મિત્રો,
આજના વખતમાં લગ્નપ્રસંગ ઉકેલવાનું કામ મોંઘુ પડતું હશે પરંતુ પહેલાંના પ્રમાણમાં સરળ જરૂર થઈ ગયું છે. ઘણાં લોકો કહેતાં હોય છે કે: “પહેલાંના લગ્નપ્રસંગોમાં આવતી હતી એવી મજા હવેના પ્રસંગોમાં આવતી નથી. ત્યારે સગવડો ઓછી હતી, સાધનો ઓછાં હતાં,વાનગીઓ પણ ઓછી હતી. પણ તોય મજા આવતી હતી.”
આવું કહેનારાં અમુક અંશે સાચાં હોય તો પણ જો તેઓ સાચા દિલથી એ વખતની હાડમારીઓ યાદ કરે તો જરૂર કબૂલ કરે કે: ” જેને ત્યાં પ્રસંગ હોય એની એવી તો કસોટી થઈ જતી હતી કે પોતાને તો પ્રસંગનો આનંદ માણવાને બદલે સતત ચિંતામાં રહેવું પડતું હતું.”
તે વખતમાં પૈસા ખર્ચવા છતાં સગવડો પ્રાપ્ત થતી નહોતી. આમતેમથી બધું ભેગું કરવું પડતું હતું. બીજાઓના સાથ અને સહકારની ખૂબ જ જરૂર પડતી હતી. જેને ત્યાં પ્રસંગ હોય એણે વાતવાતમાં જેનેતેને નમવું પડતું હતું. દીકરીના બાપની દશા તો ઘણી વખત કફોડી થઈ જતી હતી. જાનૈયાઓને સાચવવા એ ગબ્બરસિંગના માણસોને સાચવવા જેવી કપરી આફત હતી!
આજે તો દીકરીના માબાપ સવારે લગ્નસ્થળે જાય અને દીકરીને વળાવ્યા પછી રાત્રે ઘેર આવીને રોજિંદી ટીવી સિરિઅલ આરામથી જોઈ શકે એવો સતયુગ આવ્યો છે! દીકરીને પરણાવનાર માબાપે લગ્નસ્થળે દીકરી સિવાય માત્ર પૈસા જ લઈ જવા પડે છે!
એક જૂનો શિયાળો યાદ આવે છે. મારા એક મિત્રની બહેનના લગ્ન હતા. એ લગ્નપ્રસંગમાં અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા છતાય ખૂબ મજા આવી હતી.
જાનને આખો દિવસ સાચવી. રાત્રે ફેરા ફરવાનો મુખ્ય કાર્યક્રમ પૂરો થયો. જાનની વિદાય બીજાં દિવસે હતી. સહુ જાનૈયાઓ કાજે અમે પથારીઓ તૈયાર રાખી હતી. પરંતુ કેટલાક જાનૈયાઓ અમારી તૈયારી પર પથારી ફેરવતા હોય તેમ એકએક ગોદડું ઓઢવાને બદલે બબ્બે ઠપકારીને પોઢી ગયા.
જાનૈયાઓના પ્રમાણમાં ગોદડાં ખૂટ્યાં. તાત્કાલિક વાડીનો સ્ટોર ખોલાવીને ગોદડાંનો પૂરવઠો હતો એટલો બહાર કઢાવ્યો તોય માંગ ઓછી થઈ નહિ!
હવે એક જ રસ્તો હતો. જેણેજેણે બબ્બે ગોદડાં ધારણ કર્યાં હોય તેમને વિનતી કરીને એક એક ગોદડું પાછું લઈને એ ગોદડાં ગોદડાંવિહોણાં હોય તેમને વહેંચવાં.
પરંતુ અમારો એ ઉપાય બહુ કારગત ન નીવડ્યો. અમારી વિનંતીભર્યા શબ્દો બબ્બે ગોદડાં વીંધીને એ લોકોના કાન સુધી પહોંચી ન શક્યા. દ્વિગોદડાંધારી લોકો જાણે પોતે ભર નિદ્રામાં હોય તેમ સુષુપ્ત અવસ્થામાં જ પડી રહ્યા.
જબાબદાર વડીલ તરફથી અમને આદેશ થયો કે:જ્યાં જ્યાં બે ગોદડાં હોય ત્યાંથી એક ગોદડું ધીરેથી, કોઈની નિદ્રામાં ખલેલ ન પડે તે રીતે સરકાવી લો. અને જરૂરિયાત હોય તેને પૂરાં પાડો.
અમે એમના આદેશનું પૂરી વફાદારીથી પાલન કર્યું. દબાતે પગલે અમે શયનખંડમાં ફરવા લાગ્યા. જ્યાં જ્યાં બે ગોદડાં હતાં ત્યાત્યાથી એક એક ગોદડું સરકાવવાની કામગીરી શરૂ કરી. આ ઉપાય ખૂબ જ કારગત નીવડ્યો. ચારેક ફેરા મરવાના પરિણામે પરિસ્થિતિ ઘણી હળવી થઈ ગઈ.
હવે વધારે ફેરા મારવા જેવું રહ્યું નહોતું! છતાંય છેલ્લી વખત નસીબ અજમાવવાની લાલચે અમે છેલ્લો ફેરો મારવા નીકળ્યા.
હજી તો અમે એકપણ ગોદડું ખેંચ્યું નહોતું ત્યાતો એક છોકરાનો અવાજ આવ્યો: “કાકા, ચેતજો. આવ્યા છે.”
વાત એમ બનેલી કે અમારી કડક કામગીરીના સાક્ષી જેવા કાકોભાત્રીજો એમ બે જણા જાગતા હતા. એ લોકો વધારાનું ગોદડું ગુમાવવા માંગતા નહોતા. એટલે, અમારા આગમનની જાણ થતાં જ ભત્રીજાએ એનાં કાકાને જાણ કરી કે:”કાકા, ચેતજો. આવ્યા છે.”
જાણે અમે કોઈ બહારવટિયા હોઇએ એમ અમારાથી ચેતવાની તૈયારી ચાલી રહી હતી.
છોકરાના શબ્દો સાંભળીને અમને એવું તો હસવું આવ્યું કે માંડમાંડ હસવું રાખીને ત્યાંથી ભાગ્યા.
શયનખંડની બહાર નીકળીને મન મૂકીને હસ્યા.
જ્યારેજ્યારે શિયાળો આવે છે અને એની તાકાત બતાવે છે ત્યારેત્યારે મને એ શબ્દો યાદ આવી જાય છે:”કાકા, ચેતજો. આવ્યા છે.”
મિત્રો, સામાજિક પ્રસંગોમાં હિસ્સેદાર બનવું હોય તો ક્યારેક ક્યારેક આવા ગોદડાં ખેંચવાના ધંધા પણ કરવા પડે!
તમે પણ, આવા નહિ તો બીજા પ્રકારના ધંધા કર્યાં જ હશે!
આજનું લંગર :

લંગર પ્રાપ્તિસ્થાન: http://www.cartoonstock.com/directory/h/hogging_the_blanket.asp
તમે નવો શબ્દ આપ્યોઃ દ્વિગોદડાંધારી!
Pingback: » ગોદડાંખેંચ » GujaratiLinks.com