બ્લોગમિત્ર દર્શિતે પોતાનાં બ્લોગ મારો બગીચો પર મજાકમાં આજે…રજૂ કરેલું ફેસબુકિયુ જ્ઞાન :
- મોટી પ્રોફાઇલવાળાને (એટલે કે ૧૦૦૦ થી વધારે ફ્રેન્ડ વાળાને) બર્થ ડે વિશ કરવાનો કોઇ મતલબ નથી… જેને તેની કિંમત હોય તેને શુભેચ્છા આપી જુઓ… તેમને ઘણો આનંદ થશે.
દર્શિતે મજાકમાં પણ ખૂબ જ અગત્યની અને અમલમાં મૂકવા જેવે વાત કહી દીધી છે. એક જૂની ફિલ્મનો સંવાદ યાદ આવે છે: पानी की जरुरत रेगिस्तान को होती है, समंदर को नहि!
* પરંતુ આપણે સમાજમાં પણ જોઈએ છીએ કે, ધરાયેલાઓ જ વધારે ધરાતાં હોય છે. જેને ભૂખ નથી એની સામે અઢળક ભોજન છે. જેને ભૂખ છે એને એક ટંકનું પૂરું ખાવા નથી મળતું.
* મોટાભાગણા માણસો પોતાનાથી જે વધારે સમૃદ્ધ હોય તેના તરફ જ ધ્યાન રાખતાં હોય છે. એવી વ્યક્તિની સાથે સંબંધ રાખવાંનો કે વહેવાર જાળવવાનો એક પણ મોકો જવા નથી દેતાં. તો પોતાનાથી ઓછાં સમૃદ્ધ હોય એવાં લોકોની જાણે અજાણે ઉપેક્ષા કરતાં હોય છે.
આ સમાજની વાસ્તવિકતા છે. જે લોકો આ વાસ્તવિકતાને સમજીને સ્વીકારી શકે છે એ લોકો પોતાની ઉપેક્ષાથી દુઃખી થતાં નથી.જ્યારે આળાં હૃદયનાં લોકો આ વાસ્તવિકતાને પચાવી નથી શકતાં જેના કારણે તેઓ સતત દુઃખી થતાં હોય છે અને આ બાબતની ફરિયાદો કરતાં રહે છે.
આપણે એવી અનેક વાર્તાઓ કે વાતો સાંભળીએ છીએ કે :પૈસાદારનું કૂતરું માંદુ પડે તો ખબર કાઢનારાં અનેક હોય છે પણ કોઈ ગરીબનું છોકરું માંદુ પડે તો એની ખબર કાઢનારાં ઓછાં હોય છે.
* આપણે પોતે પણ જો કોઈની ઉપેક્ષાથી પરેશાન થતાં હોઈએ તો આપની જાતને જ એ સવાલ કરવો જોઈએ કે :શું આપણે પણ એ લોકની ઉપેક્ષા નથી કરતાં કે જે લોકો આપણાના માટે તરસી રહ્યાં છે! આપણે પણ આપણાથી ઉપર રહેલાં લોકો તરફ જ સતત નજર રાખી રહ્યાં છીએ અને આપણાથી નીચે રહેલાં લોકો તરફ એક પ્રેમભરી નજર પણ નથી નાખતા.
* બજારનો પણ જાણે કે નિયમ છે કે- પૈસો પૈસાને ખેંચે! જેની દુકાને પાંચ ગ્રાહકો ઊભા હશે તેની દુકાને છઠ્ઠો ગ્રાહક જશે.પણ.. જેની દુકાને એકપણ ગ્રાહક ઊભો નહિ હોય તેની દુકાનમાં પ્રવેશ કરતાં પહેલાં કોઈપણ ગ્રાહક અચકાશે. પછી ભલે એ દુકાને ગમે તેટલી સારી અને સસ્તી ચીજો મળતી હોય! પ્રખ્યાત દુકાને મોંઘા ભાવે મળતી ચીજો ઘણું કરીને સામાન્ય કારીગરોએ જ તૈયાર કરી હોય છે. પરંતુ એ જ ચીજો આપણે એ સામાન્ય કારીગર પાસેથી ઓછી કીમતે પણ લેવાનું પસંદ નથી કરતાં.
*પ્રસિદ્ધ થઈ ચૂકેલા કથાકારની કથામાં તમામ લોકો કથા સાંભળવા નથી જતાં. કેટલાક તો માત્ર હાજરી આપવાનો વહેવાર જાળવવા જ જતાં હોય છે! જ્યારે અજાણ્યાં કથાકારની કથા ગમે તેટલી સારી હશે તો તેનો ટેસ્ટ કરવા પણ લોકો જતાં નથી.
* ફેસબૂક પર કે બ્લોગજગતમાં પણ કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે એ નિયમ લાગુ પડે એ સ્વાભાવિક છે! સંપત્તિની અસમાન વહેંચણી અહી પણ હોઈ શકે છે.
કોઈ ખાતાધારક વાંચતાં વાંચતાં થાકી જાય એટલી કૉમેન્ટસ મેળવે તો કોઈના ભાગે સમ ખાવાં પૂરતી પણ ન મળે! આવું જ શુભેચ્છાઓનું છે! ક્યાંક ઢગલો તો ક્યાંક ચપટી! કીડીને કણ અને હાથીને મણ!
તો મિત્રો…આજે ગાંધીજી હોત અને બ્લોગ લખતા હોત તો જરૂર એવું કહેતા હોત કે:“ પ્યારા બ્લોગજનો; આજથી, તમારા બ્લોગ પર ન આવનારના બ્લોગ પર જજો. તમારું લખાણ ન વાચનારનું પણ લખાણ વાંચજો. તમને પ્રતિભાવ ન આપનારને પણ પ્રતિભાવ આપજો. બ્લોગજગત લેણદાર છે. તમે દેણદાર છો.”
જ્ઞાન વહેંચવા બદલ મિત્ર દર્શિતનો આભાર માનીને ટળું છું.આવજો અને જલસા કરજો.