[Imaage: http://ttrmodernfarm.com/Services.asp?ChaID=6]
મિત્રો,
કોઈ એક ગીત એવું ઉપડે એવું ઉપડે કે ઠેર ઠેર એની જ બોલબાલા થવા લાગે. જ્યા જુઓ ત્યાં એની જ ચર્ચા! એની જ વાહ વાહ!! થોડાં દિવસો સુધી તો એવું જ લાગે કે આ તો દુનિયાની એક મોટી અજાયબી છે.
પરંતુ સામે પૂર તરવાવાળા પણ હોય છે. એમને એવું લાગે કે: આ ગીતમાં કાઈ દમ નથી. આ ગીતને તો ખોટું ફટવી માર્યું છે. આવું ગીત તો આપણી પાડોશમાં રહેતા બચુભાઈ પણ ગાઈ શકે! જો તેઓને ગાવાની લાઈનના કોઈ મોટાભા સાથે ઓળખાણ હોય તો! આ પ્રજા તો ઘેટાં જેવી છે! ઊંધું ઘાલીને જાય છે ભાગી!
આ તો માત્ર એક ઉદાહરણ છે. જે વાત ગીતની બાબતમાં બને તે જ વાત કોઈ કલાકાર, ખેલાડી, નેતા, સ્વામીજી, લેખક, ફેશન, ફિલ્મ કે પુસ્તક બાબતમાં પણ બની શકે. કોઈ એકની જ બોલબાલા વધી જાય ત્યારે કોઈને એવું લાગી શકે છે કે: પવન એકધારો અને એક જ દિશામાં વહે છે.
પરંતુ ચીલે ચીલે ચાલવાને બદલે વાંકાચૂકા ચાલાનારાઓની પણ આ દુનિયામાં કમી નથી. તેવાં લોકોને એવું લાગે કે: આ જે દોટ મૂકી રહ્યા છે તે તમામ ઘેટાં જેવાં છે. અને અમે એકલદોકલ સિંહ સમાન છીએ.
હવે આમાં બને છે એવું કે:એક બાબતમાં જે સિંહ સમાન હોય તે બીજી બાબતમાં વળી બીજાની નજરે ઘેટાં જેવાં હોય! જેમ કે: ગીતની બાબતમાં પોતાની જાતને સિંહ સમજનારનો પ્રિય કલાકાર એ હોય કે જે કલાકાર બીજાં અનેક લોકોનો પણ પ્રિય કલાકાર હોય. એ કલાકારની જથ્થાબંધ વાહ વાહ થતી હોય! તો એ કલાકાર, જે લોકોને કોડીની કિંમતનો લાગતો હોય તે લોકોની નજરે જે લોકો ઘેટાં જેવાં છે તે લોકોમાં, પેલા ગીતને કોડીની કિમતનું માનનારા સિંહજી પણ આવી જાયને?
ઘણી વખત એવું બને છે કે, કોઈ એક બાબતની તરફેણ કે વિરોધમાં લોકો રીતસર બે છાવણીમાં વહેચાય જાય છે. બંને તરફના લોકો એકબીજાંને ઘેટાં માનતાં હોય છે.
ક્યારેક એવું બને છે કે ,પોતે ક્રાંતિકારી મત ધરાવે છે એવું જાહેર કરનારાઓ વધી જાય છે ત્યારે એ લોકો પણ કોઈ બીજાની નજરે ઘેટાં હોય છે. આંદોલનમાં જોડાયેલાં લોકોને ઘેટાં કહેનારાં પણ હોય છે.
મિત્રો, આ ઘેટાં-સિંહની બબાલમાં તમારા દિમાગમાં હાનિકારક તરંગો ઉત્પન્ન થવા લાગ્યા હોય તો મને ક્ષમા કરજો. પરંતુ તમે એ વાત સાથે તો સહમત થશો જ કે મારી વાતમાં દમ છે. આપણને કેટલીય વાર એવી લાગણી થઈ હશે કે:અન્ય લોકો ઘેટાં જેવાં છે. જ્યારે આપણે એ બધાથી અલગ રીતે વિચારનારા સિંહ જેવા છીએ.
તો ક્યારેક બીજાંની નજરે આપણે ઘેટાં પણ પુરવાર થયાં હોઈશું!
પોતાનાં મત સાથે સહમત ન હોય તેવાં લોકોમાં ઘેટાંનાં દર્શન થવા એ કેવી ગજબની લાગણી છે નહિ?
પહેલાં તો માત્ર સમાજસુધારકો કે કોઈ તેજાબી લેખક જ લોકોની સરખામણી ઘેટાં સાથે કરતા. એ લોકોનો એકાધિકાર હવે છિનવાઈ ગયો છે. હવે ઈલેક્ટ્રોનિક માધ્યમો વધી જવાથી પોતાનો મત પ્રગટ કરનાર કોઈ પણ આમ આદમી બીજાને ઘેટાં કહી શકે છે, આ મોટી ક્રાંતિ ગણાવી જોઈએ.
અન્ય લોકો ઘેટાં જેવાં લાગવાં અને પોતાની જાત સિંહ જેવી લાગવી એ એક સ્વાભાવિક લાગણી હશે? આજના યુગની તાસીર હશે?. એમાં કયા કયા પરિબળોએ કામ કરતાં હશે? એ સવાલો કોઈ શોધનિબંધ લખવા માંગતા ઉમેદવાર માટે રહેવા દઈએ. પરંતુ તમને નથી લાગતું કે આ એક મજાની અને આનંદ આપનારી લાગણી છે. તો એથી વિપરિત બીજાં તરફ ગુસ્સો કે દયા લાવનારી લાગણી પણ છે.
તો ચાલો પ્રેમથી એ સૂત્ર પોકારીએ કે: તું બી ઘેટું હું બી ઘેટું, આપણી વચ્ચે શાંને છેટું?