Archive | January 2, 2012

માર ખાધો પણ ફોજદાર તો જોયો!

માર  ખાધો પણ ફોજદાર તો જોયો!

મિત્રો, આ કહેવતમાં રહેલું તત્ત્વજ્ઞાન, કાઠીયાવાડી ભાયડાઓની ખૂબીલીટીથી પરિચિત એવા વાંચનયાત્રા ના સંચાલક   અશોકભાઈ મોઢવાડીયા જેવા મિત્રો તુરંત પામી જશે.

વિચાર કરો કે, આ કહેવત કેવી રીતે પ્રચલિત થઇ હશે.  જે જમાનામાં કાઠીયાવાડના ગામડાઓ માં ફોજદારની ગણત્રી દર્શન કરવા યોગ્ય મહાનુભાવ તરીકે થતી હતી તે વખતે કોઈ નસીબદારને આવી તક પ્રાપ્ત થઇ હશે! ને આવી તક સાવ કારણ વગર તો પ્રાપ્ત થાય નહિ! કોઈ ગુનામાં નામ આવ્યું હોય તો જ આવી તક મળે. પછી ભલે શકમંદ તરીકે જ નામ આવ્યું હોય.

અમારા ખાંભા તાલુકાના ફોજદાર ઝાલાસાહેબ હતા. તેમનાં આખા નામની અમને ક્યારેય ખબર પડી નથી. કદાચ તાલુકાની પ્રજામાંથી કોઈને પડી નહોતી.  ઝાલાસાહેબ એટલે ઝાલાસાહેબ. અરે! એ ગયા ને બીજાં ફોજદાર આવ્યા તો લોકો એમ કહેતાં કે હવે નવા ઝાલાસાહેબ આવ્યા.છે. કોલગેટ જેવું! કોલગેટ જેમ એ જમાનામાં ટુથપેસ્ટનો પર્યાય શબ્દ હતો તેમ ઝાલાસાહેબ એ ફોજદારનો પર્યાય શબ્દ હતો!

ઝાલાસાહેબનું વાહન  સાંઢિયો હતું. જેના લીધે તેમને ગામડાંના કાચા રસ્તાઓ પર ફરવાની સરળતા રહેતી. તેમનાં પરાક્રમોની અવનવી વાતો મુગ્ધતાથી સાંભળવાની અમને મજા આવતી.એવું કહેવાતું હતું કે:ઝાલાસાહેબ રાતના સાંઢિયા પર સવાર થઈને ચોરોને પકડવા માટે ખેતરોમાં અને વગડામાં  ફરતા હોય છે.

ઝાલાસાહેબનો વટ એવો હતો કે તેઓ એ દૂરથી આવતા દેખાય તો ગામના ચોકમાં બેઠેલા ભલભલા દરબારો પણ ઊભા થઈ થઈને આડા અવળા થઈ જતા. કોઈને ઘોડાને પાણી પાવાનું યાદ આવી જતું તો કોઈને ઘાસલેટ લાવવાનું યાદ આવી જતું!  

 આવા ફોજદારને નજીકથી જોવાનો લહાવો મળે એ જેવીતેવી વાત નહોતી. એટલે જ કોઈ માર ખાનારે મન મોટું રાખીને કહ્યું હશે કે:ભલે માર ખાધો પણ મે ફોજદાર તો જોયોને? ને એ રીતે કહેવત પડી હશે કે:માર ખાધો પણ ફોજદાર તો જોયો.

અમને પોતાને પણ આ કહેવત ખૂબ જ ગમે છે.  ફોજદારનો માર ખાવો પડે એવા ધંધા તો અમે નથી કરતા. પરંતુ કોઈ પણ કારણસર અમને ત્રાસ થયો હોય કે નુકસાન થયું હોય તો અમે પણ ખુમારીથી કહી દઈએ છીએ કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

જેમ કે, થોડા દિવસો પહેલાં તબિયતને અને એથી વિશેષ ડોક્ટરને વશ થઈને અમારે ICUમાં દાખલ થવું પડેલું. એક રાત અને એક આખો દિવસ અમે તેમાં રહ્યા. કોઈ માણસની ચાલચલગત પર શંકા જાય અને ફોજદાર સાહેબ તેને લોકઅપમાં પૂરી દે તેમ ડોક્ટર સાહેબે અમારા હ્રદયની ચાલચલગત બાબત શંકા કરીને અમને ICUમાં પૂરી દીધા હતા.  સંજોગો જ એવા ઊભાં થયાં હતાં કે અમે ના ન કહી શક્યા.

[તસવીર:http://www.acphospitalist.org/weekly/archives/2009/09/16/index.html]

જો કે અમારા હ્રદયે તેની ચાલચલગત બરાબર હોવાના તમામ પ્રમાણપત્રો પૂરાં પાડ્યાં. જેનાથી સંતોષ થવાથી ડોકટર સાહેબે અમને ICUમાંથી બાઅદબ રિહા કર્યા. સ્પેશ્યલ રૂમમાં એકાદ દિવસ રહીને અમે અમારે ઘર સાભાર પરત થયા. અલબત્ત, ઠરાવેલ મુદ્દત પ્રમાણે અમે ડોક્ટર સાહેબ સમક્ષ હાજરી પુરાવવા જઈએ છીએ.

અમને અને અમારા પરિવારને બેત્રણ  દિવસો માટે તકલીફ પડી. પરંતુ તલવારનો  ઘા સોયથી  વળ્યાનો આનંદ પણ થયો.

હવે સ્વાભાવિક જ છે કે, જે ICU રીટર્ન હોય તેને ત્યાં ખબર કાઢનારાઓનો પ્રવાહ શરૂ થઈ જ જાય. અમે અમારી આદત મુજબ બહુ પ્રચાર નહિ કર્યો હોવા છતાં એવા પ્રવાહનો અમને માર્યાદિત પ્રમાણમાં લાભ પણ મળ્યો. અમને થયું કે :ચાલો. આપણી પણ ખબર લેનારાઓ છે! ડોકટર સાહેબે અમને બેચાર સલાહો આપી હતી પરંતુ ખબર કાઢનારાંઓએ અમને એનાથી પણ વધારે સલાહો આપી.

પરંતુ ICUમાં  જવાનું થયું એ બદલ અમારી દયા ખાનારાઓને અમારો એક જ જવાબ હતો કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

મિત્રો,  તમે પણ આ કહેવતને જીવનમાં ઉતારશો એવી અમારી ભલામણ છે.  જ્યારે પણ અવસર પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય આ કહેવતનો ઉચ્ચાર કરજો કે: ભલે માર ખાધો પણ ફોજદાર તો જોયો!

તમને અવશ્ય રાહત થશે એની અમે ખાત્રી આપીએ છીએ. 

આવજો અને જલસા કરજો.