ગંગામાને દીકરા તો હતા નહિ. કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી.
છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ પણ આવ્યો: ‘રા…..મજી.’
ખાટલાની ચારે તરફ ઉભેલાં લોકોની ખૂશીનો પાર ન રહ્યો. જેણે આખી જિંદગી વ્યાજવટાવનો ધંધો કર્યો હોય અને કૈંકની આંતરડી કકળતી રાખીને પૈસા વસૂલ કર્યા હોય એ ડોશીના મોઢામાં અંત સમયે ભગવાનનું નામ! નાનકડા ગામમાં વિધવા બ્રાહ્મણીના પૈસા તો કોણ રાખે? એટલે ગંગામાં પટારામાં ઘણું ધન ભેગું થયું હતું. આવા ગંગામા મરતી વખતે બધી માયા છોડીને ભગવાનને યાદ કરે એનાથી મોટો ચમત્કાર આ કળીયુગમાં કયો હોઈ શકે?
દયાળજી શેઠે ગંગામાના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને મોટેથી પૂછ્યું: “કાંઈ ભલામણ કરવાની છે?” તો ગંગામાએ જવાબ ઉચ્ચાર કર્યો: ‘રા…મજી.‘
લોકો કહેવા લાગ્યા: ‘રહેવા દો શેઠ, દોશી પૂણ્યશાળી જીવ છે. એને બધી માયા છોડી દીધી છે.’
… ને ત્યાર પછી થોડા કલાકોમાં જ ગંગામા પરલોક સિધાવ્યાં. લોકો ગંગામાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા: ‘ડોશીનો જીવ નક્કી પૂણ્યશાળી. નહિ તો મરતી વખતે મોઢામાં ઈશ્વરનું નામ કાંઈ રેઢું પડ્યું છે? આખી જિંદગી માળા ફેરવનારના મોઢામાં પણ અંત સમયે ભગવાનનું નામ નસીબમાં હોય તો જ આવે! આ ડોશીએ બધી જ માયા મૂકી દીધી હતી. એમાં શંકાને જરાય સ્થાન નથી.’
પરંતુ, શંકા હતી દયાળજી શેઠને. એમને એ શંકા અત્યારે રજૂ કરવાનું ઠીક ન લાગ્યું.
વાત આમ હતી…
ચારેક મહિના પહેલાં ગામના એક ગરીબ કોળીને પાંચસો રૂપિયાની જરૂર પડી. એ ગંગામા પાસે ગયો. ગંગામાએ કહ્યું: ‘ઘરેણાં મૂકી જા અને પૈસા લઈ જા.’ કોળી પાસે ઘરેણાં તો હતાં નહિ. એ ગયો દયાળજી શેઠ પાસે. દયાળજી શેઠની પહેલાં ખૂબ જાહોજલાલી હતી પણ હવે ખલાસ થઈ ગયાં હતા. જો કે, ગામમાં એમનું માન પહેલાં જેટલું જ હતું. લોકો એમના શબ્દો પર વિશ્વાસ રાખતા. દયાળજી શેઠે વચ્ચે રહીને ગંગામા પાસેથી કોળીને પાંચસો રૂપિયા છ મહિનાના વાયદે અપાવ્યા. પૈસા લઈને કોળી બીજા મલકમાં મજુરી કરવા જતો રહ્યો. જતી વખતે કહેતો ગયેલો કે: ‘છ મહિનામા કમાઈને આવીશ અને ડોશીના પૈસા ચૂકવી દઈશ.’
દયાળજી શેઠને એ કોળી પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ, ગંગામાએ તો દયાળજી શેઠ સિવાય ગામમાં કોઈના પર વિશ્વાસ રાખ્યો ન હતો. તેઓ અવારનવાર ચિંતા વ્યક્ત કરતાં ત્યારે દયાળજી શેઠ કહેતા: ’માડી, ચિંતા ન કરો. તમારા પૈસા ખોટાં નહિ થાય. છ મહિના પૂરા થાય ને તમારા પૈસા નહિ પતે તો હું ચૂકવી દઈશ.’
છ મહિના પૂરાં થાય તે પહેલાં તો અચાનક ગંગામાની તબિયત બગડી. દયાળજી શેઠને થયું કે, પોતે હમણાં, કોળી વતી ગંગામાને પાંચસો રૂપિયા ચૂકવી દે તો સારું. દયાળજી શેઠ વેંત કરવામાં રહ્યા ને ગંગાએ તો જીવ છોડી દીધો. રામજીના રટણ સાથે.
હકીકત એ હતી કે, પેલાં ગરીબ કોળીનું નામ રામજી હતું.
દયાળજી શેઠને એ જ શંકા હતી કે, મારતી વખતે ગંગામા ખરેખર રામજી ભગવાનને યાદ કરતાં હતાં કે પછી પેલા રામજી કોળીને?
[ભાગવત કથામાં સાંભળેલા દૃષ્ટાંત પરથી.]
*********
[જલારામદીપ, એપ્રિલ, ૧૯૮૪]
કથાકાર પણ પ્લેજરિઝમનો સહારો લેતા થઈ ગયા. આ તો અજામિલની કથા છે. આધુનિક પાત્રોના નામ અને કથાનક બદલીને મૂળ કથાવસ્તુ એજ રહેવા દેતા, નવું દૃષ્ટાંત તૈયાર થઈ ગયું. પણ જે હોય તે, મોરલ ઓફ ધ સ્ટોરી ઈઝ, ભગવાનનાં નામ ઉપરથી જેનું નામ હોય તેની આસક્તિ રાખવી, જેથી છેલ્લી ઘડીએ ભલે ભગવાન યાદ ના આવે, પેલો કે પેલી તો યાદ આવે જ અને આપણો બેડો પાર થઈ જાય….
ધવલભાઈ,
બેડો પાર થાય છે કે નહિ એ તો કોણ જોવાં જય છે? પરંતુ, માણસની અંતિમ ક્ષણોએ એના જીવને કેવું લાગે છે એમાં મને રસ પડે છે!
એ રીતે જોઈએ તો ગંગામા જો રામજી કોળીને યાદ કરતાં હોય તો એમના જીવને તો નિરાંત ન જ હોય! જો એ ખરેખર રામજી ભગવાનને યાદ કરતાં હોય તો એ એમની શ્રદ્ધા કહી શકાય. એ રીતે એમના જીવને એ સમયે નિરાંત હશે એમ કહી શકાય.
આ કેસમાં સવાલ એ છે કે: એ કયા રામજીને યાદ કરતાં હતાં?
તમે કહો છો એમ : ભૂલથી પણ ભગવાનનું નામ લેવાઈ જાય અથવા તો બીજા કોઈનું નામ લેવાને બહાને પણ ભગવાનનું નમ લેવાઈ જાય તો પણ મૃત્યું સુધરી જાય !
એવું ચ્યમનું બને?
ધાર્મિક બાબતોમાં પ્લેજરિઝમ બહુ જ થાય છે, સૌથી મોટું ઉદાહરણ જાણીતા ફિલ્મી ગીતો પરથી બનાવેલા ધાર્મિક ગીતો છે. ધૂમ કમાણી થાય છે, મૂળ રચનાકારને રોયલ્ટી કોણ ચૂકવે છે?
વાહ વાહ રામજી !
તમારો સંશય યથાસ્થાને છે. પણ આપણે તો ભગવાને કીધું છે તેના પર ભરોહો રાખીએ છીએ, અને ઈમણે કીધું છે કે મારું નામ માત્ર લેવાથી પણ ફાયદો થશે. એ જે કે એ હાચું, બીજું હું?
એટલે જ કદાચ અમારે ગામડે બધાંનો બેડો પાર થઈ જતો હતો! કારણ કે, મોટાભાગના લોકોના નામ રામજી, કાનજી,શામજી, માવજી, વલ્લભ, ગીરધર,ગોવિંદ, ગંગા, રેવા, જમુના.. હતાં. એટલે લોકો વારંવાર આવાં નામો લઈને પવિત્ર થઈ જતા હતા.
હાસ્તો વળી, નહિતર શું કામ લોકો છગન, મગન, લલ્લુ, ગાંડો, ડાહ્યો, એવા પ્રચલિત નામો પસંદ કરવાને બદલે રામજી, કાનજી, એવા નામો પસંદ કરતા હશે? ગામડાના લોકોનો બેડો શહેરીજનો કરતા વધારે પાર થતો હશે એનું બીજું ઉદાહરણ પ્રત્યક્ષ પ્રમાણ છે… જુઓ, ગામડાની વસ્તી ધીમે ધીમે ઘટતી જાય છે, અને શહેરોની વસ્તી વધતી જ જાય છે. કેમકે શહેરના લોકોનો બેડો પાર ન થતો હોવાને કારણે તેમણે આ દુ:ખાલયમ્ અશાસ્વતમ્ એવા શહેરમાં પુન: જન્મ ધારન કરવો પડે છે, શહેરો મોટા થતા જ જાય છે..
વિદ્વાનોની વાતમાં વચ્ચે નહિ પડું !! અને જે હોય તે પણ બોધકથા બોધદાયક તો છે જ. પરંતુ મને શું વિચાર આવે છે કે; હવે સમય પ્રમાણે કદાચ એવું પણ બને કે કેટલાક લોકો ચસોચસ ગાંઠ વાળી રાખે કે મરતાં સમયે ભૂલમાં પણ કોઈ (કહેવાતું !) ઈશ્વરીય નામ જીભે ન ચઢવું જોઈએ !!
અજામિલની કથાનો ઉલ્લેખ આવ્યો તો ઓસાણ આવ્યું કે દયાનંદજીએ (સ્વામી દયાનંદ સરસ્વતી) સ.પ્ર.માં આ કથાની ચોટલી ખેંચતાં લખેલું કે; અંતર્યામી ઈશ્વરને શું એ જાણ નહિ હોય કે આવડો આ કોને યાદ કરે છે ? તે નાહક વચ્ચે કૂદી પડ્યો !!! બાય ધ વે..આ ધવલ, યશવંત, અશોક, અતુલ જેવા નામધારીઓને હવે કોઈ ઉધાર રૂપિયા ધીરશે નહિ ! સિવાય કે પેલા ચસોચસ ગાંઠ વાળનારાઓ
ધન્યવાદ.
આ કળિયુગમાં એ ચસોચસ ગાંઠવાળાઓની સંખ્યા વધતી જાય છે. મેં તો બે-ત્રણ એવા પણ સંઘરી રાખ્યા છે. અને તમારા વર્તુળમાં પણ એકાદ-બે તો દેખાય જ છે, તો મારે અને તમારે તો ચિંતા ટળી. યશવંતભાઈ એમનું ફોડી લેશે…
ભગવાનનું નમ લેવાથી ફાયદો થાય કે ન થાય, પરંતુ નામ લેવાથી ફાયદો થાય એવું દૃઢપણે માનનારાને માનસિક રાહત તો ખરી જ!
જેણે આખી જિંદગી પૂજાપાઠ કર્યા હોય, વારંવાર ભગવાનનું નામ લીધું હોય અને બીજાં પાસે લેવડાવ્યું હોય,: એવા લોકોના મોઢે પણ મૃત્યું સમયે ભગવાનનું આવવાને બદલે ફરિયાદો અને બીજી વાતો આવે એવું મે જોયું છે. .
મૃત્યુંને સહર્ષ સ્વીકારી શકનારાં પણ જોયા છે.
મૃત્યું વખતની વિવિધ લોકોના મનની સ્થિતિની હું વાત કરું છુ.
આવા ગંગામાં ને ગંગાજળ પણ શું પવિત્ર કરે ?