‘સત્યમેવા જયતે’ ડૉક્ટર, જન્મનો પણ સાક્ષી, મરણનો પણ સાક્ષી!

એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાય પાસ સર્જરી વગેરે શબ્દો હવે આપણે ત્યાં એવા તે ગૌરવથી બોલાય છે જાણે કે એ બધા કોઈ હોલીવુડ અભિનેત્રીઓનાં નામ હોય! મારા એક પાડોશી કપૂરસાહેબે  જ્યારે મને એવું કહ્યું હતું કે. ‘મેં બાય પાસ સર્જરી કરાવી.’ ત્યારે હુ ઘડીભર તો એનાં ચહેરા તરફ જોઈ રહ્યો હતો! કારણ કે, એમણે એવા વટથી એ વાત કરી હતી જાણે કે.એમણે પાંચ તોલા સોનાનો ચેન કરાવ્યો હોય! એ જ ઘડીએ મેં મારી જાતને ઠપકો આપ્યો હતો કે: ‘ક્યાં આ કપૂરસાહેબ જે બાય પાસ સર્જરીની વાત હોંશે હોંશે  કહે છે અને કયા તું? જે મેલેરિયાના નામ માત્રથી ધ્રુજવા લાગે છે!‘

એક ગીત છે કે: મિલે ના ફૂલ તો કાંટો સે દોસ્તી કર  લી… ‘પૉઝિટિવ થિન્કિંગ’થી છલકાતા લોકો આરોગ્યની બાબતમાં પણ આ જ ગીત અમલમાં મૂકે છે અને ડાયાબિટિશ તેમ જ બ્લડપ્રેશર જેવી બીમારીઓને દોસ્તની જેમ સાચવે છે. એ દોસ્તી ડૉક્ટરની તોડાવી પણ તૂટતી નથી. ડૉક્ટર પરેજી પાળવાની સલાહ આપે તો વળતી દલીલ કરે કે: ‘તમે શું કામના? પરેજી પાળીને રોગ મટાડવો હોત તો તમારી પાસે શા માટે આવત?’   

પરંતુ, તમામ દર્દી આવા હકારાત્મક વલણ ધરાવતા નથી હો. કેટલાક તો બીમારીના નામ માત્રથી ધ્રુજવા લાગે છે. કારણે કે, બીમારી આવે છે ત્યારે માત્ર દર્દ લઈને નથી આવતી. એની પાછળ પાછળ [ક્યારેક તો આગળ આગળ] સારવારનું બિલ લઈને આવે છે. બીમારને ધ્રુજાવવા માટે બીમારી જેટલો ભાગ ભજવે છે એટલો જ કે એથી વધારે ભાગ આ સારવારનું બિલ ભજવે છે. અને આ બિલ જ ક્યારેક તો નવી બીમારી લઈને આવે છે. જેમ દહેજમાં એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે તેમ સારવારમાં પણ કેટલીક વખત એક માંગ પછી બીજી માગ ઊભી જ હોય છે! એ ક્યાં જઈને અટકશે એની કોઈને ખબર પડતી નથી.   

જે દર્દી સ્વજનો માટે પતિ,પત્ની, ભાઈ,બહેન,કાકા,મામા.. વગેરેમાંથી કાંઈપણ હોય; ડૉક્ટરની નજરે તો એ માત્ર દર્દી જ હોય છે. એ બાબતમાં કોઈને વાંધો પણ ન હોવો જોઈએ. વાંધો ત્યારે હોઈ શકે કે જ્યારે ડૉક્ટરની નજરે દર્દી, પોતાની કમાણી માટેનો કાચો માલ હોય! કેટલાક, કેટલાક, કેટલાક ડૉક્ટર્સ પોતાની કમાણી માટે દર્દીને જરૂર વગરના ખર્ચામાં ઉતારે છે એ રહસ્ય લોકો નહોતા જાણતા એવું નથી. પરંતુ, આમિરખાને એ સમસ્યા પર પોતાની મહોર મારી છે એટલે હવે એ સમસ્યાને માન્યતા મળી કહેવાય. હવે સરકાર પણ આ બાબતમાં જાગશે! સરકારને પણ દરેક સમસ્યા બાબતમાં આમિરખાન દ્વારા જાગવું ગમતું હોય એવું લાગે છે! બાકી, સરકારને જગાડવા માટે તો કેટલાય લોકો મહેનત કરતા હતા.  પણ જોઈએ એવી નહોતી જાગતી.  એક કવિતા યાદ આવે છે: ‘એ કોણ છે જે જાગ્યો.. જેણે સહુને જગાડ્યાં..

આમ તો, બીજા લોકો દ્વારા લુંટાવું એ આપણા સંસ્કાર છે. આપણને કેટલાક વેપારીઓ, બિલ્ડરો, સરકારી અધિકારીઓ, ગોર મહારાજાઓ, દલાલો વગેરે લૂંટે છે. પણ, કોઈ ડૉક્ટર લૂંટે તો આપણને વિશેષ લાગી આવે છે. કારણ કે મામલો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પરંતુ, આપણે પાયાની એ વાત એ ભૂલી જઈએ છીએ કે,આપણી મોટાભાગની બીમારીઓનું સર્જન કોઈ ડૉક્ટર દ્વારા નથી થતું. એ સર્જન તો મોટાભાગે આપણું પોતાનું મૌલિક સર્જન હોય છે! એક સર્જક તરીકે આપણને કોઈ બંધનો નડતાં નથી અને ગમતાં પણ નથી. એટલે તો આપણે નકલી મિનરલ વોટરથી માંડીને તે નકલી ધી આરોગી જઈએ છીએ. આપને મોઢાના એવા મોળાં છીએ કે પાણીપૂરીના ખૂમચાવાળાને આપણે એવું નથી પૂછતા કે, ‘ભાઈ, તું પાણી કઈ ટાંકીમાંથી લાવ્યો? એમાં દળનું તત્વ કેટલું? એમાં TDS કેટલા?’ ત્યાં તો ‘આવવા દે.. આવવા દે.’ કરીએ છીએ! હવે, પરિણામે જે આવી જાય છે એને કાઢનાર ડૉક્ટર તરફ આપણે શંકાની નજરે કઈ રીતે જોઈ શકીએ? પાણીપૂરી તરફ શંકાની નજરે નહી જોવાનું, ભુસાભજિયાં તરફ શંકાની નજરે નહિ જોવાનું અને  દવાને શંકાની નજરે જોવાની? યે કૈસે હોગા યાર?

વળી, ડૉક્ટરને પણ ઓછી બબાલ નથી હોતી! પૈસા અને ભેજું ખર્ચ્યાં પછી ડૉક્ટર થવાતું હોય છે. એ રીતે ડૉક્ટર થયા પછી કદર ન થાય તો અપસેટ થઈ જવાય. એટલે જ, ઘણા ડૉક્ટર્સ આમિરખાનના, ડૉક્ટર્સને લગતા એપિસોડથી અપસેટ થઈ ગયા છે. પરંતુ, આમિરખાને તમામ ડૉક્ટર્સને બેઈમાન નથી કહ્યા. માટે સહુ ડૉક્ટર્સ ભાઈઓએ મન મોટું રાખવું જોઈએ. અપસેટ ન થવું જોઈએ. એમનું કામ જવાબદારીવાળું છે. એમણે કાંઈ બોલીને છૂટી નથી જવાનું. અપસેટ થવાથી કદાચ લોચો વાગી જાય તો…

ડૉક્ટર પણ લાગણીશીલ હોય છે. કેટલાય ડૉક્ટર્સ કવિતાઓ અને ગઝલો લખે છે! આપણને એમ થાય કે, કવિ જ થવું હતું તો ડૉક્ટર શું કામ થયા? પરંતુ, એમનાથી નહિ રહેવાતું હોય ત્યારેને? એમની નજરે પણ   દિલ એ માત્ર એક અવયવ નહિ હોય, એક એવુ મલ્ટિપ્લેક્સ સ્થાન હશે કે જ્યાં મોરલા ટહુકા કરી શકે, હેતની હેલી વરસી શકે અને ભયંકર જ્વાળામુખી પણ ભભૂકી શકે!  

તો આપણે ઈચ્છીએ કે, તમામ ડૉક્ટર્સના દિલમાં મોરલા ટહુકા કરતા રહે અને હેતની હેલીઓ વરસતી રહે. પણ, એમના દિલમાં ક્યારેય જ્વાળામુખી ન ભભૂકે.

યાર! આપણા સ્વાર્થની વાત છે!

  

About these ads

5 thoughts on “‘સત્યમેવા જયતે’ ડૉક્ટર, જન્મનો પણ સાક્ષી, મરણનો પણ સાક્ષી!

  1. આમીરખાને સૂચવેલ ઘણી વાતો જગજાહેર જ છે. ટીકા કરવી યોગ્ય નથી. તકલીફ માત્ર એ છે કે બુધ્ધિશાળી લોકો માત્ર શો જોઈ તાળી પાડી કે ડોક્ટરોના છાજિયા લઈ છાતી ઠંડી કરે છે. શું આપણે ક્યારેય પોલિટીકલ સિસ્ટમ ને પૂછ્યુ કે ભાઈ હેલ્થ ને બજેટમાં કેમ પ્રાયોરિટી નથી ?. કેમ સરકારી મેડીકલ કોલેજો ની સંખ્યા પ્રાઈવેટ કરતા ત્રીજા ભાગ થી ય ઓછી છે ? કેમ દરેક રાજ્યમાં જીનેરીક દવાઓનો મેડીકલ સ્ટોર નથી…? પ્રશ્ન કરતા તેના હલ વિશે જો નહિ વિચારીએ તો માત્ર છાજિયા જ લેશુ અને કદાચ બાકિના લેખ લખીને વાહવાહી મેળવશે અને મારા જેવા આ કોમેન્ટથી શાંતિ મેળવશે…!!!
    બીજી એક વાત એક સામાજીક ચક્રની : એક ‘સારો માણસ’ એક્વાર એક “ખરાબ ડોક્ટર” પાસે થી ખરાબ અનુભવ લઈ આવ્યો અને લાગ્યુ કે ભાઈ મને તો ચિરી નાખ્યો…! હવે કોઈ ડોક્ટરનો વારો આવવા દો..! દુર્ભાગ્યવશ એક ‘ સારો ડોક્ટર’ તેની દુકાને ચડ્યો અને ‘ ચિરાયો..” !! હવે આ સારા ડોક્ટરે વિચાર્યુ સાલુ જિંદગી આખી સેવા કરી અને આ દુનિયા માત્ર મારા ‘ડોક્ટર’ લેબલને જોઈ મને ચિરે છે તો મારો ય શું વાંક છે…!? આવવા દો વારો હવે બીજા માણસનો…! સરવાળે આ ટૂંકી વાતનો સાર છે – બંને પક્ષે તકલીફ- દુઃખ અને ભોગવવાનો વારો માત્ર ‘સારા’ લોકો કે ડોકટરો નો જ છે….!!! અને પાછુ આ લોકો હવે ફરી ‘સારા’ રહી શકશે નહિ…!!?

    • Dr.Maulik Shah,
      રસ લેવા બદલ આભાર.
      પહેલાં તો એ સ્પષ્ટતા કરી દઉં કે, આ લેખ હળવાશથી અને ગમ્મત માટે લખાયેલો છે. આમાં છાજિયાં લેવાનો કે વાહવાહી મેળવવાનો કમસે કમ મારો ઇરાદો તો નથી જ. :D સમજનારા તો એ સમજી શકશે. તો તો લેભાગુ ડૉક્ટર્સની વાતો જ લખી હોત. આમાં તો દર્દીની પોતાની ટેવો પણ હળવાશથી રજૂ કરી છે.
      ‘સત્યમેવ જયતે’ ના દરેક એપિસોડમા આમિરખાન કોઈને કોઈ સમસ્યા પર રજૂઆત કરે છે. અસરકારક કરે છે. એમાં કોઈ મુદ્દો રહી જતો હોય એવું મને લાગે કે સિક્કાની બીજી બાજુ બતાવવા જેવી લાગે તો હુ એ બાબતને વ્યંગની રીતે, કલ્પનાઓ ઉમેરીને અને બને એટલી હળવાશથી મારા લેખો દ્વારા રજૂ કરું છું. એ રીતે એકતરફી વિચારાતી વાતને ઊલટી રીતે વિચારવાનો પણ પ્રયાસ હોય છે.
      ડૉક્ટર્સનો વારો તો હવે આવ્યો. સામાજમાં આ પહેલાં તો રાજકારણીઓ, વેપારીઓ, સરકારી કર્મચારીઓ વગેરે સહુની આંખે ચડેલા જ છે. અમુક લોકોના કારણે એમની છાપ સારી નથી. આ બધા જ ચોર અને લેભાગુ છે એવી બૂમો પાડનારા તો પાડતા જ હોય છે. અને જે પ્રામાણિક હોય એને પીડા થાય એ પણ સ્વાભાવિક છે.
      બાકી, જે સારા છે એ સારા રહે છે જ . રહેશે જ. પોતાના વ્યવસાય તરફ આંગળી ચીંધાય તો પણ સારા રહી શકે છે. જેને બગડવું જ હોય એને જ બહાનાં મદદરૂપ થાય છે.
      આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ એ વર્ગ માટે અજુગતું રજૂ થાય તો ઉશ્કેરાટ અને દુઃખ થાય. પરંતુ, ક્યાંક ખોટું થતું હોય છે એ પણ હકીકત છે.

  2. “સરકારને પણ દરેક સમસ્યા બાબતમાં આમિરખાન દ્વારા જાગવું ગમતું હોય એવું લાગે છે” માર્મિક વાક્ય!

    તમારી વાત સાચી છે કે “પાણીપૂરી/ભુસાભજિયાં તરફ શંકાની નજરે નહિ જોવાનું અને દવાને શંકાની નજરે જોવાની?” આપણું સ્વાસ્થ્ય આપણાં હાથમાં છે.

    ડૉક્ટર્સની વાત કરીએ તો મેં મારા જીવનમાં ઘણાં કવિ હૃદય ડૉક્ટર્સ જોયા છે, તેમજ થોડાક કસાઈ હૃદયના પણ જોયા છે. તેથી તમામ ડોકટર્સ ખરાબ થઈ જતા નથી કે બધાને હું ખરાબ ગણતો નથી.

    ડૉક્ટર્સ એક સમય ભગવાન સમક્ષ ગણાતા હતા, હવે એવું રહ્યું નથી. પહેલા મોટું આર્થિક આકસ્મિક નુકસાન થાય તો હિતેચ્છુઓ મન વાળવા માટે એમ કહેતા કે ‘કોઈ ગુંડાએ ચાકુ દેખાડી લુંટી લીધા’ એમ સમજી ભૂલી જાવ… હવે, એમ કહે છે કે ‘એમ સમજો કે એકાદ પલ્સ ઊપર-નીચે આવી અને…’

    બાકી માનવું પડે, ઈંગ્લેડના ડોક્ટર્સ સામે આપણાં ડૉક્ટર્સ બહુ ચડિયાતા કહેવાય, ૨૦૦૮થી આજ સુધી એક પણ ડૉક્ટરનું લાયસન્સ જપ્ત નથી થયું! :)

    • વિનયભાઈ,
      આભાર. હુ એક એવા ડૉક્ટરને ઓળખું છું કે જેની સામેં જઈને દર્દી પહેલાં ભાવથી ‘જય શ્રીકૃષ્ણ’ કહે છે. સામે ડૉક્ટર પણ એ જ ભાવે ‘જય શ્રીકૃષ્ણ’ કહે છે. પછી દર્દીની તકલીફોની વાત થાય છે. એમાંય જો દર્દી ‘ઊંઘ ઓછી થઈ ગઈ છે’ એવી ફરિયાદ કરે તો ડૉક્ટર એવું કશુક સાંત્વન આપે કે: ‘તમારે હવે શાની ચિંતા છે? સંતાનો તો મોટા થઈ ગયાં છે.’ આ બધું પોતાના વ્યવસાયના એક ભાગ રૂપે જ. મીઠું બોલીને દર્દીને ખાડામાં ઉતારવાના ઈરાદે નહિ. રીપોર્ટ માટે ક્યારેય કોઈ ફિક્ષ્ લેબોરેટરીનો આગ્રહ નહિ. દર્દી સામેથી લેબોરેટરીનું નામ બોલે અને એ વ્યવસ્થિત હોય તો ‘વાંધો નહિ’ એવું કહે. જરૂર ન લાગે તો રીપોર્ટ કરાવવાની ના પાડે. જરૂર લાગે તો બીજા સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું કહે. પણ, પોતાના તરફથી કોઈ ચોક્કસ ડૉક્ટર પાસે જવાનો આગ્રહ નહિ. આવા ઘણા ડૉક્ટર્સ છે.
      આનાથી અવળા અનુભવો પણ થયા છે. પણ, એને લીધે તમામ ડૉક્ટર્સ તરફ શંકાની નજરે ન જોવાય. પહેલાં જેવું વાતાવરણ ન હોય તો પણ આશાવાદી રહેવામાં જ આપણું હિત છે. કારણ કે વાત સંવેદનશીલ છે અને આપણા આરોગ્ય સાથે જોડાયેલી છે.

      • “સરકારને પણ દરેક સમસ્યા બાબતમાં આમિરખાન દ્વારા જાગવું ગમતું હોય એવું લાગે છે” માર્મિક વાક્ય!
        આમીરખાને ભ્રૂણહત્યાને લગતી સમસ્યા રજૂ કર્યા પછી જે રીતે રાજ્યસરકારોએ રીસ્પોન્સ આપ્યો એ આનંદની સાથેસાથે નવાઈ પમાડે તેવી વાત હતી.
        બાકી તો, તમે જોયું હશે કે, લેખમાં દોષારોપણ વગર મજાક અને વ્યંગ કરેલ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s