મિત્રો,
કોઈ વ્યક્તિ ભગવાનમાં ન માનતી હોય, ભગવાનના નામ માત્રથી એને ચીડ ચડતી હોય, ભગવાનનું નામ લેવાનું એને પસંદ ન હોય અને બીજાં લોકો ભગવાનનું નામ લે એનાથી પણ એને અકળામણ થતી હોય એવું બનતું હોય છે. એવું બનવા માટે વાજબી કારણો પણ હોય. જેવા કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, દંભ, દેખાદેખી અને શોષણ તરફ એને સખત નફરત હોય. છતાંય આ વ્યક્તિએ પોતાના વિરોધને ક્યાંક ને ક્યાંક કાબૂમાં રાખવો પડે છે.
આવી વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો નસીબદાર. પરંતુ જો આપણા દેશમાં રહેતી હોય અને ભગવાન કે દેવતાના નામ માત્રથી એ ડગલે ને પગલે પોતાના નાકનું ટેરવું ચડાવવા જાય તો જતે દહાડે ઘસાઈ ઘસાઈને એના નાકનું અસિત્વ જ ન રહે! આવો, આ પરિસ્થિતિ માટેનાં કારણો તપાસીએ.
આવી વ્યક્તિ જે વિસ્તાર, સોસાયટી,કૉલનિ, કોમ્પ્લેક્ષ્, એન્કલેવ વગેરેનાં નામ કેવાં હોઈ શકે? આવાં હોઈ શકે…
*શ્રીકૃષ્ણ વાટિકા.
*રાધાકૃષ્ણ સોસાઇટી.
*બાલાજી રેસિડન્સી
*આસુતોષ નગર.
*લક્ષ્મીકૃપા સોસાઇટી.
*રામનગર.
*સીતાબાગ.
*મારુતીધામ .
વગેરે.. વગેરે… વગેરે…
હવે વિચાર કરો કે, એ વ્યક્તિ એવો આગ્રહ રાખે કે : “હું ભગવાનમાં નથી માનતો. વિજ્ઞાનમાંઅને ગણિતમાં માનું છું માટે હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારનું નામ કોઈ વિજ્ઞાનિક કે ગણિતજ્ઞનાં નામ પર હોવું જોઈએ. જેમ કે, રામાનુજન નગર! … ના, ના, ના. આમાંય ભગવાનનું નામ આવે છે! જગદીશચંદ્ર બોઝ કોમ્પ્લેક્ષ હોવું જોઈએ. ના, ના. આમાં પણ લોચો છે! આલ્બર્ટ આઇન્સ્ટાઇન નગર કે ન્યૂટનધામ હોવું જોઈએ. જેમાં ભગવાનનું કે દેવતાનું નામ આવતું હશે એ વિસ્તારમાં હું નહિ રહું.”
તો વિચાર કરો કે એ વ્યક્તિ ક્યા રહેવા જાય? જંગલમાં? જંગલમાં પણ મંગલ હોય છે! ત્યાં તો કેટકેટલા આશ્રમો હોય! મંદિરો હોય! બાપુઓ હોય!
મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે, વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરતાં હોવા છતાં સમાજમાં વિજ્ઞાનિકોને વિસ્તારનાં નામ રાખતી વખતે જરૂરી મહત્વ આપતું નથી. આપણે એ બાબતમાં કશું કરી શકતા નથી. કારણ કે નામકરણ તો મોટાભાગે બિલ્ડરો કરતા હોય છે!એમને મોટાભાગે ભગવાન કે દેવતાઓનાં જ નામ પસંદ હોય છે. વાળી, તેત્રીસ કરોડ દેવતા હોવા છતાય એ લોકો અમુક જ નામનો ઉપયોગ કરે છે જેના કારણે એક જ વિસ્તારમાં અનેક બાલાજી નગર કે શ્યામધામ સોસાઇટી હોય છે. પરિણામે પોસ્ટમેન, ગેસના બાટલા પહોંચાડનારા તેમ જ મોંઘેરા મહેમાનો ગોટે ચડે છે. એ પણ એક બીજી મોટી સમસ્યાછે.
મૂળ વાત પર આવીએ તો ભગવાનના નામ માત્રથી ભાગતી વ્યક્તિએ પોતાનું મન મોટું રાખીને પણ જે તે વિસ્તારમાં રહેવું જ પડે.
ચાલો, માની લઈએ કે એ વ્યક્તિ જ્યાં રહેતી હોય એ વિસ્તારનું નામ ભગવાનના નામ પર ન હોય. એ વિસ્તારનું નામ ડ્રીમલૅન્ડ કે આનંદનગર જેવું હોય. તો પણ એ વ્યક્તિ બચવાની નથી. આખું સરનામું આપતી વખતે એણે પોતાનું રહેઠાણ ક્યા આવ્યું એની વિગત તો આપવી જ પડે! પરિણામે એણે ભગવાનનું નામ તો લેવું જ પડે! કારણ કે એનું રહેઠાણ મોટાભાગે આવી જગ્યાએ આવેલું હોય…
*લંબે હનુમાન રોડ.
*પંચમુખી મહાદેવના મંદિરની પાછળ.
* લક્ષ્મીહૉલની બાજુમાં.
*શ્રીકૃષ્ણ ભોજનાલયની સામે.
*અંબે વિદ્યાલયવાળી શેરી.
વગેરે.. વગેરે… વગેરે.
આવી સમસ્યા એક કે બીજા રૂપે દરેક દેશ કે સમાજમાં હશે જ!
તો સો વાતની એક વાત! સમાજમાં રહેનારે ક્યાંક ને ક્યાંક … ક્યારેક ને ક્યારેક, પોતાના ગમા-અણગમા સાથે બાંધછોડ કરવી જ પડે છે. આપણામાંથી ઘણાએ ‘ઓહ માય ગોડ’ ફિલ્મ જોઈને તાળીઓ પાડી હશે.જેમાંથી ઘણાખરાએ બીજે જ દિવસે કોઈને ત્યાં ‘સત્યનારાયણ’ની કથામાં કે ‘લક્ષ્મી પૂજન’ માં હાજરી આપી હશે. મને કે કમને પણ હાજરી આપી હશે. આપવી પડી હશે!
અર્થાત, ક્રાંતિકારી વિચારો માટે હાકલા-પડકારા કરનારાઓ પણ પોતાના પરિવારમાં થતાં પૂજાપાઠથી દૂર રહી શકતા નથી. કેમ એવું? આપણામાંથી ઘણાંને ક્રાંતિકારી થવું ગમે છે પરંતુ, વખત આવ્યે કેમ પલાંઠી મારીને ડાહ્યાડમરા થઈને બેસી જવું પડે છે?
આપણને બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?
કેમ?
કેમ?
કેમ?
થોડોઘણો જવાબ આમાં છે…

વધારે વાત, ફરી મળીએ ત્યારે.
આજનું સમોસું:
ભગાએ બાપુને પૂછ્યું કે, “બાપુ આપણે ‘હાંક્યું હાંક્યું’ તો બહુ સાંભળ્યુંતું પણ આ ‘આઈક્યુ આઈક્યુ’ શું છે?”
બાપુએ જવાબ આપ્યો કે, “એ હાંક્યુંનું અંગ્રેજી છે.”
Like this:
Like Loading...