિવસથી સબાકા મારે છે.

રંગલી— એવી પીડાની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું  છું કે તારી અંદરથી કોઈ અવાજ આવે છે?

રંગલો— અવાજની  વાત કરતી હો તો કાલ આખો દી પેટમાંથી  ગુડુડુડુનો અવાજ આવતોતો.

રંગલી— એ તો મારા હાથની દાળઢોકળી ખાવામાં તેં મર્યાદા ન રાખી એનું પરિણામ. પણ હું એવા અવાજની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું છું  કે તારાં હૃદયમાંથી કશો અવાજ આવે છે?

રંગલો— મારા કાન કરતાં તારા કાન સરવા છે. તને સંભળાય છે? એવું હોય તો લે મારું હૃદય આ રહ્યું હાજર! એના પર  કાન  માંડી જો.

રંગલી— ઓ કૉપિસમ્રાટ.  તેં તો હદ કરી નાંખી.  મારે તને કેમ સમજાવવો કે ગઝલ લખવી એ વાહ વાહ કરવા જેવું સહેલું કામ નથી. એને માટે હૃદયમાંથી આહ નીકળવી જોઈએ. તને પીડાનો  તીવ્ર અનુભવ થવો  જોઈએ.

રંગલો —એ થાય છે એની ખબર કેમ પડે?  જેમ કે મેલેરિયા થાય ત્યારે ઠંડી વાય ને તાવ આવે. આમાંય એવું કાંઈક થતું હશેને?

રંગલી—હે ભગવાન.આ રંગલાને મારે કેમ સમજાવવો?

રંગલો — રંગલાકો સમજાના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ.

રંગલી— એક છેલ્લો પ્રયત્ન કરી જોઉં.  ધ્યાન દઈને સાંભળ રંગલા.  જાણે કે આપણાં હૃદયમાં ટાંકણી ઘોંચાયને લોહીના ફુવારા ઊડે ને આપણાથી એક તીવ્ર ચીસ પાડી દેવાય. એ ચીસ એ જ ગઝલ!

રંગલો— [મજાકભર્યું  હસીને]  હવે તો તું હદ કરે છે હો રંગલી. હું તને એમ કહું છું કે કોઈ માણસનાં હૃદયમાંથી લોહીના ફુવારા ઊડે પછી  એ બચે જ શાનો?  પછી ગાલગાગા નો સવાલ જ ક્યાં રહ્યો?  પછી તો એક જ વાત રહે.  રામ બોલો ભાઈ રામ!  રામ બોલો ભાઈ રામ! કે વહેલું આવે અંતિમ ધામ.

રંગલી —એ આતો એક ઉદાહરણ છે ..  એને ઉદાહરણ તરીકે લે .. હવે હું તને બે હાથ જોડીને અરજ ગુજારું છું કે…

રંગલો— એ એ એ રંગલી. એમ સાવ નાખી દેવા જેવી વાત ન કર.  તું મને અરજ કરે તો મને મરવા જેવું લાગે.  હુકમ કર મારી રાણી, મને હુકમ કર.

રંગલી— તો  સાંભળ  રંગલા. મારો તને હુકમ છે કે આ ગઝલ-રચનાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ  રાખ. ખૂબ અભ્યાસ કર. તું નસીબદાર છે કે તને આ ઇંટરનેટના જમાનામાં  જ્ન્મ મળ્યો છે.  પહેલાં આવું નહોતું. કેટલાય ઉગતા કવિઓ માહિતી  અને માર્ગદર્શનના અભાવે  મુરઝાઈ જતા હતા. આજે  નેટ પર ગઝલ કે કવિતાની સમજ આપતી સામગ્રી તારી રાહ જોઈ રહી છે.  ગઝલ માટે ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા  એક જ છંદ નથી. બીજા અનેક છે. એની પણ જાણકારી મેળવ.  વળી ..  નવા અને જૂના અનેક કવિઓની રચનાઓ  તું મધુર સગીત સાથે સાંભળી શકે છે. આ બધાંનો તું પણ લાભ લે રંગલા.  લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો .. એ કહેવતની જેમ ઉતાવળો ન થા. ધીરે ધીરે તારા પંથે આગળ વધ.  તારું  કલ્યાણ  થશે.

રંગલો— [ગળગળો થઈને] કલ્યાણ  તો થાવાનું હશે  ત્યારે થાશે પણ  એની પહેલા મારે આ અતિ વિકટ રસ્તો પસાર કરવો પડશે એમ તારું કહેવાનું છે. હું બરાબર સમજ્યો છું ને મારી રાણી?

રંગલી— એકદમ બરાબર સમજ્યો છે મારા રાજ્જા.  કઠોર પરિશ્રનો કોઈ વિકલ્પ નથી.

રંગલો— છે .મારી રંગલી, છે.  જો તું રજા આપે તો…

રંગલી— મને ખબર છે કે તું શું કહેવા  માગે છે.  તારે ફરીથી કૉપિપેસ્ટ ના  સહેલા રસ્તે જવું છે ને?

રંગલો— રંગલી,તારી વાત સમજાવવા માંટે  તેં  મને બહુ ઉદાહરણ આપ્યાં છે. હવે  મારી વાત સમાજાવવા માટે એક ઉદાહરણ હું તને આપું.

રંગલી—ઈર્શાદ.

રંગલો— જો આપણાં આ વડોદરા શહેરમાં ફરસાણના શો રૂમ જેવી કેટલીય સુંદર મજાની દુકાનો છે કે નહીં?

રંગલી— છે ને.

રંગલો— એ દુકાનોમાં અનેક જાતનાં  ફરસાણનાં તૈયાર પેકેટો  મળે છે. એમાં સોલાપુરી ચેવડો મળે.. લીલો ચેવડો મળે… એમાં ભાદરણના મગ મળે…

રંગલી— [ચૂપ]

રંગલો— હોકારો તો દે મારી રંગલી. તારાં મોઢાંમાં ભાદરણનાં મગ ભર્યાં છે? હા  એટલું તો બોલ.

રંગલી— હા મળે.

રંગલો— એમાં ભાવનગરી ગાંઠિયા મળે.

રંગલી— મળે.

રંગલો— એમાં મુંબઈનું ટમટમ મળે.

રંગલી— મળે.

રંગલો— એમાં લીંબુ મરીની સેવ મળે.

રંગલી—મળે.

રંગલો— લે વડોદરાની ભાખરવડી તો ભૂલી જ ગયો. સરસ મજાની અમેરિકા ને લંડન સુધી જાય એવી ભાખરવાડી મળે.

રંગલી— એ રંગલા. આ શું  નવો ધંધો માંડ્યો છે? વડોદરાની દુકાનોમાં બસ્સો જાતનાં ફરસાણ મળે એટલે મારે  બસ્સો હોકારા ભણવાના? જે કહેવું હોય એ ટુંકમાં  કહેતા નથી આવડતું?

રંગલો— ટુંકમાં કહેવાય એવી વાત હોત તો કહી ન દીધી હોત? મને વિચાર વિસ્તાર કરવાના શોખ  થાય છે?  જા નથી કાહેવું કશું.

રંગલી— એ … રંગલા રાજા. રિસાઈ ગયો? આટલી અમથી વાતમાં?

રંગલો— [ગળગળો થઈને] તને તો ખબર છે ને રંગલી…  કે હું અતિશય લાગણીશીલ વ્યક્તિ છું. મારી લાગણી દુભાતા વાર નથી લાગતી.

રંગલી— હશે રંગલાજી. હશે. મારી ભૂલ થઈ ગઈ. આપની લાગણી દુભવવા બદલ હું આપની ક્ષમા યાચુ છું.

રંગલો— રહેવા દે. સારી નથી લાગતી. સાહિત્યકારોની જબાન છોડીને તારી જબાનમાં  સીધી વાત કર.

રંગલી— સીધી વાત તો તારે કરવાની છે. તારી  વાત વડોદરાની ફરસાણની દુકાને અટકી ગઈ છે.

રંગલો— તો સાંભળ આગળ. ફરસાણની દુકાનમાં ઘરાક આવે. જેનાં પેકેટ  જોઈતા હોય એ લઈ લે ને પૈસા ચૂકવી ને થાય હાલતા. દુકાનદારને કોઈ જાતની મગજમારી ખરી? ચેવડો બનાવવાની કે ભાખરવડી બનાવવાની? બનાવનારાં બનાવે. વેચનારાં  વેચે. ખાનારાં  ખાય. એમાં કોઈનો ગરાસ શાંને લુંટાય?

રંગલી— તારો ઈરાદો શો છે? સાફસાફ બોલ.

રંગલો— સાફસાફ કહું તો રંગલી, મને  હું  ગઝલ રચનાના પંથે આગળ નહીં વધી શકું. તૈયાર ગઝલો લઈને મારા  બ્લોગમાં મૂકવા દે. હું કવિઓના નામ લખીશ. બસ.હવે તું રાજી?

રંગલી— મને રાજી કરવાનો એક જ રસ્તો છે. મૌલિક રચના. તારે જાતે જ રચના કરવાની છે. ભલે આભ તૂટી પડે કે ધરતી ફાટી પડે.

રંગલો— મારી નાંખ્યા. આના કરતાતો દાબેલી બનાવવી  સારી.   ગઝ… લ… ગઝલ …[ગાય]  ગઝલ  બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ કાહેકો યે ગઝલ બનાઈ..

રંગલી— એમ હિંમત હારી જવાની જરૂર નથી. ગઝલ અઘરી લાગતી હોય તો સાહિત્યના બીજા અનેક પ્રકારો છે. જેવા કે ગીત ..

રંગલો— હા હા હા. ગીત બનાવવું મને ફાવશે. એમાં તો છંદની દાદાગીરી નહીં નડેને?

રંગલી—  જે નડવાનું હશે એ નડશે પણ  હવે તારી પાસે  આગળ  વધવા સિવાય કોઈ રસ્તો નથી.

રંગલો— આજે તો ભૂખ લાગી છે એટલે આગળ નહીં વધાય.

રંગલી— આપણને  કોઈ ઉતાવળ  નથી. ધીરજનાં ફળ મીઠાં.

રંગલો— પણ મને તો તીખાં તીખાં ભજિયાં ખાવાનું મન થયું છે.

રંગલી — તો હું શું કરું?

રંગલો— બનાવ્ય. મરચાનાં  બનાવ્ય. ટમેટાંનાં બનાવ્ય. કેળાનાં બનાવ્ય.

રંગલી— એટલે અત્યારે હું તારા માટે ભજિયાં બનાવવા બેસું?

રંગલો—મારા માટે નહીં.આપણા માટે.

રંગલી— કેમ? તૈયાર નથી લવાતાં?

રંગલો— તૈયારમાં મજા ન આવે.

રગલી— ગઝલ તૈયાર ચાલે. ભજિયાં તૈયાર ન ચાલે. વાહ રંગલા વાહ .તારી બે મોઢાંની વાત નહીં ચાલે.

રંગલો— મેં તારી વાત માનીને? હવે તું મારી વાત માન.

રંગલી— સારું. તો થેલી લઈને જા. મરચાં … ટમેટાં … કેળાં… કારેલાં … જેનાં ભજિયાં ખાવાં હોય એ બધું   લઈ આવ.

રંગલો- પણ એની પહેલાં થઈ જાય … તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલી— તો ચાલ  …

અમે રંગલો રંગલીરે ભાઈ ઇન્ટરનેટે  પહોંચ્યાં

ઇંટરનેટના  આંગણે અમને સૌએ પ્રેમથી પોંખ્યાં

જ્યાં  જ્યાં કર્યા ખેલ   ત્યાંથી ચિંતા ભાગી ગઈ

ચિંતા ભાગી ગઈ  ચિંતા ભાગી ગઈ

ને કરો હવે …  તા થૈયા થૈયા ને તા થૈ.

એ હાલો… હાલો..

[આજનો ખેલ પૂરો કાલે   અસર ના ઓટલે  વહેલાસર પધારજો. એ આવજો ]