પાવલી લઈને રંગલી પાવાગઢ ગઈતી…

[અસરનાં ત્રીજા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક ભવાઈ]

પાવલી લઈને રંગલી પાવાગઢ ગઈતી…

[મંચ પર રંગલો એકલો ઊભો છે.. હાથ જોડીને..] 

રંગલો:  નમસ્કાર પ્રેક્ષકો .  અમારો ખેલ જોવા કાજે અસરના ઓટલે પધારવા બદલ હું આપ સહુનો આભાર માનું છું.  વાત એમ છે કે રંગલી હજી આવી નથી.  ને તમે તો જાણો જ છો કે:

રંગલો ઇઝ રંગલો એન્ડ રંગલી ઇઝ રંગલી

બટ વિધાઉટ રંગલી રંગલો ઇઝ  નથિંગ નથિંગ એન્ડ નથિંગ

શુદ્ધ ગુજરાતીમાં કહું તો

રંગલી વગર રંગલાનું ગાડું ચાલે  નઈ નઈ ને નઈ

તા થૈયા થૈયા  ને તા થૈ.

[આમતેમ આંટા મારે .. ખિસ્સામાંથી મોબાઈલ કાઢે.]

આમાંય બેલેન્સ નથી. મારે કરવું શું? લાવ્ય હઠયોગ ચાલુ કરું.

[ રંગલો પલાંઠી મારીને બેસે.  ઊંડા શ્વાસો  લે.  બંને હાથ ઊંચા કરે.  ને નાદ શરૂ કરે.. ]

એ . ………રંગલી………..

એ ……….રંગલી………..

એ ……..રંગલી………..

[રંગલીનો પ્રવેશ]

રંગલી: બસ કર્ય રંગલા બસ કર્ય. શું કામે મારા નામનાં છાજિયાં લે છે? હું હજી મરી નથી ગઈ….

રંગલો: મરી નથી ગઈ એ તો હું ય જાણું છું. પણ એ તો કહે કે તું ક્યાં ગઈતી..

રંગલી: સાંભળ.

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી.

પાવાગઢવાળી મને દર્શન દે

નઈ તો મારી પાવલી પાછી દે.

રંગલો: એ રંગલી… આ પાવલી કે પચીસ પૈસાને  હવે ભૂલી જા. સરકારે એને આ ગઈ પહેલી તારીખથી ચલણમાંથી  હટાવી  નાખ્યાં છે.

રંગલી:  સરકારે તો  હમણા એને  ચલણમાંથી હટાવ્યાં? આપણે તો કેદાડાના હટાવી  નાખ્યાં છે.  આ સરકાર તો  બાપ બહુ ઢીલી.

રંગલો: સરકારને બીજા કામ ન હોયને? એને એકલી પાવલી જ હટાવવાની હોય? એણે તો ત્રાસવાદ હટાવવાનો… મોંઘવારી હટાવવાની.. ભ્રષ્ટાચાર હટાવવાનો..

રંગલી: એમાનું કાઈ હટાવી ન શકી એટલે પાવલી હટાવી દીધી એમને. 

રંગલો:  કાંઇક તો હટાવ્યુંને? તું  જરા પૉઝિટિવ  થિંકિંગ  કરતાં શીખ.  

રંગલી: હા એ વાત સાચી. વિદેશની બેન્કોમાં  રહેલા અબજો રૂપિયા દેશની તિજોરી ભેગા ન થયા તો કાઈ નહિ ; દેશની પ્રજાની પાવલીઓ તો  તિજોરી ભેગી કરી!  

રંગલો: વાહ!  આપના દેશની તમામ  પ્રજા જો આવું પૉઝિટિવ  થિંકિંગ  રાખશે તો અસંતોષની ભસ્મ કણી નવ લાધશે. 

રંગલી: એલા રંગલા. તું આજકાલ પૉઝિટિવ  થિંકિંગ ના રવાડે ચડ્યો લાગે છે.

રંગલો: ભલભલા ચડ્યા છે. મારો શો વાંક? 

રંગલી:  ચડ્ય તો ચડ્ય. પણ ધ્યાન રાખજે.  એટલો બધો ઊંચે ન ચડી જતો કે જ્યાંથી આ જમીન નજરે ન પડે! 

રંગલો: તું  ભલે મને ડરાવે. પણ હું તો પૉઝિટિવ  થિંકિંગના કલાસ ભરવાનો જ છું. 

રંગલી: [હસીને] પૉઝિટિવ  થિંકિંગ ના કલાસ! પેલા રમણભાઈ રઘવાયાએ  ભર્યાતા.  એની શી દશા થઇ એની ખબર છેને? 

રંગલો: ના. 

રંગલી: સાંભળ.  એણે ફી ભરીને  પૉઝિટિવ  થિંકિંગના કલાસ છ મહિના સુધી ભર્યા.

રંગલો: પછી તો  રમણભાઈનું  પૉઝિટિવ  થિંકિંગ  ખૂબ ખૂબ વધી ગયું હશે? 

રંગલી: પૉઝિટિવ  થિંકિંગ   કેટલું વધ્યું એની તો ખબર નથી પણ એમનું બેંક બેલેન્સ સાવ ઘટી ગયું.  પૉઝિટિવ  થિંકિંગ ના કલાસની ફી બહુ વધારે હતી.

રંગલો: અરરર! ભારે  થઈ.

રંગલી: ભારે તો એવી થઈ કે એમનું જેવું હતું એવું થિંકિંગ જ બંધ થઈ ગયું.  એટલે તું ધ્યાન રાખજે. આ મોંઘવારીમાં તારે  વધારે કમાવાની જરૂર  છે. નહિ કે ખાલી થવાની! 

રંગલો: કમાવા માટે તો મારી પાસે એક જોરદાર ઉપાય છે. અને એ ઉપાય વહેલીતકે અમલમાં મૂકવાનો છું,

રંગલી:  કયો ઉપાય? જલ્દી કહે!

રંગલો: હું પોતેજ મોટાપાયે કલાસ શરૂ કરવા માંગુ છું.  ગાંગડા લર્નિંગ  કલાસ. 

રંગલી: એ વળી કેવા કલાસ? 

રંગલો: હું લોકોને ગાંગડા કાઢતાં શીખવાડીશ.

રંગલી: એટલે? તું લોકોને ગાંગડા કાઢતાં શીખવાડીશ.

રંગલો: હા. આજકાલ ગાંગડા કાઢનારાઓની ટીવી પર બહુ જ ડીમાંડ છે.  રંગલી. મારું એક સપનું છે.  હું હજારો લોકોને ગાંગડા કાઢતાં શીખવાડતો  હોઉં.  ટીવી પરથી રોજ એનું પ્રસારણ થતું હોય. ગાંગડા ગુરુ તરીકે આખા વિશ્વમાં મારી નામનાં હોય.   

રંગલી: સપનાં જોવા રહેવા દે રંગલા.  તારા કલાસ ભરવા આવશે કોણ?આવશે તો ક્યાં આવશે? કલાસ ચલાવવા માટે જગ્યા છે તારી પાસે? 

રંગલો: છેને. દિલ્હીનું  રામલીલા મેદાન કેવડું મોટું છે? 

રંગલી: રામલીલા મેદાન!! જાળવજે રંગલા. એ મેદાનમાં જવા જેવું નથી.

રંગલો: કેમ?

રંગલી:  બાબાવાળી  થશેને તો તારે આ રંગલાની વેશભૂષાને બદલે મારી વેશભૂષા ધારણ કરવાનો વારો આવશે! માટે જે કરે તે વિચારીને કરજે.  પછી કહેતો નહિ કે તેં મને ચેતવ્યો નહિ. જો સાંભળ….

કરતાં હોય સો  કિજિયે ઔર ન કિજિયે કગ

માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ… 

રંગલો:એટલે તારું કહેવું એમ છે કે હાલમાં જે છે તે બરાબર છે.  કાંઈ નવું કરવા જેવું નથી.

રંગલી: ના. જે છે તે બરાબર છે.  રામલીલા મેદાન લેવા જાતા હાથમાંથી આ અસરનો  ઓટલો  જાશે તો  આપણે ક્યાંયનાં નહિ રહીએ.  

રંગલો: સાલી એ વાત વિચારવા જેવી ખરી. 

રંગલી: તો વિચાર. ને મને જાવા દે. મારે ઘણાં કામ છે. 

રંગલા: જા . હું વિચારો કરું છું. 

[રંગલી જાય] 

રંગલો: [થોડો વિચાર કરીને ] પ્રેક્ષક મિત્રો.  મને ક્ષમા કરજો. રંગલી વગર મને વિચારો આવતા નથી. ને આવે છે તો અવળા આવે છે. માટે મને પણ રજા આપશો. 

હે.. મરચાં વગર જેમ ગાંઠિયા ભાવે નહિ 

એમ રંગલી વગરનો આ રંગલો ફાવે નહિ. 

આ રંગલો ચાલ્યો એ દિશામાં 

જે દિશામાં એની રંગલી ચાલી ગઈ… 

તા થૈયા થૈયા  ને તા થૈ.

[ ખેલ ખલાસ]      

રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય-3

મિત્રો ,રંગલી ચાલી ભૂવાને આંગણે એ ખેલના પહેલાં બે દૃશ્યો આપે જોયાં. હવે રજૂ થાય છે

 રંગલી ચાલી ભૂવાને આંગણે દૃશ્ય -3

ભૂવો:  [ખોપરી હાથમાં રાખીને ગીત ગાય છે. ]  યે દોસ્તી હમ નહીં છોડેંગે છોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે..

રંગલો:  ઓ ભૂવાશ્રી. શાંતિ રાખો. હમણા ઇન્સપેક્ટર  સાહેબ આવશે એટલે ખબર પડશે કે તમારો અને આ તમારી વહાલી ખોપરીનો સાથ કેટલો ટકે છે!

ભૂવો :[મોટેથી ગાય ] જનમ જનમ કા સાથ હૈ નિભાને કો સો સો બાર હમને જનમ લિયે ..

[જાડિયાપાડિયા જગ્ગુ જમાદારનો પ્રવેશ]

જગ્ગુ જમાદાર : કોણ છે ભાઈ આ કોણ વારેવારે જનમ લેવાના ચાળે ચડ્યો  છે?

ભૂવો:  હું છું ભમ્મરિયો ભૂવો. મા ચકરડી માતાનો ભગત. પણ તમે કોણ છો ?

 જગ્ગુ  જમાદાર :  હું છું આ નગરનો જગ્ગુ જમાદાર. [ગબ્બરસિંગની અદામાં ]  યહાંસે સો સો કોસ દૂર જ કોઈ બચ્ચા ખાનેસે ઇન્કાર કરતા હૈ તબ મા કહતી હૈ કિ ખાલે બેટા નહીં તો જગ્ગુ જમાદાર ખા જાયેગા…  

ભૂવો: વાહ ભાઈ વાહ! ખમણ ખમણ પે લિખા ખાનેવાલે કા નામ! જગ્ગુજી  પહેલાં તો  આ મા ધમા ચકરડીના દર્શન કરો. મા હાજરાહજૂર છે. ને ખમણનો પ્રસાદ ગ્રહણ કરો. પછી કામકાજની વાત! 

જગ્ગુ  જમાદાર : [ ચકરડી માતાજીને  દંડવત પ્રણામ કરીને ] મારી મા આ ભૂવાને ફળી એવી જ મને ફળજો. [ ખમણના પ્રસાદની આખી થાળી લઈને ખતાં ખાતાં] વાત એમ કે ને કે મારા સાહેબ ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ  છે. અને એ એવા તો કડક છે કે પોતે ખાતા નથી અને કોઈને ખાવા દેતા નથી.  એ આવી જાય તે પહેલાં આ જેટલું ખવાયું તેટલું ખાઈ લીધું ને ભાઈ ભમ્મરિયા લે આનું પડીકું વાળી દે એટલે મારા ઘરવાળાને પણ પ્રસાદનો લાભ મળે. 

[ઇંન્સપેક્ટર નરેન્દ્રસિહનો પ્રવેશ]

નરેન્દ્રસિંહ આ શું કરી રહ્યા છો જમાદાર મારી ગેરહાજરીમાં ખાવાનું પતાવી દીધું? 

જગ્ગુ જમાદાર:  ના સાહેબ ના આ તો ચકરડી માતાનો પ્રસાદ  છે.  આ રહ્યાં માતાજી. દર્શન કરો અને પ્રસાદ લો. 

[નરેન્દ્રસિંહ દૂરથી જ માતાજીને પગે લાગે. ] 

રંગલી: સાહેબ. અહીં  માતાજીના નામે ધતિંગ ચાલે છે. આ ધતિંગ બંધ કરવા માટે જ અમે તમને ફરિયાદ કરી છે.  

નરેન્દ્રસિંહ:  આપનો પરિચય? 

રંગલી:  હું છું  ભવાઈના કાર્યક્રમો દ્વારા  સામાજિક જાગ્રુત્તિના કામો કરતી રંગલી અને આ છે મારો રંગલો.

નરેન્દ્રસિંહ: [હાથ જોડીને]  આપને મળીને આનંદ થયો.  

રંગલી: સાહેબ કોઈ શાસ્ત્રમાં આ  ધમા ચકરડી માતાજીનો ઉલ્લેખ નથી. આ માતાજી તો આ ભૂવાની પોતાની કલ્પના છે.  જેના નામે ભોળા લોકો લૂંટાય છે માટે એ દૂર થવા જ જોઈએ. 

ભૂવો:  આ દેશમાં  એવા કેટલાય દેવદેવીઓ  છે કે જેનો  ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી. અને એવા દેવદેવીઓના મંદિરો જો આ સાહેબ હટાવવા જાય તો આ દેશની સરકાર હટી જાય શું કહો છો સાહેબ. 

નરેન્દ્રસિંહ: વાત તો મુદ્દાની છે ભાઈ. આ દેશમાં રસ્તા વચ્ચે રાતોરાત ઊભું કરાયેલું એકાદ નાનકડું દેરું  પણ હટાવી નથી શકાતું. પછી ભલે એના લીધે ગમેતેટલી અગવડ થાય. આસ્થાની સામે વ્યવસ્થાએ નમવું પડે છે. 

રંગલો: પણ સાહેબ આ ભૂવો આ માતાજીના નામે લોકોને લૂંટે છે. 

ભૂવો:  હું કોઈને લૂંટતો નથી. લોકો શ્રદ્ધાથી પૈસા ધરે છે. 

રંગલી: સાહેબ. આ ભૂવાભાઈ લોકોને કેવી કેવી લાલચો આપે છે! આ યાદી   જુઓ. 

નરેન્દ્રસિંહ:  [યાદી  વાંચીને]  આ તો રીતસર અંધશ્રદ્ધાનો  ફેલાવો છે.   

ભૂવો :સાહેબ. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ! જેના લીધે  કોઈ દુ:ખીના મનમાં આશા જાગે તો એમાં ખોટું શું છે? બધેથી નિરાશ થયેલાં લોકો અહીં આવે  છે અને અહીં આવ્યા પછી એમનામાં પોતાનાં દુખદર્દ દૂર થશે એવા હકારાત્મક ભાવો જાગે તો એમાં બીજાંને શા માટે વાંધો હોવો જોઈએ?

રંગલી:  વાહ હકારાત્મક ભાવો! એ હકારાત્મક ભાવોનું આયુષ્ય  કેટલું ? એવી ખોટી આશાઓ બંધાવવાનો શો અર્થ છે? 

ભૂવો: રંગલીબેન કેટલીક વખત  દાકતરો પોતે જાણતા હોય કે દર્દીને સારું નથી જ થવાનું છતાં એના પરિવારને ચોખ્ખું નથી કહેતા. સારું થશે એવું કહેતા રહે છે અને  સારવાર ચાલું જ રાખે છે. પૈસા પણ  કમાય છે. તો એનો શો અર્થ? 

રંગલી:  એ લોકો જે કાંઈ કરે છે તે વિજ્ઞાનના સહારે કરે  છે. દવા આપે છે તમારી જેમ તાવીજ અને ભસ્મ નથી આપતા 

ભૂવો:  જે દવાથી સારું ન જ થવાનું  હોય તે દવા અને ભસ્મમાં શો ફેર? જે બાટલા ચડાવવા છતાં દર્દી  મરવાનો જ હોય તે બાટલા અને તાવીજ વચ્ચે શો ફેર? મારીબેન. આ દાક્તરો  પણ ઘણી વખત ખોટી આશાઓ જ બંધાવતા જ હોય છે ને અને એ પણ તમને પૈસેટકે ખાલી કરીને. જ્યારે હું તો કોઈને હાર્ટએટેક આવે એવું બિલ  ફટકારતો નથી. લોકોને જે આપવું હોય તે પ્રેમથી આપે છે.  આ તો માતાજીનો દરબાર છે મારીબેન. જે થાય તે પ્રેમથી થાય છે. 

નરેન્દ્રસિંહ : તમે લોકો એ  તો જાણે ચર્ચાસભા ચાલુ કરી દીધી.  અવી ચર્ચાનો અંત આવે નહીં. મારે બીજાં ઘણાં કામ છે. ભૂવાભાઈ.  તમે તમારો આ ધંધો અત્યારથી જ બંધ કરી દો. નહીં કરો તો મારે કાયદેસર પગલાં ભરવા પડશે.

ભૂવો : પણ મેં કયા કાયદાનો ભંગ કર્યો છે? 

રંગલો:  આ માતાજીનું મંદિર કોની રજાથી બાંધ્યું છે? 

ભૂવો: મંદિરો બાંધબા માટે વળી રજા લેવી પડે? લોકો તો વગર રજાએ પોતાનાંબંગલા બાંધી દે છે અને ભગવાનના નાનકડા ઘર માટે વળી રજા લેવાની ? 

રંગલી: અને તાવીજનું વેચાણ કરો છો તે કાયદાનો ભંગ નથી? 

ભૂવો: દુનિયામાં હજારો  ઘરેણાંની ચીજો વેચાય છે. લોકો પહેરે છે. એ ગુનો નથી તો આ તાવીજ  તો  હું એ લોકોને મફતમાં આપું છું.  એ પહેરાવવૌં કે પહેરવું કઈ રીતે ગુનો બને?  આ તો તમે લોકોના મૂળભૂત અધિકારની વિરુદ્ધની વાતો કરો છે.

રંગલો :અને આ તમારો પાવડર!  આ પાવડરને તો અત્યારે જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલવો જોઈએ.

ભૂવો: મોકલો ખુશીથી મોકલો એમાં કશું જ વાંધાજનક જણાય તો હું જેલમાં જવા તૈયાર છું

નરેન્દ્રસિંહ: આટલો બધો આત્મવિશ્વાસ  ભારે પડી જશે ભાઈ ભૂવા.

ભૂવો :  સાહેબ.  આત્મવિશ્વાસનું કારણ એ જ છે કે આ પાવડર તો મોંઘામાં  મોંઘી ચોકલેટનો  પાવડર છે.  જેને દૂધ સાથે પીવાથી કોઈપણ માણસને સારી સારી લાગણીનો  અનુભવ થાય. અમાંકયા કાયદાનો ભંગ થયો? 

રંગલી: પણ તમે તો  આ પાવડર રંગલાને  રાત્રે બાર વાગે  ચાંદ તારાની સાક્ષીએ પીવડવાવાનું  કહ્યું હતું . આવી અંધશ્રદ્ધા વધારનારી સલાહ આપવાનું કારણ ખરું? 

ભૂવો: અરે મારી બહેન.  આ રંગલો કમ્પ્યુટરથી અળગો થાય  અને ખુલ્લાં આકાશનું  તેમ જ હરીભરી કુદરતનું મહત્વ સમજે  તે માટેનો મારો એ પ્રયાસ માત્ર હતો.  એ બહાને જો રંગલાને  માનસિક શાંતિ મળે એ જ મારો આશય હતો! 

નરેન્દ્રસિંહ : મને તો તમે ભેદભરમથી ભરેલા માણસ લાગો છો. તમારા બધા ખુલાસા પરથી તો એવું લાગે છે  જાણે તમે આ દુનિયાનાં મૂળિયાં ચાવી ગયા છો. મારો તમારી સાથે પનારો પડી ચૂક્યો હોય એવું લાગે છે!  બીજી બધી વાતો જવા દો અને મને તમારા ઓળખાણના પુરાવા આપો. 

ભૂવો:કેવા પુરાવા ?

નરેન્દ્રસિંહ: કાયદેસરના પુરાવા. જેનાથી  સાબિત થાય કે તમે આ જગતમાં ક્યારે પ્રગટ થયા! તમારું અસલ નામ કયું? તમારો અભ્યાસ કેટલો ? 

ભૂવો : [હસીને]  મારી પાસે તો એવા કોઈ પુરાવા નથી.

નરેન્દ્રસિંહ : પણ મારી પાસે આ દંડો છે.  [દંડો ઉગામે ]   

ભૂવો: રહેવા દો રહેવા દો સાહેબ.  એની જરૂર નથી. આ લો મારું ઓળખપત્ર.[ટેબલમાંથી ઓળખપત્ર કાઢે] 

નરેન્દ્રસિંહ: [વાંચે ] મૌલિક એમ.  કોટેચા માનસિક રોગોના નિષ્ણાત. [યાદ કરીને] મૌલિક કોટેચા કરીને એક છોકરો તો   તો મારી સાથે કોલેજમાં હતો. કદાચ એણે સાયકૉલોજી.. શું તમે પોતે તો મૌલિક …  

ભૂવો : [ હસતાં હસતાં તેમ જ ટોપી  અને કોટ ઉતારતાં ઉતારતાં] હા હું જ છું એ  મૌલિક કોટેચા.  શ્રીમાન નરેન્દ્રસિંહ  આપણે કોલેજનાપહેલાં વર્ષમાં સાથે હતા. પછી અલગ થયા.

[બંને મિત્રો ભેટે ]

રંગલો: એટલે તમે ભૂવા નથી?

ભૂવો: ભૂવો છું પણ ભણેલો અને એનાથી વિશેષ ગણેલો!

રંગલી:ભણેલા ગણેલા થઈને આવી ભૂવાગીરી કરવાનું કારણ?

ભૂવો: માત્રને માત્ર અભ્યાસ માટે! હું આજના જમાનાના માણસોની નવી નવી માનસિક નબળાઈઓ માટેનું સંશોધન કરવા માંગું છું. એ માટે મને ભૂવો બનવાનું જ ઠીક લાગ્યું! ભૂવા પાસે લોકો પોતાની તકલીફ  છૂપાવે નહીં!

નરેન્દ્રસિંહ:  વાહ! રીસર્ચ કરવાની જબરી  મૌલિક રીત અપનાવી છે!

રંગલી:  રીત ગમે તેવી મૌલિક હોય પણ ગલત છે. સાધ્ય ગમે તેટલું  શુદ્ધ હોય પણ જો સાધન શુદ્ધ ન હોય તો એનાથી સમાજને  ખોટા સંદેશા જવાનો સંભવ છે.  મારું માનવું છે કે આ ભૂવા કાર્યાલય બંધ થવું જ જોઈએ. 

નરેન્દ્રસિંહ :બહેનની વાત સાચી છે. મિત્ર મૌલિક કોટેચા.  આજ કામ તમે એક  ડૉક્ટર  તરીકે કરી શકો છો.  તમારે આ કાર્યાલય બંધ કરવું જ પડશે.  ઉતારો આ પાટિયું.

ભૂવો:પાટિયું ઉતારવાની જરૂર નથી. માત્ર ફેરવવાની જરૂર છે. ને એ કામ રંગલો અને રંગલીના હાથે જ થાય તો મને ગમશે.  આવો.. 

[રંગલો અને રંગલી કાર્યાલયનું પાટિયું ઉલટાવે છે  અને પાછળનું લખાણ સહુ એક સાથે વાંચે છે. ] 

ચારે જણાં: [ મોટેથી]  ડૉક્ટર   મૌલિક કોટેચા માનસિક રોગોના નિષ્ણાત . 

રંગલી: પણ ભૂવાજી અરે! ડોક્ટર સાહેબ્ તમે મારા રંગલાના કાનમાં કયા મંત્રો ફૂંક્યા હતા એ તો કહો.

ભૂવો:  એ તો  રંગલાભાઈ જ કહેશે. એ મંત્રો સહુએ ધ્યાનમાં રાખવા જેવા છે!

રંગલો :તો સાંભળો એ મંત્રો. … ઇંટરનેટ આપણા માટે છે.. આપણે ઇંટરનેટ માટે નથી….. બ્લોગ મગજને રાહત આપવા માટે છે…  મગજને ત્રાસ આપવા માટે નથી! …. કમ્પ્યૂટરના ચોકઠા સિવાયની પણ દુનિયા છે જેનાથી સાવ અળગા થવાની જરૂર નથી.

[સમાપ્ત]  

રંગલી ચાલી ભૂવાને આંગણે [દૃશ્ય-2]

ચકરડી માતાજીનો પ્રસાદ. ઉતાવળમાં ધાણાકોપરું છંટાયા નથી તો ક્ષમા કરજો.

[બોર્ડ લાગેલું છે:  ભમ્મરિયા ડોટ કોમ.  બીજા બોર્ડ પર મોટા અક્ષરોમાં લખ્યું છે: મા ધમા ચકરડીની જય હો.  ત્રીજું  બોર્ડ છે. જેમાં ભમ્મરિયા ભૂવા દ્વારા અપાતી સેવાઓની યાદી લખેલી છે.  

એક ખૂણામાં મા ધમા ચકરડીનું  મંદિર છે.  જેમાં ચકરડી રૂપે મા બિરાજ્યા છે. ગોળ ગોળ ચકરડીની વચ્ચે ચકરડી માતાજીનું મુખ શોભી રહ્યું છે. માતાજીની આગળ  વિવિધ પ્રસાદ જેવા કે;  ગોટા, બટાકાવડા, ખમણ , ઇદડા,કચોરી વગેરેની થાળીઓ છે.  એક ટોપલીમાં લોકોએ ધરેલા રૂપિયા છે.  વીજળીના દીવાઓ ઝગમગી રહ્યા છે.  

કાર્યાલયના પ્રવેશદ્વારની સામે જ ભૂવાનું સ્થાન છે.  જે પોતે એક હરતીફરતી ખુરશી પર બિરાજમાન છે. જેની સામે એક મોટું સુંદર ટેબલ છે. ટેબલ પર વિવિધ પ્રકારના રંગબેરંગી ગોળાઓ છે.  દૂરબીન જેવું એક મોટું ભૂંગળું પડ્યું છે. વિવિધ  ખોપરીઓ પડેલી  છે. એ સિવાય વિવિધ સામગ્રીઓ; જેવી કે: માદળિયાં,પાવડર,પડીકીઓ વગેરેથી ભરેલી કાચની બરણીઓ પડેલી છે. પીણાઓથી ભરેલી બોટલ્સ છે.  ખાલી પ્યાલાઓ  છે.  

ભૂવાની પાછળની  તેમજ આસપાસની દીવાલો પર  વિવિધ માહાનુભાવોની તસવીરો છે. જેવી કે: ઉઘાડી છાતીએ ઊભેલો સલમાનખાન, સિક્સર ફટકારતો ધોની, મુંઝાયેલી મુદ્રામાં મનમોહનસિંહજી, શેરબજારના ચાર્ટની આગળ ઊભેલા મુકેશ અંબાણી, ટીવી  સિરિયલની વિવિધ વહુઓની સાથે ઊભેલી  રાજસ્થાની મા... 

ભમ્મરિયો ભૂવો  પોતે કાળા કોટ અને કાળી  ટોપીમાં છે. તેના ગળામાં મોબાઇલ્સની  માળા છે.  આછી આછી દાઢી  છે.  કાળાં ગોગલ્સ પહેર્યા છે.

 તે  એક ખોપરીની હાથમાં રાખીને ગીત ગાતો હોય છે...  ]

ભૂવો: [ખોપરીને હાથમાં રાખીને ઊભો થઈને ગાતાં ગાતાં નાચે છે ] મેરે દિલમેં આજ ક્યા હૈ.. તુ કહે તો મૈ બતા દું.. તેરી ઝૂલ્ફ મૈ સવાંરું .. તેરી માંગ મૈ સજા દું...

[રંગલી અને રંગલાનો પ્રવેશ]

રંગલી:  જય ચકરડી માતા. [બોર્ડ વાંચે] 

ભમ્મરિયા ડોટ કોમ.  વાહ!!! શું નામ રાખ્યુ છે!

(આગળ વાંચે)

ભમ્મરિયા ડોટ કોમ તરફથી અમે નીચે મુજબની સેવાઓ પૂરી પાડીએ છીએ….

- કોઈપણનાં  શરીરમાં પ્રેવેશેલાં ભૂત, ડાકણ કે શાકણને ઊભી પૂંછડીએ ભગાડીએ  છીએ.

- મૂઠ કે ચોટમાંથી કાયમી મુક્તિ અપાવીએ છીએ.

- ઘરમાં થતાં કજિયા કંકાસનો કાયમી ઉકેલ લાવી દઈએ છીએ. અમારો પ્રયાસ ઝગડાનાં મૂળ સુધી પહોંચવાનો હોય છે.

- અમે વ્યસનોનો વળગાડ દૂર કરવા માટેની વિધિ કરીએ છીએ.

- આપનો ધંધો ચાલતો ન હોય કે આપને નોકરી મળતી ન હોય તો અમે એનો ઈલાજ કરીએ છીએ.

- અમે પ્રેમીપંખીડાઓને પ્રેમમાં સરળતા મળે તે માટેની જરૂરી તાંત્રિક વીધી પણ કરીએ છીએ.

- આ અને એવી અનેક સેવાઓ  અમે શ્રી ચકરડી માતાની કૃપાથી અને સમાજની ભલાઈ માટે પૂરી પાડીએ છીએ.

જય શ્રી મા ધમાચકરડી. 

ભમ્મરિયો:  [નજીક આવીને] ભમ્મરિયા ડોટ કોમ તરફથી હું ભમ્મરિયો ભૂવો આપનું  હાર્દિક સ્વાગત કરું છું.  પ્રથમ તો  આ ચકરડી માતાના દર્શન કરો. પ્રસાદ આરોગો અને પછી મારી સમક્ષ પધારો.   

[ભૂવો પોતાના સ્થાને બિરાજે છે. રંગલી ચકરડી માતાના દર્શન કરીને પ્રણામ કરે છે. તે રંગલાને પણ પગે ચકરડી માતાને  લગાડે છે. પ્રસાદરૂપે એક એક કચોરી ખાય છે.પાણી પીએ છે અને ભૂવાની સામે જાય છે.]

રંગલી: ભૂવાજી.  હું ખૂબ દુ:ખી થઈ ગઈ છું.

ભૂવો: એવા તે કેવાં દુ:ખ પડ્યા છે?  

રંગલી:  જુઓને આ મારા રંગલાને  કાંઈક થઈ ગયું છે. પહેલાં તો હસતો ને ખેલતો હતો. હવે તો સાવ બદલાઈ ગયો છે. 

[ભૂવો મોટું ભૂંગળું લઈને એમાંથી નજર કરીને રંગલાને તપાસે છે.] 

ભૂવો: આને તો વળગાડ છે. 

રંગલી: શું કહો છો? વળગાડ ? 

ભૂવો: હા. આને ભૂત વળગ્યું છે.

રંગલી: ભૂતને વળી ભૂત વળગે ખરું?

ભૂવો: આ ભૂત જેવુંતેવું નથી.  આને કાઢવું ભારે પડે! [ રંગલાનું ડાચું પકડીને]  કોણ છે તું?  તને શું જોઈએ છે? 

રંગલો: [ ખૂબ જ ધીમે ધીમે બબડતો હોય તેમ]   કમ્પ્યૂટર ...ઇંટરનેટ…  બ્લોગ.. ફેસબૂક.. ટવીટર .. મને આપો.. મને આપો… [દાંત ભીંસીને મોટેથી ]  મનેઆપો..હુ… .હુ…. … હુ….

[રંગલો , રામ ગોપાલ વર્માના ભૂત  ફિલ્મમાં નાયિકા કરતી હતી તેવું વર્તનકરે.. રંગલી અને ભૂવો એને પકડી રાખે. ભૂવો  બરણીમાંથી પાવડરની એક પડીકી કાઢે પાણીમાં નાંખે રંગલાને પીવડાવી દે. રંગલો શાંત થાય.] 

ભૂવો:  અચ્છા. તો વાત આમ છે! તમારા રંગલાને નેટિયો  ભૂત વળગ્યો છે!  

રંગલી: એવા ભૂત હોય ખરા? 

ભૂવો: આ તમે તમારી સગી આંખે તો જોઈ રહ્યાં છો! વલે આને એકાદ ભૂત નથી વળગ્યું! ભૂતનું આખું ખાનદાન વળગ્યું છે. 

રંગલી: કોને ખબર ક્યા કાળ ચોઘડિયે અમારા ઘરમાં કમ્પ્યૂટર આવ્યું છે! શરૂઆતમાં તો બધું સારું લાગ્યું પણ પછી તો રંગલો જાણે કે આ મલકનો માનવી મટીને  કોઈ બીજા મલકનો માનવી બનતો ચાલ્યો… ન કામકાજમાં ધ્યાન દે ન વહેવારમાં ધ્યાન દે. ન  સગાવહાલામાં ભળે. ન પાડોશીને બોલાવે.  હવે તો મૂવો ક્યારેક ક્યારેક મનેય નથી ઓળખતો. એને તો બસ ભલો પોતે ને ભલું કમ્પ્યૂટર.  છેવટે  મેં તો કમ્પ્યૂટરને  પોટલામાં બાંધીને માળિયે મૂકી દીધું. તો જુઓને એની આ દશા થઈ.

[રંગલો જાણે કે તેની સામે કમ્પ્યૂટર હોય અને પોતે ટાઈપ કરતો હોય તેવું વર્તન કરે.  ઘડીમાં હસે તો ઘડીમાં આંખો કાઢે! વારેવારે હાથની મુઠ્ઠીઓ વાળે અને બબડે.] 

  ભૂવો: શું કહેવું છે તારે?  મોટેથી બોલ. 

રંગલો:  [ઊભો થઈએને... મોટેથી...મુઠ્ઠીવાળીને ..] મારું કહેવાનું એ છે કે, હું મારા બ્લોગ પર જે લખવું હોય તે લખું.એમાં બીજાંને શું લેવાદેવા? મારે મારા બ્લોગ પર જેવાં મંતવ્યો આપવા હોય તેવાં આપું. એ મારા અધિકારની વાત છે.  એ અધિકાર ભોગવતાં  મને કોઈ નહીં રોકી શકે.  [ ધ્રુજે.. ધૂણે... આમથી તેમ ભાગમભાગી કરે]

[રંગલી અને ભૂવો એને પકડી રાખે તો રંગલો વધારે જોર કરે.]

રંગલી: શાંત થા મારા રોયા શાંત થા.  શુંકામે તારી જાતને દુ:ખી કરે છે ને મનેય દુ:ખી કરે છે? 

રંગલો:  હુ….. હુ… નેટ… નેટ…. [એના શ્વાસોશ્વાસ વધી જાય .. હાંફી જાય... થાકી જાય... ઢળી પડે.] 

ભૂવો:  આ તમારો રંગલો ભૂતઅડ્ડા ડોટ કોમ થઈ ગયો છે.  એ અડ્ડો  તોડવો પડશે. 

[ભૂવો રંગલાને હાથે તાવીજ બાંધે. એક બરણીમાંથી  દસ પડીકીઓ કાઢે અને રંગલીને આપે. ] 

ભૂવો: રોજ રાતે બાર વાગે  રંગલાને ઘરના ધાબે લઈ જઈને ચાંદતારાની સાક્ષીએ એક પડીકીનો પાવડર દૂધમાં ભેળવીને પીવડાવી દેવો.

[ભૂવો રંગલાને દૂર લઈ જાય અને કાનમાં  મંત્ર ફૂંકતો હોય તેમ કશુ કહે.  રંગલો હા પાડતો હોય તેમ ડોકું હલાવે.]

 ભૂવો: જુઓ, ભૂત લોઠકું છે. એને કાઢવામાં વાર લાગશે. પણ નીકળશે જરૂર. તમારે વારંવાર આ કાર્યાલયની મુલાકાત લેવી પડશે.

રંગલી: વાંધો નહીં ભૂવાજી. તમારો ચાર્જ બોલો.

ભૂવો: ચાર્જ હું કોઈની પાસેથી લેતો નથી. તમારી ઇચ્છા મુજબ માતાજીને જે ધરવું હોય તે ધરી દો.

રંગલી: કેમ એવું. વાયા વાયા પૈસા લો છો એના કરતાં સીધેસીધા લોને.

 ભૂવો: આ પ્રવૃત્તિ હું પૈસા માટે નથી કરતો. આ તો એક જાતની સેવા છે.

 રંગલો: મેવા ખાતરની સેવા! ભૂવાજી, તમારો આ ખેલ અમને સમજાઈ ગયો છે.

ભૂવો: એટલે? તને કોઈ જાતની બીમારી નથી?

રંગલો: [હસીને] બીમારી કેવી ને વાત કેવી? આ તો તમારા  ગોરખધંધા ના ખેલ  જોવાનું નાટક હતું!

 ભૂવો: ક્યા ગોરખધંધાની વાત કરે છે ભાઈ તું?

રંગલો : આ માતાજી, આ રૂપિયા, આ  તાવીજ, આ ભસ્મ… આ બધું ગોરખધંધા નથી તો શું છે?

રંગલી: ભૂવાજી, ભોળા લોકોને છેરવાનો તમારો આ ખેલ નથી તો બીજું શું છે? આ તો એક પ્રકારનો ગુનો છે. તમારી જેવાને તો જેલભેગા જ કરવા જોઈએ. 

ભૂવો: હું  કોઈને જબરજસ્તી કરતો નથી. લોકો પોતાની મરજીથી આવે છે. મારી પાસેથી સારવાર લે છે અને પોતાની મરજી મુજબ માતાજી સમક્ષ પૈસાધરી જાય છે. આમાં કોઈ કહેતા કોઈ ગુનો બનતો નથી.

રંગલી: ગુનો બને છે  કે નહીં એ તો હમણાં પોલીસ આવશે એટલે ખબર  પડી જશે. રંગલા, ઇન્સપેક્ટર  નરેન્દ્રસિંહને ફોન કર અને બોલાવ અહીયા.

રંગલો: [ગજવામાંથી મોબાઈલ  કાઢીને ફોન લગાડે] હલો…કોણ? ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ ? હું રંગલો  ભમ્મરિયા ડોટ કોમના કાર્યાલય પરથી બોલું છું. …..સાહેબ, આ કોઈ સામાજિક સેવાનું ધામ નથી પણ લોકોને બાટલીમાં ઉતારીને બૂચ મારવાનું ધામ છે… તમે આવો તો બધો ખ્યાલ આવી જશે… આવો છોને?

રંગલી:  શું કહ્યું સાહેબે?

રંગલો: ઇન્સપેક્ટર  નરેન્દ્રસિંહ આવે છે. [ભૂવાને] અબ આયેગા ખેલકા મજા!

[દ્ર્સ્ય-2 પૂરું]

 [અંતિમ દૃશ્ય નંબર -3 માટે આહ જોવા વિનંતી] 

રંગલી ચાલી ભૂવાને આંગણે [દૃશ્ય-1]

[મંચ પર આવીને સૂત્રધાર ખેલ શરૂ થયાની જાહેરાત કરે છે.] 

સૂત્રધાર: આજના ખેલના માનવંતા દર્શકો. આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા દર્શકો,મારું અહીં ઉપસ્થિત હોવું આપ સહુને કદાચ નહીં ગમ્યું હોય. કારણ કે,આપની આંખો રંગલા અને રંગલીને જોવા આતુર છે. આપને એમ હશેકે, હમણાં જ રંગલો અને રંગલી આવશે અને તા થૈયા થૈયા ને તા થૈ કરીને એમના રંગે સહુને રંગી દેશે. પરંતુ ક્ષમા કરજો દર્શકો. આજના ખેલની શરૂઆત રંગલો અને રંગલી તા થૈયા થૈયા ને તા થૈ થી કરી શકે તેમ નથી. વાત એમ છે કે,રંગલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને એના કારણે રંગલી પણ રંગમાં નથી. બંને જણાં મુસીબતથી એવાં તો ઘેરાયેલાં છે કે, કોઈને માનવામાં જ ન આવે કે  ખરેખર આ  એ જ રંગલો અને રંગલી છે કે જેના દર્શન માત્રથી આપણે ખુશ થઈ જતાં હતાં. આજની એમની  એમની હાલત વિષે વધારે તો શું કહું? લો, આ રંગલી અને રંગલો આ તરફ જ આવી રહ્યાં છે.

વહાલા દર્શકો,  થોડી વારમાં જ આપ સહુ જોઈ શકશો કે, રંગલી અને રંગલાના મોઢા પર નૂર નથી રહ્યું! રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે! એના ખભે હાથ મૂકીને રંગલો જાણે કે પરાણે પરાણે પોતાની જાતને ઘસડી રહ્યો  છે! આવું કદી બની શકે ખરું? બીજાને રાજી રાજી કરીને ઉદાસીમાંથી બહાર કાઢનારાં  પોતે જ ઉદાસીના ઘૂનામાં ડૂબકા મારે? જિંદગી છે! એ જેટલા રંગ બતાવે એટલા ઓછા!

ચાલો , હું રજા લઉં.  રંગલી અને રંગલો આવી ગયાં છે. હવે મારે કશું કહેવાનું રહેતું નથી. આપ સહુ જોઈ લો એમની હાલત!      

[ મંચ પર રંગલી અને રંગલો આવી પહોંચે છે. રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે.  રંગલો રંગલીનો ખભો પકડીને ચાલે છે. તે બાઘા જેવો લાગે છે. વારંવાર પોતાનું ડોકું હલાવે છે અને કશું બબડ્યા કરે છે. તેઓ મંચ પર થોડુંક જ ચાલે છે  ત્યાંતો મંચની પાછળથી ગીત શરૂ થાય છે. ] 

[ગીત:]

રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2]

ચાલી ચાલી રે ભૂવાને આંગણે… [2]

રંગલી રંગની વેરનારી … રંગલી જંગની છેડનારી… રંગલી ચાલી રે ભૂવાને આંગણે…. [2] 

ચાલી ચાલી રે ભૂવાને આંગણે….. 

રંગલી  સાચાને તારનારી…રંગલી ખોટાને વારનારી… રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2]

ચાલી ચાલી રે ભૂવાને આંગણે…. 

રંગલી રંગેસંગે ઝૂમનારી..રંગલી ગરબે ગરબે ઘૂમનારી..રંગલી ચાલી રે ભૂવાને આંગણે..[2]

ચાલી ચાલી રે ભૂવાને આંગણે…. 

રંગલી રંગલા કેરી રાણી…શાને કાજે ઝંખવાણી….રંગલી ચાલી રે ભૂવાને આંગણે…[2] 

ચાલી ચાલી રે ભૂવાને આંગણે….. 

રંગલી કિયા તે દુ:ખની મારી..ચાલી નીકળી પરબારી..રંગલી ચાલી રે ભૂવાને આંગણે..[2] 

ચાલી ચાલી રે ભૂવાને આંગણે…

રંગલી ચાલી રે ભૂવાને આંગણે…

રંગલી ચાલી રે ભૂવાને આંગણે…

રંગલી ચાલી રે ભૂવાને આંગણે…

[ રંગલી ચાલી ભૂવાને આંગણે .. દૃશ્ય-1 પૂરું થાય છે] 

************************************* ********************************* 

મિત્રો,  રંગલી ચાલી ભૂવાને આંગણે … એ ખેલનું પહેલું દૃશ્ય આપની સમક્ષ રજૂ થયું.  આપ સહુને ગમ્યું હશે.  આપને  રંગલીના વ્યક્તિત્વનો  પરિચય કરાવતું અને એની વર્તમાન દશાનો ચિતાર આપતું ગીત પણ ગમ્યું હશે. 

હવે  પછી રજૂ થશે દૃશ્ય-2. જે દૃશ્ય દ્વારા ભૂવાનું કાર્યાલય અને ભૂવો રજુ થશે. અને રજૂ થશે રંગલીના દુ:ખનું કારણ! પરંતુ એ માટે રાહ જોવી પડશે.  તો રાહ જુઓ અને  કલ્પના કરો કે, કેવું હશે ભૂવાનું કાર્યાલય? કેવો હશે ભૂવો? શું હશે રંગલીના દુ:ખનું કારણ? ફરી મળીએ … ]  

રંગલી ને રંગલો મંચ પર આવી પહોંચ્યાં ને શરૂ થયું ગીત

મિત્રો, આ પહેલાં અમે જણાવી ગયા છીએ કે:  ખેલ તૈયાર નહોતો અને સૂત્રધારે ખેલ શરૂ કર્યાની જાહેરાત કરી દીધી! અને ખેલ શરૂ પણ થઈ ગયો! ચાલો, એક નજર એ  ઉતાવળે શરૂ થઈ ગયેલા ખેલ  પર નાંખી દઈએ….

સૂત્રધાર: આજના ખેલના માનવંતા દર્શકો.  આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું.  વહાલા દર્શકો, મારું અહીં ઉપસ્થિત હોવું આપ સહુને કદાચ નહીં ગમ્યું હોય. કારણ કે , આપની આંખો રંગલા અને રંગલીને જોવા આતુર છે.  આપને એમ હશે કે, હમં જ રંગલો અને રંગલી આવશે અને તા થૈયા થૈયા ને તા થૈ કરીને એમના રંગે સહુને રંગી દેશે. પરંતુ ક્ષમા કરજો દર્શકો.  અજના ખેલની શરૂઆત  રંગલો અને રંગલી તા થૈયા થૈયા ને તા થૈ થી કરી શકે તેમ નથી.  વાત એમ છે કે,રંગલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને એના કારણે રંગલી પણ રંગમાં નથી.  બંને જણાં મુસીબતથી એવાં તો ઘેરાયેલાં છે કે, કોઈને માનવામાં જ ન આવે કે  ખરેખર આ  એ જ રંગલો અને રંગલી છે જેના દર્શન માત્રથી આપણે ખુશ થઈ જતાં હતાં. પરંતુ આજની એમની  એમની હાલત વિષે વધારે તો શું કહું? લો ,આ રંગલી અને રંગલો આ તરફ જ આવી રહ્યાં છે.

વહાલા દર્શકો,  થોડી વારમાં જ આપ સહુ જોઈ શકશો કે, રંગલી અને રંગલાના મોઢા પર નૂર નથી રહ્યું! રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે! એના ખભે હાથ મૂકીને રંગલો જાણે કે પરાણે પરાણે પોતાની જાતને ઘસડી રહ્યો  છે! આવું કદી બની શકે ખરું? બીજાને રાજી રાજી કરીને ઉદાસીમાંથી બહાર કાઢનારાં  પોતે જ ઉદાસીના ઘૂનામાં ડૂબકા મારે? જિંદગી છે! એ જેટલા રંગ બતાવે એટલા ઓછા!

ચાલો , હું રજા લઉં.  રંગલી અને રંગલો આવી ગયાં છે. હવે મારે કશું કહેવાનું રહેતું નથી. આપ સહુ જોઈ લો એમની હાલત!                                                                                                                                                  ****************************************************************************************************

મિત્રો,  સૂત્રધાર મંચ છોડવાની તૈયારીમાં હતો.  રંગલી અને રંગલો ખૂબ જ ધીમે ધીમે મંચ તરફ આવી રહ્યાં હતાં. આમ તો ચિંતાનો કોઈ સવાલ નહોતો. કારણ કે,રંગલી અને રંગલો ગમે તેવી પરિસ્થિતિને સંભાળી લે તેમ હતાં. પરંતુ અમારા મનમાં એક વિચાર રમવા લાગ્યો હતો કે, આ દૃશ્યને વધારે અસરકારક બનાવવું જોઈએ! અમે ગજવામાંથી એક પેન કાઢી અને નીચે પડેલા એક રફ કાગળ પર ઉતાવળે ઉતાવળે કેટલીક પંક્તિઓ,  જે મનમાં રમતી હતી તે લખી કાઢી. એમ માનોને કે , ગીત જેવું કશું લખી કાઢ્યું…

અમે દર્શકગણમાંથી બીનાબહેન, મીતાબહેન, સ્નેહાબહેન, પીંકીબહેન, હિરલબહેન  અને બીજી એકાદ બે બહેનોને બોલાવીને કહ્યું કે: તમારે જલ્દી જલ્દી મંચની પાછળ જઈને એક ગીત ગાવાનું છે!

“કેવું ગીત? ” એ લોકોને તો  અણધારી આફત આવી પડી હોય તેમ લાગ્યું.

અમે કહ્યું: નાનકડું ગીત છે. લગ્નગીત જેવું છે. તમે લોકોએ .. નાણાવટીરે સાજન બેઠું માંડવે .. એ ગીત તો સાંભળ્યું હશે.

“હોવે. એ ગીત તો મને આખું આવડે છે. ” એક અજાણ્યા બહેન બોલ્યા અને ગાવા લાગ્યા…

નાણાંવટી રે સાજન બેઠું માંડવે                

            લાખોપતિ રે સાજન બેઠું માંડવે

            જેવા ભરી સભાના રાજા

            એવા વરરાજાના દાદા

           નાણાંવટી રે સાજન બેઠું માંડવે     

                     લાખોપતિ રે સાજન બેઠું માંડવે  … 

અમે કહ્યું કે: બહેન, બસ કરો. આ આખું ગીત અહીં અત્યારે ગાવાની જરૂર નથી. આવું જ એક ગીત આ અમે લખ્યું છે તે  ગીત મંચની પાછળ જઈને આવાજ ઢાળમાં ગાવાનું છે.  વળી થોડા કરુણ સ્વરમાં અને સ્લો મોશનમાં ગાવાનું છે. ઉતાવળે લખ્યું છે તો તમારાથી બને તે રીતે ઢાળ બેસાડી દેજો.

“તમે ચિંતા કર્યા વગર ખેલ જૂઓ. લાવો ગીત. આવા તો કઈંક ખેલ અમે ખેલી નાંખ્યા છે.” એવું બોલીને એ બહેને અમારા હાથમાંથી કાગળ ખૂંચવી લીધો. બીજી બહેનોને સાથે લઈને તેઓ  મંચની પાછળ દોડી ગયા.

આ બાજુ મંચ પર રંગલી અને રંગલો આવી પહોંચ્યાં.  રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી હતી. તેના ચહેરા પર નૂર નહોતું. રંગલો રંગલીનો ખભો પકડીને ચાલતો હતો. તે બાઘા જેવો લાગતો હતો, વારંવાર પોતાનું ડોકું હલાવતો  હતો અને કશું બબડ્યા કરતો હતો.

તેઓ મંચ પર થોડુંક જ ચાલ્યાં હશે ત્યાંતો મંચની પાછળથી ગીત શરૂ થયું….

તો મિત્રો, દૃશ્ય કાંઈક આવું છે! .. રંગલી અને રંગલો ખૂબ જ ધીમે ધીમે મંચ પર ડગલાં ભરી રહ્યાં છે.  રંગલી ઉદાસ છે.  રંગલો બાઘો થઈ ગયો છે. .. ને ગીત ગવાય છે!

કેવું ગીત?

રાહ જુઓ.

ખેલ તૈયાર ન હોય ને ખેલની જાહેરાત કરાય ખરી?

મિત્રો,

રંગલી ચાલી ભૂવાને આંગણે .  અમે નવા ખેલની જાહેરાત તો કરી દીધી! પણ અમારી પાસે ખેલના શીર્ષક સિવાય કશું હાજરમાં નહોતું! હવે શું થઈ શકે? ખેલ તો રજૂ કરવો જ પડશે! ચાલો જે કાંઈ થઈ શકે તે કરીએ!

લો કરો વાત! સૂત્રધાર તો  મંચ પર આવી પણ ગયા! હવે? હવે તો એને સાંભળવા સિવાય કોઈ રસ્તો જ નથી. ચાલો, સૂત્રધાર  શું કહે છે તે સાંભળીએ.

સૂત્રધાર: આજના ખેલના માનવંતા દર્શકો.  આપ સહુનું હાર્દિક સ્વાગત કરું છું.  વહાલા દર્શકો, મારું અહીં ઉપસ્થિત હોવું આપ સહુને કદાચ નહીં ગમ્યું હોય. કારણ કે , આપની આંખો રંગલા અને રંગલીને જોવા આતુર છે.  આપને એમ હશે કે, હમં જ રંગલો અને રંગલી આવશે અને તા થૈયા થૈયા ને તા થૈ કરીને એમના રંગે સહુને રંગી દેશે. પરંતુ ક્ષમા કરજો દર્શકો.  અજના ખેલની શરૂઆત  રંગલો અને રંગલી તા થૈયા થૈયા ને તા થૈ થી કરી શકે તેમ નથી.  વાત એમ છે કે,રંગલાની માનસિક સ્થિતિ બરાબર નથી અને એના કારણે રંગલી પણ રંગમાં નથી.  બંને જણાં મુસીબતથી એવાં તો ઘેરાયેલાં છે કે, કોઈને માનવામાં જ ન આવે કે  ખરેખર આ  એ જ રંગલો અને રંગલી છે જેના દર્શન માત્રથી આપણે ખુશ થઈ જતાં હતાં. પરંતુ આજની એમની  એમની હાલત વિષે વધારે તો શું કહું? લો ,આ રંગલી અને રંગલો આ તરફ જ આવી રહ્યાં છે.

વહાલા દર્શકો,  થોડી વારમાં જ આપ સહુ જોઈ શકશો કે, રંગલી અને રંગલાના મોઢા પર નૂર નથી રહ્યું! રંગલી ધીમે ધીમે ડગલાં ભરી રહી છે! એના ખભે હાથ મૂકીને રંગલો જાણે કે પરાણે પરાણે પોતાની જાતને ઘસડી રહ્યો  છે! આવું કદી બની શકે ખરું? બીજાને રાજી રાજી કરીને ઉદાસીમાંથી બહાર કાઢનારાં  પોતે જ ઉદાસીના ઘૂનામાં ડૂબકા મારે? જિંદગી છે! એ જેટલા રંગ બતાવે એટલા ઓછા!

ચાલો , હું રજા લઉં.  રંગલી અને રંગલો આવી ગયાં છે. હવે મારે કશું કહેવાનું રહેતું નથી. આપ સહુ જોઈ લો એમની હાલત!

[સૂત્રધાર વિદાય થાય ને રંગલી અને રંગલો મંચ પર  પ્રવેશ કરે છે]

***********************************************************************************************

વાચક મિત્રો,

જોઈ સૂત્રધારની ઉતાવળ? મંચ પર આવીને દર્શકોને સમજાવી દીધું કે, રંગલી અને રંગલો મુસીબતથી ઘેરાયેલાં છે. ઉદાસ છે. તેઓ ચાલે છે પણ એમની  ચાલમાં ગતિ નથી! નાચવા કૂદવાની તો વાત જ કયાં રહી?

પરંતુ અમારી મુસીબત પણ વધી ગઈને? ખેલ તૈયાર નહોતો ને અમે  ભલે ખેલની જાહેરાત કરી દીધી! પણ સૂત્રધારે  ઉતાવળ કરવાની જરૂર નહોતી. એણે તો  મંચ પર આવીને રંગલી અને રંગલાને રજૂ પણ કરી દીધાં. પોતે તો મંચ પરથી વિદાય થઈ ગયા ને હવે અમે મુસીબતમાં મુકાયા છીએ કે , રંગલી અને રંગલો  કઈ રીતે રજૂ  થશે?

સમય ઘણો ઓછો છે.  તુમ ભી  સોચો.. હમ ભી સોચે!

[બાકીનો ખેલ હવે પછી આગળ ચાલશે]

રંગલો ચિંતનના માર્ગે

[રંગલો આંખો મીંચીને ધ્યાનની મુદ્રામાં બેઠો છે. રંગલીનો પ્રવેશ.]

રગલી- [નાચીને]

સત્તર કામ પડતાં મૂકી હું તો આવી અહીં

મોટે ઉપાડે  આવી ગઈ પણ રંગલો આવ્યો નહીં

રંગલો આવ્યો નહીં રંગલો આવ્યો નહીં હજી મારો રંગલો આવ્યો નહીં

તા થૈયા થૈયા ને તા થૈ .

[રંગલા સામે ધાન જતાં... ] લે કર વાત. હું રંગલાના નામની માળા જપું છું ને રોયો આયાં બેઠો છે.  અરે ઓ રંગલા. કેમ સોગિયું મોંઢું કરીને બેઠો  છે?શું થયું?

[જવાબ ન મળતાં]   એલા બોલ તો ખરો.

રંગલો- [ઊભો થઈને] માંડ  ચિંતન કરવાનો મોકો મળ્યોતો! તેં આવીને ભંગ પાડ્યો.

[રંગલી ખડખડાટ  હસે]

રંગલો– એમાં આવું  હાસ્યના ફુવારા ઊડાડવાની જરૂર ખરી?

રંગલી— તું અને વળી ચિંતન?

રંગલો— કેમ વળી? અમને  ચિંતન કરવાનું મન ન થાય?

રંગલી— થવું તો ન જોઈએ.

રંગલો— [પોતાનાં પેટ તરફ આંગળી ચીંધીને] રંગલી….  મારા આત્મામાંથી ઊંડે ઊંડેથી અવાજ આવી રહ્યો છે કે- રંગલા તું ચિંતનના માર્ગે આગળ વધ.

રંગલી— પણ આ તો તારું પેટ છે.  આત્મા ત્યાં હોય?

રંગલો— તું વાતને આડે પાટે ન ચડાવીશ.  મને ચિંતનના માર્ગેથી પાછો ન વાળીશ. હું તને હાથ જોડું છું.

રંગલી— સારું. તારે  ચિંતનના માર્ગે જેટલા કિલોમીટર આગળ જવું હોય એટલો જજે. પણ એક વાતનો જવાબ દે કે આજે બપોરે તું શું જમ્યો છે?

રંગલો— બપોરે તો બધું બહુ જમ્યો છું. તેં જ તો જમાડ્યો છે.

રંગલી— તોય તારે મોંઢે જ બોલ. આ બ્લોગમિત્રોને પણ ખબર પડેને.

રંગલો— લિસ્ટ તો ઘણું લાંબુ છે. પણ યાદ આવે એટલી વાનગીના નામ બોલું છું.

રંગલી— ઇર્શાદ!

રંગલો—એક તો જાણે પૂરણપોળી.

રંગલી— કેટલી ખાધી? માપ પણ બોલવાનું છે.

રંગલો— ગણી તો નહોતી પણ  દસબાર  જેટલી તો ખાધી હશે.

રંગલી— આગળ બોલ.

રંગલો— દૂધપાક. માત્ર સાતેક વાટકા.

રંગલી— એ સિવાય? જલ્દી બોલને.

રંગલો— [ફટાફટ ] એ સિવાય શાક, ભજીયાં, અથાણું , કચુંબર, પાપડ વગેરે વગેરે વગેરે.  માપ યાદ નથી પણ ખવાય તેટલું ખાધું છે.

રંગલી— મતલબ કે  આજની આ ક્ષણ સુધી તારું  આ પેટ ભરેલું છે!

રંગલો— છે જ ને.

રંગલી— રંગલા. તારું પેટ ભરેલું છે એટલે જ તને ચિંતન સૂઝે છે.  જો પેટ ખાલી હોત ને તો ચિંતા સૂઝી હોત! તેં કોઈ દિવસ મજૂર કે કડિયાને ચિંતન કરતાં જોયો?

રંગલો— એવું તો  ક્યારેય જોવામાં નથી આવ્યું.

રંગલી— તો વાત એમ છે રંગલા. જેના પેટ ભરેલાં છે તે ચિંતન કરે છે ને જેના પેટ ખાલી છે તે ચિંતા કરે છે.

રંગલો— એ જે હોય તે. હું હવે ચિંતન કરવાનો કરવાનો ને કરવાનો.  તું નહીં કરવા દે તો હિમાલયની ગુફામાં જઈને પણ કરવાનો.

રંગલી— હિમાલય? હિમાલય જવું સહેલું છે? એટલા રૂપિયા છે તારી પાસે?

રંગલો— ચાલતો જઈશ.

રંગલી— હવે રહેવા દે ચાલવાવાળી! કોઈ ટ્રકવાળો ટક્કર મારીને જતો રહેશે તો હિમાલયના બદલે દવાખાના ભેગો થઈશ.

રંગલો— હિમાલય આઘો પડશે તો  ક્યાંક  નજીકમાં જઈશ. ગિરનાર છે જ ને? એમાં એકાદ ગુફામાં મેળ પાડી દઈશ.

રંગલી— નહીં મેળ પડે! રંગલા. કોઈ કહેતા કોઈ ગુફા ખાલી નહીં હોય! એકે એક ગુફા કોઈને કોઈ બાવાજીએ રોકી પાડી હશે.  તપાસ કરાવવી હોય તો અશોકભાઈ પાસે કરાવી લેજે!

રંગલો— અરે ગિરનારમાં મેળ નહીં પડે તો જંગલમાં  એકાદ આશ્રમ બનાવીને  ચિંતન કરીશ.  હવે તારે  કાંઈ કહેવું છે?

રંગલી— જંગલખાતું આડું આવશે! જંગલમાં રહેવાની મનાઈ છે.

રંગલો— તો ય ઘૂસ મારી દઈશ.

રંગલી— ઘૂસણખોરી થવાની હતી એટલી થઈ ગઈ છે.  હવે જગ્યા મળે એવા ચાન્સ ઓછા છે.  વળી આશ્રમ બનાવવાની લાઈનમાં પણ જબરી હરિફાઈ છે. તારા જેવાનું એમાં કામ નથી.

રંગલો— તો  કોઈ નદીના  કિનારે બેસી જઈશ.

રંગલી— નદી કિનારો પણ ખાલી હોવો જોઈએને?

રંગલો— [ગુસ્સે થઈને] મારી મા હવે બાંધ કર. હું ગટરના કિનારે બેસી જઈશ. પણ ચિંતન કરીશ કરીશ ને કરીશ.

રંગલી— રંગલા તું સમજતો કેમ નથી? ક્યાંય કહેતા ક્યાંય જમીન બાકી નથી રહી! ગટરના કિનારે પણ મકાનો,દુકાનો, કોલેજો, કૅબિનો, મંદિરો  બનતાં જ જાય છે!

રંગલો— તો શું જગ્યાના અભાવે મારે ચિંતનના માર્ગેથી પાછું ફરવું?

રંગલી— પણ ચિંતન કરવાની જરૂર કેમ પડી?

રંગલો— ચિંતન કરીને મારે શોધી કાઢવું છે કે , આ જગતમાં ભગવાન છે કે નહીં?

રંગલી— લે કર વાત!   આ સવાલ આજસુધી તારા દિમાગમાં ન આવ્યો ને હવે?

રંગલો— હા હવે. હું આ સવાલનો જવાબ શોધીને જ જંપીશ. ભલે ગમે તેટલા જથ્થામાં ચિંતન કરવું પડે.

રગલી— તારે જેટલું ચિંતન કરવું હોય તેટલું કરજે.  પણ પહેલાં મારા બે સવાલોના જવાબ દે.

રંગલો— પૂછ. દિમાગ ફેરવવું હોય તેટલું ફેરવી લે. પછી આ રંગલો તારાથી દૂર દૂર દૂર દૂર જાતો રહેશે.

રંગલી— રંગલા. ધારી લે કે  ભગવાન છે.

રંગલો— ક્યાં છે ભગવાન? એની શોધમાં તો મારે  જવું છે.

રંગલી— ધારવાની  વાત છે.  તારા માનવા મુજબ ભગવાન છે એમ તારે ધારવાનું છે.

રંગલો— ધારી લીધું.

રંગલી– હવે ધારી લે કે તું આ રસ્તે આગળ જઈ રહ્યો છે ને કોઈ માણસ રસ્તો ઓળંગવા માટે તારી સહાય માંગે છે. તો તું શું કરીશ? યાદ રાખજે. તું જે કરીશ તેની નોંધ ચિત્રગુપ્તના ચોપડે થશે. ભગવાન તારા સારાંનરસાં કામોની નોંધ લેશે.

રંગલો— હું તો આવે વખતે જે કરું છું એ જ કરીશ. એવા અસહાયને સહાય કરીશ.

રંગલી— વાહ! હવે ધાર કે ભગવાન નથી.  બિલકુલ નથી. પાકે પાયે નથી એવું સાબિત થઈ ગયું છે.  તું  રસ્તે જાય છે ને કોઈ રસ્તો ઓઅળંગવા માટે તારી મદદ માંગે  છે. યાદ રાખજે કે , ભગવાન નથી. સારાનરસા કામોની નોંધ લેનાર કોઈ કહેતાં નથી.  તું સારું કામ કરીશ તો તેનું સારું ફળ મળવાની કોઈ ખતરી નથી. તો તું શું કરીશ? પેલા અસહાયને રસ્તો પાર કરાવીશ? વિચાર કરીને જવાબ દેજે.

રંગલો— એમાં વિચાર વળી શાનો કરવાનો? એને રસ્તો પાર કરાવવાનો જ હોય ને?

રંગલી— ભગવાન ન હોય તો પણ? તારા સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો પણ?

રંગલો– તો એમાં શું થઈ ગયું?  સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો સારા કામ નહી કરવાનાં? આપણે આપણી માણસાઈ ભૂલી જવાની? રંગલી, ભગવાન હોય કે ન હોય! માણસાઈ તો મારાથી ન છૂટે!

રંગલી—- [ખુશ થઈને] વાહ મારા રંગલા વાહ! મને પાકે પાયે ખાતરી  જ કે તારો આ જ જવાબ હશે. રંગલા. મારી વાત માન તો તારે ચિંતનના માર્ગે જવાની જરૂર નથી.

રંગલો— એટલે શું હું મારો કાર્યક્રમ કેન્સલ કરી નાંખું?

રંગલી— સવાલ જ નથી રંગલા.   તને જો માણસાઈમાં ભરોસો હોય તો તારે ભગવાન છે કે નહીં એ પીંજણમાં પડવાની જરૂર નથી! ચિંતન કરનારા ભલે કર્યા કરે! આપણે આપણું કામ કરતાં રહીએ!

રંગલો— એટલે? મારે ચિંતન કરવાની જરૂર નથી?

રંગલી– ના. બિલકુલ નહીં. ચાલ એ વિચાર જ મનમાંથી કાઢી નાંખ. આપણું કામ છે ખેલ કરવાનું. ખેલ એ જ આપણું ચિંતન.

રંગલો—- એમ હોય તો લે આ રંગલો આવ્યો પડમાં!

[નાચીને]

માણસાઈ હોય હૈયામાં  તો  ચિંતા કરવી નહીં

ભગવાન છે કે નહીંનું પીંજણ કરવું નહીં

કારણ વગર ભેજાનું કરવું નહીં દહીં

[બંને  સાથે] તા થૈયા થૈયા ને તા થૈ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

[રંગલો ઠંડીથી ધ્રૂજે છે. ]

રંગલો— હુઉઉઉઉઉઉઉ ….. ટાઢ્ય છે કાંઈ! ભૂક્કા કાઢી નાખે એવી.

રંગલી— હવે રહેવા દે… રહેવા દે. આ તે કાંઈ ટાઢ્ય છે.  ટાઢ્ય પડતીતી ઈ દિવસો ગયા.

રંગલો— એ તો મનેય ખબર છે.

રંગલી— તો પછી આ હુઉઉઉઉ શાંને?

રંગલો— એ તો જરા યાદ કરતોતો કે પહેલાના જમાનામાં કેવી ટાઢ્ય પડતીતી! કેવી દાઢી ડગમગતીતી!

રંગલી— રંગલા, હવે  તો આપણા મલકમાં એવો શિયાળો આવતો નથી.  ને આવે તો લાંબો સમય ટકતો નથી.

રંગલો— હવે તો શિયાળાના ચાર ચાર મહિના નથી આવતા…. આવે છે બેચાર દહાડા!

રંગલી —-સાચી વાત છે રંગલા.  હવે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવા શિયાળાને જ વધાવવો જ રહ્યો!

રંગલો— તો વાર કેવી?

રંગલી— પણ સાંભળ. શિયાળાને વધાવવાનો છે પાંચકડાંથી.

રંગલો— પાંચકડાં? તો તો મને મજા આવશે! પણ બ્લોગમિત્રોને પાંચકડાં બાબત જાણ હશે?

રંગલી — આપણે વાર્તા બાબત પાંચકડાં રજૂ કર્યાં હતાંને?

રંગલો— હા, હા! યાદ આવ્યું. છતાંય  કહી દઉં કે પાંચકડાં એ લોકગીતનો એક પ્રકાર છે.

રંગલી— એક જમાનામાં લોકો હોંશે હોંશે પાંચકડાં ગાતાં. એમાં ભારોભાર વ્યંગ, કટાક્ષ અને ચાબખા રજૂ થતા. આજે આપણે આજના જમાનાને અનુરૂપ પાંચકડાં ગાવાનાં છે. એ પણ શિયાળાને લગતાંજ!

રંગલો— તો રંગલી થઈ જા તૈયાર! એક પાંચકડું તારું અને સામે એક મારું! વારાફરતી વારો ને મે પછી ગારો! પણ હા… પાંચકડાં નાચતાં નાચતાં ગાવાનાં છે. ને એ પણ માસ્ટર ભગવાન કે અમિતાભ બચ્ચનની સ્ટાઈલથી!

રંગલી— તું કહે એમ! રંગલા…. ભલે થઈ જાય  શિયાળાના માનમાં આજના જમાનાનાં પાંચ પાંચકડાં!

[રંગલો અને રંગલી નાચતાં જાય છે અને ગાતાં જાય છે.]

* એ.. શિયાળાની સવાર… ને જેમ જેમ પડતી જાય

માણસ બિચારો એમ એમ, ગાદલામાં ઘરતો જાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે  તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ.. લાંબી રાત શિયાળાની, પણ વીતતાં ન લાગે વાર

સૂતાંની વારમાં જ જાણે… પડી જાય સવાર.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ.. સો કિલોની કાયા લઈને … ઓલ્યો પપ્પુ દોડવા જાય

પાછા  ફરતી વખતે, લારીનાં ફાફડાજલેબી ખાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… કૂતરું લઈને વાઈફ જેની,મોર્નિંગવૉકમાં જાય

એ હસબન્ડ બિચારો ચા વગર, બગાસે બગાસાં ખાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

*એ… કૂતરું દોડાવે એમએમ, શેઠાણી દોડતી જાય

મોટા તો મૂછમાં હસે, પણ બાળક બહુ હરખાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… વજન ઉતારવાની લાયમાં.. ઓલી લલ્લી દોડવા જાય

વજન તો ઉતર્યું નહીં, એનો હાથ ઉતરી જાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

*એ… પાપડતોડ પહેલવાનો ઘણા, કાયા સુધારવા જાય

કાયા તો સુધરે નહીં.. એમને શરદી લાગી જાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ…વહેલી સવારે કરસનકાકા મોર્નિન્ગવૉકમાં જાય

કૂતરાં પાછળ એવાં  પડે કે કાકા   ગટરભેગા થાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ.. ટાઢ્યનો માર્યો ઓલ્યો હસબન્ડ.. રજાઈ ખેંચવા જાય

રજાઈ રહી જાય આઘી ને ઓલી વાઈફ ખેંચાઈ જાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે ખાઈપીને તજાંમાજાં થાવી.

* એ.. ડબ્બો ભર્યો અડદિયાનો .. હસબન્ડ ખોલવા જાય

ખોલે પણ ખૂલે નહીં … ઓલી વાઈફ  જોઈ જાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… વાઈફ  કહે હસબન્ડને … બળથી ખૂલે કેમ?

ખોલો એને કળથી … ખોલો છો અમને જેમ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… લગન લેવાણાં જ્યાં જ્યાં … ત્યાં ત્યાં ઢબુકિયા ઢોલ

વાંઢા દોડ્યા મંદિરે… પ્રભુ અમારી કિસ્મત તો ખોલ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… સાસુએ ઠપકો દીધો…વહુ, તમે મોડાં ઊઠો  કેમ?

ઊઠતાં જાવ વહેલાં વહેલાં, અમે ઊઠીએ જેમ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ…સાસુમાના ઠપકાનો, ભોળીએ જવાબ દીધો એમ

બા, પથારી તો છોડી દઉં… પણ પરણ્યો છોડું કેમ?

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… લગન લેવાણાં પિયરમાં ને વાઈફ કહે  હું જાઉં

હસબન્ડ કહે તારાં વગર.. હું ટાઢોટબૂકલો થાઉં.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે  તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… શાકભાજી મોંઘાં થયાં … ઊંધિયું ખાવું કેમ?

ચમચી ચમચી ચાખી લેવું, પંચામૃતની જેમ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… મોટે ઉપાડે ટોપી લીધી પણ ટાઢ્ય પડી નઈં

રહેતાં રહેતાં ટાઢ્ય પડી તો ટોપી ખોવાઈ ગઈ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… તાપણે બેઠા ટપુભાઈ … બીડી સળગાવવા જાય

બીડી તો સળગતા સળગે એમનો હાથ સળગી જાય

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… કસરત કરવાને કાજ, ધનજી ધાબે જાય

પગથિયું ચૂકી જતાં … ભોંય ભેગો થાય.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ…. ડોસો કહે ડોસીને … એક વાત કાનમાં કઉં

વરસો પહેલાના શિયાળા… મને સાંભરે બઉં

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

* એ… ડોસી કહે ડોસાને, હવે લ્યો પ્રભુનું નામ

વખત કર્યે જાય છે … વખત વખતનું કામ.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

*  એ .. રંગલો  અને રંગલી … હવે લેશે  તમારી રજા.

બ્લોગજનો તમે  શિયાળાની … લેજો પૂરી મજા.

શિયાળા તારાં પાંચ પાંચકડાં ગાવી

અમે તારે સહારે તાજાંમાજાં થાવી.

[આ પહેલાંનાં પાંચકડાં આ રહ્યાં ...

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી ]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય

મિત્રો. આજે અમે એક ખેલ રજૂ કરી રહ્યા છીએ. . વાસ્તવ જગત સાથે એને કોઈ સંબધ નથી. આપ સૌ  પણ એને એક મનોરંજન માનીને  માણશો અને આનંદ પામશો એવો અમારો આગ્રહ છે. તો માણો આજનો ખેલ…

જોડણી જોડું તો છૂટી છૂટી જાય….

[પરદો ખૂલે છે]

[રંગલી કશું લખતાં લખતાં ગીત ગાય છે]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

ના નારે રહેવાય ના નારે સહેવાય ના કોઈને કહેવાય હાય હાય

જોડણી જોડું તો છૂટી છૂટી જાય.

[રંગલો] એ શુ કો છો ગોરી?  કાઈ  બહુ હેરાન થઈ ગ્યા છોને?  પણ ઈ તો ક્યો કે તમે કીયા તે ગામના ગોરી? ને કઈ જોડણીને જોડવાવાળા?

[રંગલી ઊભી થઈને ગરબો  ગાય]

અમે ગાંધી તે નગરનાં  ગોરી રાજ અચકો મચકો કારેલી

અમે સાર્થમાં જોડણી કરીએ રાજ અચકો મચકો કારેલી

અમે સઘળું કરીએ જોડણીને કાજ અચકો મચકો કારેલી

અમે જાળવી જાળવીને  રાખીએ લાજ અચકો મચકો કારેલી …

[રંગલો] એ લાજ  શરમને મૂકો તડકે ને તમ તમારે હાલ્યા આવો.. ગોરી.. .જેવી આવડે એવી જોડણી લઈને હાલ્યા આવો…તમને કોઈ કહેતા કોઈ રોકશે કે ટોકશે નઈ.. હવે તો.. [ગીત ગાય...]

જોડણી છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

ઓલી હૃસ્વઇ રિસાય ઓલ્યુ દીર્ઘઉ  ગભરાય

ઓલ્યુ અનુસ્વાર ગોથે ગોથા ખાય

જોડણી છુટે તો ભલે છુટી  જાય … જોડણી છુટે તો ભલે છુટી જાય.

[રંગલી ગાય]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

ના નારે રહેવાય ના નારે સહેવાય ના કોઈને કહેવાય હાય હાય

જોડણી જોડું તો છૂટી છૂટી જાય.

[સંગીત... તડાકા ને ભડાકા]

[રંગલી ગાય]

ઓ…રે. ઓ… રે આ તો રોજની થઈ તકરા…ર  હાય હાય હાય હાય વારંવાર વારંવાર

[રંગલો ગાય]

ઓ…રે ઓ…રે. ઓલ્યા ઉંઝાના વાયરા વા..ય વાય વાય વાય આકરા  વાય

[રંગલી ગાય]

ના નારે સહેવાય  એવી લાગેરે લ્હાય

ના નારે સહેવાય  એવી લાગેરે લ્હાય

મારાં લમણામાં  કાંઈ કાંઈ થાય …

જોડણી જોડું તો છૂટી છૂટી  જાય … જોડણી જોડું તો છૂટી છૂટી  જાય

[રગલો ગાય]

જોડણી છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

જેવુ જેવુ બોલાય એવુ એવુ લખાય

જેવુ જેવુ લખાય એવુ એવુ છપાય

એ… બધુય સહેલુ સહેલુ થઈ જાય

જોડણી  છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય

[રંગલી] જોડણી જોડું તો છૂટી છૂટી જાય…જોડણી જોડું તો છૂટી છૂટી જાય

[રંગલો] જોડણી  છુટે તો ભલે છુટી જાય જોડણી છુટે તો ભલે છુટી જાય…….જાય…જાય… જાય…. જાય….

[ગીત પૂરું થાય]

[રગલી ગુસ્સામાં] મારા રોયા! તું મને પટાવવા આવ્યો છો?

[રંગલો] લો કરો વાત! આ પટાવવાની વાત લાગે છે? આ તો તમે હેરાન થતા હતા તે મને થયુ કે લાવ મદદ કરુ. પણ આ તો ધરમ કરતા ધાડ પડી!

[રંગલી] હવે જા જા ધરમની પૂંછડી.

[રંગલો] નહી જાઉ તો તમે શુ કરી લેવાના છો?

[રંગલી] એ આ દીર્ઘ ઊ છૂટું મારીશને તો તારા લમણે મોટું અનુસ્વાર થઈ જાશે. સમજ્યો?

[રંગલી] તે અમેય કાંઈ બધા હથીયાર વેચી નથી ખાધા. અમારી પાસેય દીર્ઘ ઈ છે. અને નાનુ નાનુ તોય દાતરડા જેવુ હૃસ્વ ઉ છે. આ તો ઠીક છે ભાર ન લાગે એટલે અમુકને હારે નથી ફેરવતા.

[રંગલી] તારે લડવું છે તો હાલ્યો આવ્ય.

[રંગલો] હાલી આવ્ય. તું ય મારો ઝપાટો જોઈ લે!

[બંને સામસામાં સ્વરોના ઘા કરે]

[સૂત્રધાર હાંફળો ફાંફળો પ્રવેશ કરે. બંનેને છૂટાં પાડતાં]

[સૂત્રધાર] બસ કરો. બસ કરો. આ ખેલ બંધ કરો. એ ભાઈ રંગલા. એ રંગલીબોન. તમને મારા સમ છે જો આ ખેલ બંધ ન કરો તો! અરે જોડણીનો ખેલ કરવો હતો તો મને પૂછવું તો હતું! આવો જોખમી ખેલ કરાય? અહીં હમણાં શબ્દોના છરા ઉછળશે તો? તર્કની તલવારો ખેંચાતાં વાર નહીં લાગે! આ મહેનત કરીને સજાવેલો ઓટલો હતો ન હતો થઈ જશે. એનો તો વિચાર કરો. જાઓ. પરદા પાછળ જતાં રહો.

[પ્રેક્ષકોને હાથ જોડીને] માફ કરજો. આ ખેલ અહીં પૂરો થાય છે. પણ તમે જે કાંઈ જોયું કે સાંભળ્યું  હોય એ ભૂલી જજો. બીજો ખેલ થાય ત્યારે જરૂરથી પધારજો. પણ અત્યારે સાજાસમાં ઘરભેગાં થાવ. એ આવજો. જલસા કરજો.

[ધીમું ધીમું સંગીત વાગે છે.  સૂત્રધાર સ્ટેજ પરથી અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે સ્વરો એકઠાં કરે છે.  ને પરદો પડે છે.]

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી

[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતાં અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ.  આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]

રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો નહીં પા…ર

પણ  મારી વહાલી વહાલી વહાલી … રંગલીને આવતા  લાગી વાર.

હે… ભોજન વગર જોર..  જેમ અંગમાં આવે નઈં

એમ રંગલી વગર આ રંગલો…  રંગમાં આવે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

[રંગલીનો પ્રવેશ]

રંગલી— હે… શ્રાવણ સરીખો મહિનો ને રંગલાને ચડે જો..ર.

રખડવા નીકળી પડે.. જાણે હરાયું ઢોર.

હે.. રખડી રખડીને થાકે  પણ વારતા  મળે નઈં

કેમેય કરીને આ રંગલાની જાતરા  ફળે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો— [ગળગળો થઈને]રંગલી. તું જ આવું બોલે તો પછી આ બ્લોગજગતમાં રહ્યું શું? નથી ગઝલ  લખાતી… નથી ગીત લખાતાં… લેખમાં ઘોબો પડ્યો…લઘુકથામાં લોચો પડ્યો. મારે લખવું શું? મને થયું કે વારતા લખવી સહેલી છે. નગરમાં ફરીએ… આંખકાન ઉઘાડા રાખીએ ને વારતા  ગોતીએ. ક્યાંય નજરે ચડે તો પકડીને પૂરી દઈએ બ્લોગની પોસ્ટમાં. ને પછી તો કૉમેન્ટ  ઉપર કૉમેન્ટ! … વાહ વારતા  વાહ! વાહ રંગલાભાઈની વારતા! યુ આર એ ગ્રેટ રાઈટર! … રંગલાભાઈ આવી જ વારતાઓ  લખતા રહો… લખતા રહો…. લખતા રહો…

રંગલી— એ એ રંગલા. ધોળે દહાડે સપનાં જોવાનું છોડ અને વાસ્તવિકતાનો સ્વીકાર કર કે વારતા  રચવી સહેલી નથી.

રંગલો— એમાં શું ધાડ મારવાની? આ લખાય જ છેને ઢગલાબંધ વારતાઓ! જે કાંઈ વારતાલાયક બનાવ નજરે પડ્યો એ ઉપાડી લેવાનો… એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો… એમાં હાસ્ય,વ્યંગ,કરુણા,વીરતા વગેરેના રસ ઉમેરવાના… સંવાદો વડે વલોવવાનો..આથો આવ્યા ભેગો  પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા  તૈયાર! બોલો  લોકપ્રિય વાર્તાકાર રંગલાભાઈની  જે…

રંગલી— જો એવું જ હોય તો તમારી વારતા  વાંચે કોણ? છાપાં જ ન વાંચે? છાપાંવાળાં પણ  હવેતો કોઈપણ ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને?ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!

રંગલો— તો  વારતા   કઈ રીતે પીરસાય એ કહેને?

રંગલી— ભલભાલા વાર્તાકાર નમ્રતાથી એમજ કહેતા હોય છે કે “અમે સારી વારતા  રચવાના  પ્રયાસો કરતાં રહીએ છીએ” તો વારતા  બાબત કહેવાનું મારું ગજું કેટલું?

રંગલો— સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા  બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. બોલ રંગલી બોલ. વારતા  કેવી હોય અને કેવી ન હોય એ બાબત બોલ.

રંગલી— બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.

રંગલો—- [કૂદકો મારીને] પાંચકંડાં???? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ  કર.. ઝટ કર… મારાથી નથી રહેવાતું!.. હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી … પરભુજીના ટાંટિયે વળગી જાવી…

રંગલી— તો થઈ જાય આજે અસરના ઓટલેથી વારતા  બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત…

[રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]

રંગલી— હે ક્યાં ગઈ વારતા…  ને ક્યાં ગયા ભાભા?

રૂડી રૂપાળી વારતાને … આ કોણ પહેરાવે  ગાભા!

રંગલો—માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે વારતાનાં  લખનારાં… મળે છે અને…ક

વારતાના ઘડનારાં… સોએ મળે એક .

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે હૈયામાં ન હોય હે…ત  તો વારતા મળે નઈં

ભટકી ભટકીને થાકી જા..વ પણ જાત્રા ફળે નઈં.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે …પ્રેમ કર્યો થાતો  નથી … થઈ જાય છે જે..મ

વગર ગોત્યે  વારતા … મળી જાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… શ્વાસ પછી શ્વા…સ  લેવાય છે જે… મ

વારતામાં વા…ત  કહેવાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ઘટનાઓ ગોઠવી દીધે … વારતા જામે નઈં

તરસ્યા રહી જાય  ભાવકો… વારતા પામે નઈં

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે નાજુક નમણી વારતા..  એને હોવો ઘટે શણગા…ર.

જો રાખ્યો નો હોય વિવે..ક  તો એનોય લાગે ભા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…  શણગારના ભારથી… વારતા વાંકી  વળી જા…ય.

પોતાનાં જ જુલમ કરે… તો કોને  કહેવા જા..ય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાંબી લાંબી વારતા…ને અંતનું નઈં ના..મ

માંડ  માંડ  અરધે પોગ્યા… સાંભર્યા શ્રી રા..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાગણીના લપેડા… ને રજૂઆતમાં નઈં ધડો..

વારતાનાં  ખોળિયાંમાં…  ક્યાંથી પેઠો સડો.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… રૂડાં ને રૂપાળાં… હોય પાત્રોનાં ના…મ.

ચાંપલું ચાંપલું બોલવું… એ જ  એનું  કા…મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…સોનાની થાળીમાં….. જેમ લોઢાની મે…ખ

જરૂર વગરની કોઈ વાતનો …એમ  વારતામાં ઉલ્લેખ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…ટૂંકી હોય કે લાંબી હો…ય  વારતા મજાની હો..ય

દોટ વાર્તાકારની … પોતાનાં ગજાની હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..  વહેતી નદી જેવા …વારતામાં વળાંક  હો..ય

રંગના કુંડા નઈં…  છાંટા જરાક હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..વાચકો પર છોડવી પડે… સમજવા જેવી વા…ત

ચતુર હશે તે પારખી જશે… શબ્દો કેરી ભા…ત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… મૂકે પણ વાગે નઈં…. વારતાને અંતે ચો…ટ

વાર્તાકાર  છેવટે … ખાય છે મોટી ખો..ટ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય  કો…ડ

એણે પાડવો પડે … જાતસંગાથે  તો…ડ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી

હે…આલિયો લખેને .. માલિયો વખાણે…

મલક શું કહે છે.. એ ઉપરવાળો જાણે.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ચા કરતા કીટલી…  ગરમ હમેશા  હો..ય

લેખક કરતા વાચક… નરમ ક્યાંથી હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. સમજાવી શકાય નઈં …વારતા ઘડવાની   રી..ત

શીખનારા શીખી જશે…જેને  હશે  વારતાથી પ્રીત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… વારતા પણ છે મજાનો.. સાહિત્યનો પ્રકા..ર

બ્લોગજનો તમે આપજો… એને અઢળક પ્યા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. રંગલો રંગલી વિનવે …રાખજો એટલું  યા..દ

વારતા વાંચ્યા પછી … વળતો દેજો સા..દ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

[પાંચકડાં બાબત વિશેષ માહિતી : http://www.readgujarati.com/sahitya/?p=3834 ]