શંકા

ગંગામાને દીકરા તો હતા નહિ.  કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી.

છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ પણ આવ્યો: ‘રા…..મજી.’

ખાટલાની ચારે તરફ ઉભેલાં લોકોની ખૂશીનો પાર ન રહ્યો. જેણે આખી જિંદગી વ્યાજવટાવનો ધંધો કર્યો હોય અને કૈંકની આંતરડી કકળતી રાખીને પૈસા વસૂલ કર્યા હોય એ ડોશીના મોઢામાં અંત સમયે ભગવાનનું નામ! નાનકડા ગામમાં વિધવા બ્રાહ્મણીના પૈસા તો કોણ રાખે? એટલે ગંગામાં પટારામાં ઘણું ધન ભેગું થયું હતું. આવા ગંગામા મરતી વખતે બધી માયા છોડીને ભગવાનને યાદ કરે એનાથી મોટો ચમત્કાર આ કળીયુગમાં કયો હોઈ શકે?

દયાળજી શેઠે ગંગામાના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને મોટેથી પૂછ્યું: “કાંઈ ભલામણ કરવાની છે?” તો ગંગામાએ જવાબ ઉચ્ચાર કર્યો: ‘રા…મજી.‘

લોકો કહેવા લાગ્યા: ‘રહેવા દો શેઠ, દોશી પૂણ્યશાળી જીવ છે. એને બધી માયા છોડી દીધી છે.’

… ને ત્યાર પછી થોડા કલાકોમાં જ ગંગામા પરલોક સિધાવ્યાં. લોકો ગંગામાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા: ‘ડોશીનો જીવ નક્કી પૂણ્યશાળી. નહિ તો મરતી વખતે મોઢામાં ઈશ્વરનું નામ કાંઈ રેઢું પડ્યું છે? આખી જિંદગી માળા ફેરવનારના મોઢામાં પણ અંત સમયે ભગવાનનું નામ નસીબમાં હોય તો જ આવે! આ ડોશીએ બધી જ માયા મૂકી દીધી હતી. એમાં શંકાને જરાય સ્થાન નથી.’

પરંતુ, શંકા હતી દયાળજી શેઠને. એમને એ શંકા અત્યારે રજૂ કરવાનું ઠીક ન લાગ્યું.

વાત આમ હતી…

ચારેક  મહિના પહેલાં ગામના એક ગરીબ કોળીને પાંચસો રૂપિયાની જરૂર પડી. એ ગંગામા પાસે ગયો. ગંગામાએ કહ્યું: ‘ઘરેણાં મૂકી જા અને પૈસા લઈ જા.’ કોળી પાસે ઘરેણાં તો હતાં નહિ. એ ગયો દયાળજી શેઠ પાસે. દયાળજી શેઠની પહેલાં ખૂબ જાહોજલાલી હતી પણ હવે ખલાસ થઈ ગયાં હતા. જો કે, ગામમાં એમનું માન પહેલાં જેટલું જ હતું. લોકો એમના શબ્દો પર વિશ્વાસ રાખતા. દયાળજી શેઠે વચ્ચે રહીને ગંગામા પાસેથી કોળીને પાંચસો રૂપિયા છ મહિનાના વાયદે અપાવ્યા. પૈસા લઈને કોળી બીજા મલકમાં મજુરી કરવા જતો રહ્યો. જતી વખતે કહેતો ગયેલો કે: ‘છ મહિનામા કમાઈને આવીશ અને ડોશીના પૈસા ચૂકવી દઈશ.’

દયાળજી શેઠને  એ કોળી પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ, ગંગામાએ તો દયાળજી શેઠ સિવાય ગામમાં કોઈના પર વિશ્વાસ રાખ્યો ન હતો. તેઓ અવારનવાર ચિંતા વ્યક્ત કરતાં ત્યારે દયાળજી શેઠ કહેતા: ’માડી, ચિંતા ન કરો. તમારા પૈસા ખોટાં નહિ થાય. છ મહિના પૂરા થાય ને તમારા પૈસા નહિ પતે તો હું ચૂકવી દઈશ.’

છ મહિના પૂરાં થાય તે પહેલાં તો અચાનક ગંગામાની તબિયત બગડી. દયાળજી શેઠને થયું કે, પોતે હમણાં, કોળી વતી ગંગામાને  પાંચસો રૂપિયા ચૂકવી દે તો સારું.  દયાળજી શેઠ વેંત કરવામાં રહ્યા ને ગંગાએ તો જીવ છોડી દીધો. રામજીના રટણ સાથે.

હકીકત એ હતી કે, પેલાં ગરીબ કોળીનું નામ રામજી હતું.

દયાળજી શેઠને એ જ શંકા હતી કે, મારતી વખતે ગંગામા ખરેખર રામજી ભગવાનને યાદ કરતાં  હતાં કે પછી પેલા રામજી કોળીને?

[ભાગવત કથામાં સાંભળેલા દૃષ્ટાંત પરથી.]

*********

[જલારામદીપ, એપ્રિલ, ૧૯૮૪]

સાંજ!

બ્લોગમિત્રો,

ભાદરવાનો આજે અંતિમ દિવસ છે. આવતી કાલથી નવરાત્રીનું શુભ પર્વ શરૂ થઈ રહ્યું છે. આ પર્વ નિમિત્તે આપ સહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વરસાદે વિરામ લીધો છે. વરાપના વૈભવને માણવાનો આપણને મોકો મળ્યો છે. જે લોકો ગામડામાં કે નાનાં નાનાં નગરોમાં રહેતાં હશે તેઓ તો મન ભરીને એ વૈભવ સરળતાથી માણી શકે છે. એ લોકો માટે તો અત્યારે તો લીલી મગફળી અને ચીભડાં ખાવાના દિવસો  હશે.

આ દિવસોમાં મને એક ઘટના અચૂક યાદ આવતી રહે છે.  ચાલો, આજે એ ઘટના એક કથાના રૂપે તમારી વચ્ચે વહેંચું. કદાચ એના લીધે મારી લાગણીની વહેંચણી થશે. 

              સાંજ 

સંધ્યાનો સમય હતો.  હું મારી હાટડીમાં દિવાબત્તી કરી રહ્યો હતો.

વગડામાંથી ગોવાળિયાઓ ગાયો-ભેંસો સાથે ગામમાં પાછા ફરી રહ્યાં હતા.  

… ને  ધડ! ધડ!  અવાજ આવ્યો!

હું ચમક્યો. મને લાગ્યું કે કોઈ અવળચંડાએ હાટડીમાં પથરા ફેક્યા લાગે છે.

મેં જોયું તો એ પથરા નહોતા!

નાનાં નાનાં  કૂણાં કૂણાં ચીભડાં હતાં! ફટ દઈને મોમાં મૂકવાનું મન થાય તેવાં.

પણ ફેંક્યાં કોણે? આ કૃપા કરી કોણે?

હાટડીની બહાર તો કોઈ દેખાયું નહિ. ચીભડાં ફેંકીને કોઈ સંતાઈ ગયું કે શું?

મેં હાટડીનાં ઓટલે જઈને નજર નાંખી તો ગોબર,ભેંસોની પાછળ પાછળ  જઈ રહ્યો હતો.

ગોબર. કાચા કુંભારની ડેલીમાં રહેનારો છોકરો. વાઈનો દર્દી હતો. ઘણી વખત ગામમાં જ  રસ્તા વચ્ચે પડી જતો હતો. ભાનમાં આવતા વાર લાગતી.  બહુ જ ભલો. કોઈની સાથે ક્યારેય લડે કે ઝઘડે નહિ. બોલાચાલી પણ કરે નહિ. આવા દર્દીને ઘણો જ સાચવવો પડે. પરંતું ખેડૂતનો દીકરો વગડાથી દૂર કેવી રીતે રહી શકે? ગોબર મોટાભાગે સવારથી સાંજ સુધી વગડામાં રહેતો. પોતાના જ પરિવારની જ ભેંસો ચારતો.

ગોબર સાથે મારે સીધો કોઈ સંબધ નહિ. મારાથી મોટી ઉંમરનો હોવાથી ભેરૂબંધી પણ નહિ. બસ, એક જ ગામના. એ ખેડૂતનો દીકરો અને હું વેપારીનો દીકરો.

એને  લાગ્યું હશે કે આ વેપારીનો દીકરો આવાં કૂણાં કૂણાં ચીભડાં ખાવા ક્યાં જાશે?

એટલે જ એણે પ્રેમથી મારી હાટડીમાં ચીભડાં નાંખ્યાં.

કોઈપણ  પ્રકારના  સ્વાર્થ વગર! કશાં વળતર વગર! બીડી તો એ પીતો નહોતો. પણ, મારી હાટડીમાં ખાધાચીજો તો હતી. માંગત તો હું નાં પણ ન પાડત. .

પરંતું, ગોબર જેવાં ફરિશ્તાને લાલચ હોતી નથી. એમના હૈયાં કુદરતે દીધેલા ખજાનાથી ભરેલાં હોય છે. વળી એમના મન પણ સમજણથી ભરેલાં હોય છે.  નહિ તો વગર સંબંધે મને જ શાં માટે ચીભડાં ખવડાવે!

..અને મનનો કેવો મોટો કે આભારના બે શબ્દો સાંભળવા પણ રોકાયો નહિ. જાણે કશું આપ્યું જ નથી!

હું તે દિવસે એટલો રાજી થયો કે ગામડાની જિંદગીની તમામ હાડમારી ભૂલી ગયો.

… આજે વારસો થઈ ગયાં. ચીભડાની ઋતુ આવે ને એ લીલીછમ સાંજ યાદ આવ્યા વગર રહેતી નથી જે સાંજે ગોબરે મારી હાટડીમાં કૂણાં કૂણાં ચીભડાં ફેંક્યાં હતાં. 

… ને એ સાંજ પણ નથી ભુલાતી જે સાંજે અમે ઇંગોરાળા ગામની નિશાળેથી છૂટીને અમારા ગામને પાદર પહોંચ્યા ને અમે ખબર સાંભળ્યા કે ગોબર ગુજરી ગયો!!! 

મિત્રો, સાંજ પણ કેવી કેવી હોય છે?

કોઈ ખુશહાલ તો કોઈ ગમગીન!  

એય મનોજ!

Letters

Image by paul-simpson.org via Flickr

 

                                                      [૧]

શેઠજી ,

કોઈ રિક્ષાને બોલાવતા હો એ રીતે , “એય મનોજ” ની બૂમ પાડીને તમે મને બોલાવો છો. તમે એવું કરી શકો છો કારણ કે હું એક સામાન્ય  માણસ છું. અતિ સામાન્ય. વ્યક્તિત્વ વિનાનો. કદાચ, તમારી દૃષ્ટિએ મારા કરતાં તમારી દુકાનનો નોકર વધારે  માનને  લાયક હશે.

બોલાવ્યા પછી તમે મને દસ ટકા પ્રેમ ભેળવીને ધમકી ભર્યા અવાજમાં પૂછો છો ..

– “કેવો માણસ છે તું? મોઢું પણ બતાવતો નથી. કઈ દુનિયામાં વસે છે?” …
– “કેમ હમણા દેખાતો નથી? આ તારી રીત છે?”
તમારા તમામ સવાલોના જવાબ હું નમ્રતાથી જ આપીશ એવી ખાતરી હોવાથી જ તમે મારા પર રોફ કરી શકો છો. તમારા નકામાં સવાલોના જવાબો આપવાની હું મારી ફરજ સમજુ છું. એટલા માટે નહિ કે મને તમારા પ્રત્યે આદર છે.
પરંતુ, એટલા માટે કે-
-ક્યારેક તમારે ઘેર જમ્યો છું.
-ક્યારેક તમારી દુકાનેથી ઉધાર લીધું છે.
– તો ક્યારેક તમારી પાસેથી ઉછીના પૈસા લીધા છે.

તમારા એ ઉપકારના બદલામાં મેં મારું સ્વમાન તમારે ત્યાં ગીરો મૂક્યું છે.  તમે મારું સ્વમાન પાછું નહિ આપો અને માંગવા જેટલી મારામાં હિંમત પણ નહિ આવે.  મારી ઑફિસમાં મારો એક બૉસ  તો છે જ. પણ આ શહેરની બજારમાં પણ  બીજો બૉસ  છે. જે તમે!

એ સિવાય ત્રીજો બૉસ તમારી ચા.  

ચોથો બૉસ તમારા ઘરનું ભોજન.

પાંચમો બૉસ તમારી  દુકાનેથી ઉધાર લીધેલો માલ.  

છઠ્ઠો બૉસ તમારી પાસેથી ઉછીના લીધેલા પૈસા. 

મારે તમને રોજ મારું મોઢું બતાવવું જ જોઈએ કારણ કે તમારે રોજ મારી ઑફિસનું કામ પડે છે.  હું જ તમારું  કામ સરળતાથી પતાવી આપું છું.  એ માટે મારે મારી ઑફિસમાં થોડું આંખે થવું પડે છે.  પણ એથી શું? તમારો મારી પરનો  ઉપકાર…. 

અર્ધી ચા, જે તમે આ પૃથ્વી પર વસતા કોઈ પણ માણસને ફાયદા વગર પીવડાવતા નથી. 

એક ભાણું, એટલું તો તમારે ત્યાં એંઠામાં જતું હશે.

ઉધાર,  જે તમે અન્ય ગ્રાહકોની જેમ જ મને આપો છો.

ઉછીના પૈસા, જેને તમે રોકાણ ગણાતા હશો.  

મને એક જ ધડાકે મારી નાખવાની તમને સત્તા આપવામાં આવે તો પણ તમે નહિ માનો કારણ કે , તમને મને  ક્ષણે ક્ષણે મારવામાં મજા આવે છે.

તમે મને બપોરે જમાડો અને એ અન્નનું લોહી બને તે પહેલાં તો તમે મારું લોહી   ચૂસવાનું શરૂ  પણ કરી દો  છો . 

મારી માનસિક શક્તિને તમે સહેલાઈથી તમારી વિશાળ ફાંદમાં પૂરી દીધી છે.

મારી માનસિક શક્તિની દશા તો પાંજરામાં પુરાયેલા પોપટ કરતાં પણ વધારે ખરાબ છે. કારણ કે , પાંજરામાં પુરાયેલો પોપટ પાંજરાની બહાર તો જોઈ શકે છે. જ્યારે તમારી ફાંદમાં તો નર્યો અંધકાર!! 

જેટલું જોરદાર છે તમારું ગણિત  એટલું જ નબળું છે મારું તકદીર.

ક્યા સુધી ચાલ્યા કરશે આવું?  

લિ. અભાગી મનોજ.  

                                             [૨]

શેઠજી ,

ઘણા દિવસોથી મેં તમને મારું મોઢું બતાવ્યું નથી. એથી તમે તમારા નોકરને મોઢે ગુસ્સો ઠાલવતા હશો કે-

-એ સાલાનું  જ્યારે કામ પડે છે ત્યારે જ હાજર હોતો નથી.

- એ ઑફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે બહારગામ ગયો છે. પૈસા બાકી છે તે આપતો નથી ને  આમ ટિકિટભાડામાં વાપર્યા કરે છે.

જો કે અત્યારે જ હું તમારી પાસે આવું તો તમે ગુસ્સે નહિ થાઓ. હું જાણું છું કે અત્યારે તમે એવી સ્થિતિમાં નથી. તમારી કહેવાતી ઈજ્જત પર જબરદસ્ત ઘા ઝીંકાયો છે. તમને એવું લાગે છે કે, કોઈએ તમારું નાક કાપીને તમારા હાથમાં આપ્યું છે. ભલે તમે દેખાવ જાળવી રાખો પણ અંદરથી તમે ભાંગી પડ્યા છો.

તમે એમ પણ માનો છો કે  હું અત્યારે હાજર હોત તો ઘણો ઉપયોગી થાત.

પરંતુ મને એ વાત કહેવા દો કે- હું અત્યારે સુખી છું.  હા, તમે જે કારણે અત્યારે  દુઃખી  છો એ જ કારણે હું અત્યારે સુખી છું.

મારા સુખ   પાછળ તમારો સીધો નહિ તો આડકતરો ફાળો તો છે જ.

મારો આ બીજો જન્મ છે.  આ બીજા જન્મમાં મારો કોઈ બૉસ  નથી. હું જ મારી જાતનો બૉસ .

હવે મે તમારી ચા, તમારા ભોજન, તમારી દુકાનના માલ કે તમારા પૈસા વગર ચાલશે પરંતુ મારા સ્વમાન વિના નહિ ચાલે.

અરે હા, તમારા બાકીના  પૈસા પણ હું ટૂંકસમયમાં ચૂકવી દઈશ. હું આવું ત્યારે મને જોઈને ઉઘરાણી કરવાની ઉતાવળ નહિ કરતાં.  મારી સાથે વિવેકથી વાત કરજો.

“કેવો માણસ છે તું? મોઢું પણ બતાવતો નથી? કઈ દુનિયામાં વસે છે તું? ”  એવી ભાષા નહિ વાપરતા.

હવે હું તમને મળું ત્યારે તમારો ચહેરો સોળે કલાએં ખીલી ઉઠવો જરૂરી છે.

મને વિવેકથી આ રીતે પુછજો: “કેમ છે મનોજકુમાર? તબિયત તો સારી છે ને?”

હવે આપને  ખ્યાલ આવી ચુક્યો હશે કે, તમારી સુપુત્રી દક્ષા  ઘર છોડીને કોની સાથે ભાગી નીકળી છે.

ખેર , તબિયત સાચવજો. જે બનવાનું હતું તે બની ચૂક્યું છે.

દક્ષા અત્યારે ખૂબ જ પ્રસન્ન છે. થોડા દિવસોમાં જ આવીએ છીએ.

તમારા બાકીના  પૈસા તમને ચોક્કસ આપી દઈશ.

આશીર્વાદ આપવાના બદલે  ડારો ન આપતા.  

લિ. ભાગ્યશાળી મનોજના વંદન.  

[પ્રગટ :  શ્રીરંગ.મેં ૧૯૮૦. ]

ગયા ભવનો લેણદાર

તે ગડમથલમાં હતી… હવે મારે કશો નિર્ણય લઈ લેવો જોઈએ.. મહેમાન આવવાની તૈયારી છે. મુરતિયો તો આવશે જ. મુલાકાત ગોઠવાશે. પરિણામ તો બધાંએ નક્કી કરી લીધું જ છે. સગાઈની બધી તૈયારી પણ થઈ ચૂકી છે. પપ્પાને કેટલું કહ્યું હતું કે: પપ્પા, પ્લીઝ.   મને જે ગમ્યો છે .. મારામનમાં જે વસ્યો છે તેની સાથે મને પરણવા દો. પણ પપ્પા કોને કહેવાય! ન માન્યા.

તેણે મોન્ટુને ફોન કર્યો. ” આજે જ મારી સગાઈ નક્કી થવાની છે. આપણે આજે જ ભાગવું પડશે. લાંબી વાત કરવાનો અર્થ નથી.”

“OK! હું બાઈક લઈને નીકળું છું. તું રિક્ષામાં નીકળ.  ગાંધી સર્કલ ભેગાં થઈએ છીએ. આગળનું પછી વિચારીશું. “

તે હળવા પગલે દરવાજે પહોંચી. કોઈનું ધ્યાન ન ગયું. શેરીમાંથી બહાર નીકળીને તેણે રિક્ષા કરી. “ગાંધી સર્કલ. ઝડપ કરજો.”

…  તેને પોતાના ધબકારા રિક્ષા કરતાં ઝડપી લાગ્યા!

“ઊતરો” રિક્ષાવાળએ કહ્યું.

“પણ ગાંધી સર્કલ તો આવવા દો”

“બેન.  આ રહ્યું ગાંધી સર્કલ. અહીં જ ઊતરી જાવ. રિક્ષા આગળ જાય એમ નથી. ટ્રાફિક જામ છે.”

તેણે પૈસા ચૂકવ્યા. ભીડ  હતી. અકસ્માત થયો હોવાની વાત સાંભળી. ભીડને ચીરતાં ચીરતાં જ તેણે મોબાઇલ  પરથી મોન્ટુને ફોન લગાડ્યો. ન લાગ્યો.

“બાઈકવાળો ખલાસ થઈ ગયો.  બાઈક પાછળ મોન્ટુ લખ્યું છે.” તેણે કોઈના શબ્દો સાંભળ્યા.

.. ને જાણે તેને કશું જ સંભળાતું નહોતું. સંભળાતો હતો માત્ર ઘોંઘાટ! તે બાઈક શુધી પહોંચે તે પહેલાં પોલીસે તેને રોકી. પણ કચડાયેલી બાઈક તેણે જોઈ.  એ જ નંબર! એ જ નામ! મોન્ટુ! ને બાજુમાં …

તેણે હથેળીથી પોતાની આંખો દાબી દીધી.

“હટો.. હટો. ઍમ્બ્યુલન્સને આવવા દો” પોલીસે  બૂમ પાડી ને તેને ધક્કો માર્યો.

તે અથડાતી અથડાતી પાછી ફરી. ચરણોમાં ગતિ નહોતી! મનમાં વાવાઝોડું હતું. આંખો જળથી ડબડબ હતી.

રિક્ષામાં ઘેર આવી.

“કયાં ગઈતી?” મમ્મીએ પૂછ્યું.

“મોબાઈલ  રીચાર્જ કરાવવા.” તેણે જવાબ આપ્યો.

“હવે. આડીઅવળી થતી નહીં. ને આ કપડાં બદલી નાંખ.”

“કેમ?” તેનાથી પૂછાઈ ગયું.

“હમણા જ ફોન આવ્યો. મહેમાનની કારને અકસ્માત થયો છે. ગાંધી સર્કલ પાસે એક બાઈકવાળો આડો આવ્યો. મુરતિયાનો જીવ લઈને ગયો. ગયા ભવનો લેણદાર!”

[સમાપ્ત]

[મિત્રો, આ પ્રકારની વાર્તા લખવા માટે પ્રેરણા પૂરી પાડનાર બ્લોગમિત્ર કૃણાલ દવે અને એમના બ્લોગ

લઘુ કલ્પના

ના અમે આભારી છીએ. આપ સહુએ પણ એ બ્લોગની મુલાકાત લેવા જેવી છે  જેની લિંક આ પ્રમાણે છે: http://gujaratishortstories.wordpress.com/ ]

સાંકડ-મૂકડ

મોટરગાડી  ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો  પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.

રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે  બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ  જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?

નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ  મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંચો કરીને ઊભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.

“રાકેશ, ગાડી ઊભી રાખ.” મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊભી રાખી.

નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યું: “ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડ્યો છે એટલે કહું છું.”

“ગાડીમાં જગ્યા જ નથી.” રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.

“જરા સાંકડમૂકડ બેહાડી દ્યો તો મહેરબાની.”

“આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.” રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.

….. એ ક્ષણે તો મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું  બળદગાડું![માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી.]  આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો  લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે  નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો  અને  એમાં નાગભાઈના પરિવારના સભ્યો બેઠાં હતાં.

માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ માફામાંથી નાગભાઈની બાના  શબ્દો મેં સાંભળ્યા: “અરેરે! આ બળબળતા તાપમાં આ છોકરો શેકાઈ જાશે! એને બિચારાને માફામાં  બેહાડી દે.”

“મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ  છે પણ તમને ફાવશે?” માફામાં  જગ્યા નહોતી એટલે નાગભાઈએ  અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્યું.

“અરે! સાંકડમૂકડ સામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.”

“આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?”  એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો  ઊભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.

વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને….

….. “રાકેશ, ઊભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.” મારાથી કહેવાઈ ગયું.

રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.

ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.

ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડ્યો.

“શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ના થવાય.  તું પણ સુધર્યો નહીં…. ”  રાકેશ બોલ્યે જતો હતો.

…પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.

ચાંદની. 21-12-1984]

[અમારી  એક  વાર્તા વૃંદાવનમાં નિમાણી થઈને બેઠી છે: “લીલા”

અને બીજી મુંબઈની ભીડમાં અટવાઈ ગઈ છે.: “મુંબઈ ” – ખરેખર મુંબઈમાં કોઈ કોઈનું નથી? વાંચો આ વાર્તા. ]

[ વાર્તા બાબત વધારે વાંચો: વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી ]

ચૂલે તપેલી

[ બ્લોગ મિત્રો, ગ્રામ્યસમાજમાં જેને 'બે આંખની શરમ' કહે છે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે  છે. ત્યાં, સંબધો ઘણી વખત કઈ રીતે જળવાતા હોય છે ;  એ હું નહીં કહું ...આ વાર્તા કહેશે.]

“એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી છે.”

“પૈસા લાવ્યાં છો?” મેં પૂછ્યું.

“બાકી રાખવા સે, દીકરા.”

“બાકી? બાકી બાકી કેટલા દિવસ સુધી કરશો? નથી ઉધાર આપવું જાવ.”

‘કાંઈ કારણ પણ?”

“આગળના વીસ રૂપિયા લેણા છે એ ચૂકવવાનું તો નામ નથી લેતાં. રોકડેથી લેવા બીજાની દુકાને જાઓ છો ને ઉધાર લેવા અહીંયા આવો છો ? મારે નથી એવો ધંધો કરવો.એક તો ઉધાર આપવું ને ઉપરથી ઘરાક ખોવું.”

“કોને ન્યાંથી રોકડેથી લાવી વળી? ઈ તો તારા વીસ રૂપિયા નથી દેવાણા એટલે  આજ્યકાલ મગનની દુકાને જાવું પડે સે. ને ન્યાંથીનેય ઉધાર જ  લાવુંસ.”

“તો આજેય જાઓ એને ત્યાં.”

” એની દુકાન બઉ આઘી પડી જાય દીકરા. ઘેર મે’માન બેઠા છે ને સૂલે તપેલી સે. નકર તારી હારે આટલી બધી ધડ્ય નો કરું હો.”

“તમને કહ્યુંને એકવાર કે મારે ઉધાર નથી આપવું. મારે ઈ ધંધોજ નથી કરવો. મણીકાકી. હું આમ ગામલોકોને ક્યાં સુધી  ઉધાર આપ્યાં કરું?  ઉઘરાણી  તો પતતી નથી. મારે તો ગામ મૂકવાનો વારો આવશે.”

“ગામની વાત જાવા દે. તને આ તારી મણીકાકી ઉપર વિશવાસ નથી? “

“નથી નથી ને નથી. એકસો ને એક વાર નથી. હવે કહેવું છે  કૈં? “

“તારો મગજ તો બઉ આકરો ભઈ. કાંઈ વાંધો નઈં. ઘેર મે’માન સે ને સૂલે તપેતી સે. કાંઈક મારગ તો કાઢવો પડશેને?”

“તમારે જેમ કરવું હોય એમ કરો. બાકી હું ઉધાર નહીં આપું. “

“જેવી તારી મરજી.”

મણીકાકી દુકાનનો ઓટલો ઊતરી ગયા. મેં નવલકથાનું વાંચન આગળ વધાર્યું.  પાંચ લીટી પણ નહીં વાંચી હોયને મને થયું કે મણીકાકીને પાછાં બોલાવું. મેં ઊભા થઈને દુકાનની બહાર ડોકું કાઢ્યું .ઊભી બજારે નજર દોડાવી પણ મણીકાકી ક્યાંય નજરે ન ચડ્યાં. ત્રણચાર કૂતરાં અને દસબાર નાના છોકરાંઓ સિવાય આખું ગામ હજી રોંઢો થવાની જાણે રાહ જોતું હતું.

મેં ગાદીતકિયા પર લંબાવ્યું અને નવલકથામાં ડૂબકી મારી. હજુ પૂરો ડૂબું ન ડૂબું ત્યાંતો મણીકાકી પાછાં આવ્યાં અને ઓઢણીથી ઢાંકેલો  અને ખાંડથી ભરેલો વાટકો દેખાડતાં બોલ્યાં: “જો દીકરા.તેં ઉધાર દેવાની ના પાડી તો આ તારી ઘેર જઈને તારી બા પાંહેથી વાટક્યો ખાંડ ઉછીની લઈ આવી. પણ જોઈ એમાં કાંઈ હાલે? ઘેર મે’માન બેઠા સે ને સૂલે તપેલી સે. તું જ કે હું બીજું  સું કરું? “

હું મણીકાકીને તાત્કાલિક જવાબ આપી ન શક્યો અને મારા જવાબની રાહ જોયા વગર જ તેઓ ઝડપથી ચાલ્યાં ગયાં.

એમની જીમીનો લફડફફડ અવાજ મારે કાને અથડાતો રહ્યો.

[પ્રગટ: "ચાંદની"  1 -12-1981 ]

 

વટનો કટકો

કોઈ શેઠ  પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે?  પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા પડાવે અને એ જ પ્રસંગે પાછા પેલા સ્નેહીજનને તાળીઓ પાડવા હાજર રાખે ત્યારે પેલા સ્નેહીજનનાં દિમાગમાં શું ચાલતું હશે?

ચાલો આ તો થઈ મદદની વાત. પણ ….  જવા દો ને … અમારે વધારે નથી કહેવું. આ વાર્તા   જ કહેશે. વાંચો…..

***********

વટનો  કટકો

“બોલો ભાઈ બોલો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ધરમનાં કામમાં ઢીલ કરશો તો પસ્તાશો.” વાલજીશેઠે ગામલોકોને પાણી ચડાવવાનું શરૂ કર્યું.

વાલજીભાઈનો ગામમાં પહેલાં મોટો ધંધો હતો. પણ ઉધારી ન પતવાને કારણે ધંધો પડી ભાંગ્યો હતો.  હવે તેઓ નાનકડી હાટડીના માલિક હતા. પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! ગામલોકો હજી તેમને વાલજીશેઠ જ કહેતાં. જળઝીલણી અગિયારસના તહેવારે ઠાકોરજીની આરતી ઉતારવાનો બોલ બોલાવવાનું શુભ કાર્ય એમના ભાગે જ આવતું.  હિસાબ- કિતાબના જાણકાર  ખરાને?

કોઈએ સવા રૂપિયાથી શરૂઆત કરી. બીજાએ  પોતાનો બોલ સવા બે રૂપિયાથી બોલાવ્યો. તો ત્રીજાએ સવા પાંચ રૂપિયા કહ્યા!

પણ ત્યાં તો….

“આપણા સવા અગિયાર રૂપિયા.”  અમકુબાપુએ હાથ ઊંચો કરીને હાકલો કર્યો.

“ઠાકોરજીની આરતી ઉતારવાના બોલમાંઅમકુબાપુના સવા અગિયાર રૂપિયા.”  વાલજીશેઠે પણ  પોતાનો હાકલો યથાશક્તિ મોટો  કર્યો.

“આપણા સવા એકવીસ  રૂપિયા”  વાઘજી પટેલ પણ પણ  જાણે જંગના મેદાનમાં  જંપલાવતા હોય એમ બોલ્યા.

“વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા.” વાલજીશેઠ  ગળું ખંખેરતા બોલ્યા.

ગામલોકોના  ડોકાં ઊંચા થઈ ગયાં. “હવે જામશે”  કોઈ બોલ્યું પણ ખરું.

“આપણા સવા એકત્રીસ રૂપિયા”  અમકુબાપુએ ફરી હાથ ઊંચો કર્યો.

“અમકુબાપુના સવા એકત્રીસ રૂપિયા. બોલો ભાઈ બોલો.નાણું મળશે પણ ટાણું નહીં મળે.” વાલજીશેઠ જોર કરીને બોલ્યા.

ગામલોકો વાલજીશેઠ, અમકુબાપુ,વાઘજી પટેલ અને ઠાકોરજી તરફ વારાફરતી જોતાં રહ્યાં અને બોલી વધતી ગઈ.

જેમ જેમ બોલી વધતી ગઈ તેમ તેમ વાલજીશેઠનું ગળું સુકાતું જતું હતું.

“હવે વાલજીશેઠનાં  ગળામાં પહેલાં જેવો રણકો નથી રહ્યો.” કાળીદાસે ટીખળ કરી.

“ક્યાંથી રહે!” દુલાએ મમરો મૂક્યો.

“આપણા સવાસો રૂપિયા” વાઘજી પટેલ બોલ્યા.

“વાઘજી પટેલના સવાસો રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવાસો રૂપિયા” વાલજીશેઠ ફાટતા ગળે બોલ્યા.

“અપણા સવા બસ્સો રૂપિયા” અમકુબાપુ  બંદુકંનો ધડાકો કરતા હોય એમ બોલ્યા.

વાલજીશેઠને તો પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એ તો અમકુબાપુ સામે જોતા જ રહ્યા.

“અટકી  કેમ ગયા શેઠ? આ તો મરદના ખેલ સે. બોલો આપણા સવા બસ્સો રૂપિયા.” અમકુબાપુએ  પોતાની મૂછો પર હાથ ફેરવતા ચોખવટ કરી.

“એ અમકુબાપુના સવા બસ્સો રૂપિયા. ” વાલજીશેઠે પોતાનામાં હતું એટલું જોર રજૂ કરી દીધું.

હવે બધાની નજર વાઘજી પટેલ તરફ ગઈ. પણ…

“ભલે બાપુ લાભ લેતા” એમ કહીને વાઘજી પટેલ બોલી વધારવામાંથી ખસી ગયા.

બીજું તો કોઈ મેદાનમાં હતું નહીં. વાલજીશેઠ  બોલી બોલાવવાના કાર્યક્રમનો અંત લાવતા ઊંચો હાથ કરીને જોર એકઠું કરીને બોલ્યા: “ઠાકોરજીની આરતી ઉતારવાના અમકુબાપુના સવા બસ્સો રૂપિયા એક વાર …. સવા બસ્સો રૂપિયા બે વાર…. સવા બસ્સો રૂપિયા ત્રણ વાર.બોલો શ્રી ગિરિરાજધરણકી જે…”

“જે….”  ગામલોકો ઉમળકાથીજય બોલ્યાં.

….. ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા અમકુબાપુ જ્યારે ઠકોરજીની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે વાલજીશેઠ મનોમન બોલ્યા: “વટનો કટકો…. ગઈ દિવાળી પહેલાંના દોઢસો રૂપિયા બાકી છે એ આપવાનું નામ નથી લેતો ને અહીં સવા બસ્સો દઈને ઠાકોરજીની આરતી ઉતારે છે!!!!”

મુખવટો- યશવંત ઠક્કર

 

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

એક ખતરનાક અનુભવ-યશવંત ઠક્કર

એક ખતરનાક અનુભવ

એક ખતરનાક અનુભવ

ગઈકાલે મને એક ખતરનાક અનુભવ થઈ ગયો. જે અહીં રજૂ કર્યા વગર રહી શક્તો નથી….

બન્યું હતું એવું કે હું એક મિત્રને ત્યાં જવા માટે નીકળ્યો હતો અને ટૂંકા રસ્તે જવાના મોહમાં મારાં જ શહેરની ગલીઓમાં ભૂલો પડી ગયો હતો. એક ગલીમાંથી બીજી ગલીમાં અને બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં એમ ચાલતા ચાલતા હું એક એક એવી જગ્યાએ પહોંચી ગયો કે જ્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નહોતો. એક મોટી દીવાલ હતી. પૂછું કોને? કોઈ કહેતા કોઈ માણસ જ ન જોવા મળ્યો! હું પાછો ફર્યો. અફસોસ તો હતો જ કે ઘણું બધું ચાલ્યા છતાં મુકામે પહોંચાયું નહીં.

હું થોડુંક જ પાછો ફર્યો હોઈશ કે મને એક બીજો રસ્તો દેખાયો. મને લાગ્યું કે ‘આ રસ્તો મને ગલીમાંથી સીધો બહાર લઈ જશે અને હું મુખ્ય રસ્તા પર પહોંચી જઈશ.’ હું એ રસ્તે વળ્યો. ચાલતો જ ગયો ..ચાલતો જ ગયો … અને જ્યારે મને લાગ્યું કે હું ગલીમાંથી બહાર નીકળી ચૂક્યો છું ત્યારે મને થયું કે ‘હાશ! ગલીઓની માયાજાળમાંથી બહાર તો આવ્યો!’

… પણ મારી એ ધારણા ખોટી હતી કારણ કે મેં જોયું કે હું માત્ર ગલીની જ બહાર નહોતો નીકળ્યો પણ સમગ્ર શહેરની બહાર નીકળી ચૂક્યો હતો! મને દૂર દૂર સુધી કોઈ માણસ નજરે પડતું નહોતું! નજરે પડતાં હતાં ખેતરો,વૃક્ષો,ટેકરીઓ અને એક તળાવડી! જે કોઈ થોડાંઘણાં મકાનો નજરે પડતાં હતાં એ સાવ ઉજ્જડ હતાં! એક સડક દેખાતી હતી પણ બિલકુલ અવરજવર વગરની! નર્યું શાંત વાતાવરણ હતું! આમ તો આવું વાતાવરણ મને ગમે પણઆ તો ડરામણું પણ હતું! એટલે મને થયું કે અહીંથી જ મારે પાછું ફરી જવું જોઈએ.

હું પાછો ફરવા જતો હતો ત્યાં જ તો મોટા અવાજમાં સંગીત સંભળાવું શરુ થઈ ગયું. સાથે સાથે ગીત પણ વાગતું હતું! ગીતના શબ્દો તો અત્યારે યાદ નથી પરંતુ ‘કાલા પત્થર’ ફિલ્મનાં પેલાં ગીતનો દાખલો આપી શકું: એક રાસ્તા હૈ જિંદગી જો થંભ ગયે તો કુછ નહીં બસ એવી જ ફિલૉ’સફી, એવા જ શબ્દો, એવી જ ગતિ અને એવી જ મસ્તી! મારું મન પ્રસન્ન થઈ ગયું. એટલી વારમાં તોમેં સડક પરથી એક કાર પસાર થતી જોઈ! એ કાર એક બાવો ચલાવતો હતો. અને ગીત પણ એ કારમાં જ વાગતું હતું!બાવો પણ એ ગીતને દાદ આપતો હોય એમ કાર ચલાવતા ચલાવતા મસ્તીથી પોતાનું માથું ધુણાવતો હતો! આવું દ્શ્ય મેં ક્યારેય જોયું નહોતું! અદભુત…અદભુત … અદભુત !! હું બધું જ ભૂલી ગયો.. ક્યાંથી આવ્યો છું …ક્યાં જવાનો છું …મને કશું જ યાદ નહોતું! ન ભૂતકાળ કે ન ભવિષ્યકાળ! નર્યો વર્તમાનકાળ! એક સડક,એક કાર,એક બાવો અને એક ગીત! હું જાણે વહેતો ચાલ્યો!

…. અને એકદમ જ એ બધું જ જાણે કે ગાયબ થઈ ગયું! કારણ કે હું એક ઊંડા ખાડામાં જઈ પડ્યો હતો! હવે મારા પસ્તાવાનો પાર નહોતો. મનમાં નિર્ણય કરી લીધો કે આ મુસીબતમાંથી હેમખેમ બહાર નીકળી જઈશ તો કયારેય આવું જોખમ નહીં ખેડું. એટલું સારું હતું કે ખાડામાંથી ઉપર ચડી શકાય એવો ઢાળ હતો. હું ધીરે ધીરે ઉપર ચડ્યો ને ખાડામાંથી બહાર નીકળતા પહેલા મેં બહાર દૂર દૂર સુધી નજર કરી. બહાર ખેતરો,વૃક્ષો,ટેકરીઓ,તળાવડી,મકાનો અને સડક એ બધું જ હતું પણ પેલી કાર કે બાવો નહોતા. ગીત કે સંગીતનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. આગળ વધવું કે નહીં એનો વિચાર કરતો હતો ત્યાં જ મારી નજર ખાડાની બહાર નજીકમાં જ એક ચીજ પર પડી અને મારી નવાઈનો પાર ના રહ્યો! મેં લગભગ વીસ ફૂટ જેટલું લાંબુંપૂતળું ચત્તુંપાટ પડેલું જોયું! મેં ધ્યાનથી જોયું તો એ જૂના જમાનાના કોઈ વીર યોદ્ધાનું હોય એવું લાગ્યું. મને રસ પડ્યો અને વિશેષ તપાસ કરવાનું મન પણ થયું. પરંતુ આસપાસની જ્ગ્યા પર નજર કરતાં જ મારા હોશકોશ ઊડી ગયા! મને એ જ્ગ્યા કબ્રસ્તાનની હોય એવું જણાયું. મારાં હૃદયના ધબકારા વધી ગયા હતા. મને આગળ વધવું ઠીક ન લાગ્યું . હું ફરીથી ખાડામાં ઉતરી ગયો અને બીજી દિશામાં ઉપર ચડવા લાગ્યો. મારી ગણત્રી એવી હતી કે એ તરફથી જ હું આવ્યો હતો અને હવે એ જ રસ્તે પાછો ફરી જઉં એમાં જ મારી સલામતી છે.

એ ઢાળ આસાનીથી ચડી શકાય એવો હતો. હું હિંમત રાખીને બને એટલી ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. બસ એક વખત બહાર નીકળી જવાય તો પછી શહેરમાં પહોંચતા વાર નહીં લાગે. હું ખાડામાંથી અર્ધે પહોંચ્યો હોઈશને એક ખતરનાક દેખાતો માણસ ખાડાની ધાર ઉપર દેખાયો. એનો પહેરવેષ વિચિત્ર હતો. એ પણજૂના જમાનાના સૈનિક જેવો જ લાગતો હતો. હું કશું પણ સમજું એ પહેલાં તો એણે ત્રાડ નાખી કે હું કોઈને જીવતા છોડવાનો નથી. અને એ ત્યાંથી મારા તરફ કૂદ્યો!. મને લાગ્યું કે એ મને સાથે લઈને જ નીચે ખાબકશે! પણ એવુ ના થયું! એ મારી એકદમ નજીકથી જ પસાર થઈને નીચે પડ્યો. મેં ઉપર ચડવાની મારી ઝડપ વધારી. મેં ફરીથી એની ત્રાડ સાંભળી: હું કોઈને જ જીવતા છોડવાનો નથી

મને લાગ્યું કે એ મારી પાછળ પાછળ જ ઉપર ચડી રહ્યો છે. મેં પણ ઉપર ચડવાનું ચાલું જ રાખ્યું,. મને ઊંડે ઊંડે પણ આશા હતી કે એક વખત જો હું બહાર નીકળી જઉં પછી મને કોઈની ને કોઈની મદદ મળી રહેશે.સાથે સાથે એ પણ આશંકા તો હતી જ કે એ મને પકડી પાડશે. ને જો એવું થાય તો પછી મારો બચવાનો કોઈ સવાલ જ નહોતો!

પણ હું બચી ગયો. બિલકુલ બચી ગયો. એટલે તો આ વાત લખી રહ્યો છું. એ માણસ મને કશું જ ના કરી શક્યો. કારણ કે એ ખતરનાક માણસ મને કશું પણ કરે એ પહેલાં તો મારી ઊંઘ ઊડી ગઈ હતી અને મારું ખતરનાક સપનું પૂરું થઈ ગયું હતું!

તો આ હતો મારો ખતરનાક અનુભવ!

“લીલા”


મથુરાથી વૃંદાવનના હરિયાળા રસ્તે એક નાની બસ ઊભી રહી. સૌ પ્રથમ ગોર મહારાજ નીચે ઉતર્યા. પછીથી યાત્રાળું ઉતર્યાં.

દેખો. યે સબ ભગવાનકી લીલા હૈ. યે સબ અગલે જન્મોમેં ગોવાલ થે. સબ ભગવાનકે સાથ ગૌવા ચરાતે થે. વૃક્ષો પર બેઠેલાં વાંદરાં તરફ આંગળી ચીંધતાં ગોર મહારાજે કહ્યું.

યાત્રાળું એક જ ગુજરાતી પરિવારનાં હતાં. તેઓ અહોભાવથી વાંદરાંનાં દર્શન કરવાં લાગ્યાં. વાંદરાં પણ ગુજરાતીઓને ઓળખી ગયાં હોય એમ ગેલમાં આવી ગયાં. તેઓ વૃક્ષો પરથી નીચે ઉતરીને નજીક આવી ગયાં.

ગોર મહારાજ બસમાંથી જામફળથી ભરેલો કોથળો બહાર લાવ્યા. તેઓ એક પછી એક જામફળ કાઢી કાઢીને વાંદરાંને ખવડાવવા લાગ્યા. આપ લોગ ભી ખિલાઈએ ઔર મજો લીજિયે. તેમણે યાત્રાળુંને કહ્યું. બધાં હોંશે હોંશે જામફળ લઈ લઈને વાંદરાંને ખવડાવવા લાગ્યાં. ગોર મહારાજ ભગવાનની લીલાની અવનવી વાતો કરવા લાગ્યા. વાંદરાં પોતાની લીલા દ્વારા વાતાવરણને ગુંજતું કરવા લાગ્યાં.

….થોડે દૂર એક નાનકડી છોકરી ત્રણ ચાર ભૂલકાઓ સાથે ઊભી ઊભી પોતાના હિસ્સાની અમર આશા આંખોમાં લઈને ઊભી હતી. યાત્રાળું પરિવારની એક છોકરીનું ધ્યાન એ ભૂલકાઓ તરફ ગયું. એનાં મનમાં ભાવ જાગ્યો એટલે ભૂલકાઓને આપવા માટે થોડાં જામફળ લઈને એ એમના તરફ જવા લાગી. ભૂલકાઓના ચહેરા ખીલી ઊઠ્યા.

પણ ગોર મહારાજનું ધ્યાન જતાં જ એમણે યાત્રાળું પરિવારની છોકરીને રોકતાં કહ્યું કે બેટે. યે લોગોકો તો આકે ખડે રહ જાનેકી આદત હૈ. ઈન્હે દેનેકી જરૂરત નહીં હૈ. પછી વાંદરાં તરફ હાથ કરતાં કહ્યું. યે ભક્તોકો લાભ દો

નાનકડી છોકરી અને ભૂલકાઓ પાછી ફરી રહેલી છોકરીને તેમજ એના હાથમાંનાં જામફળોને જોતાં જ રહ્યાં. તેમના ચહેરા યથાવત થઈ ગયા.

બધાં જામફળ ખલાસ થઈ ગયાં એટલે ગોર મહારાજે બધાંને મોટા અવાજે પૂછ્યું કે મજો આયો? જવાબમાં બધાંએ હા પાડી.

ચલો અબ આગે ચલે. ગોર મહારાજના કહેવાથી બધાં બસમાં ગોઠવાયાં.

બસ જતી રહી. વાંદરાં પણ વૃક્ષો પર જતાં રહ્યાં.

નાનકડી છોકરી ને ભૂલકાઓ વાંદરાંને અકળ ભાવે જોતાં રહ્યાં.