[મિત્રો, આજે એક વાર્તા રજૂ કરું છું. આ વાર્તા ગુજરાતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ૩૧ માર્ચ ૧૯૯૧ ,રવિવારના રોજ પ્રગટ થઇ હતી. વીસ વર્ષો પહેલાની આ વાર્તા કોઇપણ પ્રકારના ફેરફાર વગર રજૂ કરું છું. ]
અપેક્ષા - યશવંત ઠક્કર
જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમારઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક કદમ ભર્યાં હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યો કે: “તમે જ લેખક સનતકુમાર છો કે?”
સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ઝડતી લઈ રહ્યો હતો.
“જી થોડુંઘણું લખું છું.” સનતકુમારે નમ્રતાથી કહ્યું.
“મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.”
“સાચી વાત છે. પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. હું એ લોકોની રાહ જોઈને જ જઈ રહ્યો છું.”
“મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. હું માનું છું કે તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.”
“હા હા ચોક્કસ.” સનતકુમારે જવાબ તો આપ્યો. પણ તેઓ સમજી ચૂક્યા હતા કે આજે રોજ કરતાં જુદું જ બની રહ્યું હતું.
તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ એટલી મોટી અને સામાન્ય હતી કે નવરા લોકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકતા. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં ઘણી કવિતાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.
હોટેલનો છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ બે ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરી: “થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ફિલ્મોત્સવ ઉજવાઈ ગયો. તેના એક કાર્યક્રમમાં એક ફિલ્મી હીરો કે જે આડુંઅવળું બોલ્યો તે વિષે ઘંણા બુદ્ધિજીવીઓએ ઉહાપોહ કર્યો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. તમારું પોતાનું એ બનાવ વિષે તેમ જ એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?
“એ માણસે મોટી ભૂલ કરી છે. ” સનતકુમારે કહ્યું. “એ માણસ તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો છે. મેં મારી કોલમમાં તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ને ભવિષ્યમાં તે ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો તેને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ આવા લોકો સીધા થશે. ..”
યુવાન ચૂપચાપ સનતકુમારની સામે જોઈ રહ્યો. સનતકુમાર તેની નજર જીરવી ન શકતા અટકી ગયા. પહેલાં તો તેમને લાગ્યું હતું કે યુવાને સાવ સાદી વાત પૂછી નાખી છે તેથી આવેગમાં બોલવા લાગ્યા હતા. તેઓ પોતાના લેખનો ઘણોખરો ભાગ બોલી જાત! પણ યુવાનની નજર … સનતકુમારને લાગ્યું કે યુવાન તેમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોઈ રહ્યો છે.
“એ હીરો જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે? ” યુવાને પૂછ્યું.
“નાં. હું નહોતો. ” સનતકુમારે કહ્યું.
“તમે ત્યાં એ વખતે હાજર હોત તો શું કરત?”
“હું. ” કહીને સનતકુમાર અટક્યા. અચકાયા અને થોથવાયા. છેવટે તેમણે વાક્ય પૂરું કર્યું. “પણ હું ત્યાં હતો જ નહિ ને.”
“મારું કહેવું એમ છે કે તમે ત્યાં હાજર હોત તો શું કરત?”
છોકરાએ આવીને ટેબલ પર ચાના કપ મુક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે આ વાતનો ગમે તે રીતે અંત લાવીને પોતે ઉભા થઈને જતા રહે તો જ યુવાનથી છૂટી શકાશે.
ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, “તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.”
“હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થઇ શકે? ” સનતકુમારે કહ્યું.
“કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખરાબ બોલી રહ્યો છે તો બધાંની વચ્ચે ઊભા થઈને તેને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે તેને વિનંતી ન કરી શકો કે તે બરાબર બોલે? છતાં પણ તે ન માને તો ઊંચાઅવાજે તેને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે.. તમારી કોલમમાં હાકલ કરો છો તેવી હાકલ સાંભળનારાઓને ન કરી શકો કે- આ માણસને બોલતો અટકાવો. તે આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. આમાંથી કશું ન કરી શકો? ” યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.
“હું શું કહી શકું? હું ત્યાં હતો જ નહિ ને? હું હોત તો શું કરત એ વિષે હું કહી ન શકું. માફ કરજો. ડંફાસો મારવાની મને આદત નથી.”
“અચ્છા.” યુવાને કહ્યું. “તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો થાય તો તેને બેસાડી દેવો જોઈએ. ધારો કે તે ફરીથી ગુજરાતમાં આવે તો તેને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ શરૂઆત તમારે ન કરવી જોઈએ?”
સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. “જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય મારું નથી. “
“કેમ નહિ?” યુંવાને ટેબલ પર હાથ પછાડ્યો. ”આ વાત જવા દો. બીજી કેટલીય એવી બાબતો છે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો. લોકોને દોરવણી આપો છો. ચેતવણી આપો છો. સૂચનો આપો છો. અમુક બાબતોનો વિરોધ કરવાનું કહો છો પણ તમે પોતે સદેહે તેનો વિરોધ કરવાનું જોખમ ખેડતા નથી? લોકો પાસે જ જોખમ ખેડાવાની આશા શા માટે રાખો છો? “
“લખવું એ પણ ઓછું જોખમ નથી.”
“હું સહમત થાઉં છું. પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે તેમ નથી. સમાજમાં બનતો બનાવ એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે. કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય. કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે. પછી બધું ભૂલાઈ જાય. ફરીથી નવો બનાવ બને . ફરીથી બધાં એના પર તૂટી પડે. ને છતાય એવા બનાવો બનતા જ રહે.”
“એ તો બનવાના જ..”
“જો તમે માનો છો કે એવા બનાવો બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ કરો છો? તમારા પેટ માટે?”
“મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે. “
“દયા તો આવે છે. લેખક મહાશય. એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે. આપણે એવા બનાવો બનતા અટકાવીએ. “
“કેવા બનાવોની વાત કરો છો?”
“ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો તેને આપણે અટકાવવા છે. કોઈએ માઈકનો અવાજ વધારે રાખ્યો હોય તો તેને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે. કોઈ પ્રધાન જાહેરમાં ખોટા વચનો આપતો હોય તો તેને ખૂલ્લો પાડવો છે. આત્મવિલોપનના માર્ગે જતા કિશોરને અટકાવવો છે. મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે. જાહેર કે ખાનગી મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. તમે પોતે જ તમારા વિચારો ભૂલ્યા નહી હો.”
સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, “દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.”
“તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો. પણ ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી. “
“તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થઇ શકે.”
“બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. પછી તગડા રાજકારણ વિષે પણ તમે પાનાં ભરી ભરીને લખી શકો. એવા રાજકારણને દૂર કરવા માટે સુચનો, માર્ગદર્શન કે હાકલા-પડકારા કરી શકો… ખરેખર તમે સમાજની રાતદિવસ સેવા કરો છો….”
સનતકુમાર ચૂપ થઇ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.
યુવાન ઊભો થયો. “માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. આજની આ સાંજનો કોઈ વાર્તામાં ઉપયોગ કરવાથી વિશેષ કામ તમે નહિ કરી શકો. એવી મને ખાતરી છે. “
એટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા કાઉન્ટર પર પૈસા ચૂકવતો ગયો.
સનતકુમાર જવા માટે ઊભાથયા ને ફરીથી બેસી ગયા. તેમણે એક ચાનો ફરીથી ઓર્ડર આપ્યો અને યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ વાર્તા બનાવવામાં કરવો કે નહિ તેની ગડમથલમાં ડૂબી ગયા.
[લગભગ વીસ વર્ષો પહેલાની આ વાર્તા છે. આપ સહુને ખ્યાલ આવશે જ કે - ઘણું ઘણું બદલાયું છે છતાંઘણું ઘણું એમનું એમ જ રહ્યું છે.]
Like this:
Like Loading...