નેતાઓ અને નવરસ

મિત્રો, 

GGN  દ્વારા યોજાયેલી વ્યંગલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવેલી મારી આ રચના રજૂ કરતાં આનંદ અનુભવું છું.  

નેતાઓ અને નવરસ 

જો થોડીઘણી પણ કલાત્મક નજરથી જોવામાં આવે તો માલુમ પડશે કે,  જેમ કલાકારો પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે એમ નેતાઓ પણ પ્રજાને નવ પ્રકારના રસ પૂરા પાડે છે. કઈ રીતે?  .

[૧] શૃંગાર રસ: નેતાઓનાં શરીર પર જેટલી ચરબી ભરી હોય છે એથી વધારે એમના મનમાં શૃંગાર રસ ભર્યો હોય છે. તેઓ શહેરની સડકોને હીરોઈનના ગાલ જેવી બનાવી દેવાનાં વચનો આપે છે. મોટી ઉમરના કેટલાક નેતાઓ યુવાનોને પણ પ્રેરણા આપે એવાં પ્રેમસંબંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે.

[૨] હાસ્ય રસ: દેશના નેતાઓ પ્રજાને ગેસના બાટલા પૂરા પાડવામાં ભલે મર્યાદા બાંધતા હોય પરંતુ, પ્રજાને હાસ્યરસ પૂરો પાડવામાં જરા પણ કસર છોડતા નથી. એ નેતાઓના દર્શન માત્રથી લોકોને હસવું આવી જાય છે. લોકોને સો ટકા ખાતરી હોય છે કે, આ નેતાઓ જરૂર હાસ્યાસ્પદ નિવેદનો કરશે.   

[૩] કરુણ રસ: જ્યારે જ્યારે નેતાઓથી ખુરશીનો વિરહ સહન થતો નથી ત્યારે ત્યારે એમના જીવનમાં કરુણ સ્થિતિનું સર્જન થાય છે. ખુરશી પ્રાપ્ત થાય એ માટે તેઓ એક પક્ષથી બીજા પક્ષમાં અને બીજા પક્ષથી ત્રીજા પક્ષમાં ભટકે છે. એ જોઈને આપણને લયલા માટે ભટકતા મજનુની વાત યાદ આવી જાય છે. 

[૪] રૌદ્ર રસ: કેટલાક નેતાઓ સદાય રૌદ્ર રૂપમાં જ જોવા મળતા હોય છે. એ લોકો ભાષણ કરતા હોય તો પણ એમ લાગે કે જાણે તોપના ગોળા છોડી રહ્યા હોય. પોતે પ્રેસ-કોન્ફરસ બોલાવે અનેપછી પ્રશ્ન પૂછનાર પ્રેસ-રિપૉર્ટરને જ  તતડાવી નાખે. એવા પણ નેતાઓ આપણને જોવા મળે છે કે, જેઓથી રૌદ્રરસ ન જીરવાતા જાહેરમાં બંદૂકમાંથી ભડાકા કરવા લાગે!

[૫] વીર રસ: આપણે સંસદમાં કાગળોથી માંડીને એકબીજાનાં કપડાં ફાડી નાખતા નેતાઓને જોયા છે. દુશ્મન-દેશ  તરફ મોરચો લઈ જતા હોય એમ અધ્યક્ષશ્રી તરફ ધસી જતા નેતાઓને જોયા છે. આ વીર રસનાં ઉદાહરણો છે. મોટાભાગના નેતાઓ ચૂંટણીસભાઓમાં વીર રસનું ભરપૂર પ્રદર્શન કરતા હોય છે. ચૂંટણી એ નેતાઓ માટે વીર રસના પ્રદર્શનની ઋતુ છે. 

[૬] ભયાનક રસ: કેટલાક નેતાઓ પ્રજા વચ્ચે આવે છે ત્યારે ભયનાં કારણો લઈને આવતા હોય છે. એમનો વિરોધ થાય, કાળા વાવટા દેખાડાય, પોલીસ દ્વારા લાઠીચાર્જ થાય .. આ બધા ભયાનક રસનાં ઉદાહરણો છે. કેટલાક નેતાઓનો આ સહુથી પ્રિય રસ છે. એમની કારકિર્દી જ ભયની, ભય દ્વારા અને ભય માટે જ હોય છે. ભય થકી જ તેઓ, લોકો પાસેથી મત અને પ્રિત બંને મેળવે છે.  

[૭] બીભત્સ રસ: એક નેતા બીજા નેતા પર આક્ષેપો  કરતી વખતે પોતાના નિવેદનોમાં ક્યારેક ક્યારેક બીભત્સ રસનો છંટકાવ કરી નાખે છે. અને જો બહુ ઉહાપોહ થાય તો પોતાનો બચાવ કરતા કહે છે કે, ‘મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે’

[૮] અદ્ભુતરસ: નેતાઓની સંપતિમાં ઝડપથી થતો વધારો  પ્રજાને અદ્ભત લાગે છે. નેતાઓ પ્રજાને જે રીતે ખોટાં વચનો આપે છે અને અવનવાં સપનાં દેખાડે છે એ અદ્ભુત રસનાં ઉદાહરણો છે. એકબીજા સામે ભયંકર આક્ષેપો કરનારા નેતાઓ વખત આવ્યે અદ્ભુત રીતે સંપી પણ જાય છે. .

[૯]  શાંત રસ: આમ તો નેતાઓ  હોય ત્યાં શાંતરસ સંભવ નથી. પરંતુ, ક્યારેક ક્યારેક નેતાઓ અને શાંતિ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ જાય છે. સંસદમાં નિદ્રા દ્વારા શાંતરસ માણતા નેતાઓને આપણે જોયા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગમે તેટલો વધારો થવા છતાં શાંતરસનું પ્રદર્શન કરતા પ્રધાનો પણ આપણે જોયા છે.

આમ નવ નવ રસના સહારે વારંવાર રંગ બદલતા નેતાઓ પ્રજાની જે સેવા કરે છે એની આપણે જરૂર કદર કરવી જોઈએ.    

[સમાપ્ત] 

સંભારણું

budreti

મિત્રો,

તાજેતરમાં મળેલા સંભારણાની  તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં  ૩૦ મિનિટ માટેનું મારું નાટક  ”ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું  હતું. 

કુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં. 

[૧] ‘અવતાર’   લેખક -રવીન્દ્ર પારેખ,  સુરત. 

[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’  લેખક-જય દિક્ષિત,  સુરત.

[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.

[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર 

પસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.  

તા. ૨૮-૩-૧૩ ના રોજ  અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક,  શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને  આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા. 

નાટક માટે  શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે.  એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે. 

આવી રીતે પસંદ થયેલાં નાટકો  આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે. 

તમે લોકોએ  આ પણ વાંચ્યું જ હશે. http://wp.me/phscX-23h

વાતનો/ વાર્તાનો અંત ક્યારે હોવો જોઈએ?

મિત્રો,

કહેવાય છે કે, દરેક સારી વાતનો એક અંત હોય છે. અને, એની પણ એક મજા હોય છે. વાત સારી હોય તો શ્રોતામાં ક્યારેક એવો રસ પણ જાગે કે, ‘મજા આવે છે. ભલે વાત લાંબી ચાલતી.’ પરંતુ  શ્રોતાની એ રસવૃત્તિનો વક્તા જો ગેરલાભ ઉઠાવવા જાય અને વાતનો યોગ્ય અંત ન લાવે તો પણ મજા મારી જતી હોય છે. મજાની પણ એક માજા હોય છે.  ભલભલા વક્તાઓ પણ વાતનો અંત લાવવાનો વિવેક ચૂકી જતા હોય છે.

એક પ્રસંગ યાદ આવે છે.  એક વકતા દ્વારા બીજા કવિ વિષે વક્તવ્ય ચાલતું હતું.  કવિ માટે શ્રોતાઓને માન હતું. એમના વિષે વક્તા દ્વારા જે વાતો કહેવાતી હતી એમાં શ્રોતાઓને આનદ પણ આવતો હતો. પરંતુ ધીરે ધીરે વક્તા, વિષયથી દૂ….ર  દૂ…ર જવા લાગ્યા. કવિની કવિતા વિષે બોલવાને બદલે કવિ વિષે વધારે બોલવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની લીલા વિષે વધારે વાતો કરવા લાગ્યા. શ્રોતાઓને એમાં પણ વાંધો નહોતો. વક્તા, કવિના બાળપણની સાથેસાથે પોતાના બાળપણની વાતો કરવા લાગ્યા. શ્રોતાઓએ એ પણ સહન કરી લીધું કારણ કે વક્તા પોતે કવિના સ્નેહીજન હતા. પરંતુ કવિની અને સાથેસાથે વકતાની પોતાની એ બાળલીલા બહુ લાંબી ચાલી.  ’અમે નાના હતા ત્યારે આમ ખાતા’તા ને આમ નદીએ જાતા’તા ને આમ વગર ચડ્ડીએ નાતા’તા…”  એવી વાતો લંબાતી ગઈ. એ વખતનાં ગામડાંમાં જન્મેલા સહુ છોકરાઓ નદીએ વગર ચડ્ડીએ જ નહાતા હતા અને એ સત્કર્મ કરવામાંથી  ભવિષ્યના કવિશ્રી પણ બાકાત નહોતા રહ્યા – એ વાતથી શ્રોતાઓને જરૂર આનંદ થયો પરંતુ  વક્તાનું વક્તવ્ય એ બાળલીલા પર જ કેન્દ્રિત થઈ જવાથી એ આનંદ ઓછો થતો ગયો. વક્તાને બેસાડી દેવા માટે શ્રોતાઓએ તાળીઓ પાડી તો વક્તાને એમ લાગ્યું કે શ્રોતાઓને  વકતવ્યથી આનંદ આવી રહ્યો છે. એમણેવાતનો વિસ્તાર વધાર્યો તો શ્રોતાઓએ તાળીઓનું પ્રમાણ વધાર્યું. પછી તો વક્તાને પણ ખ્યાલ આવી ગયો કે, આ તાળીઓ વક્તવ્યના સમર્થનમાં નહિ પરંતુ વિરોધમાં પડી રહી છે. પરંતુ એમણે પણ હઠ પકડી કે , ‘મારે જે કહેવાનું છે એ કહ્યા વગર  હું માઈક નહિ છોડું.’ વાત વટે ચડી ગઈ. વક્તા બોલતા રહ્યા અને શ્રોતાઓ તાળીઓ પાડતા રહ્યા. છેવટે વક્તા બેઠા. વાતનો અંત આવ્યો.  પરંતુ  ખાટી છાશ જેવો અંત આવ્યો.  કવિતાને પામવાના બદલે શ્રોતાઓ હાસ્યને પામ્યા.  હાસ્ય ખોટું નહિ,પરંતુ એ હાસ્ય કસમયનું હતું. મજબૂરીનું હતું. 

વક્તા તો સમજ્યા મારાભાઈ, વક્તા હોય એટલે વક્તવ્ય આપે. પરંતુ, રોજિંદા જીવનમાં કોઈ વાત કહેતી વખતે આપણે પોતે પણ ક્યા ઝાલ્યા રહીએ છીએ? વધુ પડતા હરખપદોડા થઈને ‘વાત’ અને ‘વક્તવ્ય’ વચ્ચેનો તફાવત ક્યા ધ્યાનમાં રાખીએ છીએ? સામેવાળાનો રસભંગ થતો હોવાનો ખ્યાલ આપણને રહેતો નથી એટલે આપણે આપણી વાણીનો ભંગ થવા દેતા નથી. વાતનો યોગ્ય સમયે યોગ્ય અંત લાવવો એ પણ એક કળા છે. જે વ્યક્તિ વાત કહેતી વખતે સામેવાળાનાં રસને ધ્યાનમાં લેતો નથી એ વ્યક્તિમાંથી સમય જતાં લોકોનો રસ ઊડી જાય છે.  વાતનો અંત ક્યારે લાવવો એ માટે આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક સાધન ભલે ન હોય પરંતુ સમજદારી હોય તો વાંધો ન આવે! અને, સમજદારી સાલી જ્યારે ખરી જરૂર હોય ત્યારે જ હાજર હોતી નથી! સમગ્ર વાત સમય, સંજોગો અને વિવેક પર આધાર રાખે છે.  ઉપરાઉપરી ફાલતું વાતો કરવાના પણ  પ્રસંગો  હોય છે અને અતિ મહત્વની વાત  ટૂંકમાં કહેવાનાં પણ પ્રસંગો હોય છે.  કોઈના મરણના સમાચાર અનેક લોકોને પહોંચાડવાની જવાબદારી જેને સોંપવામાં આવી હોય એ વ્યક્તિ જો એ સમાચાર આપતી વખતે સામેવાળાની સમક્ષ, મરણ પામનારઆ જીવનની  અંતિમ ક્ષણોનુ વર્ણન કરવા લાગે તો..?  

હવે વાત કરીએ ટૂંકી વાર્તાની. ટૂંકી વાર્તા એ સાહિત્યનો એક પ્રકાર છે એ તો આપ સહુ જાણો જ છો. વિવિધ છાપાંઓમાં, સામયિકોમાં કે બ્લોગ પર ટૂંકીવાર્તાઓ રજૂ થતી હોય છે.  વાર્તાઓ વિષે જાણકારોનું  કહેવું  છે કે, ‘ટૂંકી વાર્તા રચવી એ કુશળતા માંગી લે એવું  કામ છે. માત્ર ઘટના, સંવેદના, બોધ, વર્ણન, પાત્રાલેખન, ચમત્કાર વગેરે થકી સારી વાર્તા નથી બની જતી. એ બધાંને ખપમાં લેનારું નકશીકામ પણ જરૂરી છે. એ વીસ પાનાંની પણ હોઈ શકે અને બે પાનાંની પણ હોઈ શકે. બધું જ જે તે વાર્તા પર નિર્ભર છે. એમાં ખરી ખૂબી તો વાર્તાનો  અંત લાવવામાં છે. અંતમાં એક પણ વાક્ય ઓછું લખાય કે વધારે લખાય તો પણ વાર્તા નંદવાઈ જાય. કોઈને એમ થાય કે, એકાદ વાક્ય વધારે લખાઈ જાય તો એમાં શું બગડી જવાનું? પરંતુ ત્યાં જ વાર્તાકારની કસોટી થાય છે. ક્યા અટકવું અને વાચકો પર છોડી દેવું એ કુશળતા માંગી લે એવું કામ છે.  સારો વાર્તાકાર વાચકોને આગળ વિચારવાનો મોકો આપે છે. વાચકોની સમજ પર  શ્રદ્ધા રાખે છે.’ 

હિન્દી ફિલ્મ ક્ષેત્રે એક ‘સમાંતર’ કે ‘કલાત્મક’  ફિલ્મોનો યુગ આવ્યો હતો.  ચક્ર, આક્રોશ, શોધ, અંકુર, પાર વગેરે આવી ફિલ્મો હતી. આવી ફિલ્મોમાં અંત પ્રેક્ષકો પર છોડી દેવાતો હતો. આવી ફિલ્મોને પસંદ કરનારો એક ખાસ વર્ગ હતો. પરંપરાગત મનોરંજક ફિલ્મ જોવા ટેવાયેલા લોકોમાંથી કેટલાક લોકોને આવી ફિલ્મ જોયા પછી એવું લાગતું હતું કે: ‘આ કેવી ફિલ્મ? પછી છેલ્લે શું થયું એ તો બતાવ્યું જ નહિ! ‘ આજે ફિલ્મોમાં  ’આર્ટ ફિલ્મ’ કે ‘કમર્શલ’ ફિલ્મ’ એવા વર્ગો નથી. પરંતુ દરેક ફિલ્મમાં છેલ્લે ‘ખાધું પીધું અને રાજ કર્યું’  એવો અંત જરૂરી માનવામાં આવતો નથી. આજે પ્રેક્ષકો ઘણા ઘડાઈ ગયા છે! અંત લંબાતો હોય તો ઊભા પણ થઈ જાય! 

… આ કોણ ઊભું થયું? આ ‘ બંધ કરો’ એમ કોણ બોલ્યું? કોઈ નહિ!? ના.. ના… મેં સાંભળ્યુંને.  આ તાળીઓના અવાજો પણ આવવા લાગ્યા! … સમજ્યો! મારે બંધ કરવું જોઈએ.  :D

અટકું છું.  આવજો અને જલસા કરજો. 

*************************************

જો સમય હોય તો અહી પણ નજર નાખશોજી.  

http://asaryc.wordpress.com/2009/07/27/પાંચકડાં/

ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો! રોક્યા રોકાય નહિ!

મિત્રો,

આપણી ગુજરાતી ભાષામાં  નજીકના જ ભૂતકાળમાં જે શબ્દો વપરાતા હતા એ હવે નથી વપરાતા. એ  બાબતે ઘણા વિદ્વાનો ચિંતાતુર છે. હાલના ગુજરાતી સાહિત્યના પ્રમુખ વર્ષાબહેને ‘પરબ’ જાન્યુઆરી-૨૦૧૩ ના અંકમાં પોતાનો અનુભવ જણાવ્યો છે. એ અનુભવ મુજબ આજની પેઢીના યુવાનો ‘ભોગળ’, ‘ચાંગળું’, ‘મોભ’ જેવા શબ્દોથી પરિચિત નથી.  તમારામાંથી પણ ઘણાંને આ શબ્દો ગામડેથી આવી ચડેલા ફેંટાધારી નહેમાન જેવા લાગ્યા હશે. વાંક તમારો નથી. માહોલ જ બદલાયો હોય  ત્યાં વાંક કોનો કઢાય? માહોલનો વાંક પણ ન કઢાય કારણ કે માહોલ બદલાવા માટે જ હોય છે.  કોઈને એવો સવાલ થાય કે, વર્ષાબહેને આવા જુના જમાનાના શબ્દો વાપરવાની જરૂર શી? જરૂર એટલા માટે કે એ શબ્દો એમની નવલકથામાં  જરૂરી હતા.  એ સિવાય પણ તમે યાદ કરજો. એવા કેટલાય શબ્દો છે કે જે હજુ થોડા વર્ષો પહેલાં આપણે વાતચીતમાં વાપરતા હતા ને હવે આપણને જ અજાણ્યા લાગવા માંડ્યા છે. જેમ કે:  ’હું તમારી વાટ જોઈશ’  એવું બહુ ઓછાં લોકો બોલે છે.  ’હું તમારા માટે વેઈટ કરીશ.’ એમ બોલે છે.  કેટલાક  યુવાનને તો ‘ હું તમારી વાટ જોઈશ’ એ વાક્ય જ ખોટું લાગે! એમની સમજણ મુજબ વાક્ય ‘હું તમારી વાટ લગાડીશ.’ એવું હોવું જોઈએ. જાણેકે, ‘જમાનો કોઈની વાટ જોવાનો નથી, પરંતુ કોઈની વાટ લગાડવાનો છે!

*સાધુસંતો પણ ઉપદેશ આપતી વખતે, વિદેશી શિષ્યોને પોતાના આશ્રમમાં સ્થાન આપતા હોય એમ વિદેશી શબ્દોને પોતાના હોઠ પર સ્થાન આપે છે. એ આસપાસના માહોલની અસર છે. આમેય, મોટાભાગે સાધુસંતોનો દેશી કરતાં વિદેશી સાથેનો  સંપર્ક  વધારે હોય છે. માટે જ કોઈ સંત જ્યારે ધર્મ માટે  એમ કહે કે,   ”અશુદ્ધ  આત્માને શુદ્ધ કરવાની પ્રોસેસનું નામ છે ધર્મ.” ત્યારે શ્રોતાઓને  એ કઠતું નથી. કારણ કે અહીં સહુનું મુખ્ય ધ્યેય આત્માશુદ્ધિ નું છે, ભાષાશુદ્ધિનું નહિ. જો સહુ ભાષાશુદ્ધિ માટે બેઠા હોય તો વાક્યમાં ‘પ્રોસેસ’ શબ્દના બદલે ‘પ્રક્રિયા’ શબ્દ હોવાની દલીલ થઈ શકે! પરંતુ બદલાયેલા માહોલને જે સાધુસંતો  પારખી શક્યા છે  તેઓ  છૂટા મોંઢે  અંગ્રેજી શબ્દો વાપરે છે. 

*કેટલાક લેખકોની ભાષા અને આમઆદમીની  ભાષા વચ્ચે હંમેશાઅંતર રહ્યું છે.  આવા  લેખકોની ફરિયાદ હોય છે કે , “વાચકો એમના સુધી પહોંચવાની મહેનત નથી કરતા.  એ ભાવક નથી બનતા.” આવા લેખકો ઓછા ભાવાકોથી ચલાવે લે છે પણ પોતાના સિદ્ધાંતો છોડતા નથી.  આવા લેખકોનું એક માર્યાદિત વર્તુળ બની જાય છે.  એ વર્તુળમાં તેઓ અંદરોઅંદર નિર્દોષ રમતો રમ્યા કરે છે.  જો કે , આવા લેખકો પણ પોતાના લખાણમાં અંગ્રેજી શબ્દો ઉપયોગમાં લીધા વગર રહી નથી શકતા. 

* તો કેટલાક વાચકોની ફરિયાદ હોય છે કે. ‘”લેખકો અઘરું અઘરું લખે છે જે સમજમાં નથી આવતું. ” આવા વાચકોને સમજાય એવું લખનારા લેખકોને સારા પ્રમાણમાં વાચકો મળી રહે છે.  આવા લેખકો આમ આદમીને સમજાય એ માટે છૂટથી અંગ્રેજી શબ્દો ઉપયોગમાં લેતા હોય છે.   હા, આમ આદમી પણ અંગ્રેજી શબ્દો વધારેને વધારે બોલતો થઈ ગયો છે. એ કડવી પણ નરી વાસ્તવિકતા છે.   ગામડામાં કે ઝૂંપડામાં રહેનાર માણસ પણ ઘણી વખત  ”અમારે ત્યાં મહેમાન આવ્યા છે ‘ એમ કહેવાને બદલે ‘અમારે ત્યાં ગેસ્ટ આવ્યા છે’  એમ કહેતો હોય છે. આ માહોલમાં લેખક પોતાના લખાણમાં  ’ટમટમ ગુજરાતી’  ભાષા પીરસે તો એમનો પણ  શો  વાંક? 

ટૂંકમાં માહોલ જ એવો છે કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો વટથી   પ્રવેશી ગયા છે એટલું જ નહિ પરંતુ એમને રાસનપત્ર  એટલે કે રેશન કાર્ડ પણ મળી ગયાં છે. હવે’ આવો માહોલ ક્યા કારણોથી અસ્તિત્વમાં આવ્યો એ સમજવા માટે માત્ર સાહિત્યિક નહિ પરંતુ સામાજિક  દૃષ્ટિની પણ જરૂર પડે.  આવી દૃષ્ટિથી જોનારને જરૂર સમજાઈ જશે કે જેમ ધોતિયાંની જગ્યાએ પેન્ટ આવ્યાં એમ જ ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો આવ્યા. :D  

એ પણ સમજવું જરૂરી છે કે , જેમ કાયમી પહેરવેષમાંથી વિદાય લઈ ચૂકેલાં ધોતિયાં નવરાત્રીનાં તહેવારોમાં યુવાનો દ્વારા હોંશે હોંશે પહેરાય છે એમ ગુજરાતી ગરબા અને સનેડા નવરાત્રીના તહેવારોમાં કે લગ્નના વરઘોડામાં યુવાનો દ્વારા હોંશે હોંશે ગવાય છે.   કેમ એવું?

માહોલ! બીજું શું?   

“ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” -એકાંકી

મિત્રો,

‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયેલ  અને આ જ સંસ્થાના ત્રિમાસિક  સામાયિક “નાટક” માં જાન્યુઆરી-માર્ચના અંકમાં  પ્રગટ થયેલ કોમિડિ   એકાંકી  નાટક : “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” ના કેટલાક સંવાદો અંશરૂપે રજૂ કરું છું.  આશા રાખું છું કે આપને એ ગમશે. 

******************************

ચીમનલાલ:   જો મારું નામ ચીમન છે. કોઈ મને માનથી ચીમનબાપા કહે તો એમાં ખોટું શું છે? તારું નામ અમી છે. અને વહુ તને  અમીબા કહે છે એમાં વાંક કોનો? તારો કે તારા નામનો?

અમીબા:         વાંક મારા માબાપનો કે જેમણે મારું નામ અમી રાખ્યું.

ચીમનલાલ:   પણ અમીબામાં ખોટું શું છે?

અમીબા:         તમે ભણ્યા છો કે નહીં? અમીબા વિષે કશું જાણો છો ?

ચીમનલાલ: જાણું છું. ભણવામાં ચાર બા આવતાં હતાં. રાઘોબા, વિનોબા, કસ્તુરબા અને અમીબા. એમાંથી અમીબા સાથે મારે લાંબી લેણાદેવી નીકળી. એટલે  એની હારે ચાર ચકરડાં ફર્યો અને સંસારમાં ઠરીઠામ થયો.

અમીબા:         તમે રાખ ભણ્યા? અમીબા નાનું જીવડું હોય. એકકોષી જીવડું.

ચીમનલાલ:   તું મોટું જીવડું છો. બહુકોષી. એમાં ફેર કેટલો?

******************************

પરેશ:            જો પલ્લવી, પેટ માટે તો મહેનત કરું છું. હું અહીં ભૂખ્યો બેઠો હોઉં ને તુ કમ્પ્યુટર સામે બેઠી બેઠી ટકટક કર્યાં કરે એ મને પસંદ નથી.

પલ્લવી:               પરેશ. એ મારા શોખની વાત છે. જેમ તમને ધંધાનું વળગણ છે એમ મને બ્લૉગ લખવાનું વળગણ છે.

પરેશ:            ધંધો છે તો ઘર ચાલે છે. ટકટક કરવાથી પેટ નહીં ભરાય. તારે પરણવાની જરૂર હતી કોઈ પ્રોફેસરને અને પરણી મારા જેવા ખમણવાળાને.

પલ્લવી:       મને ખબર નહોતી કે ખમણ વેચી વેચીને તમારો સ્વભાવ વાસી ખમણ જેવો થઈ ગયો હશે. જ્યારે હોય ત્યારે ખમણ, ધાણા અને મરચાંની જ વાતો. દુનિયામાં બીજું કાંઈ છે કે નહીં? ખળખળ વહેતાં ઝરણાં… મંદ મંદ વાતો પવન…ફૂલોની પાંદડી પર ઝાકળનાં બિંદુઓ. આ બધાં વિષે કશી સમજણ પડે છે?

પરેશ:            મારે પાડવી પણ નથી. મારે ખમણ વેચવાં છે ખમણ. અરે ખમણ બાફ્યાં છે કોઈ દિવસ? ચોંટી પડી છો. ઝાકળનાં બિંદુઓ… ઝાકળનાં બિંદુઓ. અરે! વરાળના બિંદુઓ હારે પાલો પાડ્યો છે કોઈ દિવસ? ઝાકળના બિંદુઓ! આ લેખકડી ક્યાંથી ખમણવાળાના ઘરમાં ભરાઈ ગઈ? .

******************************

પલ્લવી:       જોયું પપ્પા, ન હોય ત્યાંથી ધંધાની વાત લાવી દે છે. ઘેર આવે તો પણ એને બીજુ કશું સૂઝે નહિ. હું ઘણું કહું કે ફેસબુકમાં ખાતું તો ખોલાવો. તો કહે કે બેન્કમાં ઘણાં ખાતાં છે. હવે વધારે ખાતાં ખોલાવવાની જરૂર નથી.

કુંદનબહેન:   બેન્કમાં ખાતાં તો અમારાં પણ છે. પરંતુ, ફેસબુકના ખાતાનો આનંદ તો જેણે માણ્યો હોય એ જ જાણે! તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખો પછી જ સમજ પડશે કે ફેસબુકનો આનંદ કેવો હોય છે?

પરેશ:    તો માડી, તમે પણ આ ઉમરે ફેસબુકનો આનંદ માણો છો?

કુંદનબહેન:           અવશ્ય. ફેસબુક પર મારા મિત્રોની સંખ્યા બે હજાર જેટલી છે.

પરેશ:    માડી. હું જાણી શકું કે ફેસબુક પર તમે તમારું નામ શું લખ્યું છે?

કુંદનબહેન:           નામ રાખ્યું છે કુંદનિકા.

પરેશ:            એટલે જ બે હજાર મિત્રો નોંધાયા! કુંદનબહેન નામ રાખ્યું હોત તો કાળો કાગડોય તમારો મિત્ર ન બનત. વળી, એ કહો કે તમે તમારો હાલનો ફોટો મૂક્યો છે કે પછી તમારા ભવ્ય ભૂતકાળનો?

કુંદનબહેન:           ફોટો મૂકાય જ નહિ. ફોટાનો દુરુપયોગ થાય.

પરેશ:    તમે તમારો હાલનો ફોટો મૂક્યો હોય તો મને નથી લાગતું કે કોઈ દુરુપયોગ કરે.

કુંદનબહેન:           મેં કમળનું ફૂલ મુક્યું છે.

પરેશ:            એટલે જ બે હજાર ભમરા નોંધાયા. હવે બાંધી મુઠ્ઠી લાખની જ રાખજો. ભૂલેચૂકેય તમારો ફોટો મૂકતાં નહિ. મૂકશો ને તો બે હજારમાંથી એકેય ફરકવા નહિ આવે.

કુંદનબહેન:       તમે ભૂલો છો જમાઈરાજ,  તમને મારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય નથી લાગતો.

પરેશ:       છે.. મને તમારી સર્જન-પ્રવૃત્તિનો પરિચય છે.[ પલ્લવી તરફ હાથ કરીને]  મેં તમારું આ સર્જન બહુ જ નજીકથી જોયું જાણ્યું છે.  તમારા સર્જનનો આનાથી ઉત્તમ નમૂનો બીજો કયો હોઈ શકે?

***************************

પરેશ:       ખમણના જ નહિ હૃદયના ભાવ પણ લખું છું. લખું છું કે: કોઈપણ માણસ ગમે તે કામધંધો કરતો હોય, એના હૈયામાં પણ જાતજાતની અને ભાતભાતની લાગણી ઉછાળા મારતી હોય છે. એનામાં પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરવાની આવડત ન હોય તો એમ ન  માની લેવાય કે એ લાગણી વગરનો છે!

પલ્લવી:         અચ્છા. તો આ બધું મને સંભળાવવા માટે બોલો છો?

પરેશ:       આ સંભળાવવાની વાત નથી. હકીકત છે. પલ્લવી, લોકોને વઘારેલાં અને ટમટમ ખમણ ખવડાવવામાં અમારી જિંદગી કોરાં ખમણ જેવી થઈને રહી જાય છે ને અમે કશું કરી શકતા નથી. તારાં  જેવાંને એમ લાગે કે અમને બીજા કશામાં રસ નથી. રસ તો ઘણોય હોય. પણ, જો બીજી વાતોમાં રસ લેવા જઈએ તો અમે અમારું ધ્યેય ચૂકી જઈએ.

પલ્લવી:         કયું ધ્યેય ચૂકી જવાય?

પરેશ:       ખમણનો સ્વાદ સાચવવાનું ધ્યેય. ગઝલમાં છંદ ન સચવાય તો જેમ ભાવકને મજા ન આવે તેમ ખમણમાં સ્વાદ ન સચવાયો હોયને તો ગ્રાહકને મજા ન આવે! ને સાહિત્યમાં જેમ ખોટી વાહવાહ થાય છે ને એમ આ ધંધામાં કોઈ ખોટી વાહવાહ ન કરે! ધંધામાં એકાગ્રતા ન રાખીએ તો ઘરાકી તૂટી જાય.

***************

અમીબા:               વેવાણનું નામ તો  કુંદનબહેન છે ને?

ચીમનલાલ: કુંદનબહેન ભલે રહ્યું. પણ, ફેસબુક પર નામ જરા ટનાટન હોવું જોઈએ. જેમ કે મારું નામ ચીમનના બદલે ચિરાગ હોવું જોઈએ અને તારું નામ અમીના બદલે એમી હોવું જોઈએ. એમી એકશન! નકલી ચેહરા સામને     આયે… અસલી સુરત છુપી રહે. .

પરેશ:    આપણે તો કશું જ છુપાવ્યું નથી. ચોખ્ખું જ જણાવી દીધું છે કે, હુ ખમણ વેચું છું. અને ગઝલો પણ લખું છું. .

ચીમનલાલ: પણ ખમણનો ઘાણ મૂકીને ગઝલ લખવા ન બેસી જવાયને? ગાગાલગા… ગાગાલગા… ગાગાલગા કરવામાં ધંધાને વાટ લાગી જશે એનું શું?

પરેશ:            પપ્પા, કશું  મેળવવા કાજે કશું ગુમાવવું પણ પડે! ગઝલને પામવા માટે ખમણનો ભોગ આપવો પણ પડે. ગઝલને પામશું  ખમણને છોડશું…. બનીને બાવરા જગતને છોડશું .

ચીમનલાલ:         આખો દિવસ આવું જ કરે છે. ગલ્લામાં પણ રૂપિયા ઓછા ને ગઝલના કાગળીયા ઝાઝા.

અમીબા:               દીકરા, પહેલાં તો તુ ધંધો ગળે લઈને ફરતો’તો. આ તને શું થયું?

ચીમનલાલ:         આપણો આ દીકરો હવે કવિ બની ગયો છે.

પરેશ:            કવિ શ્રી પરેશ ખમણવાલા. શહેરના નામાંકિત કવિ તરીકે આ નામ અજાણ્યું નહિ રહે. આવતાં મહિને મારો પહેલો ગઝલસંગ્રહ પણ બહાર પડશે. સંગ્રહનું નામ હશે “ઝાકળનાં બિંદુઓ”. જે સંગ્રહ હું અર્પણ કરીશ મારી પ્રેરણામૂર્તિ વત્તા મારી ધર્મપત્ની શ્રીમતી પલ્લવી પરેશ ખમણવાલાને.

*******************

પલ્લવી:    કોઈપણ બાબતનું આટલું બધું વળગણ સારું નથી. ઇન્ટરનેટ છે, બ્લૉગ છે, ફેસબૂક છે .. એ બધું અમુક હદ સુધી જરૂરી છે. પરંતુ, એમાં જ રચ્યાંપચ્યાં રહેવાથી તો સામાજિક સંબંધો પર અવળી અસર પડે છે. જો તમે હવે આ બધું નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહી શકું.

પરેશ:       લો કરો વાત! પહેલાં કહેતી’તી કે- આ બધું નહિ અપનાવો તો  હુ આ ઘરમાં નહિ રહું. હવે કહે છે કે- આ બધુ નહિ છોડો તો હુ આ ઘરમાં નહિ રહું. એટલે તુ નચાવે એમ મારે નાચવાનું?  માંડ માંડ મને જીવનનો મર્મ સમજાયો છે. હવે આ મુકામેથી આગળ વધવું છે. પાછાં ફરવાની કોઈ વાત ન કરશો. હુ વધી રહ્યો છું આગળ ને આગળ…બંધનો રહ્યાં છે પાછળ ને પાછળ.

********************************

ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ

 

મિત્રો,

મારું નાટક ‘આવ મંગળ અમને નડ’ જે  આજે રાત્રે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત થવાનું હતું એ ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લીધે આજે પ્રસારિત નહિ થાય.  એ ભવિષ્યમાં પ્રસારિત થશે. એ પ્રસારિત થયા પછી એના વિષે વાત કરીશ. આમ, એ નાટકને ચૂંટણી રૂપે મંગળ નડ્યો છે એમ કહી શકાય! :D

પરંતુ, વાંધો નહિ. મારે તમને બીજી ખૂશખબર આપવાની છે કે, મારું બીજું એક કોમિડિ નાટક,   ‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયું છે.  જેનું શીર્ષક છે:  “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ”    જેના વિષે ક્યારેક વાત કરીશું.  વાત નાટકની જ નીકળી છે તો મેં લખેલાં કેટલાંક રેડિયોનાટકની યાદી મૂકવાનું મન થાય છે.

ક્રમ પ્રસારણ તારીખ શીર્ષક અવધિ પ્રકાર
૨૫-૧-૯૧ પરમાનંદની ડાયરી ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૫-૯૧ બાપનું હ્રદય ૧૫ મિનિટ પારિવારિક
૨૯-૫-૯૨ નવી નવાઈના નવોદિતકાન્ત ૧૫ મિનિટ હાસ્ય
૨૨-૧૧-૯૨ ખરતાં પાનની પીડા ૧૫ મિનિટ સામાજિક
૦૪-૪-૯૩ વાસ્તવિકતાની ધરતી પર ૩૦ મિનિટ સામાજિક
૨૪-૮-૯૩ રોકડિયા ચૂકવે ઋણ ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૧૨-૯૩ બેવફાઈની ગઝલ ૧૫ મિનિટ પારિવારિક
૦૭-૮-૯૪ દરિયાની માછલી ૩૦ મિનિટ પારિવારિક
૩૦-૬-૯૫ કલમનો સાથ ૧૫ મિનિટ પારિવારિક
૧૦ ૨૯-૯-૯૫ પથ્થરની વચ્ચે ૧૫ મિનિટ પારિવારિક
૧૧ ૨૮-૫-૯૬ પ્રમાણિકતા ૩૦ મિનિટ સામાજિક
૧૨ ૦૨-૨-૯૭ એક શરત ૩૦ મિનિટ સામાજિક
૧૩ ૧૨-૧૧-૯૭ મારે પણ એક ટેલિફોન હોય ૩૦ મિનિટ હાસ્ય

 

આવજો અને જલસા કરજો. 

આવ મંગળ અમને નડ

મિત્રો,

છઠ્ઠી ડિસેમ્બરે મારું એક રેડિયોનાટક “આવ મંગળ અમને નડ” આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી રાત્રે ૯.૩૦ વાગે  પ્રસારિત થશે. જે અર્ધો કલાકનું હશે. અનુકૂળતા હોય તો જરૂર સાંભળજો.

હું સમજુ છું કે, આપણામાંથી મોટા ભાગના મિત્રોએ રેડિયોની સંગત છોડી દીધી છે.  અને,સંગત હશે તો પણ માત્ર FM રેડિયો પૂરતી હશે. બાકી, એવા પણ દિવસો હતા કે, રેડિયો દરેક પરિવારને પોતાના એક સ્વજન જેવો  લાગતો હતો. 

આ સંજોગોમાં હું તમને લોકોને બહુ આગ્રહ કરી શકતો નથી. પણ, વાંધો નહિ. નાટક પ્રસારિત થયા પછી એ નાટક વિષે હું આ  બ્લૉગ પર વધારે લખીશ. અત્યારે તો થોડાક સંવાદો મૂકું  છું.  એના લીધે કદાચ તમને નાટકમાં રસ જાગે! કદાચ રેડિયો  સાથેની તૂટેલી ભાઈબંધી સાંભરે!

મિત્રો, નાટકના શીર્ષક પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, આ નાટકમાં મંગળની કુંડળીને લગતી માન્યતાઓની વાત હશે. જ્યોતિષ વિષે વાત કરવાનો મારો ઇરાદો નથી. મારો ઇરાદો એ જણાવવાનો છે કે, મંગળ વિષેની આડેધડ અપનાવી લીધેલી માન્યતાઓ આપણા રોજિંદા જીવનને કેવી રીતે  પ્રભાવિત કરે છે.   હું વધારે નથી કહેતો.  કેટલાક  સંવાદો  કહેશે… 

*************************************************************************************************

*

લલિતભાઈ:   હા. ઠેકાણાં તો બહુ જોયાં’તાં. પણ, બધી રીતે મેળ ખાવો જોઈએ ને?  તમે તો જાણો છો ને કે હું કુંડળીમાં માનનારો છું. ગમે એવું સારું ઠેકાણું હોય, પણ જો કુંડળીમાં મેળ ન ખાતો હોય તો હું એક ડગલુંય  આગળ ન  વધું. 

*

લલિતભાઈ:   તારીખ તો બરાબર છે પણ સમયમાં ફેરફાર લાગે છે. અમને સવારના સાડા નવ વાગ્યાનો સમય કહ્યો હતો પણ આ ડાયરીમાં તો સવારના સાડા આઠનો સમય લખ્યો છે. પરમાનંદભાઈ, તમારાથી લખવા ફેર તો નહિ થયો હોય ને? 

*

પરમાનંદ:  મારાથી લખવા ફેર થાય પણ આ મંગળનું શું? યોગેશભાઈએ પોતે જ મને કહ્યું હતું કે મેઘાને મંગળ છે એટલે સામેનું પાત્ર પણ એવું જ શોધવાનું છે.  

*

 લલિતભાઈ:  હું તો પહેલેથી કુંડળીમાં માનવા વાળો છું. અમારાં લગ્ન પણ કુંડળી મેળવીને જ થયાં હતાં. મારે આ વાતની તપાસ તો  કરવી જ પડશે. યોગેશભાઈ મારી સાથે રમત રમી ગયા લાગે છે. મંગળવાળી દીકરીને ઠેકાણે પાડવા ઘણાં મા બાપ કુંડળી ફેરવી નાખતા હોય છે.

લલિતભાઈ: મંગળ સામે ઠાકોરજીનું પણ કશું ન ચાલે. અરેરે! પરેશ માટે એક એકથી ચડે એવી છોકરીઓનાં ઠેકાણાં હતા. જન્માક્ષર નહોતા મળતા એટલે બધાંને એક જ ઝાટકે પાછાં કાઢ્યાં છે. આટલું આટલું ધ્યાન રાખવા છતાં હું માર ખાઈ ગયો.

*

કુંદન: હશે. પણ, મારું માનવું છે કે પરેશ માટે મેઘા જેવી છોકરી આપણને મળત નહિ. કેવી સંસ્કારી છોકરી છે. વરસ થયું પણ ક્યારેય ઊંચા અવાજે બોલી નથી.    ક્યારેય મોઢું કટાણું કર્યું નથી. કામકાજમા, બોલવા-ચાલવામા કે વ્યવહારમાં ક્યારેય પાછી પડી નથી. પરેશનું મન પણ એની સાથે મળી ગયું છે. બંને જણાં જલસા કરે છે.  આપણે બીજું શું જોઈએ? છોડોને મંગળની રામાયણ. 

*

લલિતભાઈ:  [ગુસ્સામાં] વળી તું એકની એક વાત કરે છે? અરે એને મંગળ છે મંગળ.  મંગળ તો ભલભલાની પથારી ફેરવી નાખે. 

*

મેઘા:  [ગળગળા અવાજે]  પપ્પા, મારી કુંડળીમાં કદાચ દોષ હશે. પણ, મારામાં કોઈ દોષ હોય તો કહો.પરિવારમાં  મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કહો. મારા વર્તનમાં કે વ્યવહારમાં કોઈ ખામી હોય તો કહો. કામકાજમાં હું ક્યારેય પાછી પડી હોય તો કહો. પરેશને મારા માટે કોઈ ફરિયાદ હોય તો કહો. 

*

પરેશ: પપ્પા, જન્માક્ષરો મેળવીને લગ્ન કરનારાઓની  જિંદગીમાં પણ તકલીફો તો આવે જ છે. દરેકની જિંદગીમાં તકલીફો તો આવવાની જ. અને બીજી વાત એ કે,  આ જન્માક્ષરો મેળવવાની લાયમાં ને લાયમાં કેટલાંય છોકારા-છોકરીઓનું ગોઠવાતું જ નથી. સારી સારી જોડીઓ ગોઠવાતાં ગોઠવાતાં અટકી જાય છે. ચાળીસ ચાળીસ વર્ષની ઉમરનાં લોકોનાં બાયોડેટાથી લગ્નની વેબસાઈટ્સ છલકાય છે. પસંદગી મેળામાં યુવક-યુવતીઓ કરતાં કાકાઓ અને માસીઓની સંખ્યા વધતી જાય છે. આવું ને આવું ચાલશે તો કેટલાંય પરણ્યા વગર રહી જશે એનો તો જરા વિચાર કરો.  

*

લલિતભાઈ: સમાજમાં બધું જ તું કહે એવું થતું નથી દીકરા. તમે બધાં મને ખોટો પાડવા માટે ફાલતું દલીલો કરો છો. પણ, જયોતિષ એ વિજ્ઞાન છે. આ મંગળ, શની, જન્માક્ષર, કુંડળી એ બધું વિજ્ઞાન પર આધારિત છે. 

*

કુંદન:  પાંચમો મંગળ. મેઘાનો મંગળ. એ મંગળ અમને નડ્યો. ને એ મંગળની ઘો ઘાલનાર પણ તમે જ ને?  પરમાનંદભાઈ, આંગણે આવ્યાં છો એટલે તમને કઠોર શબ્દો ના કહેવા જોઈએ પણ તમે કહેલી વાતને લીધે જ  અમારા પરિવારમાં ડખો ઊભો થયો ને હર્યોભર્યો પરિવાર  વિખાઈ ગયો.   

*

 કુંદન: ને આપણા જે જ્યોતિષી પર તમને પૂરો ભરોસો હતો, જેની તમે વારંવાર સલાહ લેવા જતા એ પણ અઠવાડિયા પહેલાં અકસ્માતમાં કમોતે મર્યો કે નહિ? એને પોતાને પણ એના ભવિષ્યની ખબર નહિ જ હોય ને? જો હોત તો તે દિવસે ઘરની બહાર નીકળત ખરો?  

*

પરમાનંદ:  કુંદનભાભી, તમે બહુ જ વિચારવા જેવી વાત કરી છે. બીજાનાં નસીબ બદલવાના દાવા કરનારા પોતાનાં નસીબ નથી બદલી શકતા. લલિતભાઈ, તમને હવે કાંઈ સમજાય છે? અંધારિયા કૂવામાંથી બહાર નીકળવું છે કે પછી એમાં જ  પડ્યા રહેવું છે. 

*************************************************************************************************************

… મિત્રો,   આ થોડા સંવાદો પરથી તમને જો સમગ્ર નાટકમાં રસ પડશે તો આ નાટક બાબત એના પ્રસારણ પછી પર વાતો  કરીશું.  અત્યારે રજા લઉં છું.

જલસા કરો.  

હા,  આ સંવાદો પરથી કશું કહેવા જેવું લાગે તો પ્રતિભાવનું ફળિયું ખૂલ્લું જ છે.

[http://graphicleftovers.com/graphic/old-transistor-radio-isolated/]

ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર

ગુજરાતમાં ચૂંટણી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે કાંગ્રેસ મહિલા મહિલા મંડળ રાહુલ ગાંધીને ગુજરાત જવાનું કહે છે.. જવાબમાં  ભાજપ મહિલા મંડળ મોદીનો પ્રભાવ બતાવે છે. તો માણો કોંગ્રેસ  ભાજપ સંયુકત મહિલા રાસ મંડળ દ્વારા પ્રસ્તુત ચૂંટણીયો રાસ…

કોંગ્રેસ :    ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર  

                          હાલોને ગુજરાત જાયે રે રાજાના કુંવર

                            ચૂંટણી આવી રે રાજાના કુંવર  

ભાજપ :   ગુજરાત અમારી ગરવી રે રાજાના કુંવર 

                            મોદી થકી છે નરવી રે ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ:     કુંવર વધારશે દાઢી રે રાજાના કુંવર 

                          મોદીને મૂકશે કાઢી રે   -  ચૂંટણી આવી રે .. 

ભાજપ:   મોદી  અમારો આકરો રે રાજાના કુંવર 

                          કુંવરનો કાઢશે કાંકરો રે  -  ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ :  કુંવરને માથે રૂડી ટોપીરે રાજાના કુંવર

                      એના પપ્પાની કાર્બન કૉપી રે  ચૂંટણી આવી રે .. 

ભાજપ : મોદીને માથે મોટી પાઘડી રે રાજાના કુંવર 

                      હાથે વિકાસની લાકડી રે  ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ : કુંવર કરશે વાયદા રે રાજાના કુંવર 

                        દેશે અઢળક  ફાયદા રે   -  ચૂંટણી આવી રે ..

ભાજપ :    કુંવરની કાઢશે  પૂરી હવા રે રાજાના કુંવર 

                            મોદી દેશે એવી  દવા રે ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ  :   ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર  

                              હાલોને ગુજરાત જાયે રે રાજાના કુંવર

                               ચૂંટણી આવી રે રાજાના કુંવર  

http://telugu.oneindia.in/topic/renuka-chaudhary

http://www.santabanta.com/cinema.asp?pid=58173

 

આજનો વાંકો  રીપોર્ટ :  ગુજરાતમાં રાજકીય પક્ષોની જાહેરાતો સુપોષણથી પીડિત છે.

આપણા નેતાઓ, નિવેદનો અને અર્થઘટનો!

હે ભારત દેશના નવરંગી નેતાઓ , 

દેશના એક સામાન્ય નાગરિક તરીકે શું કહું તમને? નમસ્કાર? દેશનો સામાન્ય માણસ તમને દિલથી નમસ્કાર કરે એ વાત તો તમને પણ માનવામાં નહિ જ આવતી હોય.  આપણે એમાં નથી પડવું.  વખત આવ્યે સહુ એકબીજાને નમસ્કાર કરતા જ હોય છે.  જેમ કે, ચૂંટણી વખતે તમે લોકો પ્રજાને નમસ્કાર કરો છો અને ચૂંટણી પછી પ્રજા તમને અને તમારા લાગતાવળગતાને.

આજે તમને લોકોને આ દેશની પ્રજા વતી મારો એક પ્રશ્ન છે કે, શું તમે લોકો નિવેદન કર્યા વગર ન જીવી શકો? શું હવા, પાણી અને ખોરાક પછી નિવેદન એ તમારી ચોથી મૂળભૂત જરૂરિયાત છે?  શું એ કુદરતી હાજત છે કે જેને રોકી ન શકાય? અને, એવાં તે કેવાં નિવેદનો કે જેના પર વિવાદ જ થાય? 

એક સામાન્ય પ્રક્રિયા થઇ ગઈ છે કે, કોઈ નેતા પહેલાં એવું  નિવેદન કરે કે જે બળતા પદાર્થ જેવું હોય. પછી મીડિયા એ બળતાં પદાર્થમાં ઘી રેડવાની પોતાની ફરજ બજાવે.  પછી તમારા જ વર્ગના તમારા વિરોધીઓ  એનો  વિરોધ કરે. એ વિરોધમાં જાહેર જગ્યાઓ પર પૂતળાં બળે અને આગ લગાડાય. એ આગ પર તમે લોકો તમારાં રાજકીય પરોઠાં શેકો . અને, પ્રજાજનો કે જેના ચૂલાઓને તમે આગથી વંચિત કરી દીધા છે એ તમારા આ રસોઈ શો જોઈને જીવ બાળે! 

પછી, તમારાં નિવેદનો બદલ તમારા વિરોધીઓ દ્વારા તમારા પર આક્રમણ થાય, તમારાં રાજીનામાં મંગાય, તમારી બચાવફોજ દ્વારા તમારો બચાવ થાય,  આગળપાછળના  હિસાબો  ચૂકતે થાય, મીડિયામાં એની ચર્ચાઓ થાય, ચર્ચાઓમાં બીજા અનેક વિવાદાસ્પદ નિવેદનો થાય અને છેવટે  બાર વરસે મનમોહન બોલતા હોય એવું એક નિવેદન થાય કે,  ”મારા નિવેદનનું ખોટું અર્થઘટન  કરવામાં આવ્યું છે.  એને  તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે.”  એ તો  હોના હી થા!   

એકાદ વખત આવું થાય એ માની શકાય. પરંતુ, વારંવાર અને લગાતાર? તમારાં નિવેદનો એવાં કેવાં કે જેનાં અર્થઘટન કરવા પડે! એનો કોઈ સારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવોને.  અરે, હવે તો  લેખકો અને કથાકારો પણ સુધારી ગયા છે. એ લોકો પણ અર્થઘટન કરવી પડે એવી ભાષા વાપરતા નથી. સામાન્ય માણસને સમજમાં આવે એવી ભાષા વાપરે છે. એ લોકોને પણ સમજાયું છે કે. આજના માણસ પાસે શબ્દકોશમાં જોવાનો પણ સમય નથી. અને તમારાં નિવેદનોનું અર્થઘટન કરવું પડે? એવાં નિવેદનો કરોને કે સામાન્ય માણસ તો શું પણ તમારા વિરોધીઓ પણ અવળું અર્થઘટન ન કરી શકે.  પરંતુ, તમારે એવું કરવું નથી. 

તમે નેતા છો તો નેતા તરીકે ન રહી શકો? તમે પ્રજાનાં કામ કરો એટલે તમારી ફરજ પૂરી. કોણ તમને પૂછે છે કે, ઝીણા માણસ તરીકે કેવા હતા? છોડોને એ વાત.   પાકિસ્તાનના અત્યારના નેતાઓ કેવા છે એ ખોંખારો ખાઈને કહોને.  વિવેકાનંદજી વિષે જાણકારી આપનારા આ દેશમાં અનેક યોગ્ય વક્તાઓ છે. એમના પર વિશ્વાસ રાખોને. દાઉદનો પૂરેપૂરો પરિચય આપનારી ફિલ્મો પણ બની ગઈ છે! તમારે એ બાબતમાં કષ્ટ ઉઠાવવાની જરૂર જ નથી. કોઈ તમને એ લોકોની બુદ્ધિમત્તા વિષે પૂછવાનું નથી.  હા, તમારી માલમત્તા વિષે સવાલો થશે. એ સવાલોના સાચા જવાબો તૈયાર રાખો.  પરંતુ, એ ક્યા સહેલું છે!

ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોનો ઉલ્લેખ કર્યા વગર તમારાથી રહેવાતું નથી. રામ, સીતા, રાવણ, કુંભકર્ણ, અર્જુન, દુર્યોધન, દ્રૌપદી, શિખંડી, બાબર, શિવાજી, ચંગીઝખાન … તમે ક્યારે કોને તમારી જબાન પર લાવી દો એ નક્કી નહિ.  તમે તો નિર્દોષ પશુપંખીઓને પણ નથી છોડતા.  તમારા વિરોધીઓની સરખામણી વાંદરા, કૂતરા, ગધેડા, કાગડા, ઘૂવડ વગેરે સાથે  કરવાની તમારી આદત હવે પ્રજાથી છાની નથી રહી. પ્રજા, તમે કહો એને વાનર અને તમે કહો એને સિંહ માની લેશે? પ્રજાને ખબર નથી કે સિંહ કેવો હોય? સપનાંમાંય ગર્જના ન કરી શકતો હોય એને પ્રજાએ સિંહ માની લેવાનો? ઉપમા આપો તો વાજબી આપો. ટાઢા પહોરની ઉપમા નહિ આપો.  ઉપમા અલંકારો વાપરવાના આટલા બધા કોડ હોય તો તમારે કવિ કે લેખક જ બનવું’તુને. નેતા શા માટે બન્યા? નેતા બન્યા છો તો નેતાની રીતે રહોને. કેટલાક નેતાઓ  ટીવીના પરદે ચર્ચા કરતા હોય છે એ દૃશ્ય  જો શેરીના કૂતરાઓ જુએને તો એ લોકો પણ ભસવાની બાબતમાં તમારી સમક્ષ હાર માની લે! મદારી જેમ બાળકોને, સાપ અને નોળિયાની લડાઈ બતાવતો હોય એમ  ટીવી એન્કર દર્શકોને તમારી લડાઈ બતાવે છે. તમારા કર્કશ અવાજમાંથતી ચર્ચા એ શેરીમાં થતા ઝઘડા  જેવી હોય છે. જેનું સમાપન ટીવી એન્કર, સમયનો  હવાલો આપીને કરીને કરે છે.  સાર એવો નીકળે છે કે, આ દેશના નેતાઓને  તંદુરસ્ત ચર્ચા કરતા આવડતી નથી.

ચર્ચાઓ કેવી હોય એનું ઉદાહરણ અમેરિકાના નેતાઓએ હાલમાં જ પૂરું પાડ્યું છે. એકબીજા તરફ માનભર્યું વર્તન,મુદ્દાસર વાત, સમસ્યાઓ વિષે વાત કરતી વખતે ધાર્મિક કે ઐતિહાસિક પાત્રોને વચ્ચે લાવવાના નહિ, નિર્દોષ પશુપંખીઓને ઝપાટામાં લેવાના નહિ, હારજીત થયા પછી પણ અરસપરસ વચ્ચે સૌમ્ય વ્યવહાર, દેશના હિત માટે સહકાર આપવાનું વચન … આ બધું તમને કશી અસર નથી કરતું? 

 દેશહિતના કર્યો કરવામાં ભાગ લઈ રહ્યા છો.  તમે કોઈ વકતૃત્વસ્પર્ધામાં ભાગ નથી લઈ રહ્યા. રામે સીતાને અન્યાય કર્યો હતો  કે નહિ, એવા મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે અને થતી રહેશે. સામાન્ય માણસ પણ  યોગ્ય મંચ પર આવા મુદ્દાઓ માટે પોતાનો અભિપ્રાય ખૂલ્લા મનથી આપી શકે છે.  તમે જે મંચ પર બિરાજમાન છો એ મંચ દેશની વર્તમાન પ્રજાની  ચિંતા કરવા માટેનો મંચ છે.  ભૂતપૂર્વ પ્રજાની ચિંતા કરવા માટે નહિ. એ ચિંતા કરવાવાળા બીજાં ઘણાં છે. દેશની પ્રજાને અત્યારે જે અન્યાય થતો હોય એ માટે તમે ગુસ્સો કરો તો  પ્રજા પણ તમારાં ગુસ્સાને દાદ આપવા તૈયાર છે.  પરંતુ, તમારી દલીલશક્તિ ખોટા માર્ગે વેડફાય છે ત્યારે એમ થાય છે કે,  સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે? ..’

તમારી ફરજ એ છે કે, પ્રજાને જીવન જરૂરી પદાર્થો જેવા કે, શાકભાજી, અનાજ, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે સહેલાઈથી અને વાજબી ભાવે પ્રાપ્ત થાય. પરંતુ, એ બધા પદાર્થોને નજરઅંદાઝ  કરીને તમે ક્યારેક ક્યારેક પ્રેમ-પદાર્થ વિષે નિવેદનો કરવા લાગો છો ત્યારે પ્રજાને લાગે છે કે, આ તે નેતાઓ છે કે વરણાગી વાલમાઓ છે! બરાબર છે કે: પ્રેમ, પ્રિયતમા, પત્ની વગેરે દરેકના જીવનના યથાશક્તિ ભાગ ભજવતાં જ હોય છે.  પરંતુ, ક્યા નેતાની પ્રિયતમા કે પત્ની કેવી છે એની સાથે પ્રજાને શું મતલબ?  અને, કોઈ નેતાને એની પ્રિયતમા કે પત્ની  સાથેનો સંબંધ  કેવો રંગીન છે એનાથી શું લાગેવળગે? તમે તો રંગીન તબિયતના હો એનાથી પ્રજાનો શો દહાડો વળે?  પ્રજાનાં જીવનમાં રંગીનતા જળવાઈ રહે એવાં કામ કરી બતાવો તો પ્રજા પણ રાધાકૃષ્ણના ગીતોની જેમ તમારાં સ્નેહગીતો ગાશે! નવી-જૂની પ્રિયતમા કે નવી-જુની પત્ની, આ બધું શું છે? તમે દેશ ચલાવી રહ્યા છો કે હિન્દી ટીવી-સિરિઅલ ચલાવી રહ્યા છો? પરંતુ, પ્રેમ પ્રકરણોની બાબતમાં તો કેટલાક નેતાઓએ તો અભિનેતાઓને પણ પાછળ રાખી દીધા છે.  નેતાઓની લવસ્ટોરીના અનેક એપિસોડ થાય એટલો મસાલો કેટલાક નેતાઓએ પૂરો પાડ્યો છે. 

તમારા કોઈ નેતાને જમવા માટેનું ૮૦૦૦ રૂપિયાનું ભાણું મોંઘુ નથી લાગતું! કોઈ રીપોર્ટર એને મોંઘુ કહે તો નેતા ગુસ્સામાં પોતાની છાતી કૂટે અને એ મતલબનો બળાપો કાઢે કે,  ’મોંઘવારી છે તો અમારે મોજમજા નહિ કરવાની?’ કરો. મોજમજા કરો. તમારા દિવસો છે. પણ, વાજબી મોજમજા કરો.  પ્રજાને પણ મોજમજા કરવા જેવું રહેવા દ્યો. વીસ રૂપિયાની પાણીની બોટલ પીનારને ૯૦૦ રૂપિયાનો ગેસ સિલિન્ડર મોંઘો ન લાગવો જોઈએ, એ વાત માની લઈએ. પણ બાપલા, વાત માત્ર પાણીની બોટલ કે ગેસ સિલિન્ડર પૂરતી નથી.  જીવન જરૂરિયાતની તમામ ચીજો માટેની પણ છે.  તર્કનાં તીર  વિરોધીઓ કે મીડિયાના કાળજે વાગે કે ન વાગે પણ, પ્રજાને કાળજે વાગે છે.  ચલાવો  ના  નિવેદનો  સે બાણ રે…

મંદિર અને મસ્જિદનું રાજકારણ ખૂબ ખેલાયું.  હવે તમે લોકો મંદિર અને મૂતરડીના પ્રાસ બેસાડવાના ચાળે ચડ્યા છો.  મૂતરડીની ગંદકી તમારા નાક સુધી પહોંચી ખરી! એક ઉપાય છે.  તમારાથી મોંઘવારી દૂર નથી થતી તો તમને લોકોએ FDIનો સહારો લેવાનું  ઠીક લાગ્યું છે. હવે તમને FDIમાં જાદુની છડીનાં દર્શન થવા લાગ્યાં છે.  તો એ જાદુઈ છડીનો ઉપયોગ મૂતરડી ક્ષેત્રે ન કરી શકાય? આ ક્ષેત્ર માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે તમારા નિવેદનોનો ઉપયોગ થઈ શકે એમ છે.  વિચાર કરો.  એ કેવું મજાનું દૃશ્ય હોય કે, હાલની ગંધાતી મૂતરડીઓની જગ્યાએ દસ દસ માળની વોલમાર્ટની અદ્યતન મૂતરડીઓ  હોય! અને, આ દેશના નાગરિકો સરકતી સીડી પર એક તરફથી સવાર થઈને મૂત્ર વિસર્જન કરીને બીજી તરફથી પ્રસન્ન  ચહેરે નીચે ઉતારતા  હોય! મૂતરડી ક્ષેત્રે FDI આવશે તો એની વિરોધ કરવા કોઈ પરંપરાવાદી નહિ આવે એની ખાતરી રાખજો.  

નેતા ક્યારેક ક્યારેક હાસ્યકલાકારનો રોલ ભજવવા લાગે છે.  સંસદમાં પણ પોતાના નિવેદન મારફતે હાસ્યનાં મોજા ફેલાવે છે! ચૂંટણીમાં કેટકેટલો  ખર્ચ થયા પછી તમે લોકો સંસદમાં પહોંચો છો. તમારે ત્યાં જઈને જો હાસ્યનાં મોજાં જ ફેલાવવા હોય તો આ દેશના હાસ્યકલાકારો શાકામના? તમે લોકો ત્રાસવાદીઓને ફટકારી નથી શકતા અને સંસદમાં શાયરીઓ ફટકારો છો! દેશમાં શાયરો ઓછા છે? બરાબર છે કે, ક્યારેક હસીમજાક થાય. ક્યારેક શેરશાયરી પણ  થાય. પરંતુ, એ તમારો મુખ્ય વ્યવસાય નથી. 

તમે લોકો જ્યારે મંથન કરવાનો કાર્યક્રમ રાખો ત્યારે  નિવેદનો માટેનું મંથન કરજો.  આગ લાગે ત્યારે કૂવો ખોદાવો હોય એમ તમે લોકો ચૂંટણી આવે ત્યારે મંથન કરવા માટે ભેગા થાવ છો.  સારી વાત છે. બાકી, દેશનો સાંમાન્ય નાગરિક તો બિચારો રોજેરોજ ઘર ચલાવવા માટે કે વ્યવહારો સાચવવા માટે  મંથન કરતો જ હોય છે.  તમે લોકો  પહેલાંવગર મંથને દેશ ચલાવો  છો અને પછી મંથન કરવા બેસો છો. ગમે તેટલાં મંથન કરજો.  પણ, નિવેદનો માટે ખાસ મંથન કરજો.  બને તો એના પર કાપ મૂકજો.  વર્ષનાં છ નિવેદનો બહુ થઈ ગયાં. જો તમે માનતા હો કે પ્રજાને રાહત ભાવના માત્ર  છ ગેસ- બાટલાથી  ચાલશે; તો તમારે એ વાત પણ માનવી જોઈએ કે પ્રજાને તમારા નિવેદનો વગર પણ ચાલશે.  

નિવેદનોથી  પ્રજાના હૈયામાં આગ લાગે છે. ચૂલામાં નહિ. 

કમસેકમ,  દિવાળીના આ શુભ તહેવારો દરમ્યાન તમારા તરફથી કોઈ આડાઅવળાં નિવેદનો નહિ થાય એવી અમર આશા સાથે પૂરું કરું છું. 

લિ.  દેશનો  મતદાતા + કરદાતા.   

ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

વાત જૂની છે પણ મજાની છે.  

મારા એક મિત્ર.  સાવરકુંડલા જેવા નાના નગરમાં રહે.  ઓઈલમિલનો ધંધો. એ વખતે મોબાઈલ નહોતા. ટેલિફોનસેવા ખરી પણ બહુ ઝડપી નહિ. એટલે મોટાભાગનો સંદેશાવહેવાર ટપાલ મારફતે જ ચાલે.  મિત્રને ત્યાં ટપાલી આવે ત્યારે ધંધાને લગતી થોકડો ટપાલો લઈને આવે.  તેલનો ધંધો એટલે ટપાલ લખનારા મોટાભાગે તેલના નાનામોટા વેપારીઓ જ હોયને?  હવે તમે જ કહો, એવી ટપાલોમાંથી ગંધ આવે તો શાંની આવે? તેલની જ આવેને? પરંતુ,એક વખત એવું બન્યું કે એ મિત્રને ટપાલોમાથી અત્તરની સુગંધ આવી. મિત્ર ખૂશ થઈ ગયા. ધંધાની ટપાલોમાથી અત્તરની સુગંધ!

બીજે દિવસે  ટપાલો આવી તોએમાંથી નર્યા તેલની ગંધ! અત્તરનું નામ નહિ! પછીના દિવસોમાં પણ એવું જ! 

વળી, પંદરેક દિવસો પછીની ટપાલોમાથી અત્તરની સુગંધ! પછી તો એવો ક્રમ થઇ ગયો કે, દર પંદરવીસ દિવસે ટપાલોમાંથી અત્તરની સુગંધ આવે!  

મારા મિત્રને  જિજ્ઞાસા થઈ કે, ‘આ ધંધાના વહેવારની ટપાલોમાથી અત્તરની સુગંધ આવવાનું રહસ્ય  કયું?  એવો તો કોઈ રસિક વેપારી ન જ હોય કે જે ધંધાની ટપાલોમાં અત્તર છાંટે?’ એને ખ્યાલ આવી ગયો કે, ‘આ સુગંધ કોઈ બીજાની ટપાલમાંથી મારી ટપાલોમાં વહેતી લાગે છે.’ મિત્રને, એ સુગંધી ટપાલ કોને ત્યાં આવે છે એ જાણવાનું એને મન થયું. 

અમે કાઠિયાવાડીઓ લીધી વાત મૂકીએ નહિ એવા! [કોઈકોઈનું ખાંભીઓ થઈને ખોડાઈ જવાનું મુખ્ય કારણ પણ આ જ! :) ]

મારા મિત્રએ  તપાસ કાર્ય શરૂ કરી દીધું. ખાસ કરીને પોતાને ત્યાં સુગંધિત ટપાલો આવે છે ત્યારે ટપાલી બીજા કોને ત્યાં ટપાલો નાખે છે એ બાબત પર એણે ધયાન કેન્દ્રિત કર્યું.  

‘સાચી લગનથી કરેલી મહેનત એળે જતી નથી.’ એ સુવાક્ય સાચું પડ્યું.  એક દિવસ મારા મિત્રને પોતાના પ્રયાસોમાં સફળતા મળી.  એ દિવસે એને ત્યાં આવેલી ટપાલોમાથી અત્તરની સુગંધ આવી એટલે એણે દુકાન બીજાને સોંપીને ટપાલીનો પીછો કર્યો. થોડે દૂર જતા જ ટપાલીએ હાથમાં મોટું કવર રાખીને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી: ‘ટપા…લ’

દરવાજાની બારી ખૂલી.. એક યુવાન કન્યાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું.. ટપાલીના હાથમાં રહેલું કવર ઝડપથી લઈ લીધું અને  બારી બંધ કરી દીધી.  

મિત્રને રહસ્ય સમજાઈ ગયું. એ કન્યાની સગાઈ થઈ હતી અને એના ભાવી ભરથારના પત્રો આવવા લાગ્યા હતા.  એ પત્રોમાં રહેલી સુગંધ બીજા પત્રોમાં પ્રસરતી હતી.

સુગંધને પરબીડિયાની સરહદો નડતી નથી.  વળી, એને કોઈ ભેદભાવ હોતો નથી. એટલે જ પ્રેમપત્રોમાં રહેલી સુગંધ તેલિયા પત્રોમાં ફેલાતી હતી! 

પરંતુ  મિત્રો, હું તમારું ધ્યાન  આ  દૃશ્ય તરફ દોરવા માંગુ છું….

‘થોડે દૂર જતા જ ટપાલીએ હાથમાં મોટું કવર રાખીને એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી: ‘ટપા…લ’. દરવાજાની બારી ખૂલી.. એક યુવાન કન્યાએ બારીમાંથી ડોકું બહાર કાઢ્યું.. ટપાલીના હાથમાં રહેલું કવર ઝડપથી લઈ લીધું અને  બારી બંધ કરી દીધી. ‘

કેવું કલાસિક દૃશ્ય હશે એ? આજના ઈમેલના યુગમાં આવાં દુશ્યો  જોવા મળે ખરાં?  અને કલ્પના કરો કે, ‘ટપાલીના હાથમાંથી પત્ર લેતી વખતે એ કન્યાના મનમાં કેટકેટલાં અને કેવાં મોજાં ઉછળતાં હશે! અને એ પણ કલ્પના કરો કે , એણે  એ પત્ર ક્યારે, કેવી રીતે અને કેટલી વાર વાંચ્યો હશે!’

તમે કલ્પના કરોને ભલા માણસ, બધું મારે જ કરવાનું? 

ચાલો, એક કલ્પના હું પણ કરું છું.  એ કન્યાએ  ઘરમાં જઈને એ પત્ર સાચવીને એક જગ્યાએ મૂકી દીધો હશે.  અને ઘરના કામમાં લાગી ગઈ હશે.  એના હાથમાં કામ હશે પણ એના મનમાં એ પત્ર હશે! 

કોઈને એમ થાય કે , એણે ઝડપથી એ પ્રેમપત્ર વાંચ્યો નહિ  હોય? 

નાં બાપલા નાં.  એ સમયે માધ્યમ વર્ગના પરિવારનો માહોલ જ એવો હતો કે , બિચારી કન્યાએ  પોતાની વાજબી લાગણીઓને પણ કાબૂમાં રાખવી પડે! પોતાના પ્રિયતમનો  પત્ર વાંચવા માટે પણ યોગ્ય મોકાની રાહ જોવી પડે! 

 હું મારી કલ્પના આગળ વધારું છું… એ કન્યાની સરખી સાહેલી જેવી એની ભાભીએ  કહ્યું હશે કે,  ’બેનબા,  કામ પછી કરજો. પહેલાં એ કાગળ વાંચી લો. ‘ એ કન્યાએ આનાકાની કરી હશે ત્યારે એની ભાભીએ કહ્યું હશે કે,  ’ બેન માહુંરા, જાવ. પહેલાં કાગળ વાંચી લો.  ન જાવ તો તમને મારા સોગંદ છે.’

હા, નણંદભાભીના મોટાભાગે વગોવાઈ ગયેલા સંબંધોની ભીડમાં આવા મધુર સંબંધો પણ હતા અને આજે પણ છે!  

અને… ટપાલ મારફત મોકલાતા પ્રેમપત્રો એ હવે  ભૂતકાળની વાત બની ગઈ છે.  એ પરબીડિયાં.. એમાં પત્ર મૂકીને  બંધ કરતી વખતે ધમધમાવીને લગાવાતો ગુંદર! એ પત્ર  બીજાના હાથમાં જવાની બીક!  એના પર લખાતો “અંગત’ શબ્દ! કોઈકોઈ તો ચેતવણી પણ લખતા કે: ‘માલિક સિવાય કોઈએ ખોલવો નહિ.’ 

આ હતું પ્રેમપત્રનું મહત્વ.  પ્રેમપત્ર  તો ભગવાન  કૃષ્ણએ પણ  લખ્યો હતો… રુકમણીને.   એમાં તો વળી ભાગવાની વાત લખી હતી! 

આપણી કેટલીય નવલકથાઓના આખેઆખા પ્રકરણો  પ્રેમાંપત્રોથી ભરેલાં છે.   પ્રેમપત્રને  ધ્યાનમાં રાખીને કેટલીય હિન્દી ફિલ્મો પણ બની છે. 

પ્રેમપત્રોને ધ્યાનમાં રાખીને સર્જાયેલાં કેટલાંય ગીતો આજે પણ ટીવીના પરદાને સુગંધિત કરી નાખે છે… 

આવું જ એક ગીત છે… ફિલ્મ  ’સરસ્વતીચંદ્ર’નું..