[રંગલો આંખો મીંચીને ધ્યાનની મુદ્રામાં બેઠો છે. રંગલીનો પ્રવેશ.]
રગલી- [નાચીને]
સત્તર કામ પડતાં મૂકી હું તો આવી અહીં
મોટે ઉપાડે આવી ગઈ પણ રંગલો આવ્યો નહીં
રંગલો આવ્યો નહીં રંગલો આવ્યો નહીં હજી મારો રંગલો આવ્યો નહીં
તા થૈયા થૈયા ને તા થૈ .
[રંગલા સામે ધાન જતાં... ] લે કર વાત. હું રંગલાના નામની માળા જપું છું ને રોયો આયાં બેઠો છે. અરે ઓ રંગલા. કેમ સોગિયું મોંઢું કરીને બેઠો છે?શું થયું?
[જવાબ ન મળતાં] એલા બોલ તો ખરો.
રંગલો- [ઊભો થઈને] માંડ ચિંતન કરવાનો મોકો મળ્યોતો! તેં આવીને ભંગ પાડ્યો.
[રંગલી ખડખડાટ હસે]
રંગલો– એમાં આવું હાસ્યના ફુવારા ઊડાડવાની જરૂર ખરી?
રંગલી— તું અને વળી ચિંતન?
રંગલો— કેમ વળી? અમને ચિંતન કરવાનું મન ન થાય?
રંગલી— થવું તો ન જોઈએ.
રંગલો— [પોતાનાં પેટ તરફ આંગળી ચીંધીને] રંગલી…. મારા આત્મામાંથી ઊંડે ઊંડેથી અવાજ આવી રહ્યો છે કે- રંગલા તું ચિંતનના માર્ગે આગળ વધ.
રંગલી— પણ આ તો તારું પેટ છે. આત્મા ત્યાં હોય?
રંગલો— તું વાતને આડે પાટે ન ચડાવીશ. મને ચિંતનના માર્ગેથી પાછો ન વાળીશ. હું તને હાથ જોડું છું.
રંગલી— સારું. તારે ચિંતનના માર્ગે જેટલા કિલોમીટર આગળ જવું હોય એટલો જજે. પણ એક વાતનો જવાબ દે કે આજે બપોરે તું શું જમ્યો છે?
રંગલો— બપોરે તો બધું બહુ જમ્યો છું. તેં જ તો જમાડ્યો છે.
રંગલી— તોય તારે મોંઢે જ બોલ. આ બ્લોગમિત્રોને પણ ખબર પડેને.
રંગલો— લિસ્ટ તો ઘણું લાંબુ છે. પણ યાદ આવે એટલી વાનગીના નામ બોલું છું.
રંગલી— ઇર્શાદ!
રંગલો—એક તો જાણે પૂરણપોળી.
રંગલી— કેટલી ખાધી? માપ પણ બોલવાનું છે.
રંગલો— ગણી તો નહોતી પણ દસબાર જેટલી તો ખાધી હશે.
રંગલી— આગળ બોલ.
રંગલો— દૂધપાક. માત્ર સાતેક વાટકા.
રંગલી— એ સિવાય? જલ્દી બોલને.
રંગલો— [ફટાફટ ] એ સિવાય શાક, ભજીયાં, અથાણું , કચુંબર, પાપડ વગેરે વગેરે વગેરે. માપ યાદ નથી પણ ખવાય તેટલું ખાધું છે.
રંગલી— મતલબ કે આજની આ ક્ષણ સુધી તારું આ પેટ ભરેલું છે!
રંગલો— છે જ ને.
રંગલી— રંગલા. તારું પેટ ભરેલું છે એટલે જ તને ચિંતન સૂઝે છે. જો પેટ ખાલી હોત ને તો ચિંતા સૂઝી હોત! તેં કોઈ દિવસ મજૂર કે કડિયાને ચિંતન કરતાં જોયો?
રંગલો— એવું તો ક્યારેય જોવામાં નથી આવ્યું.
રંગલી— તો વાત એમ છે રંગલા. જેના પેટ ભરેલાં છે તે ચિંતન કરે છે ને જેના પેટ ખાલી છે તે ચિંતા કરે છે.
રંગલો— એ જે હોય તે. હું હવે ચિંતન કરવાનો કરવાનો ને કરવાનો. તું નહીં કરવા દે તો હિમાલયની ગુફામાં જઈને પણ કરવાનો.
રંગલી— હિમાલય? હિમાલય જવું સહેલું છે? એટલા રૂપિયા છે તારી પાસે?
રંગલો— ચાલતો જઈશ.
રંગલી— હવે રહેવા દે ચાલવાવાળી! કોઈ ટ્રકવાળો ટક્કર મારીને જતો રહેશે તો હિમાલયના બદલે દવાખાના ભેગો થઈશ.
રંગલો— હિમાલય આઘો પડશે તો ક્યાંક નજીકમાં જઈશ. ગિરનાર છે જ ને? એમાં એકાદ ગુફામાં મેળ પાડી દઈશ.
રંગલી— નહીં મેળ પડે! રંગલા. કોઈ કહેતા કોઈ ગુફા ખાલી નહીં હોય! એકે એક ગુફા કોઈને કોઈ બાવાજીએ રોકી પાડી હશે. તપાસ કરાવવી હોય તો અશોકભાઈ પાસે કરાવી લેજે!
રંગલો— અરે ગિરનારમાં મેળ નહીં પડે તો જંગલમાં એકાદ આશ્રમ બનાવીને ચિંતન કરીશ. હવે તારે કાંઈ કહેવું છે?
રંગલી— જંગલખાતું આડું આવશે! જંગલમાં રહેવાની મનાઈ છે.
રંગલો— તો ય ઘૂસ મારી દઈશ.
રંગલી— ઘૂસણખોરી થવાની હતી એટલી થઈ ગઈ છે. હવે જગ્યા મળે એવા ચાન્સ ઓછા છે. વળી આશ્રમ બનાવવાની લાઈનમાં પણ જબરી હરિફાઈ છે. તારા જેવાનું એમાં કામ નથી.
રંગલો— તો કોઈ નદીના કિનારે બેસી જઈશ.
રંગલી— નદી કિનારો પણ ખાલી હોવો જોઈએને?
રંગલો— [ગુસ્સે થઈને] મારી મા હવે બાંધ કર. હું ગટરના કિનારે બેસી જઈશ. પણ ચિંતન કરીશ કરીશ ને કરીશ.
રંગલી— રંગલા તું સમજતો કેમ નથી? ક્યાંય કહેતા ક્યાંય જમીન બાકી નથી રહી! ગટરના કિનારે પણ મકાનો,દુકાનો, કોલેજો, કૅબિનો, મંદિરો બનતાં જ જાય છે!
રંગલો— તો શું જગ્યાના અભાવે મારે ચિંતનના માર્ગેથી પાછું ફરવું?
રંગલી— પણ ચિંતન કરવાની જરૂર કેમ પડી?
રંગલો— ચિંતન કરીને મારે શોધી કાઢવું છે કે , આ જગતમાં ભગવાન છે કે નહીં?
રંગલી— લે કર વાત! આ સવાલ આજસુધી તારા દિમાગમાં ન આવ્યો ને હવે?
રંગલો— હા હવે. હું આ સવાલનો જવાબ શોધીને જ જંપીશ. ભલે ગમે તેટલા જથ્થામાં ચિંતન કરવું પડે.
રગલી— તારે જેટલું ચિંતન કરવું હોય તેટલું કરજે. પણ પહેલાં મારા બે સવાલોના જવાબ દે.
રંગલો— પૂછ. દિમાગ ફેરવવું હોય તેટલું ફેરવી લે. પછી આ રંગલો તારાથી દૂર દૂર દૂર દૂર જાતો રહેશે.
રંગલી— રંગલા. ધારી લે કે ભગવાન છે.
રંગલો— ક્યાં છે ભગવાન? એની શોધમાં તો મારે જવું છે.
રંગલી— ધારવાની વાત છે. તારા માનવા મુજબ ભગવાન છે એમ તારે ધારવાનું છે.
રંગલો— ધારી લીધું.
રંગલી– હવે ધારી લે કે તું આ રસ્તે આગળ જઈ રહ્યો છે ને કોઈ માણસ રસ્તો ઓળંગવા માટે તારી સહાય માંગે છે. તો તું શું કરીશ? યાદ રાખજે. તું જે કરીશ તેની નોંધ ચિત્રગુપ્તના ચોપડે થશે. ભગવાન તારા સારાંનરસાં કામોની નોંધ લેશે.
રંગલો— હું તો આવે વખતે જે કરું છું એ જ કરીશ. એવા અસહાયને સહાય કરીશ.
રંગલી— વાહ! હવે ધાર કે ભગવાન નથી. બિલકુલ નથી. પાકે પાયે નથી એવું સાબિત થઈ ગયું છે. તું રસ્તે જાય છે ને કોઈ રસ્તો ઓઅળંગવા માટે તારી મદદ માંગે છે. યાદ રાખજે કે , ભગવાન નથી. સારાનરસા કામોની નોંધ લેનાર કોઈ કહેતાં નથી. તું સારું કામ કરીશ તો તેનું સારું ફળ મળવાની કોઈ ખતરી નથી. તો તું શું કરીશ? પેલા અસહાયને રસ્તો પાર કરાવીશ? વિચાર કરીને જવાબ દેજે.
રંગલો— એમાં વિચાર વળી શાનો કરવાનો? એને રસ્તો પાર કરાવવાનો જ હોય ને?
રંગલી— ભગવાન ન હોય તો પણ? તારા સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો પણ?
રંગલો– તો એમાં શું થઈ ગયું? સારા કામની નોંધ લેનાર કોઈ ન હોય તો સારા કામ નહી કરવાનાં? આપણે આપણી માણસાઈ ભૂલી જવાની? રંગલી, ભગવાન હોય કે ન હોય! માણસાઈ તો મારાથી ન છૂટે!
રંગલી—- [ખુશ થઈને] વાહ મારા રંગલા વાહ! મને પાકે પાયે ખાતરી જ કે તારો આ જ જવાબ હશે. રંગલા. મારી વાત માન તો તારે ચિંતનના માર્ગે જવાની જરૂર નથી.
રંગલો— એટલે શું હું મારો કાર્યક્રમ કેન્સલ કરી નાંખું?
રંગલી— સવાલ જ નથી રંગલા. તને જો માણસાઈમાં ભરોસો હોય તો તારે ભગવાન છે કે નહીં એ પીંજણમાં પડવાની જરૂર નથી! ચિંતન કરનારા ભલે કર્યા કરે! આપણે આપણું કામ કરતાં રહીએ!
રંગલો— એટલે? મારે ચિંતન કરવાની જરૂર નથી?
રંગલી– ના. બિલકુલ નહીં. ચાલ એ વિચાર જ મનમાંથી કાઢી નાંખ. આપણું કામ છે ખેલ કરવાનું. ખેલ એ જ આપણું ચિંતન.
રંગલો—- એમ હોય તો લે આ રંગલો આવ્યો પડમાં!
[નાચીને]
માણસાઈ હોય હૈયામાં તો ચિંતા કરવી નહીં
ભગવાન છે કે નહીંનું પીંજણ કરવું નહીં
કારણ વગર ભેજાનું કરવું નહીં દહીં
[બંને સાથે] તા થૈયા થૈયા ને તા થૈ.




