[બેસણાલાયક] ફોટો ————– યશવંત ઠક્કર

મિત્રો,

૧૯૯૬માં લખેલી એક વાર્તા ટૂંકાવીને અહીં રજૂ કરું છું. આ વાર્તા ‘ગુજરાત સમાચાર ‘ આયોજિત વાર્તા-સ્પર્ધામાં તે  વખતે આશ્વાસન ઇનામને પાત્ર ઠરી હતી. ઇનામ રૂપિયા ૫૦૦ જાહેર થયું હતું. જે કોઈ કારણસર મળ્યું નહોતું! :D પરંતુ, આપના પ્રતિભાવો [જો મળશે તો]એ ખોટ પૂરી કરી દેશે.

ફોટો —— 

‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો.

બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો.  દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ  એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે? દીવો કોને કરશે? બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો  એમના હાથ કોના ફોટાને જોડશે?’

ફુઆના બેસણાની તૈયારી વખતે જ એ રહસ્ય બહાર આવ્યું હતું કે એમનો, બેસણાને લાયક એવો  એકાદ ફોટો પણ ઘરમાં નથી. એમના દીકરાઓ નિરાશ થઈ ગયા હતા. “અરેરે! બાપુજીનો એકાદ સારો ફોટો પણ તમારા ઘરમાં નથી? હદ કહેવાયને?’ લોકોની આવી ટીકાનો એમની પાસે કોઈ જવાબ નહોતો. એમના ઘરમાં કે ધંધામાં ‘બાપુજી’ના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ને ‘બાપુજી’એ ક્યારેય પોતાનો મોટો ફોટો તૈયાર કરવાનું કહ્યું જ નહોતું. ‘બાપુજી’ના ન હોવાના દુઃખથી વિશેષ દુઃખ; ‘બાપુજીનો ફોટો’ ન હોવાનું એ દિવસે બધાં કુટુંબીજનોએ અનુભવ્યું હતું.

બેસણાનો સમય નજીકને નજીક આવી રહ્યો હતો. બળવંતરાય ફુઆના ફોટાની રાજ જોઈ રહેલી સજાવેલી-ધજાવેલી ખુરશીને વિચારોની ઉથલપાથલ સાથે જોઈ રહ્યા હતા.

કિમતી જણસ ખોવાઈ ગઈ હોય અને  જેવા ખાંખાંખોળા થાય એવા ખાંખાંખોળા ફૂઆનો ફોટો શોધવા માટે ઘરમાં થવા લાગ્યા. પણ, ફોટો હોય તો હાથમાં આવેને? એ વખતે તો બધાંના જીવ અધ્ધર થઈ ગયા હતા. બેસણામાં ફોટો ન હોય તો તો ડૂબી મરવા જેવું થાયને?

ત્યાંતો, મોટા દીકરાની વહુએ એક આલ્બમમાંથી ‘બાપુજી’નો એક નાનકડો ફોટો શોધી કાઢ્યો હતો. દીકરાઓએ સંકોચસહ એ નાનકડા ફોટાને ખુરશીમાં પધરાવ્યો હતો. મોટા હારમાંથી નાનો હાર કરીને ફોટાને ચડાવ્યો હતો, દીવો કર્યો હતો ને હાથ જોડ્યા હતા.

.. ને બેસણામાં લોકો આવવા લાગ્યા હતા.

ખુરશીમાં પધરાવેલા નાનકડા ફોટાનું હોવું, ન હોવા બરાબર હતું. આથી ઘણાંને ખુરશી ખાલી હોવાનો ભ્રમ થતો હતો. સમગ્ર બેસણા દરમ્યાન બળવંતરાય માટે આ પરિસ્થિતિ, પોતાના મોટા કદના ફોટા અંગે કશું ગંભીરતાથી વિચારવાનું કારણ થઈ પડી હતી. લોકોની ગુચપુચ એમણે સરવા કાને સાંભળી હતી. ગુચાપુચનો સાર એ હતો કે- ‘આવડા મોટા શેઠનું બેસણું ને આવડો નાનો ફોટો!’

ફુઆના બેસણામાં બેઠાં બેઠાં જ બળવંતરાયે પોતાના બેસણાની કલ્પના કરી હતી. ઘરમાં પોતાનો મોટા કદનો એકેય ફોટો નથી એ  હકીકતથી પોતે ધ્રૂજી ઊઠ્યા હતા. ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ એમણે એ જ ક્ષણે થઈ હતી. પોતાનું બેસણું હશે ને પોતાનો મોટો ફોટો નહીં હોય ત્યારે દીકરાઓએ કેવી દોડાદોડી કરવી પડશે એવી એમની ચિંતામાં જ ફુઆનું બેસણું પૂરું થઈ ગયું હતું.

ફુઆના બેસણામાં મેળવેલા તત્વજ્ઞાનની રજૂઆત બળવંતરાયે ઘેર આવ્યા પછી પોતાની પત્ની રમાબહેન સમક્ષ કરી ત્યારે રમાબહેને પોતાનો સ્વભાવગત છણકો કર્યો હતો કે: “તમે આવી નકામી વાતો કરવા કરતાં ચૂપ રહો તો વધારે સારું.”

બળવંતરાયે વળતી દલીલ કરી હતી કે: “ધાર કે હુ સદાને માટે ચૂપ થઈ જાઉં તો મારા બેસણામાં કામ લાગે એવો એકેય ફોટો આપણા ઘરમાં છે ખરો?” ને રમાબહેન યથાશક્તિ વિફર્યાં હતાં: ”છોકરા હજી નાના છે ને તમને મરવાની ને બેસણાની વાતો કરતાં શરમ નથી આવતી? કરવા જેવાં બીજાં ઘણાં કામ છે એ કરવાનું નથી સૂઝતું? ”

આ સિવાયના પણ, રાતી કીડીના ચટકા જેવા કેટલાય સવાલો રમાબહેને કરી નાખ્યા હતા જેના જવાબમાં બળવંતરાય પાસે મૌન સિવાય બીજું કશું જ ઉપલબ્ધ નહોતું. નહોતું વાંચવું તોય એ છાપું વાંચવા લાગ્યા હતા. પરંતુ, છાપામાં ખડકાયેલી, બેસણાની જાહેરાતોએ એમને, ઘરમાં પોતાનો મોટો ફોટો ન હોવાની ચિંતામાં ફરીથી ડૂબાડી દીધા હતા. રમાબહેનનો દીર્ઘ બબડાટ પણ એમની ચિંતામાં ભંગ પાડી શક્યો નહોતો.

… પછી તો સમયે જાણે કે દોટ મૂકી હતી. છોકરાઓ મોટા થવાની સાથે સાથે બળવંતરાયથી દૂર પણ થઈ ગયા હતા. ઘરની ભીંતો પરથી રંગો અને તારીખિયાં બદલાતાં ગયાં. પરંતુ, મોટો ફોટો પડાવવાનો વિચાર બળવંતરાયના મનમાંથી ઉખડવાનું નામ નહોતો લેતો. એમાંય જ્યારે જ્યારે કોઈના બેસણામાં હાજરી આપતા ત્યારે ત્યારે બળવંતરાય સ્વર્ગસ્થના મોટા ફોટાને ધ્યાનથી જોતા અને વિચારતા કે: ‘ફોટો પડાવવો તો આવો જ મોટો અને રંગીન પડાવવો. જાણે કે હમણાં જ બોલી ઊઠે એવો.’

બેસણામાં વાતો ચાલતી હોય કે ભજનકીર્તન ચાલતાં હોય,પણ બળવંતરાયના મગજમાં વિચારો ધક્કામુક્કી કરતા હોય. …’ગાંડીતૂર નદીની જેમ જિંદગી ભાગતી જાય છે પણ, હુ મારો એક મોટો ફોટો તૈયાર નથી કરાવી શક્યો. મોત તો ગમે ત્યારે બાવાફકીરની જેમ આવીને ઊભું રહેશે તો ના ઓછી પડાશે? આપણે તૈયારીમાં રહેવું સારું. આ રમા જ નકામી છે. એ જો મોત કે બેસણાના નામ પર છણકા ન કરતી હોત તો તો હુ કે દહાડાનો સ્ટુડિયોમાં પહોંચી ગયો હોત ને એક સરસ મજાનો ફોટો પડાવી લીધો હોત. ફોટો તૈયાર હોય તો, દીકરાઓને કેટલી નિરાંત! મારા બેસણા વખતે ફોટા માટે દોડાદોડી તો નહિને? એ લોકો તો  પોતપોતાની દુનિયામાં મસ્ત છે. એમને તો આવી વાતનો વિચાર પણ ન આવે. બિચારા મારા બેસણા ટાણે ઘાંઘા થઈ જશે. સગાંવહાલાં તો વાંક કાઢવામાં શૂરાં છે. મેણાં મારી મારીને દીકરાઓને દુઃખી દુઃખી કરી નાંખશે.’

મોટો ફોટો તૈયાર કરાવી રાખવાનો બળવંતરાયનો એ વિચાર, નવીનચંદ્રના બેસણા પછી તો કાચ પાયેલા દોરા જેવો પાકો થઈ ગયો હતો. નવીનચંદ્ર, બળવંતરાયના પાડોશી કંચનલાલનો જમાઈ હતો ને પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ, બીજાના ફોટા તૈયાર કરી આપનાર નવીનચંદ્ર પોતાનો જ એકાદ મોટો ફોટો તૈયાર કરી શક્યો નહોતો. વળી, એની ઉંમર પણ દુનિયામાં માત્ર ફોટા રૂપે જ રહી જવાની નહોતી. તેથી, સ્વાભાવિક છે કે, એણે ક્યારેય પોતાના બેસણાની અશુભ કલ્પના કરી જ ન હોય.

નવીનચંદ્રનું બેસણું પણ એના એકાદ નાના ફોટાની સાક્ષીએ આટોપી લેવું પડ્યું હતું. બળવંતરાયને આ ઘટના બીજી વખતની ચેતવણી સમાન લાગી. એમને થયું કે: ‘હવે મારો મોટો ફોટો તૈયાર કરવામાં આળસ કરું તો મારા જેવો કોઈ મૂરખ નહિ.’ એ બેસણામાંથી ઊભા થતી વખતે બળવંતરાયે પ્રતિજ્ઞા લીધી કે: “આવતી કાલે હુ મારો મોટો  ફોટો પડાવવા ‘છાયા સ્ટુડિયો’માં જઈશ અને મને દુનિયાની કોઈ તાકાત મને  એમ કરતાં રોકી નહિ શકે.”

*******************

બળવંતરાયે છેલ્લાંમાં છેલ્લાં સિવડાવેલાં ને ધોવાઈને ઇસ્ત્રી થયેલાં પેન્ટ-શર્ટ પહેર્યાં. ઉપર જૂનો કોટ ચડાવ્યો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બૂટ-મોજાં પહેરવાનો પ્રસંગ જ આવ્યો નહોતો. આજે આવ્યો. માથા પર જે થોડાઘણા વાળ ટકી રહ્યા હતા એને તેલ નાખીને ઠીક કર્યા. મોઢા પર પાવડર લગાડવાની ઇચ્છા થઈ. પણ, પાવડરનો ડબ્બો વર્ષોથી ખાલી હતો. ‘સ્ટુડિયોમાં હશે.’ એમણે મન મનાવ્યું ને દાઢી કરેલા ચહેરા પર હાથ ફેરવ્યો.

“હુ ફોટો પડાવવા જઉં છું. તારે આવવું હોય તો ચાલ.” એમણે રમાબહેનને કહ્યું.

“તમે જાવ. મારે નથી આવવું.” રમાબહેને રોજિંદો છણકો કર્યો.

“જેવી તારી ઈચ્છા.”

“ચાલ્યા પરણવા.” રમાબહેને સંભળાવ્યું.

“પરણીનેય આવું.” બળવંતરાયે સામું સંભળાવ્યું.

“વહેલા આવજો.”

“વહેલો જ આવીશ. તું પોંખવાની તૈયારી રાખજે.” બળવંતરાય ખાટુંમીઠું વેણ બોલીને ખડકીની બહાર નીકળી ગયા.

બળવંતરાય શેરીના નાકે પહોંચ્યા ત્યાં તો એમને થાક જેવું લાગ્યું. ‘રોજ તો આવું નથી થતું. આ તો શેરીનું નાકું! હુ તો ક્યાં ક્યાં પહોંચું છું!’ એમને મનમાં થયું. એમને એક બાજુ ઊભા રહી જવાનું ઠીક લાગ્યું.

પૂરપાટ દોડતાં વાહનો, હાંફળા-ફાંફળા લોકો, માથાં ઉલાળતી ગાયો, હોર્નનો અવાજ, ફેરિયાઓની બૂમો, હવામાં ભળેલી જાતજાતની ગંધ ને ઉપરથી તાપ વરસાવતા સૂરજનારાયણ. બળવંતરાયને સમગ્ર વાતાવરણ રોજિંદું હોવા છતાં આજે કઠ્યું. એમણે ઘેર પાછા ફરી જવાનો વિચાર આવ્યો. જે વળતા વિચાર સામે ટક્યો નહિ. ‘આજે તો પાછા પડવું જ નથી. આવું કામ તો રહી જાય તો રહી જ જાય.’ એવું વિચારતાં  એ  વળી આગળ વધ્યા.

“કાં બળવંતકાકા, કઈ બાજુ?” અરવિંદ ચાવાળાએ બૂમ પાડી.

“જરા ચકકર મારવા નીકળ્યો છું.” બળવંતરાય અરવિંદની લારી પાસે જઈને બોલ્યા. એમને, ફોટો પડાવવાની વાત કહેવી  ઠીક ન લાગી.

“લો લગાવો.” અરવિંદે ચાનો કપ ધર્યો.

“ના. ચા તો પીને જ નીકળ્યો છું.”

“લગાવોને બળવંતકાકા, ભેગું શું લઈ જવાનું છે?”

બળવંતરાયને ચાના એકેએક ઘૂંટડે મજા આવી. એમને હવે થોડું સારું લાગ્યું. એમણે ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી તો અરવિંદે ના પાડતાં બોલ્યો: “રહેવા દો કાકા, મેં પ્રેમથી પીવડાવી છે.”

બળવંતરાય જાણતા હતા કે-અરવિંદની એક વખતની ‘ના’ એટલે ‘ના.’ એમણે બે રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દીધી. થોડી આડીઅવળી વાતો કરીને એમણે અરવિંદની રજા લીધી.

થોડુંક ચાલ્યા ત્યાં તો એમના હાથપગ ફાટવા લાગ્યા. ‘હશે!’ એમણે મન મનાવ્યું: ‘હવે ઉંમર થઈ. નાનીમોટી તકલીફો તો થવાની.’

‘પણ આટલું બધું અહક જેવું કેમ લાગે છે?’ એમના મનમાં પ્રશ્ન જાગ્યો. તો મનમાંથી સામો રોકડા રૂપિયા જેવો જવાબ મળ્યો: ‘લાગે એ તો. હવે શરીરનો વાંક છે? ઘરડું થયું બિચારું! ખૂબ દોડાદોડી કરી. હવે તો થાકેને? આ તો  જીવન-સંધ્યાની વેળા! પીળા પાનની જેમ ખરી પડવાની વેળા!’

‘ના…ના.’ એમના  મનમાંથી પોકાર ઊઠ્યો: ‘એમ  મોત ક્યાં રેઢું પડ્યું છે કે ડાળ પરથી પીળું પાંદડું ટપકે એમ ટપકી પડે! એવું મોત તો ભાગ્યશાળીને જ મળે. બાકી; ડાયાબિટિશ, દમ કે કેન્સરના નામે રોજ થોડું થોડું મરવાનું. એક્ષ-રે, કાર્ડિયાગ્રામ, ઇન્જેકશનો ને ગ્લુકોઝના વિવિધ કોઠા વીંધીને દવાની રંગબેરંગી ગોળીઓ પર પગલાં મૂકતું મૂકતું મોત પધારે ત્યાં સુધી પીડા ભોગવતાં ભોગવતાં એની રાહ જોયા કરવાની!’

‘રસ્તો આજે લાંબો થતો જાય છે! સાલો આજે મારી સામે રમતે ચડ્યો છે. ‘ બળવંતરાયને રસ્તા પર ખીજ ચડી. ‘નહિ તો છાયા સ્ટુડિયો આટલો બધો દૂર નથી. એવું હોય તો તો રિક્ષા જ ન કરું? થઈ થઈને કેટલું ભાડું થાય? ત્રણ રૂપિયા! અરે, પાંચ થાય તોય શું? પણ, કારણ વગરને?’

‘ આ છેલ્લી વખત. કાલથી દેહને આવી તકલીફ નથી આપવી. આ તો આવું જરૂરી કામ છે એટલે. કાલથી ઘરની બહાર નીકળે એ બીજા!’ એમણે  ભવિષ્યમાં આરામ જ ફરમાવવાનું નક્કી કરી નાંખ્યું.

…પોરો ખાતાં ખાતાં બળવંતરાય ‘છાયા સ્ટુડિયો’નાં પગથીયે પહોંચી ગયા. ડૂંગર ચઢતાં હોય એમ એ પગથિયાં ચડ્યા ને ‘હાશ!’ કહેતાંકને સ્ટુડિયોના બાંકડે બેસી ગયા.

“ભાઈ, એક રંગીન ફોટો પાડી દે ને કૉપી મોટી કાઢજે.” એમણે હાંફતાં હાંફતાં કહ્યું.

“કાકા, પહેલાં થાક ખાઈ લો.” ફોટોગ્રાફરે કહ્યું. એના હાથમાં પીંછી હતી ને એ એક ફોટાને છેલ્લો ઓપ આપી રહ્યો હતો.

“હુ ઉતાવળમાં છું ભાઈ, તું જલ્દી કર.”

“એવું હોય તો જાવ અંદર. હુ એક જ મિનિટમાં આવ્યો.”

બળવંતરાય અંદર ગયા ને એક ખુરશી પર બેસી ગયા.  એમને લાંબા થઈને સૂઈ જવાનું મન થયું. મન આરામ માટે કજિયે ચડ્યું હતું. એમણે મનને મનાવ્યું: ‘ઘેર જઈને આરામ જ કરવાનો છેને? આ તો આવું કામ હતું એટલે બહાર નીકળવું પડ્યું. કાલથી બહાર નીકળવાનું જ નહિ.’

અરીસા તરફ નજર જતાં બળવંતરાય ઊભા થયા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો. હસ્યા. પોતે નોકરીએ લાગ્યા ત્યારનો પોતાનો ચહેરો એમને યાદ આવી ગયો.  ‘તું શું હતો ને શું થઈ ગયો?’ એ બબડ્યા. પાવડરના ડબ્બામાંથી થોડો પાવડર લઈને એમણે પોતાના મોઢા પર લગાડ્યો. માથા પર કાંસકો ફેરવ્યો. ત્યાં તો ફરી થાકી ગયા અને ખુરશી પર જઈને બેસી પડ્યા.

‘ફોટોગ્રાફર હજુ આવ્યો નહિ.’ બળવંતરાય  અધીરાઈથી બારણા તરફ જોઈ રહ્યા. એમને પોતે પહેરેલો કોટ સાંકડો ને સાંકડો થતો જતો હોય એવું લાગ્યું. એમણે કોટનું  ઉપરનું બટન ખોલી નાંખ્યું. ‘ચાલને ભાઈ..’ બૂમ પાડવા જતા હતાં ત્યાં તો ફોટોગ્રાફર આવી ગયો. એને જોઈને બળવંતરાયની આંખોમાં ચમક આવી ગઈ. એમની નજર સામે પોતાનો રંગીન ફોટો તરવરવા લાગ્યો. વર્ષોજૂની ઈચ્છા પૂરી થવાની ક્ષણ આવી પહોંચી હતી એટલે એમનું મન રાજી રાજી થઈ ગયું.

ફોટોગ્રાફરે ફોકસ ગોઠવ્યાં. ‘કાકા, કોટનું બટન બંધ કરો ને જરા ટટ્ટાર બેસો.”  એણે સૂચના આપી.

બળવંતરાયે કોટનું બટન બંધ કર્યું અને ટટ્ટાર બેઠા. એમને કોટાની ભીંસ ફરી અનુભવી. પણ હવે આ તો ફોટો પડાવવાનો હતો! રંગીન અને મોટો! હમણાં જ બોલી ઊઠે એવો! ‘કોટનું બટન ખુલ્લું હોય તો કેવું ખરાબ લાગે? કોટની ભીંસ તો કેટલી વાર માટે? કેમેરાની ચાંપ દબાય ત્યાં સુધી જ ને? એવી ભીંસને કોણ પૂછે છે?’ એમણે મનને મજબૂત કર્યું.

ફોટોગ્રાફરે કેમેરાની આંખમાંથી ફરી જોયું. એણે બળવંતરાયને ફરીથી ટોક્યા: ‘કાકા, જરા ઢીલા બેસો. નેચરલી બેઠાં હો એમ બેસો.”

બળવતરાય થોડા ઢીલા થઈને બેઠા ને મનમાં બબડ્યા: ‘તું જલદી કરને ભાઈ.”

‘કાકા, મોઢું થોડું ઊંચું કરો. ‘ ફોટોગ્રાફર બોલ્યો. બળવંતરાયે મોઢું ઊંચું કર્યું. ‘થોડું. આટલું બધું નહિ.” ફોટોગ્રાફના અવાજમાં થોડો ઠપકો પણ ભળ્યો.

બળવંતરાય મનોમન અકળાયા. મોઢું નીચું કરતી વખતે એમને લાગ્યું કે પોતે અંદરથી માટીની ભેખડ તૂટે એમ તૂટી રહ્યા છે. … અને આ ફોટોગ્રાફર નખરા કરે છે. આમ ને આમ જો વાર લગાડશે તો ફોટો પડી રહ્યો! ‘આનાથી વધારે સરખા બેસવાની હવે ત્રેવડ નથી. બસ, એક વખત કેમેરાની ચાંપ દબાઈ જાય તો ગંગા નાહ્યા…” એમના મનમાં હવે આ એક જ પોકાર હતો.

પરંતુ, ફોટોગ્રાફરે તો કેમેરાની ચાંપ દબાવવાને બદલે કેમેરાને જ આંખોથી અળગો કર્યો. એણે બળવંતરાયની પાસે આવીને પોતાના બંને હાથથી બળવંતરાયના ચહેરાને ગોઠવ્યો.

“ભાઈ, જલદી કરને.” બળવંતરાયે અકળાઈને કહ્યું.

“કાકાં, તમારે ઉતાવળ છે. પણ, ફોટો તો મારે પાડવાનો છેને? ફોટો વ્યવસ્થિત ન આવે તો મને મજા ન આવે.” ફોટોગ્રાફર કેમેરાને ફરીથી પોતાની આંખ સામે રાખતાં બોલ્યો.

“એ વાત પણ સાચી.” બળવંતરાયનું મન બોલ્યું. “ફોટો તો એવો હોવો જોઈએ કે જોનારને એમ જ લાગે કે બળવંતરાય હમણાં જ બોલી ઊઠશે.”

“રેડી…?”  ફોટોગ્રાફરે ચાંપ દબાવવાની તૈયારી સાથે પૂછ્યું.

“હુ તો રેડી જ છું.” બળવંતરાયને બોલવાનું મન થયું પણ એમનાથી બોલાયું નહિ.

“જરા સ્માઈલ”  બળવંતરાયને સાત સમંદર પારથી આવતો હોય એવો, ફોટોગ્રાફરનો અવાજ સંભળાયો. એમણે પોતાના હોઠ પહોળા કર્યા.

“બસ… બસ.” ફરીથી, દૂર દૂરથી આવાતો હોય એવો અવાજ સંભળાયો.

બળવંતરાયને લાગ્યું કે સમય ખોટી રીતે વેડફાઈ રહ્યો છે. ફોટોગ્રાફર કેમેરાની ચાંપ ડાબે એ માટે એમના રોમ રોમમાં તડપ જાગી હતી.

‘એમજ  સ્થિર રહેજો અને નજર સીધી..”

બળવંતરાયને કોઈ અદૃશ્ય શક્તિ પોતાને દોરવણી આપી રહી હોવાનો અનુભવ થયો.  તેઓ સ્થિર થઈ ગયા. એમની નજર કેમેરાના કાચ પર સ્થિર થઈ ગઈ. અર્જુનને જેમ ચકલીની માત્ર આંખ દેખાતી હતી એમ એમને કેમેરાનો માત્ર કાચ દેખાતો હતો. એમનું એકમાત્ર ધ્યેય એ કાચમાં સાજાસમા ઝીલાઈ જવાનું હતું.

સ્થિર થઈ ગયેલા બળવંતરાયને કેમેરાના કાચમાં આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયેલું દેખાયું. આખું બ્રહ્માંડ! જે ક્યારેક અર્જુને શ્રીકૃષ્ણના મુખમાં દીઠ્યું હતું. પછી, બળવંતરાયને સ્થિર થઈ ગયેલો ક્ષીરસાગર દેખાયો ને દેખાયા શેષનાગ. શેષનાગની ફેણ પર લાંબા પગ કરીને બિરાજેલા ભગવાન વિષ્ણુ દેખાયા અને દેખાયાં એમના પગ દાબતાં લક્ષ્મીજી. ને દેખાયા કોટિ કોટિ દેવતાઓ. જે સૌ નભમાં સ્થિર થઈ ગયા હતા. ને સ્થિર થઈ ગઈ હતી ઘરના બારણે ઉભેલી રમા.

એ સહુ કેમેરાની ચાંપ દબાય એ ક્ષણની રાહમાં આકુળવ્યાકુળ હતાં.

બળવંતરાયને કેમેરાની આંખમાં એક ચમકારો દેખાયો. પછી તો કેમેરામાંથી જાણે કે પ્રકાશનો પૂંજ છૂટ્યો.  વિષ્ણુ અને લક્ષ્મીજીના હાથ આશીર્વાદ આપવા કાજે અધ્ધર થયા. દેવતાઓ દંદુભિઓ વગાડવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બળવંતરાયને લાગ્યું કે પોતે ફૂલોની નીચે ઢંકાઈ જશે.

“બસ કરો… બસ કરો..” બળવંતરાય બોલવા ગયા પણ, એમના ગળામાંથી અવાજ ન નીકળ્યો.

“ઓકે..” ફોટોગ્રાફર બારણા તરફ વળતા બોલ્યો.

પરંતુ, એ બારણું ખોલે તે પહેલાં તો ‘ધડીંગ’ અવાજ થયો. એણે ચમકીને પાછળ જોયું તો બળવંતરાય ખુરશી પરથી ખરી પડ્યા હતા.

[સમાપ્ત]

એક રચનાત્મક વાર્તા

મિત્રો… પોરબંદરથી શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલેલી  વાર્તા વાંચો…

રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.

અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી,જેમાં એક વાર્તા લખેલી હ્તી,જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.”એક હ્તી કોયલ.તે એક વાર માંદી પડી.તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે..એની ખબર કાઢનારા કહે,’અ ર ર ર,તારો અવાજ બેસી જ્શે?

હાય હાય….હવે તારી જિંદગી.!’કોયલ કહે,’ભલે અવાજ બેસી જતો.એ પાછો ઊભો થઇ જ્શે.બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઇ આખું જીવન નકામું નહીં થઇ જાય,કાગડાકાકા !હું કાંઇ એમ હિમત હારું એવી નથી.અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું કા એમાં નાપાસ થયા,બસ એટલું જ….તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા,પરંતુ,પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી.તમારી સામે આખી જિંદગી પડી છે.

હજી ઘણી બધી તકો,પ્રવત્તિઓ છે.કાળઝાળ ગરમીમાં એક વખત્ પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સુકીભઠ્ઠ થઇ નથી જતી,વાંદરાભાઇ !એ એમ નથી વિચારતી કે” આપણી જિંદગી ખતમ”.પાક ખાલી એક જ વાર બગડ્યો છે,પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઉગશે,એટલું જ નહીં,ચોતરફ અનેરી હરિયાળી લહેરાઇ ઊઠશે,કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે,તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી.અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત.”કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.”.એટલે હું નિરાશ થઇ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’….ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઇ……
……..ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ,…’લે તું ક્યારે રૂમની અંદર ઘુસી ગયો દીકરા!!?અચ્છા,તો એ કાગળ તારા હાથમાં છે એમ ! કેવી લાગી વાર્તા?

‘સરસ છે પપ્પા’રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા,’તને નવાઇ લાગે છે ને કે આ બધું !! એક પુસ્તકે મને જ્ગાડ્યો જેમાં લખેલું કે”તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું,કંઇક નવું. અનોખું કરી બતાવો.”બેટા,નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,પણ છેલ્લા વીસ વરસથી ધંધા,નફા,પૈસા..વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો,પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિધાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઇ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે;તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઇ નવી આશા,શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું.ને દીકરા સાચું કહું?આ વાંચીને વિધાર્થી વગેરેને તો મળશે જ,પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું.જો આ ચિત્રો.’

પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું,બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું.રમેશે ચિત્રો જોયા ને પછી તે ઘરની બહાર નીકળ્યો………….. ………દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો.પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો,’પપ્પા,સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો.પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો.હું ત્યાંથી પાછો ન્હોતો આવવાનો,પણ્ તમારી વાર્તા,ચિત્રો વગેરે જોઇ હું ઘેર પાછો ફર્યો છું.

બધા માબાપ તમારા જેવા હોય જે મિત્ર બની સાચું વહાલ કરે,ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે.થેંક્યુ પપ્પા.’થોડીવાર સાવ શાંતિ છવાઇ ગઇ.ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા,’બેટા,એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા છતાં સફળ થયા છે.પરીક્ષા મહત્વની છે જે દિલ દઇ પૂરી મહેનત કરી આપો,પણ્ એની જ ફૂટ્ટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો.ને ખાલી અભ્યાસક્ર્મના ચોપડા જ ન વાંચો.બીજું પણ વાંચો.થોડું નાચો-ગાઓ,હરો-ફરો તો ટેંન્શન જાશે,આનંદ આવશે,ને ઊલટું વધુ યાદ રહેશે.પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી.એની બહાર પણ એક સુંદર જીવન છે.સચિન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો..

ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.ઝીરોમાંથી હીરો બની જાય છે.હારો ભલે,પણ હિંમત ન હારો.બેટા,તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા,પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે.અભિનંદન.આ સદ્ગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાય ક્યાંય વધુ છે..ચાલ,એના માનમાં થોડો મસ્ત ડાંન્સ થઇ જાય.’….ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા.બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

***********************************************************************

“અસર”ના વાચક  મિત્રો,  આ  વાર્તા પોરબંદરના  શ્રી દુર્ગેશ ઓઝાએ મોકલી છે. પ્રેરણા કે બોધ આપતી વાર્તાઓ તો ઘણાંય લખે. પરંતુ દુર્ગેશ ઓઝાએ માત્ર વાર્તા લખીને કે છપાવીને સંતોષ નથી માન્યો.  જેના સુધી આ સંદેશો પહોંચવો જોઈએ તેના સુધી પહોંચાડવાના શક્ય તેટલા ઉપાયો પણ અજમાવ્યા. લીઓ કલબના સહકારથી વાર્તા  અને સાથે સાથે ઉમદા સંદેશો પરિક્ષા વખતે જ પોરબંદરમાં ઘેર ઘેર પહોંચાડ્યો.  જે પ્રયાસ બદલ લોકોએ સારા પ્રતિભાવો પણ આપ્યા.

એક ઉમદા હેતુ કાજે અસર બ્લોગને  યોગ્ય ગણવા બદલ અમે એમના આભારી છીએ.

શ્રી દુર્ગેશ ઓઝાનો સંપર્ક માટે મોબાઈલ નંબર —  9898164988

મિત્રો… બોર્ડની પરિક્ષાના પરિણામો આવે ત્યારે જે  સારા માર્ક્સથી પાસ થયા હોય તેમને ત્યાં આનંદ ..આનંદ  ને આનંદ! ને જેમને પરિક્ષામાં નિષ્ફળતા મળી હોય તેમને ત્યાં રાંધ્યાં ધાન રઝળી જાય! વહાલથી ઉછેરેલાં સંતાનો હીબકા ભરે! મનમાંને મનમાં ગુનાહિત  ભાવો અનુભવે! ઘરની બહાર નીકળતાં શરમ અનુભવે! માબાપને એમ લાગે કે -બસ બધું ખલાસ થઈ ગયું!

ને આવી ભારેખમ ક્ષણોનેના ભારને સહન ન કરી શકનાર સંતાન ન ભરવા જેવું પગલું ભરી લે એ ક્યાંનો ન્યાય ?

ક્યાં સુધી આવું ચાલ્યાકરે?

કેટલાક લોકોને લાગ્યું કે  અટકવું જ જોઈએ.  ને એ લોકોએ  સમાજને એ માટે  સંદેશો પહોંચાડવા પોતાની તાકત કામે લગાડી.કેટલાક લેખકોએ  અને પત્રકારોએ પોતાના લખાણો દ્વારા આ વાત વાચકો સુધી પહોંચાડી.  સમાજના  કેટલાક આગેવાનોએ પોતાની વગ આ સંદેશો લોકો સુધી પહોંચાડવાની પોતાની ફરજ બજાવી.

 અમારો પણ આ એક નમ્ર પ્રયાસ છે.

મિત્રો… જે પરિક્ષામાં પાસ થયા હશે તેમને ત્યાં પેંડા ખાવા તો સહુ જશે! પરંતુ જે નાપાસ થયા હોય તેમને ત્યાં માત્ર આશ્વાસન જ નહીં .. હિંમત અને વિશ્વાસ આપવા જનારા  પણ હોવા જ જોઈએ!

મોટીબહેન

મિત્રો,

આવતી કાલે વુમન્સ ડે  છે. આજે  બે મહિલાની વાર્તા લઈને આવ્યા છીએ. એક મોટીબહેન અને બીજી નાની બહેન. સુખદુ:ખની વાતો કરતાં કરતાં નાની બહેને મોટી બહેનનએ એક સવાલ પૂછી નાખ્યો! … એ સવાલ ક્યો હતો અને એનો જબાબ મોટીબહેને કેવો અને કેવી રીતે આપ્યો તે જાણવા માટે આ વાર્તા વાંચવી જ રહી…

“મોટીબહેન” – યશવંત ઠક્કર

નયનાનો પત્ર આવ્યો. પૂરાં ચાર પાનાં ભરેલું લખાણ હતું. કુસુમબહેને બે વખત વાંચ્યો. એક વખત ઉતાવળે અને બીજી  વખતે નિરાંતે.  નયનાએ છેલ્લે લખ્યું હતું કે- વિશેષ વાતો રૂબરૂમાં કરીશું.

આખો પત્ર વાંચ્યા પછી વૈશાલીએ હસતાં હસતાં બોલી કે – મમ્મી મોટીબહેને કેવું કેવું લખ્યું છે  નહિ? આટલું બધું લખતાં એમને કંટાળો નહીં આવતો હોય?

- હરખની વાતો લખવામાં કંટાળો શાનો? લખવામાં તો એ જીવ રેડી દે એવી છે. એ ભણતી ત્યારે એની નોટબૂકો વાંચવા  માટે પડાપડી થતી. એક તો અક્ષરો તો મોતીના દાણા જેવા છે ને વળી લખાણ એવું લખે કે, જાણે સામે જ ઊભી ઊભી વાતો ન કરતી હોય! …

કુસુમબહેને તો આવે કેટલીય વાતોનું પુનરાવર્તન કરી નાંખ્યું. વૈશાલીએ આ વાતો અનેક વખત સાંભળી હતી. કુસુમબહેને અનેક લોકોના મોંઢે આ વાતો દોહરાવી હતી. વર્ષો વીતી ગયાં હતાં  છતાં હજુ આજકાલની જ વાતો હોય તેમ તેઓ નયનાની  હોશિયારીની વાતો થાક્યા વગર કરતાં.

નયના ભણવામાં હોશિયાર હતી, એ ગરબામાં નંબર લાવતી હતી, એને ગાવાનો ખૂબ શોખ હતો કે એ નાટકમાં પણ ભાગ લેતી હતી…  વગેરે વાતોમાં સાંભળનારને રસ પડે છે કે નહીં એની પરવા કર્યા વગર કુસુમબહેન સતત બોલ્યા કરતાં ત્યારે વૈશાલી મનમાં ને મનમાં અકળાયા કરતી.

વૈશાલી કોમર્સના બીજા વર્ષમાં હતી.  એણે કોર્સ પૂરો કરવા માટે ઉજાગરા શરૂ કરી દીધા. એની પરિક્ષા મે મહિનામાં હતી અને નયના એ પહેલાં આવી જવાની હતી.  કુસુમબહેન તો નયના  સાથે વાતો કરવામાં જ રોકાઈ રહેવાનાં હતાં.

****

રિક્ષા આવી. કુસુમબહેન દોડતા ઘરમાંથી ઘરની બહાર આવ્યા. નયના એમના ગળે વળગી પડી. મા દીકરી બંનેની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાઈ આવ્યાં. વૈશાલીએ સામાન ઊંચકીને ઘરમાં મૂક્યો. કુસુમબહેને નાનકડાં મયૂર અને મમતાને વારાફરતી ઊંચકીને વહાલ કર્યું.

પછીથી જેમ વૈશાલીએ વિચાર્યું હતું એમ જ થવા લાગ્યું. નયનાને ભાવે એવો નાસ્તો, નયનાને ફાવે એવી ચા, નયના માટે ખાસ સાચવીને રાખેલું અથાણું, નયનાને ભાવે એવું શાક, નયનાને ભાવે એવી દાળ, નયના માટે ખાસ ઓરડો ને નયના માટે ભેગી કરી રાખેલી વાતો…..

દર વખતે આમ જ થતું. નયના આવે એ પછી ઘરમાં જે કાંઈ થતું તે નયનાઓ ખ્યાલ રાખીને જ થતું. પંખાનું રેગ્યુલેટર કે ટી.વી. નું વોલ્યુમ પણ નયનાની ઈચ્છા પ્રમાણે જ રહેતું. વૈશાલીની દશા પણ ક્યારેક ક્યારેક પંખાના રેગ્યુલેટર જેવી  થઈ  જતી હતી.

બપોરે ગિરીશભાઈ દુકાનેથી જમવા આવ્યા

-કેમ છે બેટા? એમણે નયનાને પૂછયું.

-મજામાં છું બાપુજી.

-હરેશકુમાર શું કરે છે?

-એ પણ મજામાં છે, બાપુજી.

-ને તારાં ટાબરિયાં સારાં છે ને?

-હા. બાપુજી.

-તો બસ.

ગિરીશભાઈ હાથપગ ધોઈને બાથરૂમમાંથી બહાર આવ્યા એ દરમ્યાન નયનાએ મયૂર અને મમતાને બૂમ પાડીને બોલાવી લીધાં.

-જુઓ, આ મારા બાબુજી છે એમને પગે લાગો . નયનાએ છોકરાંને કહ્યું.

બંને બાળકો ગિરીશભાઈના પગમાં લાંબા થઈ ગયાં. કુસુમબહેને વહાલથી બંનેને ઊભાં કર્યાં.  ગિરીશભાઈએ બંનેનાં માથાં પર હાથ ફેરવ્યો.

છોકરાંને જે જોઈએ તે આપજો. ગિરીશભાઈએ કુસુમબહેનને કહ્યું ને જમવા બેઠાં.

દર વખતે આમ જ થતું. નયનાના આગમનથી ગિરીશભાઈની દિનચર્યામાં ખાસ ફરક પડતો નહીં. એમનો ખોરાક પણ સાદો જ રહેતો. નયના આગ્રહ કરતી ત્યારે તેનું માન રાખવા એકાદ બટકું મીઠાઈનું કે ફરસાણનું ખાઈ લેતા ને કહેતા: બેટા……મને આવુંબધું હવે ફાવતું નથી. તમે ધરાઈને ખાઓ. મારા તો મારા શાક-રોટલા ભલાં!

રાત્રે પણ તેઓ બેચાર વાતો કરીને પોતાની પથારી ભેગા થઈ જતાં.

ને પ્રણવ તો મનમોજી હતો. એ તો રમવામાંથી જ નવરો પડતો નહોતો. મોટીબહેનની વાતો એને સમજાતી નહોતી. પણ મોટીબહેન સાસરેથી આવે એ એને બહુ જ ગમતું. મયૂર અને મમતાને એ ખૂબ જ રમાડતો. વિદાય લેતી વખતે નયના કુસુમબહેનના ગળે વળગીને રડી પડતી ત્યારે તે પણ રડવા જેવો થઈ જતો.

-અલ્યા, તં તો સંજયદત્ત જેવો ઊંચો થઈ ગયો છે ને? નયનાએ પ્રણવની મજાક કરી ત્યારે તે શરમાઈ ગયો.

વાતવાતમાં એકાદ ફિલ્મને યાદ કરવી કે કોઈને કોઈ અભિનેતા કે અભિનેત્રીનું ઉદાહરણ આપવાની નયનાને આદત પડી ગઈ હતી. કેટલાંક ગીતો તો તેને આખે આખં યાદ હતાં. એમાંય ‘આરાધના’ કે ‘કટીપતંગ’નું ગીત જ્યારે  ટી.વી.ના પરદા પર જોતી ત્યારે ખૂબ જ ભાવુક થઈ જતી. દોઢ દાયકા પહેલાંનો સમય તેની આંખોમાં ઉછાળે ચડતો. વૈશાલી જાણીજોઈને રાજેશખન્નાની નાની અમસ્તી ટીકા કરતી તે પણ તેનાથી સહન થતું નહીં. રાજેશખન્નાની લોકપ્રિયતાનું લાંબું લાંબું વર્ણન કર્યા પછી તે કહેતી: તને શી ખબર પડે? એ તો અમારા જમાનાનો સુપર સ્ટાર હતો.

વૈશાલીને વિચાર આવતો કે: મોટીબહેનનો પણ જમાનો હતો ખરો! … ને બીજી જ ક્ષણે તેનું મન હા પાડતું. તેને મમ્મીના મોઢેથી સાંભળેલી મોટીબહેનની વાતો સાંભરી આવતી.

વારંવાર ભૂતકાળમાં ડૂબકીઓ મારવાની મોટીબહેનની આદતથી વૈશાલીને નવાઈ લાગતી. વૈશાલીની પોતાની પાસે ભૂતકાળ કે વર્તમાનની વાતો નહોતી, કદાચ હતી તો કોઈને કહેવા માટે નહોતી !

-અલી, તું વધારે ના ખાતી. બહુ જાડી થઈ જઈશ તો…..નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી.

મોટીબહેનને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીને કહ્યું: “આપણે તો ખાઈ-પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ, મોટીબહેન. પછી જે થવું હોય તે થાય.

-હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!

-કેમ? લગ્ન પછી મસ્તીથી ન  જીવાય?

-ન  જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!

-જવાબદારી વળી શાની?

-ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુ-સસરાને સાચવવાની.

-એ બધાં નાનાં કીકલાં હશે?

-નાનાં કીકલાં તો ઘણાં સારા…..

નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં.

-શું છે? કોની વાત કરો છો? તેમણે પૂછ્યું.

-કોઈની નહીં, મમ્મી. આ તો હું વૈશાલીને કહું છું કે જવાબદારી ઉપાડતા શીખી જજે જેથી સાસરે તકલીફ ના પડે. નયનાએ કહ્યું.

-જવા દે ને એની વાત. એ તો માથાની ફરેલી છે. દુ:ખી થવાની છે. મારી તો એકેય વાત એ ધ્યાનમાં લેતી નથી. એને કૉલેજ કરવા દીધી એ જ મોટી ભૂલ થઈ ગઈ છે.

-હું એને સમજાવી દઈશ, મમ્મી. તમે ચિંતા ના કરો. નયનાએ ધરપત આપી.

-મારે કશું સમજવું નથી. હું જે છું તે બરાબર છું. વૈશાલીએ ગરદનને ઝાટકો મારીને કહ્યું.

નયનાનો ચહેરો ઝાંખો થઈ ગયો.

-એના બોલ્યા સામું ના જોઈશ. એ આજકાલ ચઢી વાગી છે. કુસુમબહેન બબડયાં.

દર વખતે આમ નહોતું થતું. આ વખતે પહેલે જ દિવસે આવું થઈ ગયું.

મોડી રાત સુધી નયના કુસુમબહેનના મોંઢે પોતાની, બાળકોની ને પોતાના પતિની વાતો કરતી રહી. એ વાતો સાંભળવા વૈશાલી બેઠી નહીં, એ તો પથારીમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગઈ.

નયનાને એ આઘાત જીરવવામાં રાત આખી પડખાં ફેરવવા પડ્યાં.

*****

બીજે દિવસે નયના મન મૂકીને વૈશાલી સાથે બોલી નહીં. એને એમ હતું કે વૈશાલી પોતાની માફી માંગશે. પણ વૈશાલી તો જાણે કશું જ બન્યું ના હોય તેમ ‘મોટીબહેન’  ’મોટીબહેન’ જ કરતી રહી. છેવટે બપોરે નયનાએ જ વૈશાલીને પૂછ્યું: “તું આજકાલમાં બ્યુટીપાર્લરમાં જવાની છે?”

-નક્કી નથી. કેમ?

-જાય તો મને સાથે લઈ જજે.

-એમાં શું? આપણે આજે જ જઈ આવીએ.

બ્યુટીપાર્લરમાંથી આવ્યાં પછી નયના ક્યાંય સુધી અરીસા સામે ઊભા રહીને વાળમાં કાંસકો ફેરવતી રહી ને એ બહાને પોતાનો ચહેરો જોતી રહી.

-મમ્મી મોટીબહેન તો ક્યારનાં ઊભાં ઊભાં અરીસામાં પોતાનું મોઢું જોતાં હતાં. વૈશાલી બોલી.

-બિચારીના મોઢા પર લોહી ક્યાં રહ્યું છે?

-મમ્મી, એવું કેમ થયું  હશે? મોટીબહેન પહેલાં તો  સ્માર્ટ હતાં, નહીં?

કુસુમબહેને નયના પહેલાં કેવી હતી એની વાત માંડી. નયનાના રતુમડા ગાલ, લીંબુની ફાડ જેવી આંખો, નાગણ જેવો ચોટલો, હરણી જેવી ચાલ….એ બધી વાતો કર્યા પછી બોલ્યાં:”જોતાં જ કોઈની નજર લાગી જાય એવી હતી બિચારી. દેશપરદેશથી માગાં આવવા માંડ્યા હતાં. તારા બાપુજીએ જ ના પાડી હતી કે ના, પરદેશમાં તો આપવી જ નથી ને અજાણ્યામાં પણ આપવી નથી. એ તો જ્યાં અંજળ હોય ત્યાં  જ થાય. હરેશકુમારનું કુટુંબ તો જાણીતું હતું. મામાની ભાવના માટે મામા-મામી સાથે અમે પણ હરેશકુમારને જોવા ગયાં હતાં. એ વાત આગળ વધી નહીં. પણ છ મહિના પછી એ લોકોએ જ નયનાનું માગું નાંખ્યું. કુટુંબ સારું. ખાદ્યેપીદ્યે સુખી. પછી શું જોવાનું હોય? સુખી છે બિચારી.

-કોની વાત કરો છો? નયનાએ રસોડામાં આવીને પૂછ્યું.

-મોટીબહેન અમએ તમારી જ વાતો કરતાં હતાં.  વૈશાલીએ નયનાની આંખો નીચેનાં કાળાં કૂંડાળાં તરફ જોતાં કહ્યું. …. -મમ્મી  કહેતાં હતાં કે મોટીબહેન ખૂબ સુખી છે.

-સુખી તો છું જ ને. નયના ફિક્કુ ફિક્કુ હસીને બોલી. … – જો વૈશાલી સાચું સુખ તો મનમાં જ છે. મનથી માનીએ તો સુખી અને ના માનીએ તો દુ:ખી. બાકી બધી વાતનું સુખ કોઈને હોતું નથી.

પછી તો નયના પોતાના સુખની વાતો સતત કરતી જ રહી:  હરેશ્કુમારે એક નવો ફલેટ નોંધાવ્યો છે. ધનતેરશના દિવસે જ બે તોલા સોનું લીધું. મયૂરનો ચિત્રકામમાં હંમેશા પહેલો નંબર આવે છે. મમતા સારું નૃત્ય કરે છે. સાસુ પહેલાં કરતાં હવે ઠંડા પડ્યાંછે. નણંદના લગ્ન થશે પછી એનું જોર પણ ઓછું થશે. હરેશકુમારને તો નવું નવું ખરીદવાનો બહુ જ શોખ. હમણાં જ ટીવી બદલાવી નાંખ્યું. છ મહિનામાં તો જૂના ડાઈનિંગ ટેબલનો પણ ફેંસલો થઈ જશે.

- પણ તમારું શરીર તો જૂઓ  મોટીબહેન.  વૈશાલી બોલી: હું  હરેશકુમારને કહેવાની છું કે તમે મારી મોટીબહેનનીઆ  કેવી દશા કરી નાંખી છે!

- ના…ના.  તું એવું ન કહેતી.   નયના ભયભીત થઈ ગઈ. .. -મમ્મી,  વૈશાલીને કહી દેજો કે આડુંઅવળું ન બોલે . નહીં તો….

-પણ એમાં શું ખોટું કહેવાનું છે? જે છે તે જ કહેવાનું છે ને?   વૈશાલી બોલી.

- તને સમજણ ન પડે. જમાઈ ને જમ સરખા. એક પણ શબ્દ ખોટો બોલાઈ જાય તો સહન નયનાએ જ કરવું પડેને? કુસુમબહેન બોલ્યાં.

- જમાઈ! વૈશાલી હાથનો લટકો કઈને બોલી: તમે લોકો જ પહેલાં જમાઈને વધારે પડતાં માનપાન આપો પછી જમાઈ ચઢી વાગે ને જમ થઈ જાય. તમને લોકોને નોર્મલ લાઈફ જીવતાં આવડતું જ નથી.

- અત્યારે તારે જેમ બોલવું હોય તેમ બોલી લે. વખત આવશે ત્યારે તને પણ સમજણ પડશે. નયના બોલી.

પરતુ નયનાના શબ્દો સાંભળવા વૈશાલી ઊભી જ નહોતી રહી.

નયના માટે આ બીજો આઘાત હતો.

*******

- વૈશાલી. હું આવી એને દસ દિવસ થઈ ગયાં. તું તો આ વખતે પિક્ચર જોવા જવાનું નામ જ નથી લેતી.

- ટી.વી. પર એટલી ફિલ્મો બતાવે છે કે હવે તો થિયેટરમાં જવાનું મન જ થતું નથી. વૈશાલીએ જવાબ આપ્યો.

-તો પણ મોટા પર્દા પર એકાદ જોઈ નાંખીએ.જો તને ટાઈમ હોય તો.

વૈશાલીએ તૈયારી બતાવી. નયનાએ  ’રાજશ્રી’ માં મેટેની શૉમાં ચાલતી ફિલ્મ “અમર પ્રેમ” જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો તો વૈશાલીને હસવું આવ્યું.

-મોટીબહેન. રાજેશખન્નાનો જાદુ હજુ સુધી તમારા પરથી ઊતર્યો નથી?

-એ તો અમારો હીરો છે. જેમ આમીરખાન તમારો હીરો છે.

- હટ્……હું તો કોઈને મારો હીરો માનતી નથી. ફિલ્મ જોઈ નાખવાની પછી બધુ ભૂલી જવાનુ.

- નથી ભુલાતું. મારાથી તો ઘણું ઘણું નથી ભુલાતું.

- તમને તો બધું યાદ પણ બહુ રહે છે.

- હા. ને કેટલીક વાતો યાદ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે…

-રણમાં મીઠી  વીરડી મળી . નહીં? વૈશાલી વચ્ચે જ  બોલી.

વૈશાલીની એ વાત પર નયના ખુશ થઈને હસી પડી.

…. “અમર પ્રેમ” જોઈને આવ્યા પછી પણ નયના મોડે સુધી એની અસર તળે રહી.

મોડી રાત સુધી વૈશાલી વાંચતી હતી ત્યારે પણ તેને મોટી બહેનનો ગણગણાટ સંભળાતો હતો:  ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે….

*************

-વૈશાલી આજે હું તને વાંચવા નહીં દઉં. આજે તો તારે મારી સાથે મન ભરીને વાતો કરવી પડશે.

-પણ મોટી બહેન , મારે કોર્સ પૂરો કરવાનો છે.

- થઈ જશે. આજે છેલ્લો દિવસ છે. થોડીઘણી વાતો કરી લઈએ. કાલે હું તને ઓછી કહેવાની છું.

-કેમ છેલ્લો દિવસ? તમે કાલે જ જવાના છો?

-ના. કાલે તો તારા જીજાજી આવશે.  ત્રણેક દિવસ રોકાશે. પછી અમે એમની સાથે જતાં રહીશું. પંદર દિવસ જતાં વાર ન લાગી! મયૂર ને મમતા તો મામાની સાથે ને સાથે.  જવાનું નામ પડે છે ને રડવા જેવા થઈ જાય છે.

- અચ્છા! એમ વાત છે . જીજાજી આવશે એટલે તમને તો અમારી સાથે વાતો કરવાનો સમય જ નહીં મળે! બરાબરને?

-એ તો એમ જ હોય. મારે તો નવાં પિક્ચર જોવા નથી. પણ એ તો માનશે જ નહીં. રોજરોજ  પિક્ચરનો પ્રોગ્રામ ગોઠવી કાઢશે. એ તો એવા શોખીન છે કે ન પૂછો વાત.

નયના હરેશકુમારના શોખ વિષે ક્યાંય સુધી બોલતી રહી.

-અલી  વૈશાલી, સાંભળે છે કે ઊંઘી ગઈ?  હોકારા ન મળતા નયનાએ પૂછ્યું.

-સાંભળું છું મોટીબહેન.  વૈશાલી નયનાની આંખોમાં તાકીને   બોલી:  પણ મોટીબહેન. મારા એક સવાલનો જવાબ આપશો?

-બોલને…

-તમે ખરેખર સુખી છો?

નયના માટે આવો  સવાલ અણધાર્યો હતો.  તે થોડી અસ્વસ્થ થઈ ગઈ.

-તને શું લાગે છે? નયના માંડમાંડ  બોલી.

-મને તો લાગે છે કે તમે સુખી હોવાનો અભિનય કરો છો.  વૈશાલીએ નીચું જોઈને ધીમા છતાં મક્કમ અવાજે કહ્યું.

નયનાએ કશો જવાબ આપ્યો નહીં.

થોડી ક્ષણો એ રીતે જ પસાર થઈ ગઈ.

વૈશાલીએ નયનાની સામે જોયું  ત્યારે નયનાની આંખોમાંથી વહેતાં આંસુઓ તેના ગાલોને ભીંજવી રહ્યાં હતાં.

-આઈ એમ સૉરી મોટીબહેન. મારો ઇરાદો…. વૈશાલી પસ્તાવો કરતી હોય તેમ બોલી.

પણ એ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં તો …

નયના વૈશાલીના ગળે વળગી પડી ને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી  પડી.

[સમાપ્ત] [જલારામદીપ. જૂન,1994]

ગોડ બ્લેસ યુ

મિત્રો,
દરેકને  નવી નવી નોકરી, વ્યવસાય કે ધંધાની શરૂઆતના દિવસો જિંદગીભર યાદ રહી જાય છે. પછી ભલે તે બેંકનો કલાર્ક હોય, ટેલિફોન ઓપરેટર હોય, વકીલ હોય, ડૉક્ટર હોય પાનના ગલ્લાવાળો હોય કે પછી ફેક્ટરીનો માલિક હોય.
આંખોમાં અમર્યાદિત સપનાં હોય, મનમાં હોંશનો દરિયો ઘૂઘવતો હોય અને મંઝિલ આસાન લાગતી હોય અને બધું જ બરાબર ગોઠવાઈ જતું હોય એમ લાગતું હોય ત્યારે જ …. હા, ત્યારે જ હિંદી ફિલ્મના ખલનાયક જેવી, માથાની ફરેલી વાસ્તવિકતા નજર સામે આવીને ઊભી રહે. ત્યારે ભલભલાની કસોટી થઈ જતી હોય છે.
એક ક્ષણ તો એવી આવી જાય કે, હતાશ થઈને જે તે વ્યકિત મેદાન છોડી દેવા તૈયાર થઈ જાય.
આજે એવા જ એક યુવાનની વાત કરવાની છે જે એક શિક્ષક તરીકે પોતાની કારકિદી શરૂ કરે છે અને એણે ન ધારેલી વાસ્તવિકતા તેની સમક્ષ આવીને ઊભી રહી જાય છે.
ને પછી….
સાંભળો કે વાર્તા શું કહે છે.

“ગોડ બ્લેસ યુ ”        —— યશવંત ઠક્કર

પોતે વર્ગમાં પ્રવેશ કરશે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એને આવકારશે. પછી તે પોતાનો પરિચય આપશે. પોતે કેવી મુશ્કેલીઓ વેઠીને ભણ્યો તેની વિગતવાર વાત કરશે. શિક્ષક બનવાનું તેનું સ્વપ્ન હતું અને આજે એ સ્વપ્ન ફળ્યું છે એવું કહેશે. વર્ગમાં એની જિંદગી વિષે તરેઅહતરેહના પ્રશ્નો પૂછશે અને પોતે બધાંને ઉત્સાહથી જવાબો આપશે. પહેલાં પીરિયડમાં જ તે બધાંની સાથે હળીમળી જશે અને   સમય જતાં આખી સ્કુલમાં બધાંનો પ્રિય શિક્ષક થઈ જશે. ….

આ વિચારો લઈને તેણેક વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેની કારકિર્દીની શરૂઆત હતી. તેનાં પગલે પગલાંમાં ઉત્સાહ હતો.

… પરંતુ પીરિયડ લઈને વર્ગની બહાર નીકળ્યો ત્યારે તેનાં પગલાંમાંથી ચેતન લૂંટાઈ ગયું હતું. ચહેરો ઝાંખો થઈ ગયો હતો. તેનો ઉત્સાહ ભાંગી ચૂક્યો હતો. તેને લાગ્યું કે , પોતે માનતો હતો એવી સરળ આ જિંદગી નથી.

તે ટીચર-રૂમની ખુરશીમાં ફસડાઈ પડ્યો.

“કેમ રહ્યું? ” બીજા શિક્ષકોએ તેને પૂછ્યું.

જવાબમાં તેણે કહ્યું, “ઠીક રહ્યું. પણ કલાસ તોફાની લાગ્યો.”

“એ  તકલીફ તો રહેવાની જ. હવેની પ્રજા તો એવી જ હોવાની.”  એક શિક્ષકે કહ્યું.

“નવું નવું છે એટલે જરાક મુશ્કેલ લાગશે .પછી વાંધો નહીં આવે.” બીજા  શિક્ષકોએ આશ્વાસન આપ્યું.

બીજા શિક્ષકો પીરિયડ લેવા ગયા. તે એકલો પડ્યો ને વિચારે ચડ્યો. પ્રથમ પીરિયડના બનાવો તેને સતાવવા લાગ્યા.

“મારું નામ ગૌતમ શાહ.  ”તેણે પરિચય આપવાના ઇરાદાથી કહ્યું તો એક વિદ્યાર્થી મોટા અવાજે બોલ્યો:  ”ફોઈએ પાડેલું કે?”

અને આખો વર્ગ ખડખડાટ હસી પડ્યો.

તે પોતે પણ હસ્યો અને મૃદુ અવાજે કહ્યું કે:  ”મિત્રો, ફોઈએ પાડેલું નામ તો મને યાદ નથી.”

ત્યારે તેના જવાબમાં..

“યાદશક્તિ નબળી લાગે છે.”

“બદામ ખાતા જાઓ.”

“બહુ મોંઘી છે.” …

વગેરે કૉમેન્ટસ થઈ.

એ અવાજ ક્યાંથી આવે છે તે જાણવા માટેની તેની કોશિશ નિષ્ફળ નીવડી. તેના ચહેરા પર મૂંઝવણ ફરી વળી.  વર્ગમાં ઘોંઘાટ વધી ગયો.  ”સાયલન્સ પ્લીઝ” ની વારંવારની વિનંતીની પણ કોઈ અસર થઈ નહીં ત્યારે ત્રીજી જ પાટલી પર બેઠેલા એક વિદ્યાર્થીએ અચાનક ઊભા થઈને બૂમ પાડી: “અવાજ નહીં”

ને આખો વર્ગ સ્તબ્ધ થઈ ગયો. બધાં ચૂપ થઈ ગયાં.

“આ રીતે શાંત પડાય.”  તે વિદ્યાર્થીએ કહ્યું ને પછી હસી પડ્યો.

પરિણામે બધાં હસી પડ્યાં.

“જુઓ મિત્રો, હું બને ત્યાં સુધી પ્રેમથી કામ લેવા માંગુ છું.” તેણે કહ્યું ત્યારે પણ વર્ગમાંથી જોરશોરથી કૉમેન્ટસ થઈ:

“પ્રેમનું કશું ઉપજે ના આ ગામમાં”

“પ્રેમ એટલે શું?”

“પ્રેમ એટલે બે આત્માનું મિલન.”

“પ્રેમનગર જોઈ આવો નવથી બારમાં.”

વર્ગમાં ફરીથી ઘોંઘાટ વધી ગયો.

તેણે કોર્સ ક્યાં સુધી ચાલ્યો છે એવું પૂછ્યું તો જવાબ મળ્યો કે અમને ખબર નથી. તેણે ચોપડી ખોલી કે વિદ્યાર્થીનીઓએ બૂમાબૂમ કરી મૂકી કે “સર, પહેલા જ પીરિયડમાં તે કંઈ ભણાવવાનું હોય”

તેણે પૂછ્યું કે “તો શું કરવું છે?”

તો જવાબમાં-શાયરી, અંતકડી, સ્ટોરી વગેરેની ફરમાઈશ થઈ. ને પછી તો જાણે વર્ગ પર સહેજ પણ કાબૂ રહ્યો જ નહીં ને એ રીતે જ પીરિયડ પૂરો થયો.

પહેલા પીરિયડની યાદ તેના મનમાંથી કેટલીય વાર સુધી હટી નહીં. “નવું નવું છે એટલે જરાક મુશ્કેલ લાગશે. પછી વાંધો નહીં આવે.” શિક્ષકોના એ શબ્દો યાદ કરીને જ છેવટે તેણે મન મનાવ્યું ને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.

પૂરા ત્રણ મહિના પસાર થઈ ગયા. ગૌતમ શાહના દરેક પીરિયડમાં પ્રથમ પીરિયડ જેવું જ વાતાવરણ રહ્યું. બીજા શિક્ષકોના પીરિયડમાં શાંત રહેનારા વિદ્યાર્થીઓ પોતાના પીરિયડમાં જ કેમ ધમાલ કરે છે તે ગૌતમ શાહને સમજાતું નહોતું.  હવે તો તે ગુસ્સે થતો તો પણ તેની કશી અસર થતી ન હતી. ઊલટાનો તે હાંસીને પાત્ર બનતો હતો.

એક દિવસ તે પીરિયડ લઈ રહ્યો હતો. તેણે જોયું કે બીજી જ બેન્ચ પર બેઠેલી અરુણા ડેસ્ક પર માથું ટેકવીને ઊંધી રહી છે. અરુણાની બાજુમાં બેઠેલી છોકરીને તેણે જગાડવા માટે કહ્યું. અરુણાએ માથું ઊંચુ કર્યું. એટલે તેણે કહ્યું, “સ્ટેન્ડ અપ, પ્લીઝ.”

અરણા ઊભી થઈ.

“કેમ ઊંઘો છો?” તેણે પૂછ્યું.

“ઊંઘ આવે છે એટલે.” અરુણાએ જવાબ આપ્યો.

“કેમ ઊંઘ આવે છે? રાત્રે જાગરણ કર્યું હતું?” તેણે પૂછ્યું.

“તમારે એવું પૂછવાની જરૂર નથી.”

“અહીં ઊંઘો છો એટલે શું આ ઘર છે?”

“વધારે બોલવાનું નહીં.” એવું કહીને અરુણા વર્ગની બહાર નીકળી ગઈ. અરુણાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. બીજી છોકરીઓ પણ તેની પાછળ પાછળ વર્ગમાંથી બહાર નીકળી ગઈ. એ બધાંની પાછળ મુકેશ પણ બહાર નીકળ્યો.

થોડી વાર પછી મુકેશે આવીને બૂમ પાડી, “ચાલો, બધા બહાર નીકળો.” ને આખો વર્ગ ખાલી થઈ ગયો.

થોડી વાર પછી આચાર્યશ્રીએ ગૌતમ શાહને ચેમ્બરમાં બોલાવીને કહ્યું “વિદ્યાર્થીઓ તો એવા જ રહેવાના. તમે એમને કાબૂમાં રાખી શકતા નથી એવું મારું ઓબ્ઝર્વેશન છે. મારી વાત માનો તો હવે રાજીનામું લખી આપો. તમે નહીં ચાલો શકો.

“હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. પ્લીઝ, મને થોડા દિવસ આપો.” તેણે વિનંતી કરી.

આચાર્યશ્રી પીગળ્યા. તેમણે બહાર આવીને વિદ્યાર્થીઓને શાંત પાડયાં. “હવેથી એવું નહીં બને” એવી ખાતરી આપી. મહાન વિજય મેળવ્યો હોય એ રીતે બધાં ક્લાસમાં બેઠાં.

ત્યાર પછીના પંદર દિવસમાં તો વિદ્યાર્થીઓએ ગૌતમ શાહને આટલો ત્રાસ આપ્યો કે તેણે સામે ચાલીને આચાર્યશ્રીને રાજીનામું લખી આપ્યું.

તેણે ક્લાસમાં પ્રવેશે કર્યો ત્યારે ક્લાસમાં રોજની માફક ઘોંઘાટ ચાલુ હતો. તેણે ચોકથી બોર્ડ પર માત્ર એક જ લીટી લખી. “મિત્રો, આ મારો છેલ્લો પીરિયડ છે.”

ધીરે ધીરે વર્ગમાં થોડી શાંતિ પથરાઈ તેણે બોલવાનું શરૂ કર્યું, “આ પીરિયડ મારો છેલ્લો પીરિયડ છે, કારણ સંજોગોએ મને આ સ્કુલમાંથી છૂટા થવાની ફરજ પાડી છે. જો કે હું તેમાં તમારો સહેજ પણ દોષ જોતો નથી. નબળાઈ હશે તો મારી જ હશે. હું તમને પ્રિય થઈ શક્યો નહીં એનો મને રંજ છે. અને એથી પણ વધારે રંજ થશે મારી વૃધ્ધ માતાને કે જેણે કેટલાય દુ:ખો વેઠીને ભણાવેલો છોકરો તેની કારકિર્દીની શરૂઆતમાં જ પાછો પડયો.”

વર્ગમાં બિલકુલ શાંતિ પથરાઈ ગઈ. આજે ગૌતમ શાહનો અવાજ વિદ્યાર્થીઓને જુદો જ લાગ્યો. ગૌતમ શાહના શબ્દો જ લાગણીથી ભીંજાયેલા હતા. ને એની આંખોમાં નરી કરુણા છલકાતી હતી.

“મિત્રો”, તેણે આગળ બોલતાં કહ્યું, “એમ તો હું તમારાથી બેચાર વર્ષે જ મોટો છું. હજું હમણાંની જ વાત છે કે હું તમારાં જેવો જ વિદ્યાર્થી હતો. આજે હું મારી જિંદગી બનાવવાની મથામણમાં છું. તો કાલે તમારે પણ તમારી કારકિર્દી બનાવવાની મથામણ કરવી પડશે. તમને અત્યારથી નમ્ર સલાહ છે કે નિરાશ ક્યારેય ના થશો. જુઓ, હું અહીં નિષ્ફળ નીવડ્યો છું. તો નિરાશ થઈ ને બેસી નહીં રહું. બીજે જ્યા જઈશ ત્યાં મારા સ્વપનાઓને સાથે લઈને જઈશ. આપ સૌની શુભેચ્છા મારી સાથે હશે તો હું જરૂર સુખી થઈશ. બસ….આપ સૌને જાણીને આનંદ થશે કે આ પીરિયડ હું પૂરો લેવાનો નથી. આપ સૌ હવે જઈ શકો છો.”

ને ગૌતમ શાહે તેની ઉજાગરાવાળી આંખો વડે જોયું તો વર્ગમાંથી એક પણ વિદ્યાર્થીએ પોતાનું સ્થાન છોડ્યું ન હતું અને અરુણા પોતાના નાના રૂમાલ વડે આંખો લૂંછવાનો પ્રયાસ કરી રહી હતી.

તે ગૌતમ શાહ છેલ્લું શસ્ત્ર ફેંકતો હોય તેમ તેણે બોર્ડ પર લખ્યું: “ગોડ બ્લેસ યુ.”

["ચાંદની " 15 જન્યુઆરી 1983]

ગયા ભવનો લેણદાર

તે ગડમથલમાં હતી… હવે મારે કશો નિર્ણય લઈ લેવો જોઈએ.. મહેમાન આવવાની તૈયારી છે. મુરતિયો તો આવશે જ. મુલાકાત ગોઠવાશે. પરિણામ તો બધાંએ નક્કી કરી લીધું જ છે. સગાઈની બધી તૈયારી પણ થઈ ચૂકી છે. પપ્પાને કેટલું કહ્યું હતું કે: પપ્પા, પ્લીઝ.   મને જે ગમ્યો છે .. મારામનમાં જે વસ્યો છે તેની સાથે મને પરણવા દો. પણ પપ્પા કોને કહેવાય! ન માન્યા.

તેણે મોન્ટુને ફોન કર્યો. ” આજે જ મારી સગાઈ નક્કી થવાની છે. આપણે આજે જ ભાગવું પડશે. લાંબી વાત કરવાનો અર્થ નથી.”

“OK! હું બાઈક લઈને નીકળું છું. તું રિક્ષામાં નીકળ.  ગાંધી સર્કલ ભેગાં થઈએ છીએ. આગળનું પછી વિચારીશું. “

તે હળવા પગલે દરવાજે પહોંચી. કોઈનું ધ્યાન ન ગયું. શેરીમાંથી બહાર નીકળીને તેણે રિક્ષા કરી. “ગાંધી સર્કલ. ઝડપ કરજો.”

…  તેને પોતાના ધબકારા રિક્ષા કરતાં ઝડપી લાગ્યા!

“ઊતરો” રિક્ષાવાળએ કહ્યું.

“પણ ગાંધી સર્કલ તો આવવા દો”

“બેન.  આ રહ્યું ગાંધી સર્કલ. અહીં જ ઊતરી જાવ. રિક્ષા આગળ જાય એમ નથી. ટ્રાફિક જામ છે.”

તેણે પૈસા ચૂકવ્યા. ભીડ  હતી. અકસ્માત થયો હોવાની વાત સાંભળી. ભીડને ચીરતાં ચીરતાં જ તેણે મોબાઇલ  પરથી મોન્ટુને ફોન લગાડ્યો. ન લાગ્યો.

“બાઈકવાળો ખલાસ થઈ ગયો.  બાઈક પાછળ મોન્ટુ લખ્યું છે.” તેણે કોઈના શબ્દો સાંભળ્યા.

.. ને જાણે તેને કશું જ સંભળાતું નહોતું. સંભળાતો હતો માત્ર ઘોંઘાટ! તે બાઈક શુધી પહોંચે તે પહેલાં પોલીસે તેને રોકી. પણ કચડાયેલી બાઈક તેણે જોઈ.  એ જ નંબર! એ જ નામ! મોન્ટુ! ને બાજુમાં …

તેણે હથેળીથી પોતાની આંખો દાબી દીધી.

“હટો.. હટો. ઍમ્બ્યુલન્સને આવવા દો” પોલીસે  બૂમ પાડી ને તેને ધક્કો માર્યો.

તે અથડાતી અથડાતી પાછી ફરી. ચરણોમાં ગતિ નહોતી! મનમાં વાવાઝોડું હતું. આંખો જળથી ડબડબ હતી.

રિક્ષામાં ઘેર આવી.

“કયાં ગઈતી?” મમ્મીએ પૂછ્યું.

“મોબાઈલ  રીચાર્જ કરાવવા.” તેણે જવાબ આપ્યો.

“હવે. આડીઅવળી થતી નહીં. ને આ કપડાં બદલી નાંખ.”

“કેમ?” તેનાથી પૂછાઈ ગયું.

“હમણા જ ફોન આવ્યો. મહેમાનની કારને અકસ્માત થયો છે. ગાંધી સર્કલ પાસે એક બાઈકવાળો આડો આવ્યો. મુરતિયાનો જીવ લઈને ગયો. ગયા ભવનો લેણદાર!”

[સમાપ્ત]

[મિત્રો, આ પ્રકારની વાર્તા લખવા માટે પ્રેરણા પૂરી પાડનાર બ્લોગમિત્ર કૃણાલ દવે અને એમના બ્લોગ

લઘુ કલ્પના

ના અમે આભારી છીએ. આપ સહુએ પણ એ બ્લોગની મુલાકાત લેવા જેવી છે  જેની લિંક આ પ્રમાણે છે: http://gujaratishortstories.wordpress.com/ ]

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી

[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતાં અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ.  આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]

રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો નહીં પા…ર

પણ  મારી વહાલી વહાલી વહાલી … રંગલીને આવતા  લાગી વાર.

હે… ભોજન વગર જોર..  જેમ અંગમાં આવે નઈં

એમ રંગલી વગર આ રંગલો…  રંગમાં આવે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

[રંગલીનો પ્રવેશ]

રંગલી— હે… શ્રાવણ સરીખો મહિનો ને રંગલાને ચડે જો..ર.

રખડવા નીકળી પડે.. જાણે હરાયું ઢોર.

હે.. રખડી રખડીને થાકે  પણ વારતા  મળે નઈં

કેમેય કરીને આ રંગલાની જાતરા  ફળે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો— [ગળગળો થઈને]રંગલી. તું જ આવું બોલે તો પછી આ બ્લોગજગતમાં રહ્યું શું? નથી ગઝલ  લખાતી… નથી ગીત લખાતાં… લેખમાં ઘોબો પડ્યો…લઘુકથામાં લોચો પડ્યો. મારે લખવું શું? મને થયું કે વારતા લખવી સહેલી છે. નગરમાં ફરીએ… આંખકાન ઉઘાડા રાખીએ ને વારતા  ગોતીએ. ક્યાંય નજરે ચડે તો પકડીને પૂરી દઈએ બ્લોગની પોસ્ટમાં. ને પછી તો કૉમેન્ટ  ઉપર કૉમેન્ટ! … વાહ વારતા  વાહ! વાહ રંગલાભાઈની વારતા! યુ આર એ ગ્રેટ રાઈટર! … રંગલાભાઈ આવી જ વારતાઓ  લખતા રહો… લખતા રહો…. લખતા રહો…

રંગલી— એ એ રંગલા. ધોળે દહાડે સપનાં જોવાનું છોડ અને વાસ્તવિકતાનો સ્વીકાર કર કે વારતા  રચવી સહેલી નથી.

રંગલો— એમાં શું ધાડ મારવાની? આ લખાય જ છેને ઢગલાબંધ વારતાઓ! જે કાંઈ વારતાલાયક બનાવ નજરે પડ્યો એ ઉપાડી લેવાનો… એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો… એમાં હાસ્ય,વ્યંગ,કરુણા,વીરતા વગેરેના રસ ઉમેરવાના… સંવાદો વડે વલોવવાનો..આથો આવ્યા ભેગો  પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા  તૈયાર! બોલો  લોકપ્રિય વાર્તાકાર રંગલાભાઈની  જે…

રંગલી— જો એવું જ હોય તો તમારી વારતા  વાંચે કોણ? છાપાં જ ન વાંચે? છાપાંવાળાં પણ  હવેતો કોઈપણ ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને?ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!

રંગલો— તો  વારતા   કઈ રીતે પીરસાય એ કહેને?

રંગલી— ભલભાલા વાર્તાકાર નમ્રતાથી એમજ કહેતા હોય છે કે “અમે સારી વારતા  રચવાના  પ્રયાસો કરતાં રહીએ છીએ” તો વારતા  બાબત કહેવાનું મારું ગજું કેટલું?

રંગલો— સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા  બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. બોલ રંગલી બોલ. વારતા  કેવી હોય અને કેવી ન હોય એ બાબત બોલ.

રંગલી— બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.

રંગલો—- [કૂદકો મારીને] પાંચકંડાં???? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ  કર.. ઝટ કર… મારાથી નથી રહેવાતું!.. હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી … પરભુજીના ટાંટિયે વળગી જાવી…

રંગલી— તો થઈ જાય આજે અસરના ઓટલેથી વારતા  બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત…

[રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]

રંગલી— હે ક્યાં ગઈ વારતા…  ને ક્યાં ગયા ભાભા?

રૂડી રૂપાળી વારતાને … આ કોણ પહેરાવે  ગાભા!

રંગલો—માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે વારતાનાં  લખનારાં… મળે છે અને…ક

વારતાના ઘડનારાં… સોએ મળે એક .

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે હૈયામાં ન હોય હે…ત  તો વારતા મળે નઈં

ભટકી ભટકીને થાકી જા..વ પણ જાત્રા ફળે નઈં.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે …પ્રેમ કર્યો થાતો  નથી … થઈ જાય છે જે..મ

વગર ગોત્યે  વારતા … મળી જાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… શ્વાસ પછી શ્વા…સ  લેવાય છે જે… મ

વારતામાં વા…ત  કહેવાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ઘટનાઓ ગોઠવી દીધે … વારતા જામે નઈં

તરસ્યા રહી જાય  ભાવકો… વારતા પામે નઈં

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે નાજુક નમણી વારતા..  એને હોવો ઘટે શણગા…ર.

જો રાખ્યો નો હોય વિવે..ક  તો એનોય લાગે ભા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…  શણગારના ભારથી… વારતા વાંકી  વળી જા…ય.

પોતાનાં જ જુલમ કરે… તો કોને  કહેવા જા..ય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાંબી લાંબી વારતા…ને અંતનું નઈં ના..મ

માંડ  માંડ  અરધે પોગ્યા… સાંભર્યા શ્રી રા..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાગણીના લપેડા… ને રજૂઆતમાં નઈં ધડો..

વારતાનાં  ખોળિયાંમાં…  ક્યાંથી પેઠો સડો.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… રૂડાં ને રૂપાળાં… હોય પાત્રોનાં ના…મ.

ચાંપલું ચાંપલું બોલવું… એ જ  એનું  કા…મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…સોનાની થાળીમાં….. જેમ લોઢાની મે…ખ

જરૂર વગરની કોઈ વાતનો …એમ  વારતામાં ઉલ્લેખ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…ટૂંકી હોય કે લાંબી હો…ય  વારતા મજાની હો..ય

દોટ વાર્તાકારની … પોતાનાં ગજાની હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..  વહેતી નદી જેવા …વારતામાં વળાંક  હો..ય

રંગના કુંડા નઈં…  છાંટા જરાક હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..વાચકો પર છોડવી પડે… સમજવા જેવી વા…ત

ચતુર હશે તે પારખી જશે… શબ્દો કેરી ભા…ત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… મૂકે પણ વાગે નઈં…. વારતાને અંતે ચો…ટ

વાર્તાકાર  છેવટે … ખાય છે મોટી ખો..ટ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય  કો…ડ

એણે પાડવો પડે … જાતસંગાથે  તો…ડ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી

હે…આલિયો લખેને .. માલિયો વખાણે…

મલક શું કહે છે.. એ ઉપરવાળો જાણે.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ચા કરતા કીટલી…  ગરમ હમેશા  હો..ય

લેખક કરતા વાચક… નરમ ક્યાંથી હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. સમજાવી શકાય નઈં …વારતા ઘડવાની   રી..ત

શીખનારા શીખી જશે…જેને  હશે  વારતાથી પ્રીત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… વારતા પણ છે મજાનો.. સાહિત્યનો પ્રકા..ર

બ્લોગજનો તમે આપજો… એને અઢળક પ્યા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. રંગલો રંગલી વિનવે …રાખજો એટલું  યા..દ

વારતા વાંચ્યા પછી … વળતો દેજો સા..દ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

[પાંચકડાં બાબત વિશેષ માહિતી : http://www.readgujarati.com/sahitya/?p=3834 ]

વટનો કટકો

કોઈ શેઠ  પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે?  પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા પડાવે અને એ જ પ્રસંગે પાછા પેલા સ્નેહીજનને તાળીઓ પાડવા હાજર રાખે ત્યારે પેલા સ્નેહીજનનાં દિમાગમાં શું ચાલતું હશે?

ચાલો આ તો થઈ મદદની વાત. પણ ….  જવા દો ને … અમારે વધારે નથી કહેવું. આ વાર્તા   જ કહેશે. વાંચો…..

***********

વટનો  કટકો

“બોલો ભાઈ બોલો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ધરમનાં કામમાં ઢીલ કરશો તો પસ્તાશો.” વાલજીશેઠે ગામલોકોને પાણી ચડાવવાનું શરૂ કર્યું.

વાલજીભાઈનો ગામમાં પહેલાં મોટો ધંધો હતો. પણ ઉધારી ન પતવાને કારણે ધંધો પડી ભાંગ્યો હતો.  હવે તેઓ નાનકડી હાટડીના માલિક હતા. પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! ગામલોકો હજી તેમને વાલજીશેઠ જ કહેતાં. જળઝીલણી અગિયારસના તહેવારે ઠાકોરજીની આરતી ઉતારવાનો બોલ બોલાવવાનું શુભ કાર્ય એમના ભાગે જ આવતું.  હિસાબ- કિતાબના જાણકાર  ખરાને?

કોઈએ સવા રૂપિયાથી શરૂઆત કરી. બીજાએ  પોતાનો બોલ સવા બે રૂપિયાથી બોલાવ્યો. તો ત્રીજાએ સવા પાંચ રૂપિયા કહ્યા!

પણ ત્યાં તો….

“આપણા સવા અગિયાર રૂપિયા.”  અમકુબાપુએ હાથ ઊંચો કરીને હાકલો કર્યો.

“ઠાકોરજીની આરતી ઉતારવાના બોલમાંઅમકુબાપુના સવા અગિયાર રૂપિયા.”  વાલજીશેઠે પણ  પોતાનો હાકલો યથાશક્તિ મોટો  કર્યો.

“આપણા સવા એકવીસ  રૂપિયા”  વાઘજી પટેલ પણ પણ  જાણે જંગના મેદાનમાં  જંપલાવતા હોય એમ બોલ્યા.

“વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા.” વાલજીશેઠ  ગળું ખંખેરતા બોલ્યા.

ગામલોકોના  ડોકાં ઊંચા થઈ ગયાં. “હવે જામશે”  કોઈ બોલ્યું પણ ખરું.

“આપણા સવા એકત્રીસ રૂપિયા”  અમકુબાપુએ ફરી હાથ ઊંચો કર્યો.

“અમકુબાપુના સવા એકત્રીસ રૂપિયા. બોલો ભાઈ બોલો.નાણું મળશે પણ ટાણું નહીં મળે.” વાલજીશેઠ જોર કરીને બોલ્યા.

ગામલોકો વાલજીશેઠ, અમકુબાપુ,વાઘજી પટેલ અને ઠાકોરજી તરફ વારાફરતી જોતાં રહ્યાં અને બોલી વધતી ગઈ.

જેમ જેમ બોલી વધતી ગઈ તેમ તેમ વાલજીશેઠનું ગળું સુકાતું જતું હતું.

“હવે વાલજીશેઠનાં  ગળામાં પહેલાં જેવો રણકો નથી રહ્યો.” કાળીદાસે ટીખળ કરી.

“ક્યાંથી રહે!” દુલાએ મમરો મૂક્યો.

“આપણા સવાસો રૂપિયા” વાઘજી પટેલ બોલ્યા.

“વાઘજી પટેલના સવાસો રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવાસો રૂપિયા” વાલજીશેઠ ફાટતા ગળે બોલ્યા.

“અપણા સવા બસ્સો રૂપિયા” અમકુબાપુ  બંદુકંનો ધડાકો કરતા હોય એમ બોલ્યા.

વાલજીશેઠને તો પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એ તો અમકુબાપુ સામે જોતા જ રહ્યા.

“અટકી  કેમ ગયા શેઠ? આ તો મરદના ખેલ સે. બોલો આપણા સવા બસ્સો રૂપિયા.” અમકુબાપુએ  પોતાની મૂછો પર હાથ ફેરવતા ચોખવટ કરી.

“એ અમકુબાપુના સવા બસ્સો રૂપિયા. ” વાલજીશેઠે પોતાનામાં હતું એટલું જોર રજૂ કરી દીધું.

હવે બધાની નજર વાઘજી પટેલ તરફ ગઈ. પણ…

“ભલે બાપુ લાભ લેતા” એમ કહીને વાઘજી પટેલ બોલી વધારવામાંથી ખસી ગયા.

બીજું તો કોઈ મેદાનમાં હતું નહીં. વાલજીશેઠ  બોલી બોલાવવાના કાર્યક્રમનો અંત લાવતા ઊંચો હાથ કરીને જોર એકઠું કરીને બોલ્યા: “ઠાકોરજીની આરતી ઉતારવાના અમકુબાપુના સવા બસ્સો રૂપિયા એક વાર …. સવા બસ્સો રૂપિયા બે વાર…. સવા બસ્સો રૂપિયા ત્રણ વાર.બોલો શ્રી ગિરિરાજધરણકી જે…”

“જે….”  ગામલોકો ઉમળકાથીજય બોલ્યાં.

….. ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા અમકુબાપુ જ્યારે ઠકોરજીની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે વાલજીશેઠ મનોમન બોલ્યા: “વટનો કટકો…. ગઈ દિવાળી પહેલાંના દોઢસો રૂપિયા બાકી છે એ આપવાનું નામ નથી લેતો ને અહીં સવા બસ્સો દઈને ઠાકોરજીની આરતી ઉતારે છે!!!!”

ટ્રક ડ્રાઈવર- વાર્તા- યશવંત ઠક્કર

મિત્રો,  ‘નવનીત સમર્પણ ’ માં 1996  માં પ્રગટ થયેલી મારી ‘ ટ્રક ડ્રાઈવર’ વાર્તા  તાજેતરમાં  ’ રીડગુજરાતી.કોમ’ પર પણ પ્રગટ થઈ હતી.  જેની link અત્રે મૂકું છું.  આપ સૌને વાર્તા ગમશે એવી આશા રાખું છું.

વાર્તા વાંચવા માટે અહીં  click કરો.   http://archive.readgujarati.com/sahitya/?p=3109

મુખવટો- યશવંત ઠક્કર

 

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

 

ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે.બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

ભગો: હેં બાપુ… ઓલ્યો અમિતાભ બસ્સન સે ઈ પાસો ભેખડે ભરાવાનો થ્યો સે?

બાપુ: કેમ એવું પુસવું પડે સે?

ભગો: આજે સે ને એનું નામ સાપામાં આવ્યુ સે.

બાપુ: એનું નામ સાપામાં નો આવ્યું હોય એવો એકેય દી ગ્યો સે ખરો?

ભગો: પણ બાપુ .. સમાચાર એવા સે કે ઈ ઊભો રેવાનો સે.

બાપુ: ઊભો રેહે તો થાકી જાહે. આમેય હાજોમાંદો તો રે સે.

ભગો: એમ વાત નથી બાપુ.

ભગો: તો કેમ સે ? મોઢામાંથી ફાટ્યની.

ભગો: ઈ કદાસને સૂંટણીમાં ઊભો રે એવા ખબર સે.

બાપુ: તો તો પાકે પાયે ભેખડે ભરાહે.

ભગો: મને એમજ લાગે સે. હાર્યા વગર નો રે. એક વખત સૂંટાણોતો પણ રાજીનામું દેવું પડ્યુંતુ કે નઈ?

બાપુ: હાસી વાત સે. એણે બઉગુણા જેવા મોટા નેતાને હરાવ્યોતો. પણ પસી રાજકારણમાં એને ફાવ્યું નઈ.

ભગો: એટલેજ કઉ સું કે હવે ફરીથી નો સૂંટાય. હારી જ જાય.

બાપુ: હારે તો નઈ. ફિલમની લાઈનનું ગલુડિયું ઊભું રે ને તો એય સૂંટાય જાય.

ભગો: તો પસી બાપુ ભેખડે ભરાવાની વાત ક્યાંથી આવી?

બાપુ: તુ હમજ્યો નઈ. રાજકારણના ખેલ ખેલવાનું એનું ગજુ નથી. એટલે ઈ ઊભો જ નો રે.

ભગો: પણ ઓલ્યો જાદુગર ઊભો કરી દે તો?

બાપુ: ક્યો જાદુગર?

ભગો: અમરસિંહ .બીજો કોણ?

બાપુ: તો કેવાય નઈ. ઈ ભલભલા ખેલ પાડી દે એવો સે. એ આજકાલ્ય માથા ગોતતો ફરે સે.

ભગો: અમરસિંહ વળી એને મોટોભાઈ ગણે સે. મોટાભાઈ મોટાભાઈ કરીને શરમમાં નાખી દેહે.

બાપુ: બસ્સને શરમ રાખ્યા વગર ના પાડી દેવી જોઈએ. અરે ભાઈ એને આખી દુનિયા એક કલાકાર તરીકે પૂજા કરે સે. એણે વળી કોઈ પક્ષમાં ભળવું જ સું કામ જોઈ?

ભગો: એના ઘરવાળા ઓલ્યા જયાબેન કેવા વાતવાતમાં ભેખડે ભરાય જાય સે.

બાપુ: એણે ય રાજકારણથી સેટા રેવું જોઈ. પણ નથી રઈ હક્તા. રાજકારણના રંગ જ એવા સે.

ભગો: તો અમિતાભ બસ્સનન હવે જાતી જિંદગીએ ઈ રંગે રંગાહે?

બાપુ: મારું માનવું સે કે નઈ રંગાય. પણ જો ભૂલેસૂકેય રંગાહે તો…

ભગો: તો?

બાપુ: તો ભેખડે ભરાહે.

પછી તો બાપુએ હાથ ધર્યો ને ભગાએ તાળી દીધી.આમ બાપુ ને ભગો બેઉ રાજી થાય છે એક્બીજાને તાળીઓ દે છે ને ડાયરો જામે છે.