‘સત્યમેવ જયતે’ … કુંવારા કરે કકળાટ!

આમિરખાનના ટીવી શો સત્યમેવ જયતે રજૂ થતાંની સાથે જ સત્યની સાથે સાથે આમિરખાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. આ શો ચાલશે, ચાલશે અને ચાલ્યા જ કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કારણ કે, ‘શોસમસ્યા પર આધારિત છે અને સમસ્યાઓનો આપણે ત્યાં પાર નથી. અરે! ટીવી પર તો સાસુ-વહુની કાલ્પનિક સમસ્યાઓ  પરની સિરિઅલ્સ જો વર્ષો સુધી ચાલતી હોય તો આ તો નરી વાસ્તવિક સમસ્યાઓ પરનો શોછે.

બેટી બચાવોનો સંદેશો આપતો પહેલો જ એપિસોડ રજૂ થયાં પછી ઘણા લોકોનું માનવું છે કે આવો શોવહેલાં રજૂ  થવા જેવો હતો. ખાસ કરીને જે લોકો કન્યાના અભાવે કુંવારાપણું ભોગવી રહ્યા છે એ લોકો. આમિરખાને કુંવારાઓની ટોળી બતાવીને એમની સમસ્યા પર સમાજનું ધ્યાન દોર્યું એ સારી વાત છે. પરંતુ, એ લોકોની સમસ્યા માટે પોતે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય બીજું કશું  કરવા માટે અસમર્થ હોવાનું કહી દીધું! એ વાત કુંવારાઓને જરૂર ખટકી હશે.

શોજોયા પછી કુવારાઓને તો થતું હશે કે:-

-જો આવો શોવીસપચીસ વર્ષો પહેલાં રજૂ થયો હોત તો કદાચ કન્યાઓનો અભાવ અમને આટલો બધો નડત નહિ! પરંતુ, ટીવી પર તો સાસુ,વહુ, નણંદો, દેરાણીઓ, જેઠાણીઓ વગેરેથી હર્યાંભર્યાં પરિવારો બતાવીને અમારા જીવ બાળવા સિવાય આ ટીવી ઉદ્યોગે કશું જ કર્યું નહિ.

-હવે બેટી બચાવોઝુંબેશના કારણે તો જે ફાયદો થશે એ ફાયદો તો પચીસત્રીસ વર્ષો પછીના કુંવારાઓને થશે. અમારી તો જે વાટ લાગવાની હતી એ તો લાગી ગઈને? કારણ કે આજે જે બેટી બચશે એ લગ્નલાયક થશે ત્યારે તો અમે કબરલાયકથઈ ગયા હોઈશું.

-લગ્નબજારમાં છોકરાઓની માંગના પ્રમાણમાં કન્યાઓનો પૂરવઠો ઓછો છે એ વાત બરાબર છે. પરંતુ, આમિરખાને એ વાત પણ સમજવી જોઈએ કે- એ માર્યાદિત પુરવઠામાં અમારે લાયક કન્યાઓ છે જે બહુ ભાવ ખાય છે! એ કન્યાઓ બત્રીસલક્ષણાની રાહમાં છે. વેલ સેટેડનું રટણ છોડતી નથી અને પોતે પણ સેટ થતી નથી. એમને સમજાવવી જોઈએ કે- જોબનિયું આજે આવ્યું ને કાલ  જાશે… જો આમિરખાન સ્ટેજ પર આ ગીત ગવડાવીને કુંવારીકાઓને સમજાવે તો જરૂર અસર થાય. કારણ કે એનું કામ પરફેક્ટ છે. એણે માત્ર કુંવારાઓની ટોળી બતાવી. કુંવારીઓની નહિ. યાર,આ તો એકતરફી વાત થઈ.

- ફિલ્મીદુનિયાના ઘણા લોકો એકથી વધારે વખત પરણવાનું સુખ પામ્યા છે. આમીરખાન પોતે પણ એ બાબતમાં નસીબદાર છે. અમને એક વખત પણ પરણવાના ફાંફા છે તો આમિરખાને અમને કશુક શીખવવું જોઈએ.

- આ શોરજૂ થયા પછી ઠેર ઠેર બેટી બચાવવા માટે જાગૃતિ આવવા લાગી છે. પણ, અમારુ કુંવારાપણું નાશ પામે એ માટે કશી જ કાર્યવાહી  થતી નથી.

- અમે આશા રાખીએ છીએ કે આ બાબતમાં પણ આમીરખાન કશું કરે. જરૂર પડે તો બીજો શોશરૂ કરે. જેનું નામ હોય… અભી શાદી કરતે…

About these ads

5 thoughts on “‘સત્યમેવ જયતે’ … કુંવારા કરે કકળાટ!

  1. ‘સત્યમેવ જયતે’
    પ્રથમ તો સર્વ “કુંવારાઓ” આપનો આભાર માનશે !! અન્યથા સમાજમાં તો તેઓને “વાંઢા” જેવા વ્યંગાત્મક નામથી જ ઓળખાવવામાં આવે છે !
    ભ.ગો.મં.ના શરણેથી થોડું;
    * કુંવારો=નહિ પરણેલો.
    એક રૂઢિ પ્રયોગ મળ્યો : ’કુંવારો કોડે મરે ને પરણ્યો પીડાએ મરે’ (મરવાનું તો છે જ :-) )
    * વાંઢો=કુંવારો ! પણ એક અર્થ આપ્યો છે; ’કન્યા ન મળવાથી કુંવારો રહેલો.’ જો કે અન્ય એક અર્થ પણ છે; ’આંબાના ઝાડની ડાળી ઉપર ચડતો એક જાતનો વેલો.’ (પણ એ તો વનસ્પતિ માટે, મનુષ્ય માટે તો ’ડાળે ન વળગેલો !’)

    તો આપે (અને આમિરખાને પણ !) “વાંઢા વ્યથા”થી સમાજને/બ્લોગજગતને અવગત કરાવી ઘણું પુણ્યનું કામ કર્યું છે. જો કે અમારા (?) “ભદ્રંભદ્ર” કહેત કે, ’આમિર જેવા સુધારાવાળાઓ જાણે આ વિચાર નાવિન્યપૂર્ણ હોય તેમ જણાવી નાહક મહત્તા પામે છે ! બાકી આર્યજનોને આ કંઈ નવું નથી, છેક મહાભારત કાળે પણ પાંચ પાંડવોએ એક પત્નીથી ચલાવ્યું એ કંઈ અમથું થોડું હશે ?!’

    અને હવે થોડું ગાંભીર્યપૂર્ણ, આપે “ભાવ” ખાવાની વાત લખી તો ધ્યાને આવ્યું, જાડી ચારનાં કેટલાક સમાજોમાં હવે કન્યાઓ (અને તેનાં વાલીઓ) ઉભડ યુવાઓને “કેટલા વિઘા છે ?” જેવો અતિ જટિલ પ્રશ્ન કરી અને વગર કોસ હાંક્યે તેમની લગ્નોત્સુકતા પર ટાઢું પાણી ફેરવી દે છે ! આમાં ક્યાંક ક્યાંક તો એવી કઠણાય બેઠી છે કે ૪૫ વર્ષનો કુંવારો અને ૪૫ વર્ષની કુંવારી સામસામી ડેલીએ દેખા દેશે પણ આ જોઈ આપણને થાય કે અહીં ’વાડ ને વેલા બેઉ હતા પણ ચઢાવનારા કોઈ ના મળ્યા હો જી !!!’

    ધન્યવાદ.

    • વેલાને વાડે ચઢાવે એ વર્ગ નાબુદીના આરે છે..
      અપેક્ષાઓના ભાર નીચે જોબનિયું જાય તો ભલે જાય… એ વિચારસરણીનો આ જમાનો છે.
      આ જમાનામાં પણ ઘણા કિસ્સાઓમાં કુમાર અને કન્યા સામસામે આવે એ પહેલાં વડીલો નિર્મિત સાત સાત કોઠાઓ પાર કરવા પડે છે… એ કોઠાઓ: જ્ઞાતિના, વહેવારના, કુંડળીઓ… વગેરેના.
      ઘણી કન્યાઓ તો હવે વીઘાઓ કે દુકાનોને પણ નથી ગાંઠતી. એમને મોકળાશની અપેક્ષા હોય છે! જે યુગો યુગોથી નથી મળી.

  2. આ સમસ્યાનો ઉકેલ છેલ્લા એપીસોડમાં બતાવ્યો છે.

    દહેજની સમસ્યાને લીધે જે પત્નિઓ ત્રાસ પામી રહી હોય તેમણે તરત જ છુટા છેડા લઈને જાહેરાત આપવી જોઈએ કે દહેજની સમસ્યાને લીધે દીધેલ નિર્દોષ છુટા છેડા વાળી કન્યાને વેલ સેટેડ કુંવારો છોકરો જોઈએ છે.

    આવી જાહેરાતને લીધે બે સમસ્યાના નીવારણ આવશે. પરણેલા દહેજ માંગતા પહેલા સાડી સત્તર વાર વિચાર કરશે અને ત્રાસી ગયેલી કન્યાઓને નવો નક્કોર પતિ મળશે જે દહેજ નહીં માંગે પણ વેલ સેટેડ હશે.

    કુંવારા છોકરાઓએ ય જાહેરાત આપવી જોઈએ કે દહેજની સમસ્યાથી છુટી થયેલ કન્યાઓ આવકાર્ય છે.

    • વિચાર ખાતર ઉકેલ સારો છે. પણ સમાજમાંથી રીસપોન્સ મળે એમ નથી.
      કન્યાઓના માબાપ પણ ઘણા કિસ્સાઓમાં જવાબદાર છે જેઓ વહેવારને જેટલું મહત્વ આપે છે એટલું મહત્વ કન્યાની ઈચ્છાને નથી આપતાં. ભણેલી ગણેલી કન્યાઓ પણ અન્યાય સામે મોડે મોડે સુધી અવાજ નથી કરી શકતી … સુખી થવાની વ્યાખ્યાઓ જ ખોટી ભણ્યા હોય એટલે એ ભણેલું ભૂલવું અઘરું થઈ પડે છે.
      બાકી રહી કુંવારાઓની વાત તો… એમને પણ એમની શરતો હોય છે! :D
      અને હા… વેલ-સેટેડનું માપ કયું?

      • વેલ સેટેડનું માપ આ દોહરા પરથી કાઢી શકાય

        સાઈ ઈતના દીજીએ – જામે કુટુંબ સમાય
        મેં ભી ભૂખા ના રહુ – સાધુ ન ભુખા જાય

        જો કન્યાઓની સંખ્યા ઘટશે તો ફરજીયાત સાધુઓની (જો કે વાંઢા કાઈ બ્રહ્મચારી નથી હોતા પણ થોડાક સાચા સાધુ કદાચ મળે) સંખ્યા વધશે તેથી તેમનો યે સમાવેશ કરી લીધો. કન્યામાંથી ભલે ગયા પણ જમવામાંથી તો ન જાય :smile:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s