ભાઈબંધી

ભાઈબંધી                           

ચંદુ અને મોહન બંને રતનપુર નામે એક નાનકડા ગામમાં રહે. ચંદુ વેપારીનો દીકરો અને મોહન ખેડૂતનો દીકરો. બંને પાકા ભાઈબંધ. આખો દિવસ સાથે ને સાથે રહે. નિશાળે જાય તો પણ સાથે. નિશાળેથી છૂટીને રમવા જાય તો પણ સાથે. નદીએ નહાવા જાય તો પણ સાથે. વગડામાં ફરવા જાય તો પણ સાથે. લેસન કરવા બેસે તો પણ સાથે. બંને એકબીજા પાસેથી ઘણું  ઘણુંશીખે. ચંદુ અને મોહનની જુગલ જોડી આખા ગામમાં વખણાય.

બંને પાંચમાં ધોરણમાં ભણતા હતા ત્યારની વાત છે.

મોહનના બાપુના નાના ભાઈ એટલે કે મોહનના કાકા, સુરત શહેરમાં રહેતા હતા. એ એક દિવસ મોહનની ઘેર આવ્યા. રાત્રે જમ્યા પછી મોહનનાં બા-બાપુ અને કાકા સુખદુઃખની વાતોએ ચડ્યાં. મોહન એ બધી વાતો બેઠો બેઠો સાંભળતો હતો. વાતવાતમાં મોહનના બાપુએ કહ્યું કે, ‘ભાઈ, આ વરસે વરસાદ નહિ થવાથી અમારા ખેતરમાં પાક જરાય થયો નથી. એટલે ઘરમાં આવક પણ જરાય થઈ નથી. ઉપરથી અમારા પર દેવું પણ ખૂબ થઈ ગયું છે. અમને તો મૂંઝવણ થાય છે કે હવે શું કરવું? આવું ને આવું ચાલશે તો પછી અમારે જીવવું ભારે પડશે.’

મોટાભાઈના દુઃખની વાત સાંભળીને નાના ભાઈએ સલાહ આપી કે, ‘તમે મોહનને ભણતો ઉઠાડી મૂકો ને એને મારી સાથે શહેરમાં મોકલો. હું એને કોઈ જગ્યાએ કામે લગાડી દઈશ. તમારી આવક ચાલુ થઈ જશે તો આ બધી ચિંતા ટળી જશે.’

મોહનના બા-બાપુને આ સલાહ જરાય ન ગમી. એમણે કહ્યું કે, ‘ગમે તે થાય પણ મોહનનું ભણતર તો છોડાવવું જ નથી. અમે નથી ભણ્યાં પણ અમારા દીકરાને તો અમારે ભણાવવો જ છે. ભણતર વગરની તે કાંઈ જિંદગી છે?’

મોહનના કાકાએ ખીજાઈને કહ્યું કે, ‘તો તમે ભૂખ્યાં પડ્યાં રહો. હું તો તમારા ફાયદાની વાત કરું છું. મોહન  કામે નહિ લાગે તો તમારે ભૂખે મરવાનો જ વારો આવશે. મારી પણ એટલી બધી આવક નથી કે હું તમને મદદ કરું. તમારી પાસે મોહનને કામે ચડાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’

ખૂબ જ માથાકૂટ થઈ. છેવટે મોહનના બા-બાપુ પોતાના નાનકડા દીકરાને શહેરમાં મોકલવા તૈયાર થઈ ગયાં. એમણે મોહનને કહ્યું કે, ‘બેટા, હવે તો તું જ અમારો આધાર છે. તું શહેરમાં કામ કરવા જઈશને?’

મોહનને થયું કે, ‘મારાં માબાપ આટલાં દુઃખી હોય તો મારે ભણીને શું કરવું છે?’ એણે તો તરત જ શહેરમાં જવાની  હા પાડી દીધી.

બીજે દિવસે મોહન નિશાળે ન ગયો. એને તો હવે ભણવાનું હતું નહિ. શહેરમાં જવાનું હતું એટલે એ તો શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યો

ચંદુને તો મોહન વગર આખો દિવસ નિશાળમાં ગમ્યું નહિ. સાંજે બંને ભેગા થયા ત્યારે મોહન એકદમ ઉદાસ હતો. ચંદુએ તરત પૂછ્યું કે, ‘મોહન, આજે તું નિશાળે કેમ નહોતો આવ્યો?’

મોહને જવાબ આપ્યો કે, ‘ચંદુ, હવે હું નિશાળે ક્યારેય નહિ આવું. હું ભણવાનું છોડી દઈશ’ આટલું બોલતાં બોલતાં તો એ રડવા જેવો થઇ ગયો. મોહનનો જવાબ સાંભળીને ચંદુને ખૂબ જ દુઃખ થયું. એને ખબર પડી ગઈ કે, મોહન કશી મુસીબતમાં છે.    

શાંતિથી વાત થાય એ માટે બંને ગામની બહાર એક ટેકરી પર જઈને બેઠા. જ્યાં મોહને પોતાના માબાપના  દુખની બધી વાત કહી. વાત પૂરી કરીને મોહન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. રડતાં રડતાં એ બોલ્યો કે, ‘ચંદુ, કાલે સવારે જ હું મારા કાકા સાથે શહેરમાં જવા નીકળી જઈશ. આપણે હવે રોજ ભેગા નહિ થઈ શકીએ. હું તો નહિ ભણી શકું, પણ તું ખૂબ ખૂબ ભણજે. ને ખૂબ આગળ વધજે.’

ચંદુએ મોહનને છાનો રાખ્યો અને કહ્યું કે, ‘તું હિંમત ન હારતો. તારું ભણતર ન બગડે એ માટે આપણે કશું કરીશું.’

મોહન બોલ્યો કે, ‘આપણે તો સાવ નાના છીએ. આપણાથી શું થાય?’

ચંદુ પાસે એ સવાલનો કોઈ જવાબ નહોતો. બંને જણા ક્યાય સુધી ચૂપચાપ ટેકરી પર બેઠા રહ્યા. મોહનનું ભણતર બગડે નહિ એ માટેનો કોઈ ઉપાય એમને સૂઝ્યો નહિ.

સાંજ પડી એટલે બંને જણા ગામમાં આવ્યા. ભારે હૈયે છૂટા પડીને પોતપોતાના ઘર તરફ નીકળ્યા. પણ, રસ્તામાં ચંદુના મનમાં એક જ વાતનું રટણ હતું કે, ‘મોહનનું ભણવાનું અટકે નહિ એ માટે કોઈ ઉપાય કરવો જ જોઈએ.’

એવામાં જ એનું ધ્યાન ગામના સરપંચની ઑફિસ તરફ ગયું. એના મનમાં ચમકારો થયો કે, ‘ગામના સરપંચ તો બહુ જ ભલા માણસ છે. લાવ, એને જ વાત કરું તો કદાચ કોઈ રસ્તો નીકળે.’

ચંદુએ સરપંચની ઑફિસમાં જઈને જોયું તો ત્યાં સરપંચની સાથે પોતાના શિક્ષક પણ બેઠા હતા. ચંદુએ એ બંનેને મોહનના દુઃખની બધી વાત કહી. પછી હાથ જોડીને વિનંતી કરી કે, ‘મારા ભાઈબંધનું  ભણતર અટકે નહિ એ માટે તમે કશું કરો.’

ચંદુની વાત સાંભળીને સરપંચને થયું કે, ‘આ તો બહુ જ ખોટું કહેવાય. ગામના કોઈપણ બાળકનું  ભણતર બગડે તો મારી જ નહિ, આખા ગામની આબરૂ જાય.‘

શિક્ષકે પણ કહ્યું કે, ‘મોહનનું ભણતર તો અટકાવી જ ન શકાય. વિદ્યા મેળવવી એ તો દરેક બાળકનો અધિકાર છે. વળી, નાના બાળક પાસે કામ કરાવવું એ કાયદાની રીતે પણ ગુનો છે. એ બાળ-મજૂરીનો ગુનો  કહેવાય એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે છે. આવી ભૂલ અટકાવવી જ જોઈએ.‘

સરપંચ અને શિક્ષક વચ્ચે ચર્ચા થઈ અને બંનેએ નક્કી કર્યું કે, ‘આપણે મોહનના માબાપને સમજાવીએ અને આવી ભૂલ કરતાં અટકાવીએ.’

સરપંચ અને શિક્ષક, ચંદુને સાથે લઈને મોહનના ઘેર પહોંચ્યા. બંનેએ મોહનના બા-બાપુને ખૂબ સમજાવ્યાં કે, ‘તમે તમારા સ્વાર્થ માટે મોહનનું ભવિષ્ય બગાડી રહ્યા છો. મોહનને ભણાવવો એ તમારી ફરજ છે. વિદ્યા મેળવવી એ મોહનનો હક છે. એને અટકાવી ન શકાય. કમાણી માટે નાના બાળક પાસે કામ કરાવવું એ પણ ગુનો છે. એવો ગુનો કરનારને સજા પણ થઈ શકે.’

મોહનનાં માબાપને ગળે એ વાત ઊતરી. એમણે મોહનનું ભણતર અટકાવવાનો વિચાર માંડી વાળ્યો. મોહનના કાકાને પણ પોતાની ભૂલ સમજાણી.

મોહનના બાપુએ હાથ જોડીને સરપંચ અને શિક્ષકનો આભાર માન્યો અને કહ્યું કે, ‘તમે અમને મોટી ભૂલ કરતાં અટકાવ્યાં. અમે તો અમારા દુઃખને લીધે મોહનનું ભણતર અટકાવવા તૈયાર થઈ ગયાં હતાં.’

સરપંચે ચંદુનો વાંસો થાબડતાં કહ્યું કે, ‘આભાર માનવો હોય તો આ છોકરાનો માનો. એણે અમને કહ્યું ન હોત તો અમને આ વાતની ખબર જ ન પડત. રહી વાત તમારા દુઃખની. તો એ દુઃખ પણ કાયમ રહેવાનું નથી. આ વરસે વરસાદ ન થવાથી જે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે એમને સરકાર તરફથી સહાય મળે એ માટે હું પ્રયાસો કરી જ રહ્યો છું. એવી સહાય મેળવવી એ દરેક ખેડૂતનો હક છે. એ સહાય તમને ન મળે ત્યાં સુધી તમારું દુઃખ એ મારું દુઃખ છે. હવેથી તમને કોઈ જાતની તકલીફ ન પડે એની જવાબદારી મારી છે. પરંતુ, મોહનનું ભણતર અટકાવવાનું હવે ક્યારેય નામ ન લેતાં.’

મોહનના માબાપ તો રાજી રાજી થઈ ગયાં. ચંદુને ગળે વળગાડીને બોલ્યાં: ‘ભાઈબંધ હો તો આવા.’ 

પછી તો ચંદુ અને મોહન આગળ ખૂબ ભણ્યા. મોટા થયા અને ખૂબ જ પ્રગતિ કરી. ચંદુએ એના પિતાના ધંધાનો વિકાસ કર્યો. ગામના વિકાસમાં પણ ખૂબ ફાળો આપ્યો. પોતે ગામનો સરપંચ પણ બન્યો. તો મોહન પણ ભણીગણીને શિક્ષક થયો.પોતાના જ ગામની નિશાળમાં આચાર્ય બન્યો. બંનેએ પોતાના ગામના વિકાસમાં જ નહિ પરંતુ આસપાસના વિસ્તારના વિકાસ માટે પણ એટલો જ ભાગ ભજવ્યો.  

બંને ભાઈબંધોની જુગલ જોડી આજે પણ આખા મલકમાં વખણાય છે.

ભાઈબંધી હોય તો આવી!

[સમાપ્ત]

[Childre’n  University  Gandhinagar   બાળ [કિશોર] વાર્તા સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કારને પાત્ર ]

 

આવકારો

[મિત્રો,  'અસર' બ્લોગ આજથી પાંચમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે "આવકારો: વાર્તા દ્વારા હું આપ સહુને આવકારું છું.  જે  હાલમાં જ  નવનીત સમર્પણના જુલાઈના અંકમાં  પ્રગટ થયેલી છે.  અપને ગમશે એવી આશા સાથે... ]

“આવકારો” 

ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી.

“તાળીઓ તો પાડ. કેમેરો આપણાં પર છે.” હેમંતે ધીમેથી પાયલને કહ્યું.

“ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.” પાયલે જવાબ આપ્યો.

“તો શાં માટે આવી છે?”

“હું મારી મરજીથી નથી આવી. તુ પરાણે લાવ્યો છે.”

“સૉરી, મને એમ કે તને આ કાર્યક્રમમાં મજા આવશે.”

“મજા આવે એવું આમાં શું છે?”

“ધીરે બોલ. કોઈ સાંભળશે તો..”

“ચાલ બહાર. મને કંટાળો આવે છે.”

“ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળશું તો ખરાબ લાગશે. બેસી રહે.”

… પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન શરૂ કર્યું: “યુગોના યુગો સુધી ઊભો રહ્યો તારી પ્રતીક્ષામા…”

“બસની રાહ જોતા હશે” પાયલને મજાક સૂઝી.

“પાયલ, પ્લીઝ ..” હેમંતે કહ્યું.

પાયલ મોઢા પર હાથ મૂકીને હસતી રહી.

… પાંચમાં કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી.

“પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે?”   

“શાં માટે? દંભ કરવા?”

“દંભ કરવા માટે નહિ. કવિનું મન રાખવા.”

“મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો આ ચાલી.”

પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી.

હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે, હવે શું કરવું? આટલાં બધાં લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું? જોનારાં તો એમ જ વિચારે ને કે, કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શાં માટે? વળી, આ કાર્યક્રમનું પ્રસારણ ટેલિવિઝન દ્વારા થવાનું હોવાથી કેમેરો પણ સતત સક્રિય હતો.

પાયલે દરવાજે પહોંચીને હેમંત તરફ જોયું. એની નજરમાં આદેશ હતો. હેમંત એ આદેશ ઉથાપી ન શક્યો. એ પણ ઊભો થયો અને સંકોચ સાથે સભાખંડની બહાર નીકળી ગયો. આ રીતે બહાર નીકળવું એને યોગ્ય લાગ્યું નહિ. પરંતુ, પાયલના સહવાસ વગર બેસી રહેવાનું કામ તો એનાં કરતાં પણ કપરું હતું.

“હાશ!” પાયલે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

“પાયલ, આ રીત છે? અવિનાશ કાકાને કેવું લાગશે?”

“એમની માફી માંગી લઈશું.”

“થોડી વાર માટે બેસી રહી હોત તો સારું હતું. એમનો વારો આવવાનો જ હતો.”

“ક્યારે આવવાનો હતો? યુગોના યુગો પછી?” પાયલની ચંચળતા કાબુબહાર જવા લાગી.

“એમણે કેટલા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું! આપણે આવું કરવા જેવું નહોતું!” હેમંતનો અફસોસ હજી ઓછો થયો નહોતો.

“હેમંત, શું કરું? મને જરાય મજા આવતી નહોતી. કાર્યક્રમનું નામ તો ‘વસંતને આવકારો’ હતું. પણ, ક્યાંય વસંતનો અનુભવ થતો નહોતો. બધું જ જાણે કે બનાવટી લાગતું હતું. આયોજકોનો પરિચય, પ્રમુખશ્રીનો પરિચય, એમનો પરિચય આપનારનો પણ પરિચય, કવિઓનો પરિચય, એ તમામનું સ્વાગત! માઈક સામે આવનાર જાણે માઈક છોડવા માંગતો જ નહોતો. કેટલાં ભાષણો? ખરો કાર્યક્રમાં તો એક કલાક પછી શરૂ થયો. એમાંય સંચાલક પાછા ચાંપલું ચાંપલું બોલ્યાં કરે. ને કવિઓની કવિતામાં ક્યાંય  વસંતનો ખરો રંગ હોય એવું લાગતું નહોતું. બધું જ ત્રાસદાયક!”

“ચલાવવું પડે. કવિતાના કાર્યક્રમો તો આવા જ હોયને?”

“એવું કોણે કહ્યું? કવિતાના કાર્યક્રમો પણ મજાના કેમ ન બની શકે? પાંચદસ વસૂકી ગયેલા કવિઓની સામે; ઊભા થઈને ચાલતી ન પકડી શકે એવા લાચાર, ઉમરલાયક અને કહ્યાગરા શ્રોતાઓને બેસાડી દેવાથી શું વસંતને સાચો આવકારો આપ્યો કહેવાય? તેં જોયુંને? તારીમારી ઉમરના શ્રોતાઓ કેટલા હતા? માંડ ચારપાંચ! એ પણ ઊંચાનીચા થતા હતા”

“આપણે તો અવિનાશાકાકાનું માન રાખવા આવ્યાં હતાં. એમને સાંભળી લીધા હોત તો સારું હતું.”

“એમને એમની ઘેર જઈને, મન ભરીને સાંભળી લઈશું. બસ? હવે જવા દે એ વાત.”

“ચાલ, ક્યાં જવું છે?બોલ.”  હેમંતે પોતાની બાઈક પાસે ઊભા રહીને પૂછ્યું.

‘લાવ. ચાવી મને આપ.” પાયલે ચાવી માટે હાથ લંબાવ્યો.

“કેમ?” હેમંતે પૂછ્યું. “આજે બાઈક  ચલાવવાનું મન થયું છે?”

“હા, આજે હુ તને કશેક લઈ જઈશ. તુ પાછળ બેસી જાં.”

… પાયલે બાઈક ભગાવી. નગર વીંધાતું ગયું.

… નગર પૂરું પણ થઈ ગયું અને  પાછળ રહી ગયું.

એક તો પાયલનો સહવાસ અને ઉપરથી વાસંતી હવાનો સ્પર્શ! હેમંતનો કાવ્યપઠનનો કાર્યક્રમ અધુરો છોડ્યાનો અફસોસ પણ પાછળ રહી ગયો.

“પાયલ, તુ ક્યાં લઈ જાય છે?”

“બેસી રહેને. મજા નથી આવતી કે શું?”

“મજા તો આવે છે પણ, દૂર જવું હોય તો બાઈક હુ ચલાવી લઉં.”

“કેમ? મારા પર ભરોસો નથી કે પછી પાછળ બેસવા બદલ શરમ આવે છે? બાઈકની ચાવી આપવા બદલ પસ્તાવો તો નથી થતોને?”

“ના યાર! એમાં પસ્તાવો કેવો? દિલ જેવું દિલ આપી દીધાં પછી ચાવી તો કઈ મોટી ચીજ છે?”

“વાહ! યે બાત હૈ. આને કહેવાય કાવ્યપઠન.”

“જોજે. તાળીઓ ન પાડતી.”

“મરવાની બીક લાગે છે?” 

“બીક તો લાગે જ ને. માંડ જીવવાની મજા આવી છે.”

હાઈવે પર બાઈક ભાગતી રહી… વાહનોના અવાજ વચ્ચેથી બંને વચ્ચેના સંવાદો રસ્તો કાઢતા રહ્યા… વગડાઉ  હવાને બંનેના ચહેરા ઝીલતા રહ્યા.

..ને પાયલે બાઈક ધીમી પાડીને રસ્તાના કાંઠે ઊભી રાખી દીધી.

“શું થયું?” હેમંતે પૂછ્યું.

“જો હેમંત, પેલી રહી વસંત. ચાલ, આવકારો આપી દઈએ.” પાયલે એક ટેકરી તરફ આંગળી ચીંધી.

હેમંતે જોયું તો, લાલ લાલ ફૂલોથી ભરચક એક કેસૂડો કોઈ નવયુવાન કવિની અદાથી ઊભો હતો!

****** [સમાપ્ત] ******

Palashamu (Telugu: పలాశము)

Palashamu (Telugu: పలాశము) (Photo credit: dinesh_valke)

આ જ વાર્તા રીડ ગુજરાતી પર પણ પણ પ્રગટ થઇ છે. http://www.readgujarati.com/2012/07/12/aavkaro-story/

 

[બેસણાલાયક] ફોટો ————– યશવંત ઠક્કર

મિત્રો,

૧૯૯૬માં લખેલી એક વાર્તા ટૂંકાવીને અહીં રજૂ કરું છું. આ વાર્તા ‘ગુજરાત સમાચાર ‘ આયોજિત વાર્તા-સ્પર્ધામાં તે  વખતે આશ્વાસન ઇનામને પાત્ર ઠરી હતી. ઇનામ રૂપિયા ૫૦૦ જાહેર થયું હતું. જે કોઈ કારણસર મળ્યું નહોતું! :D પરંતુ, આપના પ્રતિભાવો [જો મળશે તો]એ ખોટ પૂરી કરી દેશે.

ફોટો —— 

‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો.

બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો.  દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ  એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે? દીવો કોને કરશે? બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો  એમના હાથ કોના ફોટાને જોડશે?’

ફુઆના બેસણાની તૈયારી વખતે જ એ રહસ્ય બહાર આવ્યું હતું કે એમનો, બેસણાને લાયક એવો  એકાદ ફોટો પણ ઘરમાં નથી. એમના દીકરાઓ નિરાશ થઈ ગયા હતા. “અરેરે! બાપુજીનો એકાદ સારો ફોટો પણ તમારા ઘરમાં નથી? હદ કહેવાયને?’ લોકોની આવી ટીકાનો એમની પાસે કોઈ જવાબ નહોતો. એમના ઘરમાં કે ધંધામાં ‘બાપુજી’ના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ને ‘બાપુજી’એ ક્યારેય પોતાનો મોટો ફોટો તૈયાર કરવાનું કહ્યું જ નહોતું. ‘બાપુજી’ના ન હોવાના દુઃખથી વિશેષ દુઃખ; ‘બાપુજીનો ફોટો’ ન હોવાનું એ દિવસે બધાં કુટુંબીજનોએ અનુભવ્યું હતું.

બેસણાનો સમય નજીકને નજીક આવી રહ્યો હતો. બળવંતરાય ફુઆના ફોટાની રાજ જોઈ રહેલી સજાવેલી-ધજાવેલી ખુરશીને વિચારોની ઉથલપાથલ સાથે જોઈ રહ્યા હતા.

કિમતી જણસ ખોવાઈ ગઈ હોય અને  જેવા ખાંખાંખોળા થાય એવા ખાંખાંખોળા ફૂઆનો ફોટો શોધવા માટે ઘરમાં થવા લાગ્યા. પણ, ફોટો હોય તો હાથમાં આવેને? એ વખતે તો બધાંના જીવ અધ્ધર થઈ ગયા હતા. બેસણામાં ફોટો ન હોય તો તો ડૂબી મરવા જેવું થાયને?

ત્યાંતો, મોટા દીકરાની વહુએ એક આલ્બમમાંથી ‘બાપુજી’નો એક નાનકડો ફોટો શોધી કાઢ્યો હતો. દીકરાઓએ સંકોચસહ એ નાનકડા ફોટાને ખુરશીમાં પધરાવ્યો હતો. મોટા હારમાંથી નાનો હાર કરીને ફોટાને ચડાવ્યો હતો, દીવો કર્યો હતો ને હાથ જોડ્યા હતા.

.. ને બેસણામાં લોકો આવવા લાગ્યા હતા.

ખુરશીમાં પધરાવેલા નાનકડા ફોટાનું હોવું, ન હોવા બરાબર હતું. આથી ઘણાંને ખુરશી ખાલી હોવાનો ભ્રમ થતો હતો. સમગ્ર બેસણા દરમ્યાન બળવંતરાય માટે આ પરિસ્થિતિ, પોતાના મોટા કદના ફોટા અંગે કશું ગંભીરતાથી વિચારવાનું કારણ થઈ પડી હતી. લોકોની ગુચપુચ એમણે સરવા કાને સાંભળી હતી. ગુચાપુચનો સાર એ હતો કે- ‘આવડા મોટા શેઠનું બેસણું ને આવડો નાનો ફોટો!’

ફુઆના બેસણામાં બેઠાં બેઠાં જ બળવંતરાયે પોતાના બેસણાની કલ્પના કરી હતી. ઘરમાં પોતાનો મોટા કદનો એકેય ફોટો નથી એ  હકીકતથી પોતે ધ્રૂજી ઊઠ્યા હતા. ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ એમણે એ જ ક્ષણે થઈ હતી. પોતાનું બેસણું હશે ને પોતાનો મોટો ફોટો નહીં હોય ત્યારે દીકરાઓએ કેવી દોડાદોડી કરવી પડશે એવી એમની ચિંતામાં જ ફુઆનું બેસણું પૂરું થઈ ગયું હતું.

ફુઆના બેસણામાં મેળવેલા તત્વજ્ઞાનની રજૂઆત બળવંતરાયે ઘેર આવ્યા પછી પોતાની પત્ની રમાબહેન સમક્ષ કરી ત્યારે રમાબહેને પોતાનો સ્વભાવગત છણકો કર્યો હતો કે: “તમે આવી નકામી વાતો કરવા કરતાં ચૂપ રહો તો વધારે સારું.”

બળવંતરાયે વળતી દલીલ કરી હતી કે: “ધાર કે હુ સદાને માટે ચૂપ થઈ જાઉં તો મારા બેસણામાં કામ લાગે એવો એકેય ફોટો આપણા ઘરમાં છે ખરો?” ને રમાબહેન યથાશક્તિ વિફર્યાં હતાં: ”છોકરા હજી નાના છે ને તમને મરવાની ને બેસણાની વાતો કરતાં શરમ નથી આવતી? કરવા જેવાં બીજાં ઘણાં કામ છે એ કરવાનું નથી સૂઝતું? ”

આ સિવાયના પણ, રાતી કીડીના ચટકા જેવા કેટલાય સવાલો રમાબહેને કરી નાખ્યા હતા જેના જવાબમાં બળવંતરાય પાસે મૌન સિવાય બીજું કશું જ ઉપલબ્ધ નહોતું. નહોતું વાંચવું તોય એ છાપું વાંચવા લાગ્યા હતા. પરંતુ, છાપામાં ખડકાયેલી, બેસણાની જાહેરાતોએ એમને, ઘરમાં પોતાનો મોટો ફોટો ન હોવાની ચિંતામાં ફરીથી ડૂબાડી દીધા હતા. રમાબહેનનો દીર્ઘ બબડાટ પણ એમની ચિંતામાં ભંગ પાડી શક્યો નહોતો.

… પછી તો સમયે જાણે કે દોટ મૂકી હતી. છોકરાઓ મોટા થવાની સાથે સાથે બળવંતરાયથી દૂર પણ થઈ ગયા હતા. ઘરની ભીંતો પરથી રંગો અને તારીખિયાં બદલાતાં ગયાં. પરંતુ, મોટો ફોટો પડાવવાનો વિચાર બળવંતરાયના મનમાંથી ઉખડવાનું નામ નહોતો લેતો. એમાંય જ્યારે જ્યારે કોઈના બેસણામાં હાજરી આપતા ત્યારે ત્યારે બળવંતરાય સ્વર્ગસ્થના મોટા ફોટાને ધ્યાનથી જોતા અને વિચારતા કે: ‘ફોટો પડાવવો તો આવો જ મોટો અને રંગીન પડાવવો. જાણે કે હમણાં જ બોલી ઊઠે એવો.’

બેસણામાં વાતો ચાલતી હોય કે ભજનકીર્તન ચાલતાં હોય,પણ બળવંતરાયના મગજમાં વિચારો ધક્કામુક્કી કરતા હોય. …’ગાંડીતૂર નદીની જેમ જિંદગી ભાગતી જાય છે પણ, હુ મારો એક મોટો ફોટો તૈયાર નથી કરાવી શક્યો. મોત તો ગમે ત્યારે બાવાફકીરની જેમ આવીને ઊભું રહેશે તો ના ઓછી પડાશે? આપણે તૈયારીમાં રહેવું સારું. આ રમા જ નકામી છે. એ જો મોત કે બેસણાના નામ પર છણકા ન કરતી હોત તો તો હુ કે દહાડાનો સ્ટુડિયોમાં પહોંચી ગયો હોત ને એક સરસ મજાનો ફોટો પડાવી લીધો હોત. ફોટો તૈયાર હોય તો, દીકરાઓને કેટલી નિરાંત! મારા બેસણા વખતે ફોટા માટે દોડાદોડી તો નહિને? એ લોકો તો  પોતપોતાની દુનિયામાં મસ્ત છે. એમને તો આવી વાતનો વિચાર પણ ન આવે. બિચારા મારા બેસણા ટાણે ઘાંઘા થઈ જશે. સગાંવહાલાં તો વાંક કાઢવામાં શૂરાં છે. મેણાં મારી મારીને દીકરાઓને દુઃખી દુઃખી કરી નાંખશે.’

મોટો ફોટો તૈયાર કરાવી રાખવાનો બળવંતરાયનો એ વિચાર, નવીનચંદ્રના બેસણા પછી તો કાચ પાયેલા દોરા જેવો પાકો થઈ ગયો હતો. નવીનચંદ્ર, બળવંતરાયના પાડોશી કંચનલાલનો જમાઈ હતો ને પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ, બીજાના ફોટા તૈયાર કરી આપનાર નવીનચંદ્ર પોતાનો જ એકાદ મોટો ફોટો તૈયાર કરી શક્યો નહોતો. વળી, એની ઉંમર પણ દુનિયામાં માત્ર ફોટા રૂપે જ રહી જવાની નહોતી. તેથી, સ્વાભાવિક છે કે, એણે ક્યારેય પોતાના બેસણાની અશુભ કલ્પના કરી જ ન હોય.

નવીનચંદ્રનું બેસણું પણ એના એકાદ નાના ફોટાની સાક્ષીએ આટોપી લેવું પડ્યું હતું. બળવંતરાયને આ ઘટના બીજી વખતની ચેતવણી સમાન લાગી. એમને થયું કે: ‘હવે મારો મોટો ફોટો તૈયાર કરવામાં આળસ કરું તો મારા જેવો કોઈ મૂરખ નહિ.’ એ બેસણામાંથી ઊભા થતી વખતે બળવંતરાયે પ્રતિજ્ઞા લીધી કે: “આવતી કાલે હુ મારો મોટો  ફોટો પડાવવા ‘છાયા સ્ટુડિયો’માં જઈશ અને મને દુનિયાની કોઈ તાકાત મને  એમ કરતાં રોકી નહિ શકે.”

*******************

બળવંતરાયે છેલ્લાંમાં છેલ્લાં સિવડાવેલાં ને ધોવાઈને ઇસ્ત્રી થયેલાં પેન્ટ-શર્ટ પહેર્યાં. ઉપર જૂનો કોટ ચડાવ્યો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બૂટ-મોજાં પહેરવાનો પ્રસંગ જ આવ્યો નહોતો. આજે આવ્યો. માથા પર જે થોડાઘણા વાળ ટકી રહ્યા હતા એને તેલ નાખીને ઠીક કર્યા. મોઢા પર પાવડર લગાડવાની ઇચ્છા થઈ. પણ, પાવડરનો ડબ્બો વર્ષોથી ખાલી હતો. ‘સ્ટુડિયોમાં હશે.’ એમણે મન મનાવ્યું ને દાઢી કરેલા ચહેરા પર હાથ ફેરવ્યો.

“હુ ફોટો પડાવવા જઉં છું. તારે આવવું હોય તો ચાલ.” એમણે રમાબહેનને કહ્યું.

“તમે જાવ. મારે નથી આવવું.” રમાબહેને રોજિંદો છણકો કર્યો.

“જેવી તારી ઈચ્છા.”

“ચાલ્યા પરણવા.” રમાબહેને સંભળાવ્યું.

“પરણીનેય આવું.” બળવંતરાયે સામું સંભળાવ્યું.

“વહેલા આવજો.”

“વહેલો જ આવીશ. તું પોંખવાની તૈયારી રાખજે.” બળવંતરાય ખાટુંમીઠું વેણ બોલીને ખડકીની બહાર નીકળી ગયા.

બળવંતરાય શેરીના નાકે પહોંચ્યા ત્યાં તો એમને થાક જેવું લાગ્યું. ‘રોજ તો આવું નથી થતું. આ તો શેરીનું નાકું! હુ તો ક્યાં ક્યાં પહોંચું છું!’ એમને મનમાં થયું. એમને એક બાજુ ઊભા રહી જવાનું ઠીક લાગ્યું.

પૂરપાટ દોડતાં વાહનો, હાંફળા-ફાંફળા લોકો, માથાં ઉલાળતી ગાયો, હોર્નનો અવાજ, ફેરિયાઓની બૂમો, હવામાં ભળેલી જાતજાતની ગંધ ને ઉપરથી તાપ વરસાવતા સૂરજનારાયણ. બળવંતરાયને સમગ્ર વાતાવરણ રોજિંદું હોવા છતાં આજે કઠ્યું. એમણે ઘેર પાછા ફરી જવાનો વિચાર આવ્યો. જે વળતા વિચાર સામે ટક્યો નહિ. ‘આજે તો પાછા પડવું જ નથી. આવું કામ તો રહી જાય તો રહી જ જાય.’ એવું વિચારતાં  એ  વળી આગળ વધ્યા.

“કાં બળવંતકાકા, કઈ બાજુ?” અરવિંદ ચાવાળાએ બૂમ પાડી.

“જરા ચકકર મારવા નીકળ્યો છું.” બળવંતરાય અરવિંદની લારી પાસે જઈને બોલ્યા. એમને, ફોટો પડાવવાની વાત કહેવી  ઠીક ન લાગી.

“લો લગાવો.” અરવિંદે ચાનો કપ ધર્યો.

“ના. ચા તો પીને જ નીકળ્યો છું.”

“લગાવોને બળવંતકાકા, ભેગું શું લઈ જવાનું છે?”

બળવંતરાયને ચાના એકેએક ઘૂંટડે મજા આવી. એમને હવે થોડું સારું લાગ્યું. એમણે ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી તો અરવિંદે ના પાડતાં બોલ્યો: “રહેવા દો કાકા, મેં પ્રેમથી પીવડાવી છે.”

બળવંતરાય જાણતા હતા કે-અરવિંદની એક વખતની ‘ના’ એટલે ‘ના.’ એમણે બે રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દીધી. થોડી આડીઅવળી વાતો કરીને એમણે અરવિંદની રજા લીધી.

થોડુંક ચાલ્યા ત્યાં તો એમના હાથપગ ફાટવા લાગ્યા. ‘હશે!’ એમણે મન મનાવ્યું: ‘હવે ઉંમર થઈ. નાનીમોટી તકલીફો તો થવાની.’

‘પણ આટલું બધું અહક જેવું કેમ લાગે છે?’ એમના મનમાં પ્રશ્ન જાગ્યો. તો મનમાંથી સામો રોકડા રૂપિયા જેવો જવાબ મળ્યો: ‘લાગે એ તો. હવે શરીરનો વાંક છે? ઘરડું થયું બિચારું! ખૂબ દોડાદોડી કરી. હવે તો થાકેને? આ તો  જીવન-સંધ્યાની વેળા! પીળા પાનની જેમ ખરી પડવાની વેળા!’

‘ના…ના.’ એમના  મનમાંથી પોકાર ઊઠ્યો: ‘એમ  મોત ક્યાં રેઢું પડ્યું છે કે ડાળ પરથી પીળું પાંદડું ટપકે એમ ટપકી પડે! એવું મોત તો ભાગ્યશાળીને જ મળે. બાકી; ડાયાબિટિશ, દમ કે કેન્સરના નામે રોજ થોડું થોડું મરવાનું. એક્ષ-રે, કાર્ડિયાગ્રામ, ઇન્જેકશનો ને ગ્લુકોઝના વિવિધ કોઠા વીંધીને દવાની રંગબેરંગી ગોળીઓ પર પગલાં મૂકતું મૂકતું મોત પધારે ત્યાં સુધી પીડા ભોગવતાં ભોગવતાં એની રાહ જોયા કરવાની!’

‘રસ્તો આજે લાંબો થતો જાય છે! સાલો આજે મારી સામે રમતે ચડ્યો છે. ‘ બળવંતરાયને રસ્તા પર ખીજ ચડી. ‘નહિ તો છાયા સ્ટુડિયો આટલો બધો દૂર નથી. એવું હોય તો તો રિક્ષા જ ન કરું? થઈ થઈને કેટલું ભાડું થાય? ત્રણ રૂપિયા! અરે, પાંચ થાય તોય શું? પણ, કારણ વગરને?’

‘ આ છેલ્લી વખત. કાલથી દેહને આવી તકલીફ નથી આપવી. આ તો આવું જરૂરી કામ છે એટલે. કાલથી ઘરની બહાર નીકળે એ બીજા!’ એમણે  ભવિષ્યમાં આરામ જ ફરમાવવાનું નક્કી કરી નાંખ્યું.

…પોરો ખાતાં ખાતાં બળવંતરાય ‘છાયા સ્ટુડિયો’નાં પગથીયે પહોંચી ગયા. ડૂંગર ચઢતાં હોય એમ એ પગથિયાં ચડ્યા ને ‘હાશ!’ કહેતાંકને સ્ટુડિયોના બાંકડે બેસી ગયા.

“ભાઈ, એક રંગીન ફોટો પાડી દે ને કૉપી મોટી કાઢજે.” એમણે હાંફતાં હાંફતાં કહ્યું.

“કાકા, પહેલાં થાક ખાઈ લો.” ફોટોગ્રાફરે કહ્યું. એના હાથમાં પીંછી હતી ને એ એક ફોટાને છેલ્લો ઓપ આપી રહ્યો હતો.

“હુ ઉતાવળમાં છું ભાઈ, તું જલ્દી કર.”

“એવું હોય તો જાવ અંદર. હુ એક જ મિનિટમાં આવ્યો.”

બળવંતરાય અંદર ગયા ને એક ખુરશી પર બેસી ગયા.  એમને લાંબા થઈને સૂઈ જવાનું મન થયું. મન આરામ માટે કજિયે ચડ્યું હતું. એમણે મનને મનાવ્યું: ‘ઘેર જઈને આરામ જ કરવાનો છેને? આ તો આવું કામ હતું એટલે બહાર નીકળવું પડ્યું. કાલથી બહાર નીકળવાનું જ નહિ.’

અરીસા તરફ નજર જતાં બળવંતરાય ઊભા થયા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો. હસ્યા. પોતે નોકરીએ લાગ્યા ત્યારનો પોતાનો ચહેરો એમને યાદ આવી ગયો.  ‘તું શું હતો ને શું થઈ ગયો?’ એ બબડ્યા. પાવડરના ડબ્બામાંથી થોડો પાવડર લઈને એમણે પોતાના મોઢા પર લગાડ્યો. માથા પર કાંસકો ફેરવ્યો. ત્યાં તો ફરી થાકી ગયા અને ખુરશી પર જઈને બેસી પડ્યા.

‘ફોટોગ્રાફર હજુ આવ્યો નહિ.’ બળવંતરાય  અધીરાઈથી બારણા તરફ જોઈ રહ્યા. એમને પોતે પહેરેલો કોટ સાંકડો ને સાંકડો થતો જતો હોય એવું લાગ્યું. એમણે કોટનું  ઉપરનું બટન ખોલી નાંખ્યું. ‘ચાલને ભાઈ..’ બૂમ પાડવા જતા હતાં ત્યાં તો ફોટોગ્રાફર આવી ગયો. એને જોઈને બળવંતરાયની આંખોમાં ચમક આવી ગઈ. એમની નજર સામે પોતાનો રંગીન ફોટો તરવરવા લાગ્યો. વર્ષોજૂની ઈચ્છા પૂરી થવાની ક્ષણ આવી પહોંચી હતી એટલે એમનું મન રાજી રાજી થઈ ગયું.

ફોટોગ્રાફરે ફોકસ ગોઠવ્યાં. ‘કાકા, કોટનું બટન બંધ કરો ને જરા ટટ્ટાર બેસો.”  એણે સૂચના આપી.

બળવંતરાયે કોટનું બટન બંધ કર્યું અને ટટ્ટાર બેઠા. એમને કોટાની ભીંસ ફરી અનુભવી. પણ હવે આ તો ફોટો પડાવવાનો હતો! રંગીન અને મોટો! હમણાં જ બોલી ઊઠે એવો! ‘કોટનું બટન ખુલ્લું હોય તો કેવું ખરાબ લાગે? કોટની ભીંસ તો કેટલી વાર માટે? કેમેરાની ચાંપ દબાય ત્યાં સુધી જ ને? એવી ભીંસને કોણ પૂછે છે?’ એમણે મનને મજબૂત કર્યું.

ફોટોગ્રાફરે કેમેરાની આંખમાંથી ફરી જોયું. એણે બળવંતરાયને ફરીથી ટોક્યા: ‘કાકા, જરા ઢીલા બેસો. નેચરલી બેઠાં હો એમ બેસો.”

બળવતરાય થોડા ઢીલા થઈને બેઠા ને મનમાં બબડ્યા: ‘તું જલદી કરને ભાઈ.”

‘કાકા, મોઢું થોડું ઊંચું કરો. ‘ ફોટોગ્રાફર બોલ્યો. બળવંતરાયે મોઢું ઊંચું કર્યું. ‘થોડું. આટલું બધું નહિ.” ફોટોગ્રાફના અવાજમાં થોડો ઠપકો પણ ભળ્યો.

બળવંતરાય મનોમન અકળાયા. મોઢું નીચું કરતી વખતે એમને લાગ્યું કે પોતે અંદરથી માટીની ભેખડ તૂટે એમ તૂટી રહ્યા છે. … અને આ ફોટોગ્રાફર નખરા કરે છે. આમ ને આમ જો વાર લગાડશે તો ફોટો પડી રહ્યો! ‘આનાથી વધારે સરખા બેસવાની હવે ત્રેવડ નથી. બસ, એક વખત કેમેરાની ચાંપ દબાઈ જાય તો ગંગા નાહ્યા…” એમના મનમાં હવે આ એક જ પોકાર હતો.

પરંતુ, ફોટોગ્રાફરે તો કેમેરાની ચાંપ દબાવવાને બદલે કેમેરાને જ આંખોથી અળગો કર્યો. એણે બળવંતરાયની પાસે આવીને પોતાના બંને હાથથી બળવંતરાયના ચહેરાને ગોઠવ્યો.

“ભાઈ, જલદી કરને.” બળવંતરાયે અકળાઈને કહ્યું.

“કાકાં, તમારે ઉતાવળ છે. પણ, ફોટો તો મારે પાડવાનો છેને? ફોટો વ્યવસ્થિત ન આવે તો મને મજા ન આવે.” ફોટોગ્રાફર કેમેરાને ફરીથી પોતાની આંખ સામે રાખતાં બોલ્યો.

“એ વાત પણ સાચી.” બળવંતરાયનું મન બોલ્યું. “ફોટો તો એવો હોવો જોઈએ કે જોનારને એમ જ લાગે કે બળવંતરાય હમણાં જ બોલી ઊઠશે.”

“રેડી…?”  ફોટોગ્રાફરે ચાંપ દબાવવાની તૈયારી સાથે પૂછ્યું.

“હુ તો રેડી જ છું.” બળવંતરાયને બોલવાનું મન થયું પણ એમનાથી બોલાયું નહિ.

“જરા સ્માઈલ”  બળવંતરાયને સાત સમંદર પારથી આવતો હોય એવો, ફોટોગ્રાફરનો અવાજ સંભળાયો. એમણે પોતાના હોઠ પહોળા કર્યા.

“બસ… બસ.” ફરીથી, દૂર દૂરથી આવાતો હોય એવો અવાજ સંભળાયો.

બળવંતરાયને લાગ્યું કે સમય ખોટી રીતે વેડફાઈ રહ્યો છે. ફોટોગ્રાફર કેમેરાની ચાંપ ડાબે એ માટે એમના રોમ રોમમાં તડપ જાગી હતી.

‘એમજ  સ્થિર રહેજો અને નજર સીધી..”

બળવંતરાયને કોઈ અદૃશ્ય શક્તિ પોતાને દોરવણી આપી રહી હોવાનો અનુભવ થયો.  તેઓ સ્થિર થઈ ગયા. એમની નજર કેમેરાના કાચ પર સ્થિર થઈ ગઈ. અર્જુનને જેમ ચકલીની માત્ર આંખ દેખાતી હતી એમ એમને કેમેરાનો માત્ર કાચ દેખાતો હતો. એમનું એકમાત્ર ધ્યેય એ કાચમાં સાજાસમા ઝીલાઈ જવાનું હતું.

સ્થિર થઈ ગયેલા બળવંતરાયને કેમેરાના કાચમાં આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયેલું દેખાયું. આખું બ્રહ્માંડ! જે ક્યારેક અર્જુને શ્રીકૃષ્ણના મુખમાં દીઠ્યું હતું. પછી, બળવંતરાયને સ્થિર થઈ ગયેલો ક્ષીરસાગર દેખાયો ને દેખાયા શેષનાગ. શેષનાગની ફેણ પર લાંબા પગ કરીને બિરાજેલા ભગવાન વિષ્ણુ દેખાયા અને દેખાયાં એમના પગ દાબતાં લક્ષ્મીજી. ને દેખાયા કોટિ કોટિ દેવતાઓ. જે સૌ નભમાં સ્થિર થઈ ગયા હતા. ને સ્થિર થઈ ગઈ હતી ઘરના બારણે ઉભેલી રમા.

એ સહુ કેમેરાની ચાંપ દબાય એ ક્ષણની રાહમાં આકુળવ્યાકુળ હતાં.

બળવંતરાયને કેમેરાની આંખમાં એક ચમકારો દેખાયો. પછી તો કેમેરામાંથી જાણે કે પ્રકાશનો પૂંજ છૂટ્યો.  વિષ્ણુ અને લક્ષ્મીજીના હાથ આશીર્વાદ આપવા કાજે અધ્ધર થયા. દેવતાઓ દંદુભિઓ વગાડવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બળવંતરાયને લાગ્યું કે પોતે ફૂલોની નીચે ઢંકાઈ જશે.

“બસ કરો… બસ કરો..” બળવંતરાય બોલવા ગયા પણ, એમના ગળામાંથી અવાજ ન નીકળ્યો.

“ઓકે..” ફોટોગ્રાફર બારણા તરફ વળતા બોલ્યો.

પરંતુ, એ બારણું ખોલે તે પહેલાં તો ‘ધડીંગ’ અવાજ થયો. એણે ચમકીને પાછળ જોયું તો બળવંતરાય ખુરશી પરથી ખરી પડ્યા હતા.

[સમાપ્ત]

શિક્ષા

મિત્રો, 

પોતાના બાળકને સંસ્કારી બનાવવાની લહાયમાં અતિ કઠોર વર્તન દાખવનારા એક પિતાની મનોદશા રજૂ કરતી મારી એક વાર્તા “રીડ ગુજરાતી ” પર રજૂ થઈ છે. આપ સહુને ગમશે તેવી આશા સાથે વાર્તાની લિંક મૂકું છું. વાર્તા વાંચીને “રીડ ગુજરાતી ” પર જ પ્રતિભાવ આપશો એવી  વિનંતી છે. 

આ રહી લિંક: શિક્ષા – યશવંત ઠક્કર (ટૂંકી વાર્તા)

—— યશવંત ઠક્કર 

અફવાવેગે ફેલાતી બીક

મિત્રો,

“રીડ ગુજરાતી” માં  મારી એક નવલિકા  ”બીક” પ્રગટ થયેલી છે.  જે નવલિકા આપ સહુ મિત્રો નીચે આપેલી લિંક  પર વાંચી શકશો.  નવલિકા વાંચીને “રીડ ગુજરાતી”  પર પ્રતિભાવ આપવા વિનંતી છે.

બીક – યશવંત ઠક્કર

ફરી એક વાર

[મિત્રો, તા.૧૯-૧૦-૧૯૯૧ના રોજ સાંજના ૬:૧૫ વાગે આકાશાવાણી અમદાવાદ- વડોદરા પરથી પ્રસારિત થયેલી મારી  એક નવલિકા અત્રે રજૂ કરું છું. આપને જરૂર ગમશે એવી આશા સાથે ... ] 

વાચનયાત્રા

સૌજન્ય: અશોક મોઢવાડીયાનો બ્લોગ: વાંચનયાત્રા

ફરી એક વાર

એક લારીમાં વેચાતી લીલી મગફળી નજરે પડી ને  મારું મન તો જે ભાગ્યું છે … જે ભાગ્યું છે કે સીધું રૂડાબાપાના ખેતરે! હવે ક્યાં આ વડોદરા શહેર ને ક્યાં અમરેલી જિલ્લામાં, મારા ગામની સીમમાં આવેલું રૂડાબાપાનું ખેતર? ઓરું તો ન જ કહેવાયને? પણ મનને તો શું દૂર ને શું નજીક? એ તો ઘોડે ચડીને ઉપડે ને ભલું હોય તો વાયરાની હારોહાર ઉપડે! મનને ક્યાં ટિકિટ ફડાવવી પડે છે કે ક્યાં ધક્કામુક્કી સહન કરવી પડે છે!

મારું મન તો ઉપડ્યું.  રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના થોડાક છોડવા ખેંચ્યા હોય તો? ને એ છોડવામાંથી મગફળીના ડોડવા તોડી તોડીને ખિસ્સામાં ભર્યાં હોય તો? ને એ ડોડવામાંથી કુમળા કુમળા દાણા મોઢામાં મૂક્યા હોય તો? અહાહા! એવી મજા આવે એવી મજા આવે! મન તો માંડ્યું મજા લેવા. પણ બિચારી જીભલડીને શું સમજવું? ને જ્યાં સુધી જીભલડીણા ચટાકા પૂરા ન થાય ત્યાં સુધી મનની મજા પણ અધૂરી જ રહી જાય ને? એટલે મારું મન ચડ્યું કજિયે! 

મન કજિયે ચડ્યું તો એવું ચડ્યું કે, ગમે તે થાય પણ આ મોસમમાં નાનીધારી જાવું જ છે. ને રૂડાબાપાના ખેતરમાંથી મગફળીના છોડવા ખેંચવા જ છે. ને એ પણ છાનામના! કોઈ જુએ નહી તેમ! પછી છોડવાને બાથમાં લઈને ખેતરની વાડ પાસેથી નીકળતી નેળમાં સંતાઈને બેસી જાવું છે! પછી તો મગફળીના ડોડવા તોડી તોડી ને ખિસ્સા ભરી લેવા છે! ને પછી તો ચાલતાં ચાલતાં મગફળી ખાવાની મજા લેવી છે, લેવી છે ને લેવી છે! પચીસ વર્ષો પહેલાં આવી જ રીતે રૂડાબાપાના ખેતરની મગફળી ખાવાની મજા લેતો હતો ને હવે પણ એ જ રીતે ફરી એક વખત મજા લેવી છે!!   

મેં મારા મનને સમજાવ્યું કે :”ભાઈ મનજી, બહુ આઘાપાછા થવામાં મજા નથી. રજા બગાડવી પોસાય તેમ નથી. બસભાડાં વધ્યા છે. માટે છાનુંમાનું બેસી રહે.”  મન તો સાલું એવું ને કે મનાવ્યું માની પણ જાય. એટલે માની ગયું. 

પરંતુ બીજા દિવસે મેં ફરીથી એક લારીમાં લીલી મગફળી જોઈ. મારું મન ફરીથી કજિયે હળ્યું. આ વખત સાલા મનિયાએ વધારે ધમપછાડા કર્યાં. મેં ફરીથી મનને સમજાવ્યું. નવામાં નવી ફિલ્મની લાલચ આપી. મન ફરીથી માની ગયું. 

આમ ને આમ પૂરા ચાર દિવસો સુધી ચાલ્યું. છેવટે પાંચમાં દિવસે વહેલી સવારે થેલામાં કપડાં નાખીને હું તો નીકળી પડ્યો મારા ગામ તરફની બસ પકડવા. 

જ્યારે રાશવા દી રહ્યો ત્યારે ત્યારે હું ઈંગોરાળા ગામને પાદર ઉતાર્યો. હવે દોઢ ગાઉ ચાલવાનું હતું. પચીસ વર્ષો પહેલાં આ જ સમયે હું. કાળીદાસ અને નાથો ઈંગોરાળાને નિશાળેથી છૂટીને નાનીધારી ગામનો રસ્તો પકડતા. દોઢ ગાઉના એ રસ્તાના એકે એક વળાંક, એકે એક ઝાડ ને એકે એક ટેકરી મારા માની તિજોરીમાં કિમંતી દસ્તાવેજોની માફક સચવાઈને પડ્યાં હતાં.વળી રસ્તામાં આવતું રૂડાબાપાનું ખેતર તો અણમોલ ખજાનો હતો.

વિસાવદરીયા નદીણા વહેતાં વહેણમાં મારા પગ ઝબોળીને મેં બાકી રહેલી સફર પગપાળા શરૂ કરી. રસ્તાની તબિયત પર હજુ વરસાદની અસર જણાતી હતી. પણ મારે તો તકલીફની મજા લેવી હતી. તેથી રસ્તાની વિરુદ્ધ મારે કોઈ ફરિયાદ નહોતી. ખેતરોની લીલાશ પીવાથી મારી આંખો લીલા લીલા નશાથી ઘેરાવાઘ્ર લાગી. આમથી તેમ ઊડતાં પતંગિયાં જોઈને મને લાગ્યું કે: મારા બાળપણના ગુજરી ગયેલા દિવસો રંગબેરંગી પતંગિયાંની નાતમાં જન્મીને મારી જ સામે ઊડી રહ્યાં છે! વડલા, પીપળા ને આંબા તો વહાલા લાગે પણ વાતના બાવળિયા પણ વહાલા લાગવા માંડ્યા.  

.. હાથલિયા થોરની વાડામાંથી ફરરર કરતાં તેતર ઊડ્યાં ને મારી બી જવાની ઈચ્છા પૂરી થઈ. બોરડીના એક ઝાળામાથી એક સસલું દોડી ગયું ને મને ફરીથી મજા આવી ગઈ.મેં ફરીથી વતનના ડુંગરા જોયા. ફરીથી ખેડૂતોના હાકલા સાંભળ્યા. ફરીથી અંધારિયો કેડો પાર કર્યો ને ફરીથી જોયું રૂડાબાપાનું ખેતર! 

હું ઊભો રહી ગયો. આંખો ભરી ભરીને રૂડાબાપાનું ખેતર જોયું. ખેતર મગફળીના છોડવાથી ભર્યું ભર્યું હતું. મેં આસપાસ નજર કરી. કોઈ આવતું નહોતું. કોઈ જાતું નહોતું. માંનેમાં થયું કે  મારું એક ઠેકડો ને ઠેકી જાઉં વાડ! ખેંચી લઉં થોડા છોડવા ને બેસી જાઉં સંતાઈને નેળડીમાં!મગફળીના ડોડવાથી ભરી લઊ ખિસ્સાં! 

હું રૂડાબાપાના ખેતરની વાડ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો મારામાં રહેલો ચાલીસ વર્ષોની ઉમરનો માણસ તેના તમામ ડહાપણ સાથે મારું જ આડફળું બાંધીને ઊભો રહી ગયો હતો! 

હું વાડ પાસેથી પાછો ફર્યો. મને ડર લાગ્યો કે કોઈ આવી જાશે ને મને જોઈ જાશે  તો  શું કહેશે? કહેશે કે: ભલા માણસ, આ ઉમરે ને આવી ચોરી? અરે!ગામમાં જઈને માંગી હોત તો બે મુઠ્ઠી માંડવી આપવાની કોણ ના પાડત? 

એ જ ઘડીએ મેં દૂરથી આવતાં બળદગાડાની ધડબડાટી સાંભળી. મારે ભારે હૈયે ગામ તરફ પગલાં ભરવા પડ્યાં. જતાં જતાં રૂડાબાપાના ખેતર તરફ નજર નાખતો રહ્યો. પચીસ વર્ષો પહેલાના અતિતનો એક ટૂકડો ફરીથી જીવી જવાની મારી ઇચ્છા મનમાં જ રહી ગઈ. 

…. અને બીજે દિવસે રૂડાબાપાની ડેલી હતી.ડેલીપછી ફળિયું હતું. ફળિયા પછી પગથિયાં ને પગથિયાં પછી ઓસરી હતી. ઓસરીમાં ઢોલિયો હતો ને ઢોલિયે મને બેસાડાવામાં આવ્યો હતો. મારી સામે પૂનમના ચંદ્રમા સમી થાળી હતી અને થાળીમાં હતા છલોછલ લીલી મગફળીના ડોડવા!

રૂડાબાપા બોલ્યા: “ખા દીકરા ખા. પેટભરીને ખા. શહેરમાં માંડવી તો મળતી હશે પણ આવી મીઠી નહી મળતી હોય.”

ત્યાં તો દુલો બોલ્યો: “બાપા, શહેરમાં તો આને મગફળી કહેવાય. માંડવી કહો તો કોઈ સમજે ના.” ઓસરીમાં બેઠેલાં બધાં હસ્યાં. હું પણ હસ્યો. મને વડોદરાનો માંડવી દરવાજો સાંભરી આવ્યો. 

મેં કહ્યું: ” તમે પણ ખાવા લાગો. મારાથી આટલી બધી નહિ ખવાય. “ 

“અમારે તો રોજનું થયું. તમે ખાવ.” છોકરાઓ સામટા બોલી ઊઠ્યા.  

પછી તો મારી આંગળીઓ અને મારું મોંઢું કામે લાગી ગયાં. ફોફાનો ઢગલો થવા લાગ્યો. જીભનો ચટાકો પૂરો થવાથી જીભ રાજી થઈ. મનનો કજિયો ભાંગવાથી મન રાજી થયું. 

મનનો એ રાજીપો પૂરો થાય તે પહેલાં તો રૂડાબાપાએ મને પૂછ્યું: “કેમ દીકરા? લીલી માંડવી ખાવાની મજા આવે છેને?” 

“મજા તો આવે જ ને.” મેં કહ્યું.

“બહુ મહા આવે છે?”

“હા..હા. બહુ મજા આવે છે.”

“તુ ખોટું બોલે છે. “

“એમાં ખોટું શા માટે બોલવાનું? ખરેખર બહુ મજા આવે છે.”

“ના.. ના… સાવ ખોટી વાત.” રૂડાબાપા જાણે હઠે ચડ્યા. “તુ ભલે કહે કે બહુ મજા આવે છે. પણ એવી મજા તો નહિ જ આવતી હોય.”

“કેવી મજા?” મને હવે રૂડાબાપાની બીક લાગવા માંડી.

“જેવી મજા મારા ખેતરની વાડ કૂદીને ખાવાની મજા આવતી હતી એવી મજા” 

.. ને મારા હાથ અટકી ગયાં. હાથમાંથી મગફળીના ડોડવા પડી ગયાં. મોઢામાં મૂકેલા દાણાને કમને ચાવી ગયો અને કડવો ઘૂંટડો ઉતારતો હોઉં તેમ ગળે ઉતારી ગયો.રૂડાબાપાનો એ ઢોલિયો જો ઊડનખટોલો હોત  તો હું ઘડીનોય વિલંબ કર્યાં વગર ઊડી જાત!

“કેમ જવાબ નથી દેતો દીકરા? હું ખોટું કહું છું?   ઇંગોરાળાની નિશાળેથી પાછા ફરતી વખતે તુ, કાળીદાસ અને નાથો મારા ખેતરમાં નહોતા ખાબકતા? અરે! હું મારી સગી આંખે તમને જોતો હતો! તમને કેવી મજા આવતી હતી તે મારાથી અસ્તુ નથી.”

પચીસ વર્ષો જૂના ગુના મને સતાવવા લાગ્યાં. હું જેનો ગુનેગાર હતો તે રૂડાબાપા મારી જ સામે હતા અને હું જે ખાઈ રહ્યો હતો તે મગફળી પણ એમની જ હતી! શરમનો માર્યો હું થાળીમાં પડેલી મગફળીને જોઈ રહ્યો. 

“દીકરા, તારે આમાં  શરમાવાની જરૂર નથી. એનું જ નામ બાળપણ! બાળપણમાં ખાધાચીજ ચોરીને જ ખાવાની મજા આવે. ભગવાન જેવાં ભગવાને પણ માખણ ચોરીને જ ખાધુતુને? ગોકુળ છોડ્યા પછી એને ફુરસદ મળીતી?”  

રૂડાબાપાના શબ્દોએ મારી શરમ દૂર કરી. મેં કહ્યું:” બાપા, તમે અમને જોતાં હતા તો પછી રોકતા કેમ નહોતા?” 

” લે કર્ય વાત! છોકરા બે છોડવા ખેંચીને થોડીક માંડવી ખાતા હોય તો એણે રોકવાના હોય? હા, જો તમે માંડવી વેચવા માટે ચોરતા હોત તો જરૂર સોટાવાળી કરત. પણ હું તો તમારા આવવાના ટાણે જાણી જોઈને સંતાઈ જાતોતો. તમને એમ કે અમને કોઈ જોતું નથી. તમને ચોરીને માંડવી ખાવામાં મજા પડતીતી. એ જોઈને મનેય મજા આવતીતી. પછી રંગમાં ભંગ પાડવાનો મતલબ ખરો?” 

રૂડાબાપાની હળવાશે મને પણ હળવો કરી દીધો. “બસ હવે નહિ ખવાય.” એવું કહીને મેં હાથ ખંખેર્યા તો રૂડાબાપાએ મારો હાથ પકડીને કહ્યું: : આટલી પૂરી ન કરે તો તને મારા સમ છે.”

મેં ફરીથી મગફળી ખાવાનું શરૂ કર્યું.  રૂડાબાપાના શબ્દો મારા મનમાં રમતે ચડ્યા હતા.

મને થયું કે: માત્ર કાનુડાને જ નહિ કેટલાય માણસોને પોતપોતાનું ગોકુળ અને ભાવતું માખણ છોડીને, જવાબદારીઓ અને મજબુરીઓથી ભરેલા મથુરાની વાત પકડવી પડે છે!  

પરંતુ હું કેટલો નસીબદાર હતો કે આજે ફરીથી મારા ગોકુળમાં આવી શક્યો હતો!

“પણ મારા સવાલનો જવાબ હજી બાકી છે. દીકરા સાચું કહે . ત્યારે આવતીતી એવી મજા અત્યારે આવે છે? રૂડાબાપાએ પોતાનો એ સવાલ ફરી દોહરાવ્યો.

મારાથો મુક્તપણે હસી પડાયું. ” બાપા, એ મજા તો મજા હતી. હવે એવી મજા તો ન જ આવેને!” મારાથી બોલાઈ ગયું. 

મારા એ જવાબ પર બધાં ખળખળ વહેતાં ઝરણા જેવું હસી પડ્યાં. 

લીલી મગફળી મીઠી તો હતી જ. પછી એ વધારે મીઠી લાગવા માંડી.

[સમાપ્ત]  

[ લીલી મગફળીનો છોડવો ચોરવા બદલ  વાચનયાત્રા  બ્લોગના ધણીની અમે ક્ષમા માંગીએ છીએ. ]

સુખડી

[મિત્રો,  ઝૂપડપટ્ટીમાં રહેતાં લોકોની પોતાની સમસ્યાઓ હોય છે. સપનાં હોય છે. મર્યાદાઓ હોય છે. શહેરની સડકના કિનારેના  ઝૂપડામાં રહેતા એક પરિવારની આ કહાની છે...]  

સુખડી — યશવંત ઠક્કર

ચંદુ રમતાં રમતાં દોડ્યો ને એની ચડ્ડી ગોઠણની નીચે ઊતરી ગઈ.

રેવા ખડખડાટ હસી પડી. અલી બોન, તારા છોકરાને સારી ચડ્ડી તો પહેરાવ.”

“હોવી જોઈએ ને… કમુ બોલી.

ના હોય તો લઈ દે બિચારાને.

એના બાપને મેં કેટલીય વાર કીધું પણ મૂઓ પીવામાંથી ઊંચો આવે તો ને?”

તું પીવા દે છે ત્યારેને? મારા ધણીને તો હું અડવાય ના દઉં.”

“આ તો મને ગાંઠતો જ નથી. મૂઓ મારવા લે છે. અબી હાલ પીવા જ ગ્યો છે. આવીને ઉપાડો લેવાનો જ છે.”

“મારો ધણી તો… રેવાએ ખુશાલનાં ગુણગાન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે કમુ વાલજીનાં અપલક્ષણો કહેતી ગઈ. કમુના વાંહામાં પડેલી સોળો કમુના વસ્ત્રોથી ઢાંકી ઢંકાતી નહોતી. કમુ બોલે કે ના બોલે એ સોળો બોલ્યા વગર રહેતી નહોતી.

…વાલજીને આવતો જોઈને કમુ બોલી: “આ આવ્યો. મૂઓ સો વરસ જીવવાનો છે. 

પી…ને જ આવ્યો લાગે છે.”

“ના. ના. આજે પીધો નથી લાગતો. પીધો હોય તો એની ચાલ જ ફરી જાય.

મને તો કાંઈ ફેર લાગતો નથી.

“તને ખબર ના પડે. મારા ધણીને હું ઓળખું એટલો તું ના ઓળખે.”

“એ તો એમ જ હોય.

રેવા પોતાનાં ઝૂંપડામાં જતી રહી. વાલજીએ આવીને ઝૂંપડાની બહાર,લીમડાના ઝાડ નીચે ખાટલામાં પોતાની જાતને ફેંકી.

કેમ આજે કોરા? કમુએ પૂછ્યું.

એની  બોનને…. માલ જ નહીં આયો. વાલજીએ જવાબ દીધો ને ખાટલામાં લાંબો થઈ ગયો. 

સારું થયું. કમુએ છણકો કરીને કહ્યું.

તારી માની ટાંગ સારું થયું. વાલજી ખાટલામાં બેઠો થઈ જતાં બોલ્યો.

કમુ ચૂપ થઈ ગઈ.  વાલજી થોડો બબડાટ કરીને પાછો ખાટલામાં લાંબો થઈ ગયો.

રેવાની મોટી છોકરી ગંગા કમુને પૂછી ગઈ કે:“માસી, ચંદુને ઘર ઘર રમાંડું?”

રમાંડને મારી બોન.” કમુ કુંડી પાસે બેસતાં બોલી. કુંડી ઉલેચાતીગઈ. કુંડીનું પાણી રસ્તા પર ફેલાઈ ગયું…..કમુને હાંફ ચડી ગઈ.

…..મેદાનની સામે પારની સોસાયટીમાંથી માઈકનો અવાજ આવ્યો ને વાતાવરણ આળસ મળડીને બેઠું થઈ ગયું. ઝૂંપડાની બાઈઓ છોકરાંને લઈ ને બહાર આવી ગઈ. ચંદુ ને ગંગા ઊભાં થઈને જોઈ રહ્યાં.

અલી….સરઘસ આવ્યું લાગે છે. રેવા ઝૂંપડામાંથી બહાર આવીને બોલી.

કોને ખબર! કમુએ કહ્યું.માસી ચંદુને  જોવા લઈ જાઉં?” ગંગાએ કમુની રજા માંગી.

 “લઈ જા ને બોન. તો તો તારા જેવું કોઈ નહીં”.  કમુએ હા પાડી દીધી.

પણ વાલજી ફરીથી ખાટલામાં બેઠો થઈ ગયો. તેણે ખીજવાઈને ના પાડી દીધી.  ફાળોઉઘરાવે છે એમાં શું જોવાનું છે? તમે આલવાનાં છો કાંઈ?”   

ચંદુ અને ગંગાના હાથ છૂટી ગયાં. પગ રોકાઈ ગયાં. આંખો વાલજીના ચહેરા પર ખોડાઈ ગઈ.

શાનો? ગણપતિનો ફાળો? કમુએ પૂછ્યું.

વાલજી વધારે ખીજવાયો.  હવે તારે ચૂપ મરવું છે? કાંઈ ખબર ના પડતી હોય તો બોલવું જ નહીં.”

રેવા હસી. કમુને મજા પડી ગઈ. “ખબર ના પડતી હોય તો પૂછવું ય નહીં?” તેણે છણકો કર્યો.

ગણપતિને ડુબાડી દીધા પછી ક્યાંય ગણપતિનો ફાળો જોયો છે? વાલજી બોલ્યો.

તો હશે નવરાત્રિનો. કમુ હસી. 

અલી… નવરીની… આ તારા કાકા ધરતીકંપનો ફાળો ઉઘરાવે છે.” વાલજીએ હાથ લાંબો કર્યો.

હું તો ભૂલી જ ગઈ. કમુએ કહ્યું.

કમુ અને રેવા ધરતીકંપની વાતોએ ચડ્યાં. તેઓ પાયમાલ થઈ ગયેલાં લોકોની દયા ખાવા માંડ્યાં. ત્યારે વાલજીથી બોલ્યા વગર ન રહેવાયું.

તેણે બીડી સળગાવતાં કહ્યું: “પણ મદદ કેટલી આવી છે એની ખબર છે? ઠેઠ અમેરિકાથી વિમાન આવ્યાં છે! ને એ… ગાડીઓ ને ગાડીઓ ઠલવાય છે ત્યાં.

અલી બોન. સુખડીની પણ ગાડીઓ ભરી ભરીને જાય  છે.”રેવાએ કહ્યું.     

સુખડીને શું કરશે? કમુએ જાણીજોઈને પૂછ્યું.

ને વાલજી બગડ્યો. “નવરીના પેટની… ભૂખ્યાંતરસ્યાં લોકો ખાશે. તને તો કાંઈ ભાન પડે છે કે નહિ?”

હાલોને આપણે ય ત્યાં પોગી જઈએ.” કમુ હસતાં હસતાં બોલી.

-વાલજીનાં હૈયામાં રહેલી મોટી ગાળ તેના હોઠ પર આવી જવાની તૈયારીમાં હતી ત્યાં તો –

હા મા. હાલો આપણે ય ત્યાં પોગી જાઈ. ચંદુ કમુનો સાડલો પકડતાં બોલ્યો.

ત્યાં તારા બાપનું કાંઈ દાટ્યું છે? વાલજીએ થોડા કૂણા થઈને ચંદુને પૂછ્યું.

“ત્યાં સુખલી ખાવા મળશે. ચંદુએ આંખો નચાવતાં કહ્યું.

ને બધાં હસી પડ્યાં. વાલજી પણ. ગંગાએ ચંદુના ગાલે બકી ભરી લીધી.

… માઈકનો અવાજ સંભળાતો બંધ થયો પણ ચંદુનો કજિયો ચાલુ જ રહ્યો. બસ એક જ વાત:

“મારે સુખલી ખાવી છે. અબી ને અબી. નઈં તો હાલો સલઘસમાં સુખલી ખાવા.

“અરે ગાંડા. સુખડી આંય નથી વહેંચવાના.” વાલજીએ બીજી બીડી સળગાવતાં કહ્યું.

તો ક્યાં વહેંચવાના છે? ચંદુએ પૂછ્યું.

ધરતીકંપ થયો છે ત્યાં. 

“ધલતીકંપ થાય ત્યાં સુખલી વહેંચાય?”

એ… હા.

આંય ધલતીકંપ ક્યારે થાશે?

મર મૂઆ. આવું શું બોલસ?” કમુએ ચંદુના વાંહામાં એક ધબ્બો દઈ દેતાં કહ્યું.

ચંદુએ ભેંકડો  તાણ્યો.                    

વાલજી ઉકળ્યો,  નવરીની. છોકરા પર હાથ ઉપાડસ? શરમ વગરની.”

“પણ જુવોને. કેવું બોલ્યો?”

“એને ખબર પડે છે? વાલજીએ હોલવાઈ ગયેલી બીડીનો કુંડીમાં ઘા કરતાં કહ્યું.  “ભાળય, કોઈ દાડો છોકરા પર હાથ ઉપાડ્યો છે!.મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય.

“ઉપાડવોય પડે. કમુએ જવાબ દીધો.

એ જવાબ પર વાલજી ખાટલામાંથી ઊભો થઈ ગયો ને કમુને મારવા ફરી વળ્યો. રેવા પોતાના ઝૂપડામાં જતી રહી. ચંદુ બીકનો માર્યો સુખડીને ભૂલી ગયો ને ગંગાની પાસે જઈને ઊભો રહી ગયો. ગાળાગાળી સાંભળીને બીજાં ઝૂંપડામાંથી કોઈને જોવા આવવાની જરૂર લાગી નહીં.રસ્તે જનારા થોડી વાર ઊભા રહીને ચાલ્યા ગયાં.

થોડી વાર પછી એ તમાશો પણ બીજું ઝૂપડું શોધવા ત્યાંથી જતો રહ્યો. ફરીથી બધું હતું એમ ને એમ જ ! વાલજી ફરીથી ખાટલામાં લાંબો થઈ ગયો. કમુ ફરીથી ઘરનાં કામમાં વળગી.

ચંદુની જીભે ફરીથી ‘સુખલી’ નું રટણ શરૂ થઈ ગયું. મા….મારે સુખલી ખાવી છે. તેણે કમુની પાસે આવીને રડતાં રડતાં કહ્યું.

કમુથી રહેવાયું નહીં તે બહાર આવી. “આજે તમારી પોટલીના પૈસા બચ્યા છે તો આ છોકરાને કાંઈક ભાગ તો લઈ દો તેણે વાલજીને કહ્યું.

“હેં…… વાલજી બોલ્યો.

હેં હેં. શું કરો છો? એના નસીબના હશે એમ માનો ને બિચારાનો કજિયો ભાંગો.

“હા. સાલી એ વાત સાચી થઈ. હાલ્ય દીકરા આજે તો તને ચોકલેટ ખવડાવું.” વાલજી ખાટલામાં બેઠો થઈને બોલ્યો.

ચોકલેટનું નામ સાંભળીને ચંદુ રાજી થઈને કૂદવા માંડ્યો. એની ચડ્ડી પાછી ગોઠણની નીચે પહોંચી ગઈ.

વાલજી ખીજાયો. આની ચડ્ડીનાં તો ઠેકાણાં નથી. તબાલામાંથી એને દૂકાને લઈ જાઉં.

“એવું જ હોય. આપણે કાંઈ અલકાપુરીમાં નથી રહેતાં સમજ્યાં?

“એટલે? માણસની રીતે નહીં રહેવાનું?”

“જોઈ હવે તમારી માણસની રીત. કમુએ છણકો કર્યો.

તું મારી વાત રહેવા દે. માણસના પેટની હો તો મારી હારે મગજમારી રહેવા દે કહું છું. નહીં  તો….. વાલજી ઊભો થઈ ગયો.

સારું હવે. હાથ ઉપાડવાની કાંઈ જરૂર નથી. બહુ થઈ ગયું છે આજે.”

“તો મગજમારી કેમ કરી?

નહીં કરું હવે. જાવ.

“છોકરાને ચડ્ડી સરખી પહેરાવ.

“હું શું કરું? રહેતી જ નથી.

“ના કેમ રહે? સૂતળી બાંધ. તારું નાડું બાંધ. મારે બધું કહેવાનું…નવરીની…

વાલજી બબડતો રહ્યો. કમુએ ચંદુની ચડ્ડીને એની કમર સાથે સૂતળીથી કચકચાવીને બાંધી દીધી.

જાવ. કમુએ ચંદુને મીઠો ગુસ્સો કરીને કહ્યું. ચંદુ મલકાતો મલકાતો વાલજી પાસે ગયો.

વાલજી ઊભો થયો. ચંદુનું બાવડું પકડીને તે બોલ્યો…. હાલો. હીરો હીરાલાલ.

ચંદુ ખડખડાટ હસી પડ્યો. કમુ વહાલથી ચંદુને જોઈ રહી…ચંદુએ વાલજીની આંગળી પકડી.

…ને ધનિયાએ વાલજીના ઝૂંપડાની સામે જ રસ્તાની કોરે સાઈકલ ઊભી રાખી દીધી.

વાલજીને થોડીઘણી સમજણ પડી ગઈ. ચંદુને લઈને તે ધનિયા પાસે પહોંચ્યોં.

કેમ લ્યા? છે કાંઈ ખબર?” વાલજીએ પૂછ્યું.

“હા.માલ આઈ ગયો છે એ કહેવા આયો છું.” ધનિયાએ ધીમેથી કહ્યું.

હત તેરીકી. હું તો આ છોકરાને ભાગ અલાવવા જતો’તો.

મેં તો મારી ફરજ પૂરી કરી. હવે તમે જાણો.

“એમ કર ને. તું જા. હું તારી પાછળ પાછળ જ આયો… વાલજીએ ત્વરિત નિર્ણય લઈ લીધો. ધનિયાએ સાઈકલ દોડાવી.

ચંદુ પાસેથી આંગળી છોડાવતાં વાલજીએ કહ્યું: “તને કાલ ચોકલેટ લઈ દઈશ હોં.”

ચંદુ રડવા જેવો થઈ ગયો. કમુને દૂર ઊભા ઊભા જ વાત સમજાઈ ગઈ. “કહું છું કે આજ ના જતા હોં. બિચારા છોકરાને ભાગ વગરનો ના રાખતા.” તેણે બૂમ પાડીને કહ્યું.

“તું ચૂપ મર.” વાલજીએ સામી બૂમ પાડી.

ચંદુને મૂકીને વાલજી ચાલતો થયો. કમુએ કકળાટ કર્યો પણ વાલજીએ પાછું વળીને જોયું જ નહીં. ચંદુએ રડ્વાનું શરૂ કર્યું. રેવા ઝૂંપડામાંથી બહાર આવી.

શું થયું કમુ? તેણે પૂછ્યું.

ધનિયો……એની માનો…….ક્યાંથી આવી પડ્યો? એનું નખ્ખોદ જાય. મારા છોકરાની મનની મનમાં રહી ગઈ.

“મા…..સુખલી ખાવી છે.” ચંદુએ આવીને કહ્યું.

કમુએ એને છાતીએ વળગાડ્યો. “અલી બોન. આજે આનો બાપ ભાગ લેવા લઈ જતો’તો ત્યાં તો નખ્ખોદિયો ધનિયો આંય પોગી ગયો ને આના બાપને પીવા બોલાવી ગયો.”

અરેરે…

”બિચારો એટલો રાજી થઈ ગયો’તો…પણ નસીબમાં નહિ હોય તઈંને…નહિતર આજે તો માલેય નહોતો આયો. કોણ જાણે!ધનિયો શું કહી ગયો કે એ તો આને મૂકીને થયા હેંડતા. હવે જોજે બેય જણા પી….ને જ આવશે.

મારો ધણી તો કોઈની વાદે ચડે જ નહીં.  રેવાએ પોતાના ધણીનાં વખાણ શરૂ કર્યાં…..

કમુ પોતાના નસીબનો દોષ કાઢતી રહી……..સમય લથડિયાં ખાતો આગળ ચાલ્યો….કમુ ચૂલે વળગી…

ગંગા ચંદુને પટાવીને રમવા લઈ ગઈ.  એક ખાબોચિયા પાસે બંને રમવા લાગ્યાં. 

…એકદમ જ ચંદુ ઊછળી ઊછળીને કૂદકા મારવા માંડયો. “સુખલી…સુખલી…. તે તાળીઓ પાડી પાડીને બોલ્યા માંડયો…..

ઝૂંપડાની અંદર ચૂલો ફૂંકતી કમુનું રોમરોમ રાજી થઈ ગયું. તેણે માન્યું કે, મૂઆને અક્કલ આવી હશે એટલે જ છોકરા સારું મીઠાઈ-બીઠાઈ લાવ્યો હશે…..તે દોડતી બહાર આવીને જોઈ  રહી….

ને જોતી જ રહી ગઈ… તેને બે ધડી તો સમજણ પણ ના પડી કે છોકરાના રાજીપા પર હસવું કે રડવું.

રસ્તાને કાંઠે પડેલાં ખાબોચિયાના ભીના કાદવમાં ગંગાએ ચાકાથી આંકા પાડ્યા હતા. એ ખરેખર સુખડીના ટૂકડા હોય તેમ એક પછી એક ચોસલું કાઢી કાઢીને તે બાજુમાં સંભાળીને મૂકતી જતી હતી.  

સુખલી આવી હોય એ જાણીને ચંદુ ખુશીનો માર્યો કૂદવા માંડ્યો હતો.

…ને કમુ હસવા માંડી. મન મૂકીને હસવા માંડી. તેની આંખોમાં આંસુ આવી ગયાં તો ય હસતી રહી.

અલી….ગાંડી તો નથી થઈ ગઈને?” રેવાએ પૂછ્યું.

જો તો ખરી. કમુએ કાદવનાં ચોસલાં તરફ આંગળી ચીંધી. રેવા હસી.

રેવા હસી એટલે કમુ વધારે હસવા માંડી……

અલી બોન બસ કર. ગાંડી થઈ જઈશ. રેવા બોલી. પણ કમુ તો હસતી જ રહી….

… ને કમુ અટકી ગઈ. જાણે વીણાનો તાર તૂટી ગયો. તે હોઠ બીડીને સ્થિર નજરે રસ્તા તરફ જોઈ રહી.

રસ્તા તરફથી વાલજી લથડિયાં ખાતો ખાતો ઘર તરફ આવી રહ્યો હતો.

                                   *********** 

એક હોટલ, એક લેખક ને એક યુવાન!

[મિત્રો, આજે એક વાર્તા રજૂ કરું છું.  આ વાર્તા ગુજરાતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ૩૧ માર્ચ ૧૯૯૧ ,રવિવારના રોજ પ્રગટ થઇ હતી. વીસ વર્ષો પહેલાની  આ વાર્તા કોઇપણ પ્રકારના ફેરફાર વગર રજૂ કરું છું. ]

                                                                                          અપેક્ષા    - યશવંત ઠક્કર 

જે હોટેલમાં તેઓ બધા લેખકો અને કવિઓ એકઠા થતા હતા તે હોટેલની બહાર સનતકુમારઊભા ઊભા બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા. તેમનો એકપણ મિત્ર આજે હોટેલ તરફ ફરક્યો નહોતો. આવું થાય ત્યારે સનતકુમાર અકળાઈ જતા. અકળાયેલા અને ધૂંધવાયેલા સનતકુમારે ત્યાંથી જવા માટે થોડાંક કદમ ભર્યાં  હશે ત્યાં તો એક અજાણ્યા યુવાને તેમની પાસે આવીને સીધો જ સવાલ કર્યો કે: “તમે જ લેખક સનતકુમાર છો કે?”

સનતકુમારને ઘણાં લોકોએ અહોભાવથી આવો સવાલ કર્યો હતો. પરંતુ આ યુવાને જે રીતે સવાલ કર્યો હતો એ રીતે આ પહેલાં કદી કોઈએ કર્યો નહોતો. આ યુવાન જાણે કે સનતકુમારની ઝડતી લઈ રહ્યો હતો.

“જી થોડુંઘણું લખું છું.” સનતકુમારે નમ્રતાથી કહ્યું.

“મેં સાંભળ્યું છે કે આ હોટેલમાં ઘણાબધા સાહિત્યકારો ભેગા થાય છે.”

“સાચી વાત છે. પણ આજે મારા સિવાય બીજું કોઈ આવ્યું નથી. હું એ લોકોની રાહ જોઈને જ જઈ રહ્યો છું.”

“મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. હું માનું છું કે તમારી પાસે તમારા વાચક માટે એટલો સમય તો હશે જ.”

“હા હા ચોક્કસ.” સનતકુમારે જવાબ તો આપ્યો. પણ તેઓ સમજી ચૂક્યા હતા કે આજે રોજ કરતાં જુદું જ બની રહ્યું હતું.

તેઓ હોટેલમાં જઈને એ ખૂણામાં બેઠા જે ખૂણામાં મોટા ભાગે સનતકુમાર અને તેમના મિત્રો બેસતા હતા. હોટેલ એટલી મોટી અને સામાન્ય હતી કે નવરા લોકો ચા-કોફી પીધાં પછી પણ લાંબો સમય સુધી બેસી શકતા. સનતકુમાર અને તેમના મિત્રોએ વાતોવાતોમાં ઘણી કવિતાઓનું સર્જન આ હોટેલમાં જ કર્યું હતું.

હોટેલનો છોકરો ટેબલ પર પાણીના ગ્લાસ મૂકીને તેમ જ બે ચાનો ઓર્ડર લઈને ગયો કે તુરત જ યુવાને વાતની શરૂઆત કરી: “થોડા દિવસો પહેલાં આપણા આ શહેરમાં ફિલ્મોત્સવ ઉજવાઈ ગયો. તેના એક કાર્યક્રમમાં એક ફિલ્મી હીરો કે જે આડુંઅવળું બોલ્યો તે વિષે ઘંણા બુદ્ધિજીવીઓએ ઉહાપોહ કર્યો છે. લેખકો અને વાચકોએ પણ એ વિષે છાપાઓમાં લખ્યું છે. તમારું પોતાનું એ બનાવ વિષે તેમ જ એ બનાવના પ્રત્યાઘાતો વિષે શું માનવું છે?

“એ માણસે મોટી  ભૂલ કરી છે. ” સનતકુમારે કહ્યું. “એ માણસ  તમામ ગુજરાતીઓને ગાળ દઈ ગયો  છે.  મેં મારી કોલમમાં તેની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ને ભવિષ્યમાં તે  ગુજરાતમાં ક્યાંય બોલવા ઊભો થાય તો તેને તુરત બેસાડી દેવાની હાકલ કરી છે. એવું થશે ત્યારે જ આવા લોકો સીધા થશે. ..”

યુવાન ચૂપચાપ સનતકુમારની સામે જોઈ રહ્યો. સનતકુમાર તેની નજર જીરવી ન શકતા અટકી ગયા. પહેલાં  તો તેમને લાગ્યું હતું કે યુવાને સાવ સાદી વાત પૂછી નાખી છે તેથી આવેગમાં બોલવા લાગ્યા હતા. તેઓ પોતાના લેખનો ઘણોખરો ભાગ બોલી જાત! પણ યુવાનની નજર … સનતકુમારને લાગ્યું કે યુવાન તેમના ચહેરાની અંદર ઊંડે ઊંડે જોઈ રહ્યો છે.

“એ હીરો જે કાર્યક્રમમાં બોલ્યો તેમાં તમે હાજર હતાકે? ” યુવાને પૂછ્યું.

“નાં. હું નહોતો. ” સનતકુમારે કહ્યું.

“તમે ત્યાં એ વખતે હાજર હોત તો શું કરત?”

“હું. ”  કહીને સનતકુમાર અટક્યા. અચકાયા અને થોથવાયા.  છેવટે તેમણે વાક્ય પૂરું કર્યું. “પણ હું ત્યાં હતો જ નહિ ને.”

“મારું કહેવું એમ છે કે તમે ત્યાં હાજર હોત તો શું કરત?”

છોકરાએ આવીને ટેબલ પર ચાના કપ મુક્યા. સનતકુમારે યુવાનના સવાલનો શું જવાબ આપવો એ વિષે વિચાર કરતા કરતા ચા પીવા લાગ્યા. યુવાન પણ ચૂપચાપચા પીવા લાગ્યો. સનતકુમાને થયું કે આ વાતનો ગમે તે રીતે અંત લાવીને પોતે ઉભા થઈને જતા રહે તો જ યુવાનથી છૂટી શકાશે.

ચા પીવાઈ ગઈ કે તુરત યુવાને કહ્યું, “તમે મારા સવાલનો જવાબ નથી આપ્યો સાહેબ.”

“હું શું કરી શકું? જ્યાં આટલા બધા માણસોની હાજરી હોય ત્યાં શું થઇ શકે? ” સનતકુમારે કહ્યું.

“કેમ? તમે જો માનતા હો કે એ માણસ ખરાબ બોલી રહ્યો છે તો બધાંની વચ્ચે ઊભા થઈને તેને અટકાવી ન શકો? એક બુદ્ધિજીવી તરીકે તેને વિનંતી ન કરી શકો કે તે બરાબર બોલે?  છતાં પણ તે ન માને તો ઊંચાઅવાજે તેને બકવાસ બંધ કરવાનું ન કહી શકો? અરે.. તમારી કોલમમાં હાકલ કરો છો તેવી હાકલ સાંભળનારાઓને ન કરી શકો કે- આ માણસને બોલતો અટકાવો. તે આપણા ગૌરવ ઉપર ઘા કરી રહ્યો છે. આમાંથી કશું ન કરી શકો? ” યુવાને એકધારા પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“હું શું કહી શકું? હું ત્યાં  હતો જ નહિ ને? હું હોત તો શું કરત એ વિષે હું કહી ન શકું. માફ કરજો. ડંફાસો મારવાની મને આદત નથી.”

“અચ્છા.” યુવાને કહ્યું. “તમે તમારી કોલમમાં હાકલ કરી છે કે એ માણસ ફરી ગુજરાતમાં ક્યારેય આવે ને બોલવા ઊભો  થાય તો તેને બેસાડી દેવો જોઈએ. ધારો કે તે ફરીથી ગુજરાતમાં આવે તો તેને બોલતો અટકાવવા માટે તમે પહોચી જશો? જો તમે પ્રમાણિકતાથી માનતા હો કે એવું થવું જ જોઈએ તો સહુ પ્રથમ  શરૂઆત તમારે ન કરવી જોઈએ?”

સનતકુમારે થોડી વાર પછી જવાબ આપ્યો. “જુઓ મિત્ર, મારી ફરજ લખવાની છે. જે અજુગતું લાગે તે લોકોની નજરમાં લાવવાનો મારો ધર્મ છે. તમે કહો છો તેવા જોખમો ખેડવાનું કાર્ય  મારું નથી. “

“કેમ નહિ?” યુંવાને ટેબલ  પર હાથ પછાડ્યો.  ”આ વાત જવા દો. બીજી કેટલીય એવી બાબતો છે જેના વિષે તમે ખૂબ ખૂબ લખો છો. લોકોને દોરવણી આપો છો. ચેતવણી આપો છો. સૂચનો આપો છો. અમુક બાબતોનો વિરોધ કરવાનું કહો છો પણ તમે પોતે સદેહે તેનો વિરોધ કરવાનું જોખમ ખેડતા નથી? લોકો પાસે જ જોખમ ખેડાવાની આશા શા માટે રાખો છો? “

“લખવું એ પણ ઓછું જોખમ નથી.”

“હું સહમત થાઉં છું.  પરંતુ તમને નથી લાગતું કે એનાથી વધારે જોખમ ખેડ્યા વગર ચાલે તેમ નથી.  સમાજમાં બનતો બનાવ એ લેખકો માટે માત્ર મસાલો જ બની રહે? કોઈ લેખક કોલમમાં તેનો ઉલ્લેખ કરે. કોઈ લેખક હાસ્યકથા લખીને છૂટી જાય. કોઈ લેખક નવલકથા લખવાની મથામણમાં પડે.  પછી બધું ભૂલાઈ જાય. ફરીથી નવો બનાવ બને . ફરીથી બધાં એના પર તૂટી પડે. ને છતાય એવા બનાવો બનતા જ રહે.”

“એ તો બનવાના જ..”

“જો તમે માનો છો કે એવા બનાવો  બનવાના જ તો પછી શા માટે એના વિષે લખ લખ  કરો છો? તમારા પેટ માટે?”

“મિત્ર, તમે વધારે પડતું બોલી રહ્યા છો. અમને લખવાના કેટલા પૈસા મળે છે તે જાણશો તો તમને અમારી દયા આવશે. “

“દયા તો આવે છે. લેખક મહાશય. એક ઘટનાને તમે કાગડા કૂતરાંની માફક ચૂંથો છો પરંતુ એ અશુભ ઘટના બનતી અટકે તે માટે તમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. તમારી નજરમાં જે જે અયોગ્ય બનાવો બને છે તેની મેં યાદી બનાવી છે. ચાલો મારી સાથે. આપણે એવા બનાવો બનતા અટકાવીએ. “

“કેવા બનાવોની વાત કરો છો?”

“ગણપતિ ઉત્સવ માટે દાદાગીરીથી પૈસા ઉઘરાવાતા હોય તો તેને આપણે અટકાવવા છે. કોઈએ માઈકનો અવાજ  વધારે રાખ્યો હોય તો તેને અવાજ ધીમો રાખવા માટે સમજાવવો છે.  કોઈ પ્રધાન જાહેરમાં ખોટા વચનો આપતો હોય તો તેને ખૂલ્લો પાડવો છે. આત્મવિલોપનના માર્ગે  જતા કિશોરને  અટકાવવો  છે. મોતની પોટલીઓ પીનારાઓને રોકવા છે. જાહેર કે  ખાનગી  મિલકતોની તોડફોડ થતી હોય ત્યાં જઈને તમારા પોતાના જ લેખોનું મોટેથી વાંચન કરવું છે. તમે પોતે જ તમારા વિચારો ભૂલ્યા નહી હો.”

સનતકુમાર ખોખલું હસ્યા ને બોલ્યા, “દોસ્ત,તમે મારી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખો છો.”

“તમે પણ લોકો પાસેથી ઓછી અપેક્ષા નથી રાખતા. તમારી માન્યતા પ્રમાણે ન ચાલનારા લોકોને તમે કાયર, મૂર્ખા, લુચ્ચા કે અપ્રમાણિક ગણો છો. તમારી કલમ મારફતે ચાબખા વિંઝો છો. પણ ઘરમાં બેસીને લખવાથી વધારે જોખમ ઉઠાવવાની તમારી તૈયારી નથી. “

“તમે કહો છો તેવા કામ તો કોઈ રાજકીય વ્યક્તિ કરી શકે. અમારાથી ન થઇ શકે.”

“બધાં આવું જ કહે છે. ઓળઘોળ જાય બધું રાજકારણ પર. પછી તગડા રાજકારણ વિષે પણ તમે પાનાં ભરી ભરીને લખી શકો. એવા રાજકારણને દૂર કરવા માટે સુચનો, માર્ગદર્શન કે હાકલા-પડકારા કરી શકો… ખરેખર તમે સમાજની રાતદિવસ સેવા કરો છો….”

સનતકુમાર ચૂપ થઇ ગયા. તેઓ વિચારોમાં ડૂબી ગયા.

યુવાન ઊભો થયો. “માફ કરજો. મેં તમારો ઘણો સમય બગાડ્યો. આજની આ સાંજનો કોઈ વાર્તામાં ઉપયોગ કરવાથી વિશેષ કામ તમે નહિ કરી શકો. એવી મને ખાતરી છે. “

એટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા કાઉન્ટર પર પૈસા ચૂકવતો ગયો.

સનતકુમાર જવા માટે ઊભાથયા ને ફરીથી બેસી ગયા. તેમણે એક ચાનો ફરીથી ઓર્ડર આપ્યો અને યુવાન સાથેની મુલાકાતનો ઉપયોગ વાર્તા બનાવવામાં કરવો કે નહિ તેની ગડમથલમાં ડૂબી ગયા.

[લગભગ વીસ વર્ષો પહેલાની આ વાર્તા છે. આપ સહુને ખ્યાલ આવશે જ કે - ઘણું ઘણું બદલાયું છે છતાંઘણું ઘણું એમનું એમ જ રહ્યું છે.]

વાહ આઝાદી!

મિત્રો,

આપણે આઝાદ દેશના નગરિકો છીએ. ક્યારેક ક્યારેક સાંભળવા મળે છે કે: આપણે ત્યાં સવાઈ લોક્શાહી છે.  ઘણી વખત અન્યને ત્રાસ આપીને પણ આપણે આપણા અધિકારો ભોગવી શકીએ છીએ. વાણી સ્વાતંત્ર્ય કે ધાર્મિક સ્વાતંત્ર્ય પર સહેજ પણ ઘોબો પડે તો  આપણે ઊંચાંનીચાં થઈ જઈએ છીએ.  ઘણાંને તો વળી “લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો” ની જેમ રાતોરાત અમેરિકા  કે યુરોપ જેવું અહીંયા જોઈએ છે અને એના અભાવમાં એમના દિમાગ ફાટી જાય છે. પરંતુ સામા પક્ષે શિસ્ત,સંયમ,સમજણ કે ફરજ નિભાવવાની વાત આવે તો હાથ અધ્ધર! કદાચ આપણા સત્તાધીશોને આવા નાગરિકો જ ખપે છે.

અમને લાગે છે કે: આપણે સહુ પૂરેપૂરાં નહીં તો થોડાંઘણાં “નાથિયા” જેવા છીએ.  તમને થશે કે: આ “નાથિયો”  વળી કોણ?

તો વાંચો આ વાર્તા અને ઓળખો  ”નાથિયા”ને.

વાહ  આઝાદી! —– યશવંત ઠક્કર

નાથિયાનું નામ ખરેખર તો નાથાલાલ જ હતું, પણ તેના શેઠને જે ચાર-પાંચ કહેવતો આવડતી હતી તેમાંની એક કહેવત ‘નાણાં વગરનો નાથિયો’ હતી. આ કહેવત નાથાલાલ માટે સાચી પાડવી હોય  તેમ શેઠ તેને નાથિયો જ કહેતા. લખવામાં પણ ‘નાથિયા ખાતે ઉધાર’ જ લખતા. શેઠના ગ્રાહકો પાસે પાસે પણ નાથિયાને નાથાલાલ કહેવાનું વાજબી કારણ હતું નહીં એટલે તેઓ પણ નાથિયાને નાથિયો જ કહેતા. વર્ષોથી નાથિયા નાથિયા સાંભળીને તે પણ પોતાનું સાચું નામ નાથિયો હોવાનું જ માનતો થઈ ગયો હતો. અને તે એટલે સુધી કે કોઈ ભૂલેચૂકેય તેને નાથાલાલ કહે તો તેને મશ્કરી લાગતી અને કોઈ વખત સામેવાળાને કહી પણ દેતો કે “બોલવામાં ધ્યાન રાખતો જા.”

નાથિયો “રામકૃપા હિન્દુ હોટેલ”ના વર્ષો જૂનાં બોર્ડવાળી ચાની હોટેલમાં નોકરી કરતો હતો. તેનું કામ ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને કારીગરને કહેવાનું. ગ્રાહકોને ચા આપવાનું અને ખાલી કપરકાબી ઉઠાવવાનું હતું. અતિશય આવશ્યક લાગે ત્યારે ટેબલ પર પોતું ફેરવી લેવાની તેમજ પાણીના ખાલી થયેલા કે અર્ધા ખાલી થયેલા પ્યાલાઓંને  ફરીથી આખા ભરીને ટેબલ પર મૂકી દેવાની કામગીરી તેણે કરવાની રહેતી. આ સિવાય શેઠ તરફથી કૂવામાં પડવા સહિતનો જે હુકમ થાય તેનું પાલન કરવા માટે તત્પર રહેવું પડતું. આ બધું શેઠના મોઢામાંથી સતત નીકળ્યે જતી ગાળો સાંભળતાં સાંભળતાં કરવાનું રહેતું.

નાથિયાને આખા દિવસનો પગાર સાંજે રોકડો મળી જતો. જેમાંથી તે બીડીની એક જૂડી ખરીદતો અને બાકીના પૈસાનું મટકું રમી નાંખતો. ખાવાનું બન્ને સમયનું શેઠ તરફથી મળતું. કોઈ વાર નાનું મોટું મટકું લાગી જાય તો નાથિયો બીડીના બદલે સિગારેટ પીએ ને રાત્રે જમ્યા પછી પાનનો ડૂચો મારે અને છેલ્લા ‘શો’માં એકાદ ફિલ્મ જોઈ નાંખે. તેનો પહેરવેશ સસ્તામાં ખરીદેલાં રંગબેરંગી પેન્ટ ને બુશર્ટ, ગળામાં રૂમાલ અને પગમાં ટાંચણી મારીને અટકાવી રાખેલી પટ્ટીવાલા સ્લીપર.  મોકો મળે ત્યારે નાથિયો પોતાના  માથા પર કાંસકો ફેરવી લે અને કારીગરને આંખ મારીને પૂછી લે, “બરાબર છે ને?”

નાથિયાના શેઠનું નામ એક જમાનામાં ચંપકિયો હતું. પણ નાણું વધવાની સાથે સાથે ચંપક થઈને ચંપકલાલ થયેલું. જો કે તેમની રીતભાત પરથી કોઈને એવું લાગે નહીં કે આ માણસે ક્યારેય ગરીબી જોઈ હોય. હકીકતમાં ચંપકલાલ પોતાનો ભૂતકાળ ખૂબી પૂર્વક ભૂલી ગયા હતા અને તે એ હદ સુધી કે દુનિયામો કોઈપણ ગરીબ માણસ તેમની નજરમાં ગાળ ખાવાને લાયક હતો. પરંતુ એમ જો બધાને ગાળો આપવા જાય તો સ્વાભાવિક છે કે તેમના ધંધાનું અથવા તો તેમનું પોતાનું  ઉઠમણું થઈ જાય. એટલે જ આપી શકાય તેટલી ગાળો જેના તરફથી પ્રત્યાઘાતની  કોઈ સંભાવના નહોતી એવા નાથિયાને જ આપતા.

ચંપકલાલ માટે ગાળો બોલવી તો નાથિયા માટે ગાળો સાંભળવી એ શ્વાસોશ્વાસ જેટલી સ્વાભાવિક પ્રક્રિયા હતી. નાથિયાને તો ગાળો સાંભળવાનું એટલું બધું વ્યસન થઈ પડયું હતું કે કોઈક દિવસ શેઠ થોડા સમય માટે ગાળો ના બોલે તો તેનું માથું દુખવા લાગતું. કદાચ શેઠની તબિયત બરાબર નહીં હોય એવી શંકાથી શેઠની તબિયતના સમાચાર પણ પૂછી લે કે “શેઠજી, કેમ ઢીલા ઢીલા છો.” જે સાંભળતા જ શેઠ બે ચાર ગાળો સંભળાવીને કહી દેતા કે  “મારી ચિંતા કર્યા વગર તારું કામ કર ને.” અને ત્યારે નાથિયો જાણે કોઈ ભાવતું ભોજન મળ્યું હોય તેમ તૃપ્ત ચહેરે અને મુક્ત મને હસી લેતો.

શેઠ અને નોકરના આવા સમજણપૂર્વકના સંબંધને મોટા ભાગના લોકો વાજબી ગણતા પણ શેઠના એક મિત્ર નવનીતલાલની દૃષ્ટિએ આ સંબંધ અન્યાયી હતો.

નવનીતલાલનું નામ પણ એક જમાનામાં નવલો હતું. નાણાંના વધારા સાથે નવલ થઈને નવનીતલાલ થયું હતું. જોકે તેઓ પોતાનું મૂળ નામ ભૂલ્યા નહોતા. ભિખારીને પાઈ પૈસો આપી દેતા. કોઈ બહુ ભૂખ્યો લાગે તો નાસ્તો પણ બંધાવી આપતા. પોતાની કાપડની દુકાન હતી. સાત-આઠ નોકરો હતા. તે તમામને નવનીતલાલ માનથી બોલાવતા. દરેકને વાજબી પગાર આપતા અને બેન્કમાં ફરજિયાત બચત કરાવતા. વારતહેવારે બધાને પોતાને ઘેર જમાડતા. કોઈ નોકરને બીડીનું વ્યસન હોય તો તે છોડી દેવા માટે વારંવાર સમજાવતા. પોટલીબાજને તો તરત રજા આપી દેતા. ગાળ પોતે બોલે નહીં ને દુકાનમાં કોઈને બોલવા દે નહીં. આથી ઘણાંખરાં નોકરોને નવનીતલાલની દુકાન પાંડુંરંગ દાદાની શિબિર જેવી લાગતી અને થોડા દિવસોમાં જ નોકરી છોડીને જતાં રહેતા. અડીખમ મનના ચારેક માણસો મજબૂરીથી ટક્યા હતા અને બાકીના સુખદુ:ખની જેમ આવનજાવન કરતા રહેતા.

એક દિવસ નવનીતલાલ ચંપકલાલની હોટલે બેસવા આવ્યા ત્યારે વાતવાતમાં પોતાની વેદના રજૂ કરી કે “ખૂબ સારી રીતે રાખું છું. છતાંય નોકરો ટકતા નથી.”

ચંપકલાલે સિગારેટ સળગાવતા જવાબ આપ્યો કે “નોકરને નોકરની રીતે રખાય. એને બહુ ચડાવાય નહીં. પગની જૂતીને માથા પર રાખીએ તો લોકોને હસવાનું મળે.”

બચાવમાં નવનીતલાલે પોતાના ભૂતકાળની તેમજ પોતે વેઠેલા દુ:ખોની વાત કરી અને “ઈશ્વરકૃપાથી પાંચ પૈસા થયા છે તો માણસાઈ છોડવી નહીં.” એવો વિચાર રજૂ કર્યો. ત્યારે ચંપકલાલે સિગારેટ પરથી રાખ ખંખેરતા કહ્યું, “એમાં માણસાઈ ક્યાં વચમાં આવી? હું તો એટલું જાણું કે ધંધો ધંધાની રીતે થાય. ધંધો કરતી વખતે સંતોની અમૃતવાણી ભૂલી જવાની. મોરારીબાપુની કથા સાંભળીને લોકો છેલ્લે બસમાં ચડવા માટે ધક્કામુક્કી કરે છે કે નહીં? કારણ કે ના કરે તો રહી જાય હવા ખાતાં. આ કાંઈ થોડું અમેરિકા છે? શ્રોતા તરીકે આપણી ફરજ કથા સાંભળવાની છે તો મુસાફર તરીકે આપણી ફરજ ધક્કામુક્કી કરવાની છે. મનેકમને આપણે આપણી ફરજ બજાવવી જ પડે. તારા નોકરો જતા રહે છે. ને મારા ટકી રહે છે. મારો કારીગર પોટલીબાજ છે. એટલે હું એને પીવા દઉં છું. આ નાથિયો મારી ગાળો ખાઈને પણ પડ્યો રહે છે. કારણકે હું એને બીડીઓ પીવાની ના પાડતો નથી. એને મટકાંની આદત છે તો રમવા દઉં છું. આપણે કેટલા ટકા? જો આપણા નોકરો પાસે બે પૈસા ભેગા થાય તો આપણી નોકરી છોડવાનો વિચાર કરે ને?

“પણ આ તો તમારા નોકરનું જ નહીં, તમારું પણ  અધ:પતન કહેવાય.”

“એ તારે જે ગણવું હોય તે ગણ. દરેકને પોતાની સ્વતંત્રતા જાળવવાનો હક છે. લાખો લોકો કથા સાંભળે છે પણ તારા જેવો પાલન કરનારો મેં જોયો નથી. તું તો બીજાને સુધારવા નીકળી પડયો છે. આ  તો સામા પ્રવાહમાં તરવા જેવી વાત છે.”

બંને વચ્ચે આવા સંવાદો તો અવારનવાર થયા કરતા પણ તે દિવસે વાત વટે ચડી ગઈ. નવનીતલાલે કહ્યું કે, “તારો નાથો જો મારે ત્યાં નોકરી કરવા આવે તો એની જિંદગી સુધારી દઉં” તો ચંપકલાલે કહ્યું કે, “લઈ જા પ્રેમથી” એટલું જ નહીં, તુરત ગાળ દઈને બોલાવ્યો ને કહી દીધું “જા, નવનીતલાલની દુકાને નોકરી કરવા.”

નાથિયાના માથે જાણે આભ પડ્યું, તેણે હાથ જોડ્યા, “હવે જાતી જિંદગીએ હું શેઠ શું કામ બદલું? ગમે તેવા તોય મારા શેઠ ચંપકલાલ. મને બીજો ના ફાવે. તમારી લડાઈમાં મારી જિંદગી શું કામ બરબાદ કરો છો?

પણ ચંપકલાલે કહ્યું, “તારે જવું જ પડશે. મારી ઈજ્જ્તનો સવાલ છે. તું ના જાય તો પણ હું તને નહીં રાખું.”

નાથિયો ના છૂટકે હોટલ છોડીને નવનીતલાલની સાથે જવા નીકળ્યો. બાપના કહેવાથી છોકરાને ચાલુ ‘ચિત્રહાર’ છોડવું પડે ત્યારે તેની માનસિક હાલત જેવી હોય તેવી જ હાલત નાથિયાની હતી. મનોમન તે નવનીતલાલને ડ્રાયવરછાપ કડક ગાળો ભાંડતો હતો.

રસ્તામાં જ નવનીતલાલે નાથિયાને તૈયાર લેંઘો-ઝભ્ભો પહેરાવ્યા અને કહ્યું કે “થોડા દિવસ આનાથી ચલાવ પછી આપણી દુકાનેના જ સરસ કાપડનાં કપડાં સીવડાવી દઈશ. કપડાં હંમેશા આપણું વ્યક્તિત્વ જળવાઈ રહે એવાં પહેરાય. રંગબેરંગી કપડામાં તો આપણે સર્કસના  જોકર જેવા લાગીએ.”

પહેલો દિવસ તો નાથિયા માટે ખૂબ જ ત્રાસદાયક રહ્યો. આખા દિવસમાં માત્ર બે વખત જ ચા પીવા પામ્યો.  બીડી તો દુકાન બંધ થયા પછી જ સળગાવી શક્યો. ‘બોલવામાં ધ્યાન રાખતો જા’ એવી સલાહ તો નવનીતલાલે કેટલીય વખત આપી પણ નાથિયાથી વારંવાર ચંપકલાલની માનીતી ગાળ બોલાઈ જતી હતી. છેવટે તેણે લાચારી વ્યક્ત કરતાં કહ્યું , “તમે ગમે તેટલું કરશો પણ મારાથી…..તો  બોલાઈ જ જશે. એ મારા જૂના શેઠની યાદગીરી છે.”

નવનીતલાલે નાથિયાને ચંપકલાલ તેમજ ચંપકલાલની હોટલ ભૂલી જવા માટે અને નવી જિંદગી શરૂ કરવા માટે ખાસ્સી વાર સુધી સમજાવ્યો પણ નાથિયાથી એ બધું ભૂલ્યું ભુલાતું નહોતું. એ ગાળો, એ ચા, એ બીડીઓ, એ મટકાંના આંકડા…  તેને સતત યાદ આવતાં રહ્યાં અને આ બધાંનો વિરહ લાગ્યો હોય તેમ ચોથા દિવસે એ માંદો પડ્યો. જિંદગીમાં પહેલી વખત!

નવનીતલાલે નાથિયાને સરકારી દવાખાનામાં દાખલ કર્યો. થોડાંફળો લાવીને મૂક્યાં ને સલાહ આપી. “શાંતિથી આરામ કર અને સમયસર દવા લે. બિલકુલ સાજો થાય ત્યારે જ દુકાને આવજે. પગારની ચિંતા ના કરતો.”

ચારેક દિવસ પછી નવનીતલાલ નાથિયાની ખબર કાઢવા ગયા તો તે દવાખાનામાં હતો જ નહીં. એ તો બીજા જ દિવસે ખાટલો છોડીને નાસી ગયેલો. નવનીતલાલના હૃદયમાં આંચકો લાગ્યો. આટલી સંભાળ રાખી તોય દગો? શું ગરીબો પણ આટલા બેઈમાન હોઈ શકે છે?”

અનાયાસ જ નવનીતલાલ “રામકૃપા હિન્દુ હોટલ” પર પહોંચી ગયા તો ત્યાં નાથિયો, શેઠની ગાળો સાંભળતો સાંભળતો ને બીડીના ધુમાડા કાઢતો કાઢતો પોતાની મૌલિક રીતથી નોકરી કરી રહ્યો હતો.

“આવો નવનીત શેઠ” કહીને ચંપકલાલ હસ્યા. એ હાસ્ય, પોતે  વિજય પામ્યા હોય એવા ભાવથી ભરપૂર હતું.

નાથિયો પણ હસ્યો. એ હાસ્યમાં જાણે ભરપૂર  આઝાદી હતી.

“કેમ, ખાતરી થઈ ગઈને કે નોકર કેમ રખાય?” ચંપકલાલે સવાલ કર્યો.

“જેને ગુલામી જ ભોગવવી હોય એને ભગવાન પણ ન  બચાવી શકે.” નવનીતલાલે ઊકળતી ચા જેવું મોઢું કરીને જવાબ આપ્યો.

“ગુલામી? તું કહે છે નાથિયાની જિંદગીને ગુલામી. કદાચ હું કહીશ પણ એ પોતે જ આ સ્થિતિને આઝાદી સમજે છે. તેનું શું?

‘પણ મારે ત્યાં શું ખામી હતી? વ્યસન નહીં, અપશબ્દ નહીં, મટકું નહીં.  એ જ કે બીજું કશું?”

“બસ ત્યારે.  એ બધું  અહીંયા છે અને એ  જ નાથિયાની આઝાદી છે.”

ત્યારે નાથિયો પણ હેં હેં કરતાં ત્યાં આવી પહોંચ્યો. “આ બધી ઊંચા માઈલી વાતો છે. હું ને મારા શેઠ સમજીએ. તમે નહીં સમજો.” તેણે  ચાના  કપ મૂકતાં કહ્યું.

તે દિવસે નવનીતલાલે પહેલી વખત નાથિયાને નાથિયા તરીકે જોયો.

[1990]