મિત્રો,
દરેક પર્વો તો પવિત્ર હોય છે પરંતુ આપણી ગુજરાતમાં ઉજવાતો ઉતરાણનો તહેવાર માત્ર પવિત્ર જ નહિ પરંતુ ચિત્રવિચિત્ર પણ હોય છે. આવાં આ પર્વ નિમિત્તે સહુને પીલ્લાં ભરીને શુભેચ્છાઓ.
આમ જુઓ તો બ્લોગજગતમાં બારે મહિના ઉતરાણ હોય છે. પોસ્ટ રૂપી પતંગો બારે મહિના ચગાવવાનો રિવાજ છે. તો માણો પતંગ અને પોસ્ટની સરખામણી.
*જેમ પતંગો વિવિધ કદ, આકાર કે રંગની હોય છે તેમ બ્લોગજગતની પોસ્ટ્સ પણ વિવિધ કદ,આકર કે રંગની હોય છે. કોઈ પોસ્ટ એકદમ નાની તો કોઈ મોટી હોય છે. કોઈ પોસ્ટ કવિતાના આકારમાં તો કોઈ વાર્તા કે નિબંધના આકરામાં! કોઈ પોસ્ટ ભક્તિના રંગની હોય છે તો કોઈ સુધારાના રંગની! કોઈ હાસ્યના રંગની તો કોઈ માહિતીના રંગની!
*પતંગો ચગાવવા કાજે મકાનના ધાબાં છે તો પોસ્ટ ચગાવવા કાજે વર્ડપ્રેસ કે બ્લોગપોસ્ટ જેવાં અનેક ધાબાં છે. જેમને ધાબે મજા નથી આવતી એ લોકો ફેસબૂકની wall પર પોતાની પોસ્ટ સાથે પહોંચી જાય છે! બંને ક્રિયામાં જ્યાં વસ્તી વધારે હોય ત્યાં જ વધારે મજા આવતી હોય છે.
*જેમ કેટલાક લોકોને માત્ર પતંગ ચગાવવામાં જ રસ પડે છે અને કાપાકાપીમાં રસ પડતો નથી તેમ કેટલાક નિજાનંદી લોકોને માત્ર પોસ્ટ ચગાવવામાં જ રસ પડે છે. અર્થાત વાદવિવાદથી તેઓ દૂર રહે છે.
*જેમ ઘણાંને પતંગ ચગાવીને કાપાકાપી માટે પેચ લેવામાં જ રસ હોય છે તેમ ઘણાંને પોસ્ટ મૂકીને મંતવ્યોની કાપાકાપીમાં જ મજા આવે છે. એમની પોસ્ટ મુકાણી નથી કે કાપાકાપી શરૂ થઈ નથી. ક્યારેક ક્યારેક તો પોસ્ટ પોસ્ટ વચ્ચે એવા પેચ જામે કે જોનારાઓને પણ રસ પડે.
*કેટલીક પતંગોની નીચે જેમ પૂંછડી હોય છે તેમ કેટલીક પોસ્ટની નીચે પણ પૂંછડી રૂપે કોઈ વિધાન કે પંક્તિ હોય છે.
*પતંગને ચગવા માટે અનુકૂળ પવન જરૂરી છે તો પોસ્ટને ચગવા માટે અનુકૂળ પ્રોત્સાહન જરૂરી છે.
* જેમ કાબેલ પતંગવીર વિપરીત સંજોગોમાં પણ પતંગ ચગાવી જાણે છે તેમ કાબેલ બ્લોગર વિપરીત સંજોગોમાં પણ પોતાની પોસ્ટ ચગાવી જાણે છે. બંને કામમાં અનુભવ ભાગ ભજવે છે.
*પતંગની જેમ પોસ્ટ પણ ઘણી વખત ફસકી જતી હોય છે.
*પતંગને છૂટ અપાવનારા હોય છે તેમ બ્લોગજગતમાં પણ પોસ્ટને છૂટ અપાવનારા હોય છે. કોઈ પોસ્ટ મૂકે કે તરત જ પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહન આપનારાઓ પોસ્ટને છૂટ આપવાનો ધર્મ બજાવે છે. ઘણાં લોકોને માત્ર છૂટ અપાવવામાં જ મજા આવે છે. તેઓ પોસ્ટ ચગાવતા જ નથી!
*ચાલુ પતંગમાં ઝરડું નાખનારાં હોય છે તેમ કોઈની પોસ્ટને કૉપી-પેસ્ટ વડે ખેંચનારા પણ હોય છે. પતંગ લૂંટાય તેમ પોસ્ટ પણ લૂંટાય છે.
*પતંગના કારણે ઝઘડા થાય તેમ પોસ્ટના કારણે પણ નાનામોટા ઝઘડા થતા હોય છે.
**ધાબાં પર સંગીતની મજા છે તો બ્લોગજગતના ધાબે પણ સંગીત પૂરું પાડનારાં છે.
*પતંગ ચગાવાનારાને કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી તો પોસ્ટ ચગાવાનારાને પણ કોઈ જાતની આર્થિક કમાણી થતી નથી. બનેમાં શક્તિ અને સમયનો વ્યય છે. પરંતુ બનેમાં જે આનંદ આવે છે તે જ મોટી કમાણી!
મિત્રો, તમને કોઈ વાત ઉમેરવા જેવી લાગે તો પ્રતિભાવ દ્વારા જરૂર ઉમેરી શકો છો.

શ્રી. યશવંતભાઈ, આપને અને અસરના ઓટલે ઉતરાયણ કરવા પધારેલા સૌ મિત્રોને ઉતરાયણ અને મકર સંક્રાન્તની હાર્દિક શુભકામનાઓ.
’કોઈ વાત ઉમેરવા જેવી લાગે તો…’ તો તો પછી અમે જ ના આ પતંગ ચગાવીને બેઠા હોત !!! પણ એક વાત યાદ આપું, રાત પડે એટલે પછી ઘણાં ઉત્સાહીઓ ’ફાનસ’ ચગાવે છે… ઈ શું વળી ?
બાકી બ્લોગજગતને પતંગોત્સવ સાથે સાંકળીને જોરદાર પતંગ ઉડાડ્યો છે. આમ જ રંગબેરંગી પતંગો અને વચ્ચે વચ્ચે ’કાપ્યો છે !!’નાં પ્રચંડ નારાઓથી બ્લોગ જગતનું આકાશ ભર્યુંભાદર્યું રહે તેવી શુભકામના. આભાર.
રાત પડે એટલે પછી ઘણાં ઉત્સાહીઓ ’ફાનસ’ ચગાવે છે… ઈ શું વળી ?
… હા… એ વાત મગજમાં હતી પણ પોસ્ટ ચગાવતી વખતે છટકી ગઈ! તમે તો જાણો જ છો ને કે, રાતના ઉજાગરા કરીને પોસ્ટ ચગાવનારા પણ હોય છે!
ઉત્સાહ અને ઉમંગની વાત છે ભાઈ! આમાં સમયપત્રક પ્રમાણે ચાલવામાં મજા નથી.
અને હા! આમાં હજી લંગર લડાવવાની વાત તો રહી ગઈ!
સરસ સરખામણી….
આવાં આ પર્વ નિમિત્તે સહુને પીલ્લાં ભરીને શુભેચ્છાઓ……તથા આ અને આવી અનેક પોસ્ટ માટે તમને ફીરકી ભરીને શુભેચ્છા.
આ તમે પોસ્ટ ની પતંગ ચગાવી તો મેં પ્રતિભાવની ઢીલ મૂકી…!!!