ભાઈબંધી

ભાઈબંધી                           

ચંદુ અને મોહન બંને રતનપુર નામે એક નાનકડા ગામમાં રહે. ચંદુ વેપારીનો દીકરો અને મોહન ખેડૂતનો દીકરો. બંને પાકા ભાઈબંધ. આખો દિવસ સાથે ને સાથે રહે. નિશાળે જાય તો પણ સાથે. નિશાળેથી છૂટીને રમવા જાય તો પણ સાથે. નદીએ નહાવા જાય તો પણ સાથે. વગડામાં ફરવા જાય તો પણ સાથે. લેસન કરવા બેસે તો પણ સાથે. બંને એકબીજા પાસેથી ઘણું  ઘણુંશીખે. ચંદુ અને મોહનની જુગલ જોડી આખા ગામમાં વખણાય.

બંને પાંચમાં ધોરણમાં ભણતા હતા ત્યારની વાત છે.

મોહનના બાપુના નાના ભાઈ એટલે કે મોહનના કાકા, સુરત શહેરમાં રહેતા હતા. એ એક દિવસ મોહનની ઘેર આવ્યા. રાત્રે જમ્યા પછી મોહનનાં બા-બાપુ અને કાકા સુખદુઃખની વાતોએ ચડ્યાં. મોહન એ બધી વાતો બેઠો બેઠો સાંભળતો હતો. વાતવાતમાં મોહનના બાપુએ કહ્યું કે, ‘ભાઈ, આ વરસે વરસાદ નહિ થવાથી અમારા ખેતરમાં પાક જરાય થયો નથી. એટલે ઘરમાં આવક પણ જરાય થઈ નથી. ઉપરથી અમારા પર દેવું પણ ખૂબ થઈ ગયું છે. અમને તો મૂંઝવણ થાય છે કે હવે શું કરવું? આવું ને આવું ચાલશે તો પછી અમારે જીવવું ભારે પડશે.’

મોટાભાઈના દુઃખની વાત સાંભળીને નાના ભાઈએ સલાહ આપી કે, ‘તમે મોહનને ભણતો ઉઠાડી મૂકો ને એને મારી સાથે શહેરમાં મોકલો. હું એને કોઈ જગ્યાએ કામે લગાડી દઈશ. તમારી આવક ચાલુ થઈ જશે તો આ બધી ચિંતા ટળી જશે.’

મોહનના બા-બાપુને આ સલાહ જરાય ન ગમી. એમણે કહ્યું કે, ‘ગમે તે થાય પણ મોહનનું ભણતર તો છોડાવવું જ નથી. અમે નથી ભણ્યાં પણ અમારા દીકરાને તો અમારે ભણાવવો જ છે. ભણતર વગરની તે કાંઈ જિંદગી છે?’

મોહનના કાકાએ ખીજાઈને કહ્યું કે, ‘તો તમે ભૂખ્યાં પડ્યાં રહો. હું તો તમારા ફાયદાની વાત કરું છું. મોહન  કામે નહિ લાગે તો તમારે ભૂખે મરવાનો જ વારો આવશે. મારી પણ એટલી બધી આવક નથી કે હું તમને મદદ કરું. તમારી પાસે મોહનને કામે ચડાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’

ખૂબ જ માથાકૂટ થઈ. છેવટે મોહનના બા-બાપુ પોતાના નાનકડા દીકરાને શહેરમાં મોકલવા તૈયાર થઈ ગયાં. એમણે મોહનને કહ્યું કે, ‘બેટા, હવે તો તું જ અમારો આધાર છે. તું શહેરમાં કામ કરવા જઈશને?’

મોહનને થયું કે, ‘મારાં માબાપ આટલાં દુઃખી હોય તો મારે ભણીને શું કરવું છે?’ એણે તો તરત જ શહેરમાં જવાની  હા પાડી દીધી.

બીજે દિવસે મોહન નિશાળે ન ગયો. એને તો હવે ભણવાનું હતું નહિ. શહેરમાં જવાનું હતું એટલે એ તો શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યો

ચંદુને તો મોહન વગર આખો દિવસ નિશાળમાં ગમ્યું નહિ. સાંજે બંને ભેગા થયા ત્યારે મોહન એકદમ ઉદાસ હતો. ચંદુએ તરત પૂછ્યું કે, ‘મોહન, આજે તું નિશાળે કેમ નહોતો આવ્યો?’

મોહને જવાબ આપ્યો કે, ‘ચંદુ, હવે હું નિશાળે ક્યારેય નહિ આવું. હું ભણવાનું છોડી દઈશ’ આટલું બોલતાં બોલતાં તો એ રડવા જેવો થઇ ગયો. મોહનનો જવાબ સાંભળીને ચંદુને ખૂબ જ દુઃખ થયું. એને ખબર પડી ગઈ કે, મોહન કશી મુસીબતમાં છે.    

શાંતિથી વાત થાય એ માટે બંને ગામની બહાર એક ટેકરી પર જઈને બેઠા. જ્યાં મોહને પોતાના માબાપના  દુખની બધી વાત કહી. વાત પૂરી કરીને મોહન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. રડતાં રડતાં એ બોલ્યો કે, ‘ચંદુ, કાલે સવારે જ હું મારા કાકા સાથે શહેરમાં જવા નીકળી જઈશ. આપણે હવે રોજ ભેગા નહિ થઈ શકીએ. હું તો નહિ ભણી શકું, પણ તું ખૂબ ખૂબ ભણજે. ને ખૂબ આગળ વધજે.’

ચંદુએ મોહનને છાનો રાખ્યો અને કહ્યું કે, ‘તું હિંમત ન હારતો. તારું ભણતર ન બગડે એ માટે આપણે કશું કરીશું.’

મોહન બોલ્યો કે, ‘આપણે તો સાવ નાના છીએ. આપણાથી શું થાય?’

ચંદુ પાસે એ સવાલનો કોઈ જવાબ નહોતો. બંને જણા ક્યાય સુધી ચૂપચાપ ટેકરી પર બેઠા રહ્યા. મોહનનું ભણતર બગડે નહિ એ માટેનો કોઈ ઉપાય એમને સૂઝ્યો નહિ.

સાંજ પડી એટલે બંને જણા ગામમાં આવ્યા. ભારે હૈયે છૂટા પડીને પોતપોતાના ઘર તરફ નીકળ્યા. પણ, રસ્તામાં ચંદુના મનમાં એક જ વાતનું રટણ હતું કે, ‘મોહનનું ભણવાનું અટકે નહિ એ માટે કોઈ ઉપાય કરવો જ જોઈએ.’

એવામાં જ એનું ધ્યાન ગામના સરપંચની ઑફિસ તરફ ગયું. એના મનમાં ચમકારો થયો કે, ‘ગામના સરપંચ તો બહુ જ ભલા માણસ છે. લાવ, એને જ વાત કરું તો કદાચ કોઈ રસ્તો નીકળે.’

ચંદુએ સરપંચની ઑફિસમાં જઈને જોયું તો ત્યાં સરપંચની સાથે પોતાના શિક્ષક પણ બેઠા હતા. ચંદુએ એ બંનેને મોહનના દુઃખની બધી વાત કહી. પછી હાથ જોડીને વિનંતી કરી કે, ‘મારા ભાઈબંધનું  ભણતર અટકે નહિ એ માટે તમે કશું કરો.’

ચંદુની વાત સાંભળીને સરપંચને થયું કે, ‘આ તો બહુ જ ખોટું કહેવાય. ગામના કોઈપણ બાળકનું  ભણતર બગડે તો મારી જ નહિ, આખા ગામની આબરૂ જાય.‘

શિક્ષકે પણ કહ્યું કે, ‘મોહનનું ભણતર તો અટકાવી જ ન શકાય. વિદ્યા મેળવવી એ તો દરેક બાળકનો અધિકાર છે. વળી, નાના બાળક પાસે કામ કરાવવું એ કાયદાની રીતે પણ ગુનો છે. એ બાળ-મજૂરીનો ગુનો  કહેવાય એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે છે. આવી ભૂલ અટકાવવી જ જોઈએ.‘

સરપંચ અને શિક્ષક વચ્ચે ચર્ચા થઈ અને બંનેએ નક્કી કર્યું કે, ‘આપણે મોહનના માબાપને સમજાવીએ અને આવી ભૂલ કરતાં અટકાવીએ.’

સરપંચ અને શિક્ષક, ચંદુને સાથે લઈને મોહનના ઘેર પહોંચ્યા. બંનેએ મોહનના બા-બાપુને ખૂબ સમજાવ્યાં કે, ‘તમે તમારા સ્વાર્થ માટે મોહનનું ભવિષ્ય બગાડી રહ્યા છો. મોહનને ભણાવવો એ તમારી ફરજ છે. વિદ્યા મેળવવી એ મોહનનો હક છે. એને અટકાવી ન શકાય. કમાણી માટે નાના બાળક પાસે કામ કરાવવું એ પણ ગુનો છે. એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે.’

મોહનનાં માબાપને ગળે એ વાત ઊતરી. એમણે મોહનનું ભણતર અટકાવવાનો વિચાર માંડી વાળ્યો. મોહનના કાકાને પણ પોતાની ભૂલ સમજાણી.

મોહનના બાપુએ હાથ જોડીને સરપંચ અને શિક્ષકનો આભાર માન્યો અને કહ્યું કે, ‘તમે અમને મોટી ભૂલ કરતાં અટકાવ્યાં. અમે તો અમારા દુઃખને લીધે મોહનનું ભણતર અટકાવવા તૈયાર થઈ ગયાં હતાં.’

સરપંચે ચંદુનો વાંસો થાબડતાં કહ્યું કે, ‘આભાર માનવો હોય તો આ છોકરાનો માનો. એણે અમને કહ્યું ન હોત તો અમને આ વાતની ખબર જ ન પડત. રહી વાત તમારા દુઃખની. તો એ દુઃખ પણ કાયમ રહેવાનું નથી. આ વરસે વરસાદ ન થવાથી જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે એમને સરકાર તરફથી સહાય મળે એ માટે હું પ્રયાસો કરી જ રહ્યો છું. એવી સહાય મેળવવી એ દરેક ખેડૂતનો હક છે. એ સહાય તમને ન મળે ત્યાં સુધી તમારું દુઃખ એ મારું દુઃખ છે. હવેથી તમને કોઈ જાતની તકલીફ ન પડે એની જવાબદારી મારી છે. પરંતુ, મોહનનું ભણતર અટકાવવાનું હવે ક્યારેય નામ ન લેતાં.’

મોહનના માબાપ તો રાજી રાજી થઈ ગયાં. ચંદુને ગળે વળગાડીને બોલ્યાં: ‘ભાઈબંધ હો તો આવા.’ 

પછી તો ચંદુ અને મોહન આગળ ખૂબ ભણ્યા. મોટા થયા અને ખૂબ જ પ્રગતિ કરી. ચંદુએ એના પિતાના ધંધાનો વિકાસ કર્યો. ગામના વિકાસમાં પણ ખૂબ ફાળો આપ્યો. પોતે ગામનો સરપંચ પણ બન્યો. તો મોહન પણ ભણીગણીને શિક્ષક થયો.પોતાના જ ગામની નિશાળમાં આચાર્ય બન્યો. બંનેએ પોતાના ગામના વિકાસમાં જ નહિ પરંતુ આસપાસના વિસ્તારના વિકાસ માટે પણ એટલો જ ભાગ ભજવ્યો.  

બંને ભાઈબંધોની જુગલ જોડી આજે પણ આખા મલકમાં વખણાય છે.

ભાઈબંધી હોય તો આવી!

[સમાપ્ત]

[Childre’n  University  Gandhinagar   બાળ [કિશોર] વાર્તા સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કારને પાત્ર ]

 

સંભારણું

budreti

મિત્રો,

તાજેતરમાં મળેલા સંભારણાની  તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં  ૩૦ મિનિટ માટેનું મારું નાટક  ”ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું  હતું. 

કુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં. 

[૧] ‘અવતાર’   લેખક -રવીન્દ્ર પારેખ,  સુરત. 

[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’  લેખક-જય દિક્ષિત,  સુરત.

[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.

[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર 

પસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.  

તા. ૨૮-૩-૧૩ ના રોજ  અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક,  શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને  આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા. 

નાટક માટે  શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે.  એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે. 

આવી રીતે પસંદ થયેલાં નાટકો  આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે. 

તમે લોકોએ  આ પણ વાંચ્યું જ હશે. http://wp.me/phscX-23h

जिंदगी इत्तेफ़ाक हैं!

જિંદગીમાં આયોજન જરૂરી છે.  ધંધા, વ્યવસાય, શિક્ષણ, ઉજવણી, સામાજિક પ્રસંગો વગેરેમાં તો આયોજન ખૂબ જ મહત્વ ધરાવે છે.  એમાં ‘હરિ ઇચ્છા બળવાન’ વાળી વાત ચાલતી નથી. પછી ભલે છેવટે એમ માનવું પડે! પરંતુ શરૂઆતમાં તો આપણે આયોજનને જ મહત્વ આપતા હોઈએ છીએ.

છતાંય એ વાત પણ માનવી જ પડશે કે, જિંદગીમાં કેટલીકક નાનીમોટી ખુશીઓ  આપણને વગર આયોજને પણ મળી જતી હોય છે.  કોઈ પોતાના ઘરના દરવાજે પતંગિયાનું સુંદર ચિત્ર મુકાવીને ખુશ થવાનું આયોજન કરી શકે છે. પરંતુ, ક્યારેક કોઈ જીવતુંજાગતું  સાચુકલું પતંગિયું ઊડતું ઊડતું એના ઘરના દરવાજે આવીને બેસી જાય અને એ જોઈને એને જે ખુશી થાય; એ ખુશી મેળવવા માટે એણે કોઈ જ આયોજન કર્યું હોતું નથી! અરે! એ પતંગિયાને તસવીરમાં કેદ કરવા માટે કેમેરો પણ એણે હાથવગો હોતો નથી! 

કોઈ માણસ  પોતાના આયોજન મુજબ સફરમાં નીકળે છે.  એક બસ ચૂકી જાય છે.  એના અફસોસનો પાર રહેતો નથી.  બીજી બસ પકડે છે.  એમાં બેસવાની જગ્યા પણ મળતી નથી.  વચ્ચે એકાદ સ્ટેશન પર એને જગ્યા મળે છે.  બાજુમાં બેઠેલા માણસ સાથે  વાતચીતની શરૂઆત થાય છે.  બંનેના રસના વિષયો સરખા હોય છે.  છુટા પડતી વખતે નવો પરિચિત માણસ એને પોતાનું ‘વિઝિટિંગ કાર્ડ’ આપે છે.  એ કાર્ડ એની જિંદગી બદલી નાખે છે!  હા, એ કાર્ડનાઆધારે ફરીથી મુલાકાતો થાય છે.  એ મુલાકાતો એને પોતાનો વ્યવસાય જમાવવામાં એવો તો ભાગ ભજવે છે કે, બંને વચ્ચેની પહેલી મુલાકાત એને ચમત્કાર જ લાગે છે! એના વ્યવસાયના વિકાસ માટે મળેલી તકનો લાભ લેવા માટે એણે જરૂર આયોજન કર્યું હોય, પરંતુ એ બંને વચ્ચેની પહેલી મુલાકાત માટેનું  માટેનું આયોજન કોણે કર્યું હશે? 

‘છોટીસી મુલાકત પ્યાર બન ગઈ’ એ  વાત માત્ર ફિલ્મોમાં જ નથી બનતી, હકીકતમાં પણ બનતી હોય છે! એ મુલાકાત મોટાભાગે  આકસ્મિક જ હોય છે! કોઈ યુવાન કે યુવતી પ્રેમમાં પડવાનું આયોજન કરીને કે ચોઘડિયાં જોઈને  ઘેરથી નથી નીકળતાં! પછી એમનાં લગ્ન માટે ચોઘડિયાં જોવાય અને નાનામોટા આયોજનો થાય એ અલગ વાત છે! 

વિજ્ઞાનની કેટલીય  શોધખોળોમાં અકસ્માતે પણ ભાગ ભજવ્યો છે!

સામાન્ય આનંદ મેળવવા માટે પરિવાર ભેગો થયો હોય, એમાં કોઈ એકાદ વાનગી બનાવી હોય અને એ વાનગી સમય જતાં એ પરિવારની ‘પ્રૉડક્ટ ’ તરીકે નામના મેળવે!

પરંતુ, કહેવાનો આશય એ પણ નથી કે, ‘બધું જ અકસ્માતે થાય છે માટે કોઈ પ્રકારનું આયોજન જ ન કરવું.’  વળી, જેમ સુખદ અકસ્માતો થાય છે એમ  દુખદ અકસ્માતો પણ થતા હોય છે.  કેટલાક લોકો જિંદગીમાં સુખદ ઘટનાઓ જ બને અને દુખદ ઘટનાઓ ટળે એ માટે આંધળી વિધિઓમાં જ રચ્યાપચ્યા રહેતા હોય છે.  એ લોકો ભલે ઈશ્વરમાં માનતા હોવાનો ડોળ કરતા હોય, હકીકતમાં ઈશ્વરના નિર્ણયોને ન  સ્વીકારવાનાં એ ધમપછાડા જ હોય છે.  વિજ્ઞાનના કે ટેક્નૉલોજિની મદદથી જીવનને સુવિધાભાર્યું બનાવવું  એ અલગ વાત છે અને વિધિઓ કરાવીને ચમત્કારની આશા રાખવી એ અલગ વાત છે.  

તો ચાલો, તમારા જીવનમાં સુખદ અકસ્માતો થતા રહે એવી શુભ ભાવના સાથે રજા લઉં.  કદાચ કોઈ સુખદ અકસ્માત મારી રાહ જોતો હોય! 

આવજો અને જલસા કરજો. 

“ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” -એકાંકી

મિત્રો,

‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયેલ  અને આ જ સંસ્થાના ત્રિમાસિક  સામાયિક “નાટક” માં જાન્યુઆરી-માર્ચના અંકમાં  પ્રગટ થયેલ કોમિડિ   એકાંકી  નાટક : “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” ના કેટલાક સંવાદો અંશરૂપે રજૂ કરું છું.  આશા રાખું છું કે આપને એ ગમશે. 

******************************

ચીમનલાલ:   જો મારું નામ ચીમન છે. કોઈ મને માનથી ચીમનબાપા કહે તો એમાં ખોટું શું છે? તારું નામ અમી છે. અને વહુ તને  અમીબા કહે છે એમાં વાંક કોનો? તારો કે તારા નામનો?

અમીબા:         વાંક મારા માબાપનો કે જેમણે મારું નામ અમી રાખ્યું.

ચીમનલાલ:   પણ અમીબામાં ખોટું શું છે?

અમીબા:         તમે ભણ્યા છો કે નહીં? અમીબા વિષે કશું જાણો છો ?

ચીમનલાલ: જાણું છું. ભણવામાં ચાર બા આવતાં હતાં. રાઘોબા, વિનોબા, કસ્તુરબા અને અમીબા. એમાંથી અમીબા સાથે મારે લાંબી લેણાદેવી નીકળી. એટલે  એની હારે ચાર ચકરડાં ફર્યો અને સંસારમાં ઠરીઠામ થયો.

અમીબા:         તમે રાખ ભણ્યા? અમીબા નાનું જીવડું હોય. એકકોષી જીવડું.

ચીમનલાલ:   તું મોટું જીવડું છો. બહુકોષી. એમાં ફેર કેટલો?

******************************

પરેશ:            જો પલ્લવી, પેટ માટે તો મહેનત કરું છું. હું અહીં ભૂખ્યો બેઠો હોઉં ને તુ કમ્પ્યુટર સામે બેઠી બેઠી ટકટક કર્યાં કરે એ મને પસંદ નથી.

પલ્લવી:               પરેશ. એ મારા શોખની વાત છે. જેમ તમને ધંધાનું વળગણ છે એમ મને બ્લૉગ લખવાનું વળગણ છે.

પરેશ:            ધંધો છે તો ઘર ચાલે છે. ટકટક કરવાથી પેટ નહીં ભરાય. તારે પરણવાની જરૂર હતી કોઈ પ્રોફેસરને અને પરણી મારા જેવા ખમણવાળાને.

પલ્લવી:       મને ખબર નહોતી કે ખમણ વેચી વેચીને તમારો સ્વભાવ વાસી ખમણ જેવો થઈ ગયો હશે. જ્યારે હોય ત્યારે ખમણ, ધાણા અને મરચાંની જ વાતો. દુનિયામાં બીજું કાંઈ છે કે નહીં? ખળખળ વહેતાં ઝરણાં… મંદ મંદ વાતો પવન…ફૂલોની પાંદડી પર ઝાકળનાં બિંદુઓ. આ બધાં વિષે કશી સમજણ પડે છે?

પરેશ:            મારે પાડવી પણ નથી. મારે ખમણ વેચવાં છે ખમણ. અરે ખમણ બાફ્યાં છે કોઈ દિવસ? ચોંટી પડી છો. ઝાકળનાં બિંદુઓ… ઝાકળનાં બિંદુઓ. અરે! વરાળના બિંદુઓ હારે પાલો પાડ્યો છે કોઈ દિવસ? ઝાકળના બિંદુઓ! આ લેખકડી ક્યાંથી ખમણવાળાના ઘરમાં ભરાઈ ગઈ? .

******************************

પલ્લવી:       જોયું પપ્પા, ન હોય ત્યાંથી ધંધાની વાત લાવી દે છે. ઘેર આવે તો પણ એને બીજુ કશું સૂઝે નહિ. હું ઘણું કહું કે ફેસબુકમાં ખાતું તો ખોલાવો. તો કહે કે બેન્કમાં ઘણાં ખાતાં છે. હવે વધારે ખાતાં ખોલાવવાની જરૂર નથી.

કુંદનબહેન:   બેન્કમાં ખાતાં તો અમારાં પણ છે. પરંતુ, ફેસબુકના ખાતાનો આનંદ તો જેણે માણ્યો હોય એ જ જાણે! તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખો પછી જ સમજ પડશે કે ફેસબુકનો આનંદ કેવો હોય છે?

પરેશ:    તો માડી, તમે પણ આ ઉમરે ફેસબુકનો આનંદ માણો છો?

કુંદનબહેન:           અવશ્ય. ફેસબુક પર મારા મિત્રોની સંખ્યા બે હજાર જેટલી છે.

પરેશ:    માડી. હું જાણી શકું કે ફેસબુક પર તમે તમારું નામ શું લખ્યું છે?

કુંદનબહેન:           નામ રાખ્યું છે કુંદનિકા.

પરેશ:            એટલે જ બે હજાર મિત્રો નોંધાયા! કુંદનબહેન નામ રાખ્યું હોત તો કાળો કાગડોય તમારો મિત્ર ન બનત. વળી, એ કહો કે તમે તમારો હાલનો ફોટો મૂક્યો છે કે પછી તમારા ભવ્ય ભૂતકાળનો?

કુંદનબહેન:           ફોટો મૂકાય જ નહિ. ફોટાનો દુરુપયોગ થાય.

પરેશ:    તમે તમારો હાલનો ફોટો મૂક્યો હોય તો મને નથી લાગતું કે કોઈ દુરુપયોગ કરે.

કુંદનબહેન:           મેં કમળનું ફૂલ મુક્યું છે.

પરેશ:            એટલે જ બે હજાર ભમરા નોંધાયા. હવે બાંધી મુઠ્ઠી લાખની જ રાખજો. ભૂલેચૂકેય તમારો ફોટો મૂકતાં નહિ. મૂકશો ને તો બે હજારમાંથી એકેય ફરકવા નહિ આવે.

કુંદનબહેન:       તમે ભૂલો છો જમાઈરાજ,  તમને મારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય નથી લાગતો.

પરેશ:       છે.. મને તમારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય છે.[ પલ્લવી તરફ હાથ કરીને]  મેં તમારું આ સર્જન બહુ જ નજીકથી જોયું જાણ્યું છે.  તમારા સર્જનનો આનાથી ઉત્તમ નમૂનો બીજો કયો હોઈ શકે?

***************************

પરેશ:       ખમણના જ નહિ હૃદયના ભાવ પણ લખું છું. લખું છું કે: કોઈપણ માણસ ગમે તે કામધંધો કરતો હોય, એના હૈયામાં પણ જાતજાતની અને ભાતભાતની લાગણી ઉછાળા મારતી હોય છે. એનામાં પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરવાની આવડત ન હોય તો એમ ન  માની લેવાય કે એ લાગણી વગરનો છે!

પલ્લવી:         અચ્છા. તો આ બધું મને સંભળાવવા માટે બોલો છો?

પરેશ:       આ સંભળાવવાની વાત નથી. હકીકત છે. પલ્લવી, લોકોને વઘારેલાં અને ટમટમ ખમણ ખવડાવવામાં અમારી જિંદગી કોરાં ખમણ જેવી થઈને રહી જાય છે ને અમે કશું કરી શકતા નથી. તારાં  જેવાંને એમ લાગે કે અમને બીજા કશામાં રસ નથી. રસ તો ઘણોય હોય. પણ, જો બીજી વાતોમાં રસ લેવા જઈએ તો અમે અમારું ધ્યેય ચૂકી જઈએ.

પલ્લવી:         કયું ધ્યેય ચૂકી જવાય?

પરેશ:       ખમણનો સ્વાદ સાચવવાનું ધ્યેય. ગઝલમાં છંદ ન સચવાય તો જેમ ભાવકને મજા ન આવે તેમ ખમણમાં સ્વાદ ન સચવાયો હોયને તો ગ્રાહકને મજા ન આવે! ને સાહિત્યમાં જેમ ખોટી વાહવાહ થાય છે ને એમ આ ધંધામાં કોઈ ખોટી વાહવાહ ન કરે! ધંધામાં એકાગ્રતા ન રાખીએ તો ઘરાકી તૂટી જાય.

***************

અમીબા:               વેવાણનું નામ તો  કુંદનબહેન છે ને?

ચીમનલાલ: કુંદનબહેન ભલે રહ્યું. પણ, ફેસબુક પર નામ જરા ટનાટન હોવું જોઈએ. જેમ કે મારું નામ ચીમનના બદલે ચિરાગ હોવું જોઈએ અને તારું નામ અમીના બદલે એમી હોવું જોઈએ. એમી એકશન! નકલી ચેહરા સામને     આયે… અસલી સુરત છુપી રહે. .

પરેશ:    આપણે તો કશું જ છુપાવ્યું નથી. ચોખ્ખું જ જણાવી દીધું છે કે, હુ ખમણ વેચું છું. અને ગઝલો પણ લખું છું. .

ચીમનલાલ: પણ ખમણનો ઘાણ મૂકીને ગઝલ લખવા ન બેસી જવાયને? ગાગાલગા… ગાગાલગા… ગાગાલગા કરવામાં ધંધાને વાટ લાગી જશે એનું શું?

પરેશ:            પપ્પા, કશું  મેળવવા કાજે કશું ગુમાવવું પણ પડે! ગઝલને પામવા માટે ખમણનો ભોગ આપવો પણ પડે. ગઝલને પામશું  ખમણને છોડશું…. બનીને બાવરા જગતને છોડશું .

ચીમનલાલ:         આખો દિવસ આવું જ કરે છે. ગલ્લામાં પણ રૂપિયા ઓછા ને ગઝલના કાગળીયા ઝાઝા.

અમીબા:               દીકરા, પહેલાં તો તુ ધંધો ગળે લઈને ફરતો’તો. આ તને શું થયું?

ચીમનલાલ:         આપણો આ દીકરો હવે કવિ બની ગયો છે.

પરેશ:            કવિ શ્રી પરેશ ખમણવાલા. શહેરના નામાંકિત કવિ તરીકે આ નામ અજાણ્યું નહિ રહે. આવતાં મહિને મારો પહેલો ગઝલસંગ્રહ પણ બહાર પડશે. સંગ્રહનું નામ હશે “ઝાકળનાં બિંદુઓ”. જે સંગ્રહ હું અર્પણ કરીશ મારી પ્રેરણામૂર્તિ વત્તા મારી ધર્મપત્ની શ્રીમતી પલ્લવી પરેશ ખમણવાલાને.

*******************

પલ્લવી:    કોઈપણ બાબતનું આટલું બધું વળગણ સારું નથી. ઇન્ટરનેટ છે, બ્લૉગ છે, ફેસબૂક છે .. એ બધું અમુક હદ સુધી જરૂરી છે. પરંતુ, એમાં જ રચ્યાંપચ્યાં રહેવાથી તો સામાજિક સંબંધો પર અવળી અસર પડે છે. જો તમે હવે આ બધું નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહી શકું.

પરેશ:       લો કરો વાત! પહેલાં કહેતી’તી કે- આ બધું નહિ અપનાવો તો  હુ આ ઘરમાં નહિ રહું. હવે કહે છે કે- આ બધુ નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહું. એટલે તુ નચાવે એમ મારે નાચવાનું?  માંડ માંડ મને જીવનનો મર્મ સમજાયો છે. હવે આ મુકામેથી આગળ વધવું છે. પાછાં ફરવાની કોઈ વાત ન કરશો. હુ વધી રહ્યો છું આગળ ને આગળ…બંધનો રહ્યાં છે પાછળ ને પાછળ.

********************************

આવ મંગળ અમને નડ

મિત્રો,

છઠ્ઠી ડિસેમ્બરે મારું એક રેડિયોનાટક “આવ મંગળ અમને નડ” આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી રાત્રે ૯.૩૦ વાગે  પ્રસારિત થશે. જે અર્ધો કલાકનું હશે. અનુકૂળતા હોય તો જરૂર સાંભળજો.

હું સમજુ છું કે, આપણામાંથી મોટા ભાગના મિત્રોએ રેડિયોની સંગત છોડી દીધી છે.  અને,સંગત હશે તો પણ માત્ર FM રેડિયો પૂરતી હશે. બાકી, એવા પણ દિવસો હતા કે, રેડિયો દરેક પરિવારને પોતાના એક સ્વજન જેવો  લાગતો હતો. 

આ સંજોગોમાં હું તમને લોકોને બહુ આગ્રહ કરી શકતો નથી. પણ, વાંધો નહિ. નાટક પ્રસારિત થયા પછી એ નાટક વિષે હું આ  બ્લૉગ પર વધારે લખીશ. અત્યારે તો થોડાક સંવાદો મૂકું  છું.  એના લીધે કદાચ તમને નાટકમાં રસ જાગે! કદાચ રેડિયો  સાથેની તૂટેલી ભાઈબંધી સાંભરે!

મિત્રો, નાટકના શીર્ષક પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, આ નાટકમાં મંગળની કુંડળીને લગતી માન્યતાઓની વાત હશે. જ્યોતિષ વિષે વાત કરવાનો મારો ઇરાદો નથી. મારો ઇરાદો એ જણાવવાનો છે કે, મંગળ વિષેની આડેધડ અપનાવી લીધેલી માન્યતાઓ આપણા રોજિંદા જીવનને કેવી રીતે  પ્રભાવિત કરે છે.   હું વધારે નથી કહેતો.  કેટલાક  સંવાદો  કહેશે… 

*************************************************************************************************

*

લલિતભાઈ:   હા. ઠેકાણાં તો બહુ જોયાં’તાં. પણ, બધી રીતે મેળ ખાવો જોઈએ ને?  તમે તો જાણો છો ને કે હું કુંડળીમાં માનનારો છું. ગમે એવું સારું ઠેકાણું હોય, પણ જો કુંડળીમાં મેળ ન ખાતો હોય તો હું એક ડગલુંય  આગળ ન  વધું. 

*

લલિતભાઈ:   તારીખ તો બરાબર છે પણ સમયમાં ફેરફાર લાગે છે. અમને સવારના સાડા નવ વાગ્યાનો સમય કહ્યો હતો પણ આ ડાયરીમાં તો સવારના સાડા આઠનો સમય લખ્યો છે. પરમાનંદભાઈ, તમારાથી લખવા ફેર તો નહિ થયો હોય ને? 

*

પરમાનંદ:  મારાથી લખવા ફેર થાય પણ આ મંગળનું શું? યોગેશભાઈએ પોતે જ મને કહ્યું હતું કે મેઘાને મંગળ છે એટલે સામેનું પાત્ર પણ એવું જ શોધવાનું છે.  

*

 લલિતભાઈ:  હું તો પહેલેથી કુંડળીમાં માનવા વાળો છું. અમારાં લગ્ન પણ કુંડળી મેળવીને જ થયાં હતાં. મારે આ વાતની તપાસ તો  કરવી જ પડશે. યોગેશભાઈ મારી સાથે રમત રમી ગયા લાગે છે. મંગળવાળી દીકરીને ઠેકાણે પાડવા ઘણાં મા બાપ કુંડળી ફેરવી નાખતા હોય છે.

લલિતભાઈ: મંગળ સામે ઠાકોરજીનું પણ કશું ન ચાલે. અરેરે! પરેશ માટે એક એકથી ચડે એવી છોકરીઓનાં ઠેકાણાં હતા. જન્માક્ષર નહોતા મળતા એટલે બધાંને એક જ ઝાટકે પાછાં કાઢ્યાં છે. આટલું આટલું ધ્યાન રાખવા છતાં હું માર ખાઈ ગયો.

*

કુંદન: હશે. પણ, મારું માનવું છે કે પરેશ માટે મેઘા જેવી છોકરી આપણને મળત નહિ. કેવી સંસ્કારી છોકરી છે. વરસ થયું પણ ક્યારેય ઊંચા અવાજે બોલી નથી.    ક્યારેય મોઢું કટાણું કર્યું નથી. કામકાજમા, બોલવા-ચાલવામા કે વ્યવહારમાં ક્યારેય પાછી પડી નથી. પરેશનું મન પણ એની સાથે મળી ગયું છે. બંને જણાં જલસા કરે છે.  આપણે બીજું શું જોઈએ? છોડોને મંગળની રામાયણ. 

*

લલિતભાઈ:  [ગુસ્સામાં] વળી તું એકની એક વાત કરે છે? અરે એને મંગળ છે મંગળ.  મંગળ તો ભલભલાની પથારી ફેરવી નાખે. 

*

મેઘા:  [ગળગળા અવાજે]  પપ્પા, મારી કુંડળીમાં કદાચ દોષ હશે. પણ, મારામાં કોઈ દોષ હોય તો કહો.પરિવારમાં  મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કહો. મારા વર્તનમાં કે વ્યવહારમાં કોઈ ખામી હોય તો કહો. કામકાજમાં હું ક્યારેય પાછી પડી હોય તો કહો. પરેશને મારા માટે કોઈ ફરિયાદ હોય તો કહો. 

*

પરેશ: પપ્પા, જન્માક્ષરો મેળવીને લગ્ન કરનારાઓની  જિંદગીમાં પણ તકલીફો તો આવે જ છે. દરેકની જિંદગીમાં તકલીફો તો આવવાની જ. અને બીજી વાત એ કે,  આ જન્માક્ષરો મેળવવાની લાયમાં ને લાયમાં કેટલાંય છોકારા-છોકરીઓનું ગોઠવાતું જ નથી. સારી સારી જોડીઓ ગોઠવાતાં ગોઠવાતાં અટકી જાય છે. ચાળીસ ચાળીસ વર્ષની ઉમરનાં લોકોનાં બાયોડેટાથી લગ્નની વેબસાઈટ્સ છલકાય છે. પસંદગી મેળામાં યુવક-યુવતીઓ કરતાં કાકાઓ અને માસીઓની સંખ્યા વધતી જાય છે. આવું ને આવું ચાલશે તો કેટલાંય પરણ્યા વગર રહી જશે એનો તો જરા વિચાર કરો.  

*

લલિતભાઈ: સમાજમાં બધું જ તું કહે એવું થતું નથી દીકરા. તમે બધાં મને ખોટો પાડવા માટે ફાલતું દલીલો કરો છો. પણ, જયોતિષ એ વિજ્ઞાન છે. આ મંગળ, શની, જન્માક્ષર, કુંડળી એ બધું વિજ્ઞાન પર આધારિત છે. 

*

કુંદન:  પાંચમો મંગળ. મેઘાનો મંગળ. એ મંગળ અમને નડ્યો. ને એ મંગળની ઘો ઘાલનાર પણ તમે જ ને?  પરમાનંદભાઈ, આંગણે આવ્યાં છો એટલે તમને કઠોર શબ્દો ના કહેવા જોઈએ પણ તમે કહેલી વાતને લીધે જ  અમારા પરિવારમાં ડખો ઊભો થયો ને હર્યોભર્યો પરિવાર  વિખાઈ ગયો.   

*

 કુંદન: ને આપણા જે જ્યોતિષી પર તમને પૂરો ભરોસો હતો, જેની તમે વારંવાર સલાહ લેવા જતા એ પણ અઠવાડિયા પહેલાં અકસ્માતમાં કમોતે મર્યો કે નહિ? એને પોતાને પણ એના ભવિષ્યની ખબર નહિ જ હોય ને? જો હોત તો તે દિવસે ઘરની બહાર નીકળત ખરો?  

*

પરમાનંદ:  કુંદનભાભી, તમે બહુ જ વિચારવા જેવી વાત કરી છે. બીજાનાં નસીબ બદલવાના દાવા કરનારા પોતાનાં નસીબ નથી બદલી શકતા. લલિતભાઈ, તમને હવે કાંઈ સમજાય છે? અંધારિયા કૂવામાંથી બહાર નીકળવું છે કે પછી એમાં જ  પડ્યા રહેવું છે. 

*************************************************************************************************************

… મિત્રો,   આ થોડા સંવાદો પરથી તમને જો સમગ્ર નાટકમાં રસ પડશે તો આ નાટક બાબત એના પ્રસારણ પછી પર વાતો  કરીશું.  અત્યારે રજા લઉં છું.

જલસા કરો.  

હા,  આ સંવાદો પરથી કશું કહેવા જેવું લાગે તો પ્રતિભાવનું ફળિયું ખૂલ્લું જ છે.

[http://graphicleftovers.com/graphic/old-transistor-radio-isolated/]

તડતડિયાં

Dipavali

[૧] 

તહેવારો દરમ્યાન પધારેલા 

ઉમંગ- ઉત્સાહે

મારી રજા માંગી: 

‘બહુ દિવસો થયા

અમે હવે જઈએ.’

મેં કહ્યું:

‘રોકાવને  

જવાય છે.’

તો કહે:

‘બીજે પણ જવું પડેને…

અમારેય વહેવાર સાચવવાનોને?’

હવે મારે એમને શું કહેવું?

[૨] 

આંગણેથી કોડિયાં લેવાઈ ગયાં

રંગોળીના રંગો સમેટાઈ ગયા 

રોશની ઊતરી ગઈ

બધું જ રાબેતા મુજબ થઈ ગયું

માણસ જેવો માણસ પણ!

[૩] 

દુકાનદારે 

તહેવારોમાં બંધ રહેલી દુકાનનું 

શટર ખોલ્યું … 

અંદર પ્રવેશ્યો…

અંદરની

જુના વર્ષની હવા 

એના ફેફસામાં પ્રવેશી… 

ને 

દુકાનદાર 

ફરીથી 

હતો એવો ને એવો થઈ ગયો! 

જુનો ને જાણીતો! 

[૪] 

એ લોકો 

પ્રવાસના બહાને 

જાણીતાંથી ભાગ્યાં અજાણ્યાં તરફ 

પરંતુ…

એમના નસીબે 

અજાણ્યાં

પણ 

નીકળ્યાં

જાણીતાં! 

[૫] 

એવું લાગે છે કે,

માણસ માત્ર…

કચરામાંથી

ફટાકડા

શોધતાં

બાળક

જેવો છે!  

બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?

મિત્રો, 

કોઈ વ્યક્તિ ભગવાનમાં ન માનતી હોય, ભગવાનના નામ માત્રથી એને ચીડ ચડતી હોય, ભગવાનનું  નામ લેવાનું એને પસંદ ન હોય અને  બીજાં લોકો ભગવાનનું નામ લે એનાથી પણ એને અકળામણ થતી હોય એવું બનતું હોય છે. એવું બનવા માટે વાજબી કારણો પણ હોય.  જેવા કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, દંભ, દેખાદેખી  અને શોષણ તરફ એને સખત નફરત  હોય.   છતાંય આ વ્યક્તિએ પોતાના વિરોધને ક્યાંક ને ક્યાંક કાબૂમાં રાખવો પડે છે.

આવી વ્યક્તિ જો વિદેશમાં રહેતી હોય તો નસીબદાર.  પરંતુ જો આપણા દેશમાં રહેતી હોય અને  ભગવાન કે દેવતાના નામ માત્રથી એ ડગલે ને પગલે પોતાના નાકનું ટેરવું ચડાવવા જાય તો  જતે દહાડે ઘસાઈ ઘસાઈને એના નાકનું અસિત્વ જ ન રહે! આવો, આ પરિસ્થિતિ માટેનાં કારણો તપાસીએ. 

આવી વ્યક્તિ જે વિસ્તાર, સોસાયટી,કૉલનિ, કોમ્પ્લેક્ષ્, એન્કલેવ વગેરેનાં નામ કેવાં હોઈ શકે? આવાં હોઈ શકે…  

*શ્રીકૃષ્ણ વાટિકા. 

*રાધાકૃષ્ણ સોસાઇટી. 

*બાલાજી રેસિડન્સી

*આસુતોષ નગર. 

*લક્ષ્મીકૃપા સોસાઇટી. 

*રામનગર. 

*સીતાબાગ. 

*મારુતીધામ . 

વગેરે.. વગેરે… વગેરે… 

હવે વિચાર કરો કે, એ વ્યક્તિ એવો આગ્રહ રાખે કે : “હું ભગવાનમાં નથી માનતો. વિજ્ઞાનમાંઅને ગણિતમાં માનું છું માટે હું જે વિસ્તારમાં રહું એ વિસ્તારનું નામ કોઈ વિજ્ઞાનિક કે ગણિતજ્ઞનાં નામ પર હોવું જોઈએ. જેમ કે,  રામાનુજન નગર! … ના, ના, ના. આમાંય ભગવાનનું નામ આવે છે! જગદીશચંદ્ર બોઝ કોમ્પ્લેક્ષ હોવું જોઈએ. ના, ના. આમાં પણ લોચો છે!  આલ્બર્ટ આઇન્સ્ટાઇન નગર કે ન્યૂટનધામ હોવું જોઈએ. જેમાં ભગવાનનું  કે દેવતાનું નામ આવતું હશે એ વિસ્તારમાં હું નહિ રહું.” 

તો વિચાર કરો કે એ વ્યક્તિ ક્યા રહેવા જાય? જંગલમાં? જંગલમાં પણ મંગલ હોય છે! ત્યાં તો કેટકેટલા આશ્રમો હોય! મંદિરો હોય! બાપુઓ હોય! 

મિત્રો, આપણે સહુ જાણીએ છીએ કે,  વિજ્ઞાનનો ડગલે ને પગલે ઉપયોગ કરતાં હોવા છતાં સમાજમાં વિજ્ઞાનિકોને વિસ્તારનાં નામ રાખતી વખતે જરૂરી મહત્વ આપતું નથી.  આપણે એ બાબતમાં કશું કરી શકતા નથી. કારણ કે નામકરણ તો મોટાભાગે બિલ્ડરો કરતા હોય છે!એમને મોટાભાગે ભગવાન કે દેવતાઓનાં જ નામ પસંદ હોય છે. વાળી,  તેત્રીસ કરોડ દેવતા હોવા છતાય એ લોકો અમુક જ નામનો ઉપયોગ કરે છે જેના કારણે એક જ વિસ્તારમાં અનેક બાલાજી નગર કે શ્યામધામ સોસાઇટી હોય છે. પરિણામે પોસ્ટમેન, ગેસના બાટલા પહોંચાડનારા તેમ જ મોંઘેરા મહેમાનો  ગોટે ચડે છે. એ પણ એક બીજી મોટી સમસ્યાછે.

મૂળ વાત પર આવીએ તો ભગવાનના નામ માત્રથી ભાગતી વ્યક્તિએ પોતાનું મન મોટું રાખીને પણ  જે તે વિસ્તારમાં રહેવું જ પડે. 

ચાલો, માની લઈએ કે એ વ્યક્તિ જ્યાં રહેતી હોય એ વિસ્તારનું નામ  ભગવાનના નામ  પર ન હોય.  એ વિસ્તારનું નામ ડ્રીમલૅન્ડ કે આનંદનગર જેવું હોય. તો પણ એ વ્યક્તિ બચવાની નથી.  આખું સરનામું આપતી વખતે એણે પોતાનું રહેઠાણ ક્યા આવ્યું એની વિગત તો આપવી જ પડે! પરિણામે એણે ભગવાનનું નામ તો લેવું જ પડે! કારણ કે  એનું રહેઠાણ મોટાભાગે આવી જગ્યાએ આવેલું હોય…

*લંબે હનુમાન રોડ.  

*પંચમુખી મહાદેવના મંદિરની પાછળ. 

* લક્ષ્મીહૉલની બાજુમાં. 

*શ્રીકૃષ્ણ ભોજનાલયની સામે. 

*અંબે વિદ્યાલયવાળી શેરી. 

વગેરે.. વગેરે… વગેરે. 

આવી સમસ્યા એક કે બીજા રૂપે દરેક દેશ કે સમાજમાં હશે જ!  

તો સો વાતની એક વાત!  સમાજમાં રહેનારે ક્યાંક ને ક્યાંક … ક્યારેક ને ક્યારેક,  પોતાના ગમા-અણગમા સાથે બાંધછોડ કરવી જ પડે છે.  આપણામાંથી   ઘણાએ ‘ઓહ માય  ગોડ’  ફિલ્મ જોઈને તાળીઓ પાડી હશે.જેમાંથી  ઘણાખરાએ  બીજે જ દિવસે  કોઈને ત્યાં ‘સત્યનારાયણ’ની કથામાં કે ‘લક્ષ્મી પૂજન’ માં હાજરી આપી હશે.  મને કે કમને પણ હાજરી આપી હશે. આપવી પડી હશે! 

અર્થાત,  ક્રાંતિકારી વિચારો  માટે હાકલા-પડકારા  કરનારાઓ પણ પોતાના પરિવારમાં થતાં પૂજાપાઠથી દૂર રહી શકતા નથી.  કેમ એવું? આપણામાંથી ઘણાંને ક્રાંતિકારી થવું ગમે છે પરંતુ, વખત આવ્યે કેમ પલાંઠી મારીને ડાહ્યાડમરા થઈને બેસી જવું પડે છે? 

આપણને બાંધછોડ કર્યા વગર કેમ નથી ચાલતું?  

કેમ? 

કેમ?

કેમ?  

થોડોઘણો જવાબ આમાં છે… 

વધારે વાત, ફરી  મળીએ ત્યારે. 

આજનું સમોસું: 

ભગાએ બાપુને પૂછ્યું કે, “બાપુ આપણે ‘હાંક્યું હાંક્યું’ તો બહુ સાંભળ્યુંતું પણ આ ‘આઈક્યુ આઈક્યુ’ શું છે?”

બાપુએ જવાબ આપ્યો કે, “એ હાંક્યુંનું અંગ્રેજી છે.”

ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

વાત જૂની છે પણ મજાની છે.  

મારા એક મિત્ર.  સાવરકુંડલા જેવા નાના નગરમાં રહે.  ઓઈલમિલનો ધંધો. એ વખતે મોબાઈલ નહોતા. ટેલિફોનસેવા ખરી પણ બહુ ઝડપી નહિ. એટલે મોટાભાગનો સંદેશાવહેવાર ટપાલ મારફતે જ ચાલે.  મિત્રને ત્યાં ટપાલી આવે ત્યારે ધંધાને લગતી થોકડો ટપાલો લઈને આવે.  તેલનો ધંધો એટલે ટપાલ લખનારા મોટાભાગે તેલના નાનામોટા વેપારીઓ જ હોયને?  હવે તમે જ કહો, એવી ટપાલોમાંથી ગંધ આવે તો શાંની આવે? તેલની જ આવેને? પરંતુ,એક વખત એવું બન્યું કે એ મિત્રને ટપાલોમાથી અત્તરની સુગંધ આવી. મિત્ર ખૂશ થઈ ગયા. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

બીજે દિવસે  ટપાલો આવી તોએમાંથી નર્યા તેલની ગંધ! અત્તરનું નામ નહિ! પછીના દિવસોમાં પણ એવું જ! 

વળી, પંદરેક દિવસો પછીની ટપાલોમાથી અત્તરની સુગંધ! પછી તો એવો ક્રમ થઇ ગયો કે, દર પંદરવીસ દિવસે ટપાલોમાંથી અત્તરની સુગંધ આવે!  

મારા મિત્રને  જિજ્ઞાસા થઈ કે, ‘આ ધંધાના વહેવારની ટપાલોમાથી અત્તરની સુગંધ આવવાનું રહસ્ય  કયું?  એવો તો કોઈ રસિક વેપારી ન જ હોય કે જે ધંધાની ટપાલોમાં અત્તર છાંટે?’ એને ખ્યાલ આવી ગયો કે, ‘આ સુગંધ કોઈ બીજાની ટપાલમાંથી મારી ટપાલોમાં વહેતી લાગે છે.’ મિત્રને, એ સુગંધી ટપાલ કોને ત્યાં આવે છે એ જાણવાનું એને મન થયું. 

અમે કાઠિયાવાડીઓ લીધી વાત મૂકીએ નહિ એવા! [કોઈકોઈનું ખાંભીઓ થઈને ખોડાઈ જવાનું મુખ્ય કારણ પણ આ જ! :) ]

મારા મિત્રએ  તપાસ કાર્ય શરૂ કરી દીધું. ખાસ કરીને પોતાને ત્યાં સુગંધિત ટપાલો આવે છે ત્યારે ટપાલી બીજા કોને ત્યાં ટપાલો નાખે છે એ બાબત પર એણે ધયાન કેન્દ્રિત કર્યું.  

‘સાચી લગનથી કરેલી મહેનત એળે જતી નથી.’ એ સુવાક્ય સાચું પડ્યું.  એક દિવસ મારા મિત્રને પોતાના પ્રયાસોમાં સફળતા મળી.  એ દિવસે એને ત્યાં આવેલી ટપાલોમાથી અત્તરની સુગંધ આવી એટલે એણે દુકાન બીજાને સોંપીને ટપાલીનો પીછો કર્યો. થોડે દૂર જતા જ ટપાલીએ હાથમાં મોટું કવર રાખીને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી: ‘ટપા…લ’

દરવાજાની બારી ખૂલી.. એક યુવાન કન્યાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું.. ટપાલીના હાથમાં રહેલું કવર ઝડપથી લઈ લીધું અને  બારી બંધ કરી દીધી.  

મિત્રને રહસ્ય સમજાઈ ગયું. એ કન્યાની સગાઈ થઈ હતી અને એના ભાવી ભરથારના પત્રો આવવા લાગ્યા હતા.  એ પત્રોમાં રહેલી સુગંધ બીજા પત્રોમાં પ્રસરતી હતી.

સુગંધને પરબીડિયાની સરહદો નડતી નથી.  વળી, એને કોઈ ભેદભાવ હોતો નથી. એટલે જ પ્રેમપત્રોમાં રહેલી સુગંધ તેલિયા પત્રોમાં ફેલાતી હતી! 

પરંતુ  મિત્રો, હું તમારું ધ્યાન  આ  દૃશ્ય તરફ દોરવા માંગુ છું….

‘થોડે દૂર જતા જ ટપાલીએ હાથમાં મોટું કવર રાખીને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી: ‘ટપા…લ’. દરવાજાની બારી ખૂલી.. એક યુવાન કન્યાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું.. ટપાલીના હાથમાં રહેલું કવર ઝડપથી લઈ લીધું અને  બારી બંધ કરી દીધી. ‘

કેવું કલાસિક દૃશ્ય હશે એ? આજના ઈમેલના યુગમાં આવાં દુશ્યો  જોવા મળે ખરાં?  અને કલ્પના કરો કે, ‘ટપાલીના હાથમાંથી પત્ર લેતી વખતે એ કન્યાના મનમાં કેટકેટલાં અને કેવાં મોજાં ઉછળતાં હશે! અને એ પણ કલ્પના કરો કે , એણે  એ પત્ર ક્યારે, કેવી રીતે અને કેટલી વાર વાંચ્યો હશે!’

તમે કલ્પના કરોને ભલા માણસ, બધું મારે જ કરવાનું? 

ચાલો, એક કલ્પના હું પણ કરું છું.  એ કન્યાએ  ઘરમાં જઈને એ પત્ર સાચવીને એક જગ્યાએ મૂકી દીધો હશે.  અને ઘરના કામમાં લાગી ગઈ હશે.  એના હાથમાં કામ હશે પણ એના મનમાં એ પત્ર હશે! 

કોઈને એમ થાય કે , એણે ઝડપથી એ પ્રેમપત્ર વાંચ્યો નહિ  હોય? 

નાં બાપલા નાં.  એ સમયે માધ્યમ વર્ગના પરિવારનો માહોલ જ એવો હતો કે , બિચારી કન્યાએ  પોતાની વાજબી લાગણીઓને પણ કાબૂમાં રાખવી પડે! પોતાના પ્રિયતમનો  પત્ર વાંચવા માટે પણ યોગ્ય મોકાની રાહ જોવી પડે! 

 હું મારી કલ્પના આગળ વધારું છું… એ કન્યાની સરખી સાહેલી જેવી એની ભાભીએ  કહ્યું હશે કે,  ’બેનબા,  કામ પછી કરજો. પહેલાં એ કાગળ વાંચી લો. ‘ એ કન્યાએ આનાકાની કરી હશે ત્યારે એની ભાભીએ કહ્યું હશે કે,  ’ બેન માહુંરા, જાવ. પહેલાં કાગળ વાંચી લો.  ન જાવ તો તમને મારા સોગંદ છે.’

હા, નણંદભાભીના મોટાભાગે વગોવાઈ ગયેલા સંબંધોની ભીડમાં આવા મધુર સંબંધો પણ હતા અને આજે પણ છે!  

અને… ટપાલ મારફત મોકલાતા પ્રેમપત્રો એ હવે  ભૂતકાળની વાત બની ગઈ છે.  એ પરબીડિયાં.. એમાં પત્ર મૂકીને  બંધ કરતી વખતે ધમધમાવીને લગાવાતો ગુંદર! એ પત્ર  બીજાના હાથમાં જવાની બીક!  એના પર લખાતો “અંગત’ શબ્દ! કોઈકોઈ તો ચેતવણી પણ લખતા કે: ‘માલિક સિવાય કોઈએ ખોલવો નહિ.’ 

આ હતું પ્રેમપત્રનું મહત્વ.  પ્રેમપત્ર  તો ભગવાન  કૃષ્ણએ પણ  લખ્યો હતો… રુકમણીને.   એમાં તો વળી ભાગવાની વાત લખી હતી! 

આપણી કેટલીય નવલકથાઓના આખેઆખા પ્રકરણો  પ્રેમાંપત્રોથી ભરેલાં છે.   પ્રેમપત્રને  ધ્યાનમાં રાખીને કેટલીય હિન્દી ફિલ્મો પણ બની છે. 

પ્રેમપત્રોને ધ્યાનમાં રાખીને સર્જાયેલાં કેટલાંય ગીતો આજે પણ ટીવીના પરદાને સુગંધિત કરી નાખે છે… 

આવું જ એક ગીત છે… ફિલ્મ  ’સરસ્વતીચંદ્ર’નું..  

કલબલાટ કૉલસેન્ટરનો

                   [૧]

કૉલસેન્ટરની બહાર

ગળામાં ગાળીયાછાપ આઇ-કાર્ડ

સિગારેટના ધુમાડાથી ઝંખવાતી જવાની

હોઠોને દઝાડતી  ઉકળેલી ચા

જીભ પરથી  ડિલીટ થતો…

મમ્મીના હાથની રસોઈનો સ્વાદ,  

મન પર ટાર્ગેટનો પહાડ

પહાડની પેલે પાર

સપનાં અપરંપાર!

                         [૨]

જ્યારથી એ છોકરી

કૉલસેન્ટરમાં

કામ કરવા લાગી છે

ત્યારથી

એની આંખોમાંથી  

તુલસીક્યારાની ભીનાશ

ભુસાવા લાગી છે… 

                          [૩]

એક કસ્ટમરના ગુસ્સાને લીધે   

કૉલસેન્ટરમાં કામ કરતી

એ છોકરીના ગળે

બાઝેલો ડૂમો,

રિસેસ દરમ્યાન

કોફીના ઘૂંટડાની સાથે

ગળે ઊતરી ગયો!

                    [૪]

‘ના.. ના’

એ લોકોએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે,

‘કૉલસેન્ટરમાં કામ કરતાં કરતાં

અમે

અમારાં ગીતો..

અમારો કલરવ…

અમારી ચંચળતા…

ખોઈ નથી નાખ્યાં.

અમે તો એને

સાચવીને મૂક્યાં છે

ઇન્ફર્મેશનના ઢગલા પાછળ!’

                    [૫]

કૉલસેન્ટરની

રાતપાળીની નોકરી કરીને

ઘર તરફ જઈ રહેલા

એ લોકોને,

સૂર્યમાં

વિદેશી કસ્ટમરનાં

દર્શન

થયાં!

 

ભૂતકાળને ભૂલી જવાથી સુખી થઈ જવાય?

આપણે બ્રહ્મવાક્યો જેવાં કેટલાક વિધાનો અવારનવાર સાંભળતા કે સંભળાવતા હોઈએ છીએ. આવું જ એક વાક્ય છે: ‘ભૂતકાળને ભૂલી જાવ.’’

બહુ જ ગમી જાય એવું આ વિધાન છે. એમ લાગે કે, આ વિધાન જીવનમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય! પરંતુ, શું આ શક્ય છે? ભૂતકાળની યાદ એ કાંઈ વર્તમાનને આંગણે આવેલું શેરીનું કૂતરું છે કે એને ‘હટ હટ’  કરીને તગેડી મૂકીએ અને એ ભાગી જાય! ના બાપલા ના. ભૂતકાળની યાદ તો જીદે ચડેલી માખી જેવી છે જે ભગાડી ભાગતી નથી. માખીને મારવાની દવા હોઈ શકે પણ ભૂતકાળની યાદને મારવાની કોઈ દવા નથી. ઉપદેશો છે, શિખામણો છે, પ્રવચનો છે. પરંતુ તાત્કાલિક અસર બતાવે એવી કોઈ દવા નથી. સિવાય કે એવી કોઈ બીમારી લાગુ પડે કે જેને લીધે કશું જ યાદ ન રહે!

‘વર્તમાનમાં જીવવું’ એ એક આદર્શ સ્થિતિ છે. પરંતુ, ભૂતકાળ યાદ રહેવો એ કોઈ ખરાબ વાત છે? શું ભૂતકાળની વાત કરનાર કશું ખોટું કામ કરી રહ્યો છે? ઘણા ઉત્સાહી લોકો હકારાત્મકતાનો દંડો પછાડવાના બહાને ભૂતકાળની વાતોને જાકારો આપવામાં જોર તો દાખવે છે પરંતુ, પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવા માટે દાખલા તો ભૂતકાળના જ આપે છે! પોતે હંમેશાં વર્તમાનમાં જ જીવે છે એવું દેખાડવાના મોહમાં ભૂતકાળની વાત માત્રથી ભડકનારા લોકોની એ ભડક દેખાવ પૂરતી પણ હોઈ શકે. એવું કરવા માત્રથી એ લોકો ‘હકારાત્મક વલણ’ ધરાવતા હશે એમ માની ન શકાય. 

મને લાગે છે કે, ભૂતકાળની યાદ,સ્મૃતિઓ કે સંભારણાં એ હંમેશાં વખોડવા યોગ્ય નથી. ભૂતકાળની વાતો કરવી એ કાંઈ પાપ કે ગુનો નથી. હા, વારંવાર ભૂતકાળની વાતો કરીને વર્તમાનની વગોવણી કરવી એ ટેવ સારી ન કહી શકાય. ભૂતકાળના દબાણના કારણે વર્તમાન સાથે કદમ ન મેળવી શકાય એ સ્થિતિ સારી નથી. એવી સ્થિતિ ટાળવાની વાત બરાબર છે. પરંતુ, ‘ભૂતકાળને યાદ જ ના કરશો’ એવું કહેવું એ જરા વધારે પડતું છે. એવું કહેનાર પણ ભૂતકાળને યાદ કર્યા વગર રહી નથી શકતો.

વળી, કશું યાદ આવી જવું એ આપણા વશની વાત નથી હોતી. એ વશની વાત હોય તોય એ સામાન્ય માણસ માટે તો વશની વાત ન જ હોય. જેમ કે, કોઈ વ્યક્તિને પોતાના જ ઘરમાં બેઠાં બેઠાં મોંઘી મોંઘી વાનગીઓ આરોગતી વખતે ભૂતકાળમાં પોતાને લૂખો રોટલો ખાવો પડતો હતો એ વાત યાદ આવી જાય તો એનો શો ઉપાય? હવે મજાની વાત એ છે કે- પોતાનો ભૂતકાળ યાદ આવવાથી એ રાજી પણ થઈ શકે અને દુઃખી પણ થઈ શકે! રાજી એ રીતે થાય કે – ભૂતકાળની સરખામણીમાં પોતાનો વર્તમાન સારો છે. અને દુઃખી એ રીતે થાય કે- ‘અરેરે! ભૂતકાળમાં આવી વાનગીઓ ખાવા કેમ ન મળી?’ પણ આ બધું માત્ર આટલું જ અને આવું નથી! જેવું જણાવ્યું એવું સરળ અને સીધું પણ નથી. મોંઘી વાનગીઓ ખાનાર એ વાતે પણ દુઃખી થાય કે – અરેરે! લૂખો રોટલો ખાવામાં જે મજા આવતી હતી એ મજા આજે આ મોંઘી વાનગીઓ ખાવામાં પણ નથી આવતી!

આમ ભૂતકાળની જે યાદથી રાજી થવાય એ યાદથી  દુઃખી પણ થવાય. રાજી થવું એ હકારાત્મક વલણ અને દુઃખી થવું એ નકારાત્મક વલણ એમ કહી શકાય? આમ ભૂતકાળની યાદને કઈ રીતે લેવામાં આવે છે એના પર બધો આધાર હશેને?

શું કોઈ છાતી ઠોકીને એમ કહી શકે કે ‘હું ક્યારેય ભૂતકાળની વાત નહિ કરું.’

ભૂતકાળને ભૂલી જવામાં જોખમ પણ ખરું કે નહિ?

ધારો કે તમારી પાસે એવું કોઈ બટન આવી જાય કે, જે દબાવવાથી તમને તમારો ભૂતકાળ જરાપણ યાદ ન આવે ને તમે સતત વર્તમાનમાં જ જીવી શકો; તો તમે એ બટન દબાવવાનું પસંદ કરો ખરા? શું લાભ થાય અને શું નુકસાન થાય એનો વિચાર કરીને જવાબ આપશો તો મજા પડે એવી વાતો થશે!

**********

આજની કૂપન:   

‘સ્મૃતિ ભયંકર વસ્તુ છે. એ ભૂતકાળ છે. એમાં સુખની પુરાની સુવાસ રહેલી છે અને એમાં જ દુઃખનું જલન પણ ખટકતું હોય છે.’ [ચંદ્રકાંત બક્ષીની નવલકથા ‘રોમા’ના ત્રીજા પ્રકરણની  શરૂઆત.]