ઉલાળા! ઉલાળા!
મિત્રો, આ શબ્દો વાંચીને તમને, “ડર્ટી પિક્ચર”નું આજકાલ ખૂબ ઉલાળા મારતું ગીત ઉલ્લાલા.. ઉલ્લાલા હોઠે ચડી જાય અને તમે મનોમન ઉલાળા મારવા લાગો તો તેમાં કશું અજુગતું નથી. ગીત જ ઉલાળા મરાવે એવું છે. જોવાનું એ રહે છે કે, નાયિકા વિદ્યા બાલનના ઉલાળા ફિલ્મને થિયેટરમાથી વહેલી વહેલી ઉલળતી બચાવી શકે છે કે નહિ.
મનુષ્ય સામાજિક પ્રાણી છે. મતલબ કે પ્રાણી તો છે જ. પ્રાણીમાત્ર ઉલાળા મારવાને પાત્ર છે. સામાજિક પ્રસંગોએ મનુષ્ય ઉલાળા મારે તે સ્વાભાવિક છે. લગ્નની મોસમમાં રસ્તા વચ્ચે વિહરતા વરઘોડા આ બાબતમાં ઉત્તમ ઉદાહરણ છે. વરઘોડો શબ્દ જ મનુષ્ય અને પ્રાણી વચ્ચેની સમાનતા સૂચિત કરે છે. જેમાં વરનારો અને વરાવનારાઓ ઘોડાની જેમ ઉછળી શકે તે વરઘોડો!
ધાર્મિક પ્રસંગોમાં તેમજ તહેવારોમાં પણ મનુષ્યને ઉલાળા મારવાના મોકા મળે છે. આ પ્રસંગોએ પણ ધાર્મિક ગીતોના બદલે ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે કારણ કે ફિલ્મી ગીતો ઉલાળા મારવા માટે શક્તિ મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
રાજકીય ક્ષેત્રે તો આજકાલ ઉલાળાયુગ ચાલી રહ્યો હોય તેવું લાગે છે!
ચાર રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે નેતાઓ ઉલળી ઉલળીને ભાષણો કરવા લાગે! રાહુલ ગાંધી ખરેખર બાંયો ચડાવીને અને ઉલળી ઉલળીને,માયાવતીની સરકારને ઉલાળી નાખવા માટે લોકોને આહવાન કરી રહ્યા છે. તો સામે પક્ષે વગર ઉલાળા માર્યે માયાવતી ભાષણ વાંચી જાય છે! એમનું કહેવું એમ છે કે, સપનાં જોયા કરો. હું કે મારો હાથી ઉલળીએ તેવાં નથી.
ભાજપના નેતાઓને રૂડા રૂડા શબ્દો ઉલાળવામાં કાબેલ છે. સુષ્મા સ્વરાજ બોલતાં હોય ત્યારે ડોલમાંથી સાબુનાં ફીણ ઉલાળા મારતાં હોય તેવું લાગે છે. અડવાણીજીને તો ધોળે દિવસે સરકાર ઉલળી જવાનાં સપનાં આવતાં હોય તો નવાઈ નહિ.
સરકારે વોલમાર્ટ માટે રસ્તો ખોલવાની વાત કરીને વિરોધ પક્ષો અને નાનામોટા વેપારીઓને ઉલાળા મારતાં કરી દીધા છે. નાના નાના વેપારીઓ ને હવે પોતે ઉલળી જશે એવી બીક લાગી છે.
પેટ ઉલાળવાની અનોખી કળા જેને આવડે છે તે બાબા રામદેવને સરકારે પોલીસ મારફતે મંચ પરથી એક વખત ઉલાળો મરાવ્યો. હવે તેમને લોકોની નજરમાંથી ઉલાળી નાખવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. અન્ના મંડળીના અભ્યોને ઉલાળી નાંખવા માટે એમની નાનીમોટી ભૂલો શોધી કાઢીને ઉછાળવામાં આવી રહી છે.
આન્નાજીના વ્યક્તિત્વમાથી તો ક્યારેક ગાંધીજી તો ક્યારેક શિવાજી ઉછળીને બહાર આવી જાય છે! ટુ ઇન વન! ડબલ પર્સનાલીટી!! ન ઉછળવા જેવાં શબ્દો તેમના હોઠેથી ઉછળી જાય છે ત્યારે કેટલાક લોકોને તેમનાં પૂતળાં ઉછાળવાના મોકા મળી જાય છે! તેમાં મિડીયાનો ફાળો પણ નોંધપાત્ર હોય છે. અન્નાજીના મોંઢેથી “ચાટા મારા? એક હી મારા?” શબ્દો ઉછળ્યા એક વાર. પરંતુ મીડિયાએ ઉછળતા દેખાડ્યા વારંવાર! ”ચાટા મારા? એક હી મારા?”… ”ચાટા મારા? એક હી મારા?”…. ”ચાટા મારા? એક હી મારા?”. મીડિયા પોતે તો ઉલાળા મારે પણ બીજાંને પણ ઉલાળા મરાવી શકે છે.
સંસદ સભ્યો પણ સંસદમાં વિરોધ કરવામાં મર્યાદા રાખતાં નથી ત્યારે સંસદના આખેઆખાં સત્રો કામ કર્યાં વગર ઉલળી જતાં હોય છે.
તાજેતરનો સહુથી વધારે ચર્ચાસ્પદ ઉલાળો, હરવિન્દરસિંહનો ગણી શકાય. આ ઉલાlળાના પરિણામે તેણે શરદ પવારના ગાલે તમાચો ચોડી દીધો. આ ઉલાળાના પ્રભાવે જ તમામ સંસદ સભ્યોએ એક થવું પડ્યું અને હરવિંદરસિંહના ઉલાળાને એકી અવાજે વખોડવો પડ્યો! કાશ! આવી જ એકતાનું પ્રદર્શન જનતાની ભલાઈ માટેના ઠરાવો પસાર કરવા માટે થયું હોત તો દેશના કોઈ યુવાનના દિમાગમાં ગુસ્સો ઉલાળા ન મારતો હોત!
बात हद से बढ गई तो हो गई बबाल
ढाई किलो के हाथने ढूंढ लिया एक गाल!
મિત્રો, શિયાળો આવી ચૂક્યો છે. શિયાળામાં વ્યાયામના બહાને સહુને ઉલળવાના અવસર મળે છે. યથાશક્તિ ઉલળવાથી આપણું દિલ પણ સારી રીતે ધબકતું રહે છે. જેનું દિલ ધબકતું બંધ થાય તે આ દુનિયામાંથી ઉલળી જાય છે.
આ હિસાબે ઉલળવું તે આપણો જન્મસિદ્ધ જ નહિ પરંતુ મરણસિદ્ધ અધિકાર પણ છે!
[આ ફટાકડો મેળવ્યો અહીંથી: 