મિત્રો,
શિયાળાની ઋતુમાં જાતે બનાવો. બ્લોગજગતનું ભડથું.
સામગ્રી:
૧ મોટી ઘટના
૧/૨ કપ વિવિધ સંદર્ભો
૧ થી ૨ ઝીણી સમારેલી ગીતપંક્તિઓ
૨ થી ૩ ઝીણાં સમારેલાં ગતકડાં
૨ ઝીણી સમારેલી કહેવતો. કહેવતો જેવી કે: વારા પછી વારો અને મે પછી ગારો!, ગરીબની વહુ સૌની ભાભી. ચા ઊનો અને સગો જૂનો
૧/૨ ચમચી લાલ વ્યંગ પાવડર
૧/૨ ચમચી ગરમ વિધાનો
૧ ગ્લાસ ઠંડું ચિંતન.
૧/૪ ચમચી રીઢી માન્યતાઓ
૩ ચમચી વેજીટેબલ શૈલી
૧ શીર્ષક
મહેણાંટોણાં સ્વાદ અનુસાર. ઝીણા સમારેલા લીલાં મુહાવરા
રીત:
એક મોટી અને તાજી ઘટના લો. જે છાપાંમાથી કે ટીવી પરની સમાચારની ચેનલ પરથી સહેલાઈથી મળી રહેશે. યાદ રહે કે ઘટના ઓળો થઈ શકે તેવી હોવી જોઈએ. ઘટના જેવી કે: કોઈ નેતાને પડેલો તમાચો અથવા કોઈ બાપુએ ટેકરી પર કે ખાડામાં કરેલી કથા અથવા કોઈ નવી ફિલ્મની બોલબાલા અથવા તો કોઈ આઇટમ-ગર્લની હરકત.
-ઘટનાની છાલ પર શૈલી લગાડીને રજૂઆતના બર્નર પર મધ્યમ તાપે શેકો.
-તેને વારેવારે ફેરવતા રહો જેથી તે બધી બાજુથી શેકાઈ જાય.
-તે બરાબર શેકાઈ જાય પછી તેના પર ઠંડું ચિંતન રેડીને તેની કાળી પડી ગયેલી છાલને દૂર કરો.
-તેના ગરનો છૂંદો કરી નાખો.
-એક લેખમાં શૈલી ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ગીતપંક્તિઓ અને ઝીણી સમારેલી કહેવતો ઉમરો અને તેને રજૂઆતના મધ્યમ તાપે સાંતળો અને હળવો રંગ પકડવા દો.
-તેમાં લાલ વ્યંગ પાવડર, ગરમ વિધાનો, રીઢી માન્યતાઓ અને મહેણાંટોણાં ઉમેરીને હલાવો. તેમાં ગતકડાં ઉમેરો અને પાકવા દો.
-હવે તેમાં વિવિધ સંદર્ભો અને ઘટનાનો છૂંદો કરેલો ગર ઉમેરીને બરાબર હલાવો.
-રજૂઆતના મધ્યમ તાપે પાકવા દો.
-લીલા મુહાવરા સાથે ગાર્નિશ કરીને ગરમાગરમ શીર્ષક સાથે પીરસો બ્લોગજગતનું ભડથું!
કેવું લાગ્યું તે જરૂર જણાવશો જેથી અમને બીજી વાનગીઓ રજૂ કરવાની ખબર પડે.