Archive by Author |

‘સત્યમેવા જયતે’ ડૉક્ટર, જન્મનો પણ સાક્ષી…મરણનો પણ સાક્ષી!

એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાય પાસ સર્જરી વગેરે શબ્દો હવે આપણે ત્યાં એવા તે ગૌરવથી બોલાય છે જાણે કે એ બધા કોઈ હોલીવુડ અભિનેત્રીઓનાં નામ હોય! મારા એક પાડોશી કપૂરસાહેબે  જ્યારે મને એવું કહ્યું હતું કે. ‘મેં બાય પાસ સર્જરી કરાવી.’ ત્યારે હુ ઘડીભર તો એનાં ચહેરા તરફ જોઈ રહ્યો હતો! કારણ કે, એમણે એવા વટથી એ વાત કરી હતી જાણે કે.એમણે પાંચ તોલા સોનાનો ચેન કરાવ્યો હોય! એ જ ઘડીએ મેં મારી જાતને ઠપકો આપ્યો હતો કે: ‘ક્યાં આ કપૂરસાહેબ જે બાય પાસ સર્જરીની વાત હોંશે હોંશે  કહે છે અને કયા તું? જે મેલેરિયાના નામ માત્રથી ધ્રુજવા લાગે છે!‘

એક ગીત છે કે: મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર  લી… ‘પૉઝિટિવ થિન્કિંગ’થી છલકાતા લોકો આરોગ્યની બાબતમાં પણ આ જ ગીત અમલમાં મૂકે છે અને ડાયાબિટિશ તેમ જ બ્લડપ્રેશર જેવી બીમારીઓને દોસ્તની જેમ સાચવે છે. એ દોસ્તી ડૉક્ટરની તોડાવી પણ તૂટતી નથી. ડૉક્ટર પરેજી પાળવાની સલાહ આપે તો વળતી દલીલ કરે કે: ‘તમે શું કામના? પરેજી પાળીને રોગ મટાડવો હોત તો તમારી પાસે શા માટે આવત?’   

પરંતુ, તમામ દર્દી આવા હકારાત્મક વલણ ધરાવતા નથી હો. કેટલાક તો બીમારીના નામ માત્રથી ધ્રુજવા લાગે છે. કારણે કે, બીમારી આવે છે ત્યારે માત્ર દર્દ લઈને નથી આવતી. એની પાછળ પાછળ [ક્યારેક તો આગળ આગળ] સારવારનું બિલ લઈને આવે છે. બીમારને ધ્રુજાવવા માટે બીમારી જેટલો ભાગ ભજવે છે એટલો જ કે એથી વધારે ભાગ આ સારવારનું બિલ ભજવે છે. અને આ બિલ જ ક્યારેક તો નવી બીમારી લઈને આવે છે. જેમ દહેજમાં એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે તેમ સારવારમાં પણ કેટલીક વખત એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે! એ ક્યાં જઈને અટકશે એની કોઈને ખબર પડતી નથી.   

જે દર્દી સ્વજનો માટે પતિ,પત્ની, ભાઈ,બહેન,કાકા,મામા.. વગેરેમાંથી કાંઈપણ હોય; ડૉક્ટરની નજરે તો એ માત્ર દર્દી જ હોય છે. એ બાબતમાં કોઈને વાંધો પણ ન હોવો જોઈએ. વાંધો ત્યારે હોઈ શકે કે જ્યારે ડૉક્ટરની નજરે દર્દી, પોતાની કમાણી માટેનો કાચો માલ હોય! કેટલાક, કેટલાક, કેટલાક ડૉક્ટર્સ પોતાની કમાણી માટે દર્દીને જરૂર વગરના ખર્ચામાં ઉતારે છે એ રહસ્ય લોકો નહોતા જાણતા એવું નથી. પરંતુ, આમિરખાને એ સમસ્યા પર પોતાની મહોર મારી છે એટલે હવે એ સમસ્યાને માન્યતા મળી કહેવાય. હવે સરકાર પણ આ બાબતમાં જાગશે! સરકારને પણ દરેક સમસ્યા બાબતમાં આમિરખાન દ્વારા જાગવું ગમતું હોય એવું લાગે છે! બાકી, સરકારને જગાડવા માટે તો કેટલાય લોકો મહેનત કરતા હતા.  પણ જોઈએ એવી નહોતી જાગતી.  એક કવિતા યાદ આવે છે: ‘એ કોણ છે જે જાગ્યો.. જેણે સહુને જગાડ્યાં..

આમ તો, બીજા લોકો દ્વારા લુંટાવું એ આપણા સંસ્કાર છે. આપણને કેટલાક વેપારીઓ, બિલ્ડરો, સરકારી અધિકારીઓ, ગોર મહારાજાઓ, દલાલો વગેરે લૂંટે છે. પણ, કોઈ ડૉક્ટર લૂંટે તો આપણને વિશેષ લાગી આવે છે. કારણ કે મામલો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પરંતુ, આપણે પાયાની એ વાત એ ભૂલી જઈએ છીએ કે,આપણી મોટાભાગની બીમારીઓનું સર્જન કોઈ ડૉક્ટર દ્વારા નથી થતું. એ સર્જન તો મોટાભાગે આપણું પોતાનું મૌલિક સર્જન હોય છે! એક સર્જક તરીકે આપણને કોઈ બંધનો નડતાં નથી અને ગમતાં પણ નથી. એટલે તો આપણે નકલી મિનરલ વોટરથી માંડીને તે નકલી ધી આરોગી જઈએ છીએ. આપને મોઢાના એવા મોળાં છીએ કે પાણીપૂરીના ખૂમચાવાળાને આપણે એવું નથી પૂછતા કે, ‘ભાઈ, તું પાણી કઈ ટાંકીમાંથી લાવ્યો? એમાં દળનું તત્વ કેટલું? એમાં TDS કેટલા?’ ત્યાં તો ‘આવવા દે.. આવવા દે.’ કરીએ છીએ! હવે, પરિણામે જે આવી જાય છે એને કાઢનાર ડૉક્ટર તરફ આપણે શંકાની નજરે કઈ રીતે જોઈ શકીએ? પાણીપૂરી તરફ શંકાની નજરે નહી જોવાનું, ભુસાભજિયાં તરફ શંકાની નજરે નહિ જોવાનું અને  દવાને શંકાની નજરે જોવાની? યે કૈસે હોગા યાર?

વળી, ડૉક્ટરને પણ ઓછી બબાલ નથી હોતી! પૈસા અને ભેજું ખર્ચ્યાં પછી ડૉક્ટર થવાતું હોય છે. એ રીતે ડૉક્ટર થયા પછી કદર ન થાય તો અપસેટ થઈ જવાય. એટલે જ, ઘણા ડૉક્ટર્સ આમિરખાનના, ડૉક્ટર્સને લગતા એપિસોડથી અપસેટ થઈ ગયા છે. પરંતુ, આમિરખાને તમામ ડૉક્ટર્સને બેઈમાન નથી કહ્યા. માટે સહુ ડૉક્ટર્સ ભાઈઓએ મન મોટું રાખવું જોઈએ. અપસેટ ન થવું જોઈએ. એમનું કામ જવાબદારીવાળું છે. એમણે કાંઈ બોલીને છૂટી નથી જવાનું. અપસેટ થવાથી કદાચ લોચો વાગી જાય તો…

ડૉક્ટર પણ લાગણીશીલ હોય છે. કેટલાય ડૉક્ટર્સ કવિતાઓ અને ગઝલો લખે છે! આપણને એમ થાય કે, કવિ જ થવું હતું તો ડૉક્ટર શું કામ થયા? પરંતુ, એમનાથી નહિ રહેવાતું હોય ત્યારેને? એમની નજરે પણ   દિલ એ માત્ર એક અવયવ નહિ હોય, એક એવુ મલ્ટિપ્લેક્સ સ્થાન હશે કે જ્યાં મોરલા ટહુકા કરી શકે, હેતની હેલી વરસી શકે અને ભયંકર જ્વાળામુખી પણ ભભૂકી શકે!  

તો આપણે ઈચ્છીએ કે, તમામ ડૉક્ટર્સના દિલમાં મોરલા ટહુકા કરતા રહે અને હેતની હેલીઓ વરસતી રહે. પણ, એમના દિલમાં ક્યારેય જ્વાળામુખી ન ભભૂકે.

યાર! આપણા સ્વાર્થની વાત છે!

  

‘સત્યમેવ જયતે’ NO બેન્ડ બાજા બારાત!

 

આમિરખાનનું કહેવું છે કે, ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમનો હેતુ માત્ર તમાશો કરવાનો નથી; પરંતુ એવી વાતો રજૂ કરવાનો છે કે જે વાતો લોકોના દિલને સ્પર્શી જાય. એ વાતો લોકોના દિલને સ્પર્શે પણ છે. અને સ્પર્શ્યા પછી ઉખડી પણ જાય છે! જેવી જેના દિલની સપાટી! ગુંદર ગમે તેટલો સારો હોય પણ જે તે સપાટી પર પણ આધાર રહેને?

દહેજના બિહામણા રૂપથી આપણે પરિચિત તો હતા જ. આમિરખાને વધારે પાકો પરિચય કરાવ્યો.  દહેજરૂપી મોટા રાક્ષસનો પરિચય તો કરાવ્યો પણ સાથેસાથે કેટલાક પેટા-રાક્ષસોનો પણ પરિચય કરાવ્યો. એ પેટા-રાક્ષસોમાનો એક રાક્ષસ તે ‘ધામધૂમથી લગ્ન.’

આમિરખાને બહુ જ અસરકારક રીતે એ સમજાવ્યું કે, લગ્ન ખર્ચાળ હોય એ વાત ધ્યાનમાં રાખવાને બદલે લગ્ન ટકાઉ હોય એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આ તબક્કે વિરોધનું બ્યૂગલ વાગવાની શક્યતા છે કે, ‘જેના પોતાનાંના જ લગ્ન ટકાઉ નહોતાં એ બીજાને ટકાઉ લગ્નની સલાહ કેવી રીતે આપી શકે?’ પરંતુ, આપણે અનેક વખત સાંભળ્યું છે કે, ‘ગુરુ કહે તેમ કરાય, કરે તેમ નહિ.’ જેને પણ આમિરખાનની વાતમાં દમ લાગતો હોય એણે આમિરખાનનાં ‘ડબલમેરેજ’વાળી વાતને ધક્કો મારવો જ રહ્યો.

જેને ત્યાં લગ્નપ્રસંગ હોય એ; બેન્ડ,બાજા અને બારાતના જોરે કમર હલાવી હલાવીને નાચી તો લે પણ બીજે દિવસેથી એ જ કમર તૂટવાની અસર જણાવા લાગે! ‘હલાવી કમર લાખની… બીજે દહાડે રાખની!’ જેનામાં ત્રેવડ હોય એ ભલેને જલસા કરે અને કરાવે. પણ, દેખાદેખીમાં ‘દેવું કરીને પણ ધામધૂમ કરવી’ એ સૂત્રમાં માનનારને માટે આમિરખાનની સલાહ ખોટી તો નથી જ. વળી, એક એવા ગામની વાત પણ કરવામાં આવી કે જે ગામમાં વર્ષોથી બેન્ડ,બાજા અને બારાત વગર લગ્નપ્રસંગો  ઉકેલાય છે!

વિચાર કરો કે, આમિરખાનની વાત ખરેખર લોકોનાં દિલને જડબેસલાક ચોંટી જાય, લોકો સાદાં લગ્ન તરફ વળી જાય અને સમગ્ર દેશમાં ‘નો બેન્ડ,નો બાજા, નો બારાત’ એ સૂત્ર સફળ થાય તો સમગ્ર દેશમાં કેવાં કેવાં દૃશ્યો જોવા મળે? આવો આપણે એવાં કેટલાંક સંભવિત દૃશ્યો પર નજર કરીએ…

[૧] મોટા પાર્ટીપ્લોટ:  મોટા પાર્ટીપ્લોટના માલિકો ઘરાકની રાહમાં ઝોકાં ખાય છે. રડ્યોખડ્યો એક ઘરાક આવે છે જે કહે છે કે: ભાઈ, આપણે ‘સત્યમેવ જયતે’ ટાઈપના લગ્ન કરવાં છે. જરાય ધામધૂમ નથી કરવાની. તમારો પાર્ટીપ્લોટ તો બહુ મોટો છે. અમારે એટલી બધી જગ્યાની જરૂર નથી. આપણે તો એક નાનકડો અને સાદો મંડપ નાખવાનો છે. અને, પચાસેક માણસો જમે એટલી જ જગ્યા જોઈશે. બોલો શું ચાર્જ છે? અને એમાં કોઈ સ્કિમ હોય તો બોલો.

[૨] કેટરિંગ: કેટરિંગના ધંધામાં મોટા ધંધાવાળાની વાત લાગી ગઈ છે. પરંતુ, નાના ધંધાવાળા ખૂશ છે. એ લોકોની ‘આમિર-પ્લેટ’ની બોલબાલા છે. ‘આમિર-પ્લેટ’ માં માત્ર છસાત વાનગીઓ હોય અને એ પણ સસ્તી અને સાદી! નો ફાસ્ટ ફૂડ! નો આઇસક્રીમ! નો સરબત! બીજું કશું જ નહિ. જેણે એવું બધું ખાવુંપીવું હોય એ બહાર જઈને રોકડેથી લઈ શકે.  

[૩] ફરાસખાનું: મોટા ફરાસખાનાવાળાં છ મહિનામાં બાર મહિનાનું કમાઈ લેતા’તા એ દિવસો ભૂતકાળની વાત થઈ ગઈ છે! ‘નાનો મંડપ..ચાલે મારા ભાઈ’ એ વિચારસરણી સહુને માફક આવી ગઈ છે. ફરાસખાનાવાળા વધારાનો માલસામાન હરાજીથી વેચી રહ્યા છે.  

[૪] ડેકોરેશન:  ડેકોરેશન કેવું ને વાત કેવી? ઘરમાં પડી હોય એ ચાઈનાની સીરિઈઝથી લોકોનું કામ ચાલી જાય છે. તોરણો માટે આસોપાલવનાં પાનને બદલે શેરીના લીમડાનાં પાનનો ઉપયોગ થાય છે. આવાં તોરણો ‘આયુર્વેદિક તોરણો’ તરીકે ઓળખાય છે!  

[૫] લગ્નગીતો: લગન્ગીતો ગાનારાંને હવે કોઈ જ બોલાવતું નથી. એને બદલે સ્વરચિત ગીત-ગઝલ ગાનારા કવિઓ સસ્તામાં મળી રહે છે.

[૬] બેન્ડવાજાં : લગ્નમાં બેન્ડવાજાં અને ડીજેની હાજરી કશે જ જણાતી નથી.  બેન્ડવાજાંને ધૂળ ચડી ગઈ છે. કેટલાંકમા તો ઊંદરડીઓ બચ્ચાં મૂકે છે! બેન્ડવાજાં અને ડીજેની સેવા આપનારાઓ આમિરખાન વિરોધી મોરચા કાઢી રહ્યા છે અને આમીરખાનના ઘર સામે ઊભા રહીને ‘રાજા હિન્દુસ્તાની’નાં ગીતો વગાડી રહ્યા છે. તેમજ ‘નથિંગ ઇઝ વેલ’ નાં નારા પોકારી રહ્યા છે.

[૭] વરઘોડા: વરઘોડાનો રિવાજ હવે નથી. વરરાજા  અને જાનૈયાઓ રોજ ઓફિસ કે કામધંધે જતાં હોય એમ બાઈક કે સ્કુટર પર માંડવે પહોંચી જાય છે. નજીક હોય તો ચાલતાં પણ પહોંચી જાય છે! માંડવે પહોંચીને વરરાજા કન્યાના બાપને મિસ-કોલ કરે છે એટલે એ લોકો સ્વાગત માટે આવી જાય છે! વરઘોડાના કારણે ટ્રાફિક જામ થવાના બનાવો હવે બનતા નથી.  

[૮] કપડાં અને ઘરેણાં : લગ્ન પ્રસંગે નવાં કપડાં પહેરવા જરૂરી નથી.સોનાનાં ઘરેણાં પહેરાનાર જૂનવાણી ગણાય છે.  બગડેલાં કમ્પ્યુટર અને કીબોર્ડમાંથી બનાવેલાં સસ્તાં ઘરેણાની બોલબાલા છે.  બ્યુટીપાર્લરની જરૂર પડતી નથી. જેવું આવડે એવું જાતે જ તૈયાર થવાનો જમાનો આવી ગયો છે.      

[૮] ફટાકડા : લગ્નપ્રસંગે બોમ્બ તો શું કોઈ ચકલીટોટા પણ નથી ફોડતું. પરિણામે પ્રદૂષણની માત્રા ઓછી થઈ ગઈ છે.  ઓઝોન વાયુનું પાતળું થઈ ગયેલી પડ ફરીથી જાડું થયું હોવાની ચર્ચાઓ ટીવી-ચેનલ્સ પર થવા લાગી છે.

[૯] વિડિયો-ફોટોગ્રાફી: લગ્નપ્રસંગે વિડિયો કે ફોટોગ્રાફી માટે હવે લોકો પૈસા ખર્ચતા નથી. પરણનારનું ફેસબુક પર ખાતું હોય તો એના લગ્નનો વિડિયો  ઉતારવાની તેમજ ફોટા પાડવાની અને ફેસબુક પર તુરત જ મૂકી દેવાની સેવા ફેસબુક દ્વારા જ મફતમાં પૂરી પાડવામાં આવે છે!

મિત્રો, યાદી લાંબી થઈ શકે. જો ખરેખર સાદાઈથી લગ્નો થવા લાગે તો એની સારી અને નરસી, આડી અને   ઊભી અસરો વિષે તમે ધારણાઓ બાંધી શકો છો. એક તરફ પેટ્રોલ અને વીજળીની બચત થાય તો બીજી તરફ સરકારની તિજોરીમાં ઠલવાતા ટેક્ષ ઓછા થાય. એક તરફ માધ્યમ અને ગરીબ વર્ગોની બચતથી બેન્કો ઉભરાવા લાગે તો બીજી તરફ વરઘોડામાં માથે બત્તી લઈને ચાલનારી મહિલાઓથી માંડીને વાસણો ધોનારી મહિલાઓની બેકારીનો પ્રશ્ન ઊભો થાય. એનાં પર પાછું રાજકારણ ખેલાય! ટીવી-ચેનલ્સવાળા નેતાઓને પૂછવા લાગે કે: ‘લગ્ન ધામધૂમથી કે સાદાઈથી? તમારું સ્ટેન્ડ જણાવો.’  લોકપાલ બિલ વિષે પણ ગોળ ગોળ વાત કરનારા નેતાઓ કેવા જવાબો આપે એની કલ્પના તમે કરો. બધું અમારે જ કરવાનું?

આવજો… 

‘સત્યમેવ જયતે’ … કુંવારા કરે કકળાટ!

આમિરખાનના ટીવી શો સત્યમેવ જયતે રજૂ થતાંની સાથે જ સત્યની સાથે સાથે આમિરખાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. આ શો ચાલશે, ચાલશે અને ચાલ્યા જ કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે, ‘શોસમસ્યા પર આધારિત છે અને સમસ્યાઓનો આપણે ત્યાં પાર નથી. અરે! ટીવી પર તો સાસુ-વહુની કાલ્પનિક સમસ્યાઓ  પરની સિરિઅલ્સ જો વર્ષો સુધી ચાલતી હોય તો આ તો નરી વાસ્તવિક સમસ્યાઓ પરનો શોછે.

બેટી બચાવોનો સંદેશો આપતો પહેલો જ એપિસોડ રજૂ થયાં પછી ઘણા લોકોનું માનવું છે કે આવો શોવહેલાં રજૂ  થવા જેવો હતો. ખાસ કરીને જે લોકો કન્યાના અભાવે કુંવારાપણું ભોગવી રહ્યા છે એ લોકો. આમિરખાને કુંવારાઓની ટોળી બતાવીને એમની સમસ્યા પર સમાજનું ધ્યાન દોર્યું એ સારી વાત છે. પરંતુ, એ લોકોની સમસ્યા માટે પોતે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજું કશું  કરવા માટે અસમર્થ હોવાનું કહી દીધું! એ વાત કુંવારાઓને જરૂર ખટકી હશે.

શોજોયા પછી કુવારાઓને તો થતું હશે કે:-

-જો આવો શોવીસપચીસ વર્ષો પહેલાં રજૂ થયો હોત તો કદાચ કન્યાઓનો અભાવ અમને આટલો બધો નડત નહિ! પરંતુ, ટીવી પર તો સાસુ,વહુ, નણંદો, દેરાણીઓ, જેઠાણીઓ વગેરેથી હર્યાંભર્યાં પરિવારો બતાવીને અમારા જીવ બાળવા સિવાય આ ટીવી ઉદ્યોગે કશું જ કર્યું નહિ.

-હવે બેટી બચાવોઝુંબેશના કારણે તો જે ફાયદો થશે એ ફાયદો તો પચીસત્રીસ વર્ષો પછીના કુંવારાઓને થશે. અમારી તો જે વાટ લાગવાની હતી એ તો લાગી ગઈને? કારણ કે આજે જે બેટી બચશે એ લગ્નલાયક થશે ત્યારે તો અમે કબરલાયકથઈ ગયા હોઈશું.

-લગ્નબજારમાં છોકરાઓની માંગના પ્રમાણમાં કન્યાઓનો પૂરવઠો ઓછો છે એ વાત બરાબર છે. પરંતુ, આમિરખાને એ વાત પણ સમજવી જોઈએ કે- એ માર્યાદિત પુરવઠામાં અમારે લાયક કન્યાઓ છે જે બહુ ભાવ ખાય છે! એ કન્યાઓ બત્રીસલક્ષણાની રાહમાં છે. વેલ સેટેડનું રટણ છોડતી નથી અને પોતે પણ સેટ થતી નથી. એમને સમજાવવી જોઈએ કે- જોબનિયું આજે આવ્યું ને કાલ  જાશે… જો આમિરખાન સ્ટેજ પર આ ગીત ગવડાવીને કુંવારીકાઓને સમજાવે તો જરૂર અસર થાય. કારણ કે એનું કામ પરફેક્ટ છે. એણે માત્ર કુંવારાઓની ટોળી બતાવી. કુંવારીઓની નહિ. યાર,આ તો એકતરફી વાત થઈ.

- ફિલ્મીદુનિયાના ઘણા લોકો એકથી વધારે વખત પરણવાનું સુખ પામ્યા છે. આમીરખાન પોતે પણ એ બાબતમાં નસીબદાર છે. અમને એક વખત પણ પરણવાના ફાંફા છે તો આમિરખાને અમને કશુક શીખવવું જોઈએ.

- આ શોરજૂ થયા પછી ઠેર ઠેર બેટી બચાવવા માટે જાગૃતિ આવવા લાગી છે. પણ, અમારુ કુંવારાપણું નાશ પામે એ માટે કશી જ કાર્યવાહી  થતી નથી.

- અમે આશા રાખીએ છીએ કે આ બાબતમાં પણ આમીરખાન કશું કરે. જરૂર પડે તો બીજો શોશરૂ કરે. જેનું નામ હોય… અભી શાદી કરતે…

શાહરૂખખાન! ગર્મી મેં ગર્મી કા એહસાસ!

મિત્રો,

ઘણાને વિચાર આવતો હશે કે, શાહરૂખખાનની કોઈ ફિલ્મ આવવાની નથી તો પછી એણે એક સિક્યુરિટી ગાર્ડ સાથે આટલી બધી બબાલ કેમ કરી? 

અમારું માનવું છે કે , ઘણી વખત  બબાલ કરવામાં નથી આવતી પણ થઈ જાય છે! આપોઆપ! જેમ પ્રેમ કરવામાં નથી આવતો પણ થઈ જાય છે! જેમ કેટલાક કવિઓથી કવિતા થઈ જાય છે!  સહજ રીતે! એવી જ રીતે બબાલ પણ થઈ જાય છે.

પરંતુ બબાલ જ્યારે કોઈ જાણીતા  માણસથી થઈ જાય છે ત્યારે એ સમાચાર બની જાય છે. બાકી, મારા જેવા કેટલાય અમુભાઈ કે રમુભાઈને અવારનવાર  ચોકીદારથી માંડીને મેનેજરો સાથે બબાલ થતી જ હોય છે.  જેમ દરેક પ્રેમ લગ્નમાં નથી ફલિત થતો તેમ દરેક બબાલ મોટા ઝઘડામાં નથી ફેરવાતી.  

-ક્યાંક ને ક્યાંક કોઈની સમજ કામ કરી જાય છે. 

- બહુ જોર કરવામાં મજા નથી એવું સત્ય સમાજાવાથી.. ‘જા..જા… હવે તારા જેવું કોણ થાય’ એવું કશું બબડીને ચાલતી પકડી લેવાય છે.   

-વાત હદ બહાર જતી લાગે તો  વાળી લેવાની આવડત કામ લાગી જાય. 

-પોતાની ભૂલ સમજાય [એવી શક્યતા ઓછી છે] તો માફી માગી લેવાય. 

અમને શાહરુખખાનના આ મામલામાં એક એવી મધુર કલ્પના કરવાનું મન થાય છે કે: 

જ્યારે શાહરૂખખાને ગાર્ડને સીટી વગાડતા અને છોકરાંને મેદાનમાં જતાં અટકાવતા જોયો ત્યારે એણે ગુસ્સે થવાને બદલે  એવું કહ્યું હોત કે: 

मेरे प्यारे बच्चे,  गार्ड अंकल मैदान में नहीं जाने देते है?  क…क..क.. कोई बात नहीं!

होता है!  ऐसा होता है! चलो,हम घर चले…

गार्ड अंकल को सोरी बोल दो!  सब बच्चे अंकल को सोरी बोल दो!

अंकल को बाय बाय कर दो!  ऐसे नहीं.. ऐसे कह दो… बाय बाय गार्ड अंकल .. गुड नाईट.. शुभ रात्रि..  गोड ब्लेस यु…   

आधी आधी रात भगाता है कोई 

बार बार सिटी… बजाता है  कोई 

हम तो पागल है.. 

गार्ड अनजाना है…. 

એવું કોઈ ગીત ગાતાં ગાતાં છોકરાંઓ સાથે નાચતો ગાતો  બહાર નીકળી ગયો  હોત તો?

અરે! વાત વધી ગયા પછી પણ પછી વાળી લીધી હોત તો! એવું કહીને કે:

मेरी गलती हो गई! हो सके तो मुजे माफ कर दो!

बच्चनजी ने कहा है कि – माफी मांगने से कोई छोटा नहीं हो जाता!

ए..ए..ए .. उ..उ… उ… क..क..कभी कभी इंसान से गलती हो जाती है! मेरे से हो गई! मै खान हूं तो क्या हुआ?

मुजे गलती करानेका हक नहीं ? बोलो.. जवाब दो… किंगखान को गलती करने का अधिकार नहीं है?

देखो, दुनिया में  महोब्बत से बड़ी कोई चीज नहीं है.. आई लव यु गार्ड अंकल…

… આવા તો કેટલય  ડાયલોગ્સ શાહરૂખખાને ફિલ્મોમાં માર્યાં હશે. સ્ટેજ પર માર્યાં હશે. એકાદ ડાયલોગ પણ, આ વખતે કામે લગાડ્યો હોત તો? વાત વાળી લીધી હોત તો?

“સ્વદેશ” ફિલ્મમાં એક પાણીવાળા છોકરા તરફ જેવા કરુણાના ભાવ દાખવ્યા હતા એવા ભાવ ગાર્ડ તરફ દાખવ્યા હોત તો?

તો?

તો?

તો?

મીડિયાની હેડ લાઈન્સ કેવી હોત…

क्या कूल है खान!

देखिये किंगखान कि इंसानियत!

एक सामान्य गार्ड से माँगते है माफी! किंगखान का जवाब नहीं!

शाहरुख क्यों है सब से अलग? देखिये ब्रेक के बाद!

પરંતુ,  આવું કશું જ થયું નહિ.  કિંગખાન એકશન માં આવી ગયા! સામેવાળા રીએક્શનમા આવી ગયા…મીડિયા TRP   કલેક્શનમાં આવી ગયા.  રાજીવ શુકલા પ્રોટેક્શમાં આવી ગયા!

તો મિત્રો,

ઉતાવળા સો બાવરા … ધીરા સો ગંભીર

શાહરૂખભાના દાખલેથી ચેતી જાજો વીર!


[બેસણાલાયક] ફોટો ————– યશવંત ઠક્કર

મિત્રો,

૧૯૯૬માં લખેલી એક વાર્તા ટૂંકાવીને અહીં રજૂ કરું છું. આ વાર્તા ‘ગુજરાત સમાચાર ‘ આયોજિત વાર્તા-સ્પર્ધામાં તે  વખતે આશ્વાસન ઇનામને પાત્ર ઠરી હતી. ઇનામ રૂપિયા ૫૦૦ જાહેર થયું હતું. જે કોઈ કારણસર મળ્યું નહોતું! :D પરંતુ, આપના પ્રતિભાવો [જો મળશે તો]એ ખોટ પૂરી કરી દેશે.

ફોટો —— 

‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ હઠીલા વીમા એજન્ટ જેવો આ વિચાર બળવંતરાયના મનમાં વારંવાર આવી ચડતો હતો.

બળવંતરાયને પ્રથમ વખત આ વિચાર એમના સ્વર્ગસ્થ ફુઆના બેસણાના પ્રસંગે આવેલો. ફુઆએ જિંદગીભર ધંધો કર્યો હતો. ધંધો એમના માટે શ્વાસોશ્વાસ જેવી સ્વાભાવિક પ્રક્રિયા હતી. વળી, એમને ધંધા સિવાયની બીજી કોઈ વાતોમાં ખાસ રસ પડ્યો જ નહોતો.  દુકાનમાં ગાદીતાકીયે બેઠાં બેઠાં જ  એમણે પોતાની જિંદગીનું ખાતું બંધ કર્યું હતું. ફુઆ પોતાનાં કુટુંબ માટે લીલી વાડીના નામે ઘણું ઘણું મૂકી ગયા હતા. પરંતુ નહોતા મૂકી ગયા એમનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો. ધંધાની ઉથલપાથલમાં રચ્યાપચ્યા રહેનાર ફુઆના ધ્યાનબહાર એ વાત જ રહી ગઈ હતી કે- ક્યારેક તો પોતાના શ્વાસોશ્વાસ પર મંદીનું મોજું ફરી વળશે અને પોતાના ખુદના ભાવ તળિયે બેસી જશે. નફાતોટાની અખંડ ચિંતા કરનાર ફુઆએ ક્યારેય એ વાતની ચિંતા જ નહોતી કરી કે-‘મારા બેસણા ટાણે દીકરાઓ હાર કોને પહેરાવશે? દીવો કોને કરશે? બગલાની પાંખ જેવાં ઉજળાં કપડાં પહેરીને આવનારાં લોકો  એમના હાથ કોના ફોટાને જોડશે?’

ફુઆના બેસણાની તૈયારી વખતે જ એ રહસ્ય બહાર આવ્યું હતું કે એમનો, બેસણાને લાયક એવો  એકાદ ફોટો પણ ઘરમાં નથી. એમના દીકરાઓ નિરાશ થઈ ગયા હતા. “અરેરે! બાપુજીનો એકાદ સારો ફોટો પણ તમારા ઘરમાં નથી? હદ કહેવાયને?’ લોકોની આવી ટીકાનો એમની પાસે કોઈ જવાબ નહોતો. એમના ઘરમાં કે ધંધામાં ‘બાપુજી’ના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ને ‘બાપુજી’એ ક્યારેય પોતાનો મોટો ફોટો તૈયાર કરવાનું કહ્યું જ નહોતું. ‘બાપુજી’ના ન હોવાના દુઃખથી વિશેષ દુઃખ; ‘બાપુજીનો ફોટો’ ન હોવાનું એ દિવસે બધાં કુટુંબીજનોએ અનુભવ્યું હતું.

બેસણાનો સમય નજીકને નજીક આવી રહ્યો હતો. બળવંતરાય ફુઆના ફોટાની રાજ જોઈ રહેલી સજાવેલી-ધજાવેલી ખુરશીને વિચારોની ઉથલપાથલ સાથે જોઈ રહ્યા હતા.

કિમતી જણસ ખોવાઈ ગઈ હોય અને  જેવા ખાંખાંખોળા થાય એવા ખાંખાંખોળા ફૂઆનો ફોટો શોધવા માટે ઘરમાં થવા લાગ્યા. પણ, ફોટો હોય તો હાથમાં આવેને? એ વખતે તો બધાંના જીવ અધ્ધર થઈ ગયા હતા. બેસણામાં ફોટો ન હોય તો તો ડૂબી મરવા જેવું થાયને?

ત્યાંતો, મોટા દીકરાની વહુએ એક આલ્બમમાંથી ‘બાપુજી’નો એક નાનકડો ફોટો શોધી કાઢ્યો હતો. દીકરાઓએ સંકોચસહ એ નાનકડા ફોટાને ખુરશીમાં પધરાવ્યો હતો. મોટા હારમાંથી નાનો હાર કરીને ફોટાને ચડાવ્યો હતો, દીવો કર્યો હતો ને હાથ જોડ્યા હતા.

.. ને બેસણામાં લોકો આવવા લાગ્યા હતા.

ખુરશીમાં પધરાવેલા નાનકડા ફોટાનું હોવું, ન હોવા બરાબર હતું. આથી ઘણાંને ખુરશી ખાલી હોવાનો ભ્રમ થતો હતો. સમગ્ર બેસણા દરમ્યાન બળવંતરાય માટે આ પરિસ્થિતિ, પોતાના મોટા કદના ફોટા અંગે કશું ગંભીરતાથી વિચારવાનું કારણ થઈ પડી હતી. લોકોની ગુચપુચ એમણે સરવા કાને સાંભળી હતી. ગુચાપુચનો સાર એ હતો કે- ‘આવડા મોટા શેઠનું બેસણું ને આવડો નાનો ફોટો!’

ફુઆના બેસણામાં બેઠાં બેઠાં જ બળવંતરાયે પોતાના બેસણાની કલ્પના કરી હતી. ઘરમાં પોતાનો મોટા કદનો એકેય ફોટો નથી એ  હકીકતથી પોતે ધ્રૂજી ઊઠ્યા હતા. ‘દરેક વ્યક્તિના ઘરમાં એનો પોતાનો મોટા કદનો એકાદ ફોટો તો અવશ્ય હોવો જોઈએ.‘ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ એમણે એ જ ક્ષણે થઈ હતી. પોતાનું બેસણું હશે ને પોતાનો મોટો ફોટો નહીં હોય ત્યારે દીકરાઓએ કેવી દોડાદોડી કરવી પડશે એવી એમની ચિંતામાં જ ફુઆનું બેસણું પૂરું થઈ ગયું હતું.

ફુઆના બેસણામાં મેળવેલા તત્વજ્ઞાનની રજૂઆત બળવંતરાયે ઘેર આવ્યા પછી પોતાની પત્ની રમાબહેન સમક્ષ કરી ત્યારે રમાબહેને પોતાનો સ્વભાવગત છણકો કર્યો હતો કે: “તમે આવી નકામી વાતો કરવા કરતાં ચૂપ રહો તો વધારે સારું.”

બળવંતરાયે વળતી દલીલ કરી હતી કે: “ધાર કે હુ સદાને માટે ચૂપ થઈ જાઉં તો મારા બેસણામાં કામ લાગે એવો એકેય ફોટો આપણા ઘરમાં છે ખરો?” ને રમાબહેન યથાશક્તિ વિફર્યાં હતાં: ”છોકરા હજી નાના છે ને તમને મરવાની ને બેસણાની વાતો કરતાં શરમ નથી આવતી? કરવા જેવાં બીજાં ઘણાં કામ છે એ કરવાનું નથી સૂઝતું? ”

આ સિવાયના પણ, રાતી કીડીના ચટકા જેવા કેટલાય સવાલો રમાબહેને કરી નાખ્યા હતા જેના જવાબમાં બળવંતરાય પાસે મૌન સિવાય બીજું કશું જ ઉપલબ્ધ નહોતું. નહોતું વાંચવું તોય એ છાપું વાંચવા લાગ્યા હતા. પરંતુ, છાપામાં ખડકાયેલી, બેસણાની જાહેરાતોએ એમને, ઘરમાં પોતાનો મોટો ફોટો ન હોવાની ચિંતામાં ફરીથી ડૂબાડી દીધા હતા. રમાબહેનનો દીર્ઘ બબડાટ પણ એમની ચિંતામાં ભંગ પાડી શક્યો નહોતો.

… પછી તો સમયે જાણે કે દોટ મૂકી હતી. છોકરાઓ મોટા થવાની સાથે સાથે બળવંતરાયથી દૂર પણ થઈ ગયા હતા. ઘરની ભીંતો પરથી રંગો અને તારીખિયાં બદલાતાં ગયાં. પરંતુ, મોટો ફોટો પડાવવાનો વિચાર બળવંતરાયના મનમાંથી ઉખડવાનું નામ નહોતો લેતો. એમાંય જ્યારે જ્યારે કોઈના બેસણામાં હાજરી આપતા ત્યારે ત્યારે બળવંતરાય સ્વર્ગસ્થના મોટા ફોટાને ધ્યાનથી જોતા અને વિચારતા કે: ‘ફોટો પડાવવો તો આવો જ મોટો અને રંગીન પડાવવો. જાણે કે હમણાં જ બોલી ઊઠે એવો.’

બેસણામાં વાતો ચાલતી હોય કે ભજનકીર્તન ચાલતાં હોય,પણ બળવંતરાયના મગજમાં વિચારો ધક્કામુક્કી કરતા હોય. …’ગાંડીતૂર નદીની જેમ જિંદગી ભાગતી જાય છે પણ, હુ મારો એક મોટો ફોટો તૈયાર નથી કરાવી શક્યો. મોત તો ગમે ત્યારે બાવાફકીરની જેમ આવીને ઊભું રહેશે તો ના ઓછી પડાશે? આપણે તૈયારીમાં રહેવું સારું. આ રમા જ નકામી છે. એ જો મોત કે બેસણાના નામ પર છણકા ન કરતી હોત તો તો હુ કે દહાડાનો સ્ટુડિયોમાં પહોંચી ગયો હોત ને એક સરસ મજાનો ફોટો પડાવી લીધો હોત. ફોટો તૈયાર હોય તો, દીકરાઓને કેટલી નિરાંત! મારા બેસણા વખતે ફોટા માટે દોડાદોડી તો નહિને? એ લોકો તો  પોતપોતાની દુનિયામાં મસ્ત છે. એમને તો આવી વાતનો વિચાર પણ ન આવે. બિચારા મારા બેસણા ટાણે ઘાંઘા થઈ જશે. સગાંવહાલાં તો વાંક કાઢવામાં શૂરાં છે. મેણાં મારી મારીને દીકરાઓને દુઃખી દુઃખી કરી નાંખશે.’

મોટો ફોટો તૈયાર કરાવી રાખવાનો બળવંતરાયનો એ વિચાર, નવીનચંદ્રના બેસણા પછી તો કાચ પાયેલા દોરા જેવો પાકો થઈ ગયો હતો. નવીનચંદ્ર, બળવંતરાયના પાડોશી કંચનલાલનો જમાઈ હતો ને પોતે એક સારો ફોટોગ્રાફર પણ હતો. પરંતુ, બીજાના ફોટા તૈયાર કરી આપનાર નવીનચંદ્ર પોતાનો જ એકાદ મોટો ફોટો તૈયાર કરી શક્યો નહોતો. વળી, એની ઉંમર પણ દુનિયામાં માત્ર ફોટા રૂપે જ રહી જવાની નહોતી. તેથી, સ્વાભાવિક છે કે, એણે ક્યારેય પોતાના બેસણાની અશુભ કલ્પના કરી જ ન હોય.

નવીનચંદ્રનું બેસણું પણ એના એકાદ નાના ફોટાની સાક્ષીએ આટોપી લેવું પડ્યું હતું. બળવંતરાયને આ ઘટના બીજી વખતની ચેતવણી સમાન લાગી. એમને થયું કે: ‘હવે મારો મોટો ફોટો તૈયાર કરવામાં આળસ કરું તો મારા જેવો કોઈ મૂરખ નહિ.’ એ બેસણામાંથી ઊભા થતી વખતે બળવંતરાયે પ્રતિજ્ઞા લીધી કે: “આવતી કાલે હુ મારો મોટો  ફોટો પડાવવા ‘છાયા સ્ટુડિયો’માં જઈશ અને મને દુનિયાની કોઈ તાકાત મને  એમ કરતાં રોકી નહિ શકે.”

*******************

બળવંતરાયે છેલ્લાંમાં છેલ્લાં સિવડાવેલાં ને ધોવાઈને ઇસ્ત્રી થયેલાં પેન્ટ-શર્ટ પહેર્યાં. ઉપર જૂનો કોટ ચડાવ્યો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બૂટ-મોજાં પહેરવાનો પ્રસંગ જ આવ્યો નહોતો. આજે આવ્યો. માથા પર જે થોડાઘણા વાળ ટકી રહ્યા હતા એને તેલ નાખીને ઠીક કર્યા. મોઢા પર પાવડર લગાડવાની ઇચ્છા થઈ. પણ, પાવડરનો ડબ્બો વર્ષોથી ખાલી હતો. ‘સ્ટુડિયોમાં હશે.’ એમણે મન મનાવ્યું ને દાઢી કરેલા ચહેરા પર હાથ ફેરવ્યો.

“હુ ફોટો પડાવવા જઉં છું. તારે આવવું હોય તો ચાલ.” એમણે રમાબહેનને કહ્યું.

“તમે જાવ. મારે નથી આવવું.” રમાબહેને રોજિંદો છણકો કર્યો.

“જેવી તારી ઈચ્છા.”

“ચાલ્યા પરણવા.” રમાબહેને સંભળાવ્યું.

“પરણીનેય આવું.” બળવંતરાયે સામું સંભળાવ્યું.

“વહેલા આવજો.”

“વહેલો જ આવીશ. તું પોંખવાની તૈયારી રાખજે.” બળવંતરાય ખાટુંમીઠું વેણ બોલીને ખડકીની બહાર નીકળી ગયા.

બળવંતરાય શેરીના નાકે પહોંચ્યા ત્યાં તો એમને થાક જેવું લાગ્યું. ‘રોજ તો આવું નથી થતું. આ તો શેરીનું નાકું! હુ તો ક્યાં ક્યાં પહોંચું છું!’ એમને મનમાં થયું. એમને એક બાજુ ઊભા રહી જવાનું ઠીક લાગ્યું.

પૂરપાટ દોડતાં વાહનો, હાંફળા-ફાંફળા લોકો, માથાં ઉલાળતી ગાયો, હોર્નનો અવાજ, ફેરિયાઓની બૂમો, હવામાં ભળેલી જાતજાતની ગંધ ને ઉપરથી તાપ વરસાવતા સૂરજનારાયણ. બળવંતરાયને સમગ્ર વાતાવરણ રોજિંદું હોવા છતાં આજે કઠ્યું. એમણે ઘેર પાછા ફરી જવાનો વિચાર આવ્યો. જે વળતા વિચાર સામે ટક્યો નહિ. ‘આજે તો પાછા પડવું જ નથી. આવું કામ તો રહી જાય તો રહી જ જાય.’ એવું વિચારતાં  એ  વળી આગળ વધ્યા.

“કાં બળવંતકાકા, કઈ બાજુ?” અરવિંદ ચાવાળાએ બૂમ પાડી.

“જરા ચકકર મારવા નીકળ્યો છું.” બળવંતરાય અરવિંદની લારી પાસે જઈને બોલ્યા. એમને, ફોટો પડાવવાની વાત કહેવી  ઠીક ન લાગી.

“લો લગાવો.” અરવિંદે ચાનો કપ ધર્યો.

“ના. ચા તો પીને જ નીકળ્યો છું.”

“લગાવોને બળવંતકાકા, ભેગું શું લઈ જવાનું છે?”

બળવંતરાયને ચાના એકેએક ઘૂંટડે મજા આવી. એમને હવે થોડું સારું લાગ્યું. એમણે ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી તો અરવિંદે ના પાડતાં બોલ્યો: “રહેવા દો કાકા, મેં પ્રેમથી પીવડાવી છે.”

બળવંતરાય જાણતા હતા કે-અરવિંદની એક વખતની ‘ના’ એટલે ‘ના.’ એમણે બે રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી દીધી. થોડી આડીઅવળી વાતો કરીને એમણે અરવિંદની રજા લીધી.

થોડુંક ચાલ્યા ત્યાં તો એમના હાથપગ ફાટવા લાગ્યા. ‘હશે!’ એમણે મન મનાવ્યું: ‘હવે ઉંમર થઈ. નાનીમોટી તકલીફો તો થવાની.’

‘પણ આટલું બધું અહક જેવું કેમ લાગે છે?’ એમના મનમાં પ્રશ્ન જાગ્યો. તો મનમાંથી સામો રોકડા રૂપિયા જેવો જવાબ મળ્યો: ‘લાગે એ તો. હવે શરીરનો વાંક છે? ઘરડું થયું બિચારું! ખૂબ દોડાદોડી કરી. હવે તો થાકેને? આ તો  જીવન-સંધ્યાની વેળા! પીળા પાનની જેમ ખરી પડવાની વેળા!’

‘ના…ના.’ એમના  મનમાંથી પોકાર ઊઠ્યો: ‘એમ  મોત ક્યાં રેઢું પડ્યું છે કે ડાળ પરથી પીળું પાંદડું ટપકે એમ ટપકી પડે! એવું મોત તો ભાગ્યશાળીને જ મળે. બાકી; ડાયાબિટિશ, દમ કે કેન્સરના નામે રોજ થોડું થોડું મરવાનું. એક્ષ-રે, કાર્ડિયાગ્રામ, ઇન્જેકશનો ને ગ્લુકોઝના વિવિધ કોઠા વીંધીને દવાની રંગબેરંગી ગોળીઓ પર પગલાં મૂકતું મૂકતું મોત પધારે ત્યાં સુધી પીડા ભોગવતાં ભોગવતાં એની રાહ જોયા કરવાની!’

‘રસ્તો આજે લાંબો થતો જાય છે! સાલો આજે મારી સામે રમતે ચડ્યો છે. ‘ બળવંતરાયને રસ્તા પર ખીજ ચડી. ‘નહિ તો છાયા સ્ટુડિયો આટલો બધો દૂર નથી. એવું હોય તો તો રિક્ષા જ ન કરું? થઈ થઈને કેટલું ભાડું થાય? ત્રણ રૂપિયા! અરે, પાંચ થાય તોય શું? પણ, કારણ વગરને?’

‘ આ છેલ્લી વખત. કાલથી દેહને આવી તકલીફ નથી આપવી. આ તો આવું જરૂરી કામ છે એટલે. કાલથી ઘરની બહાર નીકળે એ બીજા!’ એમણે  ભવિષ્યમાં આરામ જ ફરમાવવાનું નક્કી કરી નાંખ્યું.

…પોરો ખાતાં ખાતાં બળવંતરાય ‘છાયા સ્ટુડિયો’નાં પગથીયે પહોંચી ગયા. ડૂંગર ચઢતાં હોય એમ એ પગથિયાં ચડ્યા ને ‘હાશ!’ કહેતાંકને સ્ટુડિયોના બાંકડે બેસી ગયા.

“ભાઈ, એક રંગીન ફોટો પાડી દે ને કૉપી મોટી કાઢજે.” એમણે હાંફતાં હાંફતાં કહ્યું.

“કાકા, પહેલાં થાક ખાઈ લો.” ફોટોગ્રાફરે કહ્યું. એના હાથમાં પીંછી હતી ને એ એક ફોટાને છેલ્લો ઓપ આપી રહ્યો હતો.

“હુ ઉતાવળમાં છું ભાઈ, તું જલ્દી કર.”

“એવું હોય તો જાવ અંદર. હુ એક જ મિનિટમાં આવ્યો.”

બળવંતરાય અંદર ગયા ને એક ખુરશી પર બેસી ગયા.  એમને લાંબા થઈને સૂઈ જવાનું મન થયું. મન આરામ માટે કજિયે ચડ્યું હતું. એમણે મનને મનાવ્યું: ‘ઘેર જઈને આરામ જ કરવાનો છેને? આ તો આવું કામ હતું એટલે બહાર નીકળવું પડ્યું. કાલથી બહાર નીકળવાનું જ નહિ.’

અરીસા તરફ નજર જતાં બળવંતરાય ઊભા થયા અને અરીસામાં પોતાનો ચહેરો જોયો. હસ્યા. પોતે નોકરીએ લાગ્યા ત્યારનો પોતાનો ચહેરો એમને યાદ આવી ગયો.  ‘તું શું હતો ને શું થઈ ગયો?’ એ બબડ્યા. પાવડરના ડબ્બામાંથી થોડો પાવડર લઈને એમણે પોતાના મોઢા પર લગાડ્યો. માથા પર કાંસકો ફેરવ્યો. ત્યાં તો ફરી થાકી ગયા અને ખુરશી પર જઈને બેસી પડ્યા.

‘ફોટોગ્રાફર હજુ આવ્યો નહિ.’ બળવંતરાય  અધીરાઈથી બારણા તરફ જોઈ રહ્યા. એમને પોતે પહેરેલો કોટ સાંકડો ને સાંકડો થતો જતો હોય એવું લાગ્યું. એમણે કોટનું  ઉપરનું બટન ખોલી નાંખ્યું. ‘ચાલને ભાઈ..’ બૂમ પાડવા જતા હતાં ત્યાં તો ફોટોગ્રાફર આવી ગયો. એને જોઈને બળવંતરાયની આંખોમાં ચમક આવી ગઈ. એમની નજર સામે પોતાનો રંગીન ફોટો તરવરવા લાગ્યો. વર્ષોજૂની ઈચ્છા પૂરી થવાની ક્ષણ આવી પહોંચી હતી એટલે એમનું મન રાજી રાજી થઈ ગયું.

ફોટોગ્રાફરે ફોકસ ગોઠવ્યાં. ‘કાકા, કોટનું બટન બંધ કરો ને જરા ટટ્ટાર બેસો.”  એણે સૂચના આપી.

બળવંતરાયે કોટનું બટન બંધ કર્યું અને ટટ્ટાર બેઠા. એમને કોટાની ભીંસ ફરી અનુભવી. પણ હવે આ તો ફોટો પડાવવાનો હતો! રંગીન અને મોટો! હમણાં જ બોલી ઊઠે એવો! ‘કોટનું બટન ખુલ્લું હોય તો કેવું ખરાબ લાગે? કોટની ભીંસ તો કેટલી વાર માટે? કેમેરાની ચાંપ દબાય ત્યાં સુધી જ ને? એવી ભીંસને કોણ પૂછે છે?’ એમણે મનને મજબૂત કર્યું.

ફોટોગ્રાફરે કેમેરાની આંખમાંથી ફરી જોયું. એણે બળવંતરાયને ફરીથી ટોક્યા: ‘કાકા, જરા ઢીલા બેસો. નેચરલી બેઠાં હો એમ બેસો.”

બળવતરાય થોડા ઢીલા થઈને બેઠા ને મનમાં બબડ્યા: ‘તું જલદી કરને ભાઈ.”

‘કાકા, મોઢું થોડું ઊંચું કરો. ‘ ફોટોગ્રાફર બોલ્યો. બળવંતરાયે મોઢું ઊંચું કર્યું. ‘થોડું. આટલું બધું નહિ.” ફોટોગ્રાફના અવાજમાં થોડો ઠપકો પણ ભળ્યો.

બળવંતરાય મનોમન અકળાયા. મોઢું નીચું કરતી વખતે એમને લાગ્યું કે પોતે અંદરથી માટીની ભેખડ તૂટે એમ તૂટી રહ્યા છે. … અને આ ફોટોગ્રાફર નખરા કરે છે. આમ ને આમ જો વાર લગાડશે તો ફોટો પડી રહ્યો! ‘આનાથી વધારે સરખા બેસવાની હવે ત્રેવડ નથી. બસ, એક વખત કેમેરાની ચાંપ દબાઈ જાય તો ગંગા નાહ્યા…” એમના મનમાં હવે આ એક જ પોકાર હતો.

પરંતુ, ફોટોગ્રાફરે તો કેમેરાની ચાંપ દબાવવાને બદલે કેમેરાને જ આંખોથી અળગો કર્યો. એણે બળવંતરાયની પાસે આવીને પોતાના બંને હાથથી બળવંતરાયના ચહેરાને ગોઠવ્યો.

“ભાઈ, જલદી કરને.” બળવંતરાયે અકળાઈને કહ્યું.

“કાકાં, તમારે ઉતાવળ છે. પણ, ફોટો તો મારે પાડવાનો છેને? ફોટો વ્યવસ્થિત ન આવે તો મને મજા ન આવે.” ફોટોગ્રાફર કેમેરાને ફરીથી પોતાની આંખ સામે રાખતાં બોલ્યો.

“એ વાત પણ સાચી.” બળવંતરાયનું મન બોલ્યું. “ફોટો તો એવો હોવો જોઈએ કે જોનારને એમ જ લાગે કે બળવંતરાય હમણાં જ બોલી ઊઠશે.”

“રેડી…?”  ફોટોગ્રાફરે ચાંપ દબાવવાની તૈયારી સાથે પૂછ્યું.

“હુ તો રેડી જ છું.” બળવંતરાયને બોલવાનું મન થયું પણ એમનાથી બોલાયું નહિ.

“જરા સ્માઈલ”  બળવંતરાયને સાત સમંદર પારથી આવતો હોય એવો, ફોટોગ્રાફરનો અવાજ સંભળાયો. એમણે પોતાના હોઠ પહોળા કર્યા.

“બસ… બસ.” ફરીથી, દૂર દૂરથી આવાતો હોય એવો અવાજ સંભળાયો.

બળવંતરાયને લાગ્યું કે સમય ખોટી રીતે વેડફાઈ રહ્યો છે. ફોટોગ્રાફર કેમેરાની ચાંપ ડાબે એ માટે એમના રોમ રોમમાં તડપ જાગી હતી.

‘એમજ  સ્થિર રહેજો અને નજર સીધી..”

બળવંતરાયને કોઈ અદૃશ્ય શક્તિ પોતાને દોરવણી આપી રહી હોવાનો અનુભવ થયો.  તેઓ સ્થિર થઈ ગયા. એમની નજર કેમેરાના કાચ પર સ્થિર થઈ ગઈ. અર્જુનને જેમ ચકલીની માત્ર આંખ દેખાતી હતી એમ એમને કેમેરાનો માત્ર કાચ દેખાતો હતો. એમનું એકમાત્ર ધ્યેય એ કાચમાં સાજાસમા ઝીલાઈ જવાનું હતું.

સ્થિર થઈ ગયેલા બળવંતરાયને કેમેરાના કાચમાં આખું બ્રહ્માંડ સ્થિર થઈ ગયેલું દેખાયું. આખું બ્રહ્માંડ! જે ક્યારેક અર્જુને શ્રીકૃષ્ણના મુખમાં દીઠ્યું હતું. પછી, બળવંતરાયને સ્થિર થઈ ગયેલો ક્ષીરસાગર દેખાયો ને દેખાયા શેષનાગ. શેષનાગની ફેણ પર લાંબા પગ કરીને બિરાજેલા ભગવાન વિષ્ણુ દેખાયા અને દેખાયાં એમના પગ દાબતાં લક્ષ્મીજી. ને દેખાયા કોટિ કોટિ દેવતાઓ. જે સૌ નભમાં સ્થિર થઈ ગયા હતા. ને સ્થિર થઈ ગઈ હતી ઘરના બારણે ઉભેલી રમા.

એ સહુ કેમેરાની ચાંપ દબાય એ ક્ષણની રાહમાં આકુળવ્યાકુળ હતાં.

બળવંતરાયને કેમેરાની આંખમાં એક ચમકારો દેખાયો. પછી તો કેમેરામાંથી જાણે કે પ્રકાશનો પૂંજ છૂટ્યો.  વિષ્ણુ અને લક્ષ્મીજીના હાથ આશીર્વાદ આપવા કાજે અધ્ધર થયા. દેવતાઓ દંદુભિઓ વગાડવા લાગ્યા. પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બળવંતરાયને લાગ્યું કે પોતે ફૂલોની નીચે ઢંકાઈ જશે.

“બસ કરો… બસ કરો..” બળવંતરાય બોલવા ગયા પણ, એમના ગળામાંથી અવાજ ન નીકળ્યો.

“ઓકે..” ફોટોગ્રાફર બારણા તરફ વળતા બોલ્યો.

પરંતુ, એ બારણું ખોલે તે પહેલાં તો ‘ધડીંગ’ અવાજ થયો. એણે ચમકીને પાછળ જોયું તો બળવંતરાય ખુરશી પરથી ખરી પડ્યા હતા.

[સમાપ્ત]

ખમણ બફાયાં અને વરાળ નીકળી…

મિત્રો,

આજે એક ચિત્રકથા રજૂ કરવામાં આવે છે.  ચિત્ર જુઓ અને કથા સમજો.

ચતુર વાચકોને સમજાવવાની જરૂર ખરી?

મોદી-નીતીશ મિલન લાલૂ યાદવને ન ગમ્યુ

http://www.globalgujaratnews.com/news/india/laludid-not-like-nitish-and-modi-frendship

ખમણ બફાયાં..

અને 

વરાળ નીકળી……

http://www.divyabhaskar.co.in/article/NAT-lalu-attacks-nitish-over-handshake-with-modi-3224464.html

સમય બડા બલવાન … નહિ ફેસબુક બલવાન!

મિત્રો,

જમાનો પરિવર્તનશીલ છે.  જૂનું જાય છે ભાગ્યું અને નવું આવે છે ધસમસ  ધસમસ! કાલે ઓરકુટ હતું તો આજે ફેસબુક છે.  ફેસબુક પર કોઈના કારોબાર ધમધોકાર ચાલે છે તો કોઈ [ મારા જેવો] રોજનું રોજ કમાઈને ખાય છે! ધારો કે કોઈપણ કારણસર ફેસબુકનો સૂરજ પણ અસ્તાચળે  જાય ત્યારે -જેનો ફેસબુક પર એક જમાનો હતો  એ પોતાની આત્મકથામાં શું કહે-  એ માટે થોડું ભેજાફ્રાય કર્યું છે.  પ્રસ્તુત છે આપની સેવામાં….

                                         એક બરબાદ ફેસબુકીની આત્મકથા 

હુ ફેસબુક સંસ્કૃતિના અવશેષરૂપી કેટલાંક ખંડેરો વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મેં ખૂબ જ કરુણાભર્યો અવાજ સાંભળ્યો:   એ ભાઈ, અરે ઓ ભલાં માણસ .. ઊભો તો રહેં.. . અરે ભાગે છે  કેમ? હુ ક્યાં સોનાચાંદી માંગુ  છું? હુ ક્યાં રૂપિયા- પૈસા માંગુ છું? એક Comment માંગુ છું.  અરે!   Comment ન દેવી હોય તો વાંધો નહિ. એક  Like તો કરતો જા.  ભગવાન તારું  ભલું કરશે.

મને દયા આવી ગઈ. હુ એ બોલનારની પાસે ગયો.  ત્યાં થોડાક Likeના ટુકડા વેરવિખેર પડ્યા હતા. મેં એણે વ્યવસ્થિત ગોઠવીને એના ઠોસર્યામાં મૂક્યા.  એ  ખૂબ જ ખૂશ થયો.  મને આશીર્વાદ આપ્યાં કે: તારા ભંડાર  Commentsથી ભર્યાં રહેશે. તારા  Like  દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધશે.

હુ ત્યાંથી રવાના થતો હતો ત્યારે એણે મને ખૂબ જ દર્દભર્યા અવાજે કહ્યું કે: હેં ભલાં માણસ, આવ્યો છે તો મારી કહાની નહિ સાંભળે? મારા જેવાં પર એટલી દયા નહિ કરે?

મને દયા આવી ગઈ.  એણે એની ફેસબુકિયા જિંદગીની કહાની શરૂ કરી:

ભાઈ,   આ જે  ખંડેર વચ્ચે હુ મારા દુખના દિવસો પસાર કરું છું ત્યાં એક જમાનામાં હર્યોભર્યો ફેસબુક નામે પ્રદેશ હતો.  ને જે કાટમાળના ઢગલા પર આપણે અત્યારે બેઠા છીએ ત્યાં મારાં ફેસબુકિયા કિલ્લાની દીવાલ હતી.  એ દીવાલ જે દીવાલ સદાય મારા મિત્રોની વાહવાહથી ભરી ભરી રહેતી હતી.  અરે, તું નહિ માને! હુ સવારે ઊઠીને બ્રશ કરતો કરતો જ્યાં ફેસબુકના કિલ્લા તરફ નજર નાખતો ત્યાં તો કિલ્લાની Wall પરથી એકસામટા અવાજો આવતાં હતા કે: Good Morning! : Good Morning!

મને થતું કે:અરેરે! આ લોકો રાત્રે ઘેર પણ નહિ ગયા હોય! આખી Wall પર ઠેકઠેકાણે મિત્રો અડીંગો જમાવીને બેઠા હોય. કોઈ લટકતા હોય! કોઈ આડા થઈને પડ્યા હોય! કોઈ વળી પોતાની વાત કહેતાં હોય! કોઈ ગાતા હોય! કોઈ નવીનવી  અને ભાતભાતની તસવીરો  Wall પર લગાડતા  હોય!

અરે! બેત્રણ દિવસ બહાર જઈને આવું તો Wall પર કેટલીય Tags લટકતી હોય! એટલી બધી Tags કે મને મારાં ફેસબુકિયા કિલ્લાની દિવાલ પણ ન દેખાય! 

મને ક્યારેય એકલવાયું નહોતું લાગતું.  દીવસમાં વારેવારે Wall પરથી  હાકલા સંભળાતા રહેતા કે: ચા પીધી કે? ખાધું કે? શું ખાધું?

કોઈના હાકલાનો  હુ જવાબ આપું તો એ રાજી થઈને Wall પર જ ડાન્સ કરવા લાગે! મને સાલી બીક લાગતી કે- આ ખાબકે નહિ તો સારું!

આ તને સામે જે મોટા ઓરડા જેવું દેખાય છે ને એ ઓરડામાં મારી અને મારા મિત્રોની પાર વગરની તસવીરો  હતી.  એની બાજુમાં એક મોટો ખંડ હતો. જેમાં મારાં અને મિત્રોનાં લખાણો નું રોજ રોજ પ્રદર્શન થતું  ક્યાં ક્યાંથી લોકો એ લખાણો વાંચવા આવતા.  વાંચીને રાજી થતા. જતા જતા મને મિત્ર બનાવવાની રીક્વેસ્ટ કરતા. મારું મિત્રવર્તુળ વિશાળ હતું.  જાણે એક મોટું લશ્કર! 

હા લશ્કર જ! કારણ કે ક્યારેક ક્યારેક ફેસબુકના દેશમાં ધીંગાણાં પણ થઈ જતાં.  હુ અને મારાં મિત્રો જી જાનથી લડતા અને આક્રમણખોરોને છઠ્ઠીનું  ધાવણ  યાદ કરાવી દેતા. 

જેમ જેમ મારી કીર્તિ ફેલાતી ગઈ તેમ તેમ મારાં કિલ્લાની Wall પર ભીડ વધતી ગઈ.  ક્યારેક ક્યારેક અંદરોઅંદર પણ અથડામણો થતી.  કેટલાક હિતશત્રુઓ પણ   મિત્રોના સ્વાંગમાં આવીને વાતાવરણ બગાડી જતા.  મારે ખૂબ ધ્યાન રાખવું પડતું.  

 મોડી રાત સુધી  Postsની આવનજાવન રહેતી.  ગાડીમોઢે  Posts ઉતરતી.  હુ મારી એક   Post લઈને બહાર નીકળતો ત્યાં તો એને જોવાં માટે પડાપડી થઈ જતી.  મૂકું ન મૂકું ત્યાં તો કેટલાય લોકો  એને  Share કરવા માટે લઈને  ભાગતા.  વખાણ અને ટીકાઓનો  ઢગલો થઈ જતો. કેટલીય ટીકાઓ બિચારી દબાઈ જતી અને બૂમો પાડતી કે: બચાવો… બચાવો…

મારે ઘણી વખત કહેવું પડતું કે: ભાઈ, બધાં અહીં ધામો ન નાખો.  બીજે જાવ જ્યાં કાગડા ઊડે છે! પણ મારી વાત કોણ માને?

પણ કહેવાય છે ને કે: એકસરખા દિવસો કોઈના જતા નથી.  દરેક સારી વાતનો પણ અંત હોય છે.  સર્જન પછી વિસર્જન હોય છે. સમય જતાં ફેસબુકની જાહોજલાલી ઓછી થતી ગઈ.  લોકો પોતાના કિલ્લાઓને તાળાં મારીમારીને બીજા પ્રદેશમાં જતા રહ્યા. મને પ્રદેશ સાથે એવી દગાબાજી કરવી ઠીક ન લાગી.  હુ પડ્યો રહ્યો! પણ, મારો કારોબાર પણ ઘટવા લાગ્યો. પરિણામે ફેસબુકીયા કિલ્લાની જાળવણી ન થઈ શકી! ધીરે ધીરે એના કાંગરા ખારવા લાગ્યા! ને એક દિવસ…

એ માણસ આગળ બોલી ન શક્યો…

થોડી વાર પછી એણે એક મોટો નિસાસો મને કહ્યું:  ભાઈ,  એ જાહોજલાલીના દિવસો યાદ કરીકરીને દિવસો પસાર કરું છું.  જ્યાં એક વખત મિત્રોનાં નામ પણ યાદ નહોતાં રહેતાં ત્યાં આજે સમ ખાવાય એકાદ મિત્ર પણ નથી!  સમય સમયની વાત છે! સમય બડા બલવાન … નહિ ફેસબુક બલવાન! 

મારાથી એનું દુઃખ જોવાતું નહોતું એટલે થોડું આશ્વાસન આપીને હુ ત્યાંથી ઝડપથી ભાગ્યો. કારણ કે -અંધારું થવા લાગ્યું હતું અને વાતાવરણ ભયંકર થતું જતું હતું.  

જતાં જતાં મારા કાને  આ શબ્દો સંભળાયા… 

  Postના પરવાના ગયા 

Friends દીવાના ગયા.. 

સમયે ફેરવ્યું પડખું તો

Facebookના જમાના ગયા!! 

જાગું તો મારી પથારી લાજે …

જશુભાઈની આંખો ખુલી ગઈ.  એમને સવાર થઈ ગઈ હોવાનું ભાન થયું.  

પથારીમાં પડ્યા પડ્યા જ એમણે જીતુને બૂમ પાડી.  ”જીતુ.. ઊભો થા ઊભો.  સવાર પડી ગઈ.” 

કોઈ જવાબ ન મળતાં એમણે ફરી બૂમ પાડી: “અલ્યા, ઊભો થાને.  કહું છે એ સંભળાતું નથી? આ સૂરજ ક્યાં પોગવા આવ્યો? ને તું હજી ઘારોટે છે?” 

કોઈ જ પ્રકારનાં પ્રત્યાઘાત ન મળતાં જશુભાઈનો અવાજ મોટો થઈ ગયો. ” અલ્યા મૂરખ, આ દુનિયા આખી જાગી ગાઈને તું હજી ઊંઘે છે? ડફોળ, તું કયારે સુધારવાનો છે? આટલી આટલી બૂમો પાડવાનો મને શોખ થાય છે?” 

છતાંય કોઈ જ જવાબ ન મળતાં એમણે  ફરીથી બૂમ પાડી: ” અલ્યા કયારે જાગીશ? આ જોતો નથી? બહાર કેટલું અજવાળું અજવાળું છે? મૂરખ..” 

ને નયના બહેન આવી પહોંચ્યાં. “કેમ બૂમો પાડો છો?” એમણે ઉચ્ચ અવાજે પૂછ્યું. 

“જીતુને જગાડું છું. આ સવાર થઈ ગઈ છે.” 

“સવાર તો ક્યારની થઈ ગઈ છે. તમને હવે ખબર પડી? ને રહી વાત જીતુની. તો સાંભળી લો કે- જીતુ ક્યારનો જાગી ગયો છે ને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે મેદાનમાં પહોંચી ગયો છે.  ને તમે પોતે હવે જાગો તો મને કામની સૂઝ પડે.” 

“હુ તો જાગી જ ગયો છુને?’ 

“આ પથારીમાં પડ્યા પડ્યા બૂમો પાડવાને  તમે જાગવું કહો છો? તમારી બૂમો સાંભળીને આજુબાજુના લોકો દોડીને આવ્યા’તા. એમને લાગ્યું કે -તમને કશી તકલીફ થઈ.” 

“શું વાત કરે છે? પછી તેં શું કહ્યું?” 

“મારે તો બાંધી મુઠ્ઠી લાખની રાખવી પડેને? કહી દીધું કે- એ તો ક્રાંતિકારી કાવ્યોનું પઠન કરે છે. પણ, મારો તમને  સવાલ એ છે કે:આવું હોય જાગવાનું?” 

ને પછી તો નયના બહેને સુરતી મરચાં જેવા જે જે  સવાલો કર્યાં એના જવાબો આપવાને બદલે જશુભાઈને પથારીમાંથી ઊભા થઈને બ્રશ મોઢામાં નાખવું જ ઠીક લાગ્યું. 

****************** 

મિત્રો, આ જાગવું કેટલું છેતરામણું છે!  ક્યારેક ક્યારેક આપણને એમ  થાય છે કે -આપણે જ જાગી ગયાં ને બીજાં ઊંઘે છે! ને આપણને એમ પણ થાય કે- આ અજવાળું અજવાળું માત્રને માત્ર આપણને જ દેખાય છે! 

સાલું, આ આપણું જાગવું એ જશુભાઈના જાગવા જેવું તો નહિ હોયને? 

આજનું લંગર:

'I'm sorry to wake you, Mr. Jennings, but it's time for your sleeping pills.' by LeRoux, Lash

http://www.cartoonstock.com/cartoonview.asp?start=&search=main&catref=llen10&MA_Artist=LeRoux%2C+Lash&MA_Category=&ANDkeyword=&ORkeyword=&TITLEkeyword=&NEGATIVEkeyword=

મોરારિબાપુ, સાહિત્યકારો અને લોકપ્રિયતા

જૂની વાત છે. સાહિત્યને લગતો એક  કાર્યક્રમ હતો.  જેમાં કેટલાક કવિમિત્રો થેલાં લઈને આવી પહોંચ્યા હતા. થેલાંમાં ડાયરીઓ  હતી અને ડાયરીઓમાં સ્વાભાવિક રીતે ગઝલો હતી. એ કાર્યક્રમમાં  મોરારિબાપુ પણ પધાર્યાં હતા. પરંતુ, કેટલાક કવિમિત્રો એવી કચકચ કરવા લાગ્યાં કે: સાહિત્યના કાર્યક્રમમાં મોરારિબાપુની શી જરૂર છે?

ખરેખર તો એ કવિમિત્રોએ આ સવાલ કાર્યક્રમના આયોજકોને પૂછવો જોઈતો હતો. કારણ કે આયોજકો જાણતા હતા કે – કવિતા વાંચવાં માટે કવિઓ તો એક કહેતાં એકાવન મળી રહે પણ શ્રોતાઓ  ક્યાં?  ને.. મોરારિબાપુની લોકપ્રિયતા  થકી કાર્યક્રમનો પ્રચાર થતો હોય, શ્રોતાઓની સંખ્યા વધતી હોય, એ શ્રોતાઓ સુધી કવિઓની કવિતાઓ  પહોંચતી હોય તો એમાં ખોટું શું છે?  પરંતુ, કેટલાક સાહિત્યકારોને એવું લાગતું હોય છે કે – મોરારિબાપુને સાહિત્ય સાથે કોઈ પ્રકારની નિસ્બત નથી અને હોવી પણ ન જોઈએ! અરે મારા વાલીડાઓ, તમે જો સાહિત્યની અવનવી વાનગીઓના કારીગરો છો તો મોરારિબાપુ તો ફાઈવ સ્ટાર સાહિત્યિક હોટેલના સંચાલક છે! વર્ષોથી સાહિત્ય પીરસી રહ્યા છે.  જે દ્વારા માત્ર તુલસીદાસ જ નહિ પરંતુ કેટલાય નામી અનામી ગુજરાતી સાહિત્યકારોની રચનાઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.  જરૂર પડે તો ફિલ્મી ગીતોની પંક્તિઓ પણ રજૂ કરે છે. કેટલાક સાહિત્યકારો  વળી  ફિલ્મી ગીતોને સાહિત્ય ન  પણ ગણે.  જ્યારે સમાજને આ બધાં સાથે નિસ્બત છે.

હવે ધારો કે , પેલી કચકચ કરનારા કવિઓની રચનાઓ  જો મોરારિબાપુને ગમી ગઈ હોય અને તેઓ એ રચનાઓ પોતાની કથામાં અવારનવાર રજૂ કરતાં હોય તો?  તો તો પેલાં કચકચિયા કવિઓ પોતાની જાતને ધન્ય ધન્ય માને કે નહિ? તો વાત એમ થઈને  કે- જેને દ્રાક્ષ ખાવા મળી એને માટે  દ્રાક્ષ મીઠી અને જેણે ખાવા ન મળી એનાં માટે ખાટી!

સમાજમાં બધું એકબીજાં સાથે એટલું તો સંકળાયેલું છે કે, એ બધું છૂટું પાડવું એટલે ઉનાળાની ઋતુમાં AC રૂમમાં બેસીને ACના ગેરફાયદાની ચર્ચા કરવા જેવું લાગે.  હુ  મોરારિબાપુનો ભક્ત નથી.  વફાદાર શ્રોતા પણ નથી. એમણે કથા ક્યાં કરવી જોઈએ અને ક્યાં ન કરવી જોઈએ એવી ચર્ચાનો આ વિષય પણ નથી. પરંતુ, એઓ જે કાઈ સારું કરી રહ્યાં હોય એને માણવાના બદલે એઓ શું સારું નથી કરી રહ્યા એની યાદી બનાવવા બેસું  એ તો ભારતીય વિરોધ પક્ષોની આડોડાઈ જેવું ગણાય.  

સાહિત્ય કે કળા સાથે સંકળાયેલી સંસ્થાઓનાં કાર્યક્રમોમાં ઘણી વખત કાગડાઓ પણ નથી આવતા.  સરિતા જોશીના સન્માનના એક કાર્યક્રમમાં પૂરાં પચીસ ભાવકો પણ નહોતા આવ્યાં. કારણ? આયોજનમાં અને પ્રચારમાં ખામી. કેટલીક સંસ્થાઓના કાર્યક્રમોમાં વધારાના શ્રોતાઓની  વાત જવા  દો, સંસ્થાના ચોથા ભાગના સભ્યો પણ આવતાં નથી.  એમાં પણ સંપ્રદાયો! ગઝલ સંપ્રદાય! નાટક સંપ્રદાય! વિવેચન સંપ્રદાય!

મોરારિબાપુ પોતાનું કાર્યક્ષેત્ર માત્ર  કથા પૂરતું માર્યાદિત ન રાખતા હોય અને સાહિત્યમાં પણ રસ લેતા હોય તો  સાહિત્યકારો અને ભાવકો બંને માટે લાભની વાત છે. એમના લીધે સાહિત્યકારો અને શ્રોતાઓ એકબીજાની નજીક આવી શકે છે. બાકી, ઘણી જગ્યાએ  એવું બનતું હોય છે કે , સાહિત્યકારો હોય ત્યાં શ્રોતાઓ નથી હોતાં  અને શ્રોતાઓ હોય ત્યાં સાહિત્યકારો નથી હોતાં.   

મોરારીબાપુ ભલે નમ્રતાપૂર્વક કહેતા હોય કે- મને સાહિત્યકારોની જરૂર છે.  પરંતુ, હકીકત એ છે કે – સાહિત્યકારોને  મોરારિબાપુની વધારે જરૂર છે.  કારણ કે, મોરારિબાપુ એક એવું સબળ અને જીવતું-જાગતું માધ્યમ છે કે જેના દ્વારા સાહિત્યકારો વિશાળ શ્રોતા વર્ગ સુધી પહોંચી શકે છે.  લખનારા લખી તો નાખે.  ગમેતેં કરીને છપાવી પણ નાખે.  પણ પછી શું? છપાયેલું વંચાવું ને વેચાવું તો જોઈએને? બહુ અઘરી વાત છે.  છેવટે વાત પ્રચારની આવે છે. સાહિત્યની સબળ સંસ્થા જે કામ નથી કરી શકાતી એ કામ મોરારિબાપુ જેવી વ્યક્તિઓથી  જાણ્યે અજાણ્યે પણ થઈ જતું  હોય છે.  એટલે જ કોઈ નવાસવા  કવિ ને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ બહાર પાડવા  માટે પ્રકાશક જેટલા જરૂરી લાગે છે,  પ્રસ્તાવના લખી આપનાર જેટલા જરૂરી લાગે છે એટલા જ જરૂરી કે એથી વિશેષ જરૂરી,આશીર્વચન  લખી આપનારાં કોઈ ધાર્મિક  કે  સામાજિક  આગેવાન લાગે છે.  એક સંગ્રહ બહાર પાડતાં પહેલાં એણે નમસ્કારની તમામ મુદ્રાઓ અજમાવવી પડતી હોય છે.  પછી ભલે એ સંગ્રહમાં ગમે એટલી ખુમારીની ગઝલો લખી હોય! કડવી લાગે તો પણ આ હકીકત છે. વેલ ગમે એવી ગુણકારી હોય પણ, એને ટેકાની જરૂર તો પડે છે!  બની શકે કે વાડના ટેકે, ગુણકારી ન હોય એવાં વેલા પણ ચડી જાય! પરંતુ , માત્ર એ વાત જ ધ્યાનમાં રાખીને જ  વાડનું મૂલ્યાંકન કરનારા વિવેચકો ભલે કરે.  સાહિત્યકારો અને વાચકો પોતપોતાનાં કામથી મતલબ રાખે છે. ક્યાંક ન કે ક્યાંક આપણે મન મનાવવું પડે કે – આપણે રોટલાથી કામ છે અને નહિ કે ટપટપથી. 

તો અસલ દેશી બાજરાના લોટમાંથી  કોઈ દેશી બાઈના હાથેજ ઘડાયા હોય અને જેના પર શુદ્ધ દેશી ઘી રેડાયેલું હોય એવાં ત્રણ ત્રણ રોટલા તાજેતરમાં જ  મોરારિબાપુની હાજરીમાં ‘અસ્મિતાપર્વ’ નાં પ્રસંગે રજૂ થયા  એની વાત બાકી રાખીએ.   જો કે એમાં ખરેખર એક રોટલી હતી જે બબ્બે રોટલા ભાંગીને બનાવી હોય એવી હતી. :D

રાષ્ટ્રીય બાબો બોર્ડની પરીક્ષામા નાપાસ થયો!

મિત્રો, 

આવો, હોળી-ધૂળેટીની તૈયારી કરીએ.  

આજનાં તાજાં ખબર મુજબ બોર્ડની પરીક્ષાનુ  પરિણામ આવવા લાગ્યું છે. જેમાં રાષ્ટ્રીય બાબો નાપાસ  થયો છે. 

બાબલાની નિષ્ફળતાનું કારણ કયું હોઈ શકે? 

[૧] વધું પડતો આત્મવિશ્વાસ?

[૨] ખોટા શિક્ષકોનુ ટ્યુશન?

[૩] અનિયમિત હાજરી?  

[૪] કોર્સ બહારના પ્રશ્નો? 

[૫] IMP કામ ન લાગ્યું? 

[૬] પેપર ફૂટ્યાં નહિ? 

[૭] ખરાબ  અક્ષરો?

[૭] પાયો કાચો? 

[૮] પૂરું ભણ્યા વગર સીધી જ બોર્ડની પરીક્ષા? 

[૯] પરિવારના વધું પડતા લાડકોડ? 

[૧૦] આડેધડ તૈયારી?

[૧૧] કડક ચેકિંગ? 

[૧૨] પરીક્ષા દરમ્યાન વાયડો ખોરાક? 

[૧૩] અન્ના બેન્ડનો અવાજ?

[૧૪]  નાપાસ થવાય તો દોષનો ટોપલો બીજાં પર જવાનો હતો એટલે?  

અન્ય કારણો સ્વીકાર્ય છે.