Archive | December 2011

ખાઓ અને ખવડાવો: મંતવ્યોના ઠોસા!

મિત્રો,

જેઓ શહેરની મંડી-બજારમાં જતાં હોય છે તેઓ જાણતાં જ હોય છે કે, ઠોસા એ મફતમાં મળતી વાનગી છે. જે ન ભાવતી હોવા છતાં ખાવી પડે છે! વળી, લોકો પોતે ઠોસા ખાય છે અને બીજાંને ખવડાવે પણ છે. એ રીતે જોઈએ તો આ  અરસપરસ અને આપોઆપ થતી સામુહિક ક્રિયા છે. શરૂઆતમાં થોડી અઘરી લાગે છે પરંતુ વારંવારની મંડીની મુલાકાતથી તે આવડી જાય છે.

 ભીડમાં મોટું મન રાખીને આપણે ઠોસા ખાઈએ છીએ અને મારીએ પણ છીએ. પરંતુ  ઠોસાના કારણે વાતવાતમાં ઝઘડા કે મારામારી નથી કરતાં. એકાદ ઠોસો કાઈને કે મારીને આપણે આગળ વધી જઈએ છીએ.જેને ઠોસા મંજૂર નથી હોતા તેઓ એવી જગ્યાએ જવાનું ટાળે છે. જેઓ ઠોસા જીરવી નથી શકતાં તેઓ ઠોસાબાજી છોડીને મુક્કાબાજી પર પણ આવી જાય છે.

વિવિધ પ્રકારની સોશિયલ વેબસાઈટ્સ પરપણ ક્યાંક ક્યાંક ઠોસાબજાર જેવું વાતાવરણ જોવાં મળે છે. લોકો વાતવાતમાં ઠોસા મારતાં જણાય છે. મંતવ્યોના ઠોસા! પરંતુ ત્યાં સદેહે મુક્કાબાજી પર આવવાની સંભાવના નથી હોતી તે સમગ્ર સમાજ માટે એક મોટી રાહત છે.

[તસવીર: http://benisawesome.net/2009/10/page/2/]

સોશિયલ વેબસાઈટ્સ પર કોઈ પણ નબળું સબળું માણસ મંતવ્યનો  ઠોસો મારી શકે છે. તે માટે એનો દેહ તાકાતવાન હોવો જરૂરી નથી. વળી, એ ઠોસો શારીરિક રીતે નબળા કે સબળા ગમે તે માણસને  વાગી શકે છે. આ પ્રક્રિયામાં  ઠોસો મારનારની ઈચ્છાની સાથેસાથે ઠોસો ખાનારની ઈચ્છા જ વધારે ભાગ ભજવે છે.

એક ઉદાહરણ લઈએ.

ધાર્મિક વિધિઓમાં ન માનનાર, સમાજ સુધારણા માટેના  પોતાના લેખમાં એવું મંતવ્ય આપે કે: “ટીલાંટપકાંમાં રચ્યાંપચ્યાં રહેનારી ધરમની પૂછડીઓને ઊંચકીને દરિયામાં ફેંકી દેવી જોઈએ.”  આવું મંતવ્ય આપનારમા ભલે પાંચ  કિલો વજન પણ ઊંચકવાની ત્રેવડ ન હોય! પરંતુ તે આવું સાહસિક મંતવ્ય આપી શકે છે.  કારણ કે આ લોકશાહીમાં સહુને અભિવ્યક્તિનો અધિકાર છે. તેની અભિવ્યક્તિને વાસ્તવિકતા સાથે કેટલું અંતર છે તે માપવામાં આવતું નથી. આમ આ મંતવ્ય આપનારે હવામાં એક ઠોસો માર્યો છે એમ કહી શકાય. હવામાં ઠોસા મારવાનો વ્યાયામ કરનારને રોકી ન શકાય.

હવે જુઓ રમત! આ મંતવ્યથી કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. લાગણી દુભાવી એ આપણો મોટો સામાજિક રોગ છે. તે અતિશય ચેપી પણ છે. જેની લાગણી દુભાણી હોય તેને કોઈએ હવામાં વીંઝેલો ઠોસો વાગ્યો છે એમ કહી શકાય.

કોઈએ હવામાં  વીંઝેલો મંતવ્યનો ઠોસો જેને સ્વેચ્છાએ વાગે છે તે જો એ ઠોસાને જીરવી શકે વાત આગળ વધતી નથી .પરંતુ જો તેનાથી ઠોસો જીરવાતો નથી તો તે સામો ઠોસો મારે છે.મંતવ્યનો ઠોસો! તે સામે પ્રતિભાવ દ્વારા મંતવ્યનો વળતો ઠોસો મારે છે કે: “TILATAPKA KARNARAOE   TILATAPKA  TAMARE KAPALE TO NATHI KARIYANE? TO PACHHI BALATARA SHANE KARO CHHO? KOINI DHARMIK LAGANI DUBHAVAVAAO HAK TAMNE KONE APYO CHHE? “

આ થયો વળતો ઠોસો! વિદેશી પ્લેટમાં દેશી ઠોસો!

હવે જો મૂળ ઠોસો મારનાર વળતો ઠોસો ખાઈને ખાતું સરભર થઈ ગયું એમ માનીને આગળ વધે તો કોઈ સવાલ નથી. પરંતુ મોટાભાગે તેમ થતું નથી. પહેલાં તો તેણે હવામાં જ ઠોસો માર્યો હતો પણ હવે  તો તેને ઠોસો ખાનાર પ્રાપ્ત થઈ ગયો હોવાથી ખાસ તેને જ વળતો  ઠોસો મારે છે.કે: મારી દીવાલ પર ગમે તે લખવાનો મને હક છે. કડવું સત્ય સહન ન થતું હોય તો આ તરફ આવવું જ નહિ. અહીં તો તેજાબમાં બોલાયેલા શબ્દો પ્રગટ થાય છે! દાઝી જશો.

ત્યાં તો બેની લડાઈમાં કોઈ ત્રીજો કૂદી પડે! તે પણ પ્રતિભાવ દ્વારા મૂળ ઠોસો મારનારને ટેકો જાહેર કરતો હોય તેવો પોતાનો આગવો ઠોસો વીંઝે કે:તમારું લખાણ જોરદાર છે. વીર નર્મદ પછી આવું લખાણ કોઈએ લખ્યું નથી. પણ મારું માનવું છે કે આ ટીલાંટપકાં કરનારાઓ કદી સુધારવાનાં નથી. તેમની અક્કલ ઘાસ ચરવા ગઈ છે.

બસ પતી ગયું. વળતો ઠોસો હાજર: TAMARI  PASE KETALI AKKAL CHHE TE TAMARA LAKHAN PARTHI JANAY AVE CHHE. TAME TAMARA SANSAKARONU PRADARSHAN KARI RAHYA CHHO.

પછી તો ઠોસાયુદ્ધ એવું તો જામે કે મૂળ વાત કે વિચાર બિચારો ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી નીકળે! ને રહી જાય માત્ર ઠોસા, ઠોસા ને ઠોસા!!

મિત્રો, તમે પણ ક્યારેક ને ક્યારેક  મંતવ્યોના ઠોસા ખાધા હશે કે ખવડાવ્યા હશે, જો બની શકે તો આપના અનુભવો જણાવશો તો અમારાં ઠોસાજ્ઞાનમાં વધારો થશે. 

આવજો અને નવાં વર્ષની પાર્ટીમાં યથાશક્તિ જલસા કરજો. 

બનાવો: બ્લોગજગતનું ભડથું

મિત્રો,

શિયાળાની ઋતુમાં જાતે બનાવો. બ્લોગજગતનું ભડથું.

સામગ્રી:

૧ મોટી ઘટના

૧/૨ કપ વિવિધ  સંદર્ભો

૧ થી ૨ ઝીણી સમારેલી ગીતપંક્તિઓ

૨ થી ૩ ઝીણાં સમારેલાં ગતકડાં

૨ ઝીણી  સમારેલી કહેવતો. કહેવતો જેવી કે: વારા પછી વારો અને મે પછી ગારો!ગરીબની વહુ સૌની ભાભી. ચા ઊનો અને સગો જૂનો

૧/૨ ચમચી લાલ વ્યંગ પાવડર

૧/૨ ચમચી ગરમ વિધાનો

૧ ગ્લાસ ઠંડું ચિંતન.

૧/૪ ચમચી રીઢી માન્યતાઓ

૩ ચમચી વેજીટેબલ શૈલી

૧ શીર્ષક

મહેણાંટોણાં સ્વાદ અનુસાર. ઝીણા સમારેલા લીલાં મુહાવરા

રીત:

એક મોટી અને તાજી ઘટના લો. જે છાપાંમાથી કે ટીવી પરની સમાચારની ચેનલ પરથી સહેલાઈથી મળી રહેશે. યાદ રહે કે ઘટના ઓળો થઈ શકે તેવી હોવી જોઈએ. ઘટના જેવી કે: કોઈ નેતાને પડેલો તમાચો અથવા કોઈ બાપુએ ટેકરી પર કે ખાડામાં કરેલી કથા અથવા કોઈ નવી ફિલ્મની બોલબાલા અથવા તો કોઈ આઇટમ-ગર્લની  હરકત.

-ઘટનાની છાલ પર  શૈલી લગાડીને  રજૂઆતના બર્નર પર મધ્યમ તાપે શેકો.

-તેને વારેવારે ફેરવતા રહો જેથી તે બધી બાજુથી શેકાઈ જાય.

-તે બરાબર શેકાઈ જાય પછી તેના પર ઠંડું ચિંતન રેડીને તેની કાળી પડી ગયેલી છાલને દૂર કરો.

-તેના ગરનો  છૂંદો કરી નાખો.

-એક લેખમાં શૈલી ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ગીતપંક્તિઓ અને ઝીણી સમારેલી કહેવતો ઉમરો અને તેને રજૂઆતના મધ્યમ તાપે સાંતળો અને હળવો રંગ પકડવા દો.

-તેમાં લાલ વ્યંગ પાવડર,  ગરમ વિધાનો, રીઢી માન્યતાઓ અને મહેણાંટોણાં ઉમેરીને હલાવો. તેમાં ગતકડાં ઉમેરો અને પાકવા દો.

-હવે તેમાં વિવિધ સંદર્ભો અને  ઘટનાનો છૂંદો કરેલો  ગર ઉમેરીને બરાબર હલાવો.

-રજૂઆતના મધ્યમ તાપે પાકવા દો.

-લીલા મુહાવરા સાથે ગાર્નિશ કરીને  ગરમાગરમ  શીર્ષક સાથે પીરસો બ્લોગજગતનું ભડથું!

કેવું લાગ્યું તે જરૂર જણાવશો જેથી અમને બીજી વાનગીઓ રજૂ કરવાની ખબર પડે. 

ચાલો રમીએ ગાડી ગાડી!

  • [ આ ગાડી અહીંથી આવી: http://www.meerainfotech.com/Wooden_Toys.html]

    મિત્રો, ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે, બીજાને આપવા માટે લાવેલી ચીજ આપણને જ ગમી જાય અને એ રાખી લેવાનો મોહ જતો ન કરી શકીએ. 

    એક મિત્રના બ્લોગ  કુરુક્ષેત્ર પર વાંચનયાત્રાવાળા બીજા મિત્ર  અશોકભાઈને પ્રતિભાવના બદલામાં પ્રતિભાવ આપ્યા બાદ; આ ત્રીજા મિત્રને આવી સ્વાર્થી લાગણી થઈ.  પરિણામ શું આવ્યું? એક COMMENT જો POST બન ગઈ!

    તો આ રહી એ કલી જો ફૂલ બન ગઈ!

    અશોકભાઈ,તમે આ પ્રતિભાવમાં અમારા નામનો ઉલ્લેખ ગેરસમજથી કર્યો હોય તેમ અમને લાગે છે. તમે અહીં જણાવ્યું છે કે: વિનયભાઈ અને યશવંતભાઈ જેવાનાં કિબોર્ડ ઘસાઈ ગયા છતાં કૉપી-પેસ્ટની કળા કેમ સચવાઈ રહી છે ?

    મિત્ર, તમે અમારું ઘસાયેલું કી-બોર્ડ જોયું છે? આ મોંઘવારીમાં અમને એવો ધંધો પોસાય ખરો? વળી, આજના જમાનામાં કૉપી-પેસ્ટ અટકાવવું શક્ય છે ખરું?એવું જરૂરી છે ખરું? તમામ કૉપી-પેસ્ટ વખોડવાને પાત્ર છે?
    આવા અનેક સવાલો કરવાનું મન થાય છે. જેનો જવાબ અમારી એ રચનાઓ ધ્યાનથી વાંચવાથી મળી શકે છે. એ માટે જરૂરી ખુલાસાઓ પણ કર્યાં છે.
    અમે કૉપી-પેસ્ટ માટે જે થોડીઘણી રચનાઓ લખી છે તેની રજૂઆતની મજા માણવાને બદલે તેને એક આંદોલન તરીકે ગણીને અમને સુધારક ગણી લેવાની વાત અમને અન્યાય કરનારી છે!  અશોકભાઈ, અમારે સુધારક નથી થાવું…. 

    વાચક મિત્રો અમને સુધારક ન માની લે તે માટે આટલો ખુલાસો જરૂરી લાગ્યો છે.  

    મિત્ર, જે  કુરુક્ષેત્ર બ્લોગ પર તમે આ પ્રતિભાવ આપ્યો છે તે બ્લોગ પર માત્ર ને માત્ર વિજ્ઞાન પર આધારિત અને સાબિત થયેલી વાતોને જ સ્થાન છે. તે બ્લોગ પર આવી “કી બોર્ડ ઘસાવાની” મનઘડત વાતને સ્થાન ન હોય શકે. મારું કી બોર્ડ અડીખમ છે.

    બીજી વાત. તમે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” .. એ વાત જણાવી છે. એ ઝાડ તમે જોયું છે? કે પછી મીડિયાએ એ વાત જણાવી અને સાચી માની લીધી છે? શ્રીમાન અમિતાભ  બચ્ચન તો જણાવે છે કે: બતાવો એ ઝાડ!!
    અશોકભાઈ, અમિતાભ બચ્ચન શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ છે એ માની લઈએ પરંતુ તે માટે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” એ વાત માની લેવી તે પણ અંધાશ્રદ્ધાનો એક નમૂનો જ થયોને? ક્યાંક કે ક્યાંક આપણે બીજાએ કરેલી વાત પર ભરોસો રાખ્યોને? અને એ વાત પર ધોકા પછાડ્યાને?આપણને એ ઝાડ જોવાની કે ખાતરી કરવાની જરૂર લાગી નહિ. 

    તો મિત્ર, સમાજમાં પણ આ રીતે ભરોસા પર ઘણી ગાડીઓ દોડતી હોય છે! દરેકને એમ લાગે છે કે: મારી ગાડી સાચા પાટા પર દોડે છે અને બીજાની ગાડી ખોટા પાટા પર દોડે છે. અને એમ માનવું એ જ મજાની વાત છે!

    તો મજા માણો અને જલસા કરો.

    છોટીસી કૉમેન્ટ પોસ્ટ બન ગઈ .. યા યા હિપ્પી હિપ્પી યાયાયા… 

    પોસ્ટ બનકે બ્લોગકી ગોસ્ટ બન ગઈ… યા યા હિપ્પી હિપ્પી યાયાયા… 

તમારે આંગણે આવે | હેમકાવ્યો

મિત્રો,

આજનો આ રવિવાર “હેમકાવ્યો”ના નામ પર!

આજે “હેમકાવ્યો”ના સર્જક અને યુવાન મિત્ર હેમંત પુણેકરનો જન્મદિન છે.  એમનો પરિચય આપવાની જરૂર મને લાગતી નથી. સહુ મિત્રો તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો,  આપણે હેમંત પુણેકરના આંગણે જઈએ  અને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે….

Hemant Punekar

આ રહયો રસ્તો:  તમારે આંગણે આવે | હેમકાવ્યો.

ધિંગાણાં

[ગામ છે. ડેલી છે. બાપુ છે. ભગો છે ને ડાયરો છે. બે જ જણનો  ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.]

એલા ભગા.. એક વાત કેદુની મનમાં રમેછ.

તે મૂકોની વહેતી. વાર કેટલી? 

હું એમ કઉ છું કે આ ઘણાંય કમ્પ્યુટર કમ્પ્યુટર કરેછ તે ઈ કેવું હોય? તે જોયુંછ કોઈ દી? 

જોયું તો નથી  બાપુ. પણ સાંભળ્યું છે કે આ આપડા ટીવી જેવું જ ડબલું હોય. પણ એની માલીપા મલકનાં મલક ભર્યાં હોય. 

ઈ તો મને ય ખબર છે. પણ મલકનાં મલક એમ કાઈ રેઢાં નથી પડ્યાં! ઈ હાટુ એમાં ઇન્ટરનેટેય હોવું જોઈ. 

ઈ નથી ખબર.  ખોટું શું કેવું. 

પણ મને ખબર છે ને.  આપડે ઈ કમ્પ્યુટર લેવું છે. ને ઈન્ટરનેટ સોતું લેવું છે. તારે તપાસ કરવાની છે કે કેટલો ખરચ થાય. 

તપાસ કરવામાં વાર કેટલી? બે દીમા તમને જવાબ દઉ.

ક્યાં તપાસ કરીશ?

એની ચિંતા  તમારે નઈ કરવાની. તમારું કામ થઈ જાશે. ઈ પાકું. પણ બાપુ આ જાતી  જિંદગીએ વળી તમને આ નવાં નવાં રમકડે રમવાનું મન થયું? 

એલા રમવાની વાત નથી. ધિગાણાં કરવાની વાત છે! 

એનાથી વળી ધિગાણાં થાય? 

થાય તે કેવાં થાય? જોયા જેવાં થાય! 

પણ બાપુ. તમે થાય એટલાં ધિંગાણાં કરી લીધાં. હવે ધિંગાણાં કરવાની તમારી ઉમર નથી. 

એલા ભગા. હું જે ધિંગાણાંની વાત કરું છું એમાં ઉમરનો કોઈ બાદ નથી. 

પણ તલવાર તો હોવી જોઈએને? સાત ખોટની હતી ઈ યે વેચી દીધી છે. 

અરે ગાંડા. આ ધિંગાણાંમાં તલવારની જરૂર નો પડે. આ ધિંગાણાં લડી લડીને નો થાય. લખી લખીને થાય! 

આ વળી નવી વાત! પણ લખશે કોણ? તમને લખતાં આવડશે? 

ભગા. આપડે ધારીએ તો હંધુય આવડે. એમાં તો પાછું એવું હોય કે આપડે બટન દબાવીએ ને ઈ જ ઘડીએ  લખાઈ જાય. ને જેની ઉપર ઘા કરવો હોય એની ઉપર ઈ જ ઘડીએ ઘા થઈ જાય!

આ નવો ખેલ!

આપડે હવે ઈ ખેલ ખેલવાના છે. જિંદગીમાં કોઈ અબળખા બાકી નો રેવી જોઈ.

ઈ વાત સાચી. કોઈ અબળખા બાકી રહી જાય તો વળી ભૂત બનવાનો વારો આવે.

ને ઈ આપડે  થાવા નથી દેવું. સમજ્યોને?  

સમજી ગ્યો બાપુ. બે દીમા તમને આંકડો કઈ દઉ   લ્યો ઈ વાત પર આ બીજી બીડી સળગાવો. 

[બાપુએ અને ભગાએ ફરીથી બીડીઓ સળગાવી અને તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે કાઈ!]

તું બી ઘેટું હું બી ઘેટું

[Imaage: http://ttrmodernfarm.com/Services.asp?ChaID=6]

મિત્રો,

કોઈ એક ગીત એવું ઉપડે એવું ઉપડે કે ઠેર ઠેર એની જ બોલબાલા થવા લાગે. જ્યા જુઓ ત્યાં એની જ ચર્ચા! એની જ વાહ વાહ!! થોડાં દિવસો સુધી તો એવું જ લાગે કે આ તો દુનિયાની એક મોટી અજાયબી છે.

પરંતુ સામે પૂર તરવાવાળા પણ હોય છે. એમને એવું લાગે કે: આ ગીતમાં કાઈ દમ નથી. આ ગીતને તો ખોટું ફટવી માર્યું છે. આવું ગીત તો આપણી પાડોશમાં રહેતા બચુભાઈ પણ ગાઈ શકે! જો તેઓને ગાવાની લાઈનના કોઈ મોટાભા સાથે ઓળખાણ હોય તો! આ પ્રજા તો ઘેટાં જેવી છે! ઊંધું ઘાલીને જાય છે ભાગી!

આ તો માત્ર એક ઉદાહરણ છે. જે વાત ગીતની બાબતમાં બને તે જ વાત કોઈ કલાકાર, ખેલાડી, નેતા, સ્વામીજી, લેખક, ફેશન, ફિલ્મ કે પુસ્તક બાબતમાં પણ બની શકે. કોઈ એકની જ બોલબાલા વધી જાય ત્યારે  કોઈને  એવું લાગી શકે છે કે: પવન એકધારો અને એક જ દિશામાં વહે છે.

પરંતુ ચીલે ચીલે ચાલવાને બદલે વાંકાચૂકા ચાલાનારાઓની પણ આ દુનિયામાં કમી નથી. તેવાં લોકોને એવું લાગે કે: આ જે દોટ મૂકી રહ્યા છે તે તમામ ઘેટાં જેવાં છે. અને અમે એકલદોકલ સિંહ સમાન છીએ.

હવે આમાં બને છે એવું કે:એક બાબતમાં જે સિંહ સમાન હોય તે બીજી બાબતમાં વળી બીજાની નજરે ઘેટાં જેવાં હોય! જેમ કે: ગીતની બાબતમાં પોતાની જાતને સિંહ સમજનારનો  પ્રિય કલાકાર એ હોય કે જે કલાકાર બીજાં અનેક લોકોનો પણ પ્રિય કલાકાર હોય. એ કલાકારની  જથ્થાબંધ વાહ વાહ થતી હોય! તો એ કલાકાર, જે લોકોને કોડીની કિંમતનો લાગતો હોય તે લોકોની નજરે જે લોકો ઘેટાં જેવાં છે તે લોકોમાં, પેલા ગીતને કોડીની કિમતનું માનનારા સિંહજી પણ આવી જાયને?

ઘણી વખત એવું બને છે કે, કોઈ એક બાબતની તરફેણ કે વિરોધમાં લોકો રીતસર બે છાવણીમાં વહેચાય જાય છે. બંને તરફના લોકો એકબીજાંને ઘેટાં માનતાં હોય છે.

ક્યારેક એવું બને છે કે ,પોતે ક્રાંતિકારી મત ધરાવે છે એવું જાહેર કરનારાઓ વધી જાય છે ત્યારે એ લોકો પણ કોઈ બીજાની નજરે ઘેટાં હોય છે. આંદોલનમાં જોડાયેલાં લોકોને ઘેટાં કહેનારાં પણ હોય છે.  

મિત્રો, આ ઘેટાં-સિંહની બબાલમાં  તમારા દિમાગમાં હાનિકારક તરંગો ઉત્પન્ન થવા લાગ્યા હોય તો મને ક્ષમા કરજો. પરંતુ તમે એ વાત સાથે તો સહમત થશો જ કે મારી વાતમાં દમ છે.  આપણને કેટલીય વાર એવી લાગણી થઈ હશે કે:અન્ય લોકો ઘેટાં જેવાં છે. જ્યારે આપણે એ બધાથી અલગ રીતે વિચારનારા સિંહ જેવા છીએ.

 તો ક્યારેક બીજાંની નજરે આપણે ઘેટાં પણ પુરવાર થયાં હોઈશું!

પોતાનાં મત સાથે સહમત ન હોય તેવાં લોકોમાં ઘેટાંનાં દર્શન થવા એ કેવી ગજબની લાગણી છે નહિ?

પહેલાં તો માત્ર સમાજસુધારકો કે કોઈ તેજાબી લેખક જ લોકોની સરખામણી ઘેટાં સાથે કરતા. એ લોકોનો એકાધિકાર હવે છિનવાઈ ગયો છે.  હવે ઈલેક્ટ્રોનિક માધ્યમો વધી  જવાથી પોતાનો મત પ્રગટ કરનાર કોઈ પણ આમ આદમી બીજાને ઘેટાં કહી શકે છે, આ મોટી ક્રાંતિ ગણાવી જોઈએ.

અન્ય લોકો ઘેટાં જેવાં લાગવાં અને પોતાની જાત સિંહ જેવી લાગવી એ એક સ્વાભાવિક લાગણી હશે? આજના યુગની તાસીર હશે?. એમાં કયા કયા પરિબળોએ કામ કરતાં હશે? એ સવાલો કોઈ શોધનિબંધ લખવા માંગતા ઉમેદવાર માટે રહેવા દઈએ. પરંતુ તમને નથી લાગતું કે આ એક મજાની અને આનંદ આપનારી લાગણી છે. તો એથી વિપરિત બીજાં તરફ ગુસ્સો કે દયા લાવનારી લાગણી પણ  છે.

તો ચાલો પ્રેમથી એ સૂત્ર પોકારીએ કે: તું બી ઘેટું હું બી ઘેટું, આપણી વચ્ચે શાંને છેટું? 

વારા પછી વારો અને મે પછી ગારો!

[તસવીર: http://www.allinfodir.com/articles/the-future-of-the-internet-and-its-impact-over-society-and-human-beings.html ]

મિત્રો,

ઈન્ટરનેટના માધ્યમથી અનેક ફાયદાઓ થયા. તેમાનો એક ફાયદો એ પણ થયો કે લોકોના મગજમાં ઉમરકેદની સજા ભોગવતા કેદીઓ જેવાં મંતવ્યોને ઘડીના છઠ્ઠા ભાગમાં મગજની બહાર નીકળવાની આઝાદી મળી. આજે વિવિધ વેબસાઈટ પર વિવિધ પ્રકારનાં મંતવ્યો મુક્તપણે વિહારી શકે છે. કોઈ મર્યાદાથી ઢંકાયેલાં તો કોઈ ઉઘાડાં કે અર્ધ ઉઘાડાં.

આ મંતવ્યોને ખૂબ ખૂબ આઝાદી છે. એમને ભાષાની શાલ ઓઢવી ફરજિયાત નથી. એમની જોડણીની ટોપી ધારણ કરવી ફરજિયાત નથી. એ મંતવ્યો જે લોકોના મગજમાંથી પ્રગટ થાય છે તે લોકો લેખક કે વિદ્વાન હોય તે જરૂરી નથી. માણસમાત્ર મંતવ્યો આપવાને પાત્ર! આ વાત ઈન્ટરનેટનાં માધ્યમ થકી શક્ય બની છે. આ માધ્યમ થકી જ એક સામાન્ય આદમી મોટા મોટા રાજકીય નેતાઓના દિમાગને વાટ લગાડી શકે છે. પોતાની જાત, જાડી ચામડીની હોવા બદલ  ગર્વથી ફાટફાટ થતાં હોય એવા નેતાઓ પણ આમાંથી બાકાત રહેતા નથી.

હજી હમણાંની જ વાત છે કે ,સરકારના એક ધુરંધર નેતા દિગ્વિજયસિંહ Twitter દ્વારા અન્ના હજારે અને તેમની મંડળી  પર  ઘા મારીને આનંદ પામતા હતાં. પોતે વિરોધીઓની દુખતી નસ દબાવી શકે છે એ વાતનો, લુચ્ચું લુચ્ચું હસીને આનંદ પણ વ્યકત કરી શકતાં હતા. પોતે જાડી ચામડીના છે એ વાત પણ ગર્વથી કહેતા હતા. તેઓશ્રી  જે પરાક્રમો કરી શકે છે તેમાં તેમને મદદરૂપ કોણ થયું? ઈન્ટરનેટ.

હવે એ જ ઈન્ટરનેટ થકી એમની તેમ જ અન્ય નેતાઓની દુખતી નસો દબાઈ ગઈ છે ત્યારે મર્યાદાની ડાહી ડાહી વાતો કરે છે.  પોતે પ્રજાને મર્યાદાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડ્યાં હોય અને એવી વાત કરે તો લોકોને એમની વાત માનવા યોગ્ય લાગે પણ ખરી. વાતાવરણ એવું છે કે, કપિલ સિબ્બલ જેવાં નેતાઓ સો ટકા સાચી વાત કરે તો પણ એમની વાત પર ઘણાને ભરોસો પડે તેમ નથી. લોકોને એવું લાગે છે કે: એમના પગ નીચે રેલો આવ્યો છે એટલે એ નેતાઓએ આ સામુહિક  નૃત્યો શરૂ કર્યાં છે.

નેતાઓ જ નહિ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાનાં મંતવ્યો વ્યકત કરનાર સહુએ, “વારા પછી વારો અને મે પછી ગારો”  એ કાઠીયાવાડી કહેવત યાદ રાખવાં જેવી છે. નેતાઓ ભલે ગમે તે કરે પરંતુ આપણે જરૂર વિવેક રાખી શકીએ છીએ. ઈન્ટરનેટ પર ભલે કોઈ માપદંડ ન હોય પણ આપણે આપણો માપદંડ નક્કી કરી શકીએ છીએ. 

ગાતાં રહે… મેરા દિલ

[તસવીર:http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Dev-Anand-I-gave-the-world-Zeenat-Aman/articleshow/10979854.cms]

સાવરકુંડલા ત્યારે નાનકડું નગર હતું. પરંતુ નાવલી નદીનો પટ શોરબકોરથી ધમધમતો રહેતો. એ જ પટમાં ‘હેર કટિંગ સલૂન’ પણ હતું. જેના  બોર્ડ પર દેવાનંદની તસવીર હતી. સલૂનની ખુરશી પર બિરાજતી વખતે બાર તેર વર્ષના છોકરાઓ પણ કેશ કલાકારને ‘દેવાનંદ કટ’ની સૂચના આપી દેતાં. દેવાનંદ કટ એટલે આગળથી ફુગ્ગો અને પાછળ ટૂંકા વરીયાળી કટ વાળ!

એ ૧૯૬૬ની આસપાસના દિવસો હતાં. જિંદગીઓ આજે પણ સંઘર્ષોથી ભરેલી છે અને ત્યારે પણ હતી. પરંતુ એ દિવસો હતાં આઠ આના[પચાસ પૈસા], બાર આના[પંચોતેર પૈસા] કે એક રૂપિયાની ટિકિટ લઈને ટોકીઝના અંધારામાં પુરાઈને, સીટીઓ અને તાળીઓના અવાજ સાથે દેવાનંદની અદાઓ, હરકતો અને મસ્તીના દરિયામાં ડૂબી જવાના.

નડિયાદ જેવા કોઈ પણ નગરની શેરીના છોકરાઓ જિદે ચડતા કે: “રાજકપુર અને દિલીપકુમારમાંથી કોણ ચડે?” ત્યારે કેટલાક છોકરાઓ  દૂર રહીને એ ચર્ચાનો આનંદ, ઊંચા કોલર રાખીને માણતા. એ ઊંચા કોલર એ દેવાનંદના આશિકોની આગવી ઓળખ હતી.  ”અદા તો દેવાનંદની” આવી કહેવત પડી ગઈ હતી!

ગઈ કાલથી ટીવીના પર્દા પર, દેવાનંદને શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની  જિંદગી વિષે જાણીતી અને અજાણી ઘણી વાતો રજૂ થઈ રહી છે તેમાં ઉમેરો થાય  તેવી કોઈ વાત મારી પાસે નથી. પરંતુ એક કલાકારનો પ્રભાવ સમાજ પર કેટલો હોઈ શકે છે તે આપણે સહુ અનુભવી શકીએ છીએ.

દેવાનંદની પોતાની આગવી શૈલી હતી. ડોલતા રહેવાની! આપણા વિદ્વાનો એને ડોલનશૈલી કહી શકે! ઝડપથી સંવાદો બોલવાની એમની રીતની તો આજે પણ  મિમિક્રી થાય છે. કર્ણપ્રિય ગીતોમાં  દેવાનંદ પોતાના હાવભાવથી એક પ્રકારનો નશો ઉમેરી દેતા. રોજિંદી ઘટમાળથી થાકેલા મનને બીજું શું જોઈએ?

પરંતુ ‘ગાઈડ’ ફિલ્મે ચાહકોને આનંદ સાથે આંચકો પણ આપ્યો! દેવાનંદના મોંઢેથી ગીતાના  શ્લોક! આત્મા અને પરમાત્માની વાતો! પરંતુ દેવાનંદે એ  કસોટી પણ પોતાની અદા સાથે નિભાવી. “ગાઈડ” આર.કે નારાયણના પુસ્તક પર આધારિત હતી. જેમાં લીધેલી  છૂટછાટના કારણે લેખક પણ નારાજ હોવાની વાત બહાર આવી હતી. 

‘ગાઈડ’ હોય કે ‘દેવદાસ’ હોય. જાણીતા પુસ્તક પરથી ફિલ્મ બને ત્યારે મોટાભાગે ટીકા થતી હોય છે કે:મૂળ કથાને પૂરો ન્યાય નથી મળ્યો. પરંતુ પ્રેક્ષકોને ફિલ્મ ગમી જાય છે તો તેઓ વિવેચકોને ગાંઠતા નથી. ‘ગાઈડ’ આજે પણ ફરી ફરીને જોવાનું પસંદ કરનારા લોકો છે.  

દેવાનંદ છેવટ સુધી  ફિલ્મ્સ બનાવતા રહ્યા. છેલ્લી ઘણી ફિલ્મ્સ ચાલતી પણ નહોતી. છતાંય તેઓનું મનોબળ તૂટ્યું નહોતું. શું પોતાની મર્યાદાઓ એમને નહિ સમજાતી હોય? કે બદલાતા જમાનાનો ખ્યાલ એમને નહિ આવતો હોય?આ વાત ઘણાને મગજમાં ન બેસે તેવી છે. તેઓએ પોતાની જાતને ફિલ્મ ઉદ્યોગથી દૂર ન કરી. સતત પોતાની ધૂનમાં રહ્યા. કદાચ એટલે જ તેઓ  છેવટ સુધી શાનથી જીવી શક્યા.  લાહોરમાં જન્મ, ભારતમાં જિંદગી અને લંડનમાં અવસાન! આ પણ એમની ડોલન શૈલીનું જ ઉદાહરણને? 

દેવાનંદના ચાહકો માટે દેવાનંદને અલવિદા કહેવાનો સવાલ જ નથી. ચાહકોના દિલના પોકેટમાં દેવાનંદ અકબંધ છે અને રહેશે. દેવાનંદે એમના  જીવનમાં ભરેલા રંગો દેવાનંદને ભૂલવા નહિ દે.

એ પણ અજબની વાત છે કે: જેની સાથે લોહીના સંબંધ ન હોય તેવાં લોકો પણ માણસની રોજિંદી જિંદગી પર ગજબનો પ્રભાવ પાડતા હોય છે. ખાસ કરીને કલાકારો! 

આવા જ  એક કલાકાર દેવાનંદને ઊંચા કોલર સાથે સલામ. 

શિક્ષા

મિત્રો, 

પોતાના બાળકને સંસ્કારી બનાવવાની લહાયમાં અતિ કઠોર વર્તન દાખવનારા એક પિતાની મનોદશા રજૂ કરતી મારી એક વાર્તા “રીડ ગુજરાતી ” પર રજૂ થઈ છે. આપ સહુને ગમશે તેવી આશા સાથે વાર્તાની લિંક મૂકું છું. વાર્તા વાંચીને “રીડ ગુજરાતી ” પર જ પ્રતિભાવ આપશો એવી  વિનંતી છે. 

આ રહી લિંક: શિક્ષા – યશવંત ઠક્કર (ટૂંકી વાર્તા)

—— યશવંત ઠક્કર