જિંદગીમાં આયોજન જરૂરી છે. ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે. એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. પછી ભલે છેવટે એમ માનવું પડે! પરંતુ શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.
છતાંય એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીકક નાનીમોટી ખુશીઓ આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે. કોઈ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ, ક્યારેક કોઈ જીવતુંજાગતું સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય; એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી! અરે! એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે કેમેરો પણ એણે હાથવગો હોતો નથી!
કોઈ માણસ પોતાના આયોજન મુજબ સફરમાં નીકળે છે. એક બસ ચૂકી જાય છે. એના અફસોસનો પાર રહેતો નથી. બીજી બસ પકડે છે. એમાં બેસવાની જગ્યા પણ મળતી નથી. વચ્ચે એકાદ સ્ટેશન પર એને જગ્યા મળે છે. બાજુમાં બેઠેલા માણસ સાથે વાતચીતની શરૂઆત થાય છે. બંનેના રસના વિષયો સરખા હોય છે. છુટા પડતી વખતે નવો પરિચિત માણસ એને પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપે છે. એ કાર્ડ એની જિંદગી બદલી નાખે છે! હા, એ કાર્ડનાઆધારે ફરીથી મુલાકાતો થાય છે. એ મુલાકાતો એને પોતાનો વ્યવસાય જમાવવામાં એવો તો ભાગ ભજવે છે કે, બંને વચ્ચેની પહેલી મુલાકાત એને ચમત્કાર જ લાગે છે! એના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે એણે જરૂર આયોજન કર્યું હોય, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું માટેનું આયોજન કોણે કર્યું હશે?
‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે! એ મુલાકાત મોટાભાગે આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને ઘેરથી નથી નીકળતાં! પછી એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનામોટા આયોજનો થાય એ અલગ વાત છે!
વિજ્ઞાનની કેટલીય શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે!
સામાન્ય આનંદ મેળવવા માટે પરિવાર ભેગો થયો હોય, એમાં કોઈ એકાદ વાનગી બનાવી હોય અને એ વાનગી સમય જતાં એ પરિવારની ‘પ્રૉડક્ટ ’ તરીકે નામના મેળવે!
પરંતુ, કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’ વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ દુખદ અકસ્માતો પણ થતા હોય છે. કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે. એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે. વિજ્ઞાનના કે ટેક્નૉલોજિની મદદથી જીવનને સુવિધાભાર્યું બનાવવું એ અલગ વાત છે અને વિધિઓ કરાવીને ચમત્કારની આશા રાખવી એ અલગ વાત છે.
તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં. કદાચ કોઈ સુખદ અકસ્માત મારી રાહ જોતો હોય!
આવજો અને જલસા કરજો.

