Tag Archives: અનુભવ
આ રડવું! આ હસવું!
વર્ષો પહેલાં વાંચેલી અને થોડીઘણી યાદ રહી ગયેલી વાર્તા યાદ આવે છે. વાર્તાકાર બાબત ખ્યાલ નથી પણ વાર્તા કાંઈક આવી છે…
એક નાનકડો છોકરો અને એની વિધવા મા દુ:ખના દિવસો ગુજારે છે. માની તબિયત ઠીક નથી રહેતી. પણ જિંદગીને તેઓએ જાણે કે સ્વીકારી લીધી છે. એકબીજાને ખુશ રાખવા બનતું કરે છે.
એક દિવસ એ લોકોને કશું ખરીદવા માટે સાત પૈસાની જરૂર પડે છે. એટલા બધા પૈસા તો હતા નહીં. માદીકરા બંને પાસેથી એક એક પૈસો નીકળે છે. બાકીના પૈસા માટે ઘરમાં ખંખાખોળા શરૂ થાય છે.
માને એક પૈસો પૂજાની પેટીમાંથી મળે છે. તો છોકરાને એક પૈસો એના સ્વર્ગસ્થ પિતાના જૂના કોટમાંથી મળી આવે છે.
આવી રીતે ઘણા ખાંખાખોળાને અંતે છ પૈસા તો ભેગા થઈ જાય છે. હવે એક પૈસાનો જ સવાલ હતો. મળી જાય તો કામ થઈ જાય.
પણ મળતો નથી.
.. ને ત્યાં એક સાધુ મહારાજ આવી ચડે છે.. જય ભોલેનાથની બૂમ સાથે અને “મૈયા એક પૈસા દેદે ” ની માંગણી સાથે.
માદીકરાને હસવું આવે છે. મહારાજ પૂછે છે કે: કયોં હસતે હો? .. તો મા કારણ બતાવતા કહે છે કે: મહારાજ, અમારે પણ એક પૈસાની જરૂર છે. આમ તો સાત પૈસાની જરૂર હતી. છ પૈસા તો ભેગા થઈ ગયા છે. હવે એક જ ખુટે છે.
સાધુ મહારાજ બોલ્યા કે: ઇસમેં કોનસી બડી બાત હૈ. મૈયા, લે એક પૈસા મૈ દેતા હૂં.
આનાકાની કરવા છતાં સાધુ મહારાજ એક પૈસો આપીને જતા રહે છે. ને માદીકરાને સમજણ નથી પડતી કે આ પરિસ્થિતિમાં શું કરવું? કુદરતે કેવા દિવસો દેખાડ્યા હતા કે, જેને આપવાનું હોય એની પાસેથી લેવું પડ્યું! ને એ અતિથિ પણ કેવો ગણવો કે જે આવ્યો હતો લેવા ને આપીને ગયો!!
ને તમામ દરવાજા જ્યારે બંધ થઈ ગયેલા લાગતા હતા ત્યારે કેવો અણધાર્યો એક દરવાજો ખૂલ્યો! માદીકરાને આ વાત પર હસવું આવી ગયું! સાત પૈસા નજર સામે હતા ને તેઓ ખડખડાટ હસતા હતા…
ને બિમાર માને ખાંસી ચડી…
ખાંસી ખાતાં ખાતાં ને હસતાં હસતાં એના મોંઢામાંથી લાલ લાલ ……………..
*******
તો મિત્રો, શું છે આ હસવું? ને શું છે હસતાં હસતાં આંખોમાં આવેલાં ઝળઝળિયાં? ને બિમાર માના મોંઢામાંથી નીકળેલું લોહી જોઈને દીકરાની આંખોમાંથી નીકળેલાં આંસુ શું છે? ને કેટલું અંતર છે હાસ્ય અને આંસુ વચ્ચે?
**********
યાદ આવે છે. વર્ષો પહેલાં મોટી બહેનો સાસરેથી આવતી ત્યારેમાદીકરીઓ ભેટીને રડતાં.
મને થતું કે આ લોકો કેમ રોવે છે? હું પૂછતો તો મા જવાબ આપતી કે: દીકરા, આ તો ખુશીનું રડવું છે.
ખુશીમાં વળી રડવાનું હોય? મને નવાઈ લાગતી.
પણ ,જેમ જેમ જિંદગી જીવાતી ગઈ, જિંદગીઓ જોવાતી ગઈ અને પોતાની જાતને અન્યની જગ્યાએ ગોઠવવાનો હુન્નર આવડતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે: ખુશીના પણ આંસુ હોય છે . ને એ પણ સમજાયું કે: દુ:ખનું પણ હસવું હોય છે!
હા, દુ:ખમાં પણ ઘણી વખત માણસને હસવું પડે છે!તકલીફો જ્યારે મર્યાદા ભૂલે છે ત્યારે માણસથી હસી પડાય છે. એને પોતાના નસીબ પર હસવું આવે છે. કુદરત પર હસવું આવે છે. ત્યારે હસવા માટે કોઈ કલબની જરૂર નથી પડતી. કોઈ ચેનલની જરૂર નથી પડતી. કોઈ કાર્યક્રમની જરૂર નથી પડતી.બસ! હૈયું ચીરાતું હોય તેમ લાગે છે અને હોઠ પર ખુમારી હાસ્યનું રૂપ ધારણ કરીને ગોઠવાય જાય છે. ત્યારે એવું લાગે છે કે, જાણે માણસ ભગવાનને સવાલ કરે છે કે: ગુજારવા માટે હજી કશું બાકી છે?
તો હાસ્ય આવું પણ હોય છે. ને જે આવું હસી જાણે છે તે ટકી જાય છે. જે નથી જાણતાં તે તૂટી જાય છે.
મેરે દિલમેં આજ ક્યા હૈ…
મિત્રો, આ પહેલાંની પોસ્ટમાં જે રચના મૂકી હતી તેની પહેલી બે પંક્તિ આ પ્રમાણે છે:
બેફિકર થઈ હું મિલાવું હાથ પણ
શહેરમાં શકમંદ એકે એક જણ.
આ પંક્તિઓ બાબત અમારે થોડી [ઝાઝી!!!] વાત કરવી છે. પણ તે પહેલાં એક ગીત યાદ કરાવું.
મેરે દિલમેં આજ ક્યા હૈ…
આ પંક્તિ વાંચીને તમને રાજેશખન્નાવાળી ફિલ્મ “દાગ” યાદ આવી ગઈ હોય તો સોનામાં સુગંધ જેવું! પર્દા પર ખન્નાજીએ તેમની આગવી અદામાં આ ગીત રજૂ કરીને નાયિકાની સાથે સાથે પ્રેક્ષકોને ખુશ કરી દીધાં હતાં.
અમે વર્ષો પહેલાં આ ફિલ્મ જોઈ હતી. ત્યારે અમે નાદાન હતા એટલે અમારા દિલમાં કોઈ સવાલો જાગ્યા નહીં. વળી ત્યારે અમારી વાત સાંભળનાર કોઈ નહોતું જ્યારે આજે ભગવાનની [ ભગવાન મતલબ wordpress ] દયાથી તમે લોકો છો!!! { કોઈને આ બાબતમાં wordpress ની કોઈ મહેરબાની ન જણાય એવું પણ બને! આ તો અમને જે લાગ્યું તે લખ્યું!! }
અમારું કહેવું એમ છે કે: ફિલ્મમાં બતાવેલા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય તે નાયિકાને ખબર ન પડી જાય? નાયકે તે કહેવું પડે? કે પછી પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ગીત બતાવ્યું હશે! અરે એણે બીજા કોઈ કલાસ ન ભર્યા હોય ને માત્ર હિદી ફિલ્મસ્ જોઈ હોય તો પણ એને ખબર પડી જાય કે આવા સંજોગોમાં નાયકના દિલમાં શું હોય! અરે! આ ફિલ્મની પહેલાં તો “આરાધના” આવી ગઈ હતી! અને “રૂપ તેરા મસ્તાના…” ગીત પણ આવી ગયું હતું! વળી આજ નાયક હતો અને આ જ નાયિકા હતી! તો પણ ફરીથી ભૂલ! ભૂલોની જ પરંપરા!
અમારું કહેવું એમ છે કે: આવા વિશિષ્ઠ સંજોગો ન હોય અને સામાન્ય સંજોગો હોય તો પણ નાયિકાને ખબર પડી જ જાય કે, નાયકના કે ખલનાયકના દિલમાં શું છે! નાયકે એ વાત હાવભાવ સાથે અન્ય ગાયક કલાકારની મદદથી જણાવવાની જરૂર રહેતી નથી!
પણ .. ફિલ્મ બનાવવાનો સવાલ હતો! એટલે આ સરસ મજાનું ગીત બતાવ્યું! ગીત એ મોટાભાગની હિદી ફિલ્મનો પ્રાણવાયુ છે! હિંદી ફિલ્મ એ માછલી જેવી હોય છે. માછલીએ જેમ શ્વાસ લેવા માટે વારેવારે પાણીની સપાટી પર આવવું પડે છે તેમ હિંદી ફિલ્મની પણ મજબૂરી છે કે એણે વારેવારે કહાનીની બહાર ગીત લેવા આવવું પડે છે! ઘણી ફિલ્મસ્ તો ગીતો થકી જ તરી ગઈ છે!
ચાલો જવા દઈએ એ મુદ્દો! આપણે યાદ કરીએ એ ગીત… મેરે દિલમેં આજ ક્યા હૈ.. તૂ કહે તો મૈ બતા દૂ…અમારું કહેવું એમ છે કે: શું નાયક ખરેખર જે પોતાના દિલમાં હશે એ બતાવવાની વાત કરે છે કે પછી બીજું કશું ક ભળતું જ! શું ખરેખર કોઈપણ વ્યક્તિ દિલની વાત કહે છે ખરી? ખરેખર દિલમાં જે હોય તે કોઈ કહે છે ખરું?
આજ ફિલ્મમાં આગળ જતાં બીજું એક ગીત આવે છે કે: જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈ લોગ...
આવી ગઈને એ જ વાત કે:
ચાવવાના દાંત જુદા ને બતાવવાના જુદા ! … મુખમેં રામ બગલમેં છૂરી! …માણસના મનને કોણ ઓળખી શક્યું છે? .. મુખવટો… આંચળો…બેવડું વ્યક્તિત્વ … દંભ… વગેરે વગેરે વગેરે!
પણ નાયક શું કહે છે? એનું તો કહેવું છે કે, આ બધું હાલાતને કારણે થયું!
હાલાત, સંજોગો, સમય, વક્ત, મજબૂરી, જરૂરિયાત… આ બધા કેવા મજાના શબ્દો છે! ખરા સમયે કેવા કામ લાગે છે! ચાલો જોઈએ…
હું તો ભાઈ ભગવાનનો માણસ! પણ સંજોગોએ ભાન ભુલાવ્યું!
શું કરીએ? સમય એવો આવ્યો! બાકી અમે જિંદગીમાં કદી આવાં કામ કર્યાં નથી!
સમય ભાન ભુલાવે છે ભાઈ! નહીં તો પાંચમાં પૂછાતો માણસ આવું કરે?
સંજોગો જ માણસને મજબૂર કરે છે!
… ઓળઘોળ જાય બધું સંજોગો કે સમય પર! આપણો શો વાંક!
બધાંને સાફ દિલના રહેવું છે પણ મજબૂરી!!! નથી રહેવાતું!! કારણ તો કે, દુનિયા એવી જાલિમ છે! થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ! જમાનો ખરાબ છે! કોણ ક્યારે બાટલીમાં ઉતારીને બૂચ મારી દે તે કહેવાય નહીં. સંભાળી સંભાળીને જીવવા જેવું છે! … આમને આમ સંભાળતાં સંભાળતાં આપણે દૂધને બદલે છાશ પણ ફૂંકી ફૂંકીને પીતાં થઈ જઈએ છીએ! ને આપણને ખબર પણ નથી પડતી કે: જમાનો તો પહેલાં જેવો ભલે ન રહ્યો હોય પણ આપણે પોતે પણ પહેલાં જેવા નથી રહ્યા!!! જાતનો બચાવ કરતાં કરતાં બીજાનો શિકાર કરતાં થઈ જઈએ છીએ! સામે આવનારો એકે એક માણસ જાણે આપણને બાટલીમાં ઉતારવા જ આવ્યો હોય તેવું લાગે છે!!! ખરાબ અનુભવોના બહાનાં મદદે આવે છે!! ને આપણે હોશિયાર થઈ જઈએ છીએ! પછી ભલે મામલો ધંધાનો હોય કે સંબધનો હોય કે વહેવારનો હોય! આપણી આંખો પર જાસુસનાચશ્માં લાગી જાય છે! .. ને લખનાર લખી નાંખે છે કે:
બેફિકર થઈ હું મિલાવું હાથ પણ
શહેરમાં શકમંદ એકે એક જણ.
કોઈને કદાચ એમ થાય કે: આ લખનાર આખા શહેરને શકમંદ કહે છે તો પોતે શું સજ્જનનો સાતમો અવતાર છે? પોતે શું હંમેશા ભરોસાને પાત્ર છે? બીજાને શકમંદ કહેનાર પોતે કેવો છે તે નહીં વિચારતો હોય? પોતાની જાતમાં ડોકિયું નહીં કરતો હોય? અરે! હાથ ન મિલાવવો હોય તો ન મિલાવે! પણ બીજાને શા માટે વગોવે છે?
થાય! કોઈને પણ થાય! અને થવું જ જોઈએ! કોઈએ જે પણ લખ્યું તેના પર ઓળઘોળ થઈ જવાની જરૂર નથી! સારું સારું લખનાર પોતે ખરેખર બત્રીસ લક્ષણો હશે એમ માનવાની જરૂર નથી! સુંદર મજાની ચિંતન કણિકાઓ લખતો ચિંતક દૂરથી દેખાતા અને કુદરતી દૃશ્ય દોરવામાં કામ લાગે તેવા રળિયામણા ડુંગર જેવો હોય છે! નજીક જાઓ તો ખબર પડે કે: કેટલા કંટકો સંઘરીને બેઠો છે! તેને સારા સારા વિચારો આવવાનું કારણ નિયમિતરૂપે મળી જતા પુરસ્કારના ચેક પણ હોઈ શકે! અત્રે આ લખનારને સારું લખવાની આવી કોઈ મજબૂરી નથી. તે કોઈ ચિંતક પણ નથી. છતાંય તે ક્યારેક ભૂલથી સારું સારું લખી નાંખતો હોય તો પણ તેનું લખાણ સવાલોને પાત્ર હોઈ શકે! કોઈ મફત ભજીયાં ખવડાવે એનો અર્થ એ તો નથીને કે, તે વાસી ભજીયાં ખવડાવે!
તો વાત કરીએ મુદાની! આ લખનારે શું લખ્યું છે? શહેરમાં શકમંદ એકે એક જણ! તો એકે એક જણમાં તે પોતે પણ આવી ગયોને?
તો પછી?
એક અનોખું વ્યક્તિત્વ:નકલપ્રિયા
હે બ્લોગજનો, અમારા આ ઓટલે આપનું સ્વાગત છે. અમે આગળ વાત કરી હતી કે અમારી કેટલીક પ્રેરણામૂર્તિઓ છે કે જે અમને COPY PASTE બાબત લખવા માટે સતત પ્રેરણા આપતી રહે છે. એમાની કેટલીક પ્રેરણામૂર્તિઓ બાબત અમે અગાઉ વાત કરી છે. આજે અમે એવી જ એક પ્રેરણામૂર્તિનો વ્યક્તિગત પરિચય આપવાનો પ્રયાસ કરીશું.
એ પ્રેરણામૂર્તિનું નામ છે નકલપ્રિયા. કેવું સરસ નામ છે નહીં? એવું જ સરસ તેમનું કામ છે. ખૂબ જ વિશાળ એમનું દિલ છે.મિત્રો,નકલપ્રિયાનો પરિચય અમને શ્રીચિત્તભ્રમજી મહારાજની શિબિરમાં થયો હતો.જ્યારે એમણે જાણ્યું કે અમે અમારી રચનાઓની COPY PASTE દ્વારા થતી ઉઠાંતરીથી પરેશાન છીએ ત્યારે એમણે મારી તરફ એ રીતે જોયું કે જાણે કોઈ વિશાળકાય પોસ્ટ નાનકડા ગતકડા પર નજર નાખતી હોય! ત્યારબાદ અમારી વચ્ચે થયેલો વાર્તાલાપ અત્રે રજૂ કરું છું.
નકલપ્રિયા ઉવાચ: “નરસિંહ મહેતા, તુલસીદાસ, સૂરદાસ જેવા અનેક લોકોની રચના COPY PASTE થાય છે છતાંય એ લોકો વાંધો નથી ઉઠાવતાં તો વાંધો ઉઠાવનારા તમે કોણ? બોલો, એ લોકોએ ક્યારેય ફરિયાદ કરી?”
નકલપ્રિયા એટલાં બધાં ઉત્તેજિત હતાં કે અમે કશી દલીલ જ ન કરી શક્યા. અમારે કહેવું પડ્યું કે “ના”
નહીંતો અમારે કહેવું હતું કે એ લોકો સંત હતા એટલે વાંધો ન ઉઠાવે. વળી એ લોકો હયાત પણ નથી એટલે વાંધો ઉઠાવવાનો સવાલ પણ નથી. ને સૌથી મોટી વાત તો એ છે કે તેઓ આજે હયાત હોત તો આવી જ રચનાઓ કરત કે નહીં એ કહેવું મુશ્કેલ છે.
નલકપ્રિયા ઉવાચ: “આજે જ્યારે ગુજરાતી ભાષાને બચાવવા માટે COPY PASTE દ્વારા મહાયજ્ઞ ચાલી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓનું COPY PASTE થઈ રહ્યું છે એ તમે નથી જાણતા? અરે ઘોડા ગધેડાઓનું પણ COPY PASTE થઈ રહ્યું છે! એ લોકો પણ COPY PASTE નો વાંધો નથી ઉઠાવતા તો વાંધો ઉઠાવનાર તમે કોણ?અત્યારે હવનમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ કરવાને બદલે તમે પણ COPY PASTE કરો એ જ શ્રેષ્ઠ રસ્તો છે.”
અમે નકલપ્રિયાનાં વ્યક્તિત્વ સામે એકદમ વેરવિખેર થઈ ગયા હતા છતાંય હતી એટલી હિમત એકઠી કરીને અમે બોલ્યા: : “ અમે COPY PASTEની સગવડતાનો વિવેક્પૂર્ણ ઉપયોગ કરવામાં માનીએ છીએ. જે લોકો પોતાના બ્લોગમાં અમારી રચનાઓ વગર રજાએ COPY PASTE કરીને મૂકે છે અને જે તે બ્લોગની LINK નથી મૂકતા એ બાબત ઠીક નથી એટલું જ અમે કહેવા માંગીએ છીએ. પણ આટલી અમસ્તી વાતના જવાબમાં તમે પણ અન્ય લોકોની જેમ ભળતી દલીલો કરો છો તે ઠીક નથી. આમાં ઘોડાં ગધેડાં COPY PASTEનો વિરોધ નથી કરતાં એવી વાતો વચમાં ન લાવો તો સારું.”
નકલપ્રિયા: “મિસ્ટર. તમે એક વાત સમજી લો. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો એક જ ઉપાય છે. અને એ છે COPY PASTE, COPY PASTE અને COPY PASTE. COPY PASTEનુ પણ COPY PASTE. COPY PASTEના COPY PASTEનુ પણ COPY PASTE.એનું પણ COPY PASTE. બોલો હવે તમારે કશું કહેવુ છે?”
અમે ખૂબ જ નમ્રભાવે કહ્યું કે: “દેવી, અમે અમારા બ્લોગમાં અમારી જાતે તૈયાર કરેલી રચનાઓ જ મૂકીએ છીએ.”
અમારો જવાબ સાંભળીને લાલચોળ ચહેરે નકલપ્રિયાએ કહ્યું: “મૂર્ખાઈની પણ હદ હોય છે. COPY PASTE નો સહેલો રસ્તો હોવા છતાં જાતે લખવાની જરૂર જ ક્યાં છે? તમે જાતે લખો એટલી વારમાં તો કેટલું બધું COPY PASTE થઈ જાય એનો હિસાબ માંડ્યો છે? આવું કરવા રહેશો તો ગુજરાતી ભાષા બચશે કેવી રીતે?”
અમે કહ્યું: “ COPY PASTE સમજી વિચારીને થવું જોઈએ. મૂળ લખનારે બ્લોગમાં ખોટું લખ્યું હોય તો એનું COPY PASTE કરવાથી અર્થનો અનર્થ થઈ જાવાનો ભય રહે છે. જેમ કે ઘણા COPY PASTE માં જાગને જાદવાને બદલે જાગને જાડવા જ થઈ ગયું છે. એને સુધારવાની પણ તસ્દી લેવામાં આવતી નથી!!”
“તો એમાં તમારું શું ગયું? બધુ એક જ છે. પંતુજીવેડા ન કરો. ભાવને સમજો. શબ્દોને મહત્વ ન આપો. બોલો સામે સામે શું દેખાય છે?”
“ગલૂડિયું”
“હવે એને હલુરિયુ કહેવાથી કશો ફરક પડશે.”
“નહીં પડે.”
“બોલો હવે સામે શું દેખાય છે?”
“સામે એક મોતરગારી દેખાય છે અને તેમાંથી એક માનસ નીચે મૂટલે છે.” અમે કહ્યું.
“ શું બોલો છો?જરા વ્યવસ્થિત બોલો” નકલપ્રિયા ગુંચવાઈ ગયાં.
અમે કહ્યું: “ડેવી, ભાવને સમજો. શબ્ડોને મહટ્વ ન આપો તો સાલું.”
નકલપ્રિયા ખૂબ જ આનંદિત થઈ ગયાં કારણ કે ખ્યાલ આવી ગયો કે અમે એમની શિખામણને માન આપ્યું છે.
“તમારી સમજ શક્તિ સારી છે.”
“અમાલી સમજશક્ટિ જોલડાર છે.”
“હવે જવાબ આપો કે હું કોન છું?” નકલપ્રિયાએ વાત આગળ વધારી.
“તમે સુંડલ મજાના નાડી છો. પણ એ નાડીથી અલગ છો કે જે નાડીના ધબકાલા વૈદ લોકો તપાસે છે અને ડવા આપે છે. તમે બહુ જ ઉડાર મટવાડી છો કે જેને માતે નલસિંહ મહેટા, સુલડાસ કે સામાન્ય બ્લોગલ વચે કોઈ જાટનો ટફાવત નઠી. તમે એવી નાડી છો કે જે ગુજલાટી ભાશાને બચાવવા માતે રાત ડિવસ જોયા વગલ કૉપિપેસ્ત કલે છે. ટમે એમ માનો છો કે: એકનું એક લખાણ વાલંવાલ લગાટાર કૉપીપેસ્ટ નહીં કલીએ ટો બિચાલી ગુજરાટી ભાશા ટરફડી ટરફડીને મરી જશે. તમે એમ માનો છો કે આપલી ભાશાને જીવટી રાખવી હોય તો કોપિ પેસ્ત વગર આડો ઓવાદો નઠી. ટમે એમ માનો છો કે: પોતાના ડિમાગથી બેપાંચ લાઈનો લખવા કલટા કોઈના બ્લોગમાંથી ટોપલા ભરી લેવા એ સહેલો અને સરલ રસ્ટો છે. તમે એમ માનો છો કે રામ અને શ્યામ કે સીટા અને ગીટા એ બઢા જ અડલ બડલ થઈ જાય તો ડુનિયાની માથે કોઈ મોતું આભ તૂતી પલવાનું નઠી. તમે એવી નાડી છો કે જેમને ફાંકો છે કે આવા બ્લોગ બનાવ્યે રાખવાઠી ગુજલાટી ભાષા બચી જશે. .. …”
” ઓહ, મને માફ કરજો. મને એક કામ યાદ આવી ગયું છે. મેં COPY તો કર્યું છે પણ PASTE કરવાનું બાકી રહી ગયું છે. મારે જલ્દીથી જવું પડશે.”
એવું કહીને નકલપ્રિયા ચાલ્યાં ગયાં. પણ એમના વ્યક્તિત્વની ઊંડી છાપ અમારા પર છોડી ગયાં. જેની એક ઝલક આપવાનો અમે પ્રયાસ કર્યો છે. કાશ, અમે એમનું COPY PASTE કરી લીધું હોત!!!
કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે
મિત્રો, અમુક વ્યક્તિઓની વાત કરવા માત્રથી આપણામાં થોડુંઘણું જોર આવી જાતું હોય છે. “ફલાણો માણસતો મરદનો દીકરો” આવું બોલતી વખતે બોલનારના લોહીમાં પણ ગરમાવો આવી જતો હોય છે. એક જમાનામાં ધર્મેન્દ્ર કે અમિતાભની ફિલ્મ જોઈને થીએટરની બહાર નીકળ્યા પછી અમારી પણ ચાલ બદલાઈ જતી હતી! અમારી શારીરિક શક્તિની વાસ્તવિકતા પછી ગૌણ વાત બની જતી હતી!! જેવું વ્યક્તિઓનું,એવું જ અમુક પ્રદેશ કે નગર ક્રે ગામની બાબતમાં બનતું હોય છે. જેમ કે સૌરાષ્ટ્રના સાવરકુંડલા નગર માટે અમે ઘણી વખત સાંભળતા કે: કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ ક્યાંય પાછો નો પડે”
આ વાતનો સામાન્ય ભાવાર્થ એ જ કે: કુંડલામાં રહેલો માણસ એવો તો ઘડાઈ જાય કે એ ક્યાંય અને ક્યારેય સુખમાં કે દુ:ખમાં હિંમત ન હારે. મતલબ કે એ નગરજન પર નગરના ઇતિહાસ, આબોહવા અને સમાજજીવનની એવી તો અસર પડે કે, એને સાવરકુંડલા યાદ આવે ને એ પોતાના વર્તમાનને ભૂલીને કુંડલાની નાવલીમાં આંટા મારવા લાગે!!! અમે પણ ઘણી વખત સાવરકુંડલાની નાવલીમાં આંટા મારી લઈએ છીએ. અમે વર્તમાન સાવરકુંડલાની વાત નથી કરતા. અમે કરીએ છીએ એ સાવરકુંડલાની વાત જે સાવરકુંડલામાં ગામને વચ્ચેથી ખરેખર અને સાચુકલી એક નાવલી નામે નદી વહેતી હતી. અને નદી પર પુલ નહોતો! કેવું હતું એ સાવરકુંડલા!!
એક તરફ સાવર અને બીજી તરફ કુંડલા. વચ્ચે નાવલી નદી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંને સાવરમાં અને મોટાભાગની દુકાનો કુંડલામાં. એથી જે કોઈ કુંડલામાં ખરીદી કરવા આવે એણે આવતી વખતે અને પાછા ફરતી વખતે નાવલીમાં પગ બોળવા પડે.વિચાર કરો કે કોઈ નવાં કપડાં પહેરીને સાવરકુંડલામાં આવ્યો છે અને એક હાથમાં થેલી અને જોડાં અને બીજા હાથમાં કપડા ઊંચા કરીને નાવલી પસાર કરી રહ્યો છે… અને સામેથી અચાનક એક ઘોડાગાડીવાળો ભોપોંપ ભોંપોપ કરતો આવી રહ્યો છે અને એને જગ્યા આપવામાં હાથમાંથી કપડા છૂટી જાય છે અને પાણીથી ભીંજાય જાય છે! અને એ કાંઠે આવીને પાયચાને નીચોવતો નીચોવતો અને હસતાં હસતાં બોલે છે કે: ભારે કરી !!! અને એ ભીનાં કપડે જ કુંડલાંની બજારમાં જ હટાણું કરે છે. ગાંઠીયાંજલેબી ખાય છે એનાં ભીનાં કપડાં સુકાઈ જાય છે અને પાછો ફરે છે ત્યારે ફરી નાવલી નદીમાં ભીનો થાય છે!!!
એ વખતે સાવરકુંડલામાં વજનકાંટા બનાવવાનો ઉદ્યોગ જોરમાં હતો. સાવરકુંડલાની બજારમાં આખો દિવસ ધડ ધડ અવાજો સંભળાતા રહે. સાથે સંભળાતા રહે ઘોડાગાડીના હોર્નના ભોંપોપ ભોંપોપ અવાજો! ઘોડાની તવડક તબડક ચાલના અવાજો. ચાબૂકના ફટકારના સટાક સટાક અવાજો.
વજન ભરીને આવનજાવન કરતા લારીવાળાઓની બૂમો અમને અત્યારે પણ એવીને એવી જ સંભળાય છે: એ ભાઈ, જાવા દ્યો જાવા દ્યો. એ આઘા રહ્યોની, વાગી જાહે તો પાછા રાડ્યું નાખશો. લે કરો વાત! આઘા રહ્યો એમ નો કેવું? એમાં સું તમને કઈ દીધું? ઉતાવળ તો હોય જ ને? બસ કાંઈ મારી કાકી નથી થાતી કે ઊભી રહે! મારેય કોઈનો માલસામાન તો પોગાડવો જ પડેને!
અને સાંભળો આ ઘોડાગાડીવાળા અને મહિલા ઉતારુઓ વચ્ચેનો સંવાદ:
- એ ઘોડાગાડીવાળા ભાઈ, ટેશન આવવું છે?
-આવવું જ હોયને?
-કેટલા લેશો?
- જે ભાવ છે એ લેશું. તમારી પાહેથી નઈં વધારે લઈ.
-એમ નઈં. ચોખવટ સારી.
- બે રૂપિયા આપી દેજો.
-બે રૂપિયા હોય કાંઈ? અમે રોજ દોઢમાં આવીઈ છઈ.
-દોઢમાં નો પોસાય.
- નો પોસાય તો કાંઈ નઈં. અમે હાલી નાંખશું.
ઘોડાગાડીવાળો થોડે દૂર જઈને ગાડી ઊભી રાખે છે અને કહે છે કે: હાલો. આવતાં રહ્યો. હેરાન થઈ જાહો. ટેશન ઓરું નથી.
-દોઢથી વધારે નઈં. આ પેલા કીધું.
- હા. બેન હા.
અને પછી ઘોડાગાડીવાળાની બૂમો: એ હાલો ભાઈ હાલો. એક કોર રહ્યો. એ લારી, નો ત્રેવડ હોય તો આટલું વજન નો ભરતો હો તો. એ સાયકલ. વાતું કરવી હોય તો એકકોર્ય રઈને કર. માણસ પણ કેવા થાય છે? વચોવચ બીડી પીવા ઊભા થઈ જાયસ! … .
ને… તાવડામાંથી થાળમાં ઠલવાતા ગાંઠિયા, લખોટીવાળી સોડાબાટલીના અવાજો, ફોનમાં મોટેથી ભાવતાલ કરતાં શેઠિયાઓ , ફિલ્મની જાહેરાત કરવા ઢોલનગારા સાથે નીકળેલી રેકડી, ગામડેથી રોકડિયા પાકની રોકડી કરવા બળદગાડામાં મગફળી ભરીને આવેલા ખેડૂતો, ગબડી પડતા સાયકલ સવારો, પથારા પાથરીને બેઠેલા શાકભાજીવાળા, કટલેરીની દુકાનોમાંથી હોંશે હોંશે શૃંગારસામગ્રી ખરીદતી ગ્રામીણ કન્યાઓ… ને સાથોસાથ પેલા લોખંડ ટીપાવાના ધડ ધડ અવાજો… ને.. એ આઘા રહ્યો આઘા રહ્યો… જાવ દ્યો જાવા દ્યો…. ભોંપોપ ભોંપોપ ભોંપોપ ભોં……..પોપ!
એ જનરલ મરચન્ટ એન્ડ કમિશનરના બોર્ડ્સ ! એ જુદીજ દુનિયામાં લઈ જતી મહેશ ટોકિઝ! એ વિવિધ જ્ઞાતીના છાત્રાલયો! મહાજન વાડીઓ! એ મંદિરો! એ ઉછળતાં કૂદતાં શિક્ષણના ધામો! એ બાવડાં ફૂલાવતું વ્યાયામ મંદિર! સાંજ પડેને “બહારો ફૂલ બરસાઓ.. ” જેવા ગીતો સાંભળવા માટે પહોંચી જવાનું મન થાય એ જનતાબાગ! એ ઝાડવાંની છત્રછાયામાં બેસીને રોફ મારતું પોલીસ સ્ટેશન! એ ઢગલા મોંઢે ગ્રામજનોને ઠાલવતું બસ સ્ટેશન ! મહુવા ને ઢસાની વચ્ચે ઠાવકું થઈને ઊભેલું રેલ્વે સ્ટેશન! અને એની પેલે પાર ગાંધીજીના સપનાંને સમાવતું ખાદીકાર્યાલય! ને વીજળીને વહેતી રાખતું જીઈબી!
ને એ દિવાળી! એક બાજુ સાવરના લોકો અને બીજી બાજુ કુંડલાના લોકો! ને દારૂ ભરેલાં ઈંગોરિયાંની સામસામે ફેંકાફેંકી! ને બીજા દિવસે દવાખાને દાઝેલાઓની મુલાકાતો!!
ને …ચૂંટણીના દિવસોમાં એકબીજાને હરાવવા માટે ચોટીનું જોર લગાવી દેનારા એ મુરબ્બી શ્રી લલ્લુભાઈ શેઠ અને એ કાપેલી ધારના શ્રી નવીનચંદ્ર રવાણી!! એમનાં વ્યંગબાણોથી ભરેલાં ભાષણો!
આટલું આટલું લખ્યા પછી પણ જો અમે “એ જોગીદાસ ખુમાણનું સાવરકુંડલા” એવું ન કહીએ તો આ આખો લેખ જાય પાણીમાં!!!
મિત્રો ભૂતકાળને પૂરેપૂરો પકડી શકાતો નથી. એ પતંગિયાં સમો છે. હાથમાં આવતો નથી ને કદાચ આવે તો સમગ્ર આવતો નથી. આવે છે નાજુક નમણી પાંખો!!!
તમે પણ તમારા જૂના નગરને યાદ કરજો અને વિચારજો કે સમયના બદલાતા રંગો કેવા કેવા હોય છે!!!
ખાડાદર્શન
છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી રહી છે અને તેથી તેઓ અજ્ઞાત ભયથી પીડાય રહ્યાં છે. હતાશા,ઉશ્કેરાટ ,તણાવ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ પડ્યાં છે. પ્રસ્તુત લેખથી એ લોકોને થોડીઘણી રાહત પહોંચશે એવા શુભ આશયથી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.
આમ તો અન્યને કોઈપણ પ્રકારનો ઉપદેશ આપવો એ અમારી હેસિયત બહારની વાત છે. પણ ખબર નહીં, ઉમરનો પ્રતાપ હોય કે પછી વાતાવરણની અસર હોય! આજકાલ અમને બધી બબતોમાં શાંત ચિત્તે અને હકારત્મક રીતે વિચારવાની આદત પડતી જાય છે. આ ખાડાઓ અને માટીના ઢગલાઓ નો અમે પૂરતો અનુભવ લીધો છે અને એ બાબત બાબત અમે ઘણું ચિંતન કર્યું છે. એથી કરીને અમને દિવ્ય કહી શકાય એવાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન જેટલું વહેંચાય એટલું સારું એવી અમારી માન્યતા છે. એ માન્યતાને આધીન અમારું જ્ઞાન વહેંચવાનો અમારો આ પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે સુજ્ઞ વાચકોને અમારો આ પ્રયાસ જરૂર ગમશે.
એક દિવસ અમે અમારાં દ્વિચક્ર વાહન પર સવાર થઈને શહેરમાં નીકળ્યા હતા. અચાનક જ અમે એવી જગ્યાએ પહોંચી ગયા કે જે અમને સાવ અજાણી લાગી. એકદમ ઉજ્જડ જગ્યા. માટીના ઢગલા. ઊંડા ઊંડા ખાડા. એકાદ જ ખૂલ્લી દુકાન. આરામ ફરમાવતા કૂતરાઓ. ઝાડ નીચે વગડાને માણતી હોય એવા ભાવ સાથે ઊભેલી ગાયો. કોઈ પ્રકારનો અવાજ નહીં. અમને નવાઈ લાગી. અમે એકદમ જ આ ક્યાં ગામડે આવી પહોંચ્યા? અમને મતિભ્રમ જેવું થઈ ગયું. પણ ત્યાં તો અમારું ધ્યાન એક મોટા અને જાણીતા કોમ્પલેક્સ તરફ ગયું. ત્યારે અમને ભાન થયું કે :અરે, અમે તો વડોદરાના એ રાજમાર્ગ પર ઊભા છીએ કે જે માર્ગ ઘણા વખતથી બંધ રાખવામાં આવ્યો છે.
અમને તો સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમ્યું એટલે મનભરીને ગ્રામ્યદર્શનનો લાભ લીધો. શહેરની માયાજાળમાં અટવાયેલા એવા અમે વર્ષોથી ગામડે જઈ શક્યા નહોતા. આ તો ઘેર બેઠાં ગંગા! શહેરીજનોએ તો આવી અમૂલ્ય તકનો લાભ લઈને અમારી જેમ ગ્રામ્યદર્શનનો લાભ લેવો જોઈએ. પોતાના બાળકોને હોંશે હોંશે ખાડાના દર્શન કરાવવા જોઈએ. ગામડે જવું હોય તો મફતમાં જવાય છે? કેટલું કષ્ટ પડે? પણ અરેરે! મૂઢ આત્માઓ શહેરના વહીવટી તંત્રના શુભ આશયને સમજી શકતા નથી. મજાનો લહાવો લેતા નથી અને છાપાં ની વાદેવાદે વ્યર્થ ઉહાપોહ કરે છે.
… અને આ માટીના ઢગલા! અહાહા! માટીમાં રમતું આ નગર ફરી મળે ના મળે! આટલી માટી સાથે અને આટલો વખત આ શહેર કદી રમ્યું નથી!! અરેરે! શહેરમાં ક્યારેક તો શોધી માટી પણ નથી મળતી! અને જ્યારે માટીના એકાગ્ર ચિત્તે દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે વાતવાતમાં ‘ આ બધું ક્યારે સરખું થશે?’ એવા અર્થહીન પ્રશ્નો કરનારાંને શું કહેવું? અરેરે! આડે દિવસે વતનની ધૂળને માથે ચડાવવાનાં ગીતો લલકાવનારા , તમને જ્યારે ખરેખર એ ધૂળમાં નહાવાનો મોકો મળ્યો છે ત્યારે ઊભી પૂછડીએ ભાગો છો? આ તમારો દંભ નથી તો બીજું શું છે? કથાકારો ગળું ફાડી ફાડીને કહે છે કે ‘એક દિવસે તો આપણે માટીમાં જ મળી જવાનું છે.’ તો પછી આપણાં ભવિષ્યનાં રહેઠાણને મનભરીને નીરખવાના બદલે દુ;ખી થવાનો અર્થ ખરો? અમે તો કહીએ છીએ કે કે કશો જ અર્થ નથી!વાતવાતમાં માતાપિતાને AC મુકાવી દેવાની સલાહ આપનારા સંતાનોને એ માબાપ કહી શકે કે : ‘દીકરાઓ, AC મુકાવવું જ હોય તો આ ખાડામાં મુકાવીએ કારણ કે એ જ આપણું કાયમી રહેઠાણ છે. ‘
એ તો સાવ સાદી ને સીધી વાત છે કે ખાડો હોય તો દી ક્યારેક પડી પણ જવાય. TV ના પરદે વિદેશીઓની જીવના જોખમે રમાતી રમતો જોઈને ‘ આપણે ત્યાં આવું બધું ક્યારે આવશે?’ એવા સવાલો કરીને જીવ બાળનારાં સાહસપ્રિય લોકોને તો આ ખાડાઓ તો મફતમાં મળેલી ભેટ જેવા લાગવા જોઈએ. જોખમ વગરનું જીવન શાં કામનું? નગરના કવિઓએ તો ખાડાકાવ્યો રચવા જોઈએ જેવાં કે : ખાડાની ધારે ધારે તું ચાલ્યો જા… ચાલ્યો જા…
પણ આવું ક્યાં કોઈને સૂઝે છે? ખાડામાં પડવાના એકાદ બે બનાવ બને છે કે છાપાંમાં સવાલો પૂછાય છે કે : ‘વહીવટી તંત્ર હજી કેટલાંના ભોગ લેશે?’ પણ અમારો સવાલ છે કે ખાડાઓ પુરાશે પછી વધારે ભોગ નહીં લેવાય? લેવાવાના જ છે. કારણ કે ખાડા પુરાશે તો રસ્તા સારા થશે અને મોટા થશે. પરિણામે વાહનોની અવર જવર વધશે અને એમની ઝડપ પણ વધશે જેનાં પરિણામે અકસ્માતો વધશે ને ભોગ લેવાનો આંકડો વધશે.એથી કરીને અમારું માનવું છે કે વહીવટી તંત્ર જે વિલંબ દાખવી રહ્યું છે તે જાહેર જનતાના લાભાર્થે જ છે. ખરેખર તો આ વિલંબ લાગતાવળગતાઓને ખાડાની ધારે કે માટીના ઢગલા પર ઊભા રાખીને જાહેરમાં સન્માન કરવું જોઈએ.
ખાડા ખોદાય ત્યારે ટેલિફોનખાતામાં ફલાણી જગ્યાએ કેબલ કપાયો… કેબલ કપાયો… એવા ખબર ફરી વળે છે. જાણે કે કોઈ વીર યોધ્ધો રણ મેદાનમાં વીરગતિ પામ્યો હોય! એ કેબલ સંધાય ત્યાં સુધી સૌ ટેલિફોન ધારકોને ટેલિફોનથી મુક્તિ મળે છે . વ્યર્થ વાણીવિલાસ અટકે છે. સમયની ઘણી જ બચત થાય છે. જે સમયનો ઉપયોગ પ્રભુ સ્મરણ માટે કરી શકાય. મૌન ધારણ કરીને બેઠેલા ટેલિફોનમાં સૌએ તપ કરવા બેઠેલા મુનીનાં દર્શન કરવા. ધંધામાં નુકસાન જવાની વાતો કરીને સરકારી ખાતાઓને દોષ દેનારા કમાણી કરતી વખતે એ જ ખાતાઓને કેમ યાદ નથી કરતા? જે કાંઈ તકલીફો પડે છે તે તમને આવી વાતોનું ભાન કરાવવા માટે માટે પડે છે એમ માનવું.
ખાડાની કામગીરીના કારણે જેમની દુકાને ઘરાકો ન આવી શકતા હોય એમણે આવી નવરાશ મળવા બદલ રાજી થવું જોઈએ. દુકાનો બંધ કરીને આરામ કરવો જોઈએ. ફરવા જવું જોઈએ. સગાવ્હાલાંને ત્યાં મહેમાન તરીકે ધામા નાખવા જોઈએ. કારણ કે અમસ્તા દુકાન બંધ કરવાનો જીવ ચાલતો નથી. બીજો દુકાનદાર વધું કમાઈ લેશે એવો ડર લાગે છે!! જ્યારે સૌના ધંધા બંધ હોય ત્યારે એવો ડર રહેતો નથી.
આમ ખાડાઓના કારણે કેટલાય વળગણોથી થોડીઘણી પણ મુક્તિ મળે છે. જેથી કરીને સરવાળે આપણાં જીવને નિરાંત મળે છે. બીજું આપણને જોઈએ શું?
અને છેલ્લી વાત. કેટલાક લોકો કહે છે કે આવા ખાડા ખોદીને જે તે ખાતાંવાળાં પૈસા ખાય છે! લો કરો વાત! ખાતાંવાળા મફતમાં તો પૈસા ખાતા નથી! આપણને માટી ખવડાવીને પૈસા ખાય છે. પછી કકળાટ શાનો?
અમે માનીએ છીએ કે જે કોઈ પૂરા ભાવથી ખાડાદર્શન કરશે એમને અમને થયું એવું જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. ખાડા જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો! અસ્તુ! જય ખાડેશ્વર.
આ નવું શું થાય છે ટોળે વળો
આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી. સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ માટે કોઈ જગ્યા નથી. પક્ષીઓના ટહુકા ડોરબેલ કે ટીવી મારફતે સાંભળીને સંતોષ માનવો પડે છે.
[4] શહેરમાં ચોખ્ખી હવા માટે ફાંફા મારવા પડે છે.
[5] શહેરમાં લાજ શરમ નેવે મુકાઈ ગયા છે. ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓની બાબતમાં.
… ઉપર જણાવેલી બાબતો રજૂ કરતી હોય એવી અનેક કવિતાઓ ,વાર્તાઓ કે અન્ય પ્રકારની રચનાઓ આપણે માણી ચૂક્યા છીએ. પરંતુ આજની તારીખે આ તમામ મુદ્દાઓ સાથે મને સો ટકા સહમત થવા જેવું લાગતું નથી.
કારણ કે મને લાગે છે કે…
- હજી શહેરમાંથી માણસાઈએ સંપૂર્ણ વિદાય લીધી નથી.
-શહેરમાં હજી પણ ગાયમાતાને ખાવા માટે ક્યાંક ક્યાંક ઘાસનાં તરણાં નસીબમાં છે.
- શહેરના બહારના વિસ્તારમાં રહેતા લોકોને કોકિલનો કલશોર કે મોરલાનો કેકારવ કે કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવા મળી શકે છે. જો સાંભળવાનો ઈરાદો હોય તો!
- જો શહેરમાં હજી પણ કેટલીક જગ્યાએ ચોખ્ખી હવા મળી શકે છે. અલબત્ત એ માટે આઘાંપાછાં થવું પડે.
- છેલ્લો મુદ્દો નાજુક છે. ગેરસમજ કરે એવો છે. પણ આજની નારી જ્યારે તમામ ક્ષેત્રમાં પોતાની શક્તિ પૂરવાર કરે રહી છે ત્યારે કઈ કન્યા ખરેખર આવું કહેશે કે :
ત્રાજવે ત્રફેંલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ [રમેશ પારેખ નાં ગીતમાંથી]
એટલે બિન જરૂરી લાજ શરમ નેવે મુકાઈ ગયા હોય તો સમયનો તકાજો છે. બાકી .. શરમાતી કન્યાઓ હજી પણ જોવા મળી શકે છે.
… પણ ધારો કે ભવિષ્યમાં ખરેખર શહેરનું જીવન ઉપર જણાવેલી તકલીફો ના પ્રભાવ હેઠળ સો એ સો ટકા આવી જાય તો .. તો … તો … મારા જેવો અ- કવી કેવી રચના કરે.
એક કલ્પના રજૂ કરવાનું મન થાય છે.
ટોળે વળો
આ નવું શું થાય છે ટોળે વળો.
એક માણસ જાય છે ટોળે વળો.
ઘાસ ઊગ્યું આ નગરની મધ્યમાં
ગાય તરણાં ખાય છે ટોળે વળો.
સાવ અસલી એક પક્ષી જોઈ લો
ગીત મીઠાં ગાય છે ટોળે વળો.
ના ધુમાડાનું નથી નામો નિશાન
વાયુ ચોખ્ખો વાય છે ટોળે વળો.
માનવામાં આવશે એ વાત કે
છોકરી શરમાય છે ટોળે વળો.
એક ખતરનાક અનુભવ-યશવંત ઠક્કર
એક ખતરનાક અનુભવ
ગઈકાલે મને એક ખતરનાક અનુભવ થઈ ગયો. જે અહીં રજૂ કર્યા વગર રહી શક્તો નથી….
બન્યું હતું એવું કે હું એક મિત્રને ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ટૂંકા રસ્તે જવાના મોહમાં મારાં જ શહેરની ગલીઓમાં ભૂલો પડી ગયો હતો. એક ગલીમાંથી બીજી ગલીમાં અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ચાલતા ચાલતા હું એક એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નહોતો. એક મોટી દીવાલ હતી. પૂછું કોને? કોઈ કહેતા કોઈ માણસ જ ન જોવા મળ્યો! હું પાછો ફર્યો. અફસોસ તો હતો જ કે ઘણું બધું ચાલ્યા છતાં મુકામે પહોંચાયું નહીં.
હું થોડુંક જ પાછો ફર્યો હોઈશ કે મને એક બીજો રસ્તો દેખાયો. મને લાગ્યું કે ‘આ રસ્તો મને ગલીમાંથી સીધો બહાર લઈ જશે અને હું મુખ્ય રસ્તા પર પહોંચી જઈશ.’ હું એ રસ્તે વળ્યો. ચાલતો જ ગયો ..ચાલતો જ ગયો … અને જ્યારે મને લાગ્યું કે હું ગલીમાંથી બહાર નીકળી ચૂક્યો છું ત્યારે મને થયું કે ‘હાશ! ગલીઓની માયાજાળમાંથી બહાર તો આવ્યો!’
… પણ મારી એ ધારણા ખોટી હતી કારણ કે મેં જોયું કે હું માત્ર ગલીની જ બહાર નહોતો નીકળ્યો પણ સમગ્ર શહેરની બહાર નીકળી ચૂક્યો હતો! મને દૂર દૂર સુધી કોઈ માણસ નજરે પડતું નહોતું! નજરે પડતાં હતાં ખેતરો,વૃક્ષો,ટેકરીઓ અને એક તળાવડી! જે કોઈ થોડાંઘણાં મકાનો નજરે પડતાં હતાં એ સાવ ઉજ્જડ હતાં! એક સડક દેખાતી હતી પણ બિલકુલ અવરજવર વગરની! નર્યું શાંત વાતાવરણ હતું! આમ તો આવું વાતાવરણ મને ગમે પણઆ તો ડરામણું પણ હતું! એટલે મને થયું કે અહીંથી જ મારે પાછું ફરી જવું જોઈએ.
હું પાછો ફરવા જતો હતો ત્યાં જ તો મોટા અવાજમાં સંગીત સંભળાવું શરુ થઈ ગયું. સાથે સાથે ગીત પણ વાગતું હતું! ગીતના શબ્દો તો અત્યારે યાદ નથી પરંતુ ‘કાલા પત્થર’ ફિલ્મનાં પેલાં ગીતનો દાખલો આપી શકું: “એક રાસ્તા હૈ જિંદગી જો થંભ ગયે તો કુછ નહીં” બસ એવી જ ફિલૉ’સફી, એવા જ શબ્દો, એવી જ ગતિ અને એવી જ મસ્તી! મારું મન પ્રસન્ન થઈ ગયું. એટલી વારમાં તોમેં સડક પરથી એક કાર પસાર થતી જોઈ! એ કાર એક બાવો ચલાવતો હતો. અને ગીત પણ એ કારમાં જ વાગતું હતું!બાવો પણ એ ગીતને દાદ આપતો હોય એમ કાર ચલાવતા ચલાવતા મસ્તીથી પોતાનું માથું ધુણાવતો હતો! આવું દ્શ્ય મેં ક્યારેય જોયું નહોતું! અદભુત…અદભુત … અદભુત !! હું બધું જ ભૂલી ગયો.. ક્યાંથી આવ્યો છું …ક્યાં જવાનો છું …મને કશું જ યાદ નહોતું! ન ભૂતકાળ કે ન ભવિષ્યકાળ! નર્યો વર્તમાનકાળ! એક સડક,એક કાર,એક બાવો અને એક ગીત! હું જાણે વહેતો ચાલ્યો!
…. અને એકદમ જ એ બધું જ જાણે કે ગાયબ થઈ ગયું! કારણ કે હું એક ઊંડા ખાડામાં જઈ પડ્યો હતો! હવે મારા પસ્તાવાનો પાર નહોતો. મનમાં નિર્ણય કરી લીધો કે આ મુસીબતમાંથી હેમખેમ બહાર નીકળી જઈશ તો કયારેય આવું જોખમ નહીં ખેડું. એટલું સારું હતું કે ખાડામાંથી ઉપર ચડી શકાય એવો ઢાળ હતો. હું ધીરે ધીરે ઉપર ચડ્યો ને ખાડામાંથી બહાર નીકળતા પહેલા મેં બહાર દૂર દૂર સુધી નજર કરી. બહાર ખેતરો,વૃક્ષો,ટેકરીઓ,તળાવડી,મકાનો અને સડક એ બધું જ હતું પણ પેલી કાર કે બાવો નહોતા. ગીત કે સંગીતનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. આગળ વધવું કે નહીં એનો વિચાર કરતો હતો ત્યાં જ મારી નજર ખાડાની બહાર નજીકમાં જ એક ચીજ પર પડી અને મારી નવાઈનો પાર ના રહ્યો! મેં લગભગ વીસ ફૂટ જેટલું લાંબુંપૂતળું ચત્તુંપાટ પડેલું જોયું! મેં ધ્યાનથી જોયું તો એ જૂના જમાનાના કોઈ વીર યોદ્ધાનું હોય એવું લાગ્યું. મને રસ પડ્યો અને વિશેષ તપાસ કરવાનું મન પણ થયું. પરંતુ આસપાસની જ્ગ્યા પર નજર કરતાં જ મારા હોશકોશ ઊડી ગયા! મને એ જ્ગ્યા કબ્રસ્તાનની હોય એવું જણાયું. મારાં હૃદયના ધબકારા વધી ગયા હતા. મને આગળ વધવું ઠીક ન લાગ્યું . હું ફરીથી ખાડામાં ઉતરી ગયો અને બીજી દિશામાં ઉપર ચડવા લાગ્યો. મારી ગણત્રી એવી હતી કે એ તરફથી જ હું આવ્યો હતો અને હવે એ જ રસ્તે પાછો ફરી જઉં એમાં જ મારી સલામતી છે.
એ ઢાળ આસાનીથી ચડી શકાય એવો હતો. હું હિંમત રાખીને બને એટલી ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. બસ એક વખત બહાર નીકળી જવાય તો પછી શહેરમાં પહોંચતા વાર નહીં લાગે. હું ખાડામાંથી અર્ધે પહોંચ્યો હોઈશને એક ખતરનાક દેખાતો માણસ ખાડાની ધાર ઉપર દેખાયો. એનો પહેરવેષ વિચિત્ર હતો. એ પણજૂના જમાનાના સૈનિક જેવો જ લાગતો હતો. હું કશું પણ સમજું એ પહેલાં તો એણે ત્રાડ નાખી કે “ હું કોઈને જીવતા છોડવાનો નથી.” અને એ ત્યાંથી મારા તરફ કૂદ્યો!. મને લાગ્યું કે એ મને સાથે લઈને જ નીચે ખાબકશે! પણ એવુ ના થયું! એ મારી એકદમ નજીકથી જ પસાર થઈને નીચે પડ્યો. મેં ઉપર ચડવાની મારી ઝડપ વધારી. મેં ફરીથી એની ત્રાડ સાંભળી: “હું કોઈને જ જીવતા છોડવાનો નથી”
મને લાગ્યું કે એ મારી પાછળ પાછળ જ ઉપર ચડી રહ્યો છે. મેં પણ ઉપર ચડવાનું ચાલું જ રાખ્યું,. મને ઊંડે ઊંડે પણ આશા હતી કે એક વખત જો હું બહાર નીકળી જઉં પછી મને કોઈની ને કોઈની મદદ મળી રહેશે.સાથે સાથે એ પણ આશંકા તો હતી જ કે એ મને પકડી પાડશે. ને જો એવું થાય તો પછી મારો બચવાનો કોઈ સવાલ જ નહોતો!
પણ હું બચી ગયો. બિલકુલ બચી ગયો. એટલે તો આ વાત લખી રહ્યો છું. એ માણસ મને કશું જ ના કરી શક્યો. કારણ કે એ ખતરનાક માણસ મને કશું પણ કરે એ પહેલાં તો મારી ઊંઘ ઊડી ગઈ હતી અને મારું ખતરનાક સપનું પૂરું થઈ ગયું હતું!
તો આ હતો મારો ખતરનાક અનુભવ!
બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર
મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
બધું જ જાણેDelete થઈ ગયું!
સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
Internet નો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?
બ્લૉગલેખ કરનારે પોતે જ પોતાનાં લખાણના સંપાદક થવું રહ્યું.

