[ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે. બે જ જણનો ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.]
બાપુ: ભગા, તુ બઉ દાડે દેખાણો.
ભગો: બાપુ, ઓણ ટાઢ્ય કેવી પડી! ક્યાંથી આવું?
બાપુ: ટાઢ્ય? એલા, બીજાં તો ઠીક. તુંય ટાઢ્ય ટાઢ્ય કરવા માંડ્યો?
ભગો: ટાઢ્ય લાગે તો ટાઢ્ય ટાઢ્ય કરવું પડેને? તમે ટીવીમાં જોયું નહિ? ટાઢે ઓણસાલ રેકોર્ડ તોડી નાખ્યો!
બાપુ: રેકોર્ડ તોડ્યો પણ ક્યાં? ઉત્તરમાં. એમાં આપણે કેટલા ટકા?
ભગો: બાપુ, ઉત્તરમાં ટાઢ્ય પડે એની અસર ગુજરાતમાં તો થઈને?
બાપુ: થઈ થઈને કેટલી થઈ? એક ચપટીક અસર થઈ! એમાં તો બધાં “બહુ ટાઢ્ય … બહુ ટાઢ્ય “ની રાડ્યું નાખવા માંડ્યાં. પ્રજા સાવ કેતાં સાવ નમાલી થઈ ગઈ છે. અરે! ટાઢ્ય તો પડતીતી અમારાં જમાનામાં! હવે એવી ટાઢ્ય કેવી!
ભગો: ઈ ટાઢ્યની તો વાત જ રેવા દ્યો.
બાપુ: ટાઢ્ય કોને કે’વાય? માણહ બોલે તો મોઢામાંથી ધુમાડા નીકળે! ટાઢ્યનો માર્યો માણહ સીધો ઊભો નો રહી શકે! ભૂવો ધૂણે એમ ધૂણે! દાંતની તો કડકડાટી બોલે! બોલવાના ફાંફાં પડે બોલવાનાં!
ભગો: મેં જોઈ છે ને એવી ટાઢ્ય! એવી ટાઢ્યમાં કેટલાય પ્રસંગોમાં દોડી દોડીને કામેય કર્યાં છે.
બાપુ: [ઊભા થઈ જાય] કામની ક્યાં વાત કરછ? અમે તો ઘોડા ખેલવતા! ગમે એનાં લગન હોય! ગમે એની જાન હોય! વરઘોડામાં ઘોડો ખેલાવવાનો વહેવાર તો મારે જ સાચવવો પડતો. વરઘોડામાં ઘોડા કૂદે એટલે બબ્બે માથોડા કૂદે! ઘોડા કૂદાવાનારાની ટાઢ્ય તો ઊડે પણ ભેગાભેગ જોનારાંનીય ટાઢ્ય ઊડી જાય! તેં નહિ જોયા હોય ઈ વરઘોડા!
ભગો: જોયા છે ને બાપુ. મારી સગી આંખે જોયા છે. પણ હવે એવા ઘોડા ક્યાં? ને એવા ખેલવાનારા ક્યાં? એવાં લગન ક્યાં ને એવા ભાવ ક્યાં? ચારેકોર્ય અછત આંટો વાઢી ગઈ છે.
બાપુ: અછત તો કેવી? જોયું નથી જાતું! જાન આવી નો આવી ત્યાંતો પાછી વળી જાય! આવાં લગન તે હોતાં હશે? લગન તે કેવાં હોય?
ભગો: હશે બાપુ હશે! હવે તમે હેઠા બેહી જાવ. નકામું વહમું લાગી જાહે તો નામ મારું આવશે કે ભગાએ બાપુને ચડાવ્યાતા. વળી, તમને કાઈ થાહે તો ક્યાં જાશું?ગામમાં સાત ખોટ્યનો દાક્તર હતો ઈયે ગામ છોડીને વયો ગ્યો છે.
બાપુ: લે ઈ નવી વાત! કેમ દાક્તરને ગામ છોડવું પડ્યું?
ભગો: શું કરે બિચારો!સાજા થયાં પછીય કોઈ પૈસા દે નહિ તો ગામ છોડીને ભાગી જ જાયને.
બાપુ: જેવાં ગામના નસીબ! હવે એમ કર્ય. બીડી કાઢય. તલપ લાગીછ.
ભગો: પેલાં હેઠા તો બેહો બાપુ. પોરો ખાઈ લ્યો! ઘોડા ખેલવ્યાનો થાક હજુ વરતાય છે.
બાપુ:[નીચે બેસી જાય] આ બેઠો લે. હવે બીડી કાઢય. નથી રેવાતું.
[બાપુએ અને ભગાએ બીડીઓ સળગાવી અને તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે કાઈ!]