[અસરનાં ત્રીજા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક ભવાઈ]
પાવલી લઈને રંગલી પાવાગઢ ગઈતી…
[મંચ પર રંગલો એકલો ઊભો છે.. હાથ જોડીને..]
રંગલો: નમસ્કાર પ્રેક્ષકો . અમારો ખેલ જોવા કાજે અસરના ઓટલે પધારવા બદલ હું આપ સહુનો આભાર માનું છું. વાત એમ છે કે રંગલી હજી આવી નથી. ને તમે તો જાણો જ છો કે:
રંગલો ઇઝ રંગલો એન્ડ રંગલી ઇઝ રંગલી
બટ વિધાઉટ રંગલી રંગલો ઇઝ નથિંગ નથિંગ એન્ડ નથિંગ
શુદ્ધ ગુજરાતીમાં કહું તો
રંગલી વગર રંગલાનું ગાડું ચાલે નઈ નઈ ને નઈ
તા થૈયા થૈયા ને તા થૈ.
[આમતેમ આંટા મારે .. ખિસ્સામાંથી મોબાઈલ કાઢે.]
આમાંય બેલેન્સ નથી. મારે કરવું શું? લાવ્ય હઠયોગ ચાલુ કરું.
[ રંગલો પલાંઠી મારીને બેસે. ઊંડા શ્વાસો લે. બંને હાથ ઊંચા કરે. ને નાદ શરૂ કરે.. ]
એ . ………રંગલી………..
એ ……….રંગલી………..
એ ……..રંગલી………..
[રંગલીનો પ્રવેશ]
રંગલી: બસ કર્ય રંગલા બસ કર્ય. શું કામે મારા નામનાં છાજિયાં લે છે? હું હજી મરી નથી ગઈ….
રંગલો: મરી નથી ગઈ એ તો હું ય જાણું છું. પણ એ તો કહે કે તું ક્યાં ગઈતી..
રંગલી: સાંભળ.
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી.
પાવાગઢવાળી મને દર્શન દે
નઈ તો મારી પાવલી પાછી દે.
રંગલો: એ રંગલી… આ પાવલી કે પચીસ પૈસાને હવે ભૂલી જા. સરકારે એને આ ગઈ પહેલી તારીખથી ચલણમાંથી હટાવી નાખ્યાં છે.
રંગલી: સરકારે તો હમણા એને ચલણમાંથી હટાવ્યાં? આપણે તો કેદાડાના હટાવી નાખ્યાં છે. આ સરકાર તો બાપ બહુ ઢીલી.
રંગલો: સરકારને બીજા કામ ન હોયને? એને એકલી પાવલી જ હટાવવાની હોય? એણે તો ત્રાસવાદ હટાવવાનો… મોંઘવારી હટાવવાની.. ભ્રષ્ટાચાર હટાવવાનો..
રંગલી: એમાનું કાઈ હટાવી ન શકી એટલે પાવલી હટાવી દીધી એમને.
રંગલો: કાંઇક તો હટાવ્યુંને? તું જરા પૉઝિટિવ થિંકિંગ કરતાં શીખ.
રંગલી: હા એ વાત સાચી. વિદેશની બેન્કોમાં રહેલા અબજો રૂપિયા દેશની તિજોરી ભેગા ન થયા તો કાઈ નહિ ; દેશની પ્રજાની પાવલીઓ તો તિજોરી ભેગી કરી!
રંગલો: વાહ! આપના દેશની તમામ પ્રજા જો આવું પૉઝિટિવ થિંકિંગ રાખશે તો અસંતોષની ભસ્મ કણી નવ લાધશે.
રંગલી: એલા રંગલા. તું આજકાલ પૉઝિટિવ થિંકિંગ ના રવાડે ચડ્યો લાગે છે.
રંગલો: ભલભલા ચડ્યા છે. મારો શો વાંક?
રંગલી: ચડ્ય તો ચડ્ય. પણ ધ્યાન રાખજે. એટલો બધો ઊંચે ન ચડી જતો કે જ્યાંથી આ જમીન નજરે ન પડે!
રંગલો: તું ભલે મને ડરાવે. પણ હું તો પૉઝિટિવ થિંકિંગના કલાસ ભરવાનો જ છું.
રંગલી: [હસીને] પૉઝિટિવ થિંકિંગ ના કલાસ! પેલા રમણભાઈ રઘવાયાએ ભર્યાતા. એની શી દશા થઇ એની ખબર છેને?
રંગલો: ના.
રંગલી: સાંભળ. એણે ફી ભરીને પૉઝિટિવ થિંકિંગના કલાસ છ મહિના સુધી ભર્યા.
રંગલો: પછી તો રમણભાઈનું પૉઝિટિવ થિંકિંગ ખૂબ ખૂબ વધી ગયું હશે?
રંગલી: પૉઝિટિવ થિંકિંગ કેટલું વધ્યું એની તો ખબર નથી પણ એમનું બેંક બેલેન્સ સાવ ઘટી ગયું. પૉઝિટિવ થિંકિંગ ના કલાસની ફી બહુ વધારે હતી.
રંગલો: અરરર! ભારે થઈ.
રંગલી: ભારે તો એવી થઈ કે એમનું જેવું હતું એવું થિંકિંગ જ બંધ થઈ ગયું. એટલે તું ધ્યાન રાખજે. આ મોંઘવારીમાં તારે વધારે કમાવાની જરૂર છે. નહિ કે ખાલી થવાની!
રંગલો: કમાવા માટે તો મારી પાસે એક જોરદાર ઉપાય છે. અને એ ઉપાય વહેલીતકે અમલમાં મૂકવાનો છું,
રંગલી: કયો ઉપાય? જલ્દી કહે!
રંગલો: હું પોતેજ મોટાપાયે કલાસ શરૂ કરવા માંગુ છું. ગાંગડા લર્નિંગ કલાસ.
રંગલી: એ વળી કેવા કલાસ?
રંગલો: હું લોકોને ગાંગડા કાઢતાં શીખવાડીશ.
રંગલી: એટલે? તું લોકોને ગાંગડા કાઢતાં શીખવાડીશ.
રંગલો: હા. આજકાલ ગાંગડા કાઢનારાઓની ટીવી પર બહુ જ ડીમાંડ છે. રંગલી. મારું એક સપનું છે. હું હજારો લોકોને ગાંગડા કાઢતાં શીખવાડતો હોઉં. ટીવી પરથી રોજ એનું પ્રસારણ થતું હોય. ગાંગડા ગુરુ તરીકે આખા વિશ્વમાં મારી નામનાં હોય.
રંગલી: સપનાં જોવા રહેવા દે રંગલા. તારા કલાસ ભરવા આવશે કોણ?આવશે તો ક્યાં આવશે? કલાસ ચલાવવા માટે જગ્યા છે તારી પાસે?
રંગલો: છેને. દિલ્હીનું રામલીલા મેદાન કેવડું મોટું છે?
રંગલી: રામલીલા મેદાન!! જાળવજે રંગલા. એ મેદાનમાં જવા જેવું નથી.
રંગલો: કેમ?
રંગલી: બાબાવાળી થશેને તો તારે આ રંગલાની વેશભૂષાને બદલે મારી વેશભૂષા ધારણ કરવાનો વારો આવશે! માટે જે કરે તે વિચારીને કરજે. પછી કહેતો નહિ કે તેં મને ચેતવ્યો નહિ. જો સાંભળ….
કરતાં હોય સો કિજિયે ઔર ન કિજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ…
રંગલો:એટલે તારું કહેવું એમ છે કે હાલમાં જે છે તે બરાબર છે. કાંઈ નવું કરવા જેવું નથી.
રંગલી: ના. જે છે તે બરાબર છે. રામલીલા મેદાન લેવા જાતા હાથમાંથી આ અસરનો ઓટલો જાશે તો આપણે ક્યાંયનાં નહિ રહીએ.
રંગલો: સાલી એ વાત વિચારવા જેવી ખરી.
રંગલી: તો વિચાર. ને મને જાવા દે. મારે ઘણાં કામ છે.
રંગલા: જા . હું વિચારો કરું છું.
[રંગલી જાય]
રંગલો: [થોડો વિચાર કરીને ] પ્રેક્ષક મિત્રો. મને ક્ષમા કરજો. રંગલી વગર મને વિચારો આવતા નથી. ને આવે છે તો અવળા આવે છે. માટે મને પણ રજા આપશો.
હે.. મરચાં વગર જેમ ગાંઠિયા ભાવે નહિ
એમ રંગલી વગરનો આ રંગલો ફાવે નહિ.
આ રંગલો ચાલ્યો એ દિશામાં
જે દિશામાં એની રંગલી ચાલી ગઈ…
તા થૈયા થૈયા ને તા થૈ.
[ ખેલ ખલાસ]
